બચુભાઈ બમ્બાટ Again : ઍક્શન એક્સ્ટ્રા-ઑર્ડિનરી (પ્રકરણ ૪)

06 August, 2026 05:40 PM IST  |  Mumbai | Rashmin Shah

લાઇવ ટીવી કવરેજ વચ્ચે બચુભાઈ લૂંટના અસલી માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કરવા નીકળે છે, પરંતુ અંધકારમાં શરૂ થયેલો ગોળીબાર આખી રમત પલટી નાખે છે.

ઇલસ્ટ્રેશન

રાતના સાડાઅગિયાર વાગ્યા હતા અને બોરીવલી-ઈસ્ટમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્રની બ્રાન્ચની બહાર યુદ્ધ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. આકાશ પણ જાણે આ પરિસ્થિતિ જોવા માટે આતુર હોય એમ સાંબેલાધાર વરસાદ સાથે પોતાની હાજરી પુરાવતું હતું તો અનરાધાર વરસાદ વચ્ચે પણ કાર્ટર રોડ પર હજારો લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.
બૅન્કના આખા બિલ્ડિંગને મહારાષ્ટ્ર પોલીસની ૮ ગાડીઓએ ઘેરી લીધું હતું તો સાથોસાથ ક્વિક રિસ્પૉન્સ સેલની ટીમ અને એનાં વાહનો અને કમાન્ડો પણ બૅન્કની દરેક દિશામાં પથરાઈ ગયાં હતાં. કમાન્ડો શૂટ-ઍટ-સાઇટના મૂડ સાથે બૅન્ક તરફ ગન તાકીને ઊભા હતા તો ન્યુઝ-ચેનલો પર લાઇવ ન્યુઝ કવર કરવા માટે રિપોર્ટરો પણ પહોંચી ગયા હતા. તેમણે કવરેજ પણ શરૂ કરી દીધું હતું જે ન્યુઝ-ચૅનલ પર બ્રેકિંગ ફૉર્મમાં સ્ક્રીન ચમકાવતું હતું.
‘અભી ઇસ પલ કી સબસે બડી ખબર... બોરીવલી લૂંટકેસમાં ૧૭ કરોડની રકમ સાથે ગુમ થયેલા ભૂતપૂર્વ ઍક્શન ડિરેક્ટર બચુભાઈ બમ્બાટ અને તેની દીકરી પાયલ અત્યારે બૅન્ક ઑફ મહારાષ્ટ્રની અંદર છે. પોલીસે આખું બિલ્ડિંગ કવર કરી લીધું છે. શું આ બચુભાઈની નવી રમત છે?’ 
બૅન્કમાં અંધારું હતું. માત્ર ઇમર્જન્સી લાઇટનો આછો પ્રકાશ ફેલાયેલો હતો.
કાઉન્ટર પાસે રૂપિયાની બન્ને બૅગ પડી હતી. વિન્ડોની આછીસરખી તિરાડમાંથી પાયલ બહારનું વાતાવરણ જોતી હતી. બચુભાઈ બમ્બાટ બૅન્કના કન્ટ્રોલ-રૂમમાં બેઠા હતા. તેમની સામે બૅન્કના CCTV કૅમેરાની સ્ક્રીન ચાલુ હતી જેમાં બહાર ઊભેલી પોલીસફોર્સ, ઇન્સ્પેક્ટર રાણે અને મીડિયાની હિલચાલ દેખાતી હતી.
‘બચુભાઈ, બહાર કમાન્ડોએ પોઝિશન લઈ લીધી છે.’ પાયલ ઉતાવળા પગલે બચુભાઈ પાસે આવી. ‘ઇન્સ્પેક્ટર રાણે ગમે ત્યારે દરવાજો તોડવાનો ઑર્ડર આપી દેશે.’ 
‘તે એવું નહીં કરે પાયલ...’ આંખ પર ચશ્માં ગોઠવતાં બચુભાઈએ કહ્યું, ‘બહાર મીડિયાનું લાઇવ ટેલિકાસ્ટ ચાલુ છે. જો પોલીસ ઉતાવળિયું પગલું ભરશે તો પબ્લિક તેની પાસે જવાબ માગશે...’ 
‘હવે આપણે કરવાનું છે શું?’
‘નવી ચાલ રમવાની છે...’ બચુભાઈની આંખોમાં આછી ચમક હતી, ‘એવી ચાલ જેને લીધે આ લૂંટનો માસ્ટરમાઇન્ડ બહાર આવે... જેણે લૂંટ કરાવી, જેણે તારું કિડનૅપિંગ કરાવ્યું તે અત્યારે આ આખો તમાશો જુએ છે. બસ, તેને બહાર લાવવાનો છે.’ 
એ જ વખતે બહાર ઇન્સ્પેક્ટર રાણેએ મેગાફોન ઉપાડ્યો અને વરસાદના ગડગડાટ વચ્ચે રાણેનો અવાજ ગુંજી ઊઠ્યો...
‘બચુભાઈ, તમારી પાસે ભાગવાનો હવે કોઈ રસ્તો નથી. બૅન્કનો દરવાજો ખોલીને પૈસા સાથે બહાર આવી જાઓ. હું તમને ખાતરી આપું છું કે ઓછામાં ઓછી સજા માટે પોલીસ કોર્ટને વિનંતી કરશે.’
બચુભાઈ શાંત રહ્યા અને રાણેએ મેગાફોન ફરી મોઢે માંડ્યો.
‘બચુભાઈ, હું ૩ ગણીશ...’
બચુભાઈએ બૅન્કના મૅનેજરની કૅબિનમાં રહેલો લૅન્ડલાઇન ફોન ઉપાડ્યો અને સીધો બોરીવલી કન્ટ્રોલ-રૂમ મારફત ઇન્સ્પેક્ટર રાણેના સરકારી વૉકી-ટૉકી પર કૉલ જોડ્યો.
ઇન્સ્પેક્ટર રાણેના હાથમાં રહેલા વૉકી-ટૉકી પર સ્પીકર ઑન થયું. 
‘ઇન્સ્પેક્ટર રાણે, બચુભાઈ બમ્બાટ બોલું છું.’
‘બચુભાઈ, આ મૂર્ખામી બંધ કરો.’ રાણેએ કહ્યું, ‘તમે ઍક્શન-ડિરેક્ટર હશો, પણ આ સ્ટન્ટ તમને ભારે પડશે... પૈસા લઈને બહાર આવો અને સરેન્ડર કરો...’
‘રાણેસાહેબ...’ બચુભાઈનો અવાજ બિલકુલ શાંત હતો પણ એમાં મક્કમતા અકબંધ હતી, ‘હું ચોર નથી અને આ જે મારી પાસે પૈસા છે એ પણ મારા નથી. આ પૈસા બૅન્કના છે અને હું આ પૈસા બૅન્કને જ પાછા આપવાનો છું... પણ મારી એક શરત છે.’
‘શરત? તમે પોલીસને શરત આપવાની સ્થિતિમાં નથી.’ 
‘મારી સ્થિતિ વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને બીજી વાત. વાત સાંભળ્યા વિના તમે નિર્ણય પણ લઈ શકો નહીં. મારી શરત સાંભળી લો...’ બચુભાઈએ કહ્યું, ‘મને મીડિયાના તમામ કૅમેરા સામે આ બૅન્કનું લાઇવ બ્રૉડકાસ્ટ જોઈએ છે. જો આવતી ૨૦ મિનિટમાં મને દેશની ટોચની ૩ ન્યુઝ-ચૅનલોના કૅમેરા બૅન્કમાં લાઇવ કવરેજ માટે નહીં મળે તો હું આ બૅન્કને આગ લગાડી દઈશ અને સાથે મારી પાસે છે એ અને બૅન્કના કરોડો રૂપિયાને પણ...’
ઇન્સ્પેક્ટર રાણે સ્તબ્ધ થઈ ગયા. 
‘બચુભાઈ, એમાં તમે અને તમારી દીકરી મરી જશો...’
બચુભાઈએ પાયલ સામે જોયું અને પાયલે બચુભાઈના કાન પાસે મોઢું લીધું.
‘બચુભાઈ, મારે હજી જીવવું છે...’
બચુભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘તમે અમારી ચિંતા ન કરો... એ નાના હજારો લોકોની ચિંતા કરો જેમના પૈસા બૅન્કમાં છે. એ લોકોને તમારી સરકાર શું જવાબ આપશે...’
હવે બહાર ઊભેલા ન્યુઝ-રિપોર્ટરોને મસાલો મળી ગયો હતો. તેમણે આ ન્યુઝ બ્રેક કરવાનું શરૂ કરી દીધું.
‘તમારી પાસે ૧૦ મિનિટ છે...’ બચુભાઈએ અમિતાભ બચ્ચનના અંદાજમાં કહ્યું, ‘યૉર ટાઇમ સ્ટાર્ટ્‌સ નાઓ...’
lll
‘રાણે, મને કોઈ મૂર્ખામી નથી જોઈતી. બૅન્કને કંઈ થવું ન જોઈએ...’ બોરીવલી આવવા માટે રવાના થઈ ગયેલા પોલીસ-કમિશનરે ઇન્સ્પેક્ટર રાણેને કહ્યું, ‘તે જે માગે છે એ આપી દો...’ 
‘પણ સર...’
‘ઇટ્સ ઍન ઑર્ડર...’ કમિશનર ઇરિટેટ થતા હતા, ‘તમને કહું એટલું કરો. બચુભાઈની માગણી મુજબ ૩ ન્યુઝ-રિપોર્ટરોને કૅમેરા સાથે અંદર જવા દો, પણ સાથે... એક અન્ડરકવર કમાન્ડો પણ પત્રકાર કે કૅમેરામૅન બનીને અંદર જશે. અંદર જઈને શું કરવાનું એ પણ હું તમને કહી દઉં...’
રાતે સવાબાર વાગ્યે બૅન્કનો કાચનો દરવાજો સહેજ ખૂલ્યો. દેશની ૩ મેઇન ચૅનલોના કૅમેરામેન અને રિપોર્ટરો બૅન્કમાં દાખલ થયા. એ ૬ લોકોમાંથી એક વ્યક્તિ મહારાષ્ટ્ર પોલીસનો સ્પેશ્યલ કમાન્ડો વિક્રમ હતો જેને કમિશનરના આદેશ સાથે અંદર મોકલવામાં આવ્યો હતો.
lll
બૅન્કમાં લાઇવ કૅમેરાની લાઇટો ચાલુ થઈ અને દેશ આખું ટીવી-સ્ક્રીન સામે ચોંટી ગયું. બચુભાઈ કાઉન્ટર પાસે ઊભા હતા. તેમની જમણી બાજુમાં કરોડોની રકમ ભરેલી બન્ને બૅગ ખુલ્લી હતી તો ડાબી બાજુએ પાયલ હતી. 
‘બચુભાઈ, તમે આ હૉસ્ટેજ ડ્રામા કેમ રચ્યો?’ 
સવાલ પૂછનારા રિપોર્ટરની સામે બચુભાઈએ જોયું.
‘હું કોઈ લૂંટારો કે ગુંડો નથી. સોમવારે બૅન્કમાંથી ૧૭ કરોડની લૂંટ થઈ. ઍક્સિડન્ટલી ગુંડાઓ ઍક્સિડન્ટમાં મરી ગયા, પણ આ પૈસા ઍક્સિડન્ટ પહેલાં જ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. લોકો અને પોલીસ મારા પર શંકા કરતાં હતાં, પણ રિયલિટી એ છે કે આ લૂંટ કોઈ બહારના ગુંડાઓએ નથી કરી...’ કૅમેરા બચુભાઈ પર ઝૂમ થયા, ‘આ લૂંટનો પ્લાન કોઈ એવા હરામખોરે કર્યો હતો જે કાં તો બૅન્ક સાથે જોડાયેલો છે અને કાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો છે...’
આ સાંભળતાં હાજર રહેલા તમામ સ્તબ્ધ થઈ ગયા.
‘તે કોણ હોઈ શકે?’
બચુભાઈ વાત આગળ વધારે એ પહેલાં જ કૅમેરામૅન બનીને અંદર આવેલા અન્ડરકવર કમાન્ડો વિક્રમે તકનો લાભ લઈ લીધો. વિક્રમે જોયું કે બચુભાઈ કૅમેરા સામે બોલવામાં મશગૂલ છે એટલે તે તરત જ આગળ આવ્યો અને ચાલાકીથી પોતાના જૅકેટમાંથી પિસ્તોલ કાઢીને બચુભાઈની પીઠ પર તાકી દીધી.
‘એક શબ્દ પણ આગળ બોલ્યો તો ગોળી મારી દઈશ...’ વિક્રમે ચેતવણી આપી, ‘હાથ ઉપર... મને ખબર છે તમારી પાસે કોઈ વેપન નથી... હાથ ઉપર, ફાસ્ટ...’
વિક્રમની હરકત સાથે જ રિપોર્ટરો ડરીને પાછળ હટી ગયા. બહાર ઊભેલા રાણેએ ઇશારો સમજી લીધો અને કમાન્ડોને તૈયાર થવાનો ઑર્ડર કરી દીધો, પણ કમાન્ડો કંઈ કરે એ પહેલાં પાયલ વીજળીની ઝડપે ઍક્શનમાં આવી.
પાયલે જમીન પરથી ત્યાં પાસે પડેલી સ્ટીલની ડસ્ટબિન ઉપાડીને કમાન્ડોના હાથ પર મારી. પિસ્તોલ છૂટીને જમીન પર પડી. કમાન્ડો અલર્ટ થાય એ પહેલાં માઇક્રો-સેકન્ડમાં પાયલે પોતાની તાલીમનો અદ્ભુત નમૂનો બતાવ્યો. તેણે કમાન્ડોના હાથને એક પગથી બ્લૉક કર્યો અને પછી તેની કોણી પર એવો પ્રહાર કર્યો કે કમાન્ડોનો હાથ બૅન્ડ થઈ ગયો. હવે બચુભાઈ પણ હરકતમાં આવી ગયા. તેણે પાછળથી કમાન્ડોને ગળામાંથી પકડીને જમીન પર પછાડ્યો.
કૅમેરા ચાલુ હતા અને લાઇવ વિઝ્યુઅલ્સ લાખો લોકો સુધી પહોંચી ગયાં હતાં.
બાપ-દીકરીની જોડીએ પોલીસના સ્પેશ્યલ અન્ડરકવર કમાન્ડોને ૨૦ સેકન્ડમાં ન્યુટ્રલાઇઝ કરી દીધો, જેણે ભલભલાની આંખો ફાડી નાખી હતી.
lll
આ ઘટનાથી બૅન્કની બહારનું વાતાવરણ ગંભીર બની ગયું. રાણે સમજી ગયા કે બચુભાઈ કોઈ સામાન્ય માણસ નથી. જે ૩ દશકથી ફિલ્મોમાં ઍક્શનની ડિઝાઇનિંગ કરતા આવ્યા હતા તે બચુભાઈને દરેક મૂવમેન્ટની ખબર હતી અને એ મૂવમેન્ટને તોડવાની માસ્ટરી પણ તેનામાં છે.
lll
બચુભાઈએ વળીને જમીન પરથી કમાન્ડોની પિસ્તોલ હાથમાં લીધી અને એની મૅગેઝિન કાઢીને દૂર ફેંકી દીધી. આ બધું પણ લાઇવ કૅમેરા પર જ થયું અને બચુભાઈ કૅમેરાની સામે આવીને ઊભા રહ્યા.
‘રાણેસાહેબ, તમારો અન્ડરકવર પ્લાન નિષ્ફળ ગયો.’ બચુભાઈએ કહ્યું, ‘હવે મારી વાત ધ્યાનથી સાંભળો. લૂંટના રૂપિયા બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાં મુકાશે. એ પહેલાં આ લૂંટનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે એનો પુરાવો હું તમને આપી ચૂક્યો છું, પણ હવે હું મારી આ ઑડિયન્સને આપીશ.’
બચુભાઈએ પોતાના ખિસ્સામાંથી લૂંટારાના જૅકેટમાંથી મળેલો મેટલનો ID બૅજ કાઢ્યો અને કૅમેરા સામે બતાવતાં એના પર લખેલા શબ્દો વાંચ્યા : ‘રૉયલ કૅફે – બોરીવલી...’
બચુભાઈએ કૅમેરા સામે જોયું. 
‘આ બૅજ મેં પોલીસમાં જમા કરાવ્યો, પણ નીકળતી વખતે એ પાછો લઈ લીધો અને પોલીસ ખાતાને એની ખબર સુધ્ધાં નહોતી! બીજી વાત, આ કૅફેનો માલિક કે સ્ટાફ અસલી ગુનેગાર નથી... પણ આ કૅફેમાં જઈને આ લૂંટના બ્લૅક મનીનું સેટિંગ જેની સાથે થયું હતું તે વ્યક્તિ અત્યારે જ બહાર તમારી પોલીસફોર્સની ગાડીઓમાં જ બેઠો છે.’
ઇન્સ્પેક્ટર રાણે કંઈ કહે એ પહેલાં જ એક જોરદાર ધડાકો થયો.
ધડામ...
આ બ્લાસ્ટ બૅન્કની પાછલી ગલીમાં થયો હતો. બ્લાસ્ટ સાથે બૅન્કનો પાવર સપ્લાય કટ થયો અને આખી બૅન્કમાં કાળમીંઢ અંધકાર પ્રસરી ગયો. લાઇટ જતાંની સાથે જ લાઇવ ટેલિકાસ્ટ બંધ થઈ ગયું. હજી કોઈ કંઈ સમજે એ પહેલાં જ બૅન્કમાં ધુમાડાના ગોટા ફેલાવા લાગ્યા. બૅન્કમાં કોઈએ ટિયરગૅસનો શેલ ફેંક્યો હતો.
‘બચુભાઈ! આંખો બંધ કરો...’ 
પાયલે રાડ પાડી અને બચુભાઈએ આંખો બંધ કરી, પણ એ જ વખતે નાઇટ-વિઝન ગૉગલ્સ પહેરેલા ૩ અજાણ્યા હથિયારબંધ શૂટરો બૅન્કના પાછલા ઇમર્જન્સી દરવાજામાંથી અંદર ઘૂસ્યા. તે પોલીસ નહોતી, આ અસલી માસ્ટર માઇન્ડના પ્રાઇવેટ શૂટરો હતા જેઓ પૈસાની બૅગ લેવા અને બચુભાઈનો સફાયો કરવા આવ્યા હતા.
ધડામ! ધાંય! ધડામ!
અંધારામાં ગોળીબાર શરૂ થયો.
આંખો ચોળતાં બચુભાઈએ અંધારામાં જ પાયલનો હાથ પકડ્યો અને બૅગ ઉપાડીને તે બૅન્કના અંદરના ભાગમાં આવેલા સ્ટ્રૉન્ગરૂમ તરફ ભાગ્યા.
એક તરફ અંધારામાં શૂટરો બચુભાઈ તરફ વધતા હતા તો પોલીસે દરવાજો તોડવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. 
સ્ટ્રૉન્ગરૂમના દરવાજા બંધ કરતાં બચુભાઈએ અંધારામાં પાયલ સામે જોયું.
‘પાયલ... યાદ રાખજે, આ અંધારું જ હવે આપણી તાકાત છે.’

(આવતી કાલે સમાપ્ત)

columnists exclusive gujarati mid day Rashmin Shah