ભરતી-ઓટ : ગૂંથાઈ છે જાળ (પ્રકરણ 3)

19 June, 2024 07:37 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આખી વાર્તા વાંચો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘આ જહાજ પર બધા પુરુષોની એક જ તો સગલી છે... કાવેરી રૉય!’
તાનિયા-અતીતની નજરો મળી, છૂટી પડી. શિપની પ્રથમ સાંજે વેલકમ-પાર્ટીમાં કાવેરીની હાજરી જાહેર થતાં ખાસ કરીને પુરુષવર્ગમાં આવેલો ઉછાળો દેખીતો હતો. વેકેશન માણવા નીકળેલી એ સામેથી કોઈ સાથે ભળે નહીં. રિક્વેસ્ટ કરો તો સેલ્ફી પડાવવા તૈયાર થાય ખરી.
‘આજે ત્રણ દિવસ થયા, સુથારનું ચિત્ત બાવળિયે હોય એમ માનસની નજર કાવેરીની શોધમાં જ ભટકતી હોય. આ મારા પત્નીત્વનું અપમાન નથી?’
મૌનવી એકાએક આટલી આળી કેમ થઈ એ તાનિયા-અતીતને સમજાયું નહીં. ‘શિપ પર કાયમ તો ગ્રુપમાં રહેવાય નહીં, પણ લંચ કે ડિનરમાં મળવાનું થતું ત્યારે કપલ ખુશમિજાજ લાગતું. હા, મૌનવી કાવેરીને લઈને માનસની ટીખળ કે ફરિયાદ કરી લેતી ખરી, પણ અત્યારનો તેનો રોષ મામલો ગરમાયો હોવાની ગવાહી પૂરે છે. કાલે રાતે ડિનર પછી છૂટાં પડ્યાં ત્યાં સુધી તો બધું બરાબર હતું, આજના દિવસમાં એવું તે શું બન્યું?’
‘આ જુઓ...’ તેણે મોબાઇલ દેખાડ્યો, ‘બપોરે અમે થિયેટરમાં જતાં હતાં, કાવેરી એ તરફ આવી હોવાનું જાણીને માનસ મને થિયેટરમાં મૂકીને વૉશરૂમના બહાને નીકળ્યા, પણ હું તેની રગરગ જાણું. થિયેટરની બહાર નીકળીને તેની સગલી સાથે સેલ્ફી પાડતા માનસને જોઈને તેની કરણીનો આ પુરાવો ફોટોરૂપે મેં સેલફોનમાં જકડી લીધો. પછી રૂમ પર માનસનો ઊધડો લીધો તો કહે, એ તો મારા ફ્રેન્ડ્સને જલાવવા માટે સેલ્ફી પોસ્ટ કરવી’તી.’
‘પૉર્નસ્ટાર સાથેનો સેલ્ફી મિત્રોને બતાવીને તેમને જલાવવાની ચેષ્ટાને શું કહેવું?’
‘માનસના દોસ્તોય ઓછા નથી. અધરવાઇઝ પણ કાવેરી તેમની બેઠકનો કૉમન ટૉપિક હોય છે!’ આવેશમાં મૌનવીને અતીતની હાજરીનો સંકોચ પણ નડતો ન હોય એમ તે બોલી ગઈ, ‘અમારા બેડરૂમના ટીવીના પડદે કાવેરીની હાજરી માનસમાં નવું જ જોમ પ્રેરતી, આજે થાય છે કે એ પળોમાં માનસ માટે હું ક્યાંય હતી જ નહીં, એ તો મને જ કાવેરી સમજી....’ 
મૌનવી અટકી. અતીત સમજીને આઘોપાછો થઈ ગયો - ‘હું માનસને ખોળી લાઉં...’
પોતાનું અંગત ઉખેળતી મૌનવીને તાનિયાએ હિંમત બંધાવી, ‘તું વધુ પડતું વિચારે છે મૌનવી.’
‘નહીં તાનિયા...’ મૌનવીએ ડોક ધુણાવી, ‘મિત્રોને સેલ્ફી પોસ્ટ કરનારની મહેચ્છા તો કાવેરી સાથેના શયનનો વિડિયો ઉતારવાની જ હોયને.’
‘અરે!’ તાનિયાથી હસી જવાયું, ‘એમ માનસના ધારવાથી શું થવાનું? કાવેરી કાંઈ એમ કોઈને ભાવ આપતી હશે!’
‘માનસ કોશિશ તો કરે છેને. અત્યારે પણ સુલેહ કરીને અમે શૉપિંગ માટે નીકળ્યાં તો જાણે ક્યારે મારો હાથ છોડાવીને સરકી ગયો! જરૂર તે કાવેરી સાથે કોઈ મેળ ગોઠવવા જ ગયો હોય.’
માનસના જવાથી શું વળવાનું એવી દલીલ મૌનવી માટે જોકે વ્યર્થ નીવડવાની એ સમજતી તાનિયાએ જોયું તો અતીત માનસને દોરી લાવતો દેખાયો. તેણે માનસને સમજાવ્યોય હશે એટલે તેણે મૌનવીની માફી માગી લીધી.

‘તમારામાંથી કોઈ કસીનો ગયું છે ખરું?’ દૂર નિયોન લાઇટનો ઝગમગાટ નિહાળતી તાનિયાએ વિષયાંતર કર્યું.
કોઈ ગમે તે કહે, જુગારનું આકર્ષણ સૌને રહેતું હોય છે. શિપના કસીનોમાં પણ સ્લૉટ મશીનથી રૂલેટના ચકરડામાં નસીબ અજમાવવા પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. એમાં જોકે અર્ધનગ્ન પોશાકમાં સિગારેટ-શરાબ વહેંચતી લલનાઓનો પણ ફાળો ખરો! 
તાનિયાએ કસીનોનું પૂછતાં સાચે જ પ્રોગ્રામ બની ગયો. 
ડિનર લઈને ચારેય કસીનોમાં દાખલ થયાં ત્યારે તાનિયાને સમજાયું કે કસીનોમાં હાજર બધા કંઈ રમનારા નહોતા, કુતૂહલના માર્યા પણ ઘણા સહેલાણી વિન્ડો-શૉપિંગની જેમ આંટોફેરો કરી લેતા હોય છે. પોતપોતાને જોઈતી ચિપ્સ લઈને ચારેય એકમેકને ઑલ ધ બેસ્ટ કહીને છૂટાં પડ્યાં - કલાક પછી અહીં જ પાછાં મળીએ, જેને જૅકપૉટ લાગે તેની ટ્રીટ!

આના અડધા કલાક પછી...
ખંધા દીપડા જેવી નજરે તેણે પળવારમાં પોતાનો શિકાર ખોળી કાઢ્યો. તેની નજીક જઈ આજુબાજુ જોઈ લીધું. બધા પોતપોતાનામાં ગુલતાન હતા. અહીં રૂલેટના ટેબલ પર રમનારાઓનું ધ્યાન ગોળ ફરતા ચકરડા પર હતું. વળી તેની નજર ફરી વળી. ના, પોતાના પર કોઈનું ધ્યાન નથી, તેણે ઓવરકોટ પહેરેલો હાથ ઊંચો કર્યો. બીજી પળે તાનિયા-કાવેરીને અડીને ઊભેલી વેઇટ્રેસે ગરદન પર હાથ પસવાર્યો. એકાએક મધમાખીની ડંખ જેવું શું ચૂભ્યું? જવાબ સૂઝે એ પહેલાં તો તે ઢળી પડી. 
હો-હા મચી ગઈ. સૌ બાઈ ફરતે ટોળું વળી ગયા. એમાં માનસ-મૌનવી તો હતાં પણ અતીત કસીનોની બહાર ભાગતો દેખાયો તાનિયાને!

‘શી ઇઝ નો મોર.’
શિપના મુખ્ય ડૉક્ટરે વેઇટ્રેસ રોઝીના મૃત્યુનું કન્ફર્મેશન આપ્યું.
થોડી વારમાં શિપમાં વાત ફેલાઈ ગઈ, ‘તમે કંઈ જાણ્યું? કસીનોની વેઇટ્રસ બિચારી મરી ગઈ. કહેવાય છે કે કોઈકે સાઇનાઇડવાળી નીડલ ઇન્જેક્ટ કરતાં કાતિલ વિષ લોહીમાં ભળ્યું અને પળવારમાં તો છોકરી ખલાસ!’ 
પછી તો ‘ખૂની કોણ હશે?’ની કૂથલી જામી. ખૂણે-ખૂણે એની જ ચર્ચા ચાલતી હતી ત્યારે તાનિયાનું મન અતીતના વિચારોમાં ગોથાં ખાય છે - ‘રોઝી ઢળી પડી ત્યારે મેં ચોક્કસપણે અતીતને કસીનોની બહાર ભાગતા જોયા હતા. કેમ જાણે સાઇનાઇડની સોય ફેંકનારને જોયો હોય અને તેને ઝડપવા દોડ્યા હોય એવી તેમની દોટ હતી!’
- ‘યા તો પોતે ખૂન કરીને ભાગ્યા હોય એવી!’ 
આ શક્યતા તાનિયાનું કાળજું કંપાવતી હતી.
‘વેઇટ્રેસની ડેડબૉડી હાલમાં મૉર્ગમાં રખાશે.’ એકાદ જણે માહિતી આપી, ‘તેની ફૅમિલીને ખબર આપી દેવાઈ છે. હવે પછીના લંડન મુકામે રોઝીની ડેડ-બૉડી માનભેર તેના પેરન્ટ્સને સોંપાશે, સાથે અમુકતમુક થાઉઝન્ડ ડૉલર્સનું કૉમ્પેન્સેશન પણ ચૂકવી દેવાશે જેથી મીડિયામાં ખૂનની હોહા ન થાય, કંપનીની આબરૂ ન જાય.’ 
ડેક પર ભેગા થયેલા ટોળામાં એની જ વાતો ચાલી. 
‘શું અર્થ છે આ બધી ચર્ચાનો. જનારી તો ગઈ...’ તાનિયાને એકાએક ઉદાસી ઘેરી વળી, ‘બિચારી રોઝી...’
તાનિયા સમક્ષ એની છેલ્લી પળો તાદૃશ થઈ ઊઠી, ‘એક-બે ગેમમાં લક અજમાવી હું રૂલેટના ટેબલ તરફ વળી ત્યારે ફરતે વળેલી ભીડમાં માનસ-મૌનવી પણ દેખાયાં. પછી ધ્યાન ગયું કે પૉર્નસ્ટાર કાવેરી રૉય પણ ટેબલ પર બાજી માંડવા મોજૂદ છે!’
બે ગેમના વિરામ વચ્ચે માનસે કાવેરીને નોટિસ કરી તો તે પાછો તેની પાછળ પડશે ને એથી મૌનવી અપસેટ થશે એટલે પોતે જ કાવેરીના પડખે ગઈ - ‘હાય કાવેરી.’
‘ઓહ, તાનિયા.’

તે પોતાને ઓળખી ગઈ એથી તાનિયા આપોઆપ પૉર્નસ્ટાર પ્રત્યે કૂણી પડી, ‘તમને જુગારનો પણ શોખ છે?’
તાનિયાના પ્રશ્ને કાવેરી સહેજ મલકી, ‘જુગારનો ‘પણ’ શોખ છે એટલે શું? નૉટી ગર્લ, પૉર્ન મારો શોખ નથી, વ્યવસાય છે. આયૅમ અ હાર્ડ કોર પ્રોફેશનલ.’
એ જ વખતે રોઝી આવી, ‘વૉન્ટ ટુ હેવ સમથિંગ?’
‘ઓ યુ આર અ ડાર્લિંગ રોઝી...’ ખભે લટકતા તેના ડબ્બામાંથી બ્રૅન્ડેડ સિગાર ઉઠાવીને કાવેરીએ ઉમેર્યું, ‘હું કેપટાઉન ઊતરું ત્યારે ટિપ લેવાનું ભૂલતી નહીં.’
તાનિયાને પરખાયું કે રોજ કસીનોમાં આંટોફેરો કરતી આ વીઆઇપી ગ્રાહકને રોઝી પૂરા માનપાનથી સાચવતી હોવી જોઈએ. 
‘યુ ઑલ્સો હેવ સમથિંગ તાનિયા,’ કાવેરીએ સિગાર મોઢે માંડતાં રોઝીએ 
તરત લાઇટરથી સળગાવી આપી.
‘આઇ વન્ડર કાવેરી, આ છોકરી પાસે મારે લાયક કંઈ નથી.’ તાનિયા મલકી, રોઝી મલકી, સિગારનો ધુમાડો ફંગોળીને કાવેરી ‘યુ દેસી ગર્લ’ બોલે છે ત્યાં તો રોઝીને ઢળી પડતી જોઈ... ‘અમને સ્મિત આપનારી છોકરીનું સ્મિત સદા માટે મુરઝાઈ ગયું!’
-‘ત્યારના અતીત અમારી સાથે નથી...’
‘અત્યારે, રૂમ પર પહોંચ્યા પછી તેને કૉન્ટૅક્ટની પાછી ટ્રાય કરી, પણ એ નૉટ રીચેબલ જ રહ્યો.
વિચાર થયો કે સિક્યૉરિટીના હેલ્પ-નંબર પર ફોન જોડીને અતીત ગુમ થયાના ખબર આપી દઉં! કમસે કમ એ બહાને અતીતની ભાળ તો મળે. શક્ય છે કે તે ખરેખર ખૂનીની પાછળ પડ્યા હોય અને ખૂનીએ તેમને પણ પતાવી દીધા હોય...’
તાનિયા છટપટી ઊઠી, ‘ઓહ, આ મને પહેલાં કેમ ન સૂઝ્‍યું!’
તેણે ઇન્ટરકૉમ તરફ હાથ લંબાવ્યો, એવી જ રિંગ વાગતાં સહેમી જવાયું, ‘મે બી અતીતનો જ ફોન હશે!’
‘હલો...’ તેણે ઝડપથી રિસીવર ઊંચક્યું.
‘મિસ તાનિયા?’ અદબભેર પૂછતો સ્વર પુરુષનો હતો, પણ તે અતીત નહોતો.
‘યસ...’
‘તમારા માટે એક મેસેજ છે.’
‘શું?’
‘એ જ કે ખૂની પકડાઈ ન જાય ત્યાં સુધી કૅબિન છોડીને ક્યાંય જશો નહીં, કોઈ કરતાં કોઈને ભીતર પ્રવેશવા દેશો નહીં.’
‘મતલબ?’
‘મતલબ સાફ છે તાનિયા... યુ આર ઇન ડેન્જર.’
તાનિયા સમસમી ગઈ.
‘મને જોખમનું કહી ચેતવનારા તમે છો કોણ? અને મને શાનું જોખમ હોય?’
‘એમ તો રોઝી પર પણ જોખમ ક્યાં હતું? છતાં તેની હત્યા થઈને.’
તાનિયા સ્તબ્ધ થઈ, ‘યા, વેઇટ્રેસ સાથે કોઈને શું દુશ્મની હોય! તેને કોઈ શું કામ મારે?’ તેના દિમાગમાં કડાકો બોલ્યો, ‘તમે એમ કહેવા માગો છો મિસ્ટર કે કોઈ મને મારવા માગતું હતું ને રોઝી એનો ભોગ બની?’

‘અત્યારે આવું કહેવું વહેલું ગણાશે. ઘટનાસ્થળનું ઍનૅલિસિસ કરતાં એટલું તો નક્કી છે કે ખૂનીની રેન્જ તમે ત્રણ જ હોઈ શકો - તમે, રોઝી અને કાવેરી...’
‘કાવેરી!’ તાનિયાએ માની લીધું, ‘તો તો હુમલાખોરનો ટાર્ગેટ 
પૉર્નસ્ટાર જ હોય. મને કે રોઝીને મારીને કોઈને શું મળવાનું?’
‘આવું માની લઈને જાતને જોખમમાં મૂકશો નહીં. અમારા હેડ સરની 
સ્ટ્રિક્ટ વૉર્નિંગ છે કે કીપ યૉરસેલ્ફ લૉક્ડ ઍન્ડ સેફ.’
તાનિયાને એટલું તો લાગ્યું કે શિપની સિક્યૉરિટી ટીમ કમર કસીને ખૂનીની પાછળ લાગી ગઈ છે. હવે મારે ક્લુ આપી દેવી જોઈએ.
‘ઑફિસર, ખૂન થયા બાદ તરત જ મેં અમારા જોડીદાર અતીતને કસીનોમાંથી ભાગતા જોયેલા. તેમનો ત્યાર પછી પત્તો નથી.’ તાનિયાએ ઉતાવળે ઉમેર્યું, ‘આયૅમ અફ્રેડ, તે ખૂની પાછળ ભાગ્યા હોય અને ખૂનીએ ક્યાંક તેમની સાથે કંઈ બૂરું ન કર્યું હોય અથવા તો...’ હોઠ કરડીને તેણે બોલી નાખ્યું, ‘અતીત જ ખૂની હોય..’
‘વૉટ!’ સામેનો પુરુષ જરા ચમકી ગયો, પછી સ્વરને સંયત કર્યો, ‘ઓકે, વી આર ટેકિંગ ધિસ પૉઇન્ટ.’
‘થૅન્ક્સ. ઑફિસર, અતીતના ખબર મળે એટલે મને તરત જાણ કરજો.’
તાનિયાએ કહ્યું ખરું, પણ ખબર સારા નહોતા મળવાના!

‘તાનિયા!’ મોડી રાતે માંડ જંપેલી તાનિયાને મૌનવીએ કૅબિનનો ફોન રણકાવી જગાડી દીધી
‘તેં જાણ્યું તાનિયા? રોઝીનો હત્યારો ઝડપાઈ ગયો...’
‘હેં?’ 
‘પૂછ તો ખરી એ કોણ છે...’ મૌનવી જ અકળાતી બોલી ગઈ, ‘આપણો અતીત!’ 
તાનિયા આંચકો છુપાવી ન શકી, ‘ન હોય!’ 
‘શું ન હોય... શિપના સવારના બુલેટિનમાં ખુદ કૅપ્ટને જાહેરાત કરી ત્યારની બધે એની જ ચર્ચા છે. અમે જૉગિંગમાં જાણ્યું એટલે ડેક પરથી જ ફોન કરું છું. વાત એવી ચગી છે કે તેને રોઝી સાથે લફરું હતું. શી વૉઝ ટૂ મન્થ્સ પ્રેગ્નન્ટ. રોઝી અબૉર્શન માટે ગાંઠી નહીં એટલે...’
‘એટલે હત્યા કરી દેવાની? એ પણ બેજીવી સ્ત્રીની?’ 
‘જાણે છે, ખૂન કરી અતીત ક્યાં છુપાયો હતો? ખુદ રોઝીની જ ખાલી કૅબિનમાં! રોઝી પાસે તેમનાં રિલેશનના પુરાવા હશે એનો નાશ કરવા ગયેલો.’
‘બદમાશ...’ તાનિયાનો રોષ ઘૂંટાયો.
‘એવું પણ સંભળાય છે કે ગઈ કાલે રાતે કોઈકે અતીત લાપતા હોવાની સિક્યૉરિટીને જાણ કરેલી, એના આધારે ખૂની ઝડપાઈ ગયો.’
‘આવું કહેનારી તો હું જ!’ તાનિયાને લાગ્યું કે ‘અતીત ખૂની તરીકે ઝડપાયો એટલે હું હવે જોખમમુક્ત ગણાઉંને!’
કેટલો ખતરનાક એ ભ્રમ હતો!
(ક્રમશઃ)

columnists gujarati mid-day Sameet Purvesh Shroff