13 August, 2026 06:25 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
કોણે ધારેલું કે હું આમ વરસાદની એક રાતે કોઈનું ખૂન કરવા નીકળી પડીશ!
કાળો રેઇનકોટ પહેરતાં અનિરુદ્ધે વાગોળ્યું:
આવું ધાર્યું નીલાએ...
એકાદ ફાર્મા કંપનીમાં સેક્રેટરીની જૉબ કરતી નીલા ભાયખલા રહે છે, તેનો નાનો ભાઈ મારું ટ્યુશન લેતો એટલી ઓળખાણ અને એટલે જ તે મારા સંજોગોથી, રૂપિયાની જરૂરિયાતથી વાકેફ પણ ખરી.
તેણે મને વરલીની રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. એ કહેણ જ નવાઈપ્રેરક હતું : ‘તારા લાભની વાત છે... પાંચ લાખની. તને રૂપિયાની જરૂર છેને! તો આવજે.’
દિમાગમાં ત્યારે જ સન્નાટો છવાયેલો : માના મરણના બીજા દિવસે પાંચ લાખનો વરસાદ! કુદરતની આ કેવી ક્રૂર મજાક.
નીલાને માના મરણની જાણ નહીં જ હોય. તો જ તેણે મારી જરૂરનો હવાલો આપીને કૉલ કર્યો. જાણું તો ખરો કઈ ચાવીથી પાંચ લાખનો ખજાનો ખૂલે એમ છે?
‘મર્ડર.’
રેસ્ટોરાંમાં મળેલી નીલાએ સીધું જ કહ્યું હતું : મારા બૉસ મોહિત નથવાણીની વાઇફનું મર્ડર કરવાનું છે... લૂંટફાટ લાગે એ રીતે.
બૉસની પત્નીની હત્યામાં સેક્રેટરી ઇન્વૉલ્વ થાય પછી મર્ડરનો મોટિવ પૂછવાનો રહેતો નહોતો.
‘માય મધર પાસ્ડ અવે.’ પોતે કહેતાં તે ધ્રૂજી ગયેલી. ઓહ નો. હવે આને પૈસાની જરૂર ન રહી તો ક્યાંક મારો ભાંડો ન ફોડી નાખે.
lll
નીલા મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. આખી જિંદગી નોકરીના ઢસરડા કરવામાં તે માનતી નહોતી. ઑફિસમાં બૉસ તરીકે મોહિત સાથે ટ્યુનિંગ જામતાં સતત થતું કે પરણવું તો કોઈ મોહિત જેવાને. કાશ, મોહિત પરણ્યો ન હોત.
એમાં શું મોટી વાત છે. પરણેલાઓના ડિવૉર્સ ક્યાં નથી થતા. મોહિત-આરાધનાએ હજી ફૅમિલી પ્લાન નથી કરી. એ બને એ પહેલાં તું મોહિતની લાઇફમાં ગોઠવાઈ જા.
એ માટે તેણે બહુ મથવું ન પડ્યું. દિલ્હીની બિઝનેસ-ટૂર દરમ્યાન એક રાતે ગભરાટ થતો હોવાનું બહાનું કાઢીને નીલાએ મોહિતને પોતાની રૂમમાં તેડાવ્યો ને પાતળા ગાઉનમાં માંડ સમાતા તેના જોબનની ઝલક પુરુષને લપસાવવા પૂરતી હતી... જે હવે પત્નીને હટાવવાના પ્લાન સુધી પહોંચી હતી!
lll
‘પણ હું તમારું કામ કરીશ... કુદરતથી વધારે નગુણો થઈને બતાવીશ.’
- મારું કથન નીલાને સમજાયું નહીં જ હોય, પણ તેને રોટલાથી મતલબ હતી. માનાં ક્રિયાપાણી પછીનું મુરત પણ તેણે સ્વીકારી લીધેલું : ત્યારે અમારે પુણેની કૉન્ફરન્સનું પણ ગોઠવાઈ જાય એમ છે. એ રાતે મોહિતની વાઇફ એકલી ઘરે હશે.
હાથમોજાં પહેરતાં અનિરુદ્ધે દમ ભીડ્યો.
બિચારી મિસિસ નથવાણી જાણતી નહીં હોય કે મધરાતે મોત ત્રાટકવાનું છે!
lll
પોતે આશ્રમ પહોંચી ગયાનો બ્રિજનો ફોન આવી ગયો એટલે લજ્જાને ધરપત થઈ.
હવે બસ મનને બહેકવા દેવું છે... આશ્લેષના ઇન્તેજારમાં!
તેનું નામ જ કેટલું રોમૅન્ટિક છે અને ઍપમાં મૂકેલો તેનો ફોટો કેવો મારકણો! અમારી વચ્ચે ઍપ-થ્રૂ જ ચૅટ થઈ છે, પોતે દસ-અગિયાર વાગતાં સુધીમાં આવી જશે એવું તેણે કહ્યું છે... હવે જલદી તે આવે!
lll
સમય : રાતના અગિયાર.
સ્થળ : મનોર.
‘સેવક, બ્રિજ સૂતો કે નહીં!’
પોતાના અંગત કક્ષમાં અધીરાઈથી આંટા મારતા અઘોરીનાથે ગોરખને આવેલો જોતાં જ પૂછ્યું.
તેમના પ્રશ્ને ગોરખની પાછળ પણ તેની જાણ બહાર બાબાજીને પ્રણામ કરવાના આશયથી દોરાતા બ્રિજને મલકાવી દીધો : બાબાજીને કેટલી ચિંતા છે મારી!
પોતાની ઊણપ વિશે બ્રિજ ચડતી જુવાનીથી સભાન હતો. મેડિકલ તપાસે નપુંસકપણા પર મહોર મારી ત્યારે આપઘાતના જ વિચાર આવેલા, પણ પછી જોશીના ભવિષ્યકથને જિજીવિષાને ટેકણ મળી ગયું. લગ્ન માટે લજ્જા પર કળશ ઢોળવાનું કારણ હતું તેનું રૂપ. તે શયનેષુ રંભા બનીને મને રીઝવે તો શક્ય છે મારી મર્દાનગી ફૂટી નીકળે.
એવું જોકે બન્યું નહીં. લજ્જાએ છેવટે સત્ય જાણ્યું, જાણીનેય તેણે, ભલે જે કોઈ કારણે, મારી એબ છુપાવી રાખી છે એ અહેસાન કંઈ જેવો તેવો નથી.
એટલે પણ મારી ઊણપ દૂર કરવા જ્યાં આશાકિરણ દેખાય ત્યાં દોડી જાઉં છું. આમાં બાબાજી પર આસ્થા બેસી ગઈ છે. આજે ભારે વરસાદ છતાં પોતે આશ્રમમાં આવી પહોંચેલો એટલે બાબાજી કેટલા ખુશ થઈ ગયેલા. ઓરડીમાં સૂતાં પહેલાં બાબાજીને પ્રણામ કરી લઉં, લજ્જા ન આવી એની વધુ એક વાર માફી પણ માગી લઉં...
આસ્થાભાવે બ્રિજ આગળ વધે છે ત્યાં કક્ષમાંથી ગોરખનો જવાબ સરી આવ્યો, ‘આપના પ્રસાદ તરીકે ઘેન ભેળવેલું કેસરવાળું દૂધ બ્રિજને આપીને આવ્યો છું... અત્યારે તો તે ગાઢ નિદ્રામાં પોઢી ચૂક્યો હશે!’
ઘેનવાળું દૂધ! બ્રિજના ચિત્તમાં ગોરખે આપેલો તાંબાનો લોટો ઝબક્યો. બાબાજીને મળવું હતું એટલે પોતે હજી એનું આચમન નથી કર્યું, પણ પ્રસાદમાં ઘેનની મિલાવટ શું કામ.
‘સુંદરે બ્રિજની ગાડીની ટૅન્ક ફુલ કરી દીધી છે બાબાજી, પણ વરસાદી રાતમાં મુંબઈ જવા જેવું...’
બ્રિજ આંચકો ખાઈ ગયો : બાબાજી મને ઊંઘાડી મારી જ કાર લઈને મુંબઈ જવા માગે છે? કેમ!
‘જવાનું એટલે જવાનું!’ બાબાજીનો સાદ બોલકો બની ગયો, ‘મેં કહ્યું’તુંને... કે આજની રાત લજ્જાની નથ ઉતારવી છે મારે!’
હેં!
lll
સમય : મધરાત.
ચોથા માળે લિફ્ટ અટકવાના અવાજે ૪૦૨માં છુપાયેલી આરાધનાને ઝોકામાંથી ઝબકાવી દીધી. સજાગ થઈને અધખૂલી રાખેલી બારીમાંથી નજર નાખતાં સહેમી જવાયું. કાળો કોટ પહેરેલો આદમી ગ્લવ્ઝ કાઢીને પાણી નિતારતો દેખાયો. પોતાની તરફ તેની પીઠ હતી એટલે ચહેરો ન દેખાયો, પણ આટલા વરસાદમાંય તે આવ્યો એટલે ડીલમાં પાકો ગણવો પડે.
પણ મને મારવા આવનારા, તને ઝડપવા હું તૈયાર છું. આરાધનાએ બાજુમાં રાખેલી લાકડી પર પંજો કસ્યો.
ત્યાં પેલાએ ડોરબેલ રણકાવતાં અચરજ ઘૂંટાયું. મોહિતે કિલરને ડુપ્લિકેટ ચાવી આપી જ હોય... ખૂન કરવા આવનારો આમ ડોરબેલ મારીને કોઈને જગાડે શું કામ!
ખાસ્સી પાંચેક મિનિટ વીતી ગઈ. વચમાં તેણે મોબાઇલ કાઢીને મચડી જોયો, પણ દરવાજાનું લૉક તોડવાની કોશિશ સુધ્ધાં ન કરી એટલે આરાધના ઊલટી વહેમાઈ : ક્યાંક તે મારી ઊંઘનો અડસટ્ટો કાઢતો હોય... કદાચ તેના કોઈ સાથીની રાહ જોતો હોય...
આ તર્કે આરાધનાને ઉતાવળ કરવા પ્રેરી. અવાજ વિના ફ્લૅટનો દરવાજો ખોલીને તેણે અચાનક પાછળથી સાદ દીધો : હું અહીં છું જનાબ!
તેના અવાજથી ચોંકી ઊઠેલો આદમી ઊલટો ફરે છે ત્યાં આરાધનાએ હાથમાંની લાકડી ઘુમાવી : લેતો જા!
‘અરે, તું છે!’ આદમી ડઘાયો. ત્યાં માથા પર અફળાવા જતી લાકડીનો ખ્યાલ આવતાં વાંકો વળ્યો તોય લમણે જોરમાં ઘા તો થયો જ.
તમ્મર આવી ગયાં. આરાધનાએ કમરે વીંટાળેલું દોરડું કાઢ્યું.
lll
સમય : મધરાત.
લિફ્ટનો દરવાજો સરકવાના સાદે લજ્જાના બદનમાંથી ઉત્તેજનાની લહેર દોડી ગઈ. વરસાદે જોર પકડતાં મને તો હતું કે આશ્લેષ નહીં આવે... મોબાઇલમાં નેટવર્ક પણ ડાઉન છે એટલે સંપર્ક પણ થયો નહીં, પરંતુ દેર આએ દુરસ્ત આએ!
અંગેઅંગમાં કામ ચટકા દેતો હોય એવી અધીરાઈથી લજ્જાએ જ દરવાજો ખોલી નાખ્યો, ‘વેલકમ...’
તેની ચેષ્ટાએ લૉક તરફ ઝૂકેલા આગંતુકને ભડકાવ્યો, હાથમાંથી ચાવી સરકી ગઈ અને ટટાર થતાં લજ્જા પર નજર પડતાં જ તે બોલી ઊઠ્યો : તું છે!
તેને નિહાળતી લજ્જામાં પણ ઓળખ ઊપસી : આ તો એ જ... આગિયાના ચમકારા જેવો છોકરો.
‘અનિરુદ્ધ, તું - તમે!’
lll
અનિરુદ્ધ એસ્કોર્ટ બની ગયો!
રસોડામાં કૉફી બનાવતી લજ્જાએ નવાઈ ઘૂંટી.
ઍપ પર તો નામ આશ્લેષ હતું, ફોટો પણ કોઈ બીજાનો જ હતો. મે બી, AI જનરેટેડ હશે. ‘આવા’ કામમાં લોકો ઓળખ છુપાવે જ એમાં ખોટું પણ શું છે?
સવાલ એ છે કે અનિરુદ્ધ સમક્ષ હું નિરાવૃત થઈ શકીશ ખરી! તે પણ કદાચ મારા જેવી જ અવઢવ અનુભવતો હશે.
પેલી વરસાદી રાત તેને યાદ હશે ખરી!
lll
બહાર બેઠેલા અનિરુદ્ધની મૂંઝવણ જરા જુદી હતી.
મારે લજ્જાની હત્યા કરવાની? કિલર તરીકે મારું બિનઅનુભવીપણું ઉજાગર થઈ ગયું. કાશ, ટાર્ગેટનું નામ જાણવાની કે ફોટો જોવાની ચોકસાઈ મેં રાખી હોત તો...
તો ચોક્કસ લજ્જાને ચેતવી દેત. આખરે મા વહુનો ઉલ્લેખ કરતી ત્યારે એક ગામ, એક નામ, એક વરસાદી રાત સાંભરી આવતી એમાં રહેલું નામ લજ્જાનું હતું.
તેનું તિઘરા ગામ એ મારું મોસાળનું ગામ. જોકે નાનાજીના દેહાંત બાદ જવાનું બનતું નહીં. સત્તરના ઉંબરે તિઘરા જવાનું બન્યું મનોજનાં લગ્ન નિમિત્તે.
ખરેખર તો નાનાજીના પડોશમાં રહેતો મનોજ મારાથી સાતેક વરસ મોટો, પણ નાનપણમાં સાથે રમતા એ યાદ રાખીને તેણે ખાસ લગ્નનું નિમંત્રણ પાઠવતાં પોતે ૩ દિવસ માટે ગયેલો.
જૂન-જુલાઈના વરસાદના દિવસો હતા. પહોંચ્યાના પહેલા જ દિવસે મનોજના ઘરના ઝાંપામાં દાખલ થતાં લજ્જા જોડે અથડાઈ પડાયું. ત્યારે તે પણ હશે પંદર-સોળની. મારાં કદકાઠી વીસ-એકવીસના જુવાન જેવાં લાગતાં તો તેના અંગે પણ યૌવન પુરબહાર હતું. ઘડીભર તારામૈત્રક રચાયું ને મારી નજર તેના સરકી ગયેલા દુપટ્ટા પર જતાં તે શરમાઈને સરકી ગયેલી... અંગે જુવાનીની પહેલી કસક ત્યારે ફૂટેલી.
તે જોકે દૂરના મહોલ્લામાં રહેતી એટલે બાળપણમાં તેની સાથે રમવાનું બન્યું નહીં હોય, પણ મનોજનાં લગ્નમાં તેની સાથે નજર ટકરાતી રહી. હોઠે સ્મિત ફરકી જતું. પંગતને પીરસવામાં અમે સાથે થઈ જતાં, થોડીઘણી વાતો થતી.
અને બીજી રાતે ગરબાના પ્રોગ્રામમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. બીજા તો છાપરા નીચે દોડી ગયા, પણ હું માઇક-સ્પીકર ઠેકાણે મૂકવામાં રોકાયો એમાં પૂરેપૂરા પલળી જવાયું.
અને મેડીની રૂમમાં ભીનાં વસ્ત્રો ઉતારું છું ત્યાં લાઇટ ગઈ. અંધારામાં કોરાં વસ્ત્રો માટે ફાંફાં મારું છું ત્યાં અચાનક રૂમનો અટકાવેલો દરવાજો ઊઘડ્યો, ફાનસના અજવાળા સાથે તે દેખાઈ... લજ્જા! આભલાંવાળાં ચણિયાચોળીમાં કેવી મદભરી લાગી!
ક્ષણાર્ધનું એ સુખ રહ્યું ને એ ‘ઓ મા!’ કરતી ઊલટી ફરીને ભાગી ત્યારે ધ્યાન ગયું કે પોતે સાવ દિગંબર અવસ્થામાં હતો. ફાનસના અજવાળામાં તે મને સાંગોપાંગ જોઈ ગયાનાં શરમ-સંકોચ ઘેરી વળ્યાં. પછી લજ્જાને જોવા-મળવાનું થતું ને આંખો ઢળી જતી.
‘દોડી-દોડીને તેં પ્રસંગ સાચવ્યો દીકરા...’ લગ્ન પતાવીને જાન પરત થઈ ત્યારે મનોજની માએ મારો આભાર માનવાની ઢબે કહેલું, ‘તને પરણનારી બહુ સુખી થવાની.’
‘એમાં મને શંકા નથી...’ ત્યારે બાજુમાં ઊભેલી લજ્જા મારા કાનોમાં ગણગણી હતી... તેનાં નયનઉલાળામાં કશુંક એવું હતું જેણે મને શરમથી રાતોચોળ કરી મૂક્યો.
અને વાત ત્યાં પતી ગઈ.
અત્યારે ઊંડો શ્વાસ લેતાં અનિરુદ્ધે કડી સાંધી : બીજી સવારે મુંબઈ પરત થયા પછી ક્યારેય તિઘરા જવાનું બન્યું નહીં, પણ લજ્જા માટે કુમળી કસક હંમેશાં રહી.
આજે તેને મારવા માટે મારે જ આવવાનું થયું એ કેવો સંજોગ! અફકોર્સ, લજ્જાને હું મારી શકું જ નહીં... નીલાને અઢી લાખનું ઍડ્વાન્સ પરત કરી દઈશ અને લજ્જાને ચેતવતો જઈશ.
એ જ વખતે લજ્જા કૉફી લઈને આવી.
બે-ત્રણ સિપ લઈને લજ્જાએ જ બોલવાની પહેલ કરી, ‘ફરી તને આમ મળવાનું થશે એવું ધાર્યું નહોતું.... ના, મને તારા ધંધાની છોછ હશે એવું ન માનીશ. જેને સુખની અપૂર્ણતા હોય તેના માટે તો તમારી સર્વિસ વરદાન જેવી ગણાય.’
‘લજ્જા?’ અનિરુદ્ધે આઘાત અનુભવ્યો, ‘મારી સર્વિસને તું વરદાન જેવી કહી જ કેમ શકે? આઇ મીન, રિયલી યુ ગ્રાન્ટ, યુ મર્ડર?’
મર્ડર! લજ્જાને અંતરાશ આવી.
‘યસ, મર્ડર. તારા પતિનું તેની સેક્રેટરી નીલા સાથે લફરું છે અને તને રસ્તેથી હટાવવા મને મોકલ્યો છે.’
લજ્જા ફાટી આંખે અનિરુદ્ધને નિહાળી રહી.
(ક્રમશઃ)