બા, બાબલો ને બૅન્ક - બોલે તો કિસ્સા રૉબરી કા (પ્રકરણ ૪)

08 January, 2026 02:14 PM IST  |  Mumbai | Rashmin Shah

ગૅસનાં ત્રણ સિલિન્ડર અને સાથે તેલ ભરેલાં કન્ટેનરથી બનેલો એ બૉમ્બ કેવો ઘાતક બની શકે એ મુસ્તાક પણ જાણતો હતો અને ઇન્સ્પેક્ટર સાવંત પણ જાણતા હતા. કોઈ કશું સમજે એ પહેલાં અબ્દુલે એ બૉમ્બ મુસ્તાક જ્યાં સંતાયો હતો એ દિશામાં ધકેલી દીધો

ઇલસ્ટ્રેશન

કાંદિવલીની એ રાત ઇરાદાપૂર્ક લાંબી થતી જતી હતી.

હવામાં પ્રસરેલા ગોળીબારે એ વિસ્તારના લોકોને જગાડી મૂક્યા હતા તો બૅન્કની સાયરને આખો વિસ્તાર જગાડી દીધો હતો. મૅનેજર શર્મા સાથે આવેલા પોલીસકાફલાએ વધારાની પલટન બોલાવી લીધી હતી અને ત્રણ જીપ ઑલરેડી બૅન્ક પર પહોંચી ગઈ હતી, જેમાંથી એક જીપ અને પોલીસ સ્ટાફ શ્રીજી ફરસાણ માર્ટની આસપાસ ઘેરો કરીને ઊભા રહી ગયા હતા.

સુરંગની અંદર પાણી સતત ભરાતું જતું હતું જે હવે ગળા સુધી આવી ગયું હતું. અબ્દુલ, સચિન અને રોમેશ બાના કહેવા મુજબ પ્લાસ્ટિકના મોટા ડ્રમમાં બેસી ગયા હતા. પાણીએ પોતાનું કામ કર્યું

અને પ્રેશરની વચ્ચે સુરંગની માટી ધસી પડી.

એક જોરદાર ઉછાળો આવ્યો અને એ ઉછાળા સાથે ત્રણેય ડ્રમ સુરંગના મુખમાંથી બહાર ફેંકાયાં અને સીધાં દુકાનમાં આવીને પડ્યાં.

ડ્રમ બહાર આવ્યાં કે તરત બાના ચહેરા પર રાહતનો શ્વાસ આવ્યો.

તેમણે જઈને તરત ડ્રમનાં ઢાંકણાં ખોલ્યાં અને અબ્દુલ, રોમેશ અને સચિન એમાંથી બહાર આવ્યા.

‘બા, હવે જલદી નીકળવાનું છે...’ અબ્દુલે કહ્યું, ‘નહીં તો સમજો, ખેલ ખતમ.’

‘ખેલ ખતમ થઈ ગયો છે બાબલા...’

બાના શબ્દોને જાણે કે સાર્થક પુરવાર કરતા હોય એમ દુકાનની બહારથી પોલીસ ઇન્સ્પેક્ટર સાવંતનો મોટો અવાજ સંભળાયો.

‘અંદર જે હોય એ બહાર આવી જાય...’ સાવંત માઇકમાં બોલતો હતો, ‘તમે જીવતા નહીં જઈ શકો. દુકાન અમે ઘેરી લીધી છે.’

બા હજી પણ પોતાની ખુરસી પર બેઠાં હતાં. તેમના ચહેરા પર કોઈ ડર નહોતો. તેણે નજર ત્રણેય છોકરાઓ પર કરી. છોકરાઓના શરીર પર પાણી ઊડવાના કારણે તેમનાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં.

‘બીવાની જરૂર નથી બાબલાવ, તમે કપડાં બદલાવો...’

‘બા, પોલીસ બહાર છે...’ સચિને પૂછ્યું, ‘હવે બહાર કેમ નીકળશું?’

‘બાબલા, ગભરાવ નહીં. આ તો હજી રમતનું નવું સ્ટેપ છે.’ બાએ હાથ લંબાવ્યો, ‘અબ્દુલ મુસ્તાકના કાગળિયાં લાવ.’

અબ્દુલે ધ્રૂજતા હાથે લૉકર ૧૦૮માંથી કાઢેલા કાગળો બાને આપ્યા.

બાએ એ કાગળો પર એક નજર નાખી, તેમની આંખોમાં એક વિચિત્ર સંતોષ પ્રસરી ગયો હતો.

lll

બહારથી ફરી અવાજ આવ્યો.

‘હવે અમે રાહ નહીં જોઈએ.’ સાવંતની આ છેલ્લી વૉર્નિંગ હતી, ‘અમે તમારા શટરના દરવાજા તોડી નાખીએ છીએ.’

ધાડ...

પહેલો ઘા શટર પર લાગ્યો કે તરત બા ઊભાં થયાં અને બાએ જઈને દુકાનનું શટર ઊંચું કરી નાખ્યું. ઇન્સ્પેક્ટર સાવંત રિવૉલ્વર તાણીને દુકાનમાં અંદર દાખલ થયો.

‘યુ આર અન્ડર અરેસ્ટ...’ સાવંતની નજર અચાનક બા પર પડી

અને તેની આંખો પહોળી થઈ,

‘બા, તમે...’

હસુબાને જોઈને તેના મોતિયા મરી ગયા હતા.

‘તમે... તમે અહીં ક્યાંથી? આ છોકરાઓએ તમને કિડનૅપ...’

‘સાવંત, બોલવું એટલું જેટલું થઈ શકે. વધારાના શબ્દો મનમાં રાખવા...’ બાએ ત્રણેય બાબલા સામે જોયું, ‘આવવા માટે ફોન મેં જ તને કર્યો હતો.’

બાએ ફરી ખુરસી પર બેઠક જમાવી. બાની વાતથી ત્રણેય બાબલાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ચોરી કરાવીને પોલીસને સામેથી જાણ કરવાની બાની માનસિકતા તેમને સમજાઈ નહોતી.

બાએ ડૉક્યુમેન્ટ્સનો સાવંત તરફ રીતસર ઘા કર્યો.

‘આ કાગળો જો સાવંત. આ કાગળિયાં સાબિત કરે છે કે

બૅન્ક-મૅનેજર અને મુસ્તાક કણબીએ મળીને ગરીબ લોકોના ૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. મેં આ બાબલાઓને સુરંગમાં એટલે ઉતાર્યા કે પોલીસની દલીલ હતી કે તેની પાસે એક પણ પુરાવા નથી. મારે આ પુરાવા તમારી સામે લાવવા હતા.’

પુરાવા જોતાં ઇન્સ્પેક્ટર સાવંતની આંખો પહોળી થઈ ગઈ.

મૅનેજર અને મુસ્તાક જ નહીં પણ આ સ્કૅમમાં તો મહારાષ્ટ્ર સરકારનું અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય પણ જોડાયેલું હતું.

‘આ ફાઇલની સાથે અમને લૉકરમાં રેકૉર્ડિંગનો ડેટા પણ મળ્યો છે જેમાં મુસ્તાક, શર્મા અને તમારો મિનિસ્ટર ત્રણેય સંડોવાયેલા છે એ પુરવાર થાય છે.’

‘બા, આ ત્રણ કોણ છે?’ સાવંતે એ ત્રણેયની સામે જોયું.

‘મારા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ.’ બાએ હાથ ફેલાવ્યો અને બાબલાઓ તેમની નજીક આવ્યા, ‘આ મારી એવી ત્રિમૂર્તિ છે જે મારા માટે જીવ જોખમમાં નાખી પણ શકે ને કોઈનો જીવ લઈ પણ શકે.’

lll

ઇન્સ્પેક્ટર પેપર્સ જોતો હતો ત્યારે બાની આંખો સહેજ ભીની થઈ ગઈ હતી. તેમણે રોમેશ તરફ જોયું, રોમેશના હાથમાં હજી પણ તેના પપ્પાનો પત્ર હતો.

બાની આંખ ભીની જોઈને અબ્દુલે તેમને પાણીનો ગ્લાસ આપ્યો.

બાએ પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો અને પછી અબ્દુલ, રોમેશ અને સચિનની સામે જોયું, ‘બાબલાવ, તમને હશે કે હું ક્રિમિનલ છું અને તમારી પાસે ક્રાઇમ કરાવું છું. હા, હું ક્રિમિનલ છું અને તમારી પાસે ક્રાઇમ પણ કરાવ્યો છે પણ આ ક્રાઇમ કોઈના હિતમાં થયો છે, કોઈના લાભમાં થયો છે. આજે અંજલિના આત્માને શાંતિ મળશે.’

‘અંજલિ કોણ બા...’

અબ્દુલે ધીમેકથી પૂછ્યું કે તરત બાએ કહ્યું.

‘મારી દીકરીની ફ્રેન્ડ. મને બા જ માને. છોકરી નાના ઘરની. મુંબઈમાં તેનાં લગ્ન થયાં અને એ બન્ને માણસોએ આખી જિંદગીની મૂડી બૅન્કમાં મૂકી. ૨૦૧૨માં મુસ્તાક અને મૅનેજરે કરેલ કૌભાંડમાં રૉયલ ઇન્ડિયન બૅન્ક ફડચામાં ગઈ અને મારી માનેલી દીકરીએ આઘાતમાં આત્મહત્યા કરી. પોલીસ પાસે ત્યારે કોઈ પુરાવા નહોતા એટલે મેં નક્કી કર્યું કે હું પોતે જ પુરાવા શોધીશ. આજે લૉકર ૧૦૮માંથી એ ફાઇલો મળી ગઈ છે જે મારી અને મારા જેવી બીજી કેટલીયે માની દીકરીને

ન્યાય અપાવશે.’

રોમેશ, સચિન અને અબ્દુલની નફરત હવે આદરમાં ફેરવાઈ ગઈ. તેમને સમજાયું કે બા તેમને માત્ર મોહરું નહીં પણ ન્યાય અપાવવાના હથિયાર તરીકે વાપરી રહ્યાં હતાં.

lll

ધાંય...

ધાંય...

હજી પોલીસ કાગળો જપ્ત કરે એ પહેલાં જ બૅન્કની પાછળથી ગોળીબાર શરૂ થયો. મુસ્તાક કણબીના માણસોએ પોલીસ પર હુમલો કર્યો હતો. મુસ્તાકને ખબર પડી ગઈ હતી કે બાએ તેના કાળી કમાણીના દસ્તાવેજો ચોરી લીધા છે. પોલીસ અને મુસ્તાકની ગૅન્ગ વચ્ચે ભીષણ જંગ જામ્યો હતો. મૅનેજર શર્મા પાસેથી મુસ્તાકને ખબર પડી ગઈ હતી કે બા અત્યારે મુંબઈમાં છે અને આ બધું તેણે જ ગોઠવ્યું છે.

‘શર્મા, વો કુલ્ટા કહાં હૈ?’

‘શાયદ બૅન્ક કે સામનેવાલી દુકાન મેં...’

lll

પોલીસ-ફાયરિંગથી બચતાં મુસ્તાક આગળ વધ્યો અને શ્રીજી ફરસાણ માર્ટ પાસે પહોંચ્યો. ત્યાં બાને જોઈને મુસ્તાકની આંખમાં આગ પ્રસરી ગઈ.

પોલીસગાડીનો આશરો લઈને મુસ્તાકે બા પર ફાયરિંગ કર્યું અને નસીબજોગે એ ગોળી બાની ખુરસીની બિલકુલ બાજુમાંથી પસાર થઈ ગઈ. સચિને તરત જ બાને ધક્કો મારીને જમીન પર સુવડાવી દીધાં.

‘બા, તમે ચિંતા નહીં કરો, અમે જીવતા છીએ ત્યાં સુધી તમને કંઈ નહીં થાય!’

સચિને બૂમ પાડી કે તરત અબ્દુલે દુકાનની અંદર પડેલાં ગૅસનાં સિલિન્ડરો અને તેલના ડબ્બાઓનો ઉપયોગ કરીને ‘ઇમ્પ્રોવાઇઝ્ડ બૉમ્બ’ બનાવવાનું શરૂ કરી દીધું.

ગૅસનાં ત્રણ સિલિન્ડર અને સાથે તેલ ભરેલાં કન્ટેનરથી બનેલો એ બૉમ્બ કેવો ઘાતક બની શકે એ મુસ્તાક પણ જાણતો હતો અને ઇન્સ્પેક્ટર સાવંત પણ જાણતા હતા. કોઈ કશું સમજે એ પહેલાં અબ્દુલે એ બૉમ્બ મુસ્તાક જ્યાં સંતાયો હતો એ દિશામાં ધકેલી દીધો. બૉમ્બ પોતાની તરફ આવતો જોઈ અને એ બૉમ્બ પર નિશાન માંડીને બેઠેલા ઇન્સ્પેક્ટર સાવંતને જોઈને મુસ્તાકના મોતિયા મરી ગયા. તેણે બીજી જ સેકન્ડે એ એરિયા છોડી દીધો. જીપનું કવર છોડીને મુસ્તાક જેવો ભાગવા ગયો કે બીજી જ ક્ષણે સાવંતે મુસ્તાકના પગનું નિશાન લીધું.

ઢિંચ્યાઉં...

મુસ્તાક ઊંધા માથે જમીન પર પટકાયો.

ગોળી તેને પગમાં લાગી હતી.

lll

જ્યારે આ જંગ ચાલુ હતો ત્યારે અનાયાસ જ અબ્દુલની નજર સુરંગમાં ભરાયેલા પાણી પર ગયું. એ પાણી માત્ર ડહોળું નહોતું, એ પાણીના તળિયે કંઈક ચમકતું હતું.

છલાંગ મારી અબ્દુલ ફરી સુરંગમાં ઊતર્યો અને પાણીમાં જઈ ચળકતી એ ચીજ ઉપાડી તે ફરી બહાર આવ્યો. હાથમાં આવેલી એ ચીજ જોઈને અબ્દુલ હેબતાઈ ગયો.

‘બા, આ જુઓ...’

અબ્દુલના હાથમાં સોનાની

લગડી હતી.

બાએ હસીને કહ્યું, ‘આ છે મારું છેલ્લું રહસ્ય. આ બૅન્કની નીચે મુસ્તાકે પોતાની એક ‘પ્રાઇવેટ બૅન્ક’ બનાવી હતી જ્યાં તે આખા મુંબઈનું કાળું નાણું રાખતો. સુરંગમાં પાણીનું પ્રેશર એટલું વધ્યું કે મુસ્તાકની પ્રાઇવેટ તિજોરી તૂટી ગઈ. હવે આ બધું સોનું ગટરમાં વહી જશે. મુસ્તાક હવે કાયમ માટે ખતમ!’

lll

‘બા હવે કરવાનું છે શું?’

‘સિમ્પલ સાવંત.’ બાએ આગળનો પ્લાન કહ્યો, ‘આ શ્રીજી ફરસાણ માર્ટ આ છોકરાઓની દુકાન છે, તે તો અહીં ફરસાણ વેચે છે. જમીનમાં સુરંગ કોણે બનાવી, પાણી ક્યાંથી આવ્યું એની એ લોકોને ખબર નથી. આ તો પાઇપલાઇન ફાટી એટલે અમે બહાર આવ્યા. બાકી આ ફાઇલ તો અમને રસ્તા પરથી મળી, જે તમને આપી દીધી.’

‘પર્ફેક્ટ છે બા.’ સાવંતના ફેસ પર સ્માઇલ હતું, ‘આ પ્રૂફ પછી હવે મુસ્તાકને કોઈ બચાવી નહીં શકે અને તમારી સામે તો કોઈ પ્રૂફ છે નહીં કે જેને લીધે અમારે તમારી સામે ઍક્શન લેવી પડે.’

lll

રાત પૂરી થઈ, મોંસૂંઝણું થઈ ગયું હતું અને મુસ્તાકના હાથમાં હાથકડી આવી ગઈ હતી. બા, અબ્દુલ, સચિન અને રોમેશ પોલીસની નજર સામેથી ગૌરવભેર બહાર નીકળ્યા. રોમેશે તેના પિતાનો પત્ર ખિસ્સામાં મૂક્યો. તેના મનમાં એક વાત ક્લિયર હતી કે તે હવે ક્યારેય સટ્ટાની દિશામાં આગળ નહીં વધે.

‘હવે બા, તમારું આ કામ તો અમે કરી આપ્યું, હવે અમારે શું કરવાનું છે?’

‘કામ પૂરું નથી થયું બાબલાવ.’ બાએ કહ્યું, ‘હજી તો મુસ્તાકના સામ્રાજ્યના કાંગરા ખેરવવાના બાકી છે. બસ, હવે એ દિશામાં આગળ વધવાનું છે. છેલ્લો ચક્રવ્યૂહ અને છેલ્લો જંગ...’

‘હવે શું કરવાનું છે બા?’

‘કરવાનું નથી, જવાનું છે. અને આ વખતે પૂરતી તૈયારી સાથે જવાનું છે.’ બાએ પોતાના આ બાબલાવ સામે જોયું, ‘હવે એવો જંગ લડવાનો છે જેમાં આપણામાંથી એકાદું ઓછું થઈ જાય તો પણ કોઈએ હરખ-શોક નથી કરવાનો.’

‘બા, હવે તો બધું પતી ગયું છે, ચાલોને નીકળી જઈએ.’

‘બાબલા, પતી જવું ને પતાવી નાખવું એ બે વચ્ચે તફાવત છે.’ બાએ સચિનની આંખમાં જોયું, ‘આપણે પતાવી નાખવાનું છે ને જે પતાવી નાખે એ જ નિરાંતે સૂઈ શકે.’

બાએ ત્રણેયની સામે જોયું.

‘ચાલો.’

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah