બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૫)

20 February, 2026 01:26 PM IST  |  Mumbai | Rashmin Shah

ડૉક્ટરોની આંખો પહોળી થઈ. પથ્થરના એ મારે નવીન મહેતાના મગજના એ ભાગને ફરીથી ઍક્ટિવેટ કરી દીધો હતો. તે હવે પોતાની જાતને ગાંધી નહોતો માનતો

ઇલસ્ટ્રેશન

નવીનની સર્જરી ૭ કલાક ચાલી હતી.

સર્જરી દરમ્યાન હજારો લોકો હૉસ્પિટલની બહાર બેસી રામધૂન ગાતા તેમના બાપુના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતા હતા. નવીનને માથામાં લાગ્યું કે તરત તેને લઈને સ્પીલબર્ગ જ હૉસ્પિટલ આવવા માટે નીકળી ગયા હતા. અગાઉ જે જગ્યાએ લાગ્યું હતું એક્ઝૅક્ટ એ જ જગ્યાએ લાગ્યું હોવાથી હવે નવીનના ફરી કોમામાં જવાના ચાન્સ વધી ગયા હતા. ડૉક્ટરના મોઢે આ શબ્દો સાંભળ્યા ત્યારથી શાંતાએ પાણી સુધ્ધાં મૂકી દીધું હતું, પણ ઈશ્વરની મહેરબાની કે સર્જરી પછી બાર જ કલાકમાં નવીને આંખો ખોલી.

‘નવીનભાઈ, હાઉ આર યુ ફીલિંગ નાઓ?’ પલ્સ ચેક કરતાં ડૉક્ટરે પૂછ્યું, ‘હવે તો તમને તમારું નામ યાદ આવી ગયું છેને?’

નવીન મૌન રહ્યો. તેણે રૂમમાં ચારે બાજુ જોયું. તેની નજર સામે બેઠેલી શાંતા પર પડી. પછી તેણે આકાશને જોયો. નવીનની આંખોમાં હવે એ શૂન્યતા કે આધ્યાત્મિક શાંતિ નહોતી, પણ એક જૂની ઓળખ અને પીડા હતી.

‘શાંતા... શું કામ રડે છે...’ નવીને ધીમેથી પૂછ્યું, ‘મને કંઈ નથી થયું.’

પોતાનું નામ સાંભળીને શાંતાની આંખોમાં જાણે કે દરિયો ઊભરાયો,

પણ નવીનની નજર હજી પણ રૂમમાં ફરતી હતી.

‘મારું ઑડિશન... એનું શું થયું?’ નવીને આકાશ સામે જોયું, ‘સ્પીલબર્ગ સર ક્યાં છે? મારે તેમની સાથે કૉન્ટ્રૅક્ટ...’

ડૉક્ટરોની આંખો પહોળી થઈ. પથ્થરના એ મારે નવીન મહેતાના મગજના એ ભાગને ફરીથી ઍક્ટિવેટ કરી દીધો હતો. તે હવે પોતાની જાતને ગાંધી નહોતો માનતો. તેને એક મહિનો જે કંઈ બન્યું એ એક ધૂંધળા સપના જેવું લાગતું હતું. તેને યાદ હતું કે તે એક ઍક્ટર છે, જેણે ગાંધીનો રોલ કરવા મહેનત કરી હતી.

‘હું... હું સ્પીલબર્ગ સરને

બોલાવી લાવું.’

આકાશ ઉતાવળા પગલે ICUની બહાર ભાગ્યો.

lll

સ્પીલબર્ગ રૂમમાં આવ્યા.

‘હેય મિસ્ટર નવીન, હાઉ આર યુ?’

‘ફાઇન સર... પણ આઇ ઍમ સૉરી સર.’ નવીને સ્પીલબર્ગ સામે હાથ જોડ્યા, ‘મારો ઍક્સિડન્ટ થયો અને તમારું બધું કામ બગડી ગયું.’

‘નો વરીઝ, આવું બધું ચાલ્યા રાખે.’

‘સર, શું હું હજી તમારી ફિલ્મમાં છું?’

સ્પીલબર્ગ સ્તબ્ધ હતા, અવાક હતા. જોકે પ્રોડ્યુસરના દિમાગમાં મસ્ત પ્લાન રમવા માંડ્યો હતો. તે આગળ આવ્યા અને તેણે નવીનના ખભા પર હાથ મૂક્યો.

‘નવીન, હવે તું સ્વસ્થ છો. તને તારી યાદાદસ્ત પાછી આવી ગઈ. આ ફિલ્મ તારી જ છે. તારા સિવાય ફ‌િલ્મમાં બીજો કોઈ ગાંધીજીનો રોલ નહીં કરે એની જવાબદારી મારી. બસ, હવે તારે એક કામ કરવાનું છે.’ નવીનને ખેંચીને ખન્ના વિન્ડો પાસે આવ્યા, ‘તારે બહાર જઈને એટલું જ કહેવાનું છે કે તેં અત્યાર સુધી જે કર્યું એ બધી મેથડ ઍક્ટિંગ હતી. તને ખબર હતી કે તું ગાંધીજી નથી પણ તું તારી ઍક્ટ‌િંગમાં ગાંધીજીને ઓતપ્રોત કરવા માગતો હતો એટલે તેં અત્યાર સુધી ગાંધીજીનું કૅરૅક્ટર કન્ટ‌િન્યુ રાખ્યું. તું ગાંધી નહીં, નવીન છો. નવીન એક ઍક્ટર, જે આગામી ફિલ્મ ‘ગાંધી’માં ગાંધીજી બનવાનો છો. બસ, આટલું કહેવાનું છે.’

નવીનની આંખો ખન્ના પર મંડાયેલી હતી. ખન્નાની જીભ હજી પણ ચાલુ જ હતી.

‘તારા આ સ્ટેટમેન્ટથી આપણી, તારી પહેલી જ ફિલ્મ સુપરડુપર હિટ અને તારું કામ પણ પૂરું. આ જે લોકો બહાર ઊભા છે એ લોકો ઘરે જતા રહેશે.’

અચાનક યાદ આવ્યું હોય એમ ખન્નાએ ઉમેરી દીધું,

‘અરે હા, મારે અગ્રવાલ સાથે વાત થઈ ગઈ છે, તે તને બાંદરામાં જ ફ્લૅટ આપવાનો છે અને એ ફ્લૅટના ડૉક્યુમેન્ટ્સનો જે ખર્ચ છે એ ખર્ચ હું આપી દઈશ. આપણે આ બધું રાઇટ‌િંગમાં રાખીશું એટલે તારે સહેજ પણ ટેન્શન નહીં.’

નવીને ધીમેકથી હૉસ્પિટલની બારીની બહાર નજર કરી.

હજારો લોકો બહાર ઊભા હતા. તેમના હાથમાં બૅનર હતાં. તેમણે હાથ જોડેલા હતા અને તેમના હોઠ પર એક જ ભજન હતું.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ...

જે પીડ પરાયી જાણે રે...

નવીનની પાસે આવીને શાંતાએ તેનો હાથ પકડ્યો.

‘નવીન, હવે તમે બધું ટેન્શન મૂકી દો. જુઓ, તમારું સપનું પૂરું થઈ ગયું. તમને મોટી ફિલ્મ મળી ગઈ અને એ પણ અમેરિકાની ફિલ્મ...’

નવીન મહેતા, ૩૦ વર્ષથી એક મોટા સારા રોલની શોધમાં ભટકતો ઍક્ટર અને આજે તેની સામે જિંદગીના સૌથી મોટા બે રોલ ઊભા હતા. એક રોલ, સત્ય કહીને સ્ટારની જિંદગી જીવવાની તક અને બીજો રોલ, અસત્યનો સહારો લઈને લાખો લોકોનાં ઘર બચાવવા માટે આજીવન ‘ગાંધી’ બની રહેવાનો પડકાર.

નવીને પોતાની આંખો બંધ કરી. તેને ગાંધીજીના શબ્દો યાદ આવ્યા.

‘સત્ય માટે અસત્યનો ભોગ આપવો એ જ સાચો ધર્મ.’

નવીને સ્પીલબર્ગ અને ખન્ના સામે જોયું અને પછી એક સ્માઇલ સાથે તે સહેજ આગળ વધ્યો. નવીનના ચહેરા પર અકળ ભાવ હતા. ધીમેકથી નવીન શાંતા પાસે આવ્યો અને શાંતાના કાન પાસે હોઠ લઈ જઈ તેણે ધીમેકથી કહ્યું, ‘શાંતા, આજે હું મારા જીવનનું સૌથી મોટું ઑડિશન આપવા જાઉં છું. ડરતી નહીં...’

નવીનના માથા પર હજી પણ લોહીવાળો પાટો અકબંધ હતો. તેણે ખાદીનું ધોતિયું ફરીથી વ્યવસ્થિત કર્યું, આંખે ચશ્માં ચડાવ્યાં અને ફરી શાંતાની સામે જોયું.

શાંતાની આંખોમાં ડર હતો કે ક્યાંક તેનો પતિ ફરીથી એ જ ગાંડપણની દિશામાં આગળ ન વધે. બહાર જવા માટે પગ ઉપાડતાં નવીનનો શાંતાએ ધીમેથી હાથ પકડ્યો. કેટલીક વાર સ્પર્શ પણ બોલકો બની જાય છે. શાંતાના મનમાં ચાલતા ભાવ નવીન પારખી ગયો અને તેણે શાંતાની સામે જોયું.

‘શાંતા, જિંદગી આખી મેં પડદા પર ખોટું બોલીને ઍક્ટ‌િંગ કરી, પણ હવે આ ગરીબોનાં ઘર બચાવવા માટે મારે આખી જિંદગી એવો અભિનય કરવો પડશે જે સત્યથી પણ મોટો હોય. મને માફ કરજે, પણ તારો નવીન હવે ક્યારેય પાછો નહીં આવે. હવે તારે જિંદગીભર બા બનીને રહેવાનું છે.’

શાંતા સ્તબ્ધ થઈ ગઈ. નવીને આંખોથી જ તેને સંકેત આપ્યો કે તે હોશમાં છે, સભાન છે અને એટલે જ તે પોતાની ઓળખનું બલિદાન આપવા તૈયાર છે.

lll

નવીન ધીમે ડગલે બાલ્કનીમાં આવ્યો. જેવો તેનો સફેદ ખાદીધારી દેહ દેખાયો, આખું મુંબઈ ‘બાપુ અમર રહો’ના નારાથી ગુંજી ઊઠ્યું. સ્ટીવન સ્પીલબર્ગ નીચે ભીડમાં ઊભા હતા. તેની નજર નવીનની આંખોમાં હતી. એક ડિરેક્ટરની નજરથી તેઓ સમજી ગયા હતા કે વાત ભલે કંઈ પણ થઈ હોય પણ નવીનના મનમાં કંઈક જુદું ચાલે છે.

નવીને માઇક હાથમાં લીધું.

‘મારાં વહાલાં ભાઈઓ અને બહેનો, આજે મારે તમને એક સત્ય કહેવું છે.’ નવીનના અવાજમાં ગંભીરતા હતી, ‘ડૉક્ટર કહે છે કે પથ્થર વાગવાથી મારી યાદશક્તિ પાછી આવી ગઈ છે. બધા કહે છે કે હું હવે ફરી પહેલાં જેવો નવીન મહેતા બની ગયો છું.’

ભીડમાં સન્નાટો છવાઈ ગયો. પ્રોડ્યુસર ખન્ના મનોમન હરખાયા કે હવે નવીન સત્ય બોલી દેશે. નવીને આગળ બોલવાનું શરૂ કર્યું,

‘પણ સત્ય એ છે કે નવીન મહેતા એ દિવસે જ મરી ગયો હતો જે દિવસે તેણે સત્યનો માર્ગ પકડ્યો. સત્ય ક્યારેય મરતું નથી, એ માત્ર સ્વરૂપ બદલે છે. જો તમે મને પૂછતા હો કે હું કોણ છું, તો સાંભળી લો... હું એ દરેક માણસનો અવાજ છું જેની સાથે અન્યાય થાય છે, હું એ દરેક માનો આત્મા છું જેનું સંતાન લોભમાં આંધળું થયું છે.’

‘બિલ્ડરસાહેબ કહે છે કે આ જમીન તેમની છે, પણ હું કહું છું કે આ ભૂમિ ઈશ્વરની છે અને ઈશ્વરની ભૂમિ પર દરેક જીવનો સમાન હક છે. જો તમે આ ગરીબોનાં ઘર તોડશો તો તમે ઈંટ-પથ્થર નહીં પણ આ દેશનો વિશ્વાસ તોડશો. હું મારા અંતિમ શ્વાસ સુધી આ ઉપવાસ ચાલુ રાખીશ, જ્યાં સુધી આ પ્રોજેક્ટ કાયમ માટે રદ ન થાય.’

લોકોમાં ઉશ્કેરાટ અને જુસ્સો વધી ગયો. નારેબાજીઓ શરૂ થઈ ગઈ. હાજર રહેલા સૌકોઈને માટે નવીન ગાંધીએ નવેસરથી આશાવાદ જન્માવી દીધો હતો.

નવીને ઑડિયન્સમાં ઊભેલા સ્ટીવન સ્પીલબર્ગ તરફ જોયું.

‘મિસ્ટર સ્પીલબર્ગ, તમે ગાંધીજી પર ફિલ્મ બનાવવા આવ્યા છોને? તમારી એ ફિલ્મ તો બે કલાકમાં પૂરી થઈ જશે, પણ આ જે ગરીબોની જિંદગીની ફિલ્મ છે એ તો અનંત ચાલુ રહેવાની છે. હવે તમે નક્કી કરો, તમારે આ ફિલ્મના હીરો બનવું છે કે પછી આ લોકોના જીવનના વિલન?’

lll

‘તમારે આ લોકોના જીવનની ફિલ્મના હીરો બનવું છે કે પછી એ લોકોના જીવનના વિલન?’

સ્પીલબર્ગના કાનમાં નવીન ગાંધીના શબ્દો ગુંજતા હતા. નવીનનો આ પર્ફોર્મન્સ તેમને હચમચાવી ગયો હતો. તે સમજી ગયા હતા કે નવીન મહેતા હવે ‘નવીન મહેતા’ હોવા છતાં ‘ગાંધી’ બનવાનું પસંદ કરે છે અને એ પણ માત્ર લોકોના ભલા માટે.

‘એક સેકન્ડ મિસ્ટર ગાંધી...’

સ્પીલબર્ગે ઑડિયન્સમાંથી જ અવાજ કર્યો અને પછી ઉતાવળી ચાલ સાથે તે બાપુ પાસે પહોંચ્યા અને માઇક હાથમાં લીધું. માઇક પર આંગળીથી સહેજ ટકોરો માર્યો અને પછી તેણે આંખો પ્રોડ્યુસર ખન્ના તરફ માંડી ઊંડો શ્વાસ લીધો.

‘આઇ કૅન્સલ માય ફિલ્મ!’

સ્પીલબર્ગે જાહેરાત કરી અને હજારો લોકોમાં સન્નાટો પ્રસરી ગયો તો ખન્નાનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો. સ્પીલબર્ગે પોતાની વાત આગળ વધારી, ‘આ માણસ, આઇ મીન, બાપુ જે કરે છે એનાથી મોટી કોઈ ફિલ્મ, એનાથી મોટું એક્ઝામ્પલ કોઈ હોઈ જ ન શકે. આઇ ઍમ અનાઉન્સ‌િંગ, હું અગ્રવાલ બિલ્ડર્સના બધા શૅર ખરીદું છું અને એ પણ ખાતરી આપું છું કે જનતાનગરની જમીન પર કોઈ બિઝનેસ પાર્ક નહીં બને.’

લોકોના ચહેરા પર ચમક આવી ગઈ તો અનેકની આંખોમાં આંસુ આવી ગયાં.

‘જનતાનગરની જગ્યાએ હું હવે બાપુ આશ્રમ બનાવીશ જ્યાં નવીન ગાંધીના કહેવા મુજબ બધું ચાલશે અને ગરીબો સન્માન સાથે ત્યાં રહેશે, પોતાનું ઘર સમજીને.’ સ્પીલબર્ગે બાપુ સામે જોયું, ‘નવીન, યુ આર નૉટ ઍન ઍક્ટર, યુ આર અ રિયલ મહાત્મા! આઇ સૅલ્યુટ યુ...’

આખું જનતાનગર ન્યુઝ-ચૅનલો અને સોશ્યલ મીડિયા પર છવાઈ ગયું અને હૉસ્પિટલનું કૅમ્પસ ગુંજી ઊઠ્યું, ‘બાપુ અમર રહો...’

lll

બે મહિના પછી...

અંધેરીનું જનતાનગર આશ્રમમાં ફેરવાઈ ગયું હતું. ગલીઓ સાફ હતી. બાળકો ભણી રહ્યાં હતાં. નવીન ગાંધી બહાર બેસીને રેંટિયો કાંતતા. તેમની બાજુમાં બા પણ બેસતાં. આકાશે હવે નોકરી છોડી દીધી હતી. સિ‌વિલ એન્જ‌િનિયર હવે ટીચર બનીને આ બાપુ આશ્રમમાં બાળકોને ભણાવતો હતો.

‘નવીન, આ નાટક ક્યાં સુધી ચાલશે? હવે તો બધું ઠીક થઈ ગયું છે. હવે તો કહી દો કે તમે સાજા છો.’

નવીને રેંટિયો કાંતવાનું બંધ કર્યું. તેમણે ગોળ ચશ્માં નીચે મૂક્યાં અને શાંતાની આંખમાં જોયું. એ આંખોમાં હવે કોઈ ઍક્ટર નહોતો પણ એક એવો માણસ હતો જેણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું.

‘શાંતા, જો હું આજે કહી દઉં કે હું નવીન છું તો લોકોનો આ વિશ્વાસ તૂટી જશે. તેમને લાગશે કે ગાંધી હોવું, ગાંધી વિચારધારા અપનાવવી એ માત્ર બીમારી છે. શાંતા, દુનિયાને નવીન મહેતાની નહીં, ગાંધી વિચારધારાની જરૂર છે. આ મારો છેલ્લો અને સૌથી લાંબો રોલ છે. આ એવો અભિનય છે જેનો પડદો ત્યારે જ પડશે જ્યારે મારો શ્વાસ અટકશે. બાપુએ કહ્યું હતુંને, મારું જીવન એ જ મારો સંદેશ. બસ, મારું પણ હવે એ જ છે. મારું જીવન એ જ મારો સંદેશ...’

દૂર ઝાડ નીચે ભણતાં બાળકોએ હાથ જોડીને ગાવાનું શરૂ કર્યું હતું:

વૈષ્ણવ જન તો તેને કહીએ જે

પીડ પરાયી જાણે રે...

પર દુખે ઉપકાર કરે તોયે

મન અભિમાન ન આણે રે...

(સંપૂર્ણ)

columnists exclusive gujarati mid day Rashmin Shah