અર્થ-અનર્થ - અગર તુમ ન હોતે (પ્રકરણ ૨)

02 June, 2026 10:48 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અને એ પ્રેમકહાણી ખૂલ્યા કે ખીલ્યા વિના જ મ્યાનબદ્ધ થઈ ગઈ... આના થોડા મહિનામાં સુલેખાએ યોગ ક્લાસમાં તેનાં લગ્નની કંકોતરી આપી. તેનાં લગ્નની રાતે આરવ મારા ખોળે માથું મૂકીને બહુ રડ્યો હતો એટલું જ

ઇલસ્ટ્રેશન

‘મૈં દુલ્હન તેરી...’

દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતથી કાવેરીના ચહેરા પર પ્રણયની સુરખી ફેલાઈ ગઈ.

અવનીશ મારા જીવનમાં આવ્યા એ મારું ખુશકિસ્મત નહીં તો બીજું શું! બાકી માને મારા - અને આરવના પણ - લગ્નની કેટલી ચિંતા રહેતી... એમાં આરવ તો તેની શોક્યનો દીકરો - તો પણ!

કાવેરી સાંભરી રહી:

ઉત્તમભાઈ અટકથી ઝવેરી ખરા, પણ ફોટોગ્રાફીના શોખે તેમને ફોટોગ્રાફર બનાવી દીધા. અંધેરીના ઘરની બીજી ગલીમાં પોતાનો સ્ટુડિયો ખોલ્યો ને એમાં કમાયા પણ ઘણું... અને એ ધંધાએ જ પપ્પાને ઊર્મિમમ્મી મળ્યાં એ પણ એટલું જ સાચું!

કાવેરીએ વાગોળ્યું:

ઉત્તમભાઈ-ધારિણીબહેનનો સુખી સંસાર હતો. પહેલા ખોળે અવતરેલી કાવેરી માબાપને અત્યંત વહાલી. અને...

ઉત્તમભાઈના સ્ટુડિયોમાં વીસેક વરસની કન્યા ઝંઝાવાતની જેમ આવી ચડે છે : મારે હિરોઇન બનવું છે, મને પોર્ટફોલિયો બનાવી આપશો?

અઠ્ઠાવીસના ઉત્તમથી હસી પડાયું. આ ઉંમરમાં દર બીજી છોકરીને માધુરી દીક્ષિત બનવું છે! કન્યાની ઉતાવળમાં નાદાની હતી ને પૃચ્છામાં ભોળપણ, પણ તેના પર નજર ટેકવતાં ઉત્તમની કીકીમાં ફોટોગ્રાફરની ચમક ઊપસી : સીધો જ આંખોમાં જડાઈ જાય એવો નાક-નકશો!

એ ચમકે ઊર્મિને શરમાવી દીધી. પછી હિરોઇન બનવાનું બાજુએ રહ્યું ને બેઉ પરણી બેઠાં!

ના, ઉત્તમે ઊર્મિ સાથેનો પ્રણય પત્નીથી છુપાવ્યો નહોતો, ધારિણીએ એને પણ વફા ગણી. તેમનામાં પતિના નવા પ્રેમના સ્વીકારની પીઢતા હતી એમ પોતાનું સ્વમાન પણ વહાલું હતું. પિયરના આશરે જવાને બદલે તે નજીકમાં ભાડાના ઘરે રહેવા જતાં રહેલાં. પતિ પાસે એલિમની ન લેતાં પોતાનું સ્ત્રીધન વેચ્યું, સીવણનાં અને રસોઈનાં કામ બાંધીને જીવવાનો જોગ ઊભો કરી દીધો.

ઉત્તમના ઘરે આવવા પર તેમણે પાબંદી નહોતી રાખી એમ ઊર્મિ માટે પણ તેમને દ્વેષ નહોતો. ઊર્મિમાં પણ ધારિણીની સંમતિથી જ ઉત્તમ સાથે આગળ વધવાની જીદ હતી. તેનું ભોળપણ, તેનું અંતર પરખાયા પછી ધારિણીને પણ હેત જ ઊભર્યું. ઝાઝી હો-હા વિના ઉત્તમ-ધારિણીના છૂટાછેડા થયા. પછી પરણીને બેઉ પહેલાં ધારિણીના ઘરે આવ્યાં.

‘દીદી, પહેલાં આશીર્વાદ મારે તમારા લેવા છે.’

આવું કહેતી ઊર્મિને ધારિણીએ ગળે વળગાડી. ૩ વરસની કાવેરી ટગર-ટગર પપ્પા સાથે આવેલી સ્ત્રીને જોઈને પૂછે છે : મા, આ કોણ છે?

‘નાની મમ્મી.’

ધારિણીએ સહેજે ખચકાટ વિના કહ્યું ને ઊર્મિની આંખો વરસી પડેલી : બસ, મને જોઈતા આશીર્વાદ મળી ગયા!

કાવેરીને બહુ જલદી નવી મમ્મી સાથે ગોઠી ગયું... રોજ સ્કૂલથી આવતાં-જતાં નાની મમ્મીના ઘરે જવાનું. તેમનાં લગ્નના પહેલા વરસે આરવનો જન્મ થયો પછી તો ભઈલાને રમાડવાની કાવેરીને મોજ પડતી. જેમ કાવેરી પપ્પાના ઘરે જતી એમ ઊર્મિ આરવને ધારિણીને સોંપી જતી : મારા દીકરા પર મોટી મમ્મીનો હાથ પણ રહેવો જોઈએ!

-કદાચ એટલે પણ અમારી વચ્ચે સગા-સાવકાનો ભેદ કદી ઊગ્યો જ નહીં. પપ્પા અને બન્ને મમ્મીઓ પાસેથી અમને સરખું હેત મળ્યું... એટલું જ નહીં, પહેલાં નાની મમ્મી અને પછી પપ્પાના દેહાંત બાદ માએ ૧૩ વરસના આરવને સવાયા વહાલથી સાચવી લીધો.

યૌવનમાં પગ મૂક્યા પછી સ્ત્રીસહજ સૂક્ષ્મ સમજ કેળવાતાં કાવેરીને પપ્પા-નાની મમ્મીની પ્રણયગાથા રોમાંચક લાગતી એમ માની ઉદારતા અને સ્વમાન પણ પરખાતાં. એ બધું સમજવાની આરવની હજી ઉંમર નહોતી. ભણવામાં હોશિયાર આરવનો રસનો વિષય હતો : પર્યાવરણ!

ભૂલેચૂકે કોઈ નળ ખુલ્લો રહી ગયો કે પછી વિના કારણ લાઇટ-પંખા ચાલુ રહી ગયાં તો ભાઈસાહેબ રીતસરની પસ્તાળ પાડે. કૉલેજમાં પણ તેનો કળશ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ પર ઢોળાયો. તેનું પૅશન માને બહુ સમજાતું નહીં, પણ કાવેરીને એનો ગર્વ રહેતો. તેને તંગ કરવાની પણ મજા પડતી : બે ઘડી તારા પર્યાવરણને બાજુએ મૂકીને જવાબ આપ : કૉલેજની કોઈ છોકરી તારાથી ઇમ્પ્રેસ થઈ કે નહીં!’

ત્યારે તે એવો તો શરમાઈ જાય. માતાના રૂપનો સીધો વારસો આરવમાં ઊતર્યો હતો. અત્યંત સોહામણા લાગતા આરવના ચાર્મથી ભાગ્યે જ કોઈ છોકરી અસ્પૃશ્ય રહી શકે...

‘આજની છોકરીઓમાં અક્કલ જ નથી. પર્યાવરણનું ભણે છે ને ઘરેથી પ્લાસ્ટિકની બૉટલમાં પીવાનું પાણી લાવે છે, બોલ!’

કાવેરી કપાળ કૂટતી : મારો ભઈલો મોટો ક્યારે થશે! છોકરીને બદલે તેની પ્લાસ્ટિકની બૉટલ જુએ છે!

‘આરવે છોકરી પસંદ કરવાની વાર છે, તેને ભણીને કરીઅરમાં થાળે તો પડવા દે; પણ તારાં લગ્ન મારે લઈ લેવાં છે...’

મા કહેતી. કાવેરી શરમાઈ જતી. તેની હૈયાપાટી કોરી હતી. કુંવારાં અરમાનોને પોંખે એવા કોઈ એકની થવાના ઓરતા બાવીસ-ત્રેવીસની ઉંમરે કોને નથી હોતા!

કાવેરી જેવી નખશિખ રૂપાળી, હોશિયાર, ઘરકામમાં કેળવાયેલી કન્યા માટે મુરતિયાની લાઇન લાગવી જોઈએ. એને બદલે જ્યાં વાત મૂકતા ત્યાંથી મોળો પ્રતિસાદ સાંપડતો. બહુ દબાણ કરો તો કારણમાં એવું કહેવાતું કે છોકરીના પિતાએ બાપ બન્યા પછી લફરું કર્યું, બીજાં લગ્ન કર્યાં... એટલે જરા ખચકાટ રહે છે!

ત્યારે કાવેરીને સમજાયું કે સમાજ બીજાની ભૂલને એક જ આંખે જોવા ટેવાયો છે!

‘જેવી જેની મતિ.’ મા મન મનાવતી, ‘કોઈક વીરલો તો હશે જેને સચની, ગુણની પરખ હોય...’

એની રાહ જોતાં ઘરે બેસી રહેવાને બદલે કાવેરીએ જાતને વ્યસ્ત કરી દીધી. તેને યોગમાં રસ હતો. સરકાર શહેરમાં અનેક ઠેકાણે યોગના મફત ક્લાસિસ ચલાવતી હોય છે. એના ટ્રેઇનર તરીકેની પરીક્ષા પાસ કરનાર કાવેરીને તેના ઘરની નજીકની વૈભવી સરસ્વતી સોસાયટીમાં ક્લાસ લેવાની જવાબદારી સોંપાઈ... ૨૦ માળના બાર ટાવર્સ ધરાવતી જાયન્ટ સોસાયટીના ગાર્ડનમાં કાવેરીએ સવારે છથી ૭ અને સાંજે ચારથી પાંચ એમ દિવસના બે બૅચ લેવાના રહેતા. આરવ પણ બહેનના બૉડીગાર્ડની જેમ સાથે આવતો. તે પણ યોગ શીખેલો એટલે બહેનની બાજુમાં ગોઠવાઈ જતો. કાવેરીમાં શીખવવાની ધગશ હતી એનો પ્રચાર થતો ગયો એટલે

ધીરે-ધીરે સંખ્યા વધવા માંડી.

‘અહીં પાણી માટે પ્લાસ્ટિકના જગ કેમ મૂક્યા છે! માટલું મૂકો તો એ સ્વદેશી પણ લાગશે અને પર્યાવરણ પણ સચવાશે...’ યોગ માટે આવતા સોસાયટીના સેક્રેટરીને આરવ કહી પાડતો. તેની વાતો સાંભળવાની મજા પણ આવતી.

‘ખરેખર, પર્યાવરણ માટે આપણે આટલું કરી શકીએ એની અવેરનેસ મને હવે આવી...’

આવું કહેનારી હતી સુલેખા.

C વિંગના પેન્ટહાઉસમાં રહેતી સુલેખા વયમાં આરવથી એકાદ-બે વરસ મોટી હશે... આવી પૉશ સોસાયટીમાં રહેનારા ખમતીધર જ હોય, પણ સુલેખાની સુંદરતા તેની સાદગીને કારણે વધુ દીપી ઊઠતી. તેના વાણી-વર્તનમાં દંભ નહોતો. એમાં વળી પર્યાવરણની વાતો સાંભળીને સુલેખા અમલમાં મૂકતી એટલે સ્વાભાવિકપણે આરવની નજરમાં બેઠી. ભાઈનું યોગમાં આવવાનું બીજું પણ કારણ છે એ ધીરે-ધીરે કાવેરીને પરખાયું.

‘સુલેખા સારી છોકરી છે, નહીં!’ તે હળવેથી કહેતી ને આરવ શરમાઈ જતો. કાવેરી ઊછળતી : તો આઇ લવ યુ કહીને પ્રીત પાકી કરી લે! સુલેખા ઘર દીપાવશે એમાં શંકા નથી...

અને આરવ ગંભીર બનતો : નહીં દીદી, પહેલાં તમારો વારો, પછી મારો.

કાવેરી તેને વઢતી, ઝઘડતી; પણ આરવ ન જ ગાંઠ્યો ત્યારે કાવેરીની ઇચ્છા સુલેખાને ટટોલવાની હતી. એ પહેલાં માના કાને ભાઈ-બહેનની ચર્ચા પડી ને તે ચમક્યાં:

‘સરસ્વતી સોસાયટીની સુલેખા એટલે... સુલેખા જરીવાલા તો નહીં - વિનયકાંતની દીકરી? જેનો એક મોટો ભાઈ છે?’

‘હા મા, તે જ. તેનો ભાઈ લંડન માસ્ટર્સ કરવા ગયો છે એટલું હું જાણું છું. સુલેખા તેના મોટા ભાઈને બહુ વખાણતી હોય છે.’

‘છોકરો હીરા જેવો છે...’ કહીને માએ નિરાશામાં ડોક ધુણાવી, ‘તારું કહેણ મેં મોકલ્યું હતું, પણ વિનયકાંત-સુજાતાબહેને ઇનકાર ફરમાવ્યો... કારણ તો તમે હવે જાણો જ છો.’   

ઓ...હ! ત્યારે આરવે હૈયે પથ્થર મૂકી દીધો : હવે તો સુલેખા મને ચાહતી હોય તો પણ ન પરણું. મારી બહેનને રિજેક્ટ કરનાર કુટુંબ જોડે મારો રિશ્તો સંભવ જ નથી!

અને એ પ્રેમકહાણી ખૂલ્યા કે ખીલ્યા વિના જ મ્યાનબદ્ધ થઈ ગઈ... આના થોડા મહિનામાં સુલેખાએ યોગ ક્લાસમાં તેનાં લગ્નની કંકોતરી આપી. તેનાં લગ્નની રાતે આરવ મારા ખોળે માથું મૂકીને બહુ રડ્યો હતો એટલું જ. પછી તેણે ક્યાંય કોઈને પોતાના હૈયાભંગનો અણસાર પણ આવવા નથી દીધો. તેની કૉલેજ પણ પતી હતી, પોતાનું NGO ખોલીને પોતાને ગમતા પર્યાવરણ સંરક્ષણના કામમાં ખૂંપતો ગયો અને બીજી બાજુ લંડનથી પરત થઈને પિતાના બિઝનેસમાં જોડાયેલા અવનીશ યોગ ક્લાસમાં આવતા થયા, મને ચાહતા થયા, માબાપ સામે બંડ પોકારીને મને પરણવા તૈયાર થયા ત્યારે હું દુવિધામાં હતી : અવનીશને હું પણ ચાહવા લાગી છું, પરંતુ એક વાર મારો રિશ્તો ઠુકરાવાયો હોવાથી મારા ભાઈએ પોતાના પ્રેમને ટૂંપો દીધો એ જ ઘરે હું વહુ બનીને જઈ જ કેમ શકું!  

‘કેમ નહીં દીદી!’ આરવ ત્યારે વજ્રની જેમ અડગ રહ્યો, ‘તને અવનીશે નહોતી ઠુકરાવી... અવનીશ તારા માટે તેનાં માવતર સામે લડ્યો એમ સુલેખા મને ચાહતી હોત તો બીજે કેમ પરણત? મારી પ્રેમકહાણી ફળવાની નહોતી દીદી, પણ તારી ફળે એમ છે ત્યારે ગઈ ગુજરી ભૂલીને પ્રણયને આવકારી લે - તને મારા સોગંદ!’

આરવ હવે નાદાન નથી રહ્યો. ઊર્મિમમ્મીને કારણે ધારિણીમાએ તેમનું ઘર છોડવું પડ્યું એની કસર દીદીનું ઘર વસાવીને પૂરી કરવાનો ભાવ પણ આમાં હોય, કોણે જાણ્યું!

જે હોય એ, મારા-અવનીશનાં લગ્નથી સૌથી વધુ ખુશ આરવ હતો. જીજુ સાથે પણ તેને ગોઠી ગયું. સુલેખાને ક્યારેક મળવાનું થાય તો સમતોલ રહે. હું પણ સુલેખા સાથે આરવની વાત કરવાનું ટાળું. અવનીશ ક્યારેક આરવનાં લગ્નની વાત છેડે ત્યારે તેની પ્રણયગાથા હોઠ સુધી આવી જાય, પણ પોતાની બહેનને તે ચાહતો હોવાનું સાંભળીને અવનીશ અર્થનો અનર્થ કરી નાખે એવી ધાસ્તી મને લગ્નનાં બે વરસે પણ આ ભેદ ખોલતાં રોકે છે...

અત્યારે પણ હળવો નિ:શ્વાસ નાખીને કાવેરીએ વિચારબારી બંધ

કરી દીધી.

lll

‘અરે! નળ બંધ કર શ્યામલી, પાણી વેડફાય છે!’

સુલેખાની તીણાશે શ્યામલીએ નળ ટાઇટ કરતાં મોં બગાડ્યું : મૂઉં થોડું પાણી ગયું એમાં આટલું શું ચિલ્લાવાનું!

સુલેખાએ હોઠ કરડ્યો. મારો મુદ્દો ખોટો નથી, પણ મારી પ્રતિક્રિયા જરૂર કોઈને ખટકે. પાણીના વેડફાટ કે પ્લાસ્ટિકના વપરાશ પર હું કેમ આટલી આળી બની જાઉં છું?

કેમ કે મારા ચિત્તમાં આરવ ઝબકે છે ને કોઈની પત્ની થયા પછી હું પરપુરુષને સાંભરું એની અકળામણમાં જાત પરનો ગુસ્સો હું ચિલ્લાઈને ઉલાળી દઉં છું!

આરવ.

સુલેખા સાંભરી રહી:

વેપારી પિતાના સંતાન તરીકે અવનીશભાઈ અને હું ખૂબ એશોઆરામમાં ઊછર્યાં. અલબત્ત, પિતાજી વેપારમાં વ્યસ્ત હોય, મા તેના સોશ્યલ સર્કલમાં બિઝી હોય એટલે ખરું પૂછો તો મારાથી પાંચ વરસ મોટા અવનીશભાઈ પાસેથી હું મા-બાપનું પણ હેત પામી છું. મારામાં મૂલ્યોનું ઘડતર તેમણે કર્યું... એટલે પણ ગ્રૅજ્યુએશન પછી માસ્ટર્સ માટે પિતાજીએ ભાઈને બે-પાંચ વરસ માટે લંડન મોકલવાનું નક્કી કર્યું ત્યારે હું કેટલું રડેલી! ભાઈએ જ મને મનાવેલી.

ભાઈ પરત થાય એ પહેલાં સોસાયટીમાં યોગ ક્લાસ જૉઇન કર્યા એમાં આરવને મળવાનું થયું, હૈયે પ્રીતનું મહોરવાનું થયું!

નહીં, પહેલી પ્રીતની યાદ કોઈ બીજાની પરણેતર કરે ત્યારે અર્થનો અનર્થ થઈ જતો હોય છે!

અને હળવો નિ:શ્વાસ નાખીને સુલેખાએ યાદયાત્રા સમેટી લીધી.

lll

‘મિડ-ડે’નો રિપોર્ટ વાંચ્યો? આજકાલ લોકો ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારા બહુ જાય છે... આપણે જવું છે?’

તિલકે પૂછ્યું, માધુરીએ હા ભણી. સાપુતારાના પ્રવાસમાં શું થવાનું છે એની ત્યારે ક્યાં ખબર હતી?

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff