19 February, 2026 12:31 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
મુંબઈના મહાત્મા.
સોશ્યલ મીડિયા અને ન્યુઝ-ચૅનલો પર નવીનને હવે આ નામ મળી ગયું હતું. પૉલિટિકલ પાર્ટીઓ અને રાજકીય નેતાઓને નવીન ગાંધી નામની આ
વોટ-બૅન્ક મેળવવાનો ગોલ્ડન ચાન્સ હતો. અંધેરીના વિધાનસભ્ય વિકાસ દેશમુખે એ તક ઝડપી લીધી અને પોતાના રસાલા સાથે જનતાનગર પહોંચી ગયા.
સૌથી પહેલાં તો નવીનને સોનાના વરખવાળો હાર પહેરાવ્યો અને પછી માઇક પર જાહેરાત કરી કે ‘અમે નવીન ગાંધીના સત્યાગ્રહને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. જો બિલ્ડર JCB લાવશે તો અમારો પક્ષ રસ્તા પર ઊતરશે...’
લોકોએ તાળીઓ પાડી પણ નવીને કોઈ રીઍક્શન નહોતું આપ્યું. દેશમુખે જેવી પોતાની સ્પીચ પૂરી કરી કે નવીન ઊભો થયો અને તેણે માઇક હાથમાં લીધું. આખા જનતાનગરમાં પિન-ડ્રૉપ સાયલન્સ સર્જાઈ ગયું અને માઇકમાંથી બાપુનો અવાજ પ્રસર્યો.
‘સાહેબ તમારી ભાવના, તમારી લાગણી હું સમજી શકું છું પણ મારે તમને એક વાત કહેવી છે. સત્તા સેવાનું માધ્યમ છે, ભોગ-વિલાસનો રસ્તો નહીં. જો મને સત્તાનો મોહ હોત તો કૉન્ગ્રેસમાંથી મેં ક્યારેય રાજીનામું આપ્યું જ ન હોત. વડા પ્રધાનપદ માટે પૂછવામાં આવ્યું એ સમયે પણ મારે માત્ર હા પાડવાની હતી પણ હું સમાજ માટે સર્જાયો છું, સત્તા માટે નહીં...’ વિકાસ દેશમુખની સામે જોઈને નવીને સવાલ કર્યો, ‘તમે આજે સમર્થન આપવા આવ્યા છો પણ જ્યારે પોલીસ લાઠીચાર્જ કરતી હતી ત્યારે તમે ક્યાં હતા? રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં રાજનીતિ નહીં. મારે કોઈ પક્ષનું લેબલ નથી જોઈતું. જો તમારે ખરેખર મદદ કરવી હોય તો આ વસ્તીનાં ગંદાં નાળાં સાફ કરાવો અને આ બાળકો માટે એક નાનકડી લાઇબ્રેરી ખોલો.’
દેશમુખના ચહેરા પરથી નૂર તો
ત્યારે ઊડી ગયું જ્યારે માઇકમાં નવીને તેને પૂછ્યું,
‘આપ આજે અહીં આવ્યા છો ત્યારે અહીં હાજર છે એ જનતાને કહો કે તમારી સંપત્તિ પાંચ વર્ષમાં અઢારગણી કેવી રીતે વધી? ગરીબના હકનું છીનવવું એ હિંસા છે અને હિંસાથી મોટું કોઈ પાપ નથી. પહેલાં તમારું હૃદયપરિવર્તન કરો, એ પછી હું સામેથી આપની પાસે આવીને આપનો હાથ અને સાથ માગીશ.’
વિકાસ દેશમુખ માટે હવે ત્યાંથી નીકળી જવા સિવાય કોઈ રસ્તો
બચ્યો નહોતો.
lll
સાંજે નવીન બહાર જમીન પર બેસી લાકડામાંથી રેંટિયો બનાવવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ સ્ટીવન સ્પીલબર્ગ અને પ્રોડ્યુસર ખન્ના આવ્યા. તેમની સાથે અમેરિકન ડૉક્ટર અને શૂટિંગના અમુક ક્રૂ-મેમ્બર્સ પણ હતા.
‘નવીનભાઈ, તમે તો રિયલ લાઇફમાં પણ છવાઈ ગયા છો! પણ હવે લિમિટ આવી ગઈ છે...’ ખન્નાના ચહેરા પર ગંભીરતા હતી, ‘સ્પીલબર્ગ સર પર પ્રેશર છે. જો તમે આ પ્રોજેક્ટ અટકાવશો તો અમારું ઇન્ટરનૅશનલ ફન્ડિંગ અટકી જશે. આ જુઓ, આ અમેરિકાના બેસ્ટ ડૉક્ટર છે. એ તમારી મેમરી પાછી લાવવા પર કામ કરશે. તમે ફરીથી પહેલાં જેવા નવીન મહેતા થઈ જશો, શૂટિંગ ચાલુ થશે. તમને તમારી ફી, ગાડી, બંગલો બધું મળી જશે.’
‘સાહેબ, જે સત્યને જાણી લે તેને દુન્યવી સુખની જરૂર ન હોય. મને સાજા થવાની જરૂર નથી, કારણ કે હું અત્યારે જ સૌથી વધુ સ્વસ્થ છું. તમે જે સ્મૃતિની વાત કરો છો એ મને ગુલામ બનાવશે, જ્યારે આ વિચારો મને આઝાદ કરે છે.’
સ્પીલબર્ગ આગળ આવ્યા.
‘મિસ્ટર નવીન, અગ્રવાલ બિલ્ડર્સમાં જે અસલી ઇન્વેસ્ટર છે એ કોઈ બીજું નહીં પણ અમારી આ ફિલ્મ-કંપનીના જ મુખ્ય પાર્ટનર છે. તમે જેની સામે લડો છો એ જ તમારી આ આલીશાન ટ્રીટમેન્ટના પૈસા આપે છે. હવે બોલો, શું કરશો?’
નવીન પળવાર માટે થંભી ગયા. તેના માટે આ મોટો ઝાટકો હતો.
જે હાથ તેને સાજા કરવા મથતા હતા એ જ હાથ ગરીબોનાં ઝૂંપડાં તોડવા માટે મશીનો મોકલવાના હતા.
‘આજ સુધી જે થયું એ બધું મારા પર ઉધાર... પ્રયાસ કરીશ કે હું એ પાઈ-પાઈ ચૂકવી દઉં પણ એ સમયની વાત છે. મારે અત્યારની વાત કહેવી છે.’ નવીને પોતાની હૉસ્પિટલની ફાઇલ ફાડવાનું શરૂ કર્યું, ‘આજથી કોઈ વિદેશી કે કૉર્પોરેટ મદદ હું સ્વીકારીશ નહીં અને આંદોલન પણ અટકશે નહીં.’
‘નવીન, તમે જરાક તો વિચાર કરો. જરાક તો સમજો.’ શાંતાની આંખમાં આંસુ આવી ગયાં હતાં, ‘અત્યારે તમારા માટે ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે...’
‘બા, સ્વદેશનું આંદોલન તો સારવાર પણ સ્વદેશી.’ નવીન ગાંધીના ચહેરા પર સ્માઇલ હતું, ‘આયુષ... આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી આપણાં જ છેને. એના સહારે બાકીના શ્વાસ ખેંચી લઈશ પણ...’
નવીને મહેમાનો સામે જોયું.
‘હવેથી વિદેશી સહાય નહીં, વિદેશી સારવાર નહીં.’
lll
રાત્રે દસ વાગ્યે જનતાનગરમાં અફડાતફડી મચી ગઈ. સમાચાર આવ્યા હતા કે સવારે ચાર વાગ્યે બુલડોઝર આવશે. જનતાનગરમાં સન્નાટો પ્રસરી ગયો. મહિલાઓની આંખોમાં આંસુ હતાં તો પુરુષોના ચહેરા ધોળી પૂણી જેવા થઈ ગયા હતા.
‘ગભરાશો નહીં અને યાદ રાખજો, ડરપોક માણસ ક્યારેય ન્યાય કરી શકતો નથી.’ જનતાનગરના ચોગાનમાં પડેલા મોટા પથ્થર પર ઊભા રહીને નવીને સૌને કહ્યું, ‘સવારે બુલડોઝર આવે ત્યારે કોઈએ પથ્થર નથી ઉપાડવાનો. હું અહીં જ રહીશ. જો એ મશીનો તમારાં ઘર તોડવા આગળ વધશે તો પહેલાં મારો જીવ આપીશ પણ તમારા જીવ જેવાં બાળકોના મસ્તક પરથી છત નહીં જવા દઉં...’
‘બાપુ, પણ ક્યાં સુધી આપણે આ જ કરતા રહીશું? કાયમી ઉકેલ...’
‘ધીરજ, ભાઈ ધીરજ...’ નવીને નવી જાહેરાત કરી, ‘કાયમી ઉકેલ માટે હું આજથી, આ ક્ષણથી આમરણ ઉપવાસ પર ઊતરું છું. જ્યાં સુધી બિલ્ડર લેખિતમાં પ્રોજેક્ટ કૅન્સલ નહીં કરે ત્યાં સુધી હવે અન્ન અને જળનો ત્યાગ...’
એ આખી રાત મુંબઈ સૂઈ શક્યું નહીં. ટીવી-ચૅનલો પર હેડલાઇન હતી...
મુંબઈમાં સત્યાગ્રહનું તોફાન.
સ્પીલબર્ગ પણ
મુંબઈની પોતાની હોટેલના રૂમમાં બેસીને ટીવી પર આ ન્યુઝ જોતા હતા. તેમની ફિલ્મ ‘ગાંધી’એ હવે કૅમેરાની ફ્રેમની બહાર નીકળીને ઇતિહાસ લખવાનું શરૂ કરી દીધું હતું.
lll
અંધેરીના જનતાનગરમાં સવારના પાંચ વાગ્યાથી જ વાતાવરણમાં અજબ ગરમાવો આવી ગયો હતો. દૂરથી આવતાં JCB અને બુલડોઝરના એન્જિનનો ઘરઘરાટ ગરીબોના હૃદયમાં ફફડાટ પેદા કરતો હતો. પોલીસ-વૅન અને રૅપિડ એક્શન ફોર્સની ટુકડીઓએ આખા જનતાનગરને ઘેરી લીધું હતું તો મીડિયાની ટીમ અને ઓબીવૅન પણ કતારમાં ગોઠવાઈ ગઈ હતી.
નવીન ગાંધી એ જ પથ્થર પર જૂની સાદડી પાથરીને બેઠા હતા. તેમના ચહેરા પર જરાય તનાવ નહોતો, આંખોમાં જે તેજ હતું એ સામે ઊભેલા હથિયારધારી પોલીસવાળાઓને પણ વિચારતા કરી દે એ સ્તરનું હતું.
‘નવીનભાઈ, તમે અહીંથી નીકળો. અમને ઑર્ડર છે કે આ ડિમોલિશન
પૂરું કરવું....’
પોલીસ-ઇન્સ્પેક્ટરના અવાજમાં નરમાશ હતી. તેને ખબર હતી કે સામે બેઠેલા માણસ પર લાઠી ઉપાડવી એટલે આખા દેશને સળગાવવો.
નવીને ધીમેથી આંખો ખોલી.
‘સાહેબ, તમે તમારો ધર્મ નિભાવો, હું મારો ધર્મ નિભાવી રહ્યો છું. પણ એક વાત યાદ રાખજો, અન્યાયી કાયદાનો અનાદર કરવો એ પુણ્યનું કામ છે. જો તમને લાગે કે આ ગરીબોનાં ઘર તોડવાં એ ન્યાય છે તો તમે આ મશીનો મારા શરીર પરથી ચલાવી શકો છો. હું વિરોધ નહીં કરું.’
‘અમે તમને છેલ્લી ચેતવણી
આપીએ છીએ...’
‘હું પણ છેલ્લી વાર કહું છું, છેલ્લા શ્વાસ સુધી હું અહીં, આમ જ બેસી રહીશ.’
ઇન્સ્પેક્ટર પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
‘નવીનભાઈ, તમે મારી વાત માનો. પ્લીઝ, અમને અમારું કામ કરવા દો.’
‘હું આપને ક્યાંય હસ્તક્ષેપ નથી કરતો. અને આપને પણ એ જ કહું છું, મને મારું કામ કરવા દો.’ બાપુએ નમ્રતા સાથે ઇન્સ્પેક્ટર સામે હાથ જોડ્યા, ‘હું મારું કામ કરું, આપ આપનું કામ કરો.’
તેણે તરત જ સિનિયર ઑફિસરને જાણ કરી અને જેવો ત્યાંથી આદેશ આવ્યો કે તરત ઇન્સ્પેક્ટરે JCBના ડ્રાઇવર સામે જોયું. આંખોથી જ વાત થઈ અને JCBના ડ્રાઇવરે મશીન આગળ વધારવા માટે ગિયર અપ કર્યું કે બીજી જ સેકન્ડે નવીનની પાછળથી હજારો પુરુષો, સ્ત્રીઓ અને નાનાં બાળકો એકબીજાના હાથ પકડીને નવીનની આસપાસ માનવસાંકળ બનાવીને ઊભાં રહી ગયાં.
‘બાપુને કંઈ નહીં થાય!’
ગલીઓમાંથી અવાજ ગુંજવા લાગ્યો.
‘બાપુ પહેલાં આ ગાડી અમારી ઉપરથી ચલાવો...’
હાજર રહેલા સૌકોઈ હેબતાઈ ગયા હતા. થોડી નારેબાજી પછી તરત જ બધા એકસાથે બોલી ઊઠ્યાઃ ‘બાપુ અમર રહો... બાપુ અમર રહો...’
આ દૃશ્ય ટીવી પર જોઈને આખું મુંબઈ સ્તબ્ધ હતું. ડબ્બાવાળાઓએ કામ રોકી દીધું, ટૅક્સી-રિક્ષાવાળાઓએ હડતાળ જાહેર કરી દીધી. લોકો ઘર અને ઑફિસોમાંથી નીકળીને જનતાનગર તરફ દોડવા લાગ્યા. મુંબઈની રગ-રગમાં દોડતા લોકો આજે એક જ દિશામાં હતા, ‘સત્યાગ્રહ’ના માર્ગે.
બપોર થતા સુધીમાં તો જનતાનગરની બહાર લાખો લોકો એકઠા થઈ ગયા.
lll
બિલ્ડર અગ્રવાલ અને પ્રોડ્યુસર ખન્ના માટે આ સિચુએશન જોખમી હતી. તેમનું અબજોનું રોકાણ અટકી ગયું હતું અને ધારી ન હોય, માની કે કલ્પી ન હોય એવી આડખીલી વચ્ચે આવીને ઊભી રહી ગઈ હતી.
‘ખન્ના, જનતાનગરમાં તારા માણસો છેને?’ સામેથી જેવો હોંકારો આવ્યો કે તરત અગ્રવાલે કહી દીધું, ‘બસ, હવે એને કામે લગાડી દો. ભલે આજે આ બાપુ પણ જાય.’
પ્લાન સિમ્પલ હતો.
જનતાનગર વિરોધ કરવામાં હિંસા કરે અને પછી પોલીસ આખી બાજી પોતાના હાથમાં લઈ લે અને એવું જ થયું.
અચાનક ભીડમાંથી એક પથ્થર પોલીસ તરફ ફેંકાયો.
પછી બીજો, અને ત્રીજો...
‘લાઠીચાર્જ.’
ઉપરથી ઑર્ડર આવ્યો અને ઑર્ડર સાથે જ સેંકડોની સંખ્યામાં પોલીસકર્મીઓ લાઠી લઈને આગળ વધ્યા.
થોડી સેકન્ડ પહેલાં જે સ્થળ પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ...’ ગવાતું હતું એ સ્થળ પર જલિયાંવાલા બાગ જેવો માહોલ સર્જાઈ ગયો. પોલીસે લાઠીઓ વીંઝવાનું શરૂ કર્યું. ટિયર ગૅસના સેલ છોડવામાં આવ્યા. ચારે બાજુ ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ. લોકો લોહીલુહાણ થઈ રહ્યા હતા. આંખ સામે ચાલતી હિંસાએ નવીન ગાંધીના ચહેરા પર તનાવ પ્રસરાવી દીધો હતો. તે પોલીસને રોકવાની કોશિશ કરવા માંડ્યા પણ પોલીસકર્મીઓના મનમાં એક જ વાત હતી.
‘આજે ઑપરેશન પાર પડ્યું એટલે દરેક કૉન્સ્ટેબલના ઘરે બબ્બે લાખ રૂપિયા પહોંચી જશે.’
ચાર મહિનાનો પગાર બે કલાકમાં ઘરે મેળવવા માટે તલપાપડ થયેલા પોલીસકર્મીઓ કોઈનું સાંભળવા તૈયાર નહોતા.
‘ભાઈ, સાંભળો... માનો... નહીં મારો આમ... તમે જુઓ તો ખરાં એ બાળક છે.’
ટોળાં વચ્ચે અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં અથડાતા નવીનને જોઈને એક ગુંડાએ તક ઝડપી લીધી અને તેણે નવીનના માથાના પાછળના ભાગે પૂરી તાકાતથી પથ્થર માર્યો.
પથ્થર બરાબર એ જ જગ્યાએ વાગ્યો જ્યાં ઑડિશન વખતે લાઇટ પડી હતી.
નવીનના માથામાંથી લોહીની ધાર વહેવા માંડી, આંખો સામે અંધકાર પ્રસરી ગયો અને નવીન ગાંધી જમીનદોસ્ત થઈ ગયા.
બધા હાથ હવામાં જ અટકી ગયા અને જનતાનગર જાણે કે આખું થંભી ગયું. જેણે ન્યાય માટે આગેવાની લીધી હતી એ બાપુ બધા વચ્ચે લોહીના ખાબોચિયામાં પડ્યા હતા.
(ક્રમશ:)