અર્થ-અનર્થ - અગર તુમ ન હોતે (પ્રકરણ ૪)

04 June, 2026 12:16 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આની જાણ મોડી રાતે એ જ નંબર પરથી આવેલા ફોન પર થઈ. સામેથી અજાણ્યા પુરુષસ્વરમાં કહેવાયું : તમારે તમારી મર્દાનગીનો ધજાગરો ન થવા દેવો હોય તો આવતા શુક્રની બપોરે આહવા પહોંચી જજો, એકલા જ.

ઇલસ્ટ્રેશન

‘એક સવાલ રહે છે...’

હોટેલના બેડની પથારીમાં શબનમના વાળની લટ સાથે રમત કરતો તિલકરાજ પૂછે છે, ‘કિલરની વ્યવસ્થા તું કઈ રીતે કરશે? તે માણસ વિશ્વાસુ તો છેને?’

શબનમે ઊંડો શ્વાસ લીધો. હું મારા શય્યા સાથીનો વિડિયો ઉતારું છું એવું કહીશ તો તિલકરાજ ભડકી જશે, તેનો પણ વિડિયો ઉતાર્યાના અનુમાને મને શંકાથી નિહાળતો થઈ જશે... એટલે સાચવીને કહેવું રહ્યું.

‘તું જાણે છે તિલક, આપણે મળ્યાં ત્યારે હું કંઈ કાચી કુંવારી તો નહોતી જ... મારાં બે-ત્રણ બ્રેક થયેલાં એ પણ તું જાણે છે...’

અખંડ કૌમાર્યની અપેક્ષા ન રહે એ માટે પોતે સંબંધમાં શરૂથી જ પાણી પહેલાં પાળ બાંધી રાખતી એનો અત્યારે લાભ ઉઠાવીને તે નિકટ સરકી, ‘એમાંનો એક જુવાન થોડો વરણાગી નીકળ્યો. તેનામાં ખુદમાં વેતા હતા નહીં એટલે પણ મને છોડવી નહીં હોય... સો તે બદમાશે અમારી અંગત પળોનું રેકૉર્ડિંગ કરીને મને બ્લૅકમેઇલ કરી : તારે મારી સાથે પરણવું પડશે!’

કહીને શબનમે પોતાનો મોબાઇલ ખેંચીને એ વિડિયો દેખાડતાં તિલકરાજ હસી પડ્યો : આ માઇક્રો મૅનમાં છે શું!

‘એટલે તો તેણે મને પરણવા બ્લૅકમેઇલિંગનો આશરો લીધો... આ વિડિયો મને મોકલાવીને એને વાઇરલ કરવાની ધમકી આપી.’

‘ઓહ... પછી?’

‘પછી શું, સામે મેં પણ પડકાર ફેંક્યો કે તારા પહેલાં હું વિડિયો વાઇરલ કરીને તારી મર્દાનગીનો ધજાગરો કરું છું!’ શબનમે મગરૂરી દાખવી, ‘ગભરાઈ ગયો બિચારો. ફરી મારી સામે આવ્યો નથી! પણ તેનો આ વિડિયો સમહાઉ સચવાઈ રહેલો એ હવે કામ લાગશે. નાઓ હી ઇઝ મૅરિડ ઓલ્સો. એટલે વિડિયો ફરતો ન કરવા તે બધું કરશે – માધુરીનું મર્ડર પણ!’

ત્યારે તિલકરાજને પણ શક રહ્યો નહીં : માધુરી, હવે તો તારે મરવું જ રહ્યું!

lll

ઉફ્ફ!

નિકામે ફોન બાજુએ મૂકી દીધો.

મોડી બપોરના કૉફી-બ્રેકમાં નિકામ મોબાઇલમાં ટાઇમપાસ કરીને રિલૅક્સ થતો. બિઝનેસ સિવાયનાં ક્લબ, કૉલેજ ફ્રેન્ડ્સનાં બે-ચાર ગ્રુપ્સ હતાં. એમાં ક્યારેક નૉન-વેજ સામગ્રી પણ ટપકી પડતી.

અને અત્યારની જેમ બને ત્યાં સુધી નિકામ એનાથી દૂર રહેતો. એનું કારણ હતું પોતાની ઊણપ!

પોતાને એની જાણ હોય જ, એટલે લગ્નના મહિનોમાસ તો બેડરૂમના અંધારા એકાંતમાં પણ સુલેખાની આંખોમાં આંખ પરોવવાની હામ નહોતી ચાલી. કામક્રીડાની બાજી જામે એ પહેલાં તો પોતે આઉટ થઈ જાય એનું હમણાં પત્ની મહેણું મારશે એની ધાસ્તી રહેતી. જોકે સુલેખાએ બહુ ગરવાઈથી મારી ઓછપ અને નબળાઈ જીરવી જાણી... બાકી તો પોતાના ઉઘાડે એક સ્ત્રીએ પોતાનું નામ નિકામ નૅનોમીટર પાડેલું એ યાદે નિકામે હોઠ કરડ્યો.

એ જ વખતે વૉટ્સઍપ પર નવા મેસેજનું નોટિફિકેશન આવ્યું.

એના પર ક્લિક કરતાં ફિલ્મ શરૂ થઈ. ખળભળી ગયો નિકામ!

lll

‘તમે નથી આવતા! તબિયત તો ઠીક છેને!’

‘નહીં એમ જ... જરા માથું દુખે છે... નો... નો... તારે આવી રહેવાની જરૂર નથી, આઇ વિલ બી ફાઇન.’

નિકામે પત્નીને પિયરમાં જ રોકાવાનો આગ્રહ કરીને ફોન મૂક્યો. બપોરે અજાણ્યા નંબર પરથી શબનમ સાથેનો વિડિયો આવ્યા પછી ચિત્ત એવું ડહોળાયું હતું કે પોતે બીજી મીટિંગ્સ પણ કૅન્સલ કરી નાખેલી. આવી હાલતમાં સાસરે પણ જવાય એવું ક્યાં હતું?

ઑફિસમાં કામ કરતી શબનમ સાથે પોતે ખાસ્સો આગળ વધી ગયેલો. ત્યાં સુધી કે ધર્મભેદ ભૂલીને તેને પરણવાનું મન બનાવી લીધેલું... અરે, હોટેલમાં અમે એક રાત પણ સાથે ગાળી...

નિકામ સહેજ ઝંખવાયો. ઇટ વૉઝ સો શેમફુલ.

‘તમે તો બાજી શરૂ થતાં પહેલાં જ ફિટૂસ કરી નાખી!’ શબનમનું મહેણું યાદ રહી ગયું છે.

પોતાને નિકામ નૅનોમીટર કહેનારી શબનમ છેડો ફાડી નોકરી છોડીને ગઈ એ ગઈ! પોતે પણ તેને વિસારે પાડી. મેં તબીબી સારવાર પણ લીધી. જોકે ઊણપ દૂર ન થઈ એ વાત જુદી. સુલેખા સાથે પરણ્યો ત્યારે શબનમ હૈયે તો શું સ્મરણમાં પણ નહોતી.

આમાં હવે શબનમ સાથેનો વિડિયો. એમાં જોકે શબનમનો ચહેરો બ્લર છે. તો શું આ વિડિયો શબનમે જ મોકલ્યો હશે? મારી જાણબહાર તેણે જ ઉતાર્યો હશેને!

સવાલ એ છે કે ઘટનાનાં ચાર-પાંચ વર્ષે આ ક્લિપ મોકલવાનું કારણ શું?

આખરે આ વિડિયો મોકલનાર મારી પાસેથી શું ઇચ્છે છે?

આની જાણ મોડી રાતે એ જ નંબર પરથી આવેલા ફોન પર થઈ. સામેથી અજાણ્યા પુરુષસ્વરમાં કહેવાયું : તમારે તમારી મર્દાનગીનો ધજાગરો ન થવા દેવો હોય તો આવતા શુક્રની બપોરે આહવા પહોંચી જજો, એકલા જ. ત્યાં શું કરવાનું છે એની વિગત હવે પછી.’

કૉલ કટ થયો.

lll

૫ જૂન. શુક્રવાર. વિશ્વ પર્યાવરણ દિવસ.

આરવે ડાયરી ખોલી : આ વખતે ડાંગના જંગલમાં શુક્ર, શનિ, રવિ એમ ૩ દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. દર વખતની જેમ આ વર્ષે પણ એક વૃક્ષ હું તારા નામનું રોપીશ સુલેખા... પ્રેમી તરીકે આટલો જ એક હક વિના માગ્યે, વિના પૂછ્યે રાખ્યો છે એનું માઠું નહીં લગાડેને!

તેની પાંપણે ભીનાશ છવાઈ.

દીદી અવનીશજીજુને પરણીને સુખી છે એટલો હૈયે સંતોષ હતો. જીજુ મને તેમના નાના ભાઈ જેવું વહાલ કરે છે. તેમને ત્યાં જવામાં સુલેખા ભટકાઈ જાય તો હું મારી લાગણી છૂપી નહીં રાખી શકું એવો ડર રહે છે એટલે મુંબઈમાં જ ઓછું રહું છું. દીદી મને સમજે છે એ પૂરતું છે.

જોકે આ વખતના ડાંગના રોકાણમાં શું થવાનું એની આરવને ક્યાં ખબર હતી?

lll

‘આવતા વીક-એન્ડ આપણે ડાંગ જઈએ?’

બે દિવસ પિયર રોકાવા આવેલી સુલેખા નિકામના ન આવવાથી ઉદાસ લાગી એટલે રાતની બેઠકમાં અવનીશે પ્રસ્તાવ મૂકીને પત્નીને નિહાળી, ‘તું કેમ આટલી સરપ્રાઇઝ થાય છે કાવેરી? ભૂલી ગઈ? આરવનો એન્વાયર્નમેન્ટ ડે આવે છે ને જનાબ ડાંગમાં સેલિબ્રેટ કરવાના છે! આ વખતે આપણે પણ જોડાઈએ.’

ઓહ. કાવેરી-સુલેખાની નજર મળી, છૂટી પડી. એ તારામૈત્રક અવનીશની પહોંચ બહાર હતું.

‘આપણે જવું હોય તો જઈશું... નિકામકુમારને પર્યાવરણની ઉજવણીમાં શું મજા આવે! તેમની સાથે માથેરાન કે મહાબળેશ્વરનો પ્રોગ્રામ કરીશું. શું કહે છે સુલેખા?’

‘રાઇટ ભાભી.’ સુલેખાએ આંખોથી જ આભાર જતાવ્યો.

તેને ક્યાં ખબર હતી કે નિકામે પણ ડાંગ જવાનું ફરજિયાત બન્યું છે!

lll

અને ઘટસ્ફોટની ઘડી પણ આવી પહોંચી.

એ જ અજાણ્યા નંબર પરથી એ જ અજાણ્યા પુરુષસ્વરે બાકીનાં પત્તાં ખોલ્યાં : શુક્રની ઊગતી રાતે તમારે ફલાણા લોકેશન પર પહોંચીને કાર બગડી હોય એવો દેખાવ સર્જવાનો છે. થોડી વારમાં સાપુતારાના રસ્તેથી એક કાર આવશે. તમને ફોટો મોકલું છું તે લેડી કાર હાંકતી હશે. તમારી કાર તેનો માર્ગ રોકીને ઊભી હશે એટલે તેણે ફરજિયાતપણે કાર રોકવી પડશે. કાચ ઉતારીને તે તમારી સાથે સંવાદ સાધે કે તમારે તેની ગરદને છૂરી હુલાવીને ધોરી નસ કાપી નાખવાની છે!’

હેં! ખળભળી ગયો નિકામ. જાણે બંગાળમાં ઝાલમુરી વહેંચવાની હોય એમ આ માણસ કોઈની ગરદન હુલાવવાનું બોલી ગયો!

‘મારાથી કોઈનું ખૂન નહીં થાય. હું લૉ ઍન્ડ ઑર્ડરમાં માનનારો સન્નિષ્ઠ નાગરિક છું.’

‘હં!’ સામેથી તુચ્છકારભર્યો ઉછાળ કાળજે વાગ્યો, ‘ઠીક. તો પછી લૉમાં માનનારો શયનકક્ષમાં કેટલો લો છે એ જાહેર થઈ જવા દો.’

‘નો!’ ચીખી ઊઠ્યો નિકામ.

‘શુક્રવાર આડે હજી બે દિવસ છે. તમે ધારો તો પોલીસમાં જઈ શકો છો, આ લેડીની ભાળ કાઢીને તેને ચેતવી શકો છો અથવા તો મારું કહ્યું કરીને તમારી આબરૂ અકબંધ રાખી શકો છો.’ ક્ષણવાર પછી સામેથી કહેવાયું, ‘તમે શાણા માણસ છો નિકામ, એટલે પોતાની આબરૂનું જ વિચારશો અને એની ખાતરી માટે હવે રાહ પણ કેટલી જોવાની છે?’

કૉલ કટ થયો.

lll

‘તમે આવ્યા એ મને બહુ ગમ્યું.’

જીજુ-દીદીને જોઈને આરવ સાચે જ મહોરી ઊઠ્યો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ચેતના આવી ગઈ.

આહવાના સર્કિટ હાઉસના કમ્પાઉન્ડમાં એકઠી થયેલી મેદનીને સંબોધીને આરવે પર્યાવરણના સંવર્ધન પર ભાર મૂકી ત્રિદિવસીય ઉજવણીની રૂપરેખા આપીને વિનંતી કરી, ‘હવે સરપંચશ્રી અને તેમની ટીમ સાથે આપણે પ્લાન્ટેશન કરીશું.’

વૃક્ષારોપણ દરમ્યાન આરવથી કાવેરીને કહેવાઈ ગયું, ‘જાણે છે દીદી, દર વર્ષે એક વૃક્ષ હું સુલેખાના નામે રોપતો હોઉં છુ. તેના જીવનમાં સુખની છાયા સદા રહે એવી ભાવના સાથે.’

ભાઈ-બહેનની જાણ બહાર તેમનો સંવાદ સાંભળી ગયેલા અવનીશની ભ્રમર તંગ થઈ : કાવેરીનો ભાઈ મારી બહેન વતી વૃક્ષ રોપે એનો શું અર્થ કાઢવો?

અવનીશને સમજાયું નહીં!

lll

તિલક હજી આવ્યા નહીં!

સાપુતારાની વૈભવી હોટેલના સ્વીટમાં માધુરી એકલી પડીને કંટાળી હતી. એક-બે દિવસથી તિલકની બિહેવિયરમાં પણ કશોક બદલાવ હતો. મુંબઈથી અહીં આવતા સુધીમાં તેમને કોઈ કૉલ પર કૉલ કરતું રહ્યું ને અકળાઈને, ખિજાઈને તે કૉલ કાપતા રહ્યા! અહીં ઊતર્યાના કલાકમાં મારે થોડું બહાર જવું પડે છે, કૅબ કરી લઉં છું એમ કહીને નીકળેલા તિલક સાંજ ઢળી તોય આવ્યા કેમ નહીં! તેમનો ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવે છે...

માધુરીના કંટાળામાં ચિંતા ભળી ને તેનો ફોન રણક્યો.

નંબર અજાણ્યો હતો ને સામેનો પુરુષસ્વર પણ ઘોઘરો લાગ્યો : મૅડમ, તમારા પતિ તમને છેતરી રહ્યા છે. સેક્રેટરી સાથે તેમનું લફરું છે. તમારા ભેગી તેમની સેક્રેટરી પણ આહવા આવી છે, તેને રીઝવવા જનાબ આહવાના સર્કિટ હાઉસ પહોંચ્યા છે - ખાતરી કરવી હોય તો અત્યારે જ ગાડી લઈ તેમની રંગીન ફિલ્મ જોવા પહોંચી જાઓ... જલદી!’

માધુરી સુન્ન થઈ ગઈ.

ધીરે-ધીરે દિમાગમાં અજવાળું પથરાવા લાગ્યું : ત્યારે તો અમારી સફર દરમ્યાન ધૅટ શબનમના જ કૉલ આવતા હોવા જોઈએ! તે ગાંઠતી નહીં હોય એટલે તિલકે આવતાં જ તેને મનાવવા ભાગવું પડ્યું... નો, તે મને આમ છેતરી ન શકે! તને રંગેહાથ ઝડપવા હું આ આવી!

બીજી મિનિટે માધુરીએ ગાડી ભગાવી. બાજુની હોટેલમાંથી દૂરબીન માંડીને તેના પર નજર રાખતી શબનમે તિલકને કૉલ કર્યો : તેને ઉશ્કેરવાની તરકીબ કામ લાગી... તે નીકળી છે!

‘કેમ કે તેનું મોત પોકારે છે!’ સામેથી તિલકરાજ ખંધું હસ્યો, ‘આપણા માણસે પણ પોઝિશન લઈ લીધી છે...’

ત્યારે તો માધુરીનું પત્તું કપાયું જ સમજો... ઇન્શા અલ્લાહ!

* * *

ડાંગના જંગલમાં અંધકારનું સામ્રાજ્ય પથરાઈ ચૂક્યું છે. દિવસે પણ બિહામણી લાગે એવી સૂમસામ વનરાજીની સાંકડી સડક પર કાર આડી કરીને નિકામ સ્ટીઅરિંગ પર માથું ઢાળી ગયો છે.

ઑફિસથી બારોબાર પોતે નીકળી આવેલો. સુલેખાને પણ વેપારના કામે ગુજરાત તરફ જાઉં છું એવું મોઘમ જ કહેલું. (ડાંગનો ફોડ પાડ્યો હોત તો સુલેખાને કહેવાનું યાદ આવત કે ભાઈ-ભાભી ત્યાં જ ગયાં છે!)

તારી પાસે ૩ રસ્તા છે... એવું કહેનાર બ્લૅકમેઇલર પર હસતો હોય એમ નિકામના હોઠ વંકાયા : ના, એક ઑર રસ્તો પણ હતો... સુસાઇડનો! કોઈની હત્યાનું પાપ વહોરવાને બદલે શા માટે જાતે જ ન મરી જવું!

પણ એટલી હિંમત ન થઈ અને હવે...

તે ટટ્ટાર થયો. સાપુતારાના રસ્તેથી ગાડીની હેડલાઇટ દેખાતી હતી.

શિકાર આવી રહ્યો છે! હોઠ કરડીને નિકામે કારના ડૅશબોર્ડ પર મૂકેલી ગન ઉઠાવીને પૅન્ટના ગજવામાં મૂકી.

અને બીજી મિનિટે કારમાંથી ઊતરીને નિકામ હાથ હલાવવા લાગ્યો : હે...લ્પ!

(આવતી કાલે સમાપ્ત)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff