ઐયાશ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ-૪)

05 May, 2022 12:38 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘તારું સ્તબ્ધ થવું સ્વાભાવિક છે. મારા ગુનાની સજા કમ લાગતી હોય તો બીજો દંડ દેવાનો તને અધિકાર છે...’

ઐયાશ

‘અદ્ભુત!’
રૂમમાં ડોકિયું કરતો અક્ષત પળભર પૂતળા જેવો થઈ ગયો.
કૃતિ ગજબની રૂપાળી દેખાતી હતી. સફેદ પોત પર સોનેરી ભરતવાળા લાલ પટ્ટાની સાડી, મૅચિંગ બ્લાઉઝ, ગોલ્ડન જ્વેલરી, માફકસરનો મેકઅપ, અંબોડામાં રાતાં ગુલાબની વેણી... તેના આગમને પાર્લરવાળી બહાર નીકળી એટલે રૂમમાં પતિ-પત્ની એકલાં પડ્યાં.
‘વાઇટ શેરવાની પર મરૂન સાફો... આપ પણ ખૂબ સોહામણા દેખાઓ છો અક્ષતસાહેબ!’
સાંભળીને મંદ મલકતા અક્ષતના દિમાગમાં પડઘો પડ્યો : ‘રૂપ ક્યાં કોઈનું કાયમ રહ્યું છે!’ જુબાનેથી જોકે જુદું જ બોલ્યો : ‘મેં ફોટોગ્રાફરને તેડાવ્યો છે... આપણા બન્નેનો સુંદર ફોટો કરાવવો છે. ફ્રેમ જોઈને લોકોને થવું જોઈએ કે મૅચિંગ હોય તો આવું!’
બાકીનું મનમાં પૂરું કર્યું : ‘ફંક્શન પતતા સુધી ચહેરો ફોટો માટે લાયક રહેશે પણ નહીં.’ 
આ વિચારે આછો નિઃશ્વાસ જ નાખી શક્યો અક્ષત!
lll
‘લવલી અરેન્જમેન્ટ્સ!’
સાંજે સાડાછ વાગ્યે કેક-કટિંગનો ટાઇમ હતો. છ-સવાછ સુધીમાં મહેમાનો આવી પહોંચ્યા.
વિલાની વિશાળ લૉનમાં બેહદ સુંદર સજાવટ હતી. ઍર-કન્ડિશન્ડ શમિયાણાની મધ્યમાં રિવૉલ્વિંગ સ્ટેજ હતું અને ફરતે ગોળાકારમાં મહેમાનો માટે ખુરસીઓ ગોઠવાઈ ગઈ હતી. જૂસ, ડ્રાયફ્રૂટ્સ, સ્નૅક્સની ટ્રે ફરી 
રહી હતી.
‘હમણાં અક્ષત બર્થ-ડે ગર્લને લઈને આવી પહોંચશે... જુઓ, સ્ટેજના ટેબલ પર કેક પણ ગોઠવાઈ ગઈ છે...’ મહેમાનોનો ગણગણાટ પહેલી હરોળમાં ગોઠવાઈ ગયેલી રિયાના હૈયે જુદી જ ગુદગુદી જન્માવતો હતો.
પોતે કૃતિ માટે ગ્રૅન્ડ પાર્ટી રાખશે એવું તો અક્ષતે વડોદરામાં જ કહેલું અને એ બહુ લૉજિકલ હતું : ‘આગના ‘અકસ્માત’ની ઘટના બધાની હાજરીમાં બને તો અક્ષત આપમેળે શંકાના દાયરામાંથી બહાર નીકળી જાય!’
અને પોતાનું આગમન સ્વાભાવિક લાગે એ માટે અક્ષતે સ્ટાફના 
આઠ-દસ જણને ઇન્વાઇટ કર્યા એનો રિયાને હરખ પણ હતો. ‘કૃતિ બળે એ ઘટના મારે નજરે જોવી છે! આખરે મારું મિસિસ અક્ષત બનવાની દિશામાં એ પહેલું પગલું!’
ત્યાં અક્ષત-કૃતિના પ્રવેશે તે ઝબકી. ‘બેઉની જોડી ગજબની શોભે છે એ તો કબૂલવું પડે!’ મહેમાનોનુ અભિવાદન ઝીલતાં અક્ષત-કૃતિ સ્ટેજ પર પહોંચ્યાં.  
‘વૉર્મ વેલકમ ટુ ઑલ.’
કૃતિને કેકના ટેબલ સામેની ચૅર પર બેસાડીને અક્ષતે કળ દબાવતાં સ્ટેજ હળવે-હળવે ઘૂમવા લાગ્યું. કોર્ડલેસ માઇક લઈને અક્ષતે મહેમાનોને આવકાર્યા, પછી મુદ્દે આવ્યો, ‘આમ તો કેક-કટિંગ પછી ગિફ્ટ આપવાનો રિવાજ છે, પણ આજે મારે ઘણી પ્રથાનો ભંગ કરવો છે. મારી પત્નીને હું પહેલાં ગિફ્ટ આપવા માગું છું, કેકનો વારો પછી.’
મહેમાનોમાં જરાતરા અચરજ થયું. રિયાના કપાળે કરચલી ઊપસી એ અક્ષતથી અજાણ્યું ન રહ્યું. કૃતિને થયું કે અક્ષુ આજે સરપ્રાઇઝ પર સરપ્રાઇઝ આપે છે!
‘ધિસ ઇઝ ફૉર યુ...’ અક્ષતે કેકના પડખે મૂકેલો પોર્ટફોલિયો ઉઠાવીને અંદરના દસ્તાવેજ કૃતિને ધર્યા, ‘તારા જન્મદિનની ભેટરૂપે હું મારું સર્વ કંઈ તારા નામે કરું છું.’
‘હેં!’ કૃતિ આંચકો પામી ગઈ. તેનાં મા-બાપ પણ ચમકી ગયાં. મોટા ભાગના મહેમાનોના ચિત્તમાં અક્ષતની ત્રણ-ચાર હજાર કરોડની મિલકતનો આંકડો ઝબકી ગયો. રિયા સમસમી ગઈ : ‘બધું કૃતિને ધરીને અક્ષત ભિખારી થઈ ગયા?’
તેણે હોઠ કરડ્યો : ‘ક્યાંય આમાં અક્ષતની રમત તો નથીને! હું આપઘાતના નામે તેને ઇમોશનલ બ્લૅકમેઇલ કરું છું એમ તે મારી પરીક્ષા કરતો હોય - ‘તું તો મને ચાહે છેને, તને કઈ મારી મિલકતમાં ઓછો રસ છે! તેને કેમ સમજાવવું કે પૈસા વિનાનો તું મારા માટે એકડા વિનાના શૂન્ય જેવો છે!’
- ‘પણ થોડી મિનિટમાં જે ખુદ કુરૂપ થવાની છે તેને મિલકતનો ધર્માદો કરવામાં ફાયદો શું?’
- ‘ફાયદો એ જ કે કૃતિના ‘અકસ્માત’માં કોઈને પતિનું કાવતરું ગંધાય નહીં. અક્ષત માટે કૃતિનું મહત્ત્વ આ પગલાથી પુરવાર થઈ ગયું ગણાય. દાઝેલી કૃતિ પોતાનું સઘળું પાછું અક્ષતને જ સુપરત કરીને તેનાથી દૂર જતી રહેવાનું પસંદ કરે - એ અર્થમાં અક્ષુ પાછા શ્રીમંત પણ થવાના!’
‘હાશ.’ રિયાને ધરપત થઈ. અક્ષુની ચોકસાઈ પર માન જાગ્યું - ‘કહેવું પડે તમારી બુદ્ધિને!’
‘અને હવે કેક-કટિંગ!’
સાંભળતાં જ રિયા ટટ્ટાર થઈ એ અક્ષતે નોંધ્યું. ‘હવે પછીની બે-ત્રણ મિનિટ જ અગત્યની છે, એ ધાર્યા મુજબ વીતે તો બસ!’
‘આમ તો કેક કૃતિએ જ કટ કરવાની હોય, પણ આજે તેના વતી આ કામ પણ હું કરવા માગું છું’ કહીને તેણે કૃતિ તરફ જોયું, ‘ઇફ યુ પરમિટ.’
ઘણાને આ થોડું વધારે પડતું લાગ્યું. કૃતિનું અચરજ બેવડાયું, રિયાની ભ્રમર તંગ થઈ - ‘આખરે અક્ષત કરવા શું માગે છે? કેકમાં તે ‘જોઈતી વ્યવસ્થા’ કરી નહીં શક્યો હોય? કૃતિ માટે તેણે કંઈ બીજું વિચારી રાખ્યું હશે? કે પછી...’
તે હાંફી ગઈ : ‘કૃતિને બદલે તે ખુદ બળવા માગતો હશે!’
-એ જ ક્ષણે ભડકો થયો. વાંકો વળીને કેક પરની કૅન્ડલ સળગાવવા 
જતાં અક્ષતથી સળગતી માચીસ કેક 
પર પડી અને ભભૂકતા અગ્નિની 
જ્વાળા અક્ષતના ચહેરાને ભયાનક રીતે દઝાડી ગઈ!
હોહા મચી ગઈ! કૃતિ ચીખી ઊઠી, અક્ષતની દર્દભરી ચીસ વાતાવરણને કંપાવતી હતી. રિયા થીજી ગઈ, ‘અક્ષતને આ શું સૂઝ્‍યું!’
ઍમ્બ્યુલન્સની સાયરને ધીમે-ધીમે ચેતના પ્રેરી : ‘મારો ઇમોશનલ બ્લૅકમેઇલનો અક્ષતનો આ જવાબ હતો ઃ ‘તું જે કારણથી મારી થવા માગતી હતી તેને જ મેં મિટાવી દીધાં! હજીય મારા વિના તને આપઘાતના વિચાર આવતા હોય તો હું છડેચોક તારો થવા તૈયાર છું. મને સ્વીકારવાની તારી તૈયારી છે?’ 
ધ્રૂજી જવાયું. ‘લક્ષ્મી વિનાનો, રૂપ વિનાનો અક્ષત ‘પ્યાર’ના નામે દુહાઈ દઈને મને ઇમોશનલ બ્લૅકમેઇલ કરે એ પહેલાં અહીંથી સરકવામાં જ મજા છે!’
lll
‘રિયા, તું મારો ફોન કેમ નથી લેતી!’
અક્ષતના સાદે કૃતિના પગ હૉસ્પિટલ-રૂમના દરવાજે જ થંભી ગયા.  
‘ઘરથી ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ જતાં સુધીમાં અર્ધબેહોશીની હાલતમાં અક્ષત વારંવાર કૃતિની માફી માગતો રહેલો, ત્યારનું હૈયું કાંપતું હતું. જરૂર કશુંક બન્યું છે. આજની ઘટનાને કેવળ અકસ્માત ગણાય નહીં, એવું કંઈક 
બન્યું છે!’
‘થૅન્ક ગૉડ, તેમનો ચહેરો દાઝ્‍યો, પણ આંખો બચી ગઈ.’
‘ઇમર્જન્સીમાં મોજૂદ ડૉક્ટરની તપાસ પછી હાશકારો થયેલો. બર્ન પેશન્ટના સ્પેશ્યલ વૉર્ડમાં રહેલા 
અક્ષતની રિકવરી ઝડપી રહી. ગઈ કાલે મને કહ્યું પણ ખરું ‘ઘરે જઈને તને ઘણું બધું કહેવાનું છે... અને અત્યારે હું દવા લેવા ગઈ એમાં અક્ષતે કામ શરૂ પણ કરી દીધું?’ 
‘તું મારી ખબર પૂછવા પણ ન આવી. સવારથી ૧૨ ફોન કર્યા ત્યારે માંડ તને કૉલ રિસીવ કરવાની ફુરસદ મળી?’
‘ના, આ બિઝનેસ-ટૉક નથી.’ કૃતિ ફફડી ગઈ. તેને વડોદરાનો ફોનકૉલ સાંભરી ગયો.
‘રિયા, કંઈક તો બોલ! મારા વિરહમાં આત્મહત્યાનો વિચાર તો નથી કરતીને! તારો પ્રેમ...’
‘આત્મહત્યા! પ્રેમ!’ કૃતિ સ્તબ્ધ બની. 
‘પ્રેમ!’ રિયા એટલું જોરથી બોલી કે કૃતિને પણ સંભળાયું, ‘હેવ યુ ગૉન મૅડ? તારા જેવા ભિખારીને હું ચાહતી હોઈશ? ઓહ, યુ સ્પોઇલ એવરીથિંગ, કૃતિને બદલે પોતાને જ બાળી મૂક્યો?’
‘હા-હા-હા...’ અક્ષતે અટ્ટહાસ્ય વેર્યું, ‘મને તારી ફિતરતની જાણ હતી જ રિયા, તારા મોહમાં કૃતિનુ બૂરું ન ઇચ્છવાની સદ્બુદ્ધિ મેં ગુમાવી નહોતી. મારી જિંદગીમાં કૃતિનું સ્થાન કોઈને 
હું આપું પણ નહીંને! તને પહોંચી વળવાના બીજા માર્ગ ખરા, પણ ડર એટલો જ રહેતો કે ક્યાંક કૃતિને જાણ થઈ ગઈ, તેને મારી ઐયાશીની ગંધ આવી ગઈ તો...’ 
પોતાની એ તરસ, લંડનથી શરૂ કરેલી ઐયાશી ઉલ્લેખતા અક્ષતનો સ્વર ધ્રૂજ્યો, એવી જ ધ્રુજારી કૃતિએ અનુભવી. 
‘કૃતિને સઘળું કહી દઉં તો તે મને માફ કરે કે ન કરે, પોતે જ દૂર જઈ તારો માર્ગ જરૂર મોકળો કરી દે; તેનું દૂર થવું પણ કેમ સહન થાય! એટલે પછી એવો માર્ગ ગોત્યો જેમાં કૃતિને નુકસાન 
પણ ન હોય ને તને ફાયદો પણ ન થાય! મને મારા બળવાનો અફસોસ નથી, રિયા. મેં એવો માર્ગ લીધો જેમાં 
મારા કૃતિને છેતરવાના અપરાધની 
સજા પણ હોય... ’    
‘યુ... યુ... ફરી મને તારું બળેલું મોઢું ન દેખાડતો.’ રિયાએ દાઝ દાખવી કૉલ કટ કર્યો.
અક્ષત કડવું હસ્યો. કૃતિ દરવાજેથી જ પાછી વળી ગઈ.
lll
‘મેં આ શું સાંભળ્યું!’ 
અક્ષતનો ચહેરો ખાસ્સો બળી ચૂકેલો, એ કદરૂપાપણાનો થડકો કૃતિને ઊપસ્યો નહોતો, પણ ચરિત્રની એબ અસહ્ય હતી. ‘અક્ષત જેવો આદર્શવાદી પુરુષ ઐયાશ હોય એ મનાય પણ કેમ!’
‘...પણ એ હકીકત હતી. 
ઐયાશીની લતે તેમને રિયામાં ભેળવ્યા. ધારો કે રિયાએ તેમને ઇમોશનલ બ્લૅકમેઇલ ન કર્યા હોત તો આજેય હું અંધારામાં હોત, અને આજેય તેમનો સંબંધ ચાલુ હોત!’
 ‘લગ્નજીવનમાં મેં તમારી પાસે કેવળ વફાદારી માગી હતી એ વચન પણ તમે વીસર્યા?’
કૃતિનું ભીતર ધમધમતું હતું. ‘કેકવાળી ઘટનામાં કોઈને એવી ગંધ ક્યાંથી આવે કે આ ‘અકસ્માત’ જાણીને કરાયો હતો! બધાને અક્ષત પ્રત્યે હમદર્દી હતી, સર્વસ્વ પત્નીને નામે કરનાર પ્રત્યે આદર હતો, હવે હું તેમની અસલિયત જાહેર કરી દઉં તો સમાજમાં તેમની શું આબરૂ રહે!’
‘મારે આ જ કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ?’
કૃતિને થયું કે આ વિશે આવેશમાં નહીં, શાંતિથી વિચારવું પડશે કે હવે શું?’
‘કોઈ નિર્ણય પર અવાય ત્યાં સુધી જેમ ચાલે છે એમ જ ચાલવા દઈએ.’ 
lll
અને વીસમા દિવસે રજા લઈને ઘરે આવ્યા. બેડરૂમમાં સેટલ થતાં જ અક્ષતે સઘળું કંઈ કબૂલી લીધું.
કૃતિએ જતાવા ન દીધું કે પોતે આ બધું જાણી ચૂકી છે! 
‘તારું સ્તબ્ધ થવું સ્વાભાવિક છે. મારા ગુનાની સજા કમ લાગતી હોય તો બીજો દંડ દેવાનો તને અધિકાર છે...’
તોય કૃતિ કાંઈ ન બોલી એટલે અક્ષત પલંગ તરફ વળ્યો. 
‘મેં તને મારું સઘળું દઈ દીધું કૃતિ. છેવટની ગિફ્ટ આજે આપું છું’ કહીને અક્ષતે તકિયા નીચેથી કવર કાઢતાં કૃતિની આંખો પહોળી થઈ ગઈ. ‘હૉસ્પિટલમાં રહીને તમે આટલી તૈયારી કરી લીધી એ પૃચ્છા અર્થહીન લાગી.’ 
‘આમાં છૂટાછેડાનાં કાગળિયાં છે...’ અક્ષતે કવર ધર્યું, ‘મેં સહી કરી દીધી છે.’
‘છૂટાછેડા!’ 
‘મને હવે જવાની રજા આપ, કૃતિ. તારી હવે પછીની જિંદગીમાં કોઈ કુરૂપતા, કોઈ ધોકો નહીં રહે...’ અક્ષતની પાંપણ છલકાઈ, હાથ જોડ્યા, ‘ખૂબ ખુશ રહેજે. યોગ્ય પાત્ર શોધીને ફરી પરણજે.’
અને કૃતિનો બંધ તૂટ્યો, 
‘બસ, અક્ષત, બસ. તમે જેને ગુનો ગણો છો એ ઐયાશીની મને જાણ છે...’
કૃતિએ રિયા સાથેની ટેલિટૉક સાંભળી હતી એ જાણીને અક્ષત હેબતાયો.
‘વીત્યા આ દિવસોમાં હું જાત સાથે ખૂબ ઝઘડી છું. તમારા પર ગુસ્સો આવ્યો, મનોમન ઘણું ખરું-ખોટું સંભળાવી દીધું, પણ તમારા પ્રત્યે નફરત ન જાગી... શું કામ? જાતને ખોતરતાં આનું એક જ કારણ મને મળ્યુ. તમે ધાર્યું હોત તો રિયાના બ્લૅકમેઇલિંગના નામે મને છોડી શક્યા હોત, નુકસાન પહોંચાડી શક્યા હોત, પણ ના. તમે તો બધું મને ધરીને પોતે કુરૂપ થવાનું સ્વીકાર્યું. પ્રણયમાં આનાથી વિશેષ સમર્પણ બીજું શું હોય? જે ભૂલ થઈ એની સજા તમે ઓઢી લીધી. તમારો અપરાધ સાચો, એમ એનો પસ્તાવો પણ એટલો જ સાચો.’ 
કૃતિનો શબ્દેશબ્દ અક્ષતમાં દીવડાનો ઉજાસ પથરાવતો હતો. કૃતિએ ડિવૉર્સનાં કાગળ ફાડ્યાં, 
‘નહીં, અક્ષુ, હું તમારાથી છૂટી થવા નથી માગતી. મારા માટે તમે આજે પણ હૈયાના હાર છો, મારું સર્વસ્વ છો, દુનિયાના સૌથી રૂપાળા પુરુષ છો!’ 
કહેતાં એણે અક્ષતનો બળેલો ગાલ ચૂમી લીધો. આમાં દયા નહોતી, ઉપકાર નહોતો, કેવળ પ્યાર હતો. એવા જ પ્યારથી અક્ષતે તેને ભીંસી દીધી. ઓરડામાં ફરી સુખ પથરાઈ ગયું. 
કથાના ઉપસંહારમાં એટલું જ કે એક વારના અનુભવ પછી ઐયાશીને તિલાંજલિ દઈ અક્ષત કૃતિમાં એવો બંધાયો કે હવે ક્યાંય જઈ શકવાનો નહીં. પછી તો ડૉક્ટરની સલાહથી લંડનમાં સારવાર કરાવીને અક્ષત ફરી પહેલાં જેવો રૂપાળો થઈ ગયો, મુંબઈ પાછો આવી કૃતિએ મા બનવાના ખુશખબર આપ્યા. તેમનો સંસાર આજેય મઘમઘે છે. 
અને રિયા. અક્ષતની કંપનીમાંથી રાજીનામું મૂકી તેણે બીજે જૉબ શોધી લીધી. ફરી એક રૂપાળા શ્રીમંત જણાતા જુવાનના સંપર્કમાં આવી. અક્ષતની જેમ તે પરણેલો નહોતો એટલે રિયાએ જ ઉતાવળે લગ્નમાં બંધાઈ જવાનું પસંદ કર્યું. પછી જાણ થઈ કે તે જનાબ તો ફ્રૉડ છે, તેની અમીરી દેખાડો છે! આજે તે મહાશય રિયાની કમાણી પર એશ કરે છે અને રિયા પરાણે ગૃહસ્થીનો બોજ ઉઠાવી ઢસરડો કરી રહી છે! જેવી જેની કિસ્મત! ખરુંને?  

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff