બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૫)

01 May, 2026 12:28 PM IST  |  Mumbai | Rashmin Shah

હજી તો પોલીસ-સ્ટેશનના દરવાજે બચુભાઈ પહોંચ્યા હશે ત્યાં જ અંદરથી ઇન્સ્પેક્ટર દેશમુખનો અવાજ આવ્યો. દેશમુખ ચેમ્બરમાં બેઠા હતા અને તેમણે ચેમ્બરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.

ઇલસ્ટ્રેશન

ચીઈઈઈ...

બચુભાઈની ફીઆટ કાંદિવલી પોલીસ-સ્ટેશનની બહાર આવીને ઊભી રહી અને ગાડીમાંથી બચુભાઈ બમ્બાટ બહાર આવ્યા. વહેલી સવારનું ધુમ્મસ વાતાવરણને વધારે ધૂંધળું બનાવતું હતું. બચુભાઈના શરીરમાં હવે થાક છે, પણ તેમના જુસ્સામાં કોઈ ફરક નથી પડ્યો. પગમાં મચકોડ હતી, પણ ચાલની મક્કમતા અકબંધ હતી.

‘આવો બચુભાઈ, આવો...’

હજી તો પોલીસ-સ્ટેશનના દરવાજે બચુભાઈ પહોંચ્યા હશે ત્યાં જ અંદરથી ઇન્સ્પેક્ટર દેશમુખનો અવાજ આવ્યો. દેશમુખ ચેમ્બરમાં બેઠા હતા અને તેમણે ચેમ્બરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.

‘તમારી જ રાહ જોતો હતો...’ દેશમુખે ટેબલ પર પગ ચડાવતાં પૂછ્યું, ‘આરામ કરવો હોય તો પહેલાં કરી લો. આપણે બપોર પછી વાત કરીએ.’

‘અમારી ગુજરાતીમાં કહેવત છે : કાગડાને રમત થાય ને દેડકાનો

જીવ જાય.’

‘આ કહેવતમાં તમે કોણ છો?’

‘એ દેડકો, જે ક્યારેય કાગડાની ગરદન પકડી શકે છે...’

દેશમુખના અટ્ટહાસ્યથી આખું પોલીસ-સ્ટેશન ભરાઈ ગયું.

‘બચુભાઈ, તમને ખબર છે. પાયલ અને જ્યોતિ મારી પાસે છે...’ દેશમુખ ઊભો થયો, ‘તમારે તેમને મળવું નથી? તેમની હાલત નથી જોવી?’

નકારમાં નૉડ કરતાં બચુભાઈએ દેશમુખની સામે જોયું.

‘ના, એ લોકોને મળીશ પણ હવે સીધા ઘરે...’

‘એ તો હવે શક્ય નથી બનવાનું બચુભાઈ...’ દેશમુખના ચહેરા પર દૃઢતા આવી, ‘બન્ને સામે ડ્રગ્સનો કેસ મેં લખાવી દીધો છે. તમારી વાઇફ અને દીકરી પાર્થને ડ્રગ્સ લાવી દેવાનું કામ કરતાં અને પાર્થ કૉલેજમાં એ ડ્રગ્સ વેચતો...’

‘તમે એવું કંઈ નહીં કરો... ક્યારેય નહીં કરો.’

બચુભાઈએ ટેબલ પર જ બેઠક જમાવી અને દેશમુખની આંખો પહોળી થઈ ગઈ.

‘જો તમે તમારી આ સેટ થયેલી લાઇફને અકબંધ રાખવા માગતા હો તો... જો તમે તમારી આ રાજાશાહી છોડવા ન માગતા હો તો... ને જો તમે સંધ્યા જ તમારી વિરુદ્ધ જુબાની ન આપે એવું ઇચ્છતા હો તો...’ બચુભાઈના ચહેરા પર નિરાંત હતી, ‘દેશમુખસાહેબ, તમે ભૂલી ગયા. હું તો મામૂલી માણસ, રિટાયર્ડ. આગળ-પાછળ, ઉપર-નીચે મારું કે મારા ઘરનાઓનું કોઈ નહીં પણ તમે... તમે મીડિયા માટે સ્ટાર છો. જરા વિચારો, મેં કહ્યું એ બધું કાલે પેપરમાં આવે તો મીડિયાને કોનામાં મજા આવે? મારા કેસમાં કે તમારા કેસમાં?’

‘સંધ્યા ક્યાં છે?’

‘પોલીસ-કમિશનરના ઘરે...’ બચુભાઈએ મોબાઇલ કાઢ્યો, ‘માનવામાં ન આવતું હોય તો વિડિયો-કૉલમાં દેખાડું.’

બચુભાઈએ સીધો વિડિયો-કૉલ લગાડી દીધો.

અડધી જ મિનિટમાં સ્ક્રીન પર

ગની દેખાયો.

‘ગની, સંધ્યા દેખાડ...’

ગનીએ કૅમેરા મૂવ કર્યો અને સ્ક્રીન પર સંધ્યા આવી.

‘સંધ્યા કોના વેઇટિંગ રૂમમાં છે એ દેખાડવા માટે તારે એક વાર ઘરની બહાર આવવું પડશે ગની, આવી જા ઘરની બહાર...’

કૅમેરા બહારની તરફ દોડ્યો અને ૧૦ જ સેકન્ડમાં મોબાઇલની સ્ક્રીન પર પોલીસ-કમિશનરના બંગલાની બહાર રહેલી આરસની તકતી દેખાવા લાગી.

બચુભાઈએ વિડિયો-કૉલ કટ કરતાં પહેલાં કહી દીધું, ‘ગની, હું કહું નહીં ત્યાં સુધી સંધ્યા કમિશનર પાસે કંઈ નહીં બોલે...’

‘સંધ્યાએ આપ્યાં છે એ પ્રૂફ...’

‘તને ખબર છે, તારે શું કરવાનું છે...’ બચુભાઈએ દેશમુખ સામે જોયું, ‘જો બે કલાકમાં તને હું ન મળું તો તારે એ બધું આપી દેવાનું છે...’

ફોન કટ કરીને બચુભાઈએ દેશમુખ સામે આંખ માંડી.

‘નક્કી તમારે કરવાનું છે...’

‘શું?’

‘પાયલ અને જ્યોતિ અહીંથી સીધા ઘરે જશે...’ બચુભાઈએ કહ્યું, ‘તે બન્નેની સામે તમે જે ફરિયાદ લખાવી છે એ પાછી લેવાની અને આપણે અહીંથી નીકળવાનું...’

‘દેશમુખ સામે શરત?’

‘ન ગમે તો પણ હા...’ બચુભાઈએ જવાબ આપ્યો, ‘શરત છે અને એ તમારે માનવી પડશે. જો તમે તમારી જાત બચાવવા માગતા હો તો... બાકી મિસ્ટર દેશમુખ, હું તો બધું ગુમાવીને બેઠો છું. કહે છેને નંગા નહાએગા ક્યા, નિચોડેગા ક્યા...’

બચુભાઈની વાત ખોટી તો

નહોતી જ.

બચુભાઈએ કંઈ ગુમાવવાનું નહોતું, ગુમાવવાનું માત્ર દેશમુખના પક્ષમાં આવવાનું હતું. દેશમુખ ઑલરેડી દીકરીનાં મૅરેજ પોલીસ-ડિપાર્ટમેન્ટમાં નક્કી કરીને બેઠો હતો. એવા સમયે પણ બહુ જરૂરી હતું કે આ ચૅપ્ટર જેટલી ઝડપથી પૂરું થાય એટલું સારું.

‘મને બધા પુરાવા જોઈએ છે...’

‘ચાલો માથેરાન...’ બચુભાઈ ટેબલ પરથી ઊતર્યા, ‘પાયલ અને જ્યોતિને રવાના કરો. હું એ લોકોને રિક્ષામાં બેસાડું પછી આપણે સીધા માથેરાન અને બધાં પ્રૂફ તમારા હાથમાં...’

દેશમુખે હાથના ઇશારામાં

આગળ વધવાનું કહ્યું અને થોડી જ સેકન્ડમાં પાયલ અને જ્યોતિ બન્ને રિક્ષામાં બેસીને ઘર તરફ જવા રવાના થઈ ગયાં.

lll

‘ચલાવ ગાડી...’

દેશમુખે પોતાની બંદૂક બચુભાઈની કમરે તાકી, ‘જો ચાલાકી કરી છે તો...’

‘દેશમુખસાહેબ, ક્લાઇમૅક્સમાં ચાલાકી ન હોય, સીધી ઍક્શન જ હોય...’ ફીઆટ શરૂ થઈ, ‘ઍક્શનનું વેપન તમારા હાથમાં છે, મારા નહીં...’

ફીઆટ રવાના થઈ અને થોડી જ વારમાં ફરી માથેરાનના પહાડો પર આવી ગઈ. બચુભાઈ ડ્રાઇવિંગ-સીટ પર હતા અને દેશમુખ બાજુમાં. રસ્તામાં બચુભાઈ જૂના ફિલ્મી કિસ્સાઓ સંભળાવતા રહ્યા.

‘દેશમુખ, ખબર છે? વર્ષો પહેલાં મેં એક સીન શૂટ કર્યો હતો, જેમાં વિલનને ખબર જ નથી હોતી કે તે જે ગાડીમાં બેઠો છે એ જ તેની અંતિમયાત્રા બનવાની છે.’

‘એય લવારી બંધ કર...’ દેશમુખ અકળાયો, ‘ચૂપચાપ ગાડી ચલાવ.’

‘જો હું મૂંગા મોઢે ગાડી ચલાવીશ તો મને ઊંઘ આવી જશે ને મને ઊંઘ આવશે તો...’ બચુભાઈએ સ્માઇલ સાથે કહ્યું, ‘તમારી ઇન્શ્યૉરન્સ પૉલિસી પહેલાં પાકી જશે...’

દેશમુખે મોઢું બગાડીને નજર ગાડીની બહાર કરી લીધી.

ફીઆટે નીતિન દેસાઈનો સ્ટુડિયો ક્રૉસ કર્યો અને ગાડીએ માથેરાન તરફ ટર્ન લીધો.

દેશમુખે કમરે રાખેલી પિસ્તોલને આંગળીથી સ્પર્શી લીધી તો બચુભાઈએ હૅન્ડ-બ્રેકને બરાબર ચેક કરી.

lll

પહાડી પર પહોંચ્યા પછી ફીઆટ બંગલા તરફ લઈ જવાને બદલે સીધી એ જ વળાંક તરફ વાળી જ્યાં માથેરાનનો રસ્તો સૌથી વધુ સાંકડો હતો અને નીચે હજારો ફુટ ઊંડી ખીણ હતી.

‘બંગલો પાછળ રહી ગયો...’

‘ઘણું બધું પાછળ રહી ગયું મિસ્ટર દેશમુખ...’

અચાનક બચુભાઈએ ગાડીની સ્પીડ વધારી. જૂના જમાનાનું એન્જિન અવાજ સાથે ગર્જવા માંડ્યું. દેશમુખ ગભરાયો.

‘બચુ, ગાંડો થઈ ગયો છે?’

દેશમુખે ઑલમોસ્ટ ચીસ પાડી, ‘તું ગાડી પાછી લે...’

‘દેશમુખ, પાર્થને તું પાછો લાવી શકીશ?’ બચુભાઈએ દેશમુખની સામે જોયું, ‘તેણે આમ જ તને કીધું હતુંને? ત્યારે તું માન્યો હતો...’

‘બચુ, બેઉ મરીશું... તું ગાડી ઊભી રાખ...’

‘ગાડી ઊભી રહેશે તો પણ તારો શ્વાસ તો અટકાવીશ એ નક્કી છે.’

‘બચુ... તું મારી વાત સાંભળ...’

ચીઈઈઈ...

બચુભાઈએ હૅન્ડ-બ્રેક ખેંચી અને સ્ટીઅરિંગ એવું ફેરવ્યું કે ફીઆટનો આગળનો ભાગ ખીણની ધાર પર

લટકી ગયો.

ગાડીનાં આગળનાં બે ટાયર હવામાં હતાં. ગાડી સહેજ પણ હલે તો સીધી નીચે પડે એમ હતી. દેશમુખ ફફડી ગયો. તેણે બારણું ખોલવાની કોશિશ કરી, પણ ગાડીનો દરવાજો અંદરથી ખૂલે એમ નહોતો.

‘દેશમુખ, એ અંદરથી બગડી ગયું છે...’ બચુભાઈના ચહેરા પર સ્માઇલ હતું, ‘બધા કહેતા કે હું આ દરવાજાનું લૉક રિપેર કેમ નથી કરાવતો... અને સાચું કહું તો મને પણ ખબર નહોતી કે હું એ રિપેર કેમ નહોતો કરાવતો, પણ આજે... આજે જવાબ મળી ગયો.’

‘બચુભાઈ, પ્લીઝ... મને છોડી દો!’ દેશમુખની આંખોમાં પાણી આવી ગયાં, ‘તમે જે કહેશો, જે કરવાનું હશે એ હું બધું કરીશ; પણ પ્લીઝ બુચભાઈ... તમે, આ... આપણે અહીંથી પાછા જઈએ.’

બચુભાઈએ શાંતિથી પોતાની બાજુનો દરવાજો ખોલ્યો. તેમની આંખોમાં પાર્થનો ચહેરો તરી આવ્યો. એ હસતો ચહેરો જે હવે ક્યારેય પાછો આવવાનો નહોતો.

‘થૅન્ક યુ બચુભાઈ... દરવાજો ખોલો... મને, મને... બીક લાગે છે.’

બચુભાઈ યુ ટર્ન લઈને દેશમુખની સાઇડ પર આવ્યા કે તરત દેશમુખે ફરી કહ્યું...

‘દરવાજો ખોલો બચુભાઈ... જલદી.’ દેશમુખના ચહેરા પર ડર હતો, ‘આખી ગાડી હલે છે... જલદી કરો.’

‘આ ફીઆટ મારી જિંદગીની પહેલી કમાણીની હતી. આ ફીઆટની બીજી એક વાત તમને ખબર છે?’

‘તમે... તમે બધી વાત પછી કરોને. પહેલાં દરવાજો ખોલો...’ ઇન્સ્પેક્ટર દેશમુખના કપાળ પર પ્રસ્વેદબિંદુ ચમકવા માંડ્યાં હતાં, ‘આપણે... આપણે પછી શાંતિથી બેસીએ, તમે કહેશો એટલી વાર... પ્લીઝ, દરવાજો ખોલો.’

‘આ ગાડીની ખાસિયત એ કે આમાં, મારી આ ફીઆટમાં જ્યોતિએ પાર્થને જન્મ આપ્યો હતો... અને એટલે મેં એ આજ સુધી વેચી નહીં.’ બચુભાઈની આંખો પહેલી વાર ભીની થઈ, ‘હવે પાર્થ નથી તો પછી આ ગાડી પણ ભલે તેની પાસે જતી...’

‘બચુભાઈ... આપણે વાત કરીએ...’

બચુભાઈએ નકારમાં મસ્તક ધુણાવ્યું અને પાંપણ પર આવી ગયેલું આંસુનું ટીપુ આંગળીના ટેરવા પર લઈને તેમણે એ આંસુ દેશમુખ બેઠો હતો એ સાઇડની બારી તરફ ફેંક્યું. બારીનો કાચ બંધ હતો એટલે એ ટીપું કાચ પર જઈને ચોંટી ગયું.

બચુભાઈએ દેશમુખ તરફ તુચ્છકારથી નજર કરી, ગાડીના પાછળના ભાગ તરફ પગ ઉપાડ્યા કે તરત દેશમુખે રાડ પાડી.

‘બચુભાઈ... પ્લીઝ, મારી વાત સાંભળો...’

ખીણની કૉર્નર પર ઑલરેડી ફીઆટ કારનાં આગળનાં બન્ને વ્હીલ આવી ગયાં હતાં. બચુભાઈ ગાડીની પાછળની ડિકી પાસે આવ્યા. ડિકી પર તેમણે બન્ને હાથ મૂક્યા અને ઊંડો શ્વાસ લીધો.

‘અલવિદા દેશમુખ...’

ગાડી પહેલાં સહેજ હલી અને પછી આગળની તરફ ધકેલાઈ.

બંધ ગાડીમાંથી દેશમુખની ચીસ સંભળાતી હતી.

દેશમુખ ઉતાવળે ડ્રાઇવિંગ-સીટ બાજુએ આવવા માટે પોતાની જગ્યાએથી ઊભા થયા અને એ જ વખતે બચુભાઈએ પોતાના શરીરની તમામ તાકાત લગાડીને ફીઆટને આગળની બાજુએ ધક્કો માર્યો.

સફેદ ફીઆટ પોતાની સાથે એક ભયાનક ચીસ લઈને ખીણમાં ખાબકી.

થોડી સેકન્ડ પછી ખીણમાંથી જોરદાર ધડાકો સંભળાયો.

બચુભાઈની વહાલી ફીઆટ અને પાર્થનો હત્યારો બન્નેને ખીણ ઓહિયાં કરી ગઈ હતી. બચુભાઈ ત્યાં રહેલા પથ્થર પર બેસી ગયા. અચાનક જ તેમના શરીરની તમામ તાકાત ઓસરી ગઈ હતી. હવે તેમને ઘરે જવું હતું, રડવું હતું.

‘તમે અમને નાના હતા ત્યારથી જ બચુભાઈ કહેવાનું કેમ શીખવાડ્યું?’

પાર્થે એક વાર બચુભાઈને સવાલ પૂછ્યો હતો અને બચુભાઈએ જવાબ આપ્યો હતો.

‘તું બાપ બનીશ ત્યારે તને કહીશ...’

‘પ્રૉમિસ?’

‘બચુભાઈ પ્રૉમિસ...’

બચુભાઈએ હવે આ પ્રૉમિસ પાળવાનું નહોતું.

એક આખો ભૂતકાળ હવે બચુભાઈની અંદર જ ધરબાયેલો રહેવાનો હતો.

 

(સંપૂર્ણ)

columnists exclusive gujarati mid day Rashmin Shah