`બચુભાઈ બમ્બાટ Again` ઍક્શન એક્સ્ટ્રા-ઑર્ડિનરી (પ્રકરણ ૩)

05 August, 2026 09:18 PM IST  |  Mumbai | Rashmin Shah

પિસ્તોલ ફેંકાઈ અને ગુંડો હાથ પકડીને જમીન પર બેસી ગયો.

ઇલસ્ટ્રેશન

એસ. વી. રોડ અને લિન્ક રોડને જોડતા બોરીવલી-ઈસ્ટના ઇન્ડસ્ટ્રિયલ ઝોનને વરસાદે પોતાની અડફેટે લઈ લીધો હતો. પાંચ ફુટ આગળનું દૃશ્ય પણ ન દેખાય એવી ધીંગી ધારે વરસાદ વરસતો હતો અને પવન પણ સુસવાટા મારતો હતો.

પાયલ કિડનૅપ થઈ હોવાની જાણ થયા પછી બચુભાઈ તરત જ ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળતાં પહેલાં તેમણે ગૌરવ વિહાર સોસાયટીના ફ્લૅટ-નંબર ૬૦૨માં રહેલી પૈસાની બન્ને બૅગ સાથે લઈ લીધી હતી. મોકલેલા લોકેશન પર પહોંચે એ પહેલાં બચુભાઈનું દિમાગ બરાબર કામે લાગેલું હતું.

‘એક વાત નક્કી કે ગુંડાઓએ પોલીસને જાણ કરવા વિશે કોઈ ચોખવટ કરી નથી જેની પાછળ બે કારણ હોઈ શકે છે. એક, કાં તો તેમને એવું લાગતું હશે કે પોલીસને જાણ કરવાથી હું પોતે જ ફસાઈ જઈશ એટલે હું એ કરીશ નહીં...’ ગાડીમાં એકલા-એકલા બબડતા બચુભાઈએ બીજું કારણ વિચાર્યુ, ‘કાં તો આ ગુંડાઓ પોતે જ પોલીસમાં મોટું કનેક્શન ધરાવે છે. આ બીજા કારણમાં વધારે વજૂદ છે. આજના સમયમાં જો બૅન્ક-લૂંટ જેવું કાંડ કોઈ કરી શકે તો એનો અર્થ એ જ થયો કે તેને બૅન્કિંગ કોઈ એવા માણસ પાસેથી મળ્યું હોય જે પાવરધો છે...’

બચુભાઈના હાથ સ્ટીઅરિંગ પર જડાયેલા હતા. ૩૦ વર્ષ સુધી બૉલીવુડમાં ફાઇટ-માસ્ટર તરીકે અનેક ઍક્ટરોને ઍક્શન શીખવનારા બચુભાઈની લાઇફમાં અચાનક જ ગ્રહ બદલાયા હોય એમ છેલ્લા થોડા સમયથી રિયલ-લાઇફ ઍક્શન વધવા માંડી હતી. આજે પણ તેમને ખાતરી હતી કે વાત માત્ર પૈસા આપવાથી પૂરી નથી થવાની અને એટલે જ તેમનું મગજ અત્યારે એક શાર્પ ઍક્શન-માસ્ટરની જેમ કામ કરતું હતું.

‘પાયલ હોશિયાર છે...’ બચુભાઈએ મનોમન જાતને આશ્વાસન આપ્યું, ‘તેણે કરાટે અને સેલ્ફ-ડિફેન્સની સ્ટ્રૉન્ગ ટ્રેઇનિંગ તાલીમ લીધી છે. બે-ચાર ગુંડાઓથી ગભરાઈને તે હારી જાય એવી છોકરી નથી. તે પણ અત્યારે પોતાની રીતે લડવાનો પ્લાન બનાવતી હશે ને કાં તો તે બહાર આવી ગઈ હશે.’

બચુભાઈની ગાડી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની ગલીમાં દાખલ થઈ. લેફ્ટ અને રાઇટ બન્ને દિશામાં ગોડાઉનો હતાં જેમને અત્યારનો વરસાદમય અંધકાર ઑલમોસ્ટ ભરખી ગયો હતો. બચુભાઈએ એક જગ્યાએ ગાડી પાર્ક કરી અને લોકેશન માટે પેલો અજાણ્યા નંબરવાળો મેસેજ જોયો.

‘ગોડાઉન-નંબર ૧૨,
ગલી-નંબર ૪.’

બચુભાઈએ હેડલાઇટની મદદથી પહેલાં ગલી શોધી અને પછી ગોડાઉન શોધ્યું. ગોડાઉનથી પચાસ મીટર દૂર ગાડી પાર્ક કરીને પૈસા ભરેલી બૅગ હાથમાં લીધી અને ધીમી પણ મક્કમ ગતિ સાથે ગોડાઉન તરફ પગ ઉપાડ્યા.

બહુ હોશિયાર હોય તે સાવ સામાન્ય વાતમાં થાપ ખાઈ જતા હોય છે.

બચુભાઈ સાથે પણ એવું જ થયું હતું.

અજાણતાં ધ્યાન બહાર રહી ગયેલી એક વાત આવનારા સમયમાં બચુભાઈને વધારે આક્રમક રીતે ફસાવવાનું કામ કરવાની હતી.

ગોડાઉનમાં કાળમીંઢ અંધકાર હતો. એક કૉર્નરમાં લટકતો જૂના જમાનાનો દેશી બલ્બ કેસરી રંગનો પ્રકાશ પાથરતો હતો. બલ્બની બરાબર નીચે જૂની લાકડાની ખુરસી પર પાયલને બેસાડવામાં આવી હતી. પાયલના બન્ને હાથ જાડી રસ્સીથી બાંધેલા હતા. પાયલના મોં પર સેલોટેપ ચોંટાડેલી હતી.

પાયલથી થોડે દૂર ૩ ગુંડા બેઠા હતા. થોડી-થોડી વારે એકેક ગુંડો પાયલની આસપાસ ફેરા મારી જતો.

‘તારા બાપને ફોન કરી દીધો છે...’ પાયલ પાસે આવેલા ગુંડાએ પાયલની સામે જોયું, ‘આવે એટલી વાર... પછી તારો ને તારા બાપનો છુટકારો... કાયમ માટે.’

પાયલે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર ડરની કોઈ ઝાંય નહોતી. તેના મનમાં બચુભાઈના શબ્દો ગુંજતા હતા.

બચુભાઈએ પાયલના બન્ને હાથ પાછળની તરફ ફિટ પકડી રાખ્યા હતા. પાયલ છૂટવા માટે પ્રયાસ કરતી હતી અને બચુભાઈના શબ્દો તેના કાનમાં દાખલ થતા હતા.

‘જ્યારે તમારા હાથ બાંધેલા હોય ત્યારે તમારી શક્તિ તમારા પગ અને સાથળમાં હોય. એને ઓળખવા માટે પહેલાં શાંત થવાનું પણ ડરીને ભાન નહીં ભૂલવાનું.’ બચુભાઈ ધીમેકથી બોલ્યા, ‘એકદમ શાંત... બિલકુલ શાંત...’

પાયલ એકદમ શાંત થઈ ગઈ.
તેણે છૂટવાના પ્રયાસો પણ બંધ કરી દીધા અને બચુભાઈએ કાનમાં નવા શબ્દો ઉમેર્યા.

‘હવે આજુબાજુમાં જો... તને ક્યાંક છૂટવાનો રસ્તો દેખાશે. બચાવનો રસ્તો પણ દેખાશે... બસ, હવે તારે એના પર જ ફોકસ કરવાનું છે.’

પાયલે એ જ કામ અત્યારે કર્યું. તેણે ધીમેથી પોતાની ખુરસીને પાછળની તરફ સરકાવવાનું શરૂ કર્યું. પાયલની ખુરસીથી દોઢ ફુટના અંતર પર લોખંડનો એક ટુકડો પડ્યો હતો. પાયલે પગ લંબાવીને એ ટુકડા સુધી લીધો અને પછી તેણે પોતાના પગના તળિયામાં એ ટુકડો દબાવીને પોતાના તરફ ખેંચવાનો શરૂ કર્યો. પાયલને પહેલી વાર ખુશી એ વાતની થઈ કે તેનાં ચંપલ રસ્તા પર નીકળી ગયાં હતાં. બાકી તે આ કામ કરી શકી ન હોત.

લોખંડનો ધારદાર ટુકડો નજીક આવી ગયા પછી પાયલે ધીમેકથી એ ટુકડો પગથી ઉપરની સાઇડ લેવાનું શરૂ કર્યું.

ઠક... ઠક... ઠક...

ગોડાઉનના દરવાજા પર હાથ ઠોકવાનો અવાજ આવ્યો અને ગુંડાઓના ચહેરા પર ચમક આવી ગઈ.

‘પૈસા આવી ગયા.’

લીડર ગુંડાએ દરવાજા તરફ પિસ્તોલ તાકી અને બીજા ગુંડાને દરવાજો ખોલવા જવા માટે ઇશારો કર્યો.

ગુંડાએ જેવો દરવાજો ખોલ્યો એટલે બીજી જ સેકન્ડે તેના મોઢા પર જોરદાર ઘા આવ્યો.

બચુભાઈએ હાથમાં રહેલી પૈસા ભરેલી બૅગ ગુંડાના ચહેરા પર ઘા કરી હતી. બૅગમાં તો પૈસા હતા, પણ ફેંકવામાં એ લેવલ પર આવી હતી કે ગુંડાનું નાક તૂટી ગયું અને તે જમીન પર ફેંકાયો.

બીજી જ સેકન્ડે બચુભાઈ દરવાજો તોડીને અંદર દાખલ થયા.

‘બૅગ પકડ...’

લીડર જેવા લાગતા ગુંડાએ બીજા ગુંડાને બૂમ પાડી અને બચુભાઈ તરફ પિસ્તોલ તાકી, પણ બચુભાઈએ તરત પોતાના અનુભવનો ઉપયોગ કર્યો અને જમીન પર પડેલો લોખંડનો મોટો પાઇપ ઉપાડી લીધો. ગુંડો પિસ્તોલની ટ્રિગરને દબાવવા જાય એ પહેલાં જ એ પાઇપ હવામાં વીંઝાયો અને સીધો ગુંડાના કાંડા પર ગયો.

પિસ્તોલ ફેંકાઈ અને ગુંડો હાથ પકડીને જમીન પર બેસી ગયો.

‘પાયલ!’

બચુભાઈએ બૂમ પાડી અને એ જ વખતે પાયલના હાથ પણ છૂટા થયા.

ખુરસી પરથી ઊભા થઈને પાયલે પોતાના હાથથી ચૅરનો સપોર્ટ લીધો અને બન્ને પગ હવામાં ઉછાળીને ત્રીજા ગુંડાની છાતી પર એવી ફ્લાઇંગ કિક ઠોકી કે ગુંડો ૧૦ ફુટ પાછળની સાઇડ પર ફેંકાયો.

બે મિનિટ, માત્ર બે મિનિટમાં બાપ-દીકરીએ સેલ્ફ-ડિફેન્સની અદ્ભુત ટેક્નિકથી ત્રણેય કિડનૅપર્સને જમીનદોસ્ત કરી દીધા હતા.

‘બચુભાઈ, તમે બરાબર છોને?’

પાયલ દોડતી બચુભાઈ પાસે આવી.

‘હું બેટા...’ બચુભાઈએ જમીન પર પડેલી બૅગ હાથમાં લીધી, ‘હવે આપણે અહીંથી જલદી નીકળવું પડશે.’

પાયલે દરવાજા પાસે જઈને બહાર નજર દોડાવી. બહાર વરસાદ વધી ગયો હતો.

‘આવો જલદી...’

સૌથી પહેલાં પાયલે ગોડાઉનની બહાર પગ મૂક્યો અને બીજી જ સેકન્ડે તે ઝાટકા સાથે ફરી અંદર આવી ગઈ.

બચુભાઈ કંઈ પૂછે કે પાયલ કંઈ કહે એ પહેલાં વરસતા વરસાદની એ રાતને સાયરનનો ભયાનક અવાજ ઘેરી વળ્યો.

એક નહીં, ચાર-ચાર પોલીસ-વૅન અને કમાન્ડો જીપ આવીને ગોડાઉનની બહાર ગોઠવાઈ ગઈ અને ગાડીઓની હેડલાઇટનો પીળો પ્રકાશ ગોડાઉનના દરવાજા પર પછડાયો. થોડી જ સેકન્ડમાં બચુભાઈના કાનમાં અવાજ આવ્યો...

‘બચુભાઈ, તમે ક્યાંય જઈ નહીં શકો...’ મેગાફોન પરથી કડક અવાજમાં સૂચના આવી, ‘તમારા હાથમાં જે પૈસા છે એ ત્યાં જ મૂકીને બહાર નીકળી જાઓ... બીજી વખત વૉર્નિંગ આપવામાં નહીં આવે.’

બચુભાઈ અને પાયલ સ્તબ્ધ થઈ ગયાં.

પોલીસને આ ખબર કોણે આપ્યા?

કિડનૅપર્સ તો પોલીસને ખબર ન આપે? તો પછી પોલીસ અહીં પહોંચી કેવી રીતે?

‘બચુભાઈ, આ લોકોને ખબર કેવી રીતે પડી?’

‘મને કેવી રીતે...’

બચુભાઈને અચાનક સ્ટ્રાઇક થયું અને તેણે જવાબ આપવાને બદલે પૈસાની બૅગ ખોલવાનું શરૂ કર્યું. બૅગના તળિયેથી નાના બટન જેવડું ટ્રૅકર નીકળ્યું.

‘આ લોકો બસ્સો અને અઢીસોમાં ટ્રૅકર વેચીને મારા-તારા જેવાને હેરાન કરી મૂકે છે...’

બચુભાઈએ બળાપો તો કાઢ્યો, પણ પાયલના ચહેરા પર સ્માઇલ જોઈને તે સમજી ગયા કે દીકરીને તેનો બચાવ ગળે નથી ઊતર્યો.

‘સૉરી... હું ભૂલી ગયો.’

‘વાંધો નહીં... પણ હવે જલદી કરો. અહીંથી નીકળવું પડશેને?’ પાયલ બચુભાઈની નજીક આવી, ‘હું તો કહું છું પૈસા એ લોકોને આપી દઈએ...’

‘મને પૈસા આપવામાં વાંધો નથી પાયલ, પ્રૉબ્લેમ એ છે કે એ લોકો આપણને આરોપી માનશે.’ બચુભાઈએ સ્વસ્થતા સાથે કહ્યું, ‘આરોપી આપણે હોઈએ અને એ લોકો આપણને પકડી લે તો પણ મને વાંધો નથી; પણ પાયલ, આરોપી બહાર ફરતા હશે અને હું ને તું જેલમાં...’

‘હવે કરવું છે શું સે ફાસ્ટ...’

બચુભાઈએ ગોડાઉનની પાછળની બારી તરફ જોયું, જે પાછળ સાંકડી ગલીમાં ખૂલતી હતી અને એ ગલી બોરીવલી-ઈસ્ટના નાળા તરફ જતી હતી.

‘પાયલ, પાછળના રસ્તેથી નીકળીએ...’

બચુભાઈ અને પાયલ ગોડાઉનની પાછલી બારી તોડીને અંધારામાં કૂદી પડ્યાં. જોકે પોલીસ ત્યાં પણ તહેનાત હતી. બચુભાઈની પીઠ પર અવાજ અથડાયો...

‘તે લોકો પાછળથી ભાગે છે... ફાયર...’

ધડામ! ધાંય! ધડામ!

પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. બચુભાઈ અને પાયલ પૈસા ભરેલી બૅગ સાથે બોરીવલીની સાંકડી ગલીઓમાં, કચરાના ઢગલાઓ વચ્ચે અને વરસાદના પાણી સાથે ભાગ્યાં. તેમને ફાયદો એક થયો. સાંકડી ગલી હોવાને કારણે પોલીસ ગાડી સાથે તે બન્નેનો પીછો કરી શકી નહીં અને બચુભાઈ-પાયલ બન્ને ભાગતાં એ જ જગ્યાએ પહોંચ્યા જ્યાંથી આ આખી રામાયણની શરૂઆત થઈ હતી.

બૅન્ક ઑફ મહારાષ્ટ્રની બોરીવલી-ઈસ્ટ બ્રાન્ચ.

ભાગતા બચુભાઈના પગ અટકી ગયા એટલે પાયલ પણ અટકી ગઈ.

‘બચુભાઈ, જલદી...’

‘ના પાયલ... આપણે હવે ભાગવાનું નથી.’ બચુભાઈએ બૅન્કના દરવાજા તરફ ઇશારો કર્યો, ‘આપણે આ જ બૅન્કમાં જઈએ.’

‘વૉટ, બૅન્કમાં?’

‘હા...’ બચુભાઈએ કહ્યું. ‘જો આપણે ભાગીશું તો કાં તો પોલીસ પકડી પાડશે ને કાં તો એ એન્કાઉન્ટર કરશે અને પછી આ પૈસા કાયમ માટે ગાયબ... પણ જો આપણે આ જ બૅન્કમાં અંદરથી હૉસ્ટેજ ડ્રામા ઊભો કરીએ તો મીડિયા, સરકાર અને મુંબઈના લોકો આપણી વાત સાંભળવા મજબૂર થશે...’

સિક્યૉરિટી ગાર્ડને શાંત કરીને બચુભાઈ બૅન્કમાં દાખલ થયા અને દરવાજો અંદરથી લૉક કરી દીધો.

બે મિનિટમાં પોલીસફોર્સ બૅન્કની બહાર હતી અને મુંબઈનું મીડિયા પણ.

BREAKING NEWS : બોરીવલી લૂંટકેસમાં નવો વળાંક. જેના પર શંકા હતી તે ભૂતપૂર્વ ઍક્શન ડિરેક્ટર બચુભાઈ બમ્બાટ પૈસાની બૅગ સાથે બૅન્કમાં ઘૂસ્યા. બૅન્ક કરી અંદરથી લૉક...

(ક્રમશ:)

Rashmin Shah columnists gujarati mid day lifestyle news life and style