21 April, 2026 04:23 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ હુસ્ન!
રૂમના ફુલ સાઇઝ મિરરમાં પોતાનું પ્રતિબિંબ નિહાળીને ખુમારી છવાઈ.
‘૨૦ વર્ષની વયે તારું જોબન ચટકા ભરે છે...’
સખી રેશમના શબ્દો સાંભરતી નવ્યાએ ગરદન ટટ્ટાર કરી. ક્યારેક આ જ રૂમમાં તે માલિશ કરતી વેળા કોમળ અંગોને એવાં મસળતી કે પોતે સિસકારો નાખીને તેનો હાથ પકડી લેતી : કાશ, આ હાથ આર્યનસર જેવા કોઈ જુવાનનો હોત તો...
તો શું થાતની કલ્પના અત્યારે પણ નવ્યાને મીઠું કંપાવી ગઈ.
પરંતુ રેશમનાં તોફાન પણ કંઈ ઓછાં છે!
‘અત્યારે તો મને જ આર્યન ધારી લે...’ કહીને કેવી આક્રમક બની જાય!
ઉફ્ફ. સારું છે બંગલામાં પપ્પા-મમ્મી નીચે હોય છે ને ઉપર મને પૂરતી પ્રાઇવસી મળી રહે છે. નહીંતર કૉલેજની સખીનાં તોફાનોનો ભળતો જ અર્થ નીકળી જાય!
ઉઘાડા બદન પર ગાઉન વીંટાળીને નવ્યાએ પલંગ પર લંબાવ્યું.
શ્રીમંત માબાપની એકની એક દીકરી તરીકે નવ્યા લાડકોડમાં ઊછરી. રૂપાળી તો તે હતી જ. સ્કૂલમાં ડિસ્ટિંક્શન આવે એટલું તેને પૂરતું, સ્કૉલર ગણાવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નહી. ટ્વેલ્થ પછી પાર્લાની નરહરિ કૉલેજમાં BAમાં ઍડ્મિશન લીધું ત્યારે પણ ભીતરથી ટીનેજનું રમતિયાળપણું કહો કે નાદાની ઓસર્યાં નહોતાં. કૉલેજમાં રેશમ જેવા નવા મિત્રો બન્યા એમ સોલહ બરસ કી બાલી ઉમરમાં સેવેલી રોમૅન્સની ફૅન્ટસી સજીવન થઈ સાહિત્યના પ્રોફેસર આર્યન મહેતાની ઝલકે.
ના, તે કોઈ સુતરાઉ કફનીધારી સુકોમળ સાહિત્યકાર જેવા તો બિલકુલ નહીં. બલ્કે લિટરેચરને બદલે ફિઝિકલ ટ્રેઇનિંગના પ્રોફેસર હોય એવા કસરતી બાંધાવાળા આર્યનના લાંબાં-પહોળાં કદ-કાઠી તેને ભીડમાં પણ અલગ તારવી દે. બત્રીસની ઉંમરે પણ તે કુંવારો છે જાણીને નવ્યાને નવાઈ પણ લાગેલી કે આવા રૂડારૂપાળા જુવાનની કોઈને માયા ન લાગી.
પાછો શિક્ષક તરીકે ઉત્તમ. ક્લાસમાં સંસ્કૃતની પૌરાણિક ગાથાથી મૉડર્ન ઇંગ્લિશ લિટરેચરની અવનવી સાહિત્ય-સફર કરાવે.
સરનું વાંચન કેટલું વિશાળ છે! સરનું નાનકડું બેઠા ઘાટનું ઘર અંધેરીમાં છે, પિતા નથી, વિધવા મા છે...
ધીરે-ધીરે નવ્યાને ખ્યાલ આવતો ગયો કે આર્યનના મોહમાં તણાનારી પોતે એકલી નથી... કૉલેજની લગભગ દર બીજી છોકરી આર્યનનો એન્સાઇક્લોપીડિયા બની બેઠી છે.
‘પણ એનો અર્થ શું?’ ત્રીજા વરસમાં ભણતી સિનિયર રીટાએ જુનિયરોને સાવધાન કરવાની ઢભે ભેદ ખોલેલો : આર્યનસર ૮ વરસથી કૉલેજમાં ભણાવે છે, તેમના જોડાયાના બીજા જ વરસે કૉલેજની કન્યાએ પ્રેમનો એકરાર કરતાં તેમણે કહી દીધું : તમે મારી શિષ્યા ગણાઓ, પ્રણય-પરિણયમાં આપણા સંબંધની મર્યાદાનો લોપ છે... કોઈ પણ સિનિયરને પૂછજો, કૉલેજમાં આ કિસ્સો જાણીતો છે. અને હવે તો સર પાસે વયભેદનું બીજું કારણ પણ છે.
આર્યનની નીતિરીતિ પ્રભાવિત કરનારી હતી.
‘જાણે છોકરીઓ આર્યનમાં શું ભાળે છે!’ રેશમ આર્યનના ઉલ્લેખે ચિડાઈ જતી.
રેશમ સાથે નવ્યાને ભળતું. પોતાની જેમ તે પણ તેના માવતરનું એકમાત્ર સંતાન. ખારથી આવતી રેશમની ફૅમિલી સ્થિતિપાત્ર ગણાય એવી નહીં એમ ખાવા-પીવા કે પહેરવા-ઓઢવાના સાંસા પડે સાવ એવું પણ નહીં. પિતાની પ્રાઇવેટ ફર્મમાં કારકુનની નોકરી, મા ઘરમેળે અથાણાં-પાપડનો ધંધો કરે અને મા-બાપ દીકરીની ખુશીમાં ખુશ.
બીજી છોકરીઓથી રેશમ થોડી અલગ પડતી. મોંની છુટ્ટી એવી હાથનીયે છુટ્ટી. એકાદ છોકરીની મશ્કરી કરતા મજનૂને તેણે કૉલેજના કૅમ્પ્સમાં ધીબેડી નાખેલો. બેધડક સિગારેટ પણ ફૂંકે અને છોકરાઓ ભેગી વૉલીબૉલ રમવા પણ દોડી જાય.
‘ભગવાને છોકરો ઘડતાં-ઘડતાં તને છોકરી ઘડી નાખી.’ નવ્યા તેને હસતી. તે પણ સામું મલકાતી : હા, જોને જેટલું તને આપ્યું છે એટલું જોબન મને ક્યાં આપ્યું છે.
નવ્યા અકારણ શરમાઈ જતી. બાકી રેશમની રાવ સાચી હતી. તે જો લાંબા વાળ કપાવીને છોકરા જેવી હેરસ્ટાઇલ કરે, કૃત્રિમ ઉભાર આપતાં આંતરવસ્ત્રો પહેરવાનુ બંધ કરે તો દૂરથી ભાગ્યે જ કોઈ તેને છોકરી તરીકે ઓળખી શકે.
‘મને એનો અફસોસ નથી. મને ભલે ન મળ્યો, મારી સખી પાસે જોબનનો ખજાનો ભરપૂર છે એટલું આપણને પૂરતું છે.’
આવું કહેનારી સખી સાથે બહેનપણાં ગાઢ થતાં જાય એની શી નવાઈ. પછી તો રેશમ ઘરે આવતી-જતી થઈ. બન્ને સખીઓ મૉલમાં ઘૂમવા જતી, ચોપાટી ફરવા કે ફિલ્મ જોવા જતી.
‘તું સાચે જ બહુ બ્યુટિફુલ છે...’
રેશમ માટે નવ્યા પોતાનો વૉર્ડરોબ ખોલી દેતી. કપડાં બદલતી વેળા રેશમ નવ્યાના દુધિયા બદનને તાકી રહેતી. પછી આંખ મીંચકારતી : આને પામનારો ગયા ભવમાં બહુ તપ કરી ચૂક્યો હશે.
‘તે આર્યનસર જેવો જ કોઈ હોવો જોઈએ!’ નવ્યાનાં અરમાન ઊઘડતાં ને રેશમનો અણગમો છલકાઈ ઊઠતો : આ બધી છોકરીઓને આર્યનનું આટલું ઘેલું શાનું!
‘ઓ હલો, તું પણ છોકરી જ છે...’ નવ્યા રેશમનાં અંગ જોઈને હસતી, ‘જોકે છોકરા જેવી.’
‘એમ... તો હવે તો છોકરા જેવી થઈને બતાવું...’ તે જોર કરીને નવ્યાને પલંગ પર તાણી જાય અને પછી એવી-એવી હરકતો કરે કે વિરોધ, આનાકાની બધુંય ખરી પડે.
આવેશ ઊતર્યા પછી ક્ષોભ પણ એટલો જ થાય : આ ઠીક નથી.
‘શું ઠીક નથી!’ રેશમ સિગારેટ ફૂંકતાં બેપરવાઈ દાખવતી, ‘તું શું માને છે આપણી ઉંમરમાં બે દોસ્તારો વચ્ચે આવું કંઈ થતું નહીં હોય? એટલે કંઈ તેમની દોસ્તી પર દોસ્તાનાનું લેબલ ઓછું લાગી જાય.’
એ પણ ખરું! નવ્યા સ્વીકારી લેતી. પછી આહ ભરતી : કાશ, તારા બદલે આર્યનસર જેવો કોઈ જુવાન હોત...
નૅચરલી, શિષ્યા સાથે પ્રેમસંબંધ બાંધવામાં ન માનતા આર્યનની અવેજીમાં તેના જેવા જુવાનની જ ઝંખના થઈ શકે!
‘આર્યન... આર્યન!’ રેશમ ચીંટિયો ભરતી, ‘આ ખરું ભૂત તને વળગ્યું છે! ઉતારવું પડશે!’
કહીને રેશમ ગંભીરપણે જુદો તર્ક મૂકતી : તને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે આટલો એલિજિબલ જુવાન હજી પરણ્યો કેમ નથી કે કોઈ રિલેશનમાં કેમ નથી?’
‘વેલ...’ આનો શું જવાબ હોય? આપણે કોઈના અંગતમાં ઓછું ડોકિયું કરી શકીએ?
‘અનુમાન તો કરી શકીએને... શક્ય છે આર્યનને છોકરીઓમાં રસ જ ન હોય? માતાના મલાજા ખાતર પોતાની ચૉઇસને ઢાંકી બેઠો છે, માજીના જતાં જ બંદો ખુલ્લો થશે લખી રાખ!’
‘હું નથી માનતી.’ નવ્યાએ અસંમતિ દર્શાવીને કારણ પણ આપ્યું, ‘તેણે કાલિદાસની શકુંતલાનું વર્ણન કરેલું એ યાદ છે... આવો રસિકજન સ્ત્રીઓમાં રસ ન ધરાવે એવું હું માનું નહીં.’
‘ધેન યુ આર ક્રેઝી, યુ આર બાયસ્ડ.’ રેશમ મોં બગાડતી.
પણ શું થાય, મારા પ્રિયવર તરીકે મને આર્યનની જ છાયા દેખાય છે. કૉલેજનાં બે વર્ષ પૂરાં થયાં, પણ તેમના જેવું તો કોઈ મળ્યું નહીં. અને હવે તો કૉલેજમાં ઉનાળુ વેકેશન પડ્યું એટલેઆર્યનસરને પણ મહિનો-બે મહિના જોવાનું નહીં બને... પણ તેની પરછાઈ જેવા જુવાનને તો હું સપનામાં તેડાવતી જ હોંઉ છુંને!
અને નવ્યા તેના સમણાના પ્રદેશમાં ખોવાઈ.
lll
શનિની એ જ રાતે...
સ્ટડીરૂમની લાઇટ ચાલુ છે મતલબ કૉલેજમાં વેકેશન પડી ગયું તોય દીકરો વાંચવાનું નથી છોડતો. એમાં હમણાંનો વળી લૅપટૉપમાં વધુ મશગૂલ રહેતો હોય છે...
નિરુબહેને દીવાનખંડની સામી દીવાલે લટકતી પતિની તસવીર નિહાળી : જોયું, આપણો આર્યન કેવો મહેનતુ અને ઠરેલ-ડાહ્યો છે!
‘સારું છે તેના બાપ પર નથી પડ્યો!’
છબિમાંથી મનોહરભાઈ જાણે બોલ્યા. નીરુબહેનની કીકીમાં ઠપકો ઊપસ્યો : જે વાત મેં વિસારે પાડી, આર્યને જેનો ખટકો નથી રાખ્યો એ તમે કેમ ભૂલી નથી જતા!
અને ખરેખર ભૂતકાળના એ ટુકડાને ભૂલી જવામાં જ સારપ હતી...
એ અણગમતા વળાંક પહેલાંનું અમારું દામ્પત્ય કેટલું મધુરું હતું. વલસાડના ગામડે પાકું ઘર, ખેતી. અમે પતિ-પત્ની અને પરાણે વહાલો લાગે એવો અમારો કુળદીપક આર્યન.
પણ સુખ બહુ આળા મનનું હોય છે, ક્યારે રિસાઈ જાય કહેવાય નહીં. મારું સુખ પણ રિસાયું. ગામમાં તમાશો કરનારા નટબજાણિયા આવ્યા, અમારા ખેતરની બાજુની ખુલ્લી જમીનમાં તેમણે તંબુ તાણ્યા એમાંની નખરાળી રજનીબાળા જોડે રાતે મોલની રખેવાળી કરવા ખેતરમાં સૂતા મનોહરની જાણે ક્યારે ને કેમ કરતાં આંખ લડી ગઈ... તેના પાશમાં એવા બંધાયા કે આગળ-પાછળનો વિચાર કર્યા વિના ઘર-ગામ છોડીને તેની જોડે ભાગી ગયા. પાછા મારાં સ્ત્રીધન જેવાં ઘરેણાં ચોરીને ગયા!
ગામમાં ખળભળાટ મચી ગયો. કોઈએ પોલીસમાં ફરિયાદનું કહ્યું, કોઈએ નટબજાણિયાને ધમકાવીને ભગાડ્યા...
‘મને કોઈ ફરિયાદ નથી, મારું સ્ત્રીધન ગયાની પણ નહીં... સ્ત્રીનું ખરું ધન તો તેનો સુહાગ હોય છે. તે જ મોં ફેરવી ગયો ત્યારે શણગાર મારે કામના પણ શું રહ્યા!’ ૮ વર્ષના આર્યનને સોડમાં લઈને નીરુબહેને પંચ સમક્ષ હાથ જોડ્યા હતા, ‘આમ તો આ ઘર-ખેતી મનોહરનાં ગણાય, તે ધારત તો અમને મા-દીકરાને હાંકીને રજનીને ઘરે બેસાડી શકત; પણ ના, અમારા માથેથી છત્ર ન હટે, આર્યન કોઈનો ઓશિયાળો ન બને એટલે તે પોતે જતા રહ્યા એટલો ગણ તો હું આર્યનને પણ ભૂલવા નહીં દઉં!’
છતાં ગામમાં કોઈ ને કોઈ બહાને મનોહરનું કૃત્ય મોટા થતા આર્યનના કાને પડતું રહેતું જે તેના માનસને વધુ ડહોળે એ પહેલાં બધું વેચી-સાટીને પોતે મુંબઈની વાટ પકડી લીધી. નવા વાતાવરણમાં આર્યન ખીલ્યો. વાંચનનો શોખ કેળવાયો, સ્કૂલ-કૉલેજમાં તે પહેલો નંબર લાવતો. એથી વિશેષ આનંદ એનો કે શિક્ષક-વિદ્યાર્થીઓ એકઅવાજે તેના સંસ્કાર ગુણોને વધાવતા.
તેની કૉલેજના છેલ્લા વરસમાં સંજોગોનું ચક્ર પલટાયું. થાકેલા-હારેલા મનોહર જાણે ક્યાંથી પત્તો મેળવીને અમારા બારણે આવીને ઊભા.
‘ઘરેણા રહ્યાં એ બે-ચાર વરસ એશ રહી ને ત્યાં સુધી રજની રહી. પછી જાણે ક્યાં કયા યાર જોડે જતી રહી... મારી પાસે રહ્યો કેવળ પસ્તાવો. ત્યારથી ઠેર-ઠેર ભટકતો રહ્યો છું. તમારી પાસે આવવાની હામ નહોતી. કયું મોં લઈને આવત? પણ હવે થાક્યો છું. શરીરને બીમારીએ ઘેરી લીધું છે. મારે લાવારિસ તરીકે ફુટપાથ પર દમ નથી તોડવો... જો તમે આશરો આપો તો...’
માતા-પુત્રની નજરો મળી અને આગળ વધીને આર્યને હાથ જોડીને ઊભા રહેલા પિતાને ગળે લગાડ્યા : આ તમારું જ ઘર છે પિતાશ્રી.
મનોહર પછી છ-આઠ માસ જેટલું જ જીવ્યા, પણ સંતૃપ્તિથી જીવ્યા, ભૂતકાળનો ખટકો ઓગાળીને જીવ્યા અને જતા-જતા કહેતા ગયા : તારામાં તારી માના સંસ્કાર છે દીકરા, એને દીપાવજે.
- અને ખરેખર આર્યનમાં કંઈ કહેવાપણું નથી.... ભારોભાર દેખાવડો, પ્રોફેસર તરીકે પણ તે વિદ્યાર્થીપ્રિય છે એ હું જાણું છું. તે પોતે લવ-લફરાથી આઘેરો રહ્યો, પણ પ્રોફેસર તરીકે થાળે પડ્યા પછી કહેણ આવતાં રહેતાં. જોકે પછી તેના પિતાનો ભૂતકાળ આગળ કરીને વાતચીત અડધેથી અટકાવી દેવાતી. આવા બે-ચાર અનુભવ પછી આર્યન છોકરી જોવા જ તૈયાર નથી થતો : પપ્પાને મૂલવવા હોય તો અમારા અંતરથી મૂલવોને, આ કેવી સંકુચિતતા.
પણ હશે, મને મારા ઠાકોરજી પર ભરોસો છે. આવા બત્રીસલક્ષણા પુત્ર માટે તેમણે એવી કોઈ કન્યા ઘડી જ રાખી હશે, તે વહેલી મળે એ જ પ્રાર્થના કરવાની રહે છે મારે તો.
કૉલેજમાં હવે વેકેશન છે. આવતા અઠવાડિયે આર્યન મને હરિદ્વારની જાત્રાએ લઈ જવાનો છે. ગંગાસ્નાન કરીને હું મારા દીકરા માટે રૂડી-ગુણવંતી વહુ જ માગવાની છું.
lll
‘અરે... અરે!’
મુંબઈ સેન્ટ્રલથી મોડી સાંજે ઊપડતી હરિદ્વાર એક્સપ્રેસના AC સ્લીપર કોચના દરવાજે ડાબો-જમણો હાથો પકડીને ચડવા જતાં આર્યન-સરિતા ટકરાયાં.
ઘડીભર એકમેકને નિહાળી રહ્યાં.
‘સૉરી, લેડીઝ ફર્સ્ટ!’
આર્યનના સ્મિત સામે સરિતા પણ મલકી.
અને પ્રણયની શરૂઆત હૈયામાંથી ઊગેલા સ્મિતથી પણ થતી હોય છે એવું કહેવાય છેને!
(ક્રમશઃ)