બાજી (પ્રકરણ ૨)

27 September, 2022 12:41 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘ભાંગી ગયેલી કરોડરજ્જુ આનંદને કદી બેઠાે નહીં થવા દે. તેમનું આખું અંગ પૅરૅલાઇઝ્ડ થઈ ચૂક્યું છે. વધારેમાં વધારે તેઓ જોઈ-સાંભળી શકશે એ સિવાય કોઈ જ સુધારો અસંભવ છે...’

બાજી (પ્રકરણ ૨)

જીવના જોખમે ખેડેલી અકસ્માતની બાજીમાં આનંદ ઊગરી ગયો...
શનિની રાત્રે, અનુરાગના ઘરે જતી ઋતુ વાગોળી રહી : 
જોકે ઊગરવા છતાં તેની હાલત દયનીય હતી. 
‘ભાંગી ગયેલી કરોડરજ્જુ આનંદને કદી બેઠાે નહીં થવા દે. તેમનું આખું અંગ પૅરૅલાઇઝ્ડ થઈ ચૂક્યું છે. વધારેમાં વધારે તેઓ જોઈ-સાંભળી શકશે એ સિવાય કોઈ જ સુધારો અસંભવ છે...’
મુંબઈની હૉસ્પિટલમાં મુખ્ય ડૉક્ટરના આ નિદાને આનંદ બચ્યાના ધ્રાસકામાં રાહત પ્રેરી હતી. પોતાની બાજી સાવ ફિટાઉસ નથી થઈ! 
હૉસ્પિટલમાં આનંદને જોયા-મળ્યા પછી તેની પરવશતા ઋતુને જુદો જ આનંદ આપી ગઈ - તું હવે મારો મોહતાજ બની રહેવાનો! 
‘ડુ યુ નો, આનંદ, તારી આ અવદશા મારા કારણે છે. ધૅટ વૉઝ નૉટ જસ્ટ ઍન ઍક્સિડન્ટ...’ રૂમના એકાંતમાં તેણે આનંદ સમક્ષ ધડાકો કરતાં તેની કીકીમાં ભય સળવળેલો.
‘બોલ શું કરી લેવોનો તું?’ પડકારની જેમ પૂછી ઋતુ ખડખડાટ હસી હતી. આનંદની પાંપણ છલકાઈ ગયેલી. કદાચ પોતે બચ્યો એનો અફસોસ પણ થયો હોય! 
‘તું મોતમાંથી બચ્યો, આનંદ કેમ કે તારે મારા હાથે પળ પળ મરતાં રહેવાનું છે, જીવતેજીવ નર્કનો અહેસાસ અનુભવવાનો છે!’ 
- અને એવું જ બન્યું. છઠ્ઠા મહિને આનંદને ઘરે લાવ્યા પછી ઋતુએ તેને પોતાના કૂંડાળામાં કેદ કરી દીધો. એ ઇચ્છે એટલું જ આનંદ પાસે પહોંચે. માસ્ટર બેડરૂમની પડખે આવેલો સ્ટોરરૂમ ખાલી કરાવી ત્યાં આનંદનો વૉટર બેડ મુકાવી દીધો. સવાર-સાંજ આનંદને ચોખ્ખો કરવા વૉર્ડબૉય આવી જાય, જોડે નર્સ પણ હોય જે આનંદનું રૂટિન ચેક-અપ કરી ગળામાં મૂકેલી નળી વાટે ફીડિંગ કરાવી જાય. 
ત્રેવીસેક વરસની નર્સ સેવાના સિદ્ધાંતને વરેલી હતી. દેખાવમાં ઘાટીલી, પણ રંગે શ્યામ. સવાર-સાંજ કલાક રોકાતી નર્સ પેશન્ટ સાથે વાતો કરે, દેશ-દુનિયાના ખબરો આપે, સરના રસરુચિ જાણી જૂનાં ગીતો વગાડે, હાથ-પગની માલિશ કરે ... ‘જોજોને, એક દિવસ તમે જરૂર સાજા થઈ જવાના...’ એવું તો અચૂક કહે. ઋતુ ત્યારે હાજર હોય તો મનમાં જ બબડી લે - એવું તો હું થવા જ નહીં દઉંને!
ચર્ની રોડથી આવતી વસુધાએ નર્સિંગનો કોર્સ કર્યો છે, પણ કોઈ હૉસ્પિટલમાં જોડાવાને બદલે આ રીતે ઘરે-ઘરે જઈ વધુ કમાઈ લેતી હશે.
‘સવાલ કમાણીનો નથી, મૅડમ...’ ઋતુના અનુમાનને એ નમ્રપણે નકારતી, ‘આમાં મને સમયનું બંધન નથી નડતું એ મહત્ત્વનું છે. મારા ઘરે બીમાર મા છે. હૉસ્પિટલની પાળીની નોકરીમાં એનો ખાવા-પીવાનો સમય ન સચવાય, એટલે આવાં છૂટક કામ લઈ સમતોલન સાધી દઉં છું.’
‘અને લગ્ન?’
આમ તો નોકરવર્ગ સાથે શેઠાણીનું અંતર રાખવા ઋતુ ટેવાયેલી હતી, એમ આનંદની સારવારમાં રહેતી નર્સને જાણી રાખવી ઘટે. નર્સના વાઇટ યુનિફૉર્મને બદલે સાડીમાં આવતી વસુધા કુંવારી છે એટલું તો ઋતુની અનુભવી નજરને પરખાતું.
‘લગ્ન...’ વસુધા બોલતાં અટકી જતી કે પછી અટકીને બોલતી, ‘એ તો થવાનાં હશે ત્યારે થશે.’
આવું કહેતી વસુધા ઋતુને મીંઢી લાગતી. પોતાનું પેટ કેવું છુપાવે છે! નર્સની ગેરહાજરીમાં તે વૉર્ડબૉય ચંદુને પૂછતી, તે બોલી ગયો - વસુધાને તેની ચાલીમાં રહેતા આસ્તિક જોડે પ્યાર છે. છોકરો વેલ-સેટલ્ડ છે. વસુધાથી તે એકદમ અપૉઝિટ છે. ગોરો ચિટ્ટો. એવો સોહામણો કે ગ્રીક ગૉડ પણ તેની સામે ફિક્કા લાગે.
એકાદ વાર નર્સને મૂકવા આવેલા આસ્તિકને જોયા પછી ઋતુને થતું કે આસ્તિકને આ શ્યામળી જ મળી?
‘આસ્તિકનાં મધરને ગોરી વહુ જોઈએ છે, એટલે બન્નેનાં લગ્ન અટવાયાં છે. માની મરજી વિરદ્ધ વસુધાએ પરણવું નથી, બોલો!’
ચંદુ તારીફના લહેકાથી કહેતો એ ઋતુને ખટકતું. સામેથી મળતા સુખને પાછું ધકેલવામાં મૂર્ખામી છે એ વસુધાને કોઈ સમજાવો!
પણ હશે, મારે શું કામ એ મામૂલી નર્સના પ્રેમસંબંધની પંચાત કરવી? 
મારે તો હવે બિઝનેસની ધુરા સંભાળવાની છે... 
આનંદના ઘરે આવ્યા પછી તે ઑફિસ જતી થઈ. આનંદની રૂમમાં કૅમેરા ગોઠવી રાખેલો એટલે તેની ગતિવિધિથી ખબરદાર રહેવાતું. તેનામાં સુધારાનો અંશ પણ દેખાય તો ફરી કોઈ બાજી માંડવાની તક રહે! હા, પોતાની જરૂર મુજબ કૅમેરા ઑફ કરવાનું ચૂકતી નહીં. પોતાની બાજીનુ સબૂત ઊભું ન કરવા જેટલી સૂઝ તો તેને હોય જને. 
‘સરને હવે કેમ છે?’
ઋતુ કૅબિનમાં ગોઠવાતી કે અદબભેર આવી અનુરાગ પૂછતો.
પોતે આનંદને પરણી પછી સેક્રેટરી તરીકે મેલ કૅન્ડિડેટ અપૉઇન્ટ થયો એની બહુ દરકાર નહોતી ઋતુને. 
પણ હવેની વાત જુદી છે. હવે હું આનંદની જગ્યાએ છું ને અનુરાગ મારા સ્થાને... છવ્વીસ વરસનો અનુરાગ કામમાં કાબેલ છે, સંસારમાં એકલો છે ને કોઈ પણ કન્યાનો કામ ભડકાવે એવો કામણગારો છે. એને જોતાં ઋતુની કીકીમાં તોફાન ઝબકી જતું. 
જોશી ઍન્ડ કંપનીમાં સેક્રેટરી તરીકે જોડાઈ અનુરાગ ખુશ હતો. આનંદ કામ સાથે કામ રાખનારો બૉસ હતો, એટલે પણ તેની જોડે ફાવી ગયેલું. તેનાં ઋતુ સાથેનાં લગ્નને ત્યારે વરસ થઈ ચૂકેલું... ઋતુ ભાગ્યે જ ઑફિસે આવતી, પણ પછીના વરસે પરિસ્થિતિ બદલાઈ. ટ્રૅજિક કાર ઍક્સિડન્ટ પછી આનંદસર પથારીવશ બન્યા, ને વેપારનાં સૂત્રો સંભાળતાં ઋતુમૅડમ પછીથી ઑફિસ રેગ્યુલર આવતાં થયાં... ઋતુએ બહુ ઝડપભેર વેપારમાં પકડ મેળવી લીધી એ તો કબૂલવું પડે. છતાં સેક્રેટરીને લેટર ડિક્ટેટ કરાવતી વેળા ઋતુની સાડીનો છેડો સરકી જાય ત્યારે ભીતર ક્યાંક સનસનાટી મચી જતી. નજર હટાવવી મુશ્કેલ બનતી. ઋતુનું ધ્યાન જતાં શરમાઈ જવાતું.
‘તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી?’ ઋતુ હસીને પૂછતી.
‘જી?’ અનુરાગ બઘવાતો એટલે વધુ ખુલ્લું હસતી, ‘મતલબ, આર યુ સ્ટીલ વર્જિન?’
આ પ્રશ્ન હતો કે આશ્ચર્ય એ અનુરાગને સમજાયું નહીં. બૉસને સેક્રેટરીની વર્જિનિટીમાં રસ પડે ત્યારે શું સમજવું?
‘ત્યારે સમજવાનું ન હોય, બસ, કપડાં ઉતારી લેવાનાં હોય!’ ઋતુએ આંખ મીંચકારી.
ત્યારે તો તેં પણ આવું જ કર્યું હશે... તું આનંદસરની સેક્રેટરી હતી ત્યારે! આવું કહી મૅડમને છંછેડવા શું કામ? એને બદલે એ આંગળી આપે છે તો તું પહોંચો પકડવાની તક ઝડપી લેને! બૉસને રીઝવવાથી ફાયદો જ થાય છે એ રોજગારી ક્ષેત્રનો વણલખ્યો નિયમ છે! અને અનુરાગ ઊભો થઈ ગયો, ‘બોલ, કપડાં અહીં ઉતારું?’ 
આનો જવાબ ઋતુએ જુદી રીતે આપેલો, ‘અનુરાગ, આ વીકએન્ડ હું ખંડાલા જાઉં છું... તું કંપની આપીશ?’
કંપનીનો અર્થ સમજવા જેટલો અનુરાગ સ્માર્ટ તો હતો જ. ‘અકસ્માત’ પછી પહેલી વાર સેલ્ફ ડ્રાઇવ કરી ખંડાલા જતી ઋતુએ થડકો ઊપસવા નહોતો દીધો. બાજુની સીટ પર બેઠેલા અનુરાગે પૂછ્યું’તું, પણ - અહીં જ તમને અકસ્માત થયેલોને મૅ’મ...
‘કૉલ મી ઋતુ’ કહી ઋતુએ ટૉપિક જ બદલી કાઢેલો...
ખંડાલાનું એ વીકએન્ડ યાદગાર રહ્યું... ઋતુના જોબને, તેની બેમર્યાદ હરકતોએ અનુરાગમાં જાણે આગ ચાંપી હતી. પૂર્ણત્વને ઓપતા તેના પૌરુષને ઋતુએ નિર્બંધપણે માણ્યું હતું. સોમની સવારે અનુરાગને વીકએન્ડના શિરપાવરૂપે બોનસ દઈ ચીમકી પણ આપી - આપણું સીક્રેટ બહાર જવું ન જોઈએ અને તું કંપનીના પેરોલ પર છે ત્યાં સુધી બીજી કોઈ પણ સ્ત્રીનો ઓછાયો ન જોઈએ...
હૅન્ડસમ રિવૉર્ડ મળતો રહે પછી અનુરાગને આમાં વાંધો શું હોય? ઋતુના જોબનનું આકર્ષણ પણ ક્યાં કમ હતું? 
ઋતુને આનું ગુમાન પણ ખરું. અને છતાં, બૉસ પોતે છે એ ઋતુ ભૂલી નહોતી, અનુરાગને ભૂલવા પણ ન દેતી. આનંદને પથારીભેગો કર્યા પછી હવે તે સર્વસત્તાધીશ હતી, અત્યાર સુધી ધરબાઈ રહેલી અમીરીને માણવાની અબળખાઓ ખીલી હતી. અનુરાગ પથારીમાં બળકટ પુરવાર થયા પછી શરીરસુખ માટે પોતે બીજે ભટકવાનું ન રહ્યું એ મહત્ત્વનું. અનુરાગ સાથેના સંબંધની કાનાફૂસી પણ થતી હોય તો કોની સાડાબારી હતી? વર ખાટલામાં હોય ત્યારે પત્ની બીજો રસ્તો શોધે એમાં ખોટું શું એવું માનનારા પણ જોકે આ હાઈ સોસાયટીમાં ઓછા નહીં હોય. 
‘શું કરું, તમે નકામા હતા, પછી સાવ જ નામરદ બન્યા એટલે પરપુરુષનો સંગ માણ્યા વિના છૂટકો ક્યાં છે!’ 
ખુલ્લા શબ્દોમાં તે અનુરાગ સાથેની પળો વર્ણવી આનંદને રિબાતો જોવાની મઝા માણતી. 
બિચારા આનંદ! અત્યારે હોઠ વંકાવતી ઋતુએ સ્મરણયાત્રા સમેટી કારને છેલ્લો વળાંક આપ્યો. 
lll
સવારના સાડાઆઠે ઋતુની ઊંઘ ઊડી ગઈ. રાતના ઉજાગરા પછી પરોઢિયે માંડ જંપેલો અનુરાગ પડખે ફેલાઈને પડ્યો છે. તેને સૂવા દઈ ઋતુ ફ્રેશ થઈ બાલ્કનીના હીંચકે ગોઠવાઈ મોબાઇલ ચેક કરતી હતી તાં વૉટ્સઍપ પર ટપકેલા ખબરે તેને ટટ્ટાર કરી દીધી : 
નીરવ મિસ્ત્રીનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ! 
વતન વલસાડથી મુંબઈ પરત થતા દેશના ખ્યાતનામ બિઝનેસ પર્સન નીરવ મિસ્ત્રીની કાર મહારાષ્ટ્રની હદમાં પલટી મારતાં પાછળ બેઠેલા વેપારી અને તેમના મિત્ર ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા એનો હેવાલ વાંચતાં સહેજ હાંફી જવાયું.
લગભગ આવી જ વૈભવી ગાડીમાં, લગભગ આવો જ અકસ્માત ત્રણ વરસ અગાઉ ઘટી ચૂકેલો. મારા એ માસ્ટર પ્લાનની આનંદ સિવાય આજે પણ કોઈને જાણ નથી! આજે ફરી આવા જ એક અકસ્માતના સમાચાર આવ્યા એ પણ કેવો જોગાનુજોગ!
આ ન્યુઝ કેવો વળાંક આણશે એની ઋતુને ક્યાં ખબર હતી?
lll
લૉબીમાં વેલણથી ભીના વાળ ઝાટકતી પ્રેયસીને ચાલના સામા છેડાની લૉબીમાં કઠેરો પકડી ઊભેલો આસ્તિક મુગ્ધપણે નિહાળી રહ્યો.
આમ તો વસુધાથી પોતે ચાર વરસ મોટો. નાનપણમાં સાથે રમવાની વયથી બન્નેને એકબીજા સાથે બહુ ભળતું. બન્નેનાં ઘર વચ્ચેય ઘરોબો હતો એટલે અંગે યૌવન બેસવાના પડાવે મૈત્રી પ્યારમાં બદલાવી સાવ સહજ હતી. બેમાંથી કોઈના ઘરે આ સગપણનો વાંધો હોવાની શક્યતા ત્યારે નહોતી, પણ સંજોગોય એકસરખા ક્યાં રહે છે?
દિવાળી ટાણે વસુના પિતાની તબિયત લથડી, તેમના દેહાંતે વસુધાએ ઉચ્ચ અભ્યાસના શમણાનો વીંટો વાળી નર્સિંગનો કોર્સ કરી બે વરસમાં તો કામે લાગી જવું પડ્યું, ત્યાં સુધીમાં સીવણકામ કરી બે છેડા ભેગા કરતાં સાવિત્રીમાનું શરીર કંતાઈ ગયેલું. હામ હારવાનો વસુનો સ્વભાવ નહોતો, સંસ્કાર નહોતા. હૉસ્પિટલની નોકરીને બદલે ડૉક્ટર્સની ભલામણ થકી તે ઘરે સારવાર લેતા શ્રીમંતોની ચાકરીમાં જતી, પોતાનું કામ નિષ્ઠાથી કરતી. 
આસ્તિકને આનો ગર્વ હતો. તે પોતે ઇન્શ્યૉરન્સ એજન્સીના બિઝનેસમાં સેટ થઈ ચૂકેલો. લગ્ન માટે કહેણ પણ આવવા માંડેલાં.
‘માટે જ કહું છું, એ શામળીથી દૂર રહેજે.’
એક સાંજે રમીલામા દીકરાને સમજાવતાં હતાં ને ઘરનાં દ્વારે આવેલી વસુધા થીજી ગઈ.
શામળી. એવું નહોતું કે પોતાના રંગ બાબત વસુધા ક્યારેય ટ્રોલ નહોતી થઈ... પણ આસ્તિક સાથેની દોસ્તીમાં, પ્રીતમાં પોતાનો રંગ ક્યારેય સાંભર્યો જ નહોતો.
રમીલામાસીને રહી-રહીને મારો રંગ ધ્યાનમાં આવ્યો! આસ્તિકે પણ એવો જ પ્રતિભાવ આપતાં રમીલાબહેન સહેજ ગિન્નાયાં,
‘તું મને સવાલ ન કર! મનહરભાઈ (વસુના પિતા) હતા ત્યાં સુધી આપણો બરાબરીનો સંબંધ હતો, તેમના ગયા પછી સાવિત્રીએ ખાટલો પકડ્યો. લગ્ન પછીય વસુધા તેની માની ચાકરી નહીં છોડે, નર્સિંગનું કામ પણ નહીં છોડે, તો શું વહુ આવ્યા પછી પણ વૈતરું મારે જ કરવાનું? આસ્તિક, તું અમારો એકનો એક. તારી વહુ પાસેથી અમને આશા ન હોય?’
રમીલામાનાં વેણ ભલે ડંખે, તેમનો મુદ્દો સાચો છે. રમીલામા સ્વાર્થી નથી, કેવળ મને નકારવા માટે મારો રંગ આગળ ધરે છે... રમીલામાનું મન જાણ્યા પછી સાવિત્રીમા સમક્ષ તો પ્રણયનો ફોડ પાડવાનીયે હામ નથી. આસ્તિકના પિતા સોહનભાઈનો તેમને સપોર્ટ છે, પણ માની મરજી વિરુદ્ધ પરણવાનુ હોય નહીં ને મા રાજી થાય એમ લાગતું નથી! બે હૈયાં મૂંઝાય છે. ચાલમાં હવે ખૂલીને મળાતું નથી, પણ બહાર મળી લે ખરાં. 
‘શું જુએ છે?’
પીઠ પાછળ માના સાદે આસ્તિક ચોંક્યો, સામે વાળ ઝાટકતી વસુધાય ચમકી. હવે આસ્તિક પર ધ્યાન ગયું. મા હજી સામે ઊભાં હતાં એટલે ઝડપભેર વાળનો અંબોડો વાળતી પોતાની રૂમમાં દોડી ગઈ!
‘લાગે છે હવે તો ઝટ પરણાવી દેવો પડશે.’ દીકરાને જ સંભળાય એમ રમીલાબહેન બોલ્યાં.
સામે આસ્તિકના મનમાં પડઘો ઊઠ્યો : અને લાગે છે તને મનાવવા મારે જ કંઈક કરવું પડશે... એય બહુ જલદી!

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff