ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 2)

13 December, 2021 03:05 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘તારે કોઈની ટકટક સહેવી ન હોય રિયા, તો તેને તારા સંસારમાંથી દૂર કરવાની હોશિયારી પણ તારે જ રાખવી - કેળવવી રહી. બાકી ટેઇલર-મેડ સુખ જેવું કાંઈ જ હોતું નથી.’

ભાભી

બે મહિના!
રાત્રિ વેળાએ પોતાના માસ્ટર બેડરૂમના પલંગ પર પડતું નાખતી રિયાએ નિઃશ્વાસ નાખ્યોઃ આદર્શ દુબઈ ગયો એને બે મહિના થવાના, પણ ભાભીનું શું કરવું એ સૂઝતું નથી! 
‘આ મુરતિયો ચૂકવા જેવો નથી.’
માના શબ્દો સાંભરતી રિયા વાગોળી રહી...
બે વર્ષ અગાઉ પોતે ફાઇનૅન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી પિતા નવનીતભાઈની ખુદની સીએની ફર્મ જૉઇન કરી, સમાંતરે માતા સાગરિકાબહેને એકની એક દીકરીનાં લગ્ન માટે લાયક પાત્ર ખોળવા માંડ્યું. રિયા બુદ્ધિમંત હતી, રૂપાળી હતી ને આ રેર ગણાતા કૉમ્બિનેશનને અનુરૂપ પાત્ર શોધવાનો પડકાર જેવોતેવો નથી હોતો. આટલું ભણેલી પોતે ઘરે તો નહીં જ બેસે એટલા પૂરતી રિયા સ્પષ્ટ હતી. જૉઇન્ટ ફૅમિલી તો દૂર, સાસુ-સસરાનો પણ તેને વાંધો ઃ ‘મારા માથે બેસી કોઈ કટકટ કરે એ મને ન પરવડે!’  
સાગરિકાબહેનને સમજ હતી કે ‘નવનીત કરીઅર માટે મુંબઈ સેટ થયા એટલે મને પણ નવસારીના વસ્તારી સાસરાથી અલગ, અહીં મુંબઈમાં રહેવાનું બન્યું. રિયાએ આ બન્ને લાઇફ-સ્ટાઇલ નજીકથી જોઈ-સમજી છે, તેને મારી જેમ સ્વતંત્ર રહેવામાં કલ્યાણ લાગતું હોય એનો એક અર્થ એ પણ ખરો કે તેને સંયુક્ત કુટુંબનું મહત્ત્વ સમજાવવામાં અમે જ ક્યાંય ઊણાં ઊતર્યાં.’ હવે તેની પુખ્ત થયેલી માનસિકતા બદલાવવી અઘરી છે, પણ આમાં ને આમાં લાયક ઉમેદવારો સરકતા જાય છે એની ચિંતામાં માતાએ ન આપવી જોઈએ એવી સલાહ તેઓ આપી બેઠાં,
‘તારે કોઈની ટકટક સહેવી ન હોય રિયા, તો તેને તારા સંસારમાંથી દૂર કરવાની હોશિયારી પણ તારે જ રાખવી - કેળવવી રહી. બાકી ટેઇલર-મેડ સુખ જેવું કાંઈ જ હોતું નથી.’ 
‘વાત તો સાચી!’ દિમાગમાં આ તર્કશાસ્ત્ર ફિટ થઈ ગયું. અને આ જ અરસામાં આદર્શનું કહેણ આવ્યું. પોતાનાં રૂપ-હોશિયારીને કારણે પોતાને હંમેશાં સુપીરિયર સમજનારી રિયા આદર્શની તસવીર જોઈને જ ડઘાઈ ગઈ : ‘કોઈ જુવાન આટલો હૅન્ડસમ હોઈ શકે! આર્થિક સ્થિતિ પણ સધ્ધર. વરલીમાં ચાર બેડરૂમનો લક્ઝુરિયસ ફ્લૅટ છે. તે પોતે એન્જિનિયર થઈ મલ્ટિનૅશનલમાં ધીકતું પૅકેજ રળે છે.
‘તેનાં મા-બાપ નથી.’
સાંભળીને રિયા હવામાં ઊડવા લાગી, ત્યાં...
‘ફૅમિલીમાં કેવળ ભાભી છે.’
‘ભા...ભી?’ રિયાને થયું, ‘આ હર્ડલ ક્યાં આવી!’
‘મા-બાપનાં મૃત્યુ સમયે આદર્શ માંડ ૭ વર્ષનો હતો. પરિવારમાં કેવળ મોટો ભાઈ રહ્યો. બે ભાઈઓમાં જોકે વયભેદ ઘણો. ઉત્કર્ષ આદર્શથી ૧૨ વર્ષ મોટો. પરિણામે બાવીસની ઉંમરે સ્નેહા પરણીને વરલીના ઘરમાં આવી ત્યારે આદર્શને હજી તો બારમું બેઠું. માની જેમ સ્નેહાએ મા વિનાના દિયરને સંભાળ્યો. આદર્શ પણ તેની ભાભીમાનો હેવાયો. સાચું-ખોટું તો રામ જાણે, પણ કેટલાક એવુંય માને છે કે આદર્શનો પ્યાર વહેંચાય નહીં એટલે જ ઉત્કર્ષ-સ્નેહાએ છોકરું ન કર્યું.’ 
આવા હેતને નતમસ્તક થવાનું હોય, રિયામાં જુદો જ પડઘો ઊઠેલો - ‘ઇમોશનલ ફૂલ્સ!’
‘ખેર, ૩ વર્ષ અગાઉ અચાનક જ ઉત્કર્ષે પિછોડી તાણી. હવે ભાભીને જાળવવાનો વારો આદર્શનો હતો. પિતાતુલ્ય ભાઈની વિદાયનો ગમ હૈયે ભંડારીને તેણે તેની ભાભીને ધબકતી રાખી.’
વિસ્તારથી દીકરીને મુરતિયાની કુટુંબકથા કહીને સાગરિકાબહેને એનું કારણ પણ આપ્યું, ‘માંડ ૩૮ની થયેલી સ્નેહા જરાય જુનવાણી ન ગણાય એટલે પણ તને આ ઘરમાં રોકટોક થવાની નથી, આદર્શ પર એવો પ્રભાવ પાથરજે કે એક વારમાં તેની ‘હા’ થઈ જાય!’ 
માના વાક્યના ઉત્તરાર્ધ સાથે રિયા સહમત હતી, પણ પૂર્વાર્ધ મંજૂર નહોતો - ‘સાસુ-સસરાની સૂગ રાખનારી હું ભાભીને મારા સંસારમાં રાખતી હોઈશ? નો વે!’
‘પણ ના, આવું જાહેર કરીને મારે આદર્શને મારી મુઠ્ઠીમાંથી સરકવા નથી દેવો!’
‘ઍન્ડ આઇ નો, હાઉ ટુ વિન હિમ!’
આદર્શના ઉછેરનું બૅકગ્રાઉન્ડ જાણ્યા પછી સ્પષ્ટ હતું કે પાર્ટી આઇક્યુ (ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ) નહીં, ઈક્યુ (ઇમોશનલ ક્વૉશન્ટ)માં માનનારી છે, એટલે પેડર રોડના ઘરે પહેલી મુલાકાત માટે આદર્શ-સ્નેહાભાભી આવ્યાં ત્યારે રિયાએ વધુ ફોકસ ભાભી પર રાખ્યું.
આછા જાંબુડિયા રંગની સાડીમાં સ્નેહાબહેન બહુ ગ્રેસફુલ લાગ્યાં. વિધવા હોવા છતાં કપાળે નાનકડી બિંદી હતી, ગળામાં ચેઇન અને હાથમાં સોનાની બંગડી પણ ખરી.
‘અમારા લગભગ દોઢ દાયકાના સથવારામાં ઉત્કર્ષે મારી પાસે કેવળ બે જ પ્રૉમિસ માગ્યાં...’ પોતાને નોંધતી રિયાની નજરનો અહેસાસ હોય એમ બેઠક લેતાં તેમણે કહેલું, ‘પહેલું વચન લગ્ન પહેલાં માગ્યું કે આદર્શને હું પુત્રવત્ અપનાવીશ... અને બીજું, અંત સમયે - મર્યા પછી હું તારા હૈયે રહેવાનો હોઉં તો તું વિધવાવેશ ધારણ ન કરતી!’
પતિને આપેલાં વચન માટે જાત ઘસનારી સ્ત્રી વંદનીય ગણાય, રિયાએ જુદુ માન્યું -  ‘આનો ઢંઢેરો પીટીને ભાભીસાહેબા મહાન ઠર્યાં કે બીજું કાંઈ!’
અલબત્ત, તેણે દેખાડ્યું તો એવું જ કે ‘ઓહો, તમારા મધુર દામ્પત્યની સુવાસ આજે પણ અનુભવાય છે!’
સાંભળીને આદર્શમાં ઝબકેલો પ્રસન્નતાનો તણખો રિયાથી છૂપો ન રહ્યો : સો આયૅમ ઑન ટ્રૅક!’
‘જીવનસાથી પ્રત્યે મને એટલી જ અપેક્ષા છે કે મારી ભાભીમાનું મન અને માન ક્યારેય ઘવાય નહીં! જેના હૈયે ભાભીમાનું માન નહીં, તેનું મારા રુદિયામાં સ્થાન નહીં.’
સીધી, સ્પષ્ટ વાત. રિયાને પોતાને તો ખબર જ હતી કે તેને માટે એ સંભવ નથી, પણ સાચું બોલવાની મૂર્ખાઈ કોણ કરે! ‘આદર્શની કિંમતે તો નહીં જ. રૂબરૂ મુલાકાતમાં ઇરરેઝિસ્ટેબલ લાગેલો આદર્શ બુદ્ધિમાન છે, પ્રતિભાવંત છે એ પણ પરખાયું. મારી સાથે તો એ જ શોભે!’
‘વિશ્વાસ રાખજો, આદર્શ, હું તમને ફરિયાદનો મોકો નહીં આપું.’
બસ, આવાં-આવાં વાક્યોથી તેણે આદર્શનો ભરોસો જીતી લીધો, વેવિશાળથી લગ્ન સુધીમાં ડાહીડમરી રહી સ્નેહાબહેનને ભરમમાં રાખ્યાં. શિમલાનું હનીમૂન ધાર્યા કરતાં ઉત્તેજક નીવડ્યું. આદર્શ પર સુખ વરસાવવામાં રિયાએ કસર ન છોડી, પોતાનાથી વધુ શૉપિંગ ભાભી માટે કર્યું. અરે, હળાહળ કરીઅર-ઓરિયેન્ટેડ હોવા છતાં ‘ભાભીમા ખાતર’ ઘરે જ રહેવાનો નિર્ણય સંભળાવી તેણે આદર્શને ઘરના મામલે નચિંત કરી દીધો... મુંબઈ પાછો આવી તે રોજિંદી ઘટમાળમાં પરોવાયો, રિયાએ પણ ઘરનાં શેડ્યુલ, પસંદ-નાપસંદ સમજીને ખુદને એ ફ્લોમાં ઢાળીઃ ‘વેલ, મારી ફતેહ થાય ત્યાં સુધી તો આમ ચાલવા દો!’ 
સ્નેહાબહેન સાથે તેણે રેપો કેળવી લીધેલો. ઘર પ્રત્યે સ્નેહાબહેનનો ગૃહિણીભાવ હતો.  બપોરની નવરાશમાં ઘણી વાર જૂની વાતો ઉખેળતાં. એમાં તેમના પ્રસન્ન-સમર્પિત દામ્પત્યની સુવાસ પ્રગટતી, 
‘ઉત્કર્ષની ઓથમાં ટકી જવાનું બળ હતું. આદર્શ તેમનું સારસર્વસ્વ. આદર્શ હતો જ એવો મીઠડો કે પરણી આવી એ ઘડીથી મેં પણ આદર્શ માટે માતૃભાવ જ અનુભવ્યો...’ આમ કહેનારાં સ્નેહાભાભી ઉમેરવાનુ ટાળતાં કે આદર્શ પ્રત્યેના એ ભાવને કારણે જ પોતે પ્રથમ લગ્નતિથિએ પોતે કદી મા ન થવાનું ઑપરેશન કરાવી લીધું. આનાં ત્રણેક વર્ષ પછી, અમારી વાતોમાં આ ભેદ અનાયાસ સાંભળી ગયેલો આદર્શ દોડીને મને વળગ્યો હતો, ત્યારથી ભાભી તેની ભાભીમા બની ગઈ. જોકે આવું રિયાને પણ શું કામ કહેવું? મા સંતાન ખાતર જે કરે એનો ઢંઢેરો ન હોય! હા, આદર્શને વખાણવાનુ ન ચૂકતાં, ‘ઉત્કર્ષની વિદાઈએ તેને વધુ ઠાવકો બનાવ્યો. તેણે મને સાચવી જાણી... અને જો, વહુ પણ કેવી રૂડી લાવ્યો!’
 શરમાઈને રિયા તેમનો ભ્રમ જાળવી લેતી. ઘરકામમાં કેળવાવાનો રિયાનો ઉત્સાહ તેમને ગમતો. તેનાથી કંઈ બગડે મૂકે યા તોડફોડ થાય તો છણકો કરવાને બદલે પ્રેમથી સમજાવતાં. રિયાને અલબત્ત, અંદરખાને આમાંનું કંઈ જ સ્પર્શતું નહીં. સ્નેહાબહેન ‘છોકરી ઘરમાં ભળી ગઈ’ની ખુશી વાગોળતાં ત્યારે તેના મનમાં ગણતરી ચાલતી હોય : આદર્શને ભાભીના હાથનાં બહુ ભાવતાં ૧૦ વ્યંજનમાંથી ૮ મેં શીખી લીધાં... ગુડ જૉબ. ભાભીને ઘરમાંથી હાંકતાં પહેલાં મારે બધું શીખી લેવું છે, આદર્શને એવું તો ન જ લાગવું જોઈએ કે ભાભીની આજે ખોટ વર્તાઈ! 
ધીરે-ધીરે તેણે ટાર્ગેટ પર કામ કરવા માંડ્યું.
 ‘ભાભી, આપણી કામવાળી તારાબાઈ વિશ્વાસુ ખરી?’
આમ પૂછતી વેળા તેને બરાબર સમજ હતી કે પાછલાં ચારેક વર્ષથી અહીં કામ કરતી આખા દિવસની બાઈ વિશ્વાસુ છે. હાથની ચોખ્ખી.
છતાં કાલી થઈને ભાભીને પૂછ્યું એ પહેલાં બાજી ગોઠવી રાખેલી,
‘યુ નો, મારા ડ્રેસિંગ-મિરર આગળ ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી હતી, એ નથી દેખાતી. હવે રૂમમાં મારા સિવાય તો તે જ ગઈ - કચરાપોતું કરવા!’
સ્નેહાબહેન મૂંઝાયાં. ‘તારાબાઈ પર શક કરવાનું કારણ નહોતું. તારાથી જ આડેઅવળે મુકાયા હશે એવું વહુનેય કહેવું કેમ?’
ત્યાં તો રિયાએ બીજું ડગલું ભરી દીધું, 
‘તારાબહેન, તમારી મદદની જરૂર પડી છે!’ હળવા અંદાજમાં સાદ પાડીને તેણે ઉમેર્યું, ‘પાકીટ લઈને આવજો. જુઓને, તમારા પર્સમાં ૧૦૦ રૂપિયા ખુલ્લા હોય તો મારે ભાજીવાળાને દેવાના છે.’
‘જોઈ લઉં...’ તારાબાઈએ થેલીમાંથી પાકીટ કાઢીને ખંખોળનાં ૨૦૦૦ની નોટ પડી.
રિયાએ સ્નેહાબહેનને ઇશારો કર્યો, ‘લો જોયું!’ 
‘અરે મારી બાઈ! આ નોટ કેવી?’ તારાબાઈએ વાંકી વળી નોટ ઉઠાવી. 
‘ચોરીની!’ રિયાના હોઠ તમાશો માંડવા સળવળતા હતા, પણ સ્નેહાબહેને તેનો પહોંચો દબાવીને ચૂપ રહેવા સૂચવ્યું. તારાને કહ્યું, ‘લઈ લે, એ તો મેં જ મૂક્યા’તા તારા પાકીટમાં.’
હવે તેમણે રિયાને નિહાળી. જાણે કહેતાં હોય - ‘જો, તારો દોષ મેં ઓઢી લીધોને!’
પછી તારાબાઈને રવાના કરીને હળવા ઠપકાભેર કહ્યું, ‘તને તારાબાઈ સાથે કોઈ ઇશ્યુ હોય તો ચોખ્ખું કહી દે, રિયા. બાકી નો સાસ-બહુ સિરિયલ ટાઇપ ડ્રામા ઇન માય હાઉસ.’
આ વાક્યમાં નીરક્ષીર વિવેક જેટલી જ સત્તા હતી, સર્વોપરિતા હતી. ઝંખવાતી રિયાએ સત્વર વાળી લીધું,
‘નહીં ભાભી, આ તો વચમાં તેને મારી રૂમમાં કર્ટન્સ સાફ કરવાનું કહ્યું તોય ન સાંભળ્યું એની દાઝ હતી, સૉરી.’
પહેલો દાવ ફેલ રહ્યાની પીડા વસમી હતી. ‘ભાભી સ્માર્ટ છે, તેમને મારી મનસાનો અણસાર આવ્યો હોય તો ચડાણ મુશ્કેલ રહેવાનાં... અલબત્ત, આ કિસ્સો તેમણે આદર્શને ન કહ્યો એટલી રાહત છે.’ રાતે બેડરૂમમાં આદર્શને કામસુખ દરમ્યાન પલોટવામાં જોખમ લાગતું. આ પળોમાં પુરુષને કોણ વતાવે!  એવું પણ ખરું કે અમારા એકાંતમાં ભાભી શું કામ આવે!’
અને બીજું કંઈ વિચારવાનું થાય એ પહેલાં નાનકડો ટ્વિસ્ટ સર્જાયો.
આદર્શે કંપની તરફથી ૩ મહિના માટે દુબઈ જવાનું થયું.
‘જોડે વહુને પણ લઈ જાઓ આદર્શ. તમે હજી ન વાં પરણેલાં જ ગણાઓ.’
‘વાઉ.’ રિયા માટે આ ઊછળવા જેવો પ્રસ્તાવ હતો. દુબઈ જેવા શહેરમાં હું ને મારો વર - બે જ જણ!’
- પણ ના. તેણે દૂરનું વિચાર્યું.
‘ના, હોં આદર્શ. હું અહીં ભાભી સાથે રહીશ. તેમને એકલાં ન મૂકું.’
આદર્શ ઝળહળી ઊઠ્યો : ‘મારી પત્ની પાસેથી મને આ જ અપેક્ષિત હતું!’
હાલ પૂરતું તો રિયાને પણ એ જ જોઈતું હતું. આદર્શની ગેરહાજરીનો મારે ફાયદો ઉઠાવવાનો છે. કંઈક એવું કરવાનું કે ભાભીનું પત્તું આપોઆપ ખરી પડે! અને ૩ મહિના તો બહુ થયા... 
- ‘ગલત.’ 
અત્યારે પણ રિયા સહેજ હાંફી ગઈ : ‘ત્રણમાંથી બે મહિના તો વહી ગયા! એક વારની ખતા ખાધા પછી એવાં જ સ્ટેપ ફરી લેવાં નથી અને સાસ-વહુના ડ્રામા બહારનું શું હોઈ શકે એ સૂઝતું નથી! મારો પ્લાન એકદમ ફુલપ્રૂફ હોવો ઘટે. નો બૂમરૅન્ગ. ભાભીને અમારા સંસારમાંથી કાઢવાની લાયમાં હું આદર્શથી દૂર થઈ જાઉં એ તો ન જ બનવું જોઈએ.
-અને ફોનના રણકારે તેણે બધું વિસારે પાડ્યું. આ સમયે આદર્શ સાથે વિડિયો-ચૅટ થતી, એમાં નો હોમ, નો ભાભી. કેવળ પતિ-પત્ની વચ્ચે સંભવી શકે એવા રસીલા સંવાદો થતા.
આજે પણ ક્યાંય સુધી રિયા તેના ઘેનમાં રહી. પછી ધીરે-ધીરે ચિત્તમાં જુદો જ સળવળાટ સર્જાયો : ‘આ મને પહેલાં કેમ ન સૂઝ્‍યું!’
‘કામ!’
દુબઈની દૂરી અમને બન્નેને એકસરખું તડપાવે છે. સવાલ એ છે કે વિષયવૃત્તિ ભાભીને નહીં પજવતી હોય! તેમની ૩૮ની ઉંમર કાંઈ વૈરાગીની ન ગણાય...’
‘ધિસ કૂડ બી માય વેપન!’
રિયા ઝળહળી ઊઠી.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff