બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૧)

27 April, 2026 12:38 PM IST  |  Mumbai | Rashmin Shah

ચારકોપના નિર્જન રસ્તા પર ખાડીના કિનારે ફીઆટ ઊભી હતી, પણ એનો દેખાવ બદલાઈ ગયો હતો. એક હેડલાઇટ ફૂટેલી હતી અને બૉડી પર કાદવના ડાઘ હતા. બચુભાઈ ગાડીની નજીક પહોંચ્યા અને તેમની નજર પાછળની સીટ પર પડી.

ઇલસ્ટ્રેશન

કાંદિવલી-વેસ્ટની મંગલમૂર્તિ સોસાયટીમાં સવારના સાડાપાંચ વાગ્યા હતા. મુંબઈ હજી પૂરી જાગી નહોતી, પણ બચુભાઈ પાટીદારની આંખો ઘડિયાળના અલાર્મ પહેલાં જ ખૂલી ગઈ હતી. પંચાવન વર્ષની ઉંમર, પણ શરીર જાણે કસાયેલું લોખંડ.

પથારીમાંથી ઊભા થઈને બચુભાઈએ સીધા જમીન પર હાથ ટેકવ્યા અને પચાસ પુશ-અપ્સનો સેટ માર્યો. શ્વાસમાં હજી એ જ તેજી હતી જે ૩૦ વર્ષ પહેલાં મુંબઈની ફિલ્મસિટીમાં સ્ટન્ટ કોરિયોગ્રાફ કરતી વખતે હતી. તેમની આ સ્ફૂર્ત‌િને કારણે તો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ બચુભાઈને ‘બમ્બાટ’નું ઉપનામ આપ્યું હતું અને બચુભાઈને એ ઉપનામ ગમી ગયું એટલે તો તેમણે પોતાની પાટીદાર અટક પણ સ્વમાનભેર છોડીને નામ જ કરી નાખ્યું હતું બચુભાઈ બમ્બાટ.

બચુભાઈ બમ્બાટ ફિલ્મી દુનિયાના એવા ઍક્શન ડિરેક્ટર જેમણે અનેક હીરોને હવામાં ઊડતા અને વિલનને ધૂળ ચાટતા શીખવ્યું હતું. રિટાયરમેન્ટ પછી તેમનું જીવન શાંત હતું,

પણ તેમની ફિટનેસ અને ફીઆટ આજે પણ અકબંધ હતી.

બચુભાઈએ બારી ખોલીને બહાર નજર કરી. સોસાયટીના કમ્પાઉન્ડમાં સફેદ રંગની ૧૯૮૦ મૉડલની ફીઆટ કાર ઊભી હતી. બચુભાઈ માટે આ ફ‌ીઆટ માત્ર લોખંડનું ખોખું નહોતું, તેમની જિંદગીની પહેલી કમાણી અને પહેલો પ્રેમ હતાં. રોજ સવારે એ ગાડીને મલમલના કપડાથી સાફ કરવી એ તેમની પૂજા હતી અને આ પૂજા તે કોઈને કરવા દેતા નહીં. વાઇફ જ્યોતિ અને દીકરો-દીકરી તેમને કહેતાં, ટોકતાં કે સોસાયટીમાં ગાડી સાફ કરવાવાળો આવે છે તો પણ તમે તેને ગાડી સાફ કરવા કેમ નથી દેતા અને બચુભાઈ જવાબ દેતા : ‘ગાડી અને લાડી પર ક્યારેય બીજાનો હાથ કે નજર ન પડવા દેવી જોઈએ.’

 lll

‘બચુ, ચા તૈયાર છે!’

ક‌િચનમાંથી જ્યોતિનો અવાજ આવ્યો કે તરત બચુભાઈ કિચનમાં ગયા. જ્યોતિએ ચાનો કપ હાથમાં આપ્યો.

‘આજે પણ પેલા જૂના ગૅરેજમાં જવાનું છે?’ જ્યોતિના સ્વરમાં સહેજ કર્કશતા હતી, ‘પાર્થ કહેતો હતો કે ગાડીમાં હવે કંઈક નવો અવાજ આવે છે...’

બચુભાઈએ ચાનો પહેલો ઘૂંટડો ગળા

નીચે ઉતાર્યો.

‘અરે, એ એન્જિનનો અવાજ નથી, એ તો જસ્ટ દરવાજો ઘસાવાનો અવાજ છે...’

‘હા, પણ જવાનું ક્યાં?’

‘મનસુખ પાસે.... થોડું ટ્યુનિંગ કરાવીશ તો લૉન્ગ ડ્રાઇવ પર જઈ શકાશે.’

‘હવે તો મનસુખને પડતો મૂકો...’ જ્યોતિના શબ્દોમાં કંટાળો હતો, પણ ફેસ પર સ્માઇલ હતું, ‘તમારી ગાડી ને તમારો મેકૅનિક બેઉ કાઢી નાખવા જેવાં થઈ ગયાં છે ત્યારે મેકૅન‌િકને તો કાઢો... ગાડી તો તમે કાઢવા દેતા નથી.’

‘જ્યોતિ, ફીઆટની એકેએક રગ મનસુખને ખબર છે તો પછી શું કામ નાહકનો ચેન્જ કરવાનો હં...’

‘બચુભાઈ...’ કિચનમાં પાર્થ આવ્યો, ‘આજે હું ગાડી લઈ જઉં. કૉલેજમાં પ્રોજેક્ટ સબમિશન છે અને રાત્રે કદાચ મોડું પણ થાય...’

બાપ જેવાં જ કદ-કાઠી ધરાવતા પાર્થ અને દીકરી પાયલને ખબર નહીં કેમ પણ પપ્પાને ‘બચુભાઈ’ કહેવાની જ આદત હતી, જે આદત ન તો ક્યારેય જ્યોતિએ બદલવાની કોશિશ કરી કે ન તો બચુભાઈએ.

‘એક શરતે...’ પાર્થ તરફ ચાવી ફેંકતા બચુભાઈએ કહ્યું, ‘ગાડીને કંઈ થવું ન જોઈએ. એમાં મારો જીવ છે.’

‘અમને બધાને ખબર છે કે તમને તમારા જીવ કરતાં તમારી ગાડી વધારે વહાલી છે...’ પાર્થે હસતાં-હસતાં કહ્યું, ‘ચિંતા નહીં કરો બચુભાઈ, તમારી ગાડીને જીવની જેમ સાચવીશ...’

એ ખુશનુમા વાતાવરણ અને સવારની હળવાશ રાત પડતાં સુધીમાં કેવા ભયાનક તોફાનમાં ફેરવાઈ જવાનાં હતાં એની એ સમયે બચુભાઈને ક્યાં ખબર હતી?

lll

સાંજે સાત વાગ્યા હતા.

બચુભાઈ કાંદિવલીના મનસુખ ઑટો ગૅરેજ પાસે ઊભા હતા. પાર્થે સાંજે પાંચ વાગ્યે ગાડી ત્યાં મૂકી દીધી હતી અને મનસુખનો ફોન પણ આવી ગયો હતો કે રાત પહેલાં ગાડી તૈયાર થઈ જશે.

‘બચુભાઈ, ઉતાવળ ન કરો...’ ફીઆટ નીચેથી બહાર આવતાં મનસુખે બચુભાઈ

સામે જોયું, ‘રાત પહેલાં ગાડી આપી દઈશ એ નક્કી છે.’

‘મનસુખ, તને ખબર છેને, હું અગિયાર વાગ્યે સૂઈ જઉં છું.’ ઘૂંટણેભર મનસુખ પાસે બેસતાં બચુભાઈએ કહ્યું, ‘તને એ પણ ખબર છે કે ગાડી બહાર હોય તો મને ઊંઘ નથી આવતી...’

‘તારું પેલા રાક્ષસ જેવું છે...’ મનસુખભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘રાક્ષસનો જીવ પોપટમાં, એમ તારો જીવ આ ફીઆટમાં...’

‘તારે જે માનવું હોય એ માન પણ...’

‘તું ટેન્શન નહીં કર... એવું હોય તો હું પાર્થને બોલાવી લઈશ...’

‘ઠીક છે...’

lll

‘બચુભાઈ, આ પાર્થ ક્યાં અટવાયો?’

પાયલ રૂમમાંથી બહાર આવી ત્યારે બચુભાઈ ન્યુઝ જોતા હતા.

‘મને શું પૂછે છે, તું ફોન કર...’

‘કર્યો પણ ફોન નેટવર્કની બહાર છે...’

‘આમ તો કહીને ગયો હતો કે રાતે તેને આવતાં મોડું થશે.’ ત્યાં જ બચુભાઈને યાદ આવ્યું, ‘અરે, કદાચ મનસુખને ત્યાં હશે. ગાડી લેવા ગયો હશે.’

બચુભાઈએ મોબાઇલ હાથમાં લીધો અને મનસુખને ફોન કર્યો, પણ મનસુખનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ હતો.

‘મનસુખનો ફોન બંધ છે.’ બચુભાઈએ જ્યોતિ અને પાયલ સામે જોયું, ‘ચિંતા ન કરો, હું જઈને જોઈ આવું છું...’

lll

બચુભાઈ ગૅરેજ પહોંચ્યા ત્યારે ત્યાં સન્નાટો હતો, પણ ગૅરેજનું શટર અડધું ખુલ્લું હતું. અંદર એક લાઇટ ઝબકતી હતી. ગૅરેજ અને લાઇટ જોઈને બચુભાઈને થોડી રાહત થઈ. જોકે અંદર જઈને જોયું તો ત્યાં મનસુખ, પાર્થ કે તેમની ફીઆટ નહોતાં.

‘કદાચ ટ્રાયલ લેવા ગયા હશે...’

મનોમન જાતને આશ્વાસન આપીને બચુભાઈ ગૅરેજની બહાર આવ્યા અને બહાર ફુટપાથ પર જ થોડી વાર બેઠા. રાત વધતી જતી હતી અને રસ્તા પરનો ટ્રાફિક પણ મંદ પડવા માંડ્યો હતો. દસેક મિનિટ પછી બચુભાઈએ ફરી મનસુખને ફોન કર્યો. મોબાઇલ સ્વિચ્ડ-ઑફ મળ્યો એટલે મનસુખભાઈએ પાર્થને ફોન કર્યો. પાર્થનો મોબાઇલ નેટવર્કની બહાર જ હતો.

‘આવું બને નહીં...’

બચુભાઈ ફરી ગૅરેજમાં દાખલ થયા. ગૅરેજની પાછળના ભાગનો જે એરિયા હતો એમાં લાઇટ બંધ હતી અને ત્યાં કોઈ અવરજવર પણ નહોતી.

બચુભાઈએ જોરથી રાડ પાડી.

‘મનસુખ...’ બચુભાઈ સહેજ આગળ વધ્યા, ‘મનસુખ...’

અંદરની ભાગ તરફ આગળ વધતાં બચુભાઈને આછોસરખો કણસવાનો

અવાજ સંભળાયો.

‘આહ...’

બચુભાઈના પગમાં ઉતાવળ આવી ગઈ. તે ફટાફટ અંદરની તરફ ગયા.

‘મનસુખ...’

પાછળના એ એરિયામાં લાઇટ થઈ અને બચુભાઈનું ધ્યાન સ્વિચ-બોર્ડની દિશામાં ખેંચાયું. ત્યાં મનસુખ ઊભો હતો. મનસુખનાં કપડાં ફાટેલાં હતાં, તેના ચહેરા પરથી સહેજ લોહી નીકળતું હતું અને તે ધ્રૂજતો હતો.

‘બચુ... ગાડી...’

‘ગાડી?’ બચુભાઈએ મનસુખના કૉલર પકડી લીધા, ‘શું થયું ગાડીને... ક્યાં ગઈ મારી ગાડી?’

‘બચુ... ગાડી... ગાડી ચોરાઈ ગઈ!’

‘શુંઉઉઉ?’ બચુભાઈની કમાન છટકી ગઈ, ‘ગાડી અહીંથી કેવી રીતે ચોરાય... ને તારી આ હાલત કેવી રીતે થઈ?’

‘કહું, તું મૂક તો ખરો...’ મનસુખની આંખમાં આંસુ હતાં, ‘થોડી વાર પહેલાં ત્રણ-ચાર જણ આવ્યા. મને માર્યો અને તારી ગાડીની ચાવી ઝૂંટવીને ભાગી ગયા. હું એ લોકોની પાછળ ગયો, પણ એમાંથી એક જણે મને રિવૉલ્વર દેખાડી એટલે હું... હું અટકી ગયો...’

‘કઈ તરફ ગયા...’

‘ખબર નથી... કહું છુંને, તેણે મને રિવૉલ્વર દેખાડી એટલે હું આગળ ગયો જ નહીં. મારો ફોન પણ એ લોકોએ તોડી નાખ્યો.’

બચુભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘પાર્થ... તે ક્યાં ગયો?’

‘મને નથી ખબર...’ મનસુખે કહ્યું, ‘તે તો પાંચ વાગ્યે ગાડી દઈને ગયો પછી પાછો નથી આવ્યો....’

બચુભાઈને પરસેવો વળવા માંડ્યો.

જો પાર્થ અહીં નથી આવ્યો તો તે છે ક્યાં? અને ગાડી કોણ લઈ ગયું? આ એવી કોઈ ગાડી નહોતી કે જે લૂંટીને કોઈ વેચે. તો પછી કોઈ ફીઆટ શું કામ ચોરે?

lll

‘તમે નક્કી કરો કે તમારી પ્રાયોરિટી કોણ છે?’ સબ-ઇન્સ્પેક્ટર સાવંતે ચાની ચૂસકી લીધી, ‘ગાડી કે દીકરો...’

‘બન્ને...’ બચુભાઈએ જવાબ આપ્યો, ‘મને બન્ને પાછાં જોઈએ. તાત્કાલ‌િક.’

સાવંતે એક નજર બચુભાઈ પર નાખી અને પછી ફરી ચા મોઢે માંડી.

‘બચુભાઈ, તમે બન્નેની ચિંતા ખોટી કરો છો... જુઓ હું તમને સમજાવું.’ સાવંતે કહ્યું, ‘આ મુંબઈ છે. છોકરો યંગ છે, મજા કરતો હશે તેની ગર્લફ્રેન્ડ સાથે... એટલે તેનું ટેન્શન મૂકી દો. વાત રહી તમારી ગાડીની તો... અગેઇન કહું છું કે આ મુંબઈ છે. અહીં રસ્તા પર મર્સ‌િડ‌ીઝ ને આઉડી એમ ને એમ પડી હોય છે. અત્યારના

સમયમાં કોણ ફીઆટ ચોરવાનું... ભંગારવાળા લઈ ગયા હશે. જાઓ, સવારે આવજો, અત્યારે આરામ કરો.’

બચુભાઈની અંદરનો ઍક્શન ડિરેક્ટર જાગી ગયો હતો. તેમણે ટેબલ પર જોરથી મુક્કો માર્યો.

‘મારા દીકરાનો મોબાઇલ બંધ છે અને મારી ગાડી ગૅરેજમાંથી ગુમ છે. તમે અત્યારે જ

ફરિયાદ લખો!’

સાવંતે અનિચ્છાએ પેન હાથમાં લીધી.

‘વિગતો આપો, પણ યાદ રાખજો કે ૨૪ કલાક પહેલાં મિસિંગ રિપોર્ટ નહીં લખાય.’

એ રાત બચુભાઈના જીવનની સૌથી લાંબી રાત હતી.

lll

સવારના ૧૦ વાગ્યા અને બચુભાઈને સબ-ઇન્સ્પેક્ટર સાવંતનો ફોન આવ્યો.

‘બચુભાઈ બમ્બાટ, તમારી ગાડી મળી ગઈ. ચારકોપ ખાડી પાસે લાવારિસ હાલતમાં પડી છે. આવો જલદી...’

પાયલની ઍક્ટ‌િવામાં બચુભાઈ તરત

ચારકોપ પહોંચ્યા.

lll

ચારકોપના નિર્જન રસ્તા પર ખાડીના કિનારે ફીઆટ ઊભી હતી, પણ એનો દેખાવ બદલાઈ ગયો હતો. એક હેડલાઇટ ફૂટેલી હતી અને બૉડી પર કાદવના ડાઘ હતા. બચુભાઈ ગાડીની નજીક પહોંચ્યા અને તેમની નજર પાછળની સીટ પર પડી. ત્યાં કંઈક ચમકતું હતું.

બચુભાઈએ કાચમાંથી જોયું. એ પાર્થનાં ચશ્માં હતાં. ચશ્માંનો એક કાચ તૂટેલો હતો અને એ ચશ્માંની બાજુમાં સીટ પર લોહીના ડાઘ હતા.

બચુભાઈના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.

‘આ... આ... આ પાર્થનાં ચશ્માં છે! લોહી છે અહીં!’

સાવંતે તરત જ ગાડીની આસપાસ પીળી ટેપ લગાવી.

‘દૂર રહો બચુભાઈ, આ ક્રાઇમ સીન છે.’

એટલામાં સાવંતના વાયરલેસ પર એક કડક અવાજ સંભળાયો.

‘સાવંત, ગાડીને કોઈને પણ અડવા નહીં દેતો. ગાડી સીધી ફૉરેન્સિકમાં લઈ જાઓ.’

આદેશ ઇન્સ્પેક્ટર દેશમુખે આપ્યો હતો. દેશમુખના સ્વરમાં સત્તા સ્પષ્ટ વર્તાતી હતી. તાત્કાલ‌િક પોલીસે ક્રેન બોલાવી અને ગાડીને ત્યાંથી હટાવવાની તૈયારી કરી. બચુભાઈને ગાડીની નજીક જવા દેવામાં આવતા નહોતા, પણ બચુભાઈમાં રહેલા ઍક્શન ડિરેક્ટરની નજર તેજ હતી.

ક્રેન જ્યારે ગાડીને ઊંચકતી હતી ત્યારે બચુભાઈએ જોયું કે ગાડીની ડિકીની ધારથી લાલ રંગનું ઘટ્ટ પ્રવાહી ટપકી રહ્યું હતું. એ કાદવ નહોતો, એ લોહી હતું.

‘રોકો! ગાડી રોકો!’

સાવંતને ધક્કો મારી બચુભાઈ ગાડીની પાછળ પહોંચી ગયા.

‘બચુભાઈ, હટો! આ પોલીસનું કામ છે!’

સાવંતે બૂમ પાડી, પણ બચુભાઈ અત્યારે કાબૂમાં નહોતા. તેણે લોખંડના સળિયા જેવો પોતાનો હાથ ડિકીના લૉક પર માર્યો. વર્ષોના સ્ટન્ટના અનુભવે તેમના હાથમાં અદ્ભુત તાકાત આપી હતી. એકઝાટકે લૉક તૂટી ગયું.

ડિકી ખૂલી.

અંદર જે દૃશ્ય હતું એ જોઈને હાજર રહેલા બધા સ્તબ્ધ થઈ ગયા.

ડિકીમાં પાર્થની લાશ હતી. તેનું સફેદ શર્ટ લોહીથી લથબથ હતું. આંખો અડધી ખુલ્લી હતી, જાણે કોઈને કંઈક કહેવા માગતો હોય. પાર્થના હાથમાં એક નાનકડું મેટલનું બટન હતું, જે મરતાં પહેલાં કોઈના શર્ટ પરથી તેણે ખેંચ્યું હોય એવું લાગતું હતું.

સાવંતનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે તરત જ ફોન કર્યો.

‘સર... તેણે ડિકી ખોલી નાખી. લાશ મળી ગઈ છે.’

(ક્રમશ:)

exclusive gujarati mid day columnists Rashmin Shah