બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૫)

14 August, 2026 06:19 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

બે પરિવારોની જિંદગી એક સરનામાની ભૂલથી બદલાઈ જાય છે. હત્યા, છેતરપિંડી અને સંઘર્ષ વચ્ચે પ્રેમ, મિત્રતા અને બલિદાનના સંબંધો નવા વળાંક લે છે. અંતે સત્યનો વિજય થાય છે અને જીવનમાં સુખ પાછું ફરે છે.

ઇલસ્ટ્રેશન

હવે શું?
બાબાજીની નીયત ઉઘાડી પડ્યા પછી તેમનો કાંઠલો ઝાલવાને બદલે પોતાની ઓરડીમાં આવીને બ્રિજ મૂંગાં આંસુ સારતો રહેલો, દૂધ ગટરમાં ઢોળીને સૂવાનો ડોળ કરતો પડી રહેલો; પણ જીવને જંપ નથી. 
ક્યાં સુધી મર્દાનગી મેળવવાના મૃગજળ પાછળ દોડતો રહીશ? એના કરતાં તારી ઊણપ સ્વીકારીને લજ્જાને છૂટી કર તો તેનો ભવ સુધરે.
વિચારવલોણું ચાલતું હતું ત્યાં કોઈના પગરવે બ્રિજને સચેત કરી દીધો. ડોકિયું કરીને ગોરખ નીકળી ગયો એટલે ઓઢવાનું ફગાવીને બ્રિજ સફાળો બેઠો થયો. આશ્રમના આંગણામાં પડતી બારી સહેજ ખોલીને નજર નાખી : વરસાદ ઘેરાયો છે, સુંદર કારમાં ગોઠવાઈ ગયો છે, કક્ષ તરફથી બાબાજી આવી રહ્યા છે ને ગોરખ તેમને કહી રહ્યો છે : બ્રિજ ઘોડા વેચીને સૂતો છે, આપણા આવવા પહેલાં નહીં ઊઠે! 
‘આપણા આવવા પહેલાં!’ બાબાજી હસ્યા, ‘તું શું માને છે, જુવાનીનો સ્વાદ ચાખ્યા પછી સુંદરી મને એમ છોડશે ખરી!’
તેમના હાસ્યમાં મર્દાનગીનું ગુમાન હતું. બ્રિજ સમસમી ગયો. નહીં, મારા ભરોસાની કિંમત હું લજ્જાને તો નહીં જ ચૂકવવા દઉં! અરે, બાબાજી જેવા વહેશીના હાથે બીજી કોઈ પણ લજ્જા બરબાદ શું કામ થાય. 
હોઠ કરડતાં બ્રિજની નજર ચમકી. બારી બહાર ફૂલોના ક્યારા આગળ ખેતીનું ઓજાર પડ્યું હતું. સાવચેતીથી એ કબજે કરીને બ્રિજે ચીસ નાખી : બા...બા...જી...! 
મધરાતના સન્નાટામાં ગુંજેલી ચીસે બહાર ત્રણેનાં કાળજાં કંપાવી દીધાં. 
ગોરખ બ્રિજની ઓરડી આગળ ધસી આવ્યો. જોયું તો ‘બાબાજી’ના નામની ચીસો નાખતો બ્રિજ ઘૂંટણિયે બેસીને ધૂણતો દેખાયો. 
‘બાબાજી, આ તો માતા આવ્યાં હોય એવો ધૂણે છે.’ 
ગોરખના સાદે અઘોરીનાથ ઓરડી તરફ વળ્યા. ઉંબરે આવીને જોયું તો તે પણ મૂંઝાયા : બ્રિજ આટલો જોશમાં કેમ ધૂણે છે? ક્યાંક ઘેનની જડીબુટીની આડઅસર તેના દિમાગ પર તો નહીં થઈ હોયને! 
લાંબાં ડગલાં ભરતા અઘોરીનાથ બ્રિજની સામે ઊભા રહ્યા. તેના ખભા પર હાથ મૂકતાં સહેજ વાંકા વળ્યા કે ખચાક!
સાથળના મૂળની વચ્ચે દાતરડાના એક જ ઘાથી બ્રિજે તેમની મર્દાનગી ઉતરડી નાખી. 
કારમી પીડાથી ચીખી ઊઠતા અઘોરીનાથની આંખે અંધારાં આવી ગયાં. 
‘હવે તુંય મારા જેવો નપાણિયો બની ગયો અઘોરી. હવે જઈ જો લજ્જા પાસે.’ 
બ્રિજના ખડખડાટ હાસ્યે ગોરખનો આઘાત ઓસર્યો : તેં મારા અઘોરીને... 
બ્રિજ તરફ ધસી જઈને ગોરખે દાતરડું ખૂંચવવા આંચકો માર્યો ને ઘડીકમાં ઓરડીમાં બે બળિયા બાથે વળગ્યા જેવું દૃશ્ય સર્જાઈ રહ્યું. 
lll
પાણીની છલકે તેને ધીરે-ધીરે હોશ આવ્યા. 
પોતે ખુરસી પર બંધાયો છે ને મને તેડાવનારી સામે જમાદારની જેમ ઊભી છે. 
વેલ, એસ્કોર્ટ તરીકેનાં આટલાં વર્ષોમાં પોતાને ભાતભાતના અનુભવ થયા છે. આણે મને બાંધી રાખ્યો છે એટલે મારા પર બળાત્કાર કરવાની ફૅન્ટસીથી સુખ પામવાની તેની મનસા હશે?  
આરાધનાને મેં આવી નહોતી ધારી.
આશ્ળેષથી હળવો નિઃશ્વાસ નખાઈ ગયો. અમે બન્ને કૉલેજમાં સાથે હતાં એ કદાચ આરાધનાને યાદ પણ નહીં હોય. જોકે અપ્સરા જેવી રૂપાળી કન્યાના ચાહનારા હરકોઈ હતા અને કાયાનાં કામણને વટલાવતો થયા પછી મારે એ રસ્તે જવાનું જ ક્યાં રહ્યું? 
આજે દીર્ઘ અંતરાલ પછી હૈયાને મુગ્ધાવસ્થામાં ગમી ગયેલી કન્યા મળી તો ગ્રાહકના રૂપમાં!
‘મેં તને આવી નહોતી ધારી આરાધના...’ આશ્ળેષથી બોલાઈ ગયું, ‘આપણે કૉલેજમાં સાથે ભણેલાં, યાદ નથી?’
હવે આરાધનાએ આશ્ળેષને ધ્યાનથી નિહાળ્યો, કપાળે ઓળખની હળવી કરચલી ઊપસી : કોણ, આશ્ળેષ તો નહીં!
આરાધના સામી ખુરસીએ ગોઠવાઈ, તેના ચહેરા પર આઘાત વર્તાયો, ‘તું મને કહે છે, પણ ખરું પૂછો તો મેં ક્યારેય ધાર્યું નહોતું કે કૉલેજમાં જે છોકરાને હું આશાસ્પદ માનતી હતી તે આવા ધંધામાં પડશે.’
પોતે આરાધનાના ધ્યાનમાં હતો એની ખુશી પર ધંધાના ઉલ્લેખે પાણી ફેરવી દીધું હોય એમ આશ્ળેષ સહેજ ઝંખવાયો, ‘કોઈ પણ વ્યક્તિ ખુશીથી આવા ધંધામાં નથી જોડાતી...’ 
‘કોઈ દલીલે તારા ધંધાને જસ્ટિફાય ન કરીશ...’ આરાધના સહેજ તપી ગઈ, ‘મજબૂરીમાં તેં તારા આ ખૂબસૂરત જિસ્મને બજારમાં મૂક્યું હોત તો હું એને તારી ઊજળી બાજુ ગણત...’ 
ખરેખર! આશ્ળેષે અંતરમાં હળવાશ પ્રસરતી અનુભવી. ત્યાં આરાધના તાડૂકી, ‘પણ તું તો બીજાના પ્રાણ લેવાના કામને બિઝનેસ બનાવી બેઠો - કૉન્ટ્રૅકટ કિલર બની બેઠો.’
હેં! 
‘તું મારા વરનું પ્યાદું બનીને આવ્યો, પણ વરજીનો પ્લાન હું આગોતરો જાણી ચૂકેલી એટલે તો તને ઝડપી શકી. હવે તું પોલીસમાં ગવાહી દે એટલે...’ 
‘સ્ટૉપ ઇટ!’ આશ્ળેષે તેને રોકવી પડી, ‘હું કિલર નથી, ફૉર શ્યૉર. બલ્કે એસ્કોર્ટ તરીકે તારા કૉલે આવ્યો છું. મારા ફોનમાં ફલાણી ઍપ ખોળીને આપણી ચૅટ જો... તારો ફોટો દેખાડ્યો નથી, પણ નામ બનાવટી - લજ્જા આપ્યું છે... મને તારા ઘરે અહીં જ તેડાવ્યો છે - આશાનગરી, ચોથા માળે, ફ્લૅટ-નંબર ૪૦૧.’
આરાધના ઘડીક આસુના ફોનને, ઘડીક આશ્ળેષને તાકી રહી. શંકા ઓગળી, દ્વિધા ઓસરી. પછી તેના હોઠ ઊઘડ્યા, ‘તેં આશાનગરી કહ્યુંને; પણ અમારા બિલ્ડિંગનું નામ આશાનગર છે, આશાનગરી નહીં.’ 
આશ્ળેષને ગૂંચવાતો ભાળીને આરાધનાએ ફોડ પાડ્યો, ‘ખરેખર તો આગલી-પાછલી ગલીમાં આવેલાં બે બિલ્ડિંગનાં લગભગ સરખાં નામને કારણે ડિલિવરી બૉયથી માંડીને GPS સુધીના સૌએ ગોથાં ખાધાં હોવાના અઢળક કિસ્સા બની ચૂક્યા છે... તારે જવાનું હતું પાછલી ગલીમાં, આવી ગયો અહીં.’ 
આરાધનાએ આશ્ળેષને બાંધેલી રસ્સીનો છેડો ખોલ્યો, ‘હવે બોલ આસુ, વેલકમ ડ્રિન્કમાં આ મોસમમાં વ્હિસ્કી લઈશ...’ તે હસી, ‘સમજી ગઈ, તું કૉફીનો જ ઘરાક છે.’
આશ્ળેષના ચહેરા પર સ્મિત ફરકી ગયું. 
lll
બિલ્ડિંગના નામની આવી સમાનતા! 
અનિરુદ્ધ ડઘાયો. 
‘હું મિસિસ નથવાણી નથી, મિસિસ શુક્લા છું. મારા પતિ સારી પોસ્ટ પર છે, પણ તેમને કોઈ સેક્રેટરી છે જ નહીં...’ મર્ડરની વાતે ચોંકેલી લજ્જાના ખુલાસાએ અનિરુદ્ધ ગૂંચવાયેલો : આ કેમ બને! નીલાએ તારા મર્ડરની અડધી કિંમત ચૂકવી છે... અહીંનું જ ઍડ્રેસ આપેલું - આશાનગર, ચોથા માળે, ફ્લૅટ-નંબર ૪૦૧.’ 
એવી જ લજ્જાને ગડ 
બેઠી : ત્યારે તો તેં બિલ્ડિંગમાં થાપ ખાધી. આ બિલ્ડિંગનું નામ આશાનગરી છે...’
હે ભગવાન. વરસાદી રાતે પોતે ખોટા સરનામે આવી ચડ્યો એમાં કુદરતે લજ્જાનો મેળ કરાવીને મને હત્યાના પાપમાંથી ઉગારી લીધો? ના, કુદરત પર ભરોસો બેસતાં હજી વાર લાગશે, આ તો સ્વર્ગમાંથી મારી માના આશિષનો જ પ્રતાપ. 
અને અનિરુદ્ધને સાંભરી આવ્યું, ‘લજ્જા, તું કઈ સર્વિસને આશીર્વાદરૂપ ગણાવતી હતી? મને લાગ્યું કે તને પણ કોઈનો ઇન્તેજાર હતો - રાઇટ!’ 
લજ્જાએ ઊંડો શ્વાસ લીધો. ના, અનિથી કશું છુપાવવું નથી. એક વાર અજાણતાં જ તેના અંગતની હું સાક્ષી બની છું, આજે નિરાવૃત થવાનો મારો વારો છે... ના, વસ્ત્રોની મર્યાદા હટાવીને હું અનિની નજરમાં હલકી નહીં બનું, પણ મન આડે આજે કોઈ પડદો નહીં રાખું...
 ‘લાંબી વાત છે અનિરુદ્ધ. કૉફીનો બીજો રાઉન્ડ કરીએ?’
lll
- ત્યારે ઑફિસની કાર લઈને 
ટ્રાફિક-જૅમમાં અટવાયેલાં મોહિત-નીલા ઘાટના રસ્તે પહોંચ્યાં છે. ભયાનક વરસાદમાં નજર સામેનું ન દેખાય એવી હાલત હતી, પણ બેઉનાં દિમાગ જુદા જ નશામાં તર હતાં.
‘અત્યારે તો ધૅટ અનિરુદ્ધે આરાધનાને પતાવી દીધી હશે...’ 
કામ પત્યા પછી કોઈ જાતનો સંપર્ક કરવાની તેને ના પાડી છે એટલે તેના ફોનની અપેક્ષા પણ નહોતી. મોહિતને આરાધનાના મર્ડરના ખબર મળે ત્યારે પહેલી વાર સાંભળતો હોય એવો આઘાત સામાને વર્તાવો જોઈએ. 
‘હોપ સો...’ મોહિત બોલ્યો અને એ જ ક્ષણે આભમાં ચમકેલી વીજળીમાં ઘાટની ધસી પડતી માટીના દૃશ્યે બેઉની ચીસ સરી ગઈ... 
આખરી ચીસ! 
lll
બહાર રાતભર વરસાદ વરસતો રહ્યો અને એક ગલીના અંતરે આવેલાં બે ઘરોમાં અંતરના ઊઘડતા ઘા પર લાગણીનો છંટકાવ થતો રહ્યો. 
અનિ મર્ડર કરવા તૈયાર થયો એથી લજ્જાએ દરવાજો દેખાડવાને બદલે આળા હૈયાની મલમપટ્ટી આદરી. આશ્ળેષના એસ્કોર્ટ બનવા પર નારાજગી જતાવવાને બદલે આરાધનાએ પિતા માટે સઘળું કરી છૂટવાની પ્રતિબદ્ધતા બિરદાવી. ન લજ્જા એસ્કોર્ટ તેડાવે એમાં અનિને સંસ્કારનો લોપ થતો લાગ્યો, ન આરાધના પતિની બાજી ખુલ્લી કરવા માગે એમાં આસુને કશું 
ગલત જણાયું... બલ્કે બન્નેએ બન્ને સ્ત્રીઓને એકસરખો સધિયારો 
પાઠવ્યો : તારા ભવિષ્યનો ફેંસલો તારે કરવાનો, પણ તારા દરેક ફેંસલામાં મિત્રની રૂએ મને સાથે જાણજે.
અને કોઈએ કહ્યું છેને, મૈત્રી પ્રણયનું પહેલું પગથિયું છે.
lll
એક રાતમાં વરસીને થાકી ગયો હોય એમ પરોઢિયે વરસાદે પોરો ખાધો ત્યારે... 
સોફાની બેઠકને અઢેલીને ઝોકું ખાતી આરાધના સફાળી ઝબકી ગઈ. સામા સોફા પર પડખું ફરી સૂતા આસુને ઢંઢોળ્યો, ‘આપણે એક બાબત ચૂકી ગયાં આસુ.’ 
તેના સ્વરના ફડાકાએ આશ્ળેષને જાગૃત કરી દીધો. 
‘સરનામું ચૂકીને તું અહીં આવ્યો એમ કિલર ધૅટ લજ્જાને ત્યાં પહોંચ્યો હોય તો...’ આરાધના ફિક્કી પડી.  
‘લેટ્સ ગો ધેર...’ આસુને પણ શક્યતાની ગંભીરતા અકળાવી ગઈ. 
બન્ને જવા નીકળે છે કે ડોરબેલ રણકી. 
આરાધનાને તેના પતિ બાબત ચેતવવા અનિરુદ્ધ-લજ્જા આવી પહોંચ્યાં હતાં. 
lll
‘આ ઍડ્રેસની અદલાબદલીનો કિસ્સો નથી, ખરેખર તો કિસ્મતની કહાની છે... એ જ બન્યું જે બનવાનું હતું, જે આપણા ચારેય માટે શુભ હતું.’ 
અનિરુદ્ધના સારમાં સાક્ષી પુરાવતો લજ્જાનો ફોન રણક્યો. 
‘કોણ, મિસિસ બ્રિજ બોલો છો? હું મનોર પોલીસચોકીથી ઇન્સ્પેક્ટર સોલંકી... એક બૂરા ખબર છે.’ 
લજ્જાનું હૈયું ધડકી ગયું. 
બાબાજી મને ભોગવવા મુંબઈ આવવાના હતા એ જાણી ગયેલા બ્રિજે દાતરડાના ઘાથી બાબાનું પુરુષાતન વાઢી નાખ્યું... અને પછી ગોરખ સાથે લડતાં-લડતાં તેને પતાવીને પોતે પણ પ્રાણ ત્યજ્યા એ જાણીને લજ્જા ધબ દઈને બેસી પડી. 
lll
ખરેખર તો બાબાજીને બચાવવા હોય તો મેડિકલ એઇડ જરૂરી હતી એટલે સુંદરે ઍમ્બ્યુલન્સ તેડાવી. મારફાડનો કેસ જોતાં પછી તો પોલીસની એન્ટ્રી થઈ... બ્રિજે જોકે રસ્તામાં જ દમ તોડ્યો હતો. 
ધારો કે આશ્ળેષ-અનિ સરનામું ચૂક્યાં ન હોત તો બ્રિજ જ્યારે મારી આબરૂ બચાવવાનો પતિધર્મ નિભાવતો હતો ત્યારે હું પત્નીધર્મ નેવે મૂકીને પરપુરુષની સોડમાં હોત... અને તો હું ક્યારેય ખુદને માફ કરી શકી હોત ખરી. 
અનિના ખભે માથું ઢાળીને લજ્જા આંસુ વહાવી રહી : લગ્નનાં બે વર્ષનો હિસાબ બ્રિજે એક રાતમાં સરભર કરી નાખ્યો. બ્રિજ કાપુરુષ નહોતો અનિ, પત્ની પર નજર બગાડનારની મર્દાનગી વાઢી લે એવો સવાયો મરદ હતો.’ 
અનિરુદ્ધે ડોક ધુણાવી. 
‘બીજા પણ ખબર છે...’ વૉટ્સઍપ જોતી આરાધનાનો સ્વર ધ્રૂજ્યો : ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભૂસ્ખલન થવાથી કેટલીયે ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો... યુ નો, મોહિત-નીલા પણ આ જ રસ્તે...’ 
થોડા કલાકમાં આનું પણ કન્ફર્મેશન મળી ગયું. પત્નીને સ્વર્ગે મોકલવાનો પ્લાન ગોઠવીને શહેર છોડનારાં મોહિત-નીલાને અંદાજ પણ કેમ હોય કે આરાધના તો બચી જવાની છે, પણ મોત મારગમાં તેમની વાટ જોતું બેઠું છે! જેવાં જેનાં તકદીર, બીજું તો શું.
lll
કથાના ઉપસંહારમાં એટલું કે 
બ્રિજના બલિદાને તેની ઊણપ ક્યાંય 
ગવાય નહીં એની ચોકસાઈ લજ્જાએ 
રાખી. બ્રિજને આનાથી વિશેષ 
શ્રદ્ધાંજલિ શું હોય? આરાધનાએ પણ મોહિત-નીલાના આડા સંબંધને ઉછાળવાનું ટાળ્યું. શી જરૂર? અનિરુદ્ધ લજ્જાના અને આશ્ળેષ આરાધનાના પડખે રહ્યા. આશ્ળેષે એસ્કોર્ટશિપ છોડીને અનિ સાથે કોચિંગ ક્લાસ શરૂ કર્યા છે. નામર્દ બનેલા બાબાજીની ડાગળી ખરા અર્થમાં ચસકી ગઈ. જેવાં જેનાં કરમ. 
અનિ-લજ્જા અને આસુ-આરાધના પરણ્યાં. લજ્જાની પ્યાસને ચોમાસું મળ્યું, આરાધનાના શ્વાસોને વિશ્વાસ. પછી તેમના જીવનમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી.

(સમાપ્ત)

columnists exclusive Sameet Purvesh Shroff gujarati mid day