01 June, 2026 12:52 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ હુશ્ન!
બાથરૂમના ફુલ સાઇઝ મિરરમાં ઝિલાતા પોતાના શબાબના દીદારે તેની કીકીમાં ખુમાર છવાયો : જાણે યૌવનનો આસવ! કેટલુંક સૌંદર્ય છલકતા જામ જેવું હોય છે... પાત્રની મર્યાદા આવી જાય, પણ મદિરા ઊભરાતી રહે! એટલે તો તિલકરાજ જેવો આશિક કહેતો હોય છે : તું નિતનવી થઈને ઊઘડે છે શબ્બો! જ્યારે-જ્યારે તારા યૌવનસાગરમાં ગોતાખોરી કરું છું, હર વખતે નવું ઊંડાણ અને નવાં મોતી પામું છું!
‘પુરુષ એક વાર આવું માનતો થઈ જાય તો સમજો તમારી આંગળીનાં ટેરવે નાચતો થઈ ગયો!’
માના શબ્દો પડઘાતાં શબનમ સાંભરી રહી:
સુરૈયાબાનો તેના જમાનામાં ખૂબસૂરતીનો પર્યાય ગણાતી. કલકત્તાના બદનામ મહોલ્લામાં જન્મેલી, ઊછરેલી પોતે ધંધે જ બેસવાનું છે એની સમજ કાચી વયે કેળવાયા પછી ત્યાંથી ભાગવાનું વિચાર્યું નહોતું; બલ્કે
અમ્મી-મૌસીઓ ગ્રાહકને કઈ રીતે પલોટે એ ઉત્સુકતાથી નિહાળતી, એમાંથી શીખતી અને પુરુષને પાણી-પાણી કરવાના કસબમાં એવી ઘડાઈ કે એક રાતના પચીસથી પચાસ હજાર સુધીની ડિમાન્ડ કરતી અને આશિકો મોંમાગ્યા દામ ચૂકવતા પણ ખરા!
‘મારું હુશ્ન બે કાંઠે છલકાતી નદી જેવું હતું. પોતાના પૂરમાં કેટલા તણાય છે એની પરવા નદીને પરવડે પણ કેમ?’ એકની એક દીકરીને કહેતાં સુરૈયાબાનોની આંખો સમક્ષ જુવાનીના દિવસો તરવરતા, ‘એનું તો કામ જ વહેવાનું. પોતે ડૂબવાનું નથી એટલું ધ્યાન તો એમાં ખાબકનારે રાખવાનું હોયને!’
માની ફિલસૂફી દીકરીમાં
ગંઠાતી જતી.
‘સોળની ઉંમરે એક પઠાણે મારી નથ ઉતારી. ત્યાર બાદ બાર-ચૌદ વરસ હું થાક્યા કે કંટાળ્યા વિના મરદોને રીઝવતી રહી... અને પછી મને ગર્ભ રહ્યો.’
સુરૈયાબાનો અટકી જતાં.
ના, દીકરીથી તેમણે કશું છુપાવ્યું નહોતું. શબનમ જાણતી કે મા માટે પોતે ધંધામાં રુકાવટ જેવી હતી. મહિનાની દર બીજી રાતે ઘરાક આવતો હોય ત્યારે કોનું બીજ ગર્ભમાં પાંગરવા લાગ્યું એ માટે પણ સુરૈયા શ્યૉર નહોતી. અરે, તેણે તો ગર્ભ પાડવાનાં દેશી ઓસડિયાં પણ લીધાં...
‘પણ તુંય મારા જેવી જિદ્દી નીકળી!’ સુરૈયાબાનો મલકી પડતાં : ઓસડિયાં નકામાં ઠર્યાં, પૂરા મહિને તું અવતરી... અને બસ, હું ધંધેવાલીમાંથી અમ્મી બની ગઈ! તને રમાડતી વેળા તારી નાની મને કહેતી : હું તો તને આ બદનામ ગલીથી દૂર લઈ જઈ ન શકી સુરી, તારેય શબનમને આ જ માહોલ આપવો છે?’
સહેજ વાર શ્વાસ લેવા પૂરતું રોકાઈને સુરૈયાબાનો ઉમેરતાં : મને એ ગલીનો, ધંધાનો ક્યારેય છોછ નહોતો... પણ મા તરીકે વિચારતી તો થતું કે મારી દીકરી શું કામ સમાજની અંધારી બાજુમાં શ્વસે! મારી પાસે મૂડીની કમી નહોતી... અને બસ, એક રાતે તને લઈને હું અને તારી નાની હાવડા મેલ પકડીને મુંબઈ ઊતર્યા, વસ્યા...’
‘ત્રાસ આપતા ધણીથી સુરૈયા છૂટી થઈ તોય તે બદમાશ અમને ચેનથી જીવવા નહોતો દેતો એટલે વતનની માયા મૂકીને અજાણ્યા મલકમાં ઊતરી આવ્યા...’ નાનીએ રચેલી કહાણી બાંદરાના પાડોશી વર્ગે સ્વીકારી લીધેલી ને બાર-પંદરની થયા સુધીમાં શબનમ પણ આને જ સચ માનતી. ‘પિતા’ની તસવીર સુધ્ધાં તેણે જોઈ નહોતી, જોવાની કદી ઇચ્છા પણ ન થઈ.
સોળની ઉંમરે તેના યૌવનને પાંખો આવી. કૉલેજ આવતાં સુધીમાં તો પોતાના હુશ્નની મૂડીથી સભાન બનેલી શબનમ જુવાનિયાઓને પોતાની અદાથી પલોટીને કારની લિફ્ટ, સિનેમાની ટિકિટ, એસ્સેલવર્લ્ડની ટ્રિપ જેવા ફાયદા ઉઠાવતી થઈ ગયેલી. એમાં પિતા નામના પુરુષે મા પર વરસાવેલા જોરજુલમ તેના જાતભાઈઓ પાસે વસૂલવાની ભાવના વધુ રહેતી. ઘરે મા વઢશે એવી ધાસ્તી રહેતી, પણ સુરૈયાઅમ્મી આંખ આડા કાન કરતાં. બલ્કે નાની સાથે કાનાફુસી કરતાં : મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે! પુરુષોને પલોટવાનું આર્ટ શબ્બોના લોહીમાં છે!
આનો મતલબ? – એક વાર સીધું જ શબનમે પૂછતાં સુરૈયાબાનોએ સહેજે ખચકાટ વગર ગતખંડ ઉઘાડો કરી નાખેલો. એમાં પોતાના ધંધાનો છોછ નહોતો. એથી પણ શબનમ આઘાત પચાવી ગઈ.
‘બીજી માની જેમ હું પણ ઇચ્છું છું કે મારી દીકરી પોતાનું ઘર વસાવીને ઠરીઠામ થાય... પણ તારામાં મારા ગુણ આવતા જાય છે લાડો એટલે લાલ બત્તી ધરું છું : પુરુષને રમાડવાની રમતમાં મોજ છે, પૈસો છે; પણ સમાજની સ્વીકૃતિ નથી. શા માટે એ રસ્તે જવું!’
- આનો જવાબ તો આજે પણ મારી પાસે નથી...
શબનમે વળી અરીસા પર નજર ટેકવી : કદાચ માનું લોહી બોલતું હશે એટલે, કદાચ મારી નિયતિ જ એ હશે એટલે; પણ મારેય માના રસ્તે જ ચાલવાનું બન્યું. બેશક, ઑફિશ્યલી ધંધેવાલી હું નથી બની, પણ મારા જીવનમાં પુરુષો મોસમની જેમ આવતા-જતા રહ્યા...
પહેલો જુવાન હતો ગુજરાતી રંગભૂમિનો હીરો દિલાવર!
ના, પોતાને નાટકનો એવો શોખ નહીં, કલાકાર-કસબીઓથી હું ખાસ માહિતગાર પણ નહીં. એ તો બહેનપણીઓ પરાણે એક શોમાં ખેંચી ગઈ. દિલાવર એનો હીરો હતો! ‘દીનાનાથ’માં પહેલી વાર તેને નાટકમાં જોયો ત્યારે હૈયું હારવા જેવી ફીલિંગ થયેલી. પચીસેક વરસનો જુવાન નસોમાં ઉત્તેજનાનું ઘમસાણ મચાવી દે એવો સોહામણો લાગ્યો. અભિનયની છટા પણ નિરાળી લાગી. છોકરો કુંવારો છે એટલું જાણવું મારા માટે કાફી હતું. પછી શું, ઉપરાઉપરી ચારેક શોમાં હાજરી આપી, બૅકસ્ટેજમાં તેને મળતી રહી એનું પરિણામ આવવું ઘટે એ જ આવ્યું... ચોથા મહિને અમે જુહુની હોટેલમાં એકાંત માણતાં હતાં! દિલાવરને પરવશ કરીને તેની પરણેતર બનવાના અભરખા ઊછળતા હતા, પણ...
ઇટ વૉઝ હાર્ટ-બ્રેકિંગ. દિલાવર ગમે એટલો સોહામણો હોય, પથારીમાં સાવ બોદો પુરવાર થયો. ના, આવા પુરુષ સાથે જન્મારો તો ન નીકળે!
નાની ત્યારે રહી નહોતી અને માને સચ કહેવાની હામ નહોતી... દિલાવરના અનુભવે હું એ રીતે સચેત થઈ કે જેને પરણવાનું થાય તેની જોડે અન્ય લાઇક-ડિસલાઇક્સની જેમ કામસુખની પણ ખાતરી અગાઉથી કરી લેવી ઘટે... પરિણામે ચારેક બીજા પુરુષો સાથે સૂવાનું બન્યું એમાં મયંક ખરેખર હીમૅન નીકળ્યો, માલદાર પણ હતો; પણ પરણવાનું દબાણ કર્યું ત્યારે ધરમભેદનું બહાનું આગળ કરીને વંજો માપી ગયો!
‘આમ ને આમ તું ત્રીસની તો થઈ શબ્બો...’ સુરૈયાબાનો ક્યારેક અકળાતાં, ‘હજી ક્યાં સુધી લગ્નના નામે જાત લૂંટાવતી રહીશ?’
‘જ્યાં સુધી યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી!’
‘આ શું નાદાની. તારી ઉંમર વધે છે એમાં તને કાચો-કુંવારો છોકરો મળવાથી રહ્યો!’
‘તો! પરણેલો પુરુષ મારા મોહમાં તેનો વસ્યો-વસાવેલો સંસાર છોડે એ ઉપલબ્ધિ કંઈ કમ છે!’
પોતાના જવાબ પર મગરૂરીભર્યું મલકી પડી શબનમ.
આજે અમ્મી પણ નથી રહી, પણ એક પુરુષ મારા મોહમાં તેનો સંસાર ભાંગવા તૈયાર થયો છે ખરો!
તિલકરાજ.
શબનમે દમ ભીડ્યો:
આમ તો અમ્મીના વ્યવસ્થિત મૂડીરોકાણને કારણે આજીવિકાનો પ્રશ્ન નહોતો, પણ વ્યસ્ત રહેવાના આશયે પોતે નોકરી કરતી એમાં બે વરસ અગાઉ જમ્પ મારીને ગોરેગામની મહેતા ટેક્સટાઇલમાં બૉસ તિલકરાજની સેક્રેટરી તરીકે જોડાઈ. કંપનીનો ૪૦૦ કરોડનો કારોબાર હતો. પિતાના નિધન પછી તિલકરાજે વેપારને બમણો કરી દેખાડ્યો એવું જૂના સ્ટાફમાં ચર્ચાતું. ડૅશિંગ ઍન્ડ ડાયનૅમિક તિલકરાજ પરિણીત છે અને જુહુના વિલામાં પતિ-પત્ની બે જ છે એ જાણીને મને પહેલી વાર કોઈ સ્ત્રીની ઈર્ષા થયેલી - તિલકની પત્ની માધુરીની! બેશક તે રૂપાળી છે, તેનું મહિયર પણ ખમતીધર છે એટલે અમીરીની તેને નવાઈ ન હોય. ટૅક્સ-બેનિફિટ લેવા તિલકે ઑન પેપર બિઝનેસમાં પત્નીનો શૅર વધુ બતાવ્યો છે, પણ માધુરી ભાગ્યે જ ઑફિસે આવે. માધુરીને વેપારના આંકડાને બદલે શ્રીમંતાઈને માણવામાં જ વધુ રસ હોયને. ક્વચિત્ ઑફિસ આવી ચડે તો સૌ અદબમાં આવી જાય એવો તેનો ઍટિટ્યુડ.
તિલક પણ હાર્ડકોર બિઝનેસમૅન. વેપારની ડીલમાં નફાનું માર્જિન પહેલાં જુએ. કિલર ઇન્સ્ટિંક્ટથી ઓપતો તિલકરાજ પથારીમાં કેવું સુખ વરસાવતો હશે એની કલ્પના મને પાણી-પાણી કરી મૂકતી. જેવા પુરુષને હું પતિ તરીકે ઝંખતી રહી તે માધુરીની ઝોળીમાં પડતાં પહેલાં મને કેમ ન મળ્યો!
- એમાં જ તો તારી કસોટી છે... હૅપિલી મૅરિડ ગણાતો પુરુષ બૈરીને છોડીને તારી આગળપાછળ ભમતો થઈ જાય તો તારું આ રૂપ-જોબન સાચું!
શબનમે પોતાને જ આપેલો પડકાર ઝીલી લીધો. તિલકરાજની પસંદ જાણીને તેણે ઑફિસની કાયાપલટ કરી નાખી – ધીરે-ધીરે. બોરિંગ સ્ટૅચ્યુની જગ્યા મઘમઘતાં ફ્લાવર્સના વાઝે લીધી. દીવાલે લટકતી ઘડિયાળથી માંડીને બારીના કર્ટન્સ બદલાવીને તેણે કૅબિનને વધુ સ્પેશ્યસ, વધુ કમ્ફર્ટેબલ બનાવી દીધી.
‘આઇ અપ્રિશિએટ!’ તિલક તેને બિરદાવતો. શબનમ મનમાં હસતી : આ તો ઑફિસ છે, હું તો તમારા જીવનની કાયાપલટ કરવાની ફિરાકમાં છું!
તે કામમાં ઊંડી ખૂંપતી, એક તરફ તિલકની નજરમાં હોશિયાર ઠરતી, બીજી બાજુ મજાકમસ્તીથી નિકટતા સાધતી. ક્યારેક સાડીનો પલ્લુ સરકાવી દેતી, ક્યારેક બૅલૅન્સ જાળવવાના બહાને તિલક પર ઢળી પડતી. તિલકમાં પ્રસરતી ઉત્તેજના છાની ન રહેતી.
આ બધાનું પરિણામ આવવું ઘટે એ જ આવ્યું... મીટિંગના બહાને તિલક તેને ખંડાલાના તેના ફાર્મહાઉસ પર લઈ ગયો. શબનમના હુશ્નના દીદારમાત્રથી તે ચીત થઈ ગયો ને તેની પુરજોશ મર્દાનગી માણતી શબનમે ગાંઠ વાળી : હવે આ પુરુષને છોડે એ બીજા! મારે તેની ઉપપત્ની બનીને નથી રહેવું, બાકાયદા તેની દુલ્હન બનીને એમ્પાયરના અડધા માલિક પણ બનવું છે!
શબનમે શય્યામાં એવાં કરતબ દાખવ્યાં કે તિલક એકાંતની તક ખોજતો થઈ ગયો. શબનમ તેને ટાળતી, ટટળાવતી ને પછી માની જતી. તિલકને તેનું બંધાણ થતું ગયું, પત્નીમાંથી રસ ઊડતો ગયો...
શબનમને એટલાથી સંતોષ નહોતો. મયંકવાળા કિસ્સા પછી તે બધું પાકે પાયે કરવામાં માનતી. એટલે તો બીજા પુરુષો સાથે કરતી એમ તિલકરાજની જાણ બહાર તેમની અંગત પળોની ફિલ્મ પણ ઉતારી રાખી છે... આટલી ખબરદારી પહેલેથી રાખી હોત તો મયંક ધરમના નામે છટકી ન શકત ને હું સંસારમાં થાળે પડી ગઈ હોત! એટલે પછીથી શય્યાપુરુષનું રેકૉર્ડિંગ કરવાની સાવચેતી રાખતી જેથી મને ગમેલો પુરુષ કોઈ પણ બહાને છટકી ન શકે! પણ એમાંથી કોઈ પથારીમાં મને પૂર્ણતઃ રીઝવી શકે એવો હતો નહીં. લાંબા ઇંતજાર બાદ મયંકને પણ ટપી જાય એવો પુરુષ મળ્યો છે. એ તિલકને કોઈ હિસાબે હું સરકવા નહીં દઉં!
જોકે એ માટે અંગતના વિડિયોના બ્લૅકમેઇલિંગની જરૂર ન પડી... તિલકને મારી, મારા જોબનની એવી લત વળગી છે કે મારી સાથે પરણવા તે પોતાની બૈરીનો ખાતમો કરવા પણ રાજી થઈ ગયો છે!
અને એમાં અલબત્ત, મારા રેકૉર્ડિંગનો સંઘરેલો સાપ કામ આવવાનો!
શબનમના ચહેરા પર ખંધાઈ તરવરી ને એના ખુમારમાં તેણે શાવર ચાલુ કરી દીધો.
lll
‘બાય ભઈલા, ટેક કૅર.’
કાવેરી ફોન પતાવીને બ્રેકફાસ્ટ કરતા પતિ તરફ મલકી, ‘આરવનો ફોન હતો... તમને યાદ આપી છે.’
‘હં...’ થેપલાનો ટુકડો દહીંમાં ઝબોળતા અવનીશે કન્સર્ન દાખવી, ‘આરવ પર્યાવરણપ્રેમી છે એટલે જ્યારે-ત્યારે જંગલોમાં જ ભટકતો રહે એ કેવું! એન્વાયર્નમેન્ટની, ક્લાઇમેટ ચેન્જની પરવા આપણને સૌને છે, હોવી જોઈએ; પણ એથી આમ જંગલોમાં ભટકતા રહેવાથી શું મળવાનુ!’
કાવેરીના હોઠે આવી ગયું કે આરવના જંગલ-જંગલ ફરવામાં કેવળ પર્યાવરણ માટેનો પ્રેમ જ કારણભૂત નથી... તમારી બેન સાથેનું તેનું પ્રેમપ્રકરણ છે!
પણ ના, આવું કહેવામાં અર્થનો અનર્થ થવાની સંભાવના વધુ હતી!
અને કાવેરીએ આજે પણ હોઠ ભીડેલા જ રાખ્યા!
(ક્રમશ:)