અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૩)

22 April, 2026 04:13 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આમ તો હું મુંબઈમાં ક્યાંય નીકળતી નથી, પણ વર્ષે એક વાર છોકરાઓ જોડે ફરજિયાત જવું પડે. સરિતા ગાંઠે જ નહીંને - ફરીશું તો બધાં જોડે!’

ઇલસ્ટ્રેશન

‘આમ તો હું મુંબઈમાં ક્યાંય નીકળતી નથી, પણ વર્ષે એક વાર છોકરાઓ જોડે ફરજિયાત જવું પડે. સરિતા ગાંઠે જ નહીંને - ફરીશું તો બધાં જોડે!’
ટ્રેનના થ્રી-ટિયર ડબ્બામાં બર્થ જોડે હોવાથી નીરુબહેન-રંભાબહેન વચ્ચે બોરીવલી જતાં સુધીમાં તો બહેનપણાં થઈ ગયાં. રિયા-માયા-અસિતની ત્રિપુટી સામી બર્થ પર ગોઠવાઈને રમત રમવામાં મશગૂલ બની, સાઇડની બર્થ પર બેઠેલાં આર્યન-સરિતા મીઠું મૂંઝાતાં હતાં. એક મા દીકરીને વખાણતાં અટકતી નથી ને સામે બીજી મા દીકરાની ખૂબીઓ વર્ણવતાં થાકતી નથી એ સાંભળીને બેઉને સરખો સંકોચ થતો હતો.

‘મમ્મી તો મને અમસ્તી જ વખાણે છે.’

‘હું કહીશ કે આ તો હજી ઓછું છે. તમારા રૂપનાં વખાણ તો તેમણે કર્યાં જ ક્યાં છે?’ 

આર્યનના બોલે સરિતા રતુંબડી થઈ. બોલ્યા પછી આર્યનને પણ નવાઈ લાગી ઃ પહેલી જ મુલાકાતમાં કોઈ યુવતી જોડે પોતે આમ વાત કરી કેમ શક્યો! 

આર્યન સંસ્કારી હતો, સંત નહોતો. શરીરની જાળવણી તેને ગમતી. છોકરીની આંખમાં પોતાને માટે વસતું આકર્ષણ ખીલવી જતું છતાં કૉલેજની વિદ્યાર્થિનીઓને તેણે હંમેશાં શિક્ષકની દૃષ્ટિએ જ જોઈ. એકાદને તો આ જ કારણે ઇનકાર પણ કરેલો. યોગ્ય વયે માએ છોકરી જોવાનું શરૂ કર્યું ત્યારે બહુ ખુલ્લા મને એ મેળ જમાવવા મથતો, પણ પછી પિતાના ઉલ્લેખે સામી પાર્ટી પાછીપાની કરતી એથી ઊર્મિભંગ થતો અને પછી તો તે છોકરી જોવાનું જ ટાળતો રહેતો.

પણ આજે તો સરિતાના સંગાથમાં હૈયું ખૂલી રહ્યું છે!

‘મેં તમને ક્યાંક જોયા છે.’ 

સરિતાના વાક્યએ આર્યન ઝબક્યો.

‘ક્યારની વિચારું છું. તમારું આર્યન નામ પણ ક્યાંક તો સાંભળ્યું છે... પણ યાદ નથી આવતું.’  

સરિતા ગંભીર લાગી તો પણ આર્યનથી મલકી જવાયું, ‘હશે, હજી આપણે જોડે લાંબી મજલ કાપવાની છે... અને જૂનું યાદ ન આવે તો ચિંતા શું કામ કરો છો, આપણે નવી યાદો તો સર્જી જ શકીશું આ સંગાથમાં.’ 

તેનાં વેણમાં સ્પર્શી જાય એવાં સ્પંદન હતાં. 

‘હા, પણ સફરનો સંગાથ તો સફર પૂરી થતા સુધી જ રહેતો હોય છેને!’  

સરિતાના સ્વરમાં ઉદાસી ઘૂંટાઈ. કદાચ તેને સાંભરી આવ્યું હતું કે પોતે વગોવાયેલી સ્ત્રી છે, શું કામ આવા સ્વપ્નપુરુષ જેવા જુવાનને મોહમાં તાણવો! 

આર્યને પણ ડોક ધુણાવી ઃ સફરના સંગાથને કાયમી કરવાના રસ્તે મારા પિતાના ભૂતકાળનું સ્પીડ-બ્રેકર આવશે, શીદ આવી આદર્શ ગૃહલક્ષ્મી પુરવાર થાય એવી યુવતીને ખોટી આશ બંધાવવી! 

બન્નેએ ચુપકીદી સાધી લીધી. 

ટ્રેન સડસડાટ દોડતી રહી. 

lll
‘અમારું વલસાડ આવ્યું! અહીંનાં વડાપાંઉ તો તમારે ચાખવાં જ જોઈએ.’ 

રાતે ૧૧ વાગ્યે ટ્રેન વલસાડ થોભી ત્યારે બન્ને માતા અને બચ્ચાપાર્ટી નીંદમાં પોઢી ચૂકેલાં, પણ ગામની યાદે અળગા રહેવાનો સંકલ્પ વીસરાવી દીધો હોય એમ આર્યન સરિતાને દરવાજા આગળ દોરી ગયો. 

અને વડાપાંઉની મિજબાની સાથે આર્યન અનાયાસ વતનનાં સુખદ સંભારણાં સંભળાવતો રહ્યો. તેના બાળપણની વાતે સરિતા મીઠું મલકી જતી. 

અને તેનો એ મલકાટ પ્રેરતો હોય એમ આર્યન બોલી ગયો ઃ ગામ છોડવાનું કદી ન બનત જો મારા પપ્પા એક વણજારણના મોહમાં અંધ બનીને અમને ત્યજીને ભાગી ન ગયા હોત...’

ઓહ. 

મનોહરભાઈના ભાગી જવાથી પાછા ફરવા સુધીનો વૃત્તાંત સાંભળીને સરિતાએ આર્યનના હાથ પર હાથ મૂકી સંવેદના જતાવી. 

‘તમારા પિતાને સાચા હૃદયનો પસ્તાવો થયો, મહત્ત્વ એનું. તમે તેમની આંતરડી ઠારી, મહત્ત્વ એનું. બીજું બધું ગૌણ.’ 

જાણે પોતાના હૈયાને કોઈએ વાચા આપી હોય એવું લાગ્યું આર્યનને. 

‘એક તમે જ સમજી શક્યાં સરિતા, બાકી તો...’ 

છોકરી જોવાના અનુભવો પણ આર્યને કહી નાખ્યા. અંતર ખોલ્યું જ તો પછી ઢાંકપિછોડો શાનો!  

‘આપણા પરિચયને હજી થોડા કલાક માંડ થયા આર્યન, પણ માણસાઈનું પોત તો પળવારમાં પરખાઈ જતું હોય છેને. એના આધારે કહું છું, તમને જીવનસાથી તરીકે પામનારી બહુ ભાગ્યવાન હશે.’ 

એ ભાગ્યવાન તમે હોઈ શકો ખરાં? આર્યનના ગળે આવેલો પ્રશ્ન હોઠેથી સરકે એ પહેલાં આવી કોઈ પણ પૃચ્છા ટાળવી હોય એમ સરિતાએ બગાસું ખાધું ઃ મારા ખ્યાલથી આપણે પણ ઊંઘી જવું જોઈએ... 

સરિતાએ કોચમાં જઈને સાઇડની નીચલી બર્થ પર લંબાવ્યું, તેને નિહાળી હળવો નિઃશ્વાસ નાખીને આર્યન ઉપરની બર્થ પર ચડીને લૅપટૉપ ખોલીને બેઠો. 

lll
સરિતા. 

વહેલી સવારે ફ્રેશ થ‍ઈને મીઠા કંઠે લતાજીનું કોઈ ગીત ગણગણતી સરિતા. તેની કાચની ચૂડીનો રણકાર. તેના ઝાંઝરનો ઝણકાર. તેના ફરફરી જતા કોરા વાળ... 

મોડી રાતે સૂતેલા આર્યનને ઊઠતાં જ જાણે સમાધિ લાગી ગઈ.

‘તમારે ઊઠવાનું મુરત કઢાવવાનું છે, મિસ્ટર?’ સરિતા નજીક આવી, કોઈનું ધ્યાન નથી એ ચકાસી ધીમા સાદે બોલી ઃ રાતે મોડે સુધી લૅપટૉપમાં શું કરતા હતા? 

આર્યનના હોઠ વંકાયા, ‘ધારો કે હું કહું કે ઍડલ્ટ સાઇટ સર્ચ કરતો હતો, તો?’ 

ના, આમાં કશુંય ચીપ કે વલ્ગર નહોતું. બે મુગ્ધ હૈયાં વચ્ચે થાય એવી છેડખાની હતી માત્ર. એમાં પાછું આર્યનનું મદહોશ કરતું સ્મિત. 

‘ધત’ કહેતી સરિતાથી મલકી જવાયું. 

lll
‘મને તો છોકરી ગમી ગઈ.’ 

સ્ટેશનથી રિક્ષામાં બેસતાં જ નીરુબહેને ક્યારનું હૈયે ઘૂમરાતું હોઠે આણી દીધું. 

ધારવા પ્રમાણે આર્યને નારાજગી ન જતાવી, બલકે થોડું શરમાયો એ શુભ નિશાની લાગી માને. લાંબી મુસાફરીનો આ ફાયદો. બે જુવાનિયાં ખાસ્સાં હળી ગયાં એ તો અમે માતાઓએ જોયું. હવે પિતાનો ભૂતકાળ દીકરાને નડે નહીં અને હરિદ્વારમાં મારા આર્યનનું સગપણ પાકું થઈ જાય કે ગંગા નાહ્યા! 

lll
‘તમે!’

વહેલી પરોઢે ઉતારા નજીકના ઘાટે સ્નાન કરીને પગથિયાં ચડતી સરિતા સામે આર્યનને ભાળીને અટકી ગઈ. જૉગિંગ કરતાં આવી ચડેલો આર્યન પણ સુખદ આંચકો પામી ગયો ઃ તમે! 

એ સમયે ઘાટ પર અવરજવર નથી હોતી એટલે તો વહેલી ઊઠીને સરિતાએ સ્નાનવિધિ પતાવી, એવો જ સામે આર્યન ભટકાશે એ ક્યાંથી ધાર્યું હોય! એના આંચકામાં ભીની સાડી પર છાતી ઢાંકવા વીંટેલો ટુવાલ સરકી ગયો. અંગે સફેદ સાડી લપેટીને નાહવા ગયેલી સરિતાના ગોરા બદન પર ભીનું વસ્ત્ર વળગીને શરીરનો દરેક વળાંક ઉજાગર કરતું હતું. આર્યન ઇચ્છવા છતાં પારદર્શક થઈ ગયેલા સરિતાના ઉન્નત ઉભારો પરથી તેની નજર ઊઠતી નહોતી. 

‘સરિતા...’ આર્યનના કાંપતા અવાજમાં આકર્ષણ બોલકું બની ગયું, ‘આ પળે તમારા માટે નિરંતરપયોધરાથી બીજી કોઈ ઉપમા સૂઝતી નથી.’

આમાં વિકાર નહોતો, કેવળ પ્રિયજનનું રસિકપણું હતું. 

તોય જાણે છેડતી થઈ હોય એમ સરિતા છેડાઈ પડી, ‘બસ કરો આર્યન, તમને આ શોભતું નથી...’

ઉતાવળે ટુવાલ વીંટાળીને તે આર્યન પાસેથી પસાર થઈને સહેજ અટકી, ‘મારી માયા છેતરામણી ઠરશે આર્યન, હું સમાજમાં વગોવાયેલી બદનામ નારી છું!’

કહી ધ્રૂસકું દબાવતી તે દોડી ગઈ, ને આર્યન ત્યાં જ ખોડાઈ રહ્યો!

lll
‘આ જો.’

અઠવાડિયા પછીની વાત છે. શનિની રાતે સખીને ત્યાં સૂવા આવેલી રેશમે મોડી રાતે નવ્યા પાસે ડેસ્કટૉપ ચાલુ કરાવતાં તેણે પહેલાં તો અરુચિ દર્શાવી ઃ યાર, પાછી કોઈ ઍડલ્ટ સાઇટ ખોલીને ન બેસતી. 

નવ્યાની અરુચિમાં પોતાને માટેની થોડી અકળામણ પણ હતી ઃ સુથારનું ચિત્ત બાવળિયે હોય એમ રેશમનું બહેકવું સામાન્ય બનતું જાય છે. તેની વાતો અને હરકતો જ એવાં હોય કે હું ન ઇચ્છવા છતાં પણ તણાતી રહું, આ બધું હવે બંધ થવું જોઈએ, પણ એ માટેની મક્કમતા મારામાં જ કેમ ઘૂંટાતી નહીં હોય! 

પણ આજે જોકે રેશમ જુદા મૂડમાં લાગી. નવ્યાની કમેન્ટથી છંછેડાવાને બદલે ગૂગલ પર ખાંખાંખોળા કરીને તેણે મૉનિટર નવ્યા તરફ ફેરવ્યું ઃ આ જો. 

ન હોય. 

સ્ક્રીન ચકાસતી નવ્યા માની ન શકી ઃ આ તો કોઈ ડેટિંગ ઍપ છે, એના પર આર્યનસરની પ્રોફાઇલ! 

યસ, તેમનો ફોટો છે. કૉલેજના પ્રોફેસર હોવાની ઓળખાણ સાચી છે, પોતે અહીં જીવનસાથીની તલાશ માટે આવ્યો હોવાનું પણ લખ્યું છે... પાછી ડાયરેક્ટ મેસેજની વિગતો આપી છે જેથી વાતચીત પ્રાઇવેટ રહી શકે. 

‘આ અકાઉન્ટ ફેક નથી એનો પુરાવો હું ખુદ છું.’ રેશમે ગરદન ટટ્ટાર કરી, ‘જસ્ટ ટુ ચેક મેં તેને રિક્વેસ્ટ મોકલી ઍન્ડ હી રિજેક્ટેડ, એનું કારણ સાફ છે - તે મને તેની સ્ટુડન્ટ તરીકે ઓળખી ગયો!’ 

‘ઓહ...’ નવ્યા હજી મૂંઝાયેલી લાગી, ‘પણ તારે ડેટિંગ ઍપ પર જવાની જરૂર શું પડી?’

‘એટલે!’ રેશમે પાંપણ પટપટાવી, ‘ક્યાં સુધી હું તને પથારીમાં તાણતી રહીશ! કોઈ મને તાણે એવો મરદ મને પણ જોઈએને!’ 

નવ્યાએ તેને ચૂંટી ખણી.  

‘જોકે મેં તો મારું અકાઉન્ટ પછી ડિલીટ કરી નાખ્યું, પણ તારા માટે મને તક દેખાઈ.’ 

કેવી તક? 

‘આઇ નો યુ આર ક્રેઝી આફ્ટર હિમ. તારી નકલી પ્રોફાઇલ બનાવીને તેની સાથે ઇલુ-ઇલુ શરૂ કરી દે તો શક્ય છે કે તારા સ્ટુડન્ટ હોવાનો તેનો વાંધો ખરી પડે અને તું આર્યન જેવા કોઈને બદલે ખુદ આર્યનને જ પામી શકે!’ 

નવ્યાના મુગ્ધ હૈયામાં ગુદગુદી પ્રસરી ગઈ.

‘પણ ફેક પ્રોફાઇલ બનાવવી...’

‘જો પાછી. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, ડિયર!’ રેશમે આંખ મીંચકારી, ‘અરે બીજું કંઈ નહીં તો તેના બેચાર હૉટ ફોટો – મે બી ન્યુડ ઈવન! - મળી જાય એય પૂરતું નથી? એક વાર તમારી લિન્ક પડી જાય પછી તો પ્રાઇવેટમાં આવું બધું બહુ ચાલતું હોય છે. બોલ, અકાઉન્ટ બનાવી દઉં?’

હવે નવ્યાથી ઇનકાર ન થયો. અને કલાકમાં તો AIની મદદથી રેશમે ફેક છબિ સર્જીને આર્યનને બહુ પ્રિય એવી શકુંતલાના નામનું જ અકાઉન્ટ ઍક્ટિવેટ કરીને આર્યનને રિક્વેસ્ટ પણ મોકલી આપી... 

અને રવિની સવારે રિક્વેસ્ટનું અપ્રૂવલ મળતાં નવ્યાએ નાહવા ગયેલી રેશમને બાથરૂમનો દરવાજો ઠોકીને વધાઈ જતાવીઃ હી અૅક્સેપ્ટેડ મી!

ડેટિંગ ઍપની સફર આગળ જતાં કેવો વળાંક આણશે એની નવ્યાને ક્યાં ખબર હતી? 

lll
‘તમારા બે વચ્ચે કંઈ થયું છે, આર્યન?’ 

રવિની બપોરે દીકરાને ટટોલતાં હોય એમ નીરુબહેને પૂછ્યું, ‘આપણે રોજ ભેળા થઈએ, સરિતા મારું ધ્યાન રાખે એમ તું તેનાં ભાઈ-બહેનોને મજા કરાવે, સરિતાને તારા પિતાના ભૂતકાળનો વાંધો નથી એ તો તેં જ મને કહ્યું અને તોય જાણે કેમ તમે એકબીજા સાથે બરફ જેવાં ઠંડાં રહો છો એ અમને માતાઓને તો પરખાય છે. એટલે તો હું રંભાબહેનને સગપણનું કહેણ મૂકી નથી શકતી...’

સગપણ. આર્યને નિઃશ્વાસ નાખ્યો.  

એ પરોઢિયે પ્રિયતમાનું અલભ્ય રૂપ આંખે ચડતાં અંતરની આરઝૂ બોલકી બની, પણ પછી પોતાને બદનામ ગણાવનારી સરિતા પથ્થરની મૂર્તિ બની ગઈ હોય એમ મારાથી અતડી જ રહી છે... નહીં, આ સંગાથનો અંત આવે એ પહેલાં સરિતાને કહી દેવું છે કે... 

અને માને ‘હું હમણાં આવ્યો’ કહીને આર્યન સરિતાના ઉતારે પહોંચ્યો.   

આજે સરિતા તેને ટાળી ન શકી. બપોરની વેળા મા-ભાઈ-બહેનો સૂતાં હતાં. આર્યન તેનો હાથ પકડીને નજીકના ગંગાઘાટે લઈ ગયો. વૃક્ષની છાયામાં મૂકેલા બાંકડે ગોઠવાઈ આર્યને સરિતાનો હાથ હાથમાં લીધો, ‘મારે એટલું જ કહેવું છે સરિતા, હું તને ચાહું છું.’ 

‘જાણું છું. તમે કુંવારી કન્યાના અરમાન જેવા છો આર્યન, પણ મારું એવું ભાગ્ય નથી. છંડાયેલા ફળનું અર્પણ દેવતાને ન હોય આર્યન!’

છંડાયેલું ફળ. આર્યનનું હૈયું કાંપી ગયું, પણ હાથના અંકોડાની ભીંસ ઓસરવા ન દીધી.

‘મારા ફાધરના અચાનક અવસાને પરિવારનો ભાર મારા પર આવી ગયો...’ સરિતા કહેતી રહી.

(ક્રમશ:) 

columnists Sameet Purvesh Shroff gujarati mid day exclusive