...ઍન્ડ ઍક્શન.. જ્યારે પડદો ઊઘડે છે (પ્રકરણ ૫)

06 February, 2026 12:55 PM IST  |  Mumbai | Rashmin Shah

નિર્મલે પોતાના હાથ તરફ જોયું. તેના બન્ને હાથ બેડની ડાબી અને જમણી બાજુએ બાંધી દેવામાં આવ્યા હતા તો બન્ને પગ પણ એ જ રીતે બેડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. નિર્મલ બેડ પરથી ઊભો નહોતો થઈ શકતો.

ઇલસ્ટ્રેશન

‘મને, મને સોમચંદસરને મળવું

છે... પ્લીઝ...’

નિર્મલે સામે ઊભેલા કદાવર વૉર્ડબૉય સામે જોયું. મેન્ટલ હૉસ્પિટલમાં પ્રમાણમાં હટ્ટોકટ્ટો કહેવાય એવો જ સ્ટાફ રાખવામાં આવતો હોય છે. અહીં પણ એવું જ હતું. જેમનું મગજ ગોટાળે ચડ્યું હોય એવા લોકોનો ભરોસો થાય નહીં એ ડૉક્ટર પણ સમજતા હોય છે અને સ્ટાફને પણ એ સમજાવી દેવામાં આવતું હોય છે.

નિર્મલની આંખમાં આંસુ હતાં. તેની સામે વૉર્ડબૉય હતો તો વૉર્ડબૉયની બાજુમાં વનિતા ઊભી હતી. વનિતાની આંખોમાં પણ

આંસુ હતાં.

‘નિર્મલ, તું ટેન્શન નહીં કર. બધું સરખું થઈ જશે. બસ, તું આ લોકોને ટ્રીટમેન્ટમાં સપોર્ટ કર.’

‘કઈ ટ્રીટમેન્ટ, શેની ટ્રીટમેન્ટ?’

નિર્મલે પોતાના હાથ તરફ જોયું. તેના બન્ને હાથ બેડની ડાબી અને જમણી બાજુએ બાંધી દેવામાં આવ્યા હતા તો બન્ને પગ પણ એ જ રીતે બેડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. નિર્મલ બેડ પરથી ઊભો નહોતો થઈ શકતો.

‘મને કંઈ નથી થયું. મારે, મારે સોમચંદસરને મળવું છે.... બોલાવ તેને.’ સામેથી પ્રત્યુત્તર ન આવ્યો એટલે નિર્મલે શરીરમાં હતી એ બધી તાકાત વાપરીને રાડ પાડી, ‘સોમચંદસર... સર... પ્લીઝ આવો.’

નિર્મલ રડી પડ્યો. વનિતાને તેની પાસે જવામાં ડર લાગતો હતો, જે ત્યાં ઊભેલો વૉર્ડબૉય સમજી ગયો એટલે તેણે કહ્યું, ‘જાવ બેન, હવે તે કંઈ નહીં કરી શકે.’

એ પછી પણ ડરતાં વનિતા આગળ વધી.

‘નિર્મલ તું બહુ મારામારી કરવા માંડ્યો છો. જો તેં...’ વનિતાએ પોતાનો હાથ લાંબો કર્યો, ‘તેં મને પણ કેટલી મારી છે!’

વનિતાના હાથ પર લાલ ચકામાં પડી ગયાં હતાં. તેના ગાલ પર પણ રતાશ હતી, જે મારને કારણે પડી હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.

‘તું આ લોકોને સપોર્ટ કર. કાલે તારી સર્જરી છે...’

‘શેની સર્જરી?’ નિર્મલે ઝનૂનપૂર્વક બન્ને હાથ ખેંચ્યા પણ વ્યર્થ, ‘મારે, મારે કોઈ સર્જરી નથી કરાવવી. મને કંઈ નથી થયું. તમે લોકો મને ગાંડો કરી મૂકશો. હું ગાંડો નથી.’

નિર્મલે ફરી રાડ પાડી.

‘સોમચંદ સર... સર પ્લીઝ.’ નિર્મલની રાડમાં પીડા હતી, ‘મને બચાવો સર...’

ખટાક...

વૉર્ડબૉય અને વનિતાની

આંખો અવાજ તરફ ખેંચાઈ અને દરવાજો ખૂલ્યો.

ડિટેક્ટિવ સોમચંદ શાહ રૂમમાં દાખલ થયા. જોકે સોમચંદની સાથે બહારથી આવતો દેકારો પણ રૂમમાં દાખલ થયો. કોઈ જોરથી રાડો પાડતું હતું તો કોઈ ઇલેક્ટ્રિક શૉક ન લેવા માટે કરગરતું હતું.

‘તમે લોકો બહાર જાઓ.’ વૉર્ડબૉય કે વનિતા બેમાંથી કોઈ ખસ્યાં નહીં એટલે સોમચંદે સત્તાવાહી સ્વરમાં કહ્યું, ‘તમને કહું છું, તમે બહાર જાઓ, મારે ડૉ. ચોકસી સાથે વાત થઈ ગઈ છે.’

‘સર, પ્લીઝ... મને આ લોકોમાંથી છોડાવો. પ્લીઝ સર... મને કંઈ નથી થયું.’

નિર્મલ હજી કંઈ આગળ બોલે એ પહેલાં જ ફરી દરવાજો ખૂલ્યો અને એક નર્સ અંદર આવી. નર્સની સાથે ડૉ. ચોકસી પણ હતા.

‘સર, ઑપરેશન કાલે થાય એ બહુ જરૂરી છે.’ ડૉ. ચોકસીએ કહ્યું, ‘જેની માટે બ્લડ-રિપોર્ટ કરવો પડશે.’

ડૉ. ચોકસીની

વાત સાંભળીને

નિર્મલ રીતસર હેબતાઈ ગયો હતો.

‘હા, પણ મારે નિર્મલ સાથે થોડી વાત કરવી છે.’

‘બ્લડ-સૅમ્પલ લઈ લઈએ, પછી તમે વાત કરી લો.’

નર્સ આગળ વધી અને નિર્મલ ધ્રૂજવા લાગ્યો.

‘સર, મારે... મારે શું કામ સર્જરી કરવાની? મને કંઈ નથી થયું, આ લોકો શેની સર્જરીની વાત કરે છે?’

‘બ્રેઇન-સર્જરી નિર્મલ.’ સોમચંદે કહ્યું, ‘હું બધી વાત કરું. પહેલાં એ લોકોને તેમનું કામ કરવા દે.’

‘અરે પણ મને કંઈ પ્રૉબ્લેમ જ નથી.’ નિર્મલ છૂટવાના પ્રયાસો કરતો હતો, ‘આ લોકો બધા એક છે, તમે ક્યાં એ લોકોની વાતમાં આવી ગયા.’

‘આપણે વાત કરીએ.’

આઆઆ...

નિર્મલના બંધાયેલા હાથની નસમાં ઇન્જેક્શન ઊતરી ગયું હતું અને બ્લડનું સૅમ્પલ લેવાનું શરૂ થઈ ગયું હતું. લાચારી સાથે નિર્મલે આંખો બંધ કરી દીધી. તેને અત્યારે ઇન્જેક્શન કરતાં વધારે પેઇન પોતાની હાલતનું થતું હતું. આટલી લાચારી તેણે ક્યારેય નહોતી જોઈ.

‘પ્લીઝ, તમે વાત કરી લો. અને પેશન્ટને સમજાવો કે કો-ઑપરેટ કરશે તો વધારે સારું રિઝલ્ટ આવશે.’

‘શ્યૉર.’ સોમચંદે ડૉ. ચોકસીની સામે જોયું, ‘સર્જરી કેટલી ચાલશે?’

‘અપ્રૉક્સ છથી સાત કલાક.’ ડૉ. ચોકસીએ કહ્યું, ‘બ્રેઇનમાં જે ક્લૉટ છે એની આ બધી અસર છે. એ રિમૂવ કરવો બહુ જરૂરી છે.’

‘હંમ... એ પછી કોઈ કૉમ્પ્લીકેશન્સ...’

‘બ્રેઇન-સર્જરી છે સર, જોખમ પણ છે અને સર્જરી પછીના પ્રૉબ્લેમ પણ હોઈ શકે છે, પણ આપણા માટે પેશન્ટનો જીવ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે રિસ્ક લઈએ છીએ.’ ડૉ. ચોકસીએ વનિતાની સામે જોયું, ‘તમે આવો, તમારે અમુક પેપર્સ સાઇન કરવાનાં છે.’

બધાં રૂમની બહાર નીકળી ગયાં.

હવે રૂમમાં સોમચંદ અને નિર્મલ બે જ હતાં.

સોમચંદ આગળ વધ્યા અને નિર્મલ પાસે ઊભા રહી તેમણે પહેલું કામ નિર્મલના હાથ ખોલવાનું કર્યું.

‘તમને... તમને મારા પર વિશ્વાસ છેને? તમને ખાતરી છેને કે હું કંઈ નહીં કરું?’ નિર્મલે છેલ્લી આશા સમાન સોમચંદની સામે જોયું, ‘તમે પ્લીઝ, આ લોકોમાંથી મને છોડાવો. પ્લીઝ સર... તમને જે જોઈતું હોય એ આપીશ પણ આ ગૅન્ગમાંથી મને છોડાવો. હું આ લોકોથી બચવા માગું છું અને, અને સર... મને કોઈ ઇશ્યુ નથી. તમે મને મળ્યા, ત્યાં સુધી તમને લાગ્યું કે મને કોઈ પ્રૉબ્લેમ હોય? આ લોકો બહુ હરામી છે, આ... આ મને મારી નાખશે, મારાં ઑર્ગન કાઢી લેશે. મને ખાતરી છે. મને બ્રેઇનમાં કોઈ પ્રૉબ્લેમ નથી, મને સાઇકોલૉજિકલ કોઈ પ્રૉબ્લેમ નથી. પ્લીઝ સર...’

નિર્મલની આંખોમાંથી આંસુ શરૂ થઈ ગયાં હતાં.

‘મને તમે છોડાવો, તમારા સિવાય મારું કોઈ નથી.’

‘બરાબર પણ દોસ્ત, તારી વાઇફ જ કહેતી હોય...’

‘આ મારી વાઇફ નથી, આ વનિતા નથી.’

‘અરે ભાઈ, વનિતાએ પોતે વનિતા હોવાનાં આટલાં પ્રૂફ તો આપી દીધાં. હવે બીજું શું જોઈએ?’

‘અરે એ ગમે તે પ્રૂફ આપે, આ વનિતા નથી.’

‘તારી પાસે પ્રૂફ છે કે આ

વનિતા નથી?’

‘હા, છે. હું તમને ખાતરી સાથે કહું છું કે આ વનિતા નથી.’

‘તો વનિતા છે ક્યાં?’

‘ગોરાઈની ખાડીમાં... મેં મારા હાથે તેને મારીને ખાડીમાં નાખી દીધી છે. આ વનિતા નથી... વનિતા તો ક્યારની...’

અને નિર્મલની જીભ અટકી ગઈ.

સોમચંદના ચહેરા પર સ્માઇલ પ્રસરી ગયું.

તેણે બે તાળી પાડી અને અસાઇલમના રૂમનો દરવાજો ખૂલ્યો.

ઇન્સ્પેક્ટર સાવંત, ડૉ. ચોકસી, વૉર્ડબૉય અને વનિતા રૂમમાં દાખલ થયાં.

એ દરેકના ચહેરા પર પણ સ્માઇલ હતું.

‘તું સાચો છો નિર્મલ, આ વનિતા નથી.’ સોમચંદે નિર્મલના ખભા પર હાથ મૂક્યો, ‘અને એ પણ સાચું કે આ ડૉ. ચોકસી નથી અને આ વૉર્ડબૉય પણ નથી. અહીં બે જ વ્યક્તિ સાચી છે, હું અને ઇન્સ્પેક્ટર સાવંત. બાકી આ બધા ઍક્ટરો છે. તારી વનિતાની સાથે ભૂતકાળમાં કામ કરી ચૂકેલા ઍક્ટર, તેના સાથી કલાકારો.’

નિર્મલની

આંખોમાં રહેલો અવિશ્વાસ નરી આંખે જોઈ શકાતો હતો.

‘તારી પાસેથી સત્ય ઓકાવવા માટે આ આખું નાટક કર્યું અને એ પણ વનિતાના પપ્પા મિસ્ટર મનોજ મહેતાના કહેવાથી... મિસ્ટર મહેતાને શક હતો કે તેની દીકરીને તેં ગુમ કરી છે પણ ધારો કે પોતે ખોટા પડે તો? તો દીકરીનો સંસાર બગડે અને એવું ન થાય એટલે તેમણે ઇન્સ્પેક્ટર સાવંતનો કૉન્ટૅક્ટ કર્યો.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘હું તને પોલીસ-સ્ટેશનમાં મળ્યો એ અનાયાસ નહોતો, સ્ક્રિપ્ટનો ભાગ હતો. મારે તને ઍક્સિડન્ટ્લી મળવું અને પછી બધું સ્ક્રિપ્ટ મુજબ આગળ વધારવું.’

‘સોમવારની રાતે તને ઘરે જ સુવડાવી દેવાનું કારણ પણ સ્ક્રિપ્ટ જ હતું. જો તું મારે ત્યાં રોકાય તો જ સાવંત અને આ...’ નકલી વનિતા તરફ હાથ કરતાં સોમચંદે કહ્યું, ‘પૂર્વી તારા ઘરનો બધો સામાન ચેન્જ કરી શકે અને હા, પેલું પૂર્વીના ગળામાં લોહી હતું એ લોહી નહોતું, એ... આ બધા કલાકારો સ્ટેજ પર મર્ડર કરે ત્યારે દેખાડે એવું નકલી લોહી જેવું મટીરિયલ હતું. હા, આ હૉસ્પિટલ પણ સાચી નથી. તું થાણે અસાઇલમમાં પણ નથી. અત્યારે આપણે ફિલ્મસિટીમાં છીએ. ફિલ્મસિટીમાં હૉસ્પિટલનો જે પર્મનન્ટ સેટ છે એનો એક ફ્લોર આપણે રેન્ટ પર રાખ્યો છે. બીજું, બીજું... હા, તને કોઈ મેન્ટલ ઇશ્યુ નથી, તારી કોઈ સર્જરી થવાની નથી એટલે એની ફિકર તું છોડી દે.’

‘બીજું કંઈ પૂછવું છે તારે?’

નિર્મલે નજર ઝુકાવી દીધી અને બીજી જ સેકન્ડે તેના ગાલ પર સોમચંદના પાંચ આંગળાંની પ્રિન્ટ ઊપસી આવી.

સટાક.

‘શું કામ મારી વનિતાને?’

નિર્મલ ચૂપ હતો. છેલ્લા બોંતેર કલાકમાં તેની સાથે શું-શું બની ગયું અને તે કેવી રીતે ટ્રૅપમાં ફસાયો એ બધું તેની આંખો સામે ચાલતું હતું.

સટાક...

‘પૈસા... પૈસા માટે.’

‘કારણ શું?’ નિર્મલના કાન ફાટી જાય એ સ્તર પર સોમચંદ ચિલ્લાયા હતા, ‘જો મને એકની એક વાત વારંવાર પૂછવાની આદત નથી ને આ ત્રણ દિવસના નાટકથી હું બરાબરનો ફ્રસ્ટ્રેટેડ છું. મને ફટાફટ બધું કહેવા માંડ નહીં તો હું આ કોઈની સાડીબારી નહીં રાખું... ફાસ્ટ...’

‘હું જુગારમાં હારી ગયો... મારે એંસી લાખ રૂપિયા ચૂકવવાના હતા. મેં વનિતાને કહ્યું કે તે પપ્પા પાસેથી પૈસા લઈ આવે, પણ તેણે મને ના પાડી દીધી એટલે હું તેને લઈને ગોરાઈ ગયો. રાતનો સમય હતો, અંધારું હતું એટલે મેં મોકો જોઈને વનિતાનું ગળું દબાવી દીધું. મને ખબર હતી કે વનિતાની એક કરોડની ઇન્શ્યૉરન્સ પૉલિસી છે ને એમાં નૉમિની તરીકે મારું નામ છે, પણ પૉલિસીની રકમ મને તો જ મળે જો વનિતા ગુમ થયાની હું પોલીસ-કમ્પ્લેઇન્ટ કરું અને વનિતાની બૉડી મળે.’

‘તેં જેને મારી તેણે શું કામ કર્યું હતું એ જાણવું છે તારે?’

પૂર્વી આગળ આવી, હાથમાં રહેલું એન્વલપ તેણે નિર્મલ પર ફેંક્યું.

નિર્મલે એમાંથી કાગળ કાઢ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયાં.

એ એન્વલપમાં બે કરોડ રૂપિયાનો ચેક હતો, જેના પર નામ નિર્મલનું હતું.

‘પપ્પાની કંપનીમાં જે શૅર વનિતાના નામે હતા એ શૅર પર વનિતાએ ફાઇનૅન્સ કંપનીમાંથી લોન લીધી અને એનો ચેક તારા નામે લીધો. વનિતા પોતે નહોતી ઇચ્છતી કે તું ટેન્શનમાં રહે.’

‘ખબર છે તને, તેં એક નહીં બે મર્ડર કર્યાં છે.’ હવે ઇન્સ્પેક્ટર સાવંત આગળ આવ્યા, ‘વનિતા પ્રેગ્નન્ટ હતી ને પોતાની પ્રેગ્નન્સીના ન્યુઝ આપતાં પહેલાં તે તને દેવામાંથી બહાર કાઢવા માગતી હતી ને તેં...’

સટાક...

નિર્મલના ફેસ પર સોમચંદના હાથની વધુ એક થપ્પડ આવી.

‘અત્યાર સુધી નાટક-નાટક રમ્યા. ઍક્શન હવે શરૂ થશે, એ પણ સોમચંદ સ્ટાઇલ.’

 

(સંપૂર્ણ)

columnists exclusive gujarati mid day Rashmin Shah