બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૨)

11 August, 2026 05:54 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પતિના અફેરનું સત્ય જાણ્યા બાદ આરાધના ચૂપ રહી, પરંતુ એક રહસ્યમય અઘોરીની એન્ટ્રીએ તેની જિંદગીમાં નવો વળાંક લાવ્યો.

ઇલસ્ટ્રેશન

‘આરાધના, મારે બિઝનેસ-કૉન્ફરન્સ માટે ૩ દિવસ પુણે જવાનું છે.’ 
ઑફિસ માટે તૈયાર થતા મોહિતે ઊંચા અવાજે રસોડામાં કામ કરતી પત્નીને જાણ કરવાની ઢબે કહ્યું, ‘સો પ્લીઝ કીપ માય બૅગ રેડી. આજે સાંજે નીકળવાનું છે. ઑફિસની કારમાં બાય રોડ જ જવાનું છે.’ 
‘ભલે.’ 
આરાધનાએ અંદરથી તરત જવાબ તો વાળ્યો, પણ બ્રેકફાસ્ટમાં ગરમાગરમ થેપલાં ઉતારતાં તેનો હાથ થંભી ગયો હતો.
અગાઉ તો મોહિતને બહારગામ જવાનું થતું ત્યારે પોતે કેટલા હોંશથી તેની બૅગ ગોઠવી આપતી! 
મુંબઈની જાણીતી ફાર્મા કંપનીના માર્કેટિંગ પ્રેસિડન્ટ તરીકે મોહિતને અવારનવાર આઉટસ્ટેશન જવાનું થાય. પોતાની નોકરીની આ મર્યાદાની ચોખવટ મોહિતે લગ્ન અગાઉની કરેલી: મારી જૉબમાં ફરવાનું ઘણું રહેશે. સોશ્યલ ફંક્શન, બર્થ-ડે, ઍનિવર્સરી જેવા સ્પેશ્યલ દિવસોએ પણ એકલા રહેવાની તૈયારી હોય તો જ હા ભણજો. 
ખરેખર તો મોહિતનું એ સ્પષ્ટવક્તાપણું જ ગમી ગયેલું. સત્તાવીસની ઉંમરે નોકરીમાં વાઇસ-પ્રેસિડન્ટ બની જનારો હોનહાર જ હોય. ભારોભાર દેખાવડો અને પાછો મુંબઈમાં જ સ્વતંત્ર વસવાટ. આવા મુરતિયાને કેવળ બર્થ-ડે કે ઍનિવર્સરી પર એકલા પડી જવાના કારણસર તો ઇનકાર ન જ કરાયને. બલ્કે કામ માટેના તેના કમિટમેન્ટને જોઈને એમ વિચારવાનું હોય કે આ જુવાન પત્ની પ્રત્યે લગ્નસંબંધમાં કેટલો કમિટેડ રહેશે. દામ્પત્યને પરમાવવા બીજું શું જોઈએ? 
આરાધનામાં એ સૂક્ષ્મ સમજ હતી. ભાગ્યે જ જોવા મળે એવાં રૂપ-ગુણનો સમન્વય તેનામાં હતો. મીઠીબાઈ કૉલેજની તે બ્યુટી-ક્વીન ગણાતી. તેના સુરીલા અવાજને કારણે તેને કૉલેજની લતા મંગેશકર કહેનારા પણ ઓછા નહોતા, પરંતુ એથી છકી જવાનો આરાધનાનો સ્વભાવ નહોતો. સાધારણ સ્થિતિનાં માબાપની એકની એક દીકરી તરીકે પોતાની મર્યાદાનું પણ તેને ભાન હતું. તેનો આત્મવિશ્વાસ તેના રૂપને વધુ નિખારતો. 
દીકરી તો પારકી થાપણ કહેવાય એવું માનનારાં માવતરે આરાધના બાવીસની થતાં મુરતિયા ખોળવા માંડ્યા.
...અને કાંદિવલીમાં રહેતો મોહિત આરાધનાને પણ ગમી ગયો. નવસારી રહેતાં તેનાં માબાપને પણ કન્યા ગમી ગઈ. 
વેવિશાળથી લગ્ન સુધીમાં આરાધના મોહિતના આઉટિંગથી ટેવાઈ ગયેલી એટલે લગ્ન પછી એ બાબત ક્યારેય બાધારૂપ બની નહીં. બલકે લગ્ન પછી મોહિતને પ્રમોશન મળતાં તે માર્કેટિંગ ટીમનો પ્રેસિડન્ટ બન્યો એટલે સાસરામાં આરાધનાનાં માનપાન વધી ગયાં : વહુનું પગલું શુકનવંતું છે! જોકે નવા પદથી મોહિતની વ્યસ્તતા વધતી ગઈ. ક્યારેક પિક્ચરનો પ્રોગ્રામ બનાવ્યો હોય ને મોહિત દાદરની ઑફિસથી આવી જ ન શકે, દિવાળીમાં નવસારી જવાનું પ્લાનિંગ હોય ને છેલ્લી ઘડીએ મોહિતે વિદેશ જવાનું થાય એનાથી આરાધના અકળાતી નહીં, દલીલબાજી તો ક્યારેય કરતી નહીં. એટલે પણ મોહિત તેનો કાયલ હતો : તું કેટલી સમજદાર છે! 
‘હું તો પ્રણયઘેલી છું મોહિત, પિયુની ખુશીમાં ખુશ...’ આરાધના મોહિતને વળગી પડતી અને મોહિત તેને ભીંસીને ચોમાસા જેવું વરસી પડતો. 
અને હું માનતી રહી કે આશાનગરીના ૪ બેડરૂમના આ ફ્લૅટમાં, અમારા સંસારમાં મોહિતે મને સુખમાં તરબોળ રાખી છે, પણ...
અત્યારે આરાધનાએ હોઠ કરડ્યો : ખરેખર તો મોહિતે મને સુખના ભ્રમમાં રાખી છે! અને તે તો હજીયે એવું જ માને છે કે મારો એ ભ્રમ અકબંધ છે. 
‘આરુ ડિયર, કશુંક બળતું હોય એવી સ્મેલ આવે છે.’ 
મોહિતના સાદે સાવધ થતી આરાધનાએ ઝડપથી થેપલું તવી પરથી ઉતારીને ગૅસ બંધ કર્યો. 
મારું જીવતર બળે છે, પણ એની તમને ક્યાં દરકાર છે? તમારે તો આઉટિંગના બહાને ફૂલ-ફટાકડી જેવી તમારી સેક્રેટરી સાથે રંગરેલી મનાવવી છે. 
આરાધનાનું ભીતર ભડકે બળવા લાગ્યું. 
પ્યાર અને ખુશ્બૂ છુપાયાં નથી છુપાતાં એવું કહેવાયું છે એમ લફરું પણ સદા માટે છૂપું નથી રહેતું પતિદેવ! લગ્નનાં સાડાચાર વર્ષ સુધી હું સુખી હોવાના ભ્રમમાં રહી, પણ એનો પરપોટો ૬ મહિના અગાઉ ફૂટી ગયો... એ પણ સાવ અણધારી રીતે! 
આરાધના ચચરતા જીવે સંભારી રહી: 
નવસારીથી શ્વશુરજીનો ફોન આવ્યો હતો : વહુબેટા, રેલવેના મારા કલીગ શર્માજીના દીકરાનાં લગ્ન અયોધ્યામાં રાખ્યાં છે. ત્યાં સુધી પહોંચવાનું અમારું તો હવે ગજું નહીં. મોહિત એટલો બિઝી હોય છે કે તેને કહેવાનો અર્થ નથી, પણ તમે જો જઈ શકો તો સારું. શર્માજી સાથે મારે એવા સંબંધ હતા એટલે કહું છું. 
આમાં ઇનકાર કેમ હોય. જવાનો ઉત્સાહ એટલા માટે પણ વધ્યો, કેમ કે મોહિત ત્યારે ઑફિસના કામે વારાણસી જ હતા. લગ્નમાં હાજરી પુરાવી તેમને સરપ્રાઇઝ આપી હોય તો! બનારસ જવાનું થાય ત્યારે પોતે મુખ્ય ઘાટ નજીકની ફાઇવસ્ટાર હોટેલમાં જ ઊતરે છે એવું મોહિત એકાદ વાર બોલી ગયેલા એટલે તેમને ઠેકાણું પૂછવાની પણ જરૂર નથી. દામ્પત્યમાં 
પતિ-પત્નીએ એકબીજાને આવી સરપ્રાઇઝ આપતા રહેવું જોઈએ, એનાથી મોહબ્બતની મહેક ઓસરતી નથી. 
અયોધ્યાનું ફંક્શન પતાવીને વારાણસી જવા નીકળેલી આરાધનાનો ઉમંગ માતો નથી. ટૅક્સીમાં પંક્ચર થતાં વારાણસી પહોંચતાં રાત થઈ ગઈ એ વિલંબનો પણ મનગમતો અર્થ કર્યો : હવે મોહિત પણ ફ્રી થઈ ગયા હશે, મને જોતાં જ તેમનો કામ ઊછળવાનો.
મીઠું કાંપતી આરાધનાએ પહેલી રાતની દુલ્હન જેવો ગરમાટો અનુભવ્યો. સાંકડી ગલીના કારણે ટૅક્સી ઠેઠ સુધી જઈ શકે એમ નહોતી કે પછી ડ્રાઇવરે એવું બહાનું કાઢ્યું હોય, ગમે એમ પણ નાકે ઉતારેલી આરાધનાને થતું હતું કે ઈશ્વર ઘડી પૂરતા પંખ આપે તો ઊડીને પિયુ સુધી પહોંચી જાઉં. 
lll
‘ઓહ મોહિત, યુ આર સો નૉટી! બંધ રૂમમાં તને ધરવ નથી થતો કે આમ બહાર પણ...’ 
પોતાનાથી માંડ ૨૦ ડગલાં દૂર હોટેલની પૉર્ચમાંથી નીકળીને ઘાટના ગેટ તરફ વળતા મોહિતને તેની સેક્રેટરી નીલા સાથે અંતરંગ થતો જોઈને આરાધના થીજી ગયેલી. ઑફિસ-ટૂર પર મોહિત કોની સાથે જાય છે એવું કદી પોતે પૂછ્યું નહીં, મોહિતે ક્યારેય કહ્યું નહીં. સેક્રેટરી તરીકે નીલા તેની સાથે જતી હોય એમાં અધરવાઇઝ પણ મને કશું વાંધાજનક લાગ્યું ન હોત, કેમ કે મોહિતને હું ચાહતી હતી અને તે મને ચાહે છે એવું હું માનતી હતી... અને ચાહતનું પ્રાણતત્ત્વ વિશ્વાસ છે, એના વિના એ ટકી જ ન શકે.
વારાણસીની એ રાતે મારો વિશ્વાસ તૂટ્યો મોહિત, પછી મોહબ્બત પણ કેમ રહે. 
અત્યારે દમ ભીડતી આરાધનાએ કડી સાંધી: 
બીજું કોઈ હોત તો એ રાતે હોહા મચાવીને તમાશો સર્જી દીધો હોત, પણ આરાધનાએ એવું ન કર્યું. જરાતરા કળ વળતાં તેણે ઘાટ તરફ કદમ ઉપાડ્યાં હતાં : પહેલાં તો મારે જાણવું છે કે મોહિતે કેટલી હદે મને છેતરી છે! 
ઘાટ પર ઝાઝી વસ્તી નહોતી. અંધારો ખૂણો ગોતીને એકમેકને ચીપકીને બેઠેલાં મોહિત-નીલા પર આંખ-કાન રહે એ રીતે ઝાડની આડશ લઈને આરાધના ગોઠવાઈ. 
‘આજકાલ કરતાં બે વર્ષથી તું મને જૂઠા વાયદાથી ભોળવી રહ્યો છે... બહારગામ જઈએ ત્યારે અકરાંતિયાની જેમ મારા જોબન પર તૂટી પડશે, પણ મુંબઈ પહોંચતાં જ બૈરીના પાલવમાં સંતાઈ જશે. જાણે શું હીરા દાટ્યા છે આરાધનામાં કે તારાથી તેને ડિવૉર્સ દેવાતા નથી?’ 
મતલબ બે વર્ષથી મોહિત મને છેતરી રહ્યો છે, વાત અમારા ડિવૉર્સ સુધી પહોંચી ગઈ છે... ના, આમાં હું નીલાનો વાંક નથી જોતી. ભાયખલા બાજુ ક્યાંક રહેતી સાધારણ સ્થિતિની પણ મહત્ત્વાકાંક્ષી યુવતીએ શ્રીમંત બૉસને ફસાવ્યો એવું કહેવાનો અર્થ નથી, કેમ કે મોહિતનો જ આત્મસંયમ ઓછો, તો જ તે લપસ્યાને! 
નીલાના દબાણ છતાં મોહિત મને કેમ છૂટાછેડા નથી આપતા એ પણ સમજાય એવું છે – તેમની ઇમેજ જાળવવા! 
નવસારીની ન્યાતમાં તેમનો દાખલો દેવાતો હોય છે. ઑફિસમાં પણ પોતાની છબિ જાળવવા તે સભાન રહ્યા જ હશે. સેક્રેટરી સાથેનું અફેર ત્રીજા કોઈની આંખે ન ચડે એટલી સાવધાની તેમણે રાખી જ હશે. આવો પુરુષ લફરામાં ફસાઈને આરાધના જેવી સર્વગુણસંપન્ન ગણાતી ભાર્યાને તલાક દે એમાં તેના જ નામ પર થૂ-થૂ થાય, માતા-પિતાની વઢ મળે એ જુદી એટલે મોહિતકુમાર શાના તૈયાર થાય? અને હું પણ સામેથી ડિવૉર્સ માગીને શું કામ તેને ઑબ્લાઇજ કરું? 
અત્યારે આરાધના કડવું હસી. 
પાછલા ૬ મહિનાથી મોહિતના ભ્રમની સામે મેં પણ ભ્રમ જાળવ્યો છે. બાકી મારી નજર બન્નેના મેળ પર રહેતી હોય છે. પતિ લફરાબાજ હોય ત્યારે પત્નીએ પૂરતા સાવધ અને સ્માર્ટ રહેવું ઘટે. મોહિતને જાણ જ નથી કે તેનો મોબાઇલ મેં ક્લોન કરી રાખ્યો છે અને ઑફિસ-ટાઇમ પછીના નીલા સાથેના કૉલ-ચૅટનું બૅક-અપ પણ છે મારી પાસે!
અને એટલે જ હું જાણું છું કે...
‘ક્યારની રસોડામાં શું કરે છે આરુ!’ 
મોહિત આવી ચડતાં આરાધનાએ સ્મરણસફર પર તાત્પૂરતો પડદો ઢાળી દીધો! 
lll
‘બમ-બમ ભોલે!’ 
મદિરાપાન કરતા બાબા અઘોરીનાથની કીકીમાં નશાનો રાતો દોરો ઊપસ્યો. 
એથી તો તેમનું મુખ વધારે પ્રભાવશાળી લાગે છે! સ્વામીની દરેક પ્રકારની સેવામાં માનનારા સેવક ગોરખનાથનો મોહ ઘૂંટાયો : ચાલીસની વય, જટામાં બાંધેલા કાળાભમ્મર કેશ, વિશાલ લલાટે ઝગારા મારતું ત્રિપુંડ, વશીકરણમાં માહેર કાજળઘેરી આંખો, પહોળા ખભા, અડધો ઉઘાડો પડછંદ દેહ અને ઘેઘૂર કંઠે મંત્રોચ્ચારનો અસ્ખલિત પ્રવાહ વહે ત્યારે ભાગ્યે જ કોઈ તેમનાથી અભિભૂત થયા વિના રહે. 
એટલે તો ભક્તોમાં તાંત્રિક અઘોરીનાથનું નામ છે. જોકે મંત્રતંત્ર અને મેલી વિદ્યામાં પારંગત અઘોરીનાથ પોતે બહુ પ્રચાર-પ્રસારમાં નથી માનતા : મંત્રતંત્રનાં કાર્યો ગુપ્તપણે થવાં જોઈએ. મનોર નજીકના જંગલમાં આવેલા આ નાનકડા આશ્રમમાં ભાવિકોની ભીડ હોતી નથી. બાબાના અંગત સેવક તરીકે ચાકરીમાં રહ્યે મારે તો આજે વર્ષો થઈ ગયાં. બલિ જેવાં કામો માટે બાબાજીએ તેમના જેવા જ પડછંદ ચારેક અનુયાયી રાખ્યા છે જે બાબાના આદેશે અંતરિયાળ ગામમાંથી જુવાન વહુવારુનેય ક્યારેક ઉઠાવી લાવે છે! અભણ આદિવાસી પ્રજામાં બાબાની ધાક એવી કે કોઈ ફરિયાદ નથી કરતું. બલ્કે પોતાની સ્ત્રી પર બાબાની કૃપા થઈ એવું તેઓ માને છે! 
‘બહારની મોસમ એવી છે સેવક કે અંદરનો અગ્નિ સળવળે!’
બાબાજીના સાદે ગોરખ વિચારમેળો સમેટીને સજાગ થયો. 
કક્ષની ઉઘાડી બારીમાંથી બહાર જામેલાં વાદળાંને જોઈને બાબાજીએ ઉઘાડી છાતી પર હાથ ફેરવ્યો, ‘આજે તો ભાવિકની ભાર્યા અહીં આવશેને!’ 
ગોરખ કોચવાયો. બાબાજીને સ્ત્રીના ભોગવટાની નવાઈ નથી તોય જાણે પેલી રૂપસુંદરીમાં શું ભાળી ગયા છે કે તેના આગમનની આમ વાટ જુએ છે! 
બે વાર તે બાઈ તેના પતિ સાથે આશ્રમ આવેલી. પછી ફરકી નથી. બિચારો પતિ એકલો જ આવતો હોય છે. બેશક બાબાજીએ તેને બે-ત્રણ વાર પત્નીને લાવવા સમજાવેલો : તમને સંતાન જોઈએ છે એ માટે અમુકતમુક વિધિ કરવા તમારાં પત્નીએ અહીં આવીને બે-ચાર દિવસ રોકાવું પડે. 
પણ બાઈ માનતી નહીં હોય. ગયા વખતે આવેલો ધણી બહુ ખાતરીપૂર્વક આજનો વાયદો કરીને ગયેલો એટલે બાબાજીનું મન લોલક હાલકડોલક ભલે થતું, બાઈ તો આવવાથી રહી! 
‘ફોન લગાવ તેના વરને....’ અઘોરીનાથના આદેશમાં ઉત્તેજના વર્તાઈ, ‘આજની રાતે કોઈ પણ હિસાબે તેની બૈરીની નથ ઉતારી દેવી છે!’ 
બાબાજીના નથના શબ્દપ્રયોગે સેવકને જરાતરા મલકાવી દીધો. બાબાજીનો ભગત પુરુષમાં નથી એટલે લગ્ન પછી પણ તેની પત્ની કુંવારી જ ગણાય એ સંદર્ભમાં બાબાજી નથ ઉતારવાનું બોલી ગયા. 
ગોરખે ફોન જોડ્યો. પહેલી જ રિંગમાં કૉલ રિસીવ થયો : બાબાજીનાં ચરણોમાં કાંદિવલીથી બ્રિજના પ્રણામ!

(ક્રમશઃ)

columnists exclusive Sameet Purvesh Shroff gujarati mid day