...ઍન્ડ ઍક્શન.. જ્યારે પડદો ઊઘડે છે (પ્રકરણ ૧)

02 February, 2026 09:27 AM IST  |  Mumbai | Rashmin Shah

તેરમા ફ્લોર પર પહોંચ્યા પછી સોમચંદે ફ્લૅટનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખૂલતાં જ ધૂપની સુવાસ જોશભેર ઘરની બહાર નીકળી. અલબત્ત એ સુવાસ મનને શાંત કરનારી હતી. નિર્મલે ફ્લૅટમાં નજર કરી

ઇલસ્ટ્રેશન

અંધેરી-વેસ્ટના લોટસ પેટ્રોલ પમ્પ પાસે ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે નિર્મલ શાહની વાઇટ કાર થોડી ઓવરસ્પીડમાં ભાગતી હતી. નિર્મલના હાથ સ્ટીઅરિંગ વ્હીલ પર ધ્રૂજતા હતા, તેના કપાળ પર પરસેવો હતો જે ACની ઠંડકમાં પણ સુકાતો નહોતો. નિર્મલની આંખોમાં ભય અને લાચારી હતાં. તેની આંખો સામે ઇન્સ્પેક્ટર સાવંત સાથે થયેલી વાતો હતી. ઇન્સ્પેક્ટર સાવંતે જે રીતે તેની સામે શંકાની નજરે જોયું હતું, જે રીતે તેની મજાક ઉડાવી હતી એનાથી નિર્મલ અંદરથી ભાંગી પડ્યો હતો. પોલીસને તેની વાતમાં કોઈ રસ નહોતો. હવે તેને લાગવા માંડ્યું હતું કે પોલીસ તેને મદદ નહીં કરે.

‘અરે ભાઈ તું જાને...’ સાવંતના શબ્દો નિર્મલના કાનમાં ગુંજતા હતા, ‘તને કહ્યુંને, અમે અમારી રીતે તપાસ કરીશું. અત્યારે તું જા...’

‘અરે, મારી વાત તો સાંભળો...’ નિર્મલ રીતસર ચિલ્લાયો હતો, ‘મને નિયમો ખબર છે. ઍડલ્ટ વ્યક્તિને તરત જ શોધવાની ન હોય પણ હવે તો મારી વાઇફ વનિતા ગાયબ થયાને બે દિવસ થયા. પ્લીઝ, હવે તો તમે મને હેલ્પ કરો.’

નિર્મલની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

‘અમે સમજી ગયા. પણ તારી વાઇફના ગુમ થવા પાછળ કોઈ કારણ તો જોઈએને...’ ઇન્સ્પેક્ટર સાવંત ઇરિટેટ થયા હતા, ‘તું સમજતો કેમ નથી? હસબન્ડ-વાઇફના ઝઘડામાં આવું ક્યારેક બને. બેચાર દિવસમાં તે આવી જશે... અને બીજી વાત, હસબન્ડ- વાઇફના ઝઘડા માટે અમે ફ્રી નથી. મુંબઈ પોલીસને બીજાં અઢળક કામ છે. સમજાયું? જા... નીકળ.’

‘સર, તમે...’

‘તું જા...’ ઇન્સ્પેક્ટરે નિર્મલની બાજુમાં બેઠેલા ડિટેક્ટિવ સોમચંદ સામે જોયું, ‘હું આને હવે મારીશ હં... ક્યારનો સમજતો જ નથી.’

સોમચંદને નિર્મલમાં કે તેના કેસમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો પણ તેને લીધે પોતાની કામની વાત થઈ શકતી નહીં હોવાથી સોમચંદે જરા ઇન્ટરેસ્ટ દેખાડ્યો.

‘મિસ્ટર, તમે એક કામ કરો.’ વિઝિટિંગ કાર્ડ આપતાં સોમચંદે નિર્મલને કહ્યું, ‘સાંજે મને ફોન કરજો. હું તમને હેલ્પ કરીશ. અત્યારે મારે સાહેબને લઈને બહાર જવાનું છે, અમને જવા દો.’

‘પણ સર... હું સાચું કહું છું.’

‘હું સમજી ગયો. તમે ટેન્શન નહીં કરો. તમારી વાઇફ મળી જશે. અત્યારે તમે અમને પ્લીઝ...’ સોમચંદે હાથ પકડીને નિર્મલને ઊભો કર્યો, ‘અમે બીજા એક મોટા ટેન્શનમાં છીએ. તમે એક કામ કરો...’

ચેમ્બરની બહાર નીકળીને ડિટેક્ટિવ સોમચંદ શાહે નિર્મલને કૉન્સ્ટેબલ દામલેનું ટેબલ દેખાડ્યું અને દામલેને કહ્યું, ‘દામલે, ભાઈની બધી વિગત લખીને મને મોકલને...’

નિર્મલ કંઈ કહે એ પહેલાં જ સોમચંદ તેની તરફ વળ્યા.

‘તમે સાંજે ફોન કરો. આપણે રૂબરૂ મળીએ છીએ.’

lll

ગાડી ચલાવતાં નિર્મલે કૉલ રી-ડાયલ કર્યો.

એ જ બન્યું જે છેલ્લા એક કલાકથી બનતું આવ્યું હતું.

ફોન નો-રિપ્લાય.

‘મને કહે છે ફોન કરો ને હવે પોતે જ ફોન નથી ઉપાડતા...’ ગાડીના ડિસ્પ્લે પર દેખાતા મૅપ પર નિર્મલે નજર કરી, ‘ઘર તો કદાચ આવી ગયું. રૂબરૂ મળીને વાત કરું.’

ડિટેક્ટિવ સોમચંદનું ઘર અપના બજારની સામે હતું. રસ્તા પર ટ્રાફિક હતો પણ નસીબજોગે નિર્મલને પાર્કિંગ મળી ગયું અને તે સીધો સોસાયટીમાં દાખલ થયો કે તરત સિક્યૉરિટી ગાર્ડે તેને રોક્યો.

‘ડિટેક્ટિવ સોમચંદ... આઇ મીન સોમચંદ શાહને ત્યાં જવું છે.’

‘સર બહાર ગયા છે.’ સિક્યૉરિટી ગાર્ડે જવાબ આપ્યો, ‘તમે તેમને ફોન કરો.’

‘અરે પણ તે ફોન નથી ઉપાડતા...’

નિર્મલ કંઈ બોલે એ પહેલાં જ સિક્યૉરિટી ગાર્ડ ઝડપથી આગળ વધ્યો અને તેણે ગેટ ઓપન કર્યો. કૅબ અંદર દાખલ થઈ અને ફ્રન્ટ વિન્ડોનો કાચ ઊતર્યો. નિર્મલે જોયું, આગલી સીટ પર બેઠેલા સોમચંદે નિર્મલને પાછળ આવવાનો ઇશારો કર્યો.

‘જાઈએ.’

lll

સીડીઓ ચડતી વખતે નિર્મલનો શ્વાસ ફૂલવા માંડ્યો હતો.

‘આમ તો વૉક થતું નથી એટલે ટ્રાય કરું કે સીડીનો વધારે ઉપયોગ થાય...’ પગથિયાં ચડતાં સોમચંદે કહ્યું, ‘એવું લાગે તો ઉપર જઈને વાત કરીએ.’

તેરમા ફ્લોર પર પહોંચ્યા પછી સોમચંદે ફ્લૅટનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખૂલતાં જ ધૂપની સુવાસ જોશભેર ઘરની બહાર નીકળી. અલબત્ત એ સુવાસ મનને શાંત કરનારી હતી. નિર્મલે ફ્લૅટમાં નજર કરી. સામે ડ્રોઇંગ રૂમ હતો, ડ્રૉઇંગ રૂમમાં બે મોટા કાઉચ અને વચ્ચે ટીપાઈ પડી હતી તો ડ્રૉઇંગ રૂમની ડાબી બાજુએ એક રૂમ હતો અને જમણી બાજુએ એક રૂમ હતો. નિર્મલે અનુમાન લગાવ્યું કે એક કિચન હશે અને એક બેડરૂમ હશે.

‘કોણ?’

એક રૂમમાંથી અવાજ આવ્યો અને નિર્મલે અનુમાન બાંધ્યું કે સોમચંદનાં વાઇફ હશે. જોકે અંદરથી બહાર આવેલી એ વ્યક્તિને જોઈને નિર્મલ સમજી ગયો કે એ કામવાળી હતી.

‘માયા, મને સરસ ચા અને...’ નિર્મલની સામે જોઈને સોમચંદે પૂછ્યું, ‘તમને શું ફાવશે... ચા-કૉફી, સૉફ્ટ ડ્રિન્ક કે પછી હાર્ડ ડ્રિન્ક્સ?’

‘ના સર, પાણી...’

‘માયા, આમના માટે પાણી. અને મારી ચા જલદી.’

lll

નિર્મલ પાણીનો ગ્લાસ પકડવા ગયો તો તેના હાથ એટલા ધ્રૂજતા હતા કે પાણી ​િટપાઈ પર છલકાયું.

‘એકદમ શાંતિથી. તમારાં વાઇફને કંઈ નથી થવાનું.’ સોમચંદ માત્ર નિર્મલને ઑબ્ઝર્વ કરતા હતા, ‘તે પાછાં આવી જશે. તમે શાંતિથી પાણી પીઓ ને પછી મને આખી વાત કહો.’

નિર્મલ એકીશ્વાસે પાણી પી ગયો. એ દરમિયાન સોમચંદે પોતાનાં ચશ્માંના કાચ સાફ કર્યા અને પછી નિર્મલ સામે નજર સ્થિર કરી.

‘હું બે દિવસથી રોજ પોલીસ-સ્ટેશન જાઉં છું પણ ત્યાં...’

‘હા, એ લોકો થોડા કામમાં છે અને એ વધારે અગત્યનું કામ છે.’ સોમચંદે વાત કાપી, ‘મને પહેલેથી બધું સાંભળવું છે.’

‘જી...’ નિર્મલે વાત શરૂ કરી, ‘મારા અને વનિતાનાં મૅરેજને ચારેક વર્ષ થયાં છે. અમારાં લવ-મેરેજ છે. એ સમયે હું બોરીવલી સ્વિમિંગ ક્લબમાં સ્વિમિંગ કોચ હતો. વનિતા પણ મને ત્યાં જ મળી.’

‘તેના ફાધર શું કરે છે?’

‘ડાયમન્ડના બિઝનેસમૅન છે. વનિતા તેની એકની એક ડૉટર છે.’

‘તમે જૈન અને એ લોકો...’

‘જૈન જ, પણ મારવાડી જૈન. હા, તેના ફાધરને મૅરેજ સામે વિરોધ હતો પણ એ તો મારા પ્રોફેશન અને મારી ફાઇનૅન્શિયલ કૅપેસિટીની લીધે...’ નિર્મલે આગળ વાત વધારી, ‘એક વર્ષ સુધી તેમણે રિલેશન રાખ્યાં નહીં પણ પછી તે માની ગયા... વનિતા માટે તેમને બહુ પ્રેમ. વનિતાએ ટાઇમપાસ માટે ડ્રામામાં ઍક્ટિંગ શરૂ કરી એ પણ તેના પપ્પાને નહોતું ગમ્યું, પણ માત્ર દીકરીને લીધે તેમણે હા પાડી.’

‘ઓહ, તો તમારાં વાઇફ ઍક્ટ્રેસ હતાં?’ સોમચંદના ચહેરા પર સરપ્રાઇઝ હતું, ‘કેટલો ટાઇમ વનિતાએ ઍક્ટિંગ કરી?’

‘પાંચેક વર્ષ અને મૅરેજ પછી એક વર્ષ...’ નિર્મલે કહ્યું, ‘વનિતાએ સાતેક ગુજરાતી નાટક કર્યાં અને બે

ટીવી-સિરિયલ કરી... એક ગુજરાતી, એક હિન્દી...’

‘વાહ... સરસ...’ સોમચંદે ટીપાઈ પર પગ લંબાવ્યા, ‘સેલિબ્રિટીના હસબન્ડ તરીકે કેવું લાગે?’

‘એવું કંઈ ખાસ નહીં અને આમ પણ તે સેલિબ્રિટી નહોતી. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેણે ઍક્ટિંગ પણ છોડી દીધી હતી.’ નિર્મલને સોમચંદના સવાલોથી ઇરિટેશન થતું હતું, ‘સર, તે ગુમ છે એનું કંઈ કરોને...’

‘અરે હા... સૉરી, વનિતા ક્યારે અને કેવી રીતે ગુમ થઈ એની વાત કરો.’ સોમચંદ ફરી ચૅર પર કડક અવસ્થામાં આવ્યા, ‘શું છે, સેલિબ્રિટીની વાત આવી એટલી હું સહેજ ઑફ-ટ્રૅક થઈ ગયો. વાત કરો, તમને કેવી રીતે ખબર પડી કે તમારી વાઇફ ગુમ થઈ ગઈ છે?’

‘સર, અમે સાથે જ હતાં.’

‘એટલે?’ સોમચંદની આંખો પહોળી થઈ, ‘ભલામાણસ, તે વાઇફ છે, વાઇન નહીં કે ઢોળાઈ અને ઊડી જાય.’

‘એ જ તો કહું છું.’

‘માંડીને વાત કરોને. તમારે મોડું નથી થતુંને?’ સવાલ કરીને સોમચંદે જ તરત જવાબ આપ્યો, ‘ન જ થતું હોયને મોડું, હવે ક્યાં ઘરે વાઇફ રાહ જુએ છે? નિરાંતે અને પ્રૉપર વિગત સાથે વાત કરો.’

lll

‘સર, અમે બન્ને પરમ દિવસે રાતે ગોરાઈ ગયાં. બસ, એમ જ ચક્કર મારવા માટે. વનિતાનો મૂડ ખરાબ હોય ત્યારે દરિયાકિનારો અને દરિયાનાં મોજાં તેનો મૂડ સરખો કરવામાં બહુ કામ લાગે.’

‘મૂડ ખરાબ હોવાનું કારણ, ઝઘડો?’

‘અરે ના સર... PMS. આઇ મીન, પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ. વનિતાને એની જરા વધારે અસર થતી.’

‘જેની ઑરા શુદ્ધ હોય તેને આ સાઇડ-ઇફેક્ટ વધારે અસર કરે. પણ ઍનીવેઝ, તમે આગળ વાત કરો. તમે ગોરાઈ ગયાં...’

‘હા.’ નિર્મલે વાત આગળ વધારી, ‘સર, ગોરાઈ જઈને મેં ગાડી પાર્ક કરી અને વનિતા ત્યાં બીચ પર થોડી વાર માટે બેઠી. થોડી વાર પછી તેને તરસ લાગી એટલે હું પાણીની બૉટલ લેવા માટે ગયો અને પાંચ જ મિનિટમાં પાછો આવ્યો તો વનિતા ગાયબ... તેનાં ચંપલ ત્યાં રેતીમાં જ પડ્યાં હતાં એટલે મને થયું કે તે વૉક કરવા ગઈ હશે. હું અમારી એ જગ્યાએ થોડી વાર માટે બેઠો પણ પાંચેક મિનિટ સુધી તે દેખાઈ નહીં એટલે મને ટેન્શન થયું અને મેં તેને ફોન કર્યો. ફોનની રિંગ વાગે પણ વનિતા ફોન ઉપાડે નહીં. થોડી વાર પછી મને ખબર પડી કે વનિતાનો મોબાઇલ કારમાં જ હતો.’

નિર્મલની આંખોમાં ડર અને પીડા સ્પષ્ટ દેખાતાં હતાં.

‘બસ, પછી તેનો કોઈ પત્તો નથી.

હું તેને ક્યાં શોધું, કેમ શોધું કંઈ

સમજાતું પણ નથી. પ્લીઝ સર, તમે કંઈક કરો. પ્લીઝ...’

નિર્મલની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

‘હંમ... તમને કોઈના પર ડાઉટ?’

‘ના સર, કોઈ પર પણ નહીં. અમને કોણ નડવાનું?’

‘કેમ, તમારા સસરા નડી શકેને?’ સોમચંદે કડીઓ જોડવાનું શરૂ કર્યું, ‘દીકરીએ ઇચ્છા વિરુદ્ધ મૅરેજ કર્યાં તો નૅચરલી બાપ એ સહન ન કરી શકે.’

‘મેં તમને કહ્યુંને, એ પિરિયડ તો અમે પસાર કરી ગયાં. હવે તેના પપ્પાને કોઈ પ્રૉબ્લેમ નહોતો. એક-બે વાર તો તે અમારા ઘરે જમવા પણ આવી ગયા.’

‘ચાર વર્ષના મૅરેજ-પિરિયડમાં, એક-બે વાર જ!’ સોમચંદે આશ્ચર્ય સાથે કહ્યું, ‘ઓછું ન કહેવાય? દીકરી મુંબઈમાં, પોતે મુંબઈમાં. આટલા તહેવારો આવે, તેનો બર્થ-ડે, તમારો બર્થ-ડે, તમારી ઍનિવર્સરી...’

‘સર, એ લોકો થોડા ઑર્થોડૉક્સ છે. દીકરીના ઘરે જમવાનું બને ત્યાં સુધી ટાળવું એવું માને... અફકોર્સ, આ મને વનિતાએ કહ્યું છે એટલે તમને કહું છું.’

‘ના, પૉસિબલ છે.’ સોમચંદે જવાબ આપ્યો, ‘મારવાડીઓ થોડા ટિપિકલ હોય અને એમાં કશું ખોટું પણ નથી. દીકરીના ઘરમાં શું કામ વારંવાર અવરજવર કરવી. તમને ખબર છે, આજે મોટા ભાગના ડિવૉર્સ કેસમાં મૅટરનલ ફૅમિલીનો ઇન્ટરફિયરન્સ જ કારણભૂત છે. દીકરી આખો દિવસ માને ફોન કરે ને મા નવરી પડે એટલે તરત દીકરીને ફોન કરે.’

‘સર, મારી વાઇફ...’

‘અરે હા કેમ, આપણે તેને શોધવાનાં છે...’ સોમચંદ ફરી પૉઇન્ટ પર આવ્યા, ‘ડોન્ટ વરી મિસ્ટર નિર્મલ શાહ. તમારાં વાઇફ ઘરે પાછાં આવી જશે. મારી ગૅરન્ટી. પણ હા, જો હયાત હશે તો...’

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah