બાજી (પ્રકરણ ૩)

28 September, 2022 10:32 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘હ!’ વસુધાએ મહેલ જેવા નિવાસસ્થાન પર નજર ફેંકી હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘આ આનંદસર જેવા પેશન્ટને જોઉં ત્યારે થાય, આસ્તિક કે સુખ મોટા મોટા મહેલોમાં પણ નથી મળતું, ક્યારેક’

બાજી (પ્રકરણ ૩)

અને રવિની સવારે સવાદસના સુમારે આસ્તિકની બાઇક કોલાબાના બંગલાના ગેટ પર અટકી. નીચે ઊતરતી વસુએ ફરી ગોખાવ્યું : માના બોલ ધ્યાન પર ન લેશો. મને એનું ખોટું લાગતું નથી...
‘મને ખબર છે માય બ્લૅક બ્યુટી. તું નિરાંતે તારી ડ્યુટી બજાવ, પાછો તને લેવા આવી જઈશ...’
‘હ!’ વસુધાએ મહેલ જેવા નિવાસસ્થાન પર નજર ફેંકી હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘આ આનંદસર જેવા પેશન્ટને જોઉં ત્યારે થાય, આસ્તિક કે સુખ મોટા મોટા મહેલોમાં પણ નથી મળતું, ક્યારેક.’
આસ્તિકે ડોક ધુણાવી.
બે-એક વરસથી અહીં રોજ આવતી વસુધા સ્વાભાવિકપણે આનંદના સંસારની ગતિવિધિથી અજાણ નહોતી. માન્યું, બીમાર માણસની પાછળ ભેખ લેવાનું દરેક માટે શક્ય ન હોય, એ આવશ્યક પણ ન ગણાવું જોઈએ. પોતાના પતિની દરકારનો ગુણ ઋતુમાં પડઘાતો નથી એને બદલે ઋતુ તો વખત કવખત ટપકી પડતા તેના સેક્રેટરી અનુરાગ સાથે વધુપડતી અંતરંગ થતી જોવા મળે... આનંદની કીકીમાં પડઘાતું દર્દ આનું જ હશે?
હશે. તું તારી ડ્યુટીથી મતલબ રાખને! કેવળ જોઈ-સાંભળી શકતા આનંદની કાળજીમાં એ ચૂકતી નહીં. આનંદ સાથે અલકમલકની વાતો કરતી, દેશ-દુનિયાના ખબર-અંતર આપતી. આનંદ એનો પ્રતિભાવ પણ આપે. હવે તો વસુધાને તેની આંખોની ભાષા પણ સમજાવા લાગી હતી.
‘મને હંમેશાં એવું લાગ્યું આસ્તિક કે કશુંક છે જે આનંદ મારી સાથે વહેંચવા માગે છે... પત્નીના આગમને મેં તેમને ઝંખવાતા જ જોયા છે. કદી અનુરાગ હાજર હોય તો તેમની કીકીમાં રોષ પડઘાય છે. પત્નીની બેવફાઈ તેઓ જાણતા હશે? કાશ, આવું ખુલ્લંખુલ્લા તેમને પૂછી શકાતું હોત! પણ કોઈની દુખતી રગ આપણે શું કામ દબાવવી?’
‘રાઇટ, વસુ. બીજાના અંગતમાં માથું મારાનારા આપણે કોણ?’
આસ્તિકના સૂરમાં સંમતિ પુરાવતી વસુધાને ક્યાં ખબર હતી કે આનંદની જિંદગીનો સૌથી મોટો ભેદ આજે ઊઘડવાનો!
lll
‘ગુડ મૉર્નિંગ, આનંદસર!’
નર્સના આગમને આનંદને સુકૂન વર્તાયું. વૉર્ડબૉય ચંદુએ તેને સ્વસ્છ કરી, નવું ડાયપર, નવાં વસ્ત્રો પહેરાવ્યાં ત્યાં સુધીમાં વસુધાએ કિચનમાં જઈ આનંદ માટેનું લિક્વિડ ફૂડ તૈયાર કરી દીધું. ઋતુ ઘરે નહોતી. મોટા ભાગે તે વીકએન્ડ અનુરાગ સાથે ખંડાલાના ફાર્મહાઉસમાં કે પછી વરલી ખાતે આવેલા અનુરાગના ફ્લૅટ પર ગાળતી હોવાનું છૂપું નહોતું. ઋતુનો કડપ એવો કે તેની ગેરહાજરીમાં પણ નોકરવર્ગ ચોંપમાં રહેતો.
ફૂડની ટ્રોલી પર આજનાં છાપાં મૂકી વસુધા આનંદની રૂમમાં પ્રવેશી ત્યારે તેનું ઓઢવાનું સરખું કરી ચંદુ રજા લેતો હતો - ચાલો સાહેબ, હવે રાતે આવીશ. આવજો વસુબહેન.
તેના જતાં રૂમમાં આનંદ-વસુધા એકલાં પડ્યાં.
‘રાત્રે બરાબર ઊંઘ્યા હતાને!’
તેમનું ટેમ્પરેચર માપી, હાથ-નખનાં આંગળાં ચકાસી વસુધા ચહેરા આગળ સ્ટૂલ લઈ ગોઠવાઈ. માથે હાથ ફેરવતાં તેણે પૂછેલા પ્રશ્ને આનંદની પાંપણ ભીની બની.
આનંદનાં બીજાં અંગો ભલે ચેતનહીન બન્યાં, આંખો જોઈ શકતી, કાન સાંભળી શકતા ને મગજ એટલું જ સાબૂત હતું. એટલે તો પોતાની લાચારી પજવતી, ઋતુની કરણી ડંખતી. ઋતુએ કદી મને ચાહ્યો જ નહોતો. ક્યારેક તો થાય, તેણે કરેલા અકસ્માતમાં હું મર્યો હોત તો છૂટી ગયો હોત!
‘જાણીતા વેપારી નીરવ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ!’
છાપું વાંચતી વસુના સાદે આનંદે વિચારબારી બંધ કરી. અકસ્માતની વિગતો જાણતાં હાંફી જવાયું. તેની આંખો ચકળવકળ થવા લાગી. વસુધાનું ધ્યાન જતાં છાપું મૂકી તે ઊભી થઈ, આનંદની છાતી પંપાળતી ચિંતા જતાવી, ‘શું થયું સર? નીરવભાઈ તમારા મિત્ર-પરિચિત હતા?’
આનંદે આંખોથી નકાર પાઠવ્યો એ તો સમજાયું. આંખોમાં વિહ્વળતા ટપકાવી તેમણે બીજું તો શું કહેવું હોય?
અને નર્સને ઝબકારો થયો.
‘તમને તમારો અકસ્માત યાદ આવી ગયો?’
આનંદે પાંપણ પટપટાવી 
‘એમાં યાદ કરવા જેવું શું છે સર..’ વસુધાના શબ્દો સામે આનંદે આંખોથી રોષ ઉછાળ્યો. 
‘સારું. સમજી. તમારે આ  અકસ્માત વિશે કંઈ કહેવું છે? હા, તો બોલોને.’
બોલ્યા પછી વસુને ભાન થયું કે બોલવાનું તો મારે જ છે. આનંદ તેમના ઍક્સિડન્ટ બાબત કશુંક કહેવા માગે છે, પણ શું એ તો મારે જ અનુમાન બાંધી તેમને પૂછતાં રહેવું પડશે. એવું તો તેમણે શું કહેવું હશે?
‘એ અકસ્માત ન થયો હોત તો સારું એમ કહેવું છે? ઋતુમૅ’મ ઊગરી ગયાં એમ કહેવા માગે છે?’
ઋતુ. ઝબકારો થયો હોય એમ આનંદની નજર સામે લગાવેલા કૅમેરા પર સ્થિર થઈ, પછી વસુને નિહાળી પાછી કૅમેરા તરફ દૃષ્ટિ લઈ ગયા. 
વસુધા થથરી - આનંદ કૅમેરાનો પહેરો હટાવવાનું સૂચવે છે! આનંદ ઋતુ બાબત કોઈ ભયાનક ભેદ કહેવાના હોય એવું મને કેમ લાગે છે? 
કૅમેરાનું રેકૉર્ડિંગ ઋતુના મોબાઇલમાં ઝિલાતું રહે છે એની જાણ હતી, પણ એ કંઈ હર પળ કૅમેરા ખોલીને બેઠી ન હોય... દવાનો ડબ્બો લેવાને બહાને ડ્રેસિંગ મિરર તરફ જઈ વાંકી વળી વસુધાએ કૅમેરા તરફ પીઠ રાખી એને સ્વિચ ઑફ કરી દેતાં રેકૉર્ડિંગ બંધ થઈ ગયું. 
lll
મોબાઇલની સ્ક્રીન બ્લૅકઆઉટ થતાં ઋતુ સમસમી ગઈ.
નીરવ મિસ્ત્રીના ખબરે ગતખંડની હેલી ફરી વહ્યા પછી ઋતુ રૂમમાં આવી, અનુરાગ પથારીમાં સળવળતો હતો. દરમ્યાન ઘરે આનંદની શું સ્થિતિ છે એ તો જોઈએ. અત્યારે તો નર્સ-ચંદુ આવી ગયાં હશે... મોબાઇલમાં કૅમેરાનું લાઇવ ઑન કરતાં જે જોવા મળ્યું એથી કપાળે કરચલી ઊપસતી ગઈ.
કમાલ છે, નર્સ વસુધા આનંદની આંખોની ભાષા સમજતી હોય એમ સવાલ-જવાબ કરે છે! નર્સ તરીકે વસુધા નિરુપદ્રવી લાગેલી, પાછી શ્યામળી એટલે આનંદ દિલ્લગી કરી લે એવી સંભાવના નહોતી. અરે, નર્સ રૂપાળી હોય તોય આનંદથી શું થઈ શકે એમ હતું! પણ વસુધા-આનંદનું આ બૉન્ડિંગ જોખમી પુરવાર થઈ શકે... નીરવ મિસ્ત્રીના સમાચારે આનંદ તેને શું સૂચવવા માગે છે એ મને તો બરાબર સમજાય છે! 
ઋતુ હાંફી ગઈ. આનંદે ઇશારાથી કૅમેરા બંધ કરાવ્યો એનો અર્થ એ કે તે નર્સ સમક્ષ ભેદ ખોલી દેવાના! 
‘આઇ મસ્ટ લીવ!’ નાઇટ રોબ ઉતારી, સાડી પહેરી ઋતુએ ટેબલ પર મૂકેલું પર્સ, કારની ચાવી ઉઠાવી.
‘હેય, તું જાય છે?’ અનુરાગ હજુય તંદ્રામાં હતો.
તેને નિહાળી સૅન્ડલ પહેરતી ઋતુ પોતાની ધૂનમાં બોલી ગઈ, ‘જવું જ પડે એમ છે, અનુરાગ... ખંડાલા જતાં કારનો ઍક્સિડન્ટ મેં જાણીને કરાવ્યાનો બૉમ્બ આનંદ વસુધા સમક્ષ ફોડી દે એ પહેલાં મારે પહોંચી જવું જોઈએ...’
હેં!
પોતે કરેલો બફાટ હજુ ઋતુના ધ્યાનમાં નહોતો. તે તો નીકળી ગઈ, પણ અનુરાગની ઊંઘ પૂરેપૂરી ઉડાડી ગઈ : ઋતુ આ કેવો ભેદ ખોલી ગઈ?
બે વરસ અગાઉ ખંડાલા જતાં થયેલો અકસ્માત કેવળ અકસ્માત નહોતો, ઋતુનું કાવતરું હતું!
આનંદ પરત્વેની તેની કટુતાનો પોતે સાક્ષી છે. મેં માનેલું કે મારી જેમ તેણે પણ પથારીમાં બૉસને રીઝવવો પડ્યો હશે એનું વેર વાળતી હશે... પણ હવે સમજાય છે કે મામલો જુદો છે! વેલ, ઋતુએ આનંદને પૅરૅલાઇઝ્ડ કરવો હોત તો અમુકતમુક દવાઓથી કામ થઈ જ શકત... મતલબ, તેણે આનંદને અપાહીજ કરવા નહીં, પણ મા...રી નાખવાના ઇરાદે જ જીવના જોખમે અકસ્માતનો કાંડ કર્યો હોય...
અટેમ્પ્ટ ટુ મર્ડર.
ઋતુ તેને ગમતી. શરીરસુખમાં તેનો જોટો નહોતો. બદલામાં તે ભરપૂર આર્થિક ફાયદો પણ આપતી. તકલીફ એટલી જ કે તેનામાં રહેલી બૉસ અંગતમાં અંગત ક્ષણે પણ હાવી થઈ જતી. એ વખતે અપમાનજનક લાગતું, પણ ગુસ્સો ગળી જવો પડતો.
પણ હવે જ્યારે અજાણતાં જ ઋતુ તેનું રહસ્ય મને કહી ગઈ, એનો ફાયદો કઈ રીતે ઉઠાવાય?
અનુરાગનું દિમાગ કામે લાગી ગયું.
lll
ના.. ના... ના.
કૅમેરા બંધ કર્યા પછી વસુધા આનંદની આંખોમાં ઊપસતા ભાવને જાતજાતના વાઘા પહેરાવી થાકી, પણ દરેક અનુમાન ગલત નીકળતું. ત્યાં ઘડિયાળના ડંકાએ આનંદની કીકીમાં વિહ્વળતા છવાઈ. મે બી, મૅડમ હવે ગમે ત્યારે આવી પહોંચવાનાં એનો ડર હોવો જોઈએ!
ડર. આનંદસર મૅડમથી છાનું મને કંઈક કહેવા માગે છે ખરા, પણ ઋતુથી ડરવાનું તેમણે શું કારણ હોય? અમારી વાતો બે વરસ અગાઉના રોડ ઍક્સિડન્ટ વિશે થઈ રહી છે, આનંદના ડરને એની સાથે સંબંધ હોય એનો અર્થ... વિચારતાંય વસુના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો, ‘તમે ઋતુનો ડર દર્શાવો છો એનો મતલબ શું એવો થાય, આનંદસર કે... એ અકસ્માતમાં ઋતુનો હા..થ હતો?’
હા. હા. હા. આનંદ ઝગમગી ઊઠ્યો - આખરે તું તાગ પામી!
વસુધા પડતી રહી ગઈ : સેલ્ફ-ડ્રાઇવ કરતી ઋતુ કારની પલટી મરાવી પોતે મરવા માગતી હતી કે ધણીને મારવા?
અફકોર્સ ધણીને મારવા! કેમ કે તે તો બડી લહેરથી જીવે છે, ઐયાશી માણે છે...
‘મતલબ એ અકસ્માત નહોતો - તમારા મર્ડરનું કાવતરું હતું?’
હા, હા, હા.
વરસોથી હૈયે ઘૂંટાતો ભેદ વણબોલ્યે કોઈને કહેવાઈ ગયો એનો સંતોષ આનંદના હૈયે હતો. ભેદ જાણી વસુધા સ્તબ્ધ હતી. 
lll
ધમધમાટભેર ઘરે આવેલી ઋતુ આનંદના રૂમમાં જતાં જ ઠરી ગઈ. આનંદ આંખ મીંચીને સૂતા હતા ને બાજુના સ્ટૂલ પર બેઠેલી વસુધા ભગવદ્ગીતા સંભળાવી રહી હતી! ચકોર નજરે જોયું તો કૅમેરાની સ્વિચ પણ ઑન હતી.
શું સમજવું? આનંદે ઇશારાથી ભેદ ખોલી દીધો, વસુધા સત્ય જાણી ગઈ એ મારાથી છુપાવા માટેનો આ સેટઅપ છે કે પછી આનંદનો ઇશારો વસુધા સાચે જ પારખી ન શકી એટલે ધર્મનો આધાર લઈ આનંદને સાંત્વના પાઠવી રહી છે?
ઋતુને સમજાયું નહીં!
lll
‘કેટલી જોખમી સ્ત્રી.’ આસ્તિક બોલી ઊઠ્યો.
પોતાને લેવા આવનાર આસ્તિક સાથે ઘરે પરત થવાને બદલે વસુધાએ દરિયે જઈ ભેદ ઠાલવી દેતાં આસ્તિક પણ સ્તબ્ધ બન્યો. કોઈ સ્ત્રી પતિને મારી નાખવા પોતેય મરી શકે એવો અકસ્માત સર્જે એ માનવું મુશ્કેલ લાગે, પણ હકીકત હતી. 
‘આઇ ડાઉટ’ વસુ સહેજ કંપી, ‘ઋતુ જે રીતે આજે ઘરમાં, રૂમમાં પ્રવેશી - તેના તેવર જ કહેતા હતા કે કૅમેરા જાણીને ઑફ કરાયો એ સ્વીકારીને જ તે મારમાર કરતી આવી... તેની સમક્ષ અમે બહુ નૉર્મલ બિહેવ કર્યું, પણ તે કયા નતીજા પર પહોંચે એ કહેવાય નહીં. આસ્તિક, વી મસ્ટ ડુ સમથિંગ... તે ફરી કોઈ બાજી ગોઠવી આનંદસરને નુકસાન પહોંચાડે એ પહેલાં...’
હં. વસુધાની કન્સર્ન સ્વાભાવિક લાગી. અરે, મર્ડરનું એક અટેમ્પ્ટ કરી ચૂકેલી સ્ત્રી એનું રહસ્ય જાણી ગયેલી વસુ માટે પણ એટલી જ જોખણી ગણાય...
‘વસુ, ખરેખર તો માને મનાવાનો એક આઇડિયા સૂઝ્યો હતો, પણ એ પછી, પહેલાં ઋતુને દાબમાં લેવી રહી.’
બટ હાઉ?
lll
હવે શું?
ઘવાયેલી વાઘણની જેમ ઋતુ માસ્ટર બેડરૂમમાં આંટા મારે છે.
વસુધા અમારો ભેદ જાણી ગઈ કે નહીં? પૂછ‍વાથી તે કે આનંદ સાચું કહેવાનાં નથી અને મારે અવઢવમાં રહેવું જ શું કામ? મારે વર્સ્ટ સિનારિયો ધારીને જ આગળની બાજી ગોઠવવાની હોય.
અર્થાત્, આનંદે દર્શાવેલો ભેદ વસુધા જાણી જ ગઈ છે, તો હવે શું?
વેલ, આનંદની આંખોની ‘જુબાની’ પરથી પોતે કાઢેલું તારણ કોર્ટ માન્ય ન જ ગણે એ તો વસુધા પણ સમજતી હશે... અર્થાત્ તેની પાસે મારા કૃત્યનો સધ્ધર પુરાવો નથી, રાધર, અમારા કિસ્સામાં આવો એક જ પુરાવો સંભવ છે - મારી ખુદની કબૂલાત! જે હું કદી કરવાની નથી...
ઋતુ એકાએક રિલૅક્સ થઈ ગઈ : વસુએ ભલે મર્ડર અટેમ્પ્ટનું સત્ય જાણ્યું હોય, તેને પુરવાર કરવાની સ્થિતિમાં તે નથી જ. તો-તો તેને શું મહત્ત્વ આપવાનું! છતાં ફૉર સેફર સાઇડ, તેનું પત્તું કાપી આનંદ માટે નવી નર્સ રાખી લેવી ઘટે. હાસ્તો. હજુય વસુધા આનંદને મળે એવું થવા જ શું કામ દેવું?
નિર્ણય લીધા પછી એનો અમલ પણ કરી જ દેવાનો હોય.
ઋતુએ વસુધાને મેસેજ કરી દીધો : કાલથી આનંદ માટે નવી નર્સ આવશે. બિચારીને કામની વધુ જરૂર છે. સો પ્લીઝ, ખોટું ન લગાડીશ. તારી સર્વિસનું બાકી રહેલું પેમેન્ટ પણ આ સાથે કરી દઉં છું : ગુડ બાય!
પત્યું!
જોકે હવે શું થવાનું એની કોઈને ક્યાં ખબર હતી?

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff