બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૧)

16 February, 2026 02:05 PM IST  |  Mumbai | Rashmin Shah

નવીન થોડી ક્ષણ માટે થંભી ગયા. તેમણે રૂમની બહાર જોયું. તેમનો મોટો દીકરો કુરિયર કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરવા નીકળી રહ્યો હતો

ઇલસ્ટ્રેશન

અંધેરી-વેસ્ટના ગાલ પર જાણે કે સોજો આવ્યો હોય એમ ઉતારચડાવ ધરાવતી સાંકડી ગલીઓ વચ્ચે વસેલી જનતાનગર ઝૂંપડપટ્ટીમાં સવાર પડે એ પહેલાં જ હાડમારીઓ હારબંધ ઊભી રહી જાય. ૧૦ ફુટ બાય ૧૦ ફુટની ખોલીમાં પાંચ-સાત લોકો એકસાથે રહેતા હોય એ અહીં બહુ સામાન્ય વાત છે. પ્લાસ્ટિકનાં વાદળી છાપરાં, પતરાંની કાટ ખાયેલી દીવાલો અને ગટરોની દુર્ગંધ વચ્ચે પણ હજારો સપનાંઓ શ્વાસ લેતાં હોય છે. સવારે કુદરતી હાજતમાં સમયસર વારો આવી જાય એ માટે અલાર્મ મૂકવામાં આવે અને એ અલાર્મના સાયરનને ચુસ્તપણે વળગી પણ રહેવામાં આવે.

જાગ્યા પછી માણસ આંખો બંધ કરીને ભગવાનનું નામ લે પણ જનતાનગરમાં રહેતો એકેક માણસ અલાર્મના અવાજ સાથે સીધો પથારી પરથી ઊભો થાય અને દોડતો જઈને જાહેર ટૉઇલેટની બહાર ઊભો રહી જાય. 

જનતાનગરની આ જ ગલીઓના એક છેડે રહેતા નવીન મહેતા પણ એવા જ અલાર્મ સાથે જાગીને ટૉઇલેટની લાઇનમાં ઊભા રહી ગયા હતા.

lll

નવીન મહેતા.

ઉંમર ૫૦ વર્ષ, મૂળ પોરબંદરના. પોતાની વીસીમાં એટલે કે અંદાજે ત્રીસ વર્ષ પહેલાં મુંબઈ આવ્યા ત્યારે આંખોમાં અમિતાભ બચ્ચન જેવી ચમક અને રાજેશ ખન્ના બનવાની ખ્વાહિશ હતી, પણ મુંબઈની ભાગતી દુનિયાએ અને નસીબે મારેલી થપાટે એ ચમકને હવે કરચલીઓમાં ફેરવી નાખી હતી. ઍક્ટર બનવાની લાયમાં આ ૩૦ વર્ષમાં તેમણે શું-શું નથી કર્યું?

ક્યારેક ભીડમાં ઊભા રહીને જુનિયર આર્ટિસ્ટ બન્યા તો ક્યારેક કોઈ સિરિયલમાં બે લાઇનનો નોકરનો રોલ મળ્યો. ક્યારેક એક પણ શબ્દ નહીં બોલનારા ડ્રાઇવર બન્યા અને શેઠના દરવાજા ખોલ્યા તો ક્યારેક બંગલાના મેઇન ડોર પાસે ઊભા રહેવાનું કામ કરતા સિક્યૉરિટી ઍક્ટરનું કામ પણ કરી લીધું. સ્ટાર બનવાની લાય પૂરી તો થઈ નહીં પણ એ આગ મનમાં હજી પણ અકબંધ રહી.

હવે તો પરિવાર જ નહીં, ઘરનો અરીસો પણ સવાલ કરતો હતો, ‘નવીન, હજી કેટલાં વર્ષ?’

lll

‘બસ, એક તક... ખાલી એક તક મળે એટલી વાર. હું સ્ટાર બની જઈશ.’

નવીને અરીસા સામે ઊભા રહીને પોતાના ગાલ પર હાથ ફેરવ્યો. અરીસા પર મહાત્મા ગાંધીનો એક ફોટો હતો. નવીન ગાંધીજીને જોતા રહ્યા. બન્નેના ચહેરામાં ગજબનાક સમાનતા હતી. એ જ અંદર ઊતરી ગયેલા ગાલ, મોટું અને ઊંચું કપાળ, આંખોમાં છુપાયેલી નરમાશ, લાંબા, મોટા અને ખુલ્લા કાન.

‘નવીન! આ શું ગાંડાં કાઢો છો?’ લોટ બાંધતાં-બાંધતાં જ નવીનભાઈની વાઇફ શાંતાએ રાડ પાડી, ‘કરિયાણાવાળાને આપવાના પૈસા મેં ખાંડના ડબ્બામાં રાખ્યા હતા, એ ક્યાં ગયા?’

નવીન ધીમેકથી આગળ આવ્યા અને તેણે પ્લાસ્ટિકની થેલી શાંતા સામે ધરી.

‘શું છે આમાં?’ શાંતાના ચહેરા પર ઇરિટેશન હતું, ‘પૂછ્યું એનો જવાબ આપો... પૈસા ક્યાં ગયા?’

‘જો એક વાર... સમજાઈ જશે.’

લોટવાળો હાથ જ શાંતાએ લંબાવ્યો અને પ્લાસ્ટિકની થેલી હાથમાં લઈ અંદર નજર કરી. શાંતાની આંખો ફાટી ગઈ.

થેલીમાં સફેદ ખાદીનું ધોતિયું અને ગોળ ચશ્માં હતાં અને કાનમાં નવીનનો અવાજ.

‘એક આ લાકડી પણ લીધી.’

શાંતાના હાથમાંથી થેલી પડી ગઈ.

‘તમે... તમે ફરીથી એ જ કર્યું? ઘરમાં કરિયાણું છે નહીં, છોકરાઓની ફી ભરવાની છે અને તમે આ... આ... નકામા વેશ કાઢવા માટે પૈસા ખર્ચી નાખ્યા?’

નવીનના અવાજમાં શાંતિ હતી, પણ એમાં દૃઢતા અકબંધ હતી.

‘આ નકામો વેશ નથી. આ મારી છેલ્લી તક છે. સ્ટીવન સ્પીલબર્ગ!’ નવીનના ચહેરા પર ફરી ચમક આવી, ‘શાંતા, તને ખબર છે આ સ્ટીવન સ્પીલબર્ગ કોણ છે? હૉલીવુડનો મોટોમાં મોટો ડિરેક્ટર... આપણે ત્યાં પેલો પારસમણિ હોયને, લોખંડને સ્પર્શે ને લોખંડ સોનું બનાવી નાખે એવો પારસમણિ. ઍક્ટરને ટચ કરે અને ઍક્ટર સીધો ઇન્ટરનૅશનલ સુપરસ્ટાર... અમેરિકાનો એકેક માણસ તેના નામ પર કરોડો ડૉલર ઇન્વેસ્ટ કરવા તૈયાર થઈ જાય છે.’

‘અમરેલી જવાના તો પૈસા છે નહીં ને અમેરિકાની વાતો કરો છો, ઉહૂં...’

‘અરે ગાંડી, તું સમજતી નથી. આપણાં નસીબ હવે ખીલવાનાં છે.’ નવીને લાકડી હાથમાં લીધી, ‘સ્પીલબર્ગ સાહેબ ગાંધીજી પર ફિલ્મ બનાવે છે ને એ માટે મુંબઈ આવ્યા છે. શાંતા, જો આજે હું ઑડિશનમાં પાસ થઈ ગયોને, તો તારી આ ઝૂંપડપટ્ટીની જિંદગી કાયમ માટે છૂટી જશે.’

શાંતાની આંખમાં આંસુ આવી જાય છે.

‘તમારાં આ સપનાંઓએ જ આપણને રસ્તા પર લાવી દીધાં છે. ગાંધીજીએ કહેતા કે સત્ય જ પરમેશ્વર છે પણ નવીન, ભૂખથી મોટું સત્ય બીજું કોઈ નથી. તમે એ સત્યને ભૂલીને તમારા ઍક્ટિંગના અભરખાને લીધે ઘરના બધાનાં પેટ પર લાત મારો છો.’

નવીન થોડી ક્ષણ માટે થંભી ગયા. તેમણે રૂમની બહાર જોયું. તેમનો મોટો દીકરો કુરિયર કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરવા નીકળી રહ્યો હતો. તેની ફાટેલી બૅગ નવીનને અંદરથી કોતરી રહી હતી. પણ નવીને મન મક્કમ કર્યું. તેમણે ગાંધીજીનું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ હાથમાં લીધું.

‘કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય તો હું હિંસા પસંદ કરીશ, પણ જો અહિંસા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય તો હું અહિંસા જ પસંદ કરીશ.’ નવીને ધોતિયું પહેરવાનું શરૂ કર્યું, ‘શાંતા, આજે હું મારી ગરીબી સામે અહિંસક યુદ્ધ લડવા જઈ રહ્યો છું, મને રોક નહીં. બસ, ખાલી એટલું જ કર... બાપુને કહે, તેમના વિચારોને દુનિયા સામે લઈ જવાની ક્ષમતામાં મને પાર પાડે.’

શાંતાનો જવાબ કાને પડે એ પહેલાં જ આંખ પર બાપુ સ્ટાઇલનાં ચશ્માં ચડાવી નવીને ઉઘાડા પગે જ યશરાજ સ્ટુડિયો તરફ કદમ ઉપાડ્યા.

lll

યશરાજ સ્ટુડિયો અત્યારે કોઈ કિલ્લા જેવો લાગતો હતો. પાર્કિંગમાં કાળા કલરની લક્ઝરી ગાડીઓનો કાફલો હતો તો સ્ટુડિયોની બહાર વૅનિટી વૅનનો પણ ઢગલો હતો. પ્રાઇવેટ સિક્યૉરિટીથી માંડીને મુંબઈ પોલીસ સુધ્ધાં ડ્યુટી પર લાગી ગઈ હતી.

સેંકડો કલાકારો હારબંધ ઊભા હતા તો સિનિયર કલાકારો પોતાની વૅનમાં બેઠા હતા. કોઈ વજન ઘટાડીને આવ્યું હતું તો કોઈએ પ્રોસ્થેટિક મેકઅપ કર્યો હતો. મુંબઈની બળબળતી ગરમીમાં ખાદીનાં વસ્ત્રો પહેરેલા સેંકડો ગાંધીજી રસ્તા પર ઊતરી આવ્યા હોય એવું દૃશ્ય હતું.

નવીન છેલ્લા પાંચ કલાકથી લાઇનમાં ઊભો હતો. ઉઘાડા પગ હવે બળતા હતા, એમાં કાપા પણ પડી ગયા હતા. જોકે તેનું મન પોરબંદરના કિનારે બેઠેલા એ શાંત બાળક જેવું હતું જે દરિયા સાથે ઓતપ્રોત થઈ ગયો હોય.

‘જાઓ...’

ડોર પર ઊભેલા સિક્યૉરિટી ગાર્ડે નવીનને કહ્યું અને નવીન વિચારોમાંથી બહાર આવ્યો. તેણે નજર ઊંચી કરીને પહેલાં યશરાજ સ્ટુડિયો જોયો, મનોમન રંગદેવતા અને નટરાજને નમન કર્યાં અને પછી જમણો પગ સ્ટુડિયોમાં એન્ટર કર્યો.

નવીન ઑડિશન હૉલમાં દાખલ થયો ત્યારે વાતાવરણ એકદમ ગંભીર હતું.

સામે સ્ટીવન સ્પીલબર્ગ મૉનિટર પર બેઠા હતા. તેની બાજુમાં બૉલીવુડનો જાણીતો પ્રોડ્યુસર વિકાસ ખન્ના અને પાંચ-સાત બીજા લોકો લૅપટૉપ, આઇપૅડ અને કૅમેરા સાથે સજ્જ હતા. સ્પીલબર્ગના ચહેરા પર કંટાળો દેખાતો હતો. સવારથી તેમણે ૨૦૦ ગાંધીજી જોયા હતા, પણ કોઈમાં એ આત્મા નહોતો જોવા મળ્યો.

lll

‘નામ?’

‘નવીન મહેતા.’

‘ઓકે નવીન...’ કાસ્ટિંગ ડિરેક્ટરે કહ્યું, ‘લુક તો ઠીક છે, પણ અમને ફાયર જોઈએ છે જે ગાંધીજીના મનમાં હતો.’

‘સીન...’

‘એ સીન જ્યારે ગાંધીજી અંગ્રેજોને ભારત છોડવાનું કહે છે અને અહિંસાની તાકાત સમજાવે છે... રેડી?’ કાસ્ટિંગ ડિરેક્ટરે તરત જ કૅમેરામૅન સામે જોયું અને કહ્યું, ‘ઍક્શન!’

થોડી સેકન્ડ માટે નવીન સ્થિર ઊભો રહ્યો. ઉપર લાગેલી લાઇટોની ગરમી તેના ચહેરા પર પડતી હતી. તેણે આંખો બંધ કરી અને તેની આંખ સામે ઝૂંપડપટ્ટીની એ ગંદી ગલીઓ, શાંતાનાં આંસુ, દીકરાની ફાટેલી બૅગ અને કરિયાણાના પૈસા આવી ગયાં. અને નવીનની આંખો ખૂલી ગઈ. એ આંખોમાં હવે ઍક્ટર નવીન નહીં

પણ એક યુગપુરુષનો આક્રોશ અને શાંતિ હતાં.

નવીને બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ હૉલની દીવાલો સાથે અથડાઈને ગુંજવા લાગ્યો.

‘તમે પૂછો છો મારી તાકાત શું છે? મારી તાકાત આ લાકડી નહીં, આ શરીર નહીં, મારી તાકાત સત્ય છે. એ સત્ય જે તમારા તોપના ગોળા કરતાં પણ વધુ શક્તિશાળી છે. તમે અમને ગુલામ બનાવી શકો, પણ અમારા આત્માને નહીં. તમે મને સાંકળોથી બાંધી શકો, મને ત્રાસ આપી શકો, આ શરીરને નષ્ટ પણ કરી શકો; પણ તમે મારા વિચારોને ક્યારેય કેદ નહીં કરી શકો.’

ડાયલૉગ બોલતાં-બોલતાં નવીન સ્પીલબર્ગની એકદમ નજીક પહોંચી ગયો.

તેની આંખોમાં આંસુ હતાં, પણ અવાજમાં લોખંડી દૃઢતા હતી.

‘લૉર્ડ એલ્વિસ, અહિંસા નબળાનું હથિયાર નથી, એ તો બહાદુરોનું આભૂષણ છે. આંખના બદલામાં આંખની નીતિ દુનિયા આખીને આંધળી કરી દેશે. મારે લડવું છે, પણ લોહી વહાવ્યા વગર. મારે જીતવું છે, પણ કોઈને હરાવ્યા વગર. આ ભારત દેશ કોઈ જમીનનો ટુકડો નથી, આ એક વિચાર છે. અને વિચારને તમે બંદૂકથી મારી શકતા નથી. તમે જે પરિવર્તન વિશ્વમાં જોવા માગો છો, એ પોતે બનો. આજે હું એ પરિવર્તન બનવા તૈયાર છું. ભલે મારું મૃત્યુ થાય, પણ મારું સત્ય જીવતું રહેશે અને સદીઓ પછી પણ એ લોકોના લોહીમાં ધબકતું રહેશે...’

નવીન બોલતાં-બોલતાં હાંફવા લાગ્યા. આખો ઑડિશન હૉલ સ્તબ્ધ હતો.

સ્ટીવન સ્પીલબર્ગ ખુરસીમાંથી ઊભા થઈ ગયા. તેના ચહેરા પર એક અજીબ ચમક હતી. તેને ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ ઍક્ટિંગ નથી કરતો, આ માણસ ગાંધીને જીવી રહ્યો છે.

‘બ્રિલિયન્ટ! અનબિલીવેબલ!’

સ્પીલબર્ગે ધીમેથી તાળી પાડવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે આખો હૉલ તાળીઓના ગુંજારવથી ભરાઈ ગયો. પ્રોડ્યુસર ખન્ના પણ અચરજમાં હતા.

સ્પીલબર્ગ નવીન પાસે આવ્યા અને તેનો હાથ પકડ્યો.

‘યુ આર અ જિનીયસ. તમારી આંખોમાં મેં એ ભારત જોયું જે મેં અત્યાર સુધી માત્ર પુસ્તકોમાં વાંચ્યું હતું. કૉન્ગ્રેચ્યુલેશન્સ, તમે આ ફિલ્મ માટે સિલેક્ટ થાઓ છો!’

વર્ષો પછી નવીનના કાનમાં એ ટાઢક પહોંચી હતી, જેની શોધમાં તેણે પોતાના જીવનના ત્રણ દસકા પસાર કરી નાખ્યા હતા. ૩૦ વર્ષની ભૂખ, અપમાન અને સ્ટ્રગલનો આજે અંત આવ્યો હતો. તેને લાગ્યું કે હવે શાંતાનાં આંસુ લુછાશે, હવે દીકરો નવી બૅગ લેશે. નવીને આકાશ તરફ જોયું અને મનોમન નટરાજનો આભાર માન્યો. જોકે તેને ક્યાં ખબર હતી કે નિયતિએ તેના નસીબમાં હજી એક મોટી પરીક્ષા લખી છે.

સ્ટુડિયોની છત પર લાગેલી ભારે અને હજારો વૉટનો પ્રકાશ ફેંકતી મોલ-રિચર્ડસન લાઇટનો ક્લૅમ્પ અચાનક તૂટ્યો. લાઇટ લટકવા માંડી અને જોરથી અવાજ આવ્યો.

‘ઓહ નો...’

સ્પીલબર્ગે નવીનની પીઠ થાબડી કે નવીન આગળ વધ્યો અને તે જેવો આગળ વધ્યો એ જ ક્ષણે બાર કિલોની લાઇટ સીધી નવીનના માથાના પાછળના ભાગે પડી.

‘આહાહાહા...’

કાન ફાડી નાખે એવો અવાજ અને પછી આંખ સામે અંધકાર.

નવીનના સફેદ ખાદીનાં વસ્ત્રો પર લોહીના ફુવારા ઊડ્યા. સફેદ ચાદર જેવી ખાદી પળવારમાં લાલઘૂમ થઈ ગઈ અને નવીન જમીન પર ઢળી પડ્યો.

કૅમેરા હજી ચાલુ હતો. એમાં એ દૃશ્ય કેદ થયું જે ફિલ્મની સ્ક્રિપ્ટમાં નહોતું.

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah