અર્થ-અનર્થ - અગર તુમ ન હોતે (પ્રકરણ ૫)

05 June, 2026 02:18 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

બાઈનું નામ માધુરી છે અને તેના વર તિલકની સેક્રેટરી શબનમ છે એટલું જાણ્યા પછી એક વત્તા એક જેટલું સરળ હતું

ઇલસ્ટ્રેશન

કાશ, હું સુસાઇડ કરી શક્યો હોત! કેટલું વિચાર્યું : આમેય મારી નબળાઈ નાઇલાજ છે, મારા જવામાં સુલેખાનો પણ છુટકારો છે!

પણ જાતે મરવામાં પણ મર્દાનગી જોઈતી હશે, જ્યારે હું તો છું જ નપાણિયો!

અત્યારે પણ નિકામે એની પરવશતા અનુભવી. ખેર, હવે આ વિચારો અર્થહીન છે... તેણે ગજવામાં મૂકેલી ગન પંપાળી. તિલકે ચાકુનું કહ્યું હતું, પણ પોતે ગન લઈ રાખી હતી. એક જ શૉટ ને માધુરીનો કેસ ખતમ!

માધુરી. નિકામે વાગોળ્યું:

મારે જેને મારવાની છે તે લેડીની તસવીર સિવાય કોઈ વિગત બ્લૅકમેઇલરે આપી નહોતી, પણ AIના જમાનામાં તસવીર પરથી આખી કુંડળી મળી રહે છે. બાઈનું નામ માધુરી છે અને તેના વર તિલકની સેક્રેટરી શબનમ છે એટલું જાણ્યા પછી એક વત્તા એક જેટલું સરળ હતું : ત્યારે તો આની પાછળ શબનમનો જ હાથ હોય, કેમ કે મારો વિડિયો તેણે જ બ્લૅકમેઇલરને આપ્યો હોય જે તિલક જ હોય! નૅચરલી, તિલકને પોતાનો કરવા સિવાય તેની બૈરીને મરાવવામાં બીજો શું મોટિવ હોય! તિલક અને શબનમ એક થઈ મને પ્યાદું બનાવીને માધુરીને મારવા માગે છે એ તારવણીમાં મને શંકા નથી...

અને સાપુતારાના રસ્તેથી ગાડીની હેડલાઇટ નજીક આવી. નિકામ કાર આગળ ધસી ગયો : હે...લ્પ!

ત્યારે પીઠ પાછળ એક કાર આહવાના રસ્તેથી આવી રહી હોવાનું તેના ધ્યાન બહાર રહ્યું!

lll

-અને માધુરીએ કારનો કાળો કાચ ઉતારીને રસ્તો રોકનારને પૂછ્યું : યસ, શું થયું?

‘તમારી સાથે એક સીક્રેટ શૅર કરવાનું છે માધુરીજી. તમારા પતિનું સેક્રેટરી શબનમ સાથે લફરું છે અને તેમણે તમારી હત્યા કરવા મને બ્લૅકમેઇલ કરીને અહીં મોકલ્યો છે.’

તિલકનું અફેર! મારી હ...ત્યા! માધુરીનો જીવ ડૂબવા લાગ્યો. બારીનો કાચ ચડાવવાનું સૂઝે એ પહેલાં હાથ અંદર નાખીને નિકામ ઇગ્નિશન કી ખૂંચવી ચૂકેલો.

‘મારે તમારી સાથે કોઈ દુશ્મની નથી, પણ મારું સુખ અકબંધ રાખવાની કિંમત તમારો જીવ છે એટલે...’

માધુરી હવે મરવાની જ એવું વિચારીને નિકામે બ્લૅકમેઇલિંગની હકીકત ખોલતાં માધુરીને વિશ્વાસ બેઠો. દિમાગમાં ગણતરી ચાલી : મને આહવા જવા ઉશ્કેરવા તિલકે પોતાનું બિહેવિયર સંદિગ્ધ રાખ્યું, પોતે કૅબમાં ગયો જેથી કાર લઈને હું નીકળી શકું... ખૂનના સ્થળે હાજર રહેવાનું જોખમ તિલક લે નહીં, નૅચરલી.

‘સૉરી માધુરી.’ કહીને નિકામ માધુરીના વાળ પકડીને બીજા હાથે ગન કાઢે છે કે કોઈએ દોડી આવીને તેનો હાથ પકડી લીધો : આ શું કરો છો નિકામ!

છાતીમાં કરવત ફરી. ગન શૉટની બીકે આંખો મીંચી ગયેલી માધુરીની આંખો ખૂલી ગઈ : આ થઈ શું રહ્યું છે!

નિકામે ગરદન ઘુમાવી. આગંતુકને નિહાળીને તેની કીકીમાં ધીરે-ધીરે ઓળખ ઊપસી : ઓહ, આ તો કાવેરીભાભીનો ભાઈ આરવ!

‘તું અહીં શું કરે છે!’

‘હું જીજુ-દીદીને મળવા સાપુતારા જાઉં છું.’

હેં! આહવામાં સવારે પર્યાવરણદિન નિમિત્તે આયોજિત પ્લાન્ટેશન ઇવેન્ટમાં હાજરી આપીને સુલેખાનાં ભાઈ-ભાભી સાપુતારા રોકાયાં છે, ઉજવણીનાં બીજાં કામ પતાવીને આરવ ત્યાં જઈ રહ્યો છે જાણીને નિકામે ભીંસ અનુભવી.

‘મેં બધું સાંભળ્યું નિકામ, મને તો હજી વિશ્વાસ નથી થતો કે... ખેર, તમે સિધાવો મૅડમ અને નિકામ, આપણે અવનીશજીજુ પાસે...’

આરવ અટકી ગયો. નિકામે ગન તાકી હતી, ‘અવનીશ પાસે જઈને મારી આબરૂનો ધજાગરો કરવો છે તારે! બ્લૅકમેઇલિંગના મૂળમાં રહેલી મારી ઊણપનું ગામગજવણું કરવું છે તારે? એ તો હું નહીં જ થવા દઉં!’

આરવના દિમાગમાં કડાકા-ભડાકા થતા હતા. નિકામને હત્યારાના વેશમાં જોવાનું કદી કલ્પ્યું નહોતું... એમાં ઇન્દ્રિયની લઘુતાગ્રંથિ... સુલેખાએ જો જરાય આનો અણસાર આવવા દીધો હોય!

‘માધુરી સાથે તારું મોત પણ આ જંગલમાં લખ્યું હશે...’

અણીના સમયે પ્લાનમાં આરવના પ્રવેશે બઘવાયેલો નિકામ ભાન ભૂલ્યો હતો. તેણે ઘોડો દબાવતાં માધુરી બેહોશ થઈને ઢળી પડી, વાંકા વળીને આરવે ઘા ચૂકવ્યો અને વળતી પળે નિકામ પર લપક્યો.

બીજી મિનિટે ગોળી છૂટી ને ખળભળી ઊઠેલા વીરાનામાં એક ચીસ ગુંજી.

lll

‘કન્ડિશન ઇઝ ક્રિટિકલ!’

સુરતના વિખ્યાત સર્જ્યનના અભિપ્રાયે સુલેખાનું ધ્રુસકું છૂટ્યું. ઑપરેશન થિયેટરની બહાર લૉબીના બાંકડે તેના પડખે બેઠેલી કાવેરીએ તેની પીઠ પસવારી. ઊંડો શ્વાસ લઈને અવનીશ એક નજર સુલેખાને નિહાળીને બારી આગળ ઊભેલા આરવ તરફ ગયો. જીજુને આવતા ભાળીને આરવ ટટ્ટાર થયો.

‘સૉરી જીજુ, મેં નિકામને વારવાની બહુ કોશિશ કરી, પણ તે ગન છોડતા જ નહોતા. એમાં તેમનાથી જ પોતાને ગોળી લાગી ગઈ...’

સટાક.

અવનીશના તમાચાએ સોપો સર્જી દીધો. સુલેખા-કાવેરી સ્તબ્ધ બનીને નિહાળી રહ્યાં.

‘બંધ કર તારી સ્ટોરી. નિકામને કોઈ બ્લૅકમેઇલ કરતું હતું, તે કોઈ બાઈનું મર્ડર કરવા જંગલમાં પહોંચ્યો ને તેં દેવદૂતની જેમ પ્રગટીને બાઈને બચાવી લીધી...’ અવનીશનાં જડબાં તંગ બન્યાં, ‘તે બાઈ હજી બેહોશ છે અને નિકામ... તેને કંઈ થઈ ગયું તો તારા ગુનાનું કોઈ સાક્ષી નહીં રહે એવી આબાદ સ્ટોરી ઘડી નાખી તેં!’

ગાલ પંપાળતા આરવની પાંપણ ભીની બની : તમે મારા પર શક કરો છો જીજુ! આના કરતાં તો નિકામની ગોળીથી મરી ગયો હોત તો સારું થાત!

‘યસ, તારા પર શક છે મને અને એ શંકાનું કારણ છે...’ અવનીશના સ્વરમાં સુસવાટ ભળ્યો, ‘તારી નજર મારી બેન પર છે!’

‘અવનીશ!’ કાવેરી ખળભળી ઊઠી.

‘હા કાવેરી, આરવ સુલેખાના નામે છોડ પ્લાન્ટ કરે છે એ મેં કાનોકાન સાંભળ્યું.’

‘માત્ર એટલું સાંભળીને તમે અર્થનો અનર્થ કરી રહ્યા છો અવનીશ... જેનો મને હંમેશાં ડર હતો.’

‘અનર્થ તો તારા ભાઈએ કર્યો. આરવની નીયતમાં ખોટ છે એટલે મોકો મળતાં તેણે સુલેખાનું સિંદૂર ઉજાડવાની રમત રમી લીધી...’

‘બસ ભાઈ, બસ.’ સુલેખાથી ન રહેવાયું. આગળ આવીને પૂતળા જેવા બનેલા આરવની ઢાલ બનીને ઊભી રહી ગઈ, ‘તમારે અર્થનો અનર્થ જ કરવો હોય તો પૂરેપૂરો કરો...’

એટલે!

‘એટલે એ જ કે તમે માનો છો કે નિકામને મારવાનું કાવતરું આરવે ઘડ્યું તો એ મારા કહેવાથી ઘડ્યું એમ પણ માની લો, કેમ કે આરવને હું પણ ચાહતી હતી.’

ઘડીભર સોપો સર્જાયો.

અને અવનીશે ઊંડો શ્વાસ લીધો, ‘બસ, મારે આ જ જાણવું હતું.’

હેં! એટલે...

‘કમ ઑન, હું એટલો અબુધ નથી કે આરવની મહોબતને અવળા અર્થમાં લઉં... હું અનર્થ ન જતાવત તો તેમના હૈયાનો ભેદ કદાચ આખા જન્મારામાં ન ખૂલત.’

ઓ...હ! કાવેરી અવનીશને વળગી પડી : હું નાહક જ અર્થનો અનર્થ થવાના ડરથી ફફડતી રહી.

આરવની ભીતર કશુંક તૂટતું અટકીને વધુ મજબૂત બન્યું હતું : જીજુ માટેનો ભાવ!

‘સુલેખા, તું પણ લગ્ન પહેલાં બોલી હોત...’ અવનીશે સાદ ખંખેર્યો, ‘તમે બેઉએ દાખવેલી ગરવાઈ વંદનીય છે... પણ અત્યારે તો આપણે સૌ નિકામ બચી જાય એવી જ પ્રાર્થના કરીએ. એમાં પણ આરવ અગ્રેસર હશે એની મને ખાતરી છે.’

એ જ વખતે માધુરી ભાનમાં આવ્યાના ખબર નર્સે આપ્યા. ચારેય તેને મળવા પહોંચ્યા.

lll

‘આરવ ફરિશ્તાની જેમ આવ્યો, નહીં તો નિકામે મને...’ માધુરી ધ્રૂજી ગઈ, ‘જોકે તે પણ બિચારો બ્લૅકમેઇલિંગનો શિકાર બન્યો... શબનમની જાળમાં ફસાયેલો તે પહેલો નહીં હોય!’

સુલેખા તંગ થઈ. નિકામને લગ્ન પહેલાં કોઈ સાથે સૂવાના સંબંધ હતા એટલું તો નક્કી.

‘તમે મને અહીં લાવ્યા, મને ઉગારી એનો ગણ કેમ ઉતારું? બાકી મારા પતિએ તો મને મારવા...’

તેનાં ડૂસકાંની વચ્ચે મોબાઇલ રણક્યો.

‘નિકામના ફોન પર આ અજાણ્યા નંબર પરથી કેટલા ફોન આવે છે!’ બબડતા અવનીશે કૉલ રિસીવ કરતાં સામેથી ગાળ સાથે અધીરાઈ ઊછળી : ફોન કેમ નથી લેતો! રાતની સવાર થઈ, તારો કે માધુરીનો પત્તો નથી. તેનું મર્ડર થયું કે તારો વિડિયો ફરતો કરી દઉં? ભલે દુનિયા તારી માઇક્રો મર્દાનગીની મજાક ઉડાવતી.’

-આ તો એ જ નંબર જેના પરથી મને આહવાના સર્કિટ હાઉસ પહોંચવાનો કૉલ આવ્યો! અવાજ પણ બહુ જાણીતો હતો. તિલકનો અવાજ ઓળખવામાં હું થાપ કેમ ખાઉં! મારો અંજામ જાણવાની પતિદેવને કેટલી અધીરાઈ!

માધુરીનાં જડબાં તંગ થયાં.

બોલનારનો શબ્દેશબ્દ આરવના બયાનનું સમર્થન કરતો હતો. નિકામની ઊણપના ઉલ્લેખે સુલેખાએ ગરદન ઝુકાવી દીધી, કાવેરી આડું જોઈ ગઈ.

‘નો... નો! કામ થઈ ગયું છે... ફોનની બૅટરી ડાઉન હતી...’ કરગરીને અવનીશે કૉલ કટ કર્યો. 

એ જ વખતે નર્સ દોડી આવી : પેશન્ટ ઇઝ સિન્કિંગ...

lll

‘હું એકરાર કરું છું...’

નિકામે ડૉક્ટરની હાજરીમાં પોતાનું ડાઇંગ ડેક્લેરેશન આપ્યું, મારા હાથે જ મને ગોળી લાગી એ સત્ય પણ કહી દીધું.

તૂટતી નાડીએ માણસ નિર્વેર, નિર્મોહી થઈ જતો હશે... કદાચ! અવનીશ, કાવેરી, આરવ તરફ વિદાયનું સ્મિત ફેંકીને તેણે સુલેખાનો હાથ હાથમાં લીધો : શબનમ સાથેનું અફેર તને કહી ન શક્યો... મારી ઊણપ સહેનારીએ મારો ભૂતકાળ પણ પચાવ્યો હોત એ ન સમજાયું! મારી અધૂરપ સાથે પૂર્ણત્વની યાત્રાએ ઊપડું છું એનો શોક ન કરીશ, યોગ્ય પાત્રને પરણીને ખૂબ સુખી થજે!

અને નિકામે આંખો મીંચી દીધી.

નિકામ આમ અચાનક જતો રહેશે એવું સુલેખાએ ધાર્યું નહોતું. પોતે પણ આરવની મહોબત વિશે ક્યાં કહી શકી? બધાના જીવનમાં થોડુંઘણું આધુંઅધૂરું જ છૂટતું હશે? અશ્રુ સારતી સુલેખાના માથે અવનીશના ઇશારે આરવે હાથ મૂક્યો અને આરવને વળગીને તે ક્યાંય સુધી રડતી રહી.

એક અંત સાથે નવા ઐક્યનો આરંભ થાય એ જ સંસારચક્રની ખાસિયત નથી?

lll

ધડામના અવાજ સાથે હોટેલની રૂમનો દરવાજો ખૂલ્યો ને એકબીજામાં વીંટળાયેલાં તિલક-શબનમ ચોંકીને અળગાં થયાં, બારણે માધુરીને જોઈને ભૂત આવ્યું હોય એમ ભડકી ગયાં.

માધુરીની હત્યાના ખુશખબરના સેલિબ્રેશન માટે તિલક શબનમની રૂમ પર આવ્યો હતો. એમાં મા...ધુ...રી ક્યાં ટપકી! તે જીવે છે? મતલબ નિકામ જૂઠું બોલ્યો?

‘નિકામ પોતે મરી ગયો...’ ટાઢકથી કહેતી માધુરીના બયાને તિલક-શબનમ ફિક્કાં પડ્યાં, ‘તેના બયાને પોલીસ તમારી પાછળ પડે એ પહેલાં...’

તિલકરાજની લગોલગ પહોંચેલી માધુરીએ ડ્રેસના પૉકેટમાંથી કાચની શીશી કાઢીને અંદરનો ઍસિડ તિલકરાજના અંગ પર રેડી દીધો. શું બની રહ્યું છે એનો અણસાર પણ આવે એ પહેલાં આ બની ગયું અને જે બન્યું એના આઘાતમાં તિલકરાજે કાળી ચીસ નાખી. ભાગવા જતી શબનમને આંટી મારીને માધુરીએ નીચે પછાડી અને તેના પર ચડી બેઠી : ગિફ્ટ તો તારા માટે પણ છે!

બીજા ગજવામાંથી તેણે બીજી બૉટલ કાઢીને શબનમના રૂપાળા ચહેરા પર ધાર રેડવા માંડી.

lll

‘સેક્રેટરીના મોહમાં પત્નીની હત્યાના સહિયારા પ્રયાસ બદલ તિલકરાજની અને સેક્રેટરી શબનમની ધરપકડ! ઍસિડથી તેમને બાળનાર માધુરી પોલીસમાં સરેન્ડર!’

છાપામાં કિસ્સો ગાજ્યો. શબનમનાં મૂળ-કુળ પણ ખૂલ્યાં અને તેના ફોનમાં પોતાની પણ ક્લિપ હોવાનું જાણીને તિલકરાજ નિસાસો જ નાખી શક્યો! માધુરી તો બે વરસની સજા ભોગવીને છૂટી જશે, પણ પોતે પુરુષમાં નથી રહ્યો અને શબનમનું રૂપ નથી રહ્યું એ દુખ ક્યારેય ભુલાવાનું નહીં!

જેવી જેની કરણી!

lll

નિકામની ઊણપની, અંત પળોની બહુ ચર્ચા ન થાય એનો અવનીશે ખ્યાલ રાખ્યો. વરસી વળ્યા બાદ વડીલોની હાજરીમાં સુલેખાનો હાથ આરવના હાથમાં મૂક્યો ત્યારે કાવેરીની આંખો હરખથી વરસી પડી.

તેમના સંસારમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી!

 

(સમાપ્ત)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff