બા, બાબલો ને બૅન્ક - બોલે તો કિસ્સા રૉબરી કા (પ્રકરણ ૫)

09 January, 2026 12:24 PM IST  |  Mumbai | Rashmin Shah

રોમેશ અને સચિનને સોનું ક્યાં છે એ નહોતી ખબર તો અબ્દુલને એ નહોતી ખબર કે દુકાનની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં આવી ગયેલા સોનાનો શું ઉપયોગ થવાનો છે અને તેમને એમાંથી શું મળવાનું છે.

ઇલસ્ટ્રેશન

કાંદિવલીની બૅન્ક રૉબરી પછી આખું મુંબઈ હચમચી ગયું હતું.

ઇન્સ્પેક્ટર સાવંતના હાથમાં મુસ્તાક વિરુદ્ધના પુરાવા હતા અને મુસ્તાકની અરેસ્ટ પણ થઈ ગઈ હતી. વાત હવે ઍક્શન આગળ વધારવાની હતી પણ મુદ્દો એ હતો કે એ પછી શું?

‘બાબલાવ, હોમ મિનિસ્ટર પણ આમાં સામેલ છે એટલે એક વાત નક્કી...’ બાએ અબ્દુલ, રોમેશ અને સચિનની સામે જોયું, ‘જે થશે એમાં પૉલિટિકલ પ્રેશર ઉમેરાશે અને હોમ મિનિસ્ટર કદાચ છૂટી જશે.’

‘બા, એકને તો સજા મળી ગઈને, આપણે એવું ધારીએ...’

‘હા પણ એક બચી ગયો એનું શું?’ બાનો મુદ્દો સાચો હતો, ‘જો અબ્દુલ,
હોમ મિનિસ્ટર બચશે તો મુસ્તાક પણ બહુ ઝડપથી બહાર આવી જશે અને ધારો કે તે બહાર આવ્યો નહીં તો પણ તે અંદરથી પોતાનું કામ કરશે અને મને એ નથી જોઈતું.’

‘બા, હવે બીજું તો શું કરીએ અમે?’

‘તમારે કંઈ નથી કરવાનું, કરીશ હું...’ બાએ મોબાઇલ હાથમાં લીધો, ‘તમારે બસ, મારા કહ્યા મુજબ આગળ વધતા જવાનું છે.’

અબ્દુલ, રોમેશ કે સચિન કંઈ બોલે એ પહેલાં બાએ મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો અને તે અંદર રૂમમાં જતાં રહ્યાં.

‘એ અબ્દુલિયા, બીજું બધું ગયું તેલ પીવા... આ મુસ્તાકનું સોનું ગયું ક્યાં?’ સચિન અબ્દુલની નજીક આવ્યો, ‘બા એના વિશે કેમ કંઈ નથી બોલતાં?’

‘હા અબ્દુલ, બા બહાર આવે એટલે આપણે પૂછવું જોઈએ.’

થોડી વારમાં રૂમનો દરવાજો ખૂલ્યો. બા બહાર આવ્યાં કે તરત અબ્દુલે પૂછ્યું.

‘બા, એક વાત હતી.’ બા બોલે એ પહેલાં જ અબ્દુલે પૂછ્યું, ‘બા, મુસ્તાકનું જે સોનું વહી ગયું એ ક્યાં ગયું? તમે કહેતાં હતાં કે એની પણ અરેન્જમેન્ટ...’

બાની આંખનો તાપ જોઈને અબ્દુલ હૃદયના ધબકારા ચૂકી ગયો.

‘હું નહીં બા, આ... આ.. રોમેશ ને સચિન પૂછતા હતા...’

‘તો તેં એ બન્નેને કીધું નથી કે સોનું ક્યાં ગયું?’

‘બા, તમારા આદેશ વિના કેવી રીતે મારાથી કહેવાય?’

‘હંમ...’ બાના ફેસ પર સ્માઇલ આવી ગયું, ‘કહી દે એ લોકોને એટલે એ લોકોને પણ શાંતિ થાય.’

અબ્દુલ ફટાફટ ટેબલ પાસે ગયો અને ટેબલના ડ્રૉઅરમાંથી તેણે નકશો બહાર કાઢી ટેબલ પર પાથર્યો.

‘રોમેશ, સચિન... આપણે જે સુરંગ ખોદી હતી એ બૅન્કની તિજોરી સુધી પહોંચી જ નહોતી! આપણે જે પાણીની પાઇપલાઇન તોડી હતી એ હકીકતમાં બૅન્કની તિજોરીની બિલકુલ નીચેથી પસાર થતી એક સીક્રેટ વૅક્યુમ ટ્યુબ હતી. બાને ખબર હતી કે મુસ્તાકે સોનું રાખવા માટે બૅન્કની અંદર જ એક નાની બીજી
ચોર-તિજોરી બનાવી છે. પાણીના પ્રેશરથી એ તિજોરી તૂટી અને બધું સોનું વહીને સીધું આપણી દુકાન ‘શ્રીજી ફરસાણ માર્ટ’ના અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં આવી ગયું, આ ટાંકી બાએ પહેલેથી જ ખાલી કરાવી રાખી હતી.’

‘એ સોનાના ચાર ભાગ પડશે.’ બાએ વાત આગળ વધારી, ‘મારો આખો ભાગ અને તમારા ભાગમાં આવેલા સોનામાંથી પચીસ ટકા સોનું તમારે એમાં મૂકવાનું રહેશે અને એ સોનાને માર્કેટમાં વેચીને જે ફન્ડ આવે એનાથી આપણે મેન્ટલી અપસેટ અને ડિપ્રેસ્ડ છે એ લોકોને ફરીથી સ્વસ્થ થવા માટે સેન્ટર શરૂ કરશું. ડિપ્રેશનમાં જ મારી દીકરીની ફ્રેન્ડે પોતાનો જીવ આપ્યો, હું નથી ઇચ્છતી કે આવું ફરી કોઈ સાથે બને. આપણે એ સેન્ટરમાં ઇન્ડિયાના બેસ્ટ સાઇકિયાટ્રિસ્ટ લાવશું અને સાથોસાથ આપણે બેસ્ટ મોટિવેશનલ સ્પીકર પણ લાવશું અને એ સેન્ટરમાં યોગ-મેડિટેશન જેવા લાઇફચેન્જિંગ કોર્સ પણ કરાવશું. એ સેન્ટરના ટ્રસ્ટમાં તમે ત્રણ બાબલાવ રહેશો.’

‘હા પણ... બા, બાકીનું સોનું...’

‘એ તમારી મહેનતનું પરિણામ.’ બાએ તરત જ ચોખવટ કરી, ‘પણ હા, એનો ઉપયોગ તમે તમારા માટે નહીં કરી શકો. તમે તમારી ફૅમિલી માટે જ કરી શકશો. એવું નહીં કે કરોડો હાથમાં આવી ગયા એટલે હવે તમે લમ્બોર્ગિનીમાં ફરવાનું શરૂ કરી દો કે પછી પોતાના માટે પિક્ચર બનાવવા માંડો.’

‘પાક્કું બા...’

રોમેશ અને સચિનને સોનું ક્યાં છે એ નહોતી ખબર તો અબ્દુલને એ નહોતી ખબર કે દુકાનની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં આવી ગયેલા સોનાનો શું ઉપયોગ થવાનો છે અને તેમને એમાંથી શું મળવાનું છે.

બાની વાત સાંભળીને ત્રણેયના ચહેરા પર ખુશી પથરાઈ ગઈ હતી.

‘હવે તમારે નીકળવાનું છે બાબલાવ...’ બાએ કહ્યું, ‘ઘોડબંદરમાં સાવંત તમારી રાહ જુએ છે. નીકળો જલદી.’

‘ત્યાં જઈને શું કરવાનું છે બા?’

‘એ તમને સાવંત કહેશે.’ બાએ અબ્દુલ તરફ રિવૉલ્વર ફેંકી, ‘આ રાખ, એની ત્યાં જરૂર પડશે.’

રિવૉલ્વરનો હવે આ ત્રણ બાબલાઓને ડર નહોતો પણ એનો અર્થ એવો પણ નહોતો કે હાથમાં એ વિસ્ફોટક આવે તો તેમને ટેન્શન ન થાય.

lll

ઘોડબંદરની ખારી હવાએ વાતાવરણ ભારે કરી નાખ્યું હતું.

દૂર એક જગ્યા પર એક ગાડી ઊભી હતી અને એ ગાડીની બાજુમાં પોલીસ જીપ ઊભી હતી. બાની ઇનોવામાં કહેવામાં આવેલા લોકેશન પર પહોંચ્યા પછી સૌથી પહેલો અબ્દુલ કારમાંથી બહાર આવ્યો. અબ્દુલને બહાર આવેલો જોઈને જીપનો દરવાજો ખૂલ્યો અને એમાંથી ઇન્સ્પેક્ટર સાવંત બહાર આવ્યા.

સાવંતને જોઈને અબ્દુલના મનમાં રહેલું થોડું ટેન્શન હળવું થયું.

તેણે સાવંત સામે હાથ ઊંચો કર્યો અને ચાલમાં ઝડપ ભરીને અબ્દુલ સાવંત પાસે પહોંચ્યો.

‘તારા બાકીના બે પૉમેરેનિયન નથી આવ્યા?’

સાવંતના શબ્દોમાં રહેલી મશ્કરી અબ્દુલને ગમી નહોતી પણ બાનો ખાસ માણસ હોવાની મનમાં ઊભી થયેલી ઇમ્પ્રેશન વચ્ચે તે ચૂપ રહ્યો.

‘બન્ને ફ્રેન્ડ્સ આવ્યા જ છે.’

‘બોલાવી લે તેમને...’ સાવંતે કહ્યું, ‘તેમની હાજરીમાં જ વાત કરીએ.’

અબ્દુલે ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને રોમેશને ફોન કરવા માટે સ્ક્રીન પર આંગળી ફેરવી ત્યાં જ તેને રોમેશ-સચિન તેમની તરફ આવતા દેખાયા.

‘આવી ગયા.’

‘હંમ...’ બન્ને પાસે આવી ગયા એટલે સાવંતે કહ્યું, ‘જો અબ્દુલ, વાત ડીલની છે. બાએ ડીલમાં મારી સાથે છેતરપિંડી કરી છે. તમને લોકોને સોનું આપવાનો વાયદો કર્યો છેને?’

ત્રણેયની ગરદન હકારમાં નૉડ થઈ કે તરત ઇન્સ્પેક્ટર સાવંતે કહ્યું, ‘પોતાનો આખો ભાગ અને તમારામાંથી
પચીસ-પચીસ ટકા ગોલ્ડમાંથી સેન્ટર ખોલવાનું, સાઇકિયાટ્રિસ્ટને રાખીને ડિપ્રેશનના પેશન્ટ્સની સારવાર કરવાની...’

‘હા, બહુ સરસ આઇડિયા છે.’ રોમેશની વાતને સચિને આગળ વધારી, ‘અમે એ માટે તૈયાર છીએ.’

‘બાએ આ જ આઇડિયા મને આપ્યો છે.’ સાવંતે કહ્યું, ‘બે ભાગ પાડવાના, બાના પચાસ ટકા અને મારા પચાસ ટકામાંથી પચીસ ટકા. બધું ગોલ્ડ વેચીને તમને કહ્યું એવું જ સેન્ટર શરૂ કરવાનું.’

‘એટલે?’ અબ્દુલની આંખો ઝીણી થઈ, ‘તમને અને અમને કેમ સરખી ઑફર?’

‘બાએ ડબલ ચીટિંગ કરી છે. તમને અને મને ડબલ ક્રૉસ કરે છે.’ સાવંતે બૉમ્બ ફોડ્યો, ‘તમને અહીં શું કામ મોકલ્યા છે ખબર છે?’

ત્રણેય મુંડી નકારમાં નૉડ થઈ કે તરત સાવંતે કહ્યું, ‘તમારું એન્કાઉન્ટર કરવા માટે. જો તમે ત્રણ જીવતા રહો તો લાઇફટાઇમ બા પર રૉયલ ઇન્ડિયા બૅન્કનું ટેન્શન રહે અને બા ક્યારેય પુરાવા મૂકે એવી નથી. તમે બાને છેલ્લા છ-આઠ મહિનાથી ઓળખો છો પણ હું બાને પંદર વર્ષથી ઓળખું છું. બાનું આ જ કામ છે. અંદરોઅંદર મતભેદ કરાવશે, લડાવી મારશે અને પોતાનું કામ કરાવીને નીકળી જશે સીધી પોરબંદર. પોરબંદરમાં તમે જોઈ લીધું કે તેનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે.’

‘અબ્દુલ, બા જબરાં શાતિર છે યાર...’ સચિને અબ્દુલ સામે જોયું, ‘જો તું, આપણા હાથમાં ગોલ્ડ હજી આવ્યું નથી ત્યાં જ બા બીજા સાથે એનો સોદો કરવા માંડ્યાં.’

‘જુઓ સાવંત સાહેબ, અમારી ને તમારી કોઈ દુશ્મની નથી.’ રોમેશ લગભગ ગળગળો થઈ ગયો, ‘તમારે બધું સોનું જોઈતું હોય તો તમે લઈ જાઓ પણ પ્લીઝ, અમને... અમને કંઈ કરો નહીં. અમે, અમે ક્યારેય મુંબઈમાં પગ નહીં મૂકીએ. બાના સમ.’

રોમેશે ચોખવટ પણ કરી.

‘મારી બાના સમ...’

‘ડરવાની જરૂર નથી. મુંબઈ પોલીસમાં રહીને મેં આવી કંઈકેટલીયે નૌટંકીને હૅન્ડલ કરતાં શીખી લીધું છે.’ સાવંતે પાછળ નજર કરી, ‘મારી પાસે એક પ્લાન છે. પ્લાન એવો સુપર્બ છે કે બા તો શું, બાનો બાપ આવે તો પણ તમને કે મને કંઈ થાય નહીં.’

‘કરવાનું શું છે?’

‘કહું...’

સાવંતે ગાડી તરફ જોઈને સીટી વગાડી અને જીપની બાજુમાં રહેલી ગાડીનો દરવાજો ખૂલ્યો. અબ્દુલ, રોમેશ અને સચિનની નજર હવે એ ખુલ્લા દરવાજામાંથી બહાર આવતા પગ પર હતી. મોજડી સહિતના પગ બહાર આવ્યા અને એ પછી પઠાણી પહેરેલો મુસ્તાક ગાડીમાંથી બહાર આવ્યો.

‘આ જાઓ.’

સાવંતે દૂરથી જ રાડ પાડી હાથથી ઇશારો કર્યો અને મુસ્તાક ધીમી ચાલે તેની પાસે આવ્યો. મુસ્તાક પહોંચે ત્યાં સુધીમાં સાવંતે વાત શરૂ કરી દીધી.

‘મુસ્તાક સાથે મારી વાત થઈ છે. મુસ્તાકે એક ચાન્સ માગ્યો છે. જો તેને એક વાર છોડવામાં આવે તો તે બાનો કેસ ખતમ કરી નાખશે અને એ કેસ ખતમ કરવા માટે મુસ્તાક આપણને ચારેયને...’ સાવંતે ગણતરી સમજાવી, ‘તમને ત્રણ ને અને મને એમ ચારેયને પાંચ-પાંચ કરોડ રૂપિયા અને દુબઈમાં એકેક ફ્લૅટ આપશે. જે ગોલ્ડ તમારા લોકો પાસે એટલે કે બા પાસે છે એ ગોલ્ડ પણ મુસ્તાકને પાછું નથી જોઈતું. એ ગોલ્ડના આપણે ચાર ભાગ પાડશું અને આપણે કોઈ સમાજસેવામાં નથી પડવાનું. આપણે આપણું ઘર ભરવાનું. બૈરી-છોકરા સાથે હું કાયમ દુબઈ અને તમે પણ ત્યાં જ સેટલ... પાંચ કરોડ અને ગોલ્ડ હશે એટલે આપણને બીજી કોઈ ફિકર નથી. એકાદ શોરૂમ ત્યાં શરૂ કરી એ રેન્ટ પર આપી દેશું એટલે આપણી જિંદગીના તમામ એશોઆરામ પૂરા.’

‘કરવાનું છે શું?’

‘મુસ્તાકને બા સુધી પહોંચાડવાનો... બા અત્યારે મુંબઈમાં ક્યાં છે એની ખાલી તમને ખબર છે. તમે જ મુસ્તાકને તેના સુધી લઈ જઈ શકશો. તમારી હા એટલે વાત પૂરી.’ સાવંતે કહ્યું, ‘એક પણ જાતની ચિંતા વિના તમે મુસ્તાકને બા સુધી લઈ જાઓ, પછી તે પોતાનું કામ કરી લેશે.’

‘અમને વાંધો નથી.’ રોમેશ કહ્યું અને સચિને પણ હોંકારો ભણ્યો, ‘હું પણ રેડી...’

‘પણ હું નથી.’ અબ્દુલે જવાબ આપ્યો, ‘બા, મને કંઈ ન આપે તો પણ મને વાંધો નથી. હું બાની વિરુદ્ધ નહીં જાઉં.’

‘અમે અબ્દુલ સાથે.’ હવે સચિને કહ્યું, ‘શું છે, અબ્દુલના અત્યાર સુધીના બધા દાવ સાચા પડ્યા છે તો આ વખતે પણ અમે અબ્દુલ સાથે રહીશું.’

રોમેશે મુસ્તાક સામે જોયું.

‘સાવંત સાહેબ, તમે આને જેલમાં જ લઈ જાઓ.’

સાવંત અવળો ફર્યો અને તેણે મુસ્તાકનો હાથ પકડ્યો.

‘ચાલ ભાઈ, પાછો લૉકઅપમાં...’

‘સાલ્લે, તૂ મુઝે પકડેગા... મુઝે...’

મુસ્તાકે સાવંતના ગાલ પર થપ્પડ ઝીંકી દીધી. પઠાણી હાથની થપ્પડથી સાવંતના દાંત હલી ગયા. તે કંઈ સમજે એ પહેલાં મુસ્તાકે સાવંતની કમર પર રહેલી સર્વિસ રિવૉલ્વર ખેંચવાનું શરૂ કરી દીધું. અબ્દુલ, રોમેશ અને સચિન માટે આ જે ચીલઝડપ હતી એ અનપેક્ષિત હતી. સાવંતના ગળા પર મુસ્તાકના પહાડી હાથની ભીંસ હતી એટલે તેના ગળામાંથી અવાજ નહોતો નીકળતો.

મુસ્તાકે સાવંતની રિવૉલ્વર ખેંચી સાવંતના માથા પર મૂકી.

ધડામ...

સાવંતના ચહેરા પર લોહી પથરાઈ ગયું. કોઈ કંઈ સમજે એ પહેલાં મુસ્તાકના શરીરનું વજન સાવંત પર આવ્યું અને મુસ્તાક ઢોળાઈ ગયો.

ગોળી અબ્દુલે ચલાવી હતી,
સાવંતને બચાવવા તેણે મુસ્તાક પર ફાયરિંગ કર્યું હતું.

અબ્દુલ, સચિન, રોમેશ કે સાવંત કંઈ કહે એ પહેલાં જ તેમની પીઠ પાછળથી તાળીઓનો અવાજ આવ્યો.

‘આ જ કામ માટે તમને અહીં મોકલ્યા હતા બાબલાવ.’ બા આવી ગયાં હતાં, ‘આ મારો ને સાવંતનો પ્લાન હતો. કેસની ઇન્ક્વાયરી માટે સાવંત મુસ્તાકને લઈને અહીં આવ્યો અને પછી તેણે સાવંત પર હુમલો કર્યો. બચાવમાં તમે સાવંતની રિવૉલ્વરથી તેને બચાવી લીધો.’

‘એટલે આ રિવૉલ્વર...’

અબ્દુલ પોતાના હાથમાં રહેલી રિવૉલ્વર જોઈ રહ્યો.

‘સાવંતની છે... સાવંત પાસે જે રિવૉલ્વર હતી એ લાઇસન્સ વિનાની છે. મુસ્તાક પાસે લાઇસન્સ વિનાની રિવૉલ્વર જ હોયને...’ બાએ આખી ઘટના વર્ણવી, ‘મુસ્તાકે સાવંતની રિવૉલ્વર લાત મારીને ફગાવી દીધી, જે તમારા હાથમાં આવી અને તમે એનાથી મુસ્તાકને અલ્લાહ-શરણ મોકલી દીધો... બ્રેવરી અવૉર્ડ માટે તૈયાર થઈ જાવ બાબલાવ...’

 

(સંપૂર્ણ)

columnists gujarati mid day exclusive Rashmin Shah