છળ-કપટ : અમારે ત્યાં ગરમાગરમ ષડ્‌યંત્ર મળશે (પ્રકરણ ૩)

12 November, 2025 11:40 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ઇન્વેસ્ટિગેશન અને સર્જરી સરખાં છે.’ સોમચંદે જવાબ આપ્યો, ‘જો એને અધૂરાં છોડી દેવામાં આવે તો નુકસાન થાય. અડધેથી છોડેલી સર્જરી ઘામાં વિકાર આપે અને અડધેથી છોડેલું ઇન્વેસ્ટિગેશન સંબંધોમાં...’

ઇલસ્ટ્રેશન

‘મારે તમારા સનને સર્વેલન્સમાં લેવો છે. તેના મોબાઇલથી માંડીને તેની રોજબરોજની વાતો, તેના વ્હીકલનું ટ્રૅકિંગ... બધેબધું...’

મનસુખ સંઘવી કંઈ કહે એ પહેલાં જ સોમચંદ શાહે ચોખવટ કરી...

‘પ્રામાણિકતા સાથે કહું તો બીજું કોઈ હોત તો મેં પરમિશન પણ ન માગી હોત; પણ તમે છો, તમારા માટે મને રિસ્પેક્ટ છે એટલે હું પૂછું છું.’

‘પરમિશન ગ્રાન્ટેડ... પણ એમાં જે કંઈ જાણવા મળે, ખબર પડે એ વાત માત્ર મારી સાથે શૅર કરવાની અને એ શૅર કર્યા પછી કાયમ માટે ભૂલી જવાની.’ મનસુખભાઈએ ઊંડો શ્વાસ લીધો, ‘જીવનમાં એનો ઉલ્લેખ ક્યારેય ક્યાંય થવો ન જોઈએ.’

‘જેન્ટલમૅન્સ પ્રૉમિસ...’ સોમચંદે હાથ લંબાવ્યો, ‘બને કે મારી શંકાઓ ખોટી હોય, પણ એ ખોટી છે એ જાણવા માટે પણ સર્વેલન્સમાં જવું પડે એવું મને લાગે છે.’

‘કઈ-કઈ વાતની શંકા હોઈ શકે છે...’

‘પહેલી, તમારો સન રાજીવ કદાચ બાય-સેક્સ્યુઅલ હોય.’ સોમચંદે કહ્યું, ‘બાય-સેક્સ્યુઅલ પર્સનાલિટી બન્ને બાબતમાં એટલી જ ઍક્ટિવ હોય જેટલા નૉર્મલ લોકો હોય.’

‘તમે પાર્ટીમાં સિક્સ-પૅકર્સ પણ બોલાવી શકતા હતા. જો બોલાવી લીધા હોત તો એક જ સમયે બન્ને વાત ખબર પડી ગઈ હોત.’

‘ના સર, જો એવું કર્યું હોત તો રાજીવે માત્ર મીટિંગ પર ફોકસ કર્યું હોત.’ સોમચંદે તર્કબદ્ધ વાત કરી,

‘બાય-સેક્સ્યુઅલ પર્સનાલિટીની એક ખાસિયત છે. જ્યારે તેની આસપાસ બન્ને જેન્ડરની બેસ્ટ પર્સનાલિટી આવી જાય ત્યારે તે કાચબાની જેમ પોતાનું મસ્તક અંદર નાખી દે છે અને એકદમ રિઝર્વ્ડ થઈ જાય છે. મને પણ આ નહોતી ખબર અને એટલે મેં તમને કહ્યું હતું તે સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર પ્રકાશ કોઠારી સાથે વાત કરી અને મને જાણકારી મળી. સો એ સારું જ થયું કે આપણે એક જ જેન્ડરના લોકોને એ પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા. હવે આપણે સેકન્ડ જેન્ડરને ચેક કરી લઈશું.’

‘એમાં રાજીવને સર્વેલન્સ પર લેવાની જરૂરી ખરી?’

‘માત્ર આ એક ટેસ્ટ માટે નહીં; પણ સાચું કહું તો મને થાય છે કે દર વખતે તમને અહીં, આ રીતે મળવા આવીને મારે તમારી ઇમેજને દાવ પર ન મૂકવી જોઈએ. બેટર છે કે મને જે પરમિશન જોઈએ છે એ બધી અત્યારે જ માગી લઉં તો આપણે વધારે મળવું પડે નહીં અને સર્વેલન્સ એક એવી પરમિશન છે જેમાં બાકીની બધી પરમિશન આવી જાય છે.’

‘એમાં તમે શું-શું કરવા માગો છો?’

‘બધું એટલે બધું...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘તમારા દીકરાના રૂટીન પર નજર રાખવાથી માંડીને આપણે તમારા સનના મોબાઇલ પર પણ વૉચ રાખીશું. તે ક્યાં જાય છે, કોને મળે છે, શું કામ મળે છે, મળનારાનું બૅકગ્રાઉન્ડ શું છે એ બધું આપણે જાણવું જોઈએ એવું મને લાગે છે.’

‘હં... પણ વાત...’

‘વિશ્વાસ રાખો. મને ખબર છે કે દરેક ગૉસિપ કોઈની પર્સનલ લાઇફ હોય છે અને મને ગૉસિપમાં ઇન્ટરેસ્ટ નથી...’

‘ઠીક છે, તમે જઈ શકો છો...’ મનસુખભાઈએ સોમચંદને વિદાય કરતાં કહ્યું, ‘તમારી ફી તમને ઘરે મળી જશે.’

‘એની કોઈ ઉતાવળ નથી અને હમણાં એ ન મોકલાવો એ જરૂરી છે.’ સોમચંદ ઊભા થયા, ‘કેસ પૂરો થયા પછી જ ખબર પડશે કે એમાં કેટલી મહેનત કરવામાં આવી છે માટે ફી અત્યારે બાકી રાખો...’

‘સોમચંદ...’

દરવાજે પહોંચેલા સોમચંદ શાહની પીઠ પર અવાજ અથડાયો.

‘તમને બધી તપાસની છૂટ આપી છે પણ એનો અર્થ એ નહીં કરતા કે તપાસ પૂરી થાય ત્યારે તમે મને રિપોર્ટ આપો. તમારે મને દર બે દિવસે રિપોર્ટ આપવાનો રહેશે.’

‘મંજૂર...’ મનસુખ સંઘવી સામે ટર્ન થતાં સોમચંદે કહ્યું, ‘તમારી આ શરત મને મંજૂર છે; પણ એક શરતે, તપાસને વચ્ચે અટકાવવાની ગુસ્તાખી નહીં કરતા.’

‘શરતનું કોઈ કારણ...’

‘ઇન્વેસ્ટિગેશન અને સર્જરી સરખાં છે.’ સોમચંદે જવાબ આપ્યો, ‘જો એને અધૂરાં છોડી દેવામાં આવે તો નુકસાન થાય. અડધેથી છોડેલી સર્જરી ઘામાં વિકાર આપે અને અડધેથી છોડેલું ઇન્વેસ્ટિગેશન સંબંધોમાં...’

મનસુખ સંઘવી સોમચંદને જોતા રહ્યા.

lll

‘કી...’

ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ હોટેલની બહાર આવ્યા પછી રાજીવે સિક્યૉરિટી સામે હાથ લંબાવ્યો. વૅલે પાર્કિંગમાંથી ગાડી બહાર લઈને આવેલા સિક્યૉરિટી ઑફિસરે રાજીવના હાથમાં કારની ચાવી મૂકી અને રાજીવ રવાના થયો કે બીજી જ સેકન્ડે નવા આવેલા સિક્યૉરિટી ગાર્ડે મેસેજ કરી દીધો.

‘ગૉન...’

‘ઓકે...’ તરત જ રિપ્લાય પણ આવ્યો, ‘આગળની ચૅનલમાં ઇન્ફૉર્મ કરી દે...’

‘ડન...’ તરત જ જવાબ આવ્યો, ‘ઑલરેડી તે રવાના થઈ ગયો.’

‘ગુડ...’

lll

‘ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ સિવાય બીજી કોઈ હોટેલમાં એ લોકો જતા નથી.’ ડિટેક્ટિવ સોમચંદે સામે બેઠેલી પોતાની ટીમને કહ્યું, ‘આજે એક વીક થયું, વીકમાં ૩ દિવસ રાજીવ સંઘવી હોટેલમાં આવ્યો છે. ચારેક કલાક તે ત્યાં રહે છે અને પછી નીકળી જાય છે. મને એ ડેટા જોઈએ છે કે રાજીવ છેલ્લા કેટલા સમયથી આ હોટેલમાં આવે છે.’

‘એ માટે કમ્પ્યુટર ચેક કરવું પડે. અગાઉના રિઝર્વેશન ચેક કરવા માટે લૉગ-ઇન પણ જોઈશે.’

‘રાઇટ...’ સોમચંદે કહ્યું, ‘હોટેલ એક સિંધીની છે. તેની સાથે વાત થઈ છે. નવો સ્ટાફ લેવા તે રાજી નથી.’

‘સર, એક રસ્તો થાય...’ સોમચંદના રાઇટ-હૅન્ડ જેવા સુદીપ શ્રીવાસ્તવે કહ્યું, ‘જો કોઈનું લૉગ-ઇન મળી જાય તો હું અહીંથી હોટેલના કમ્પ્યુટરને હૅક કરી લઈશ.’

સોમચંદે ચંદન પાંડે સામે જોયું.

ચંદન છેલ્લા ૧૦ દિવસથી ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ હોટેલમાં સિક્યૉરિટી ઇન્ચાર્જ તરીકે જોડાયો હતો.

‘સર, છે ડિફિકલ્ટ, પણ હું ટ્રાય કરી શકું.’ ચંદને કહ્યું, ‘લંચ-ટાઇમે સિસ્ટમ ખાલી થાય છે, પણ એક સિનિયર મૅનેજર સ્વભાવનો સાવ ખડૂસ છે. તેનું ધ્યાન બહાર લાઉન્જ પર જ હોય છે.’

‘હં... વાંધો નહીં. રસ્તો નીકળી જશે.’ સોમચંદે તરત જ પ્લાન બનાવી લીધો, ‘કાલે બપોરે તને એ ચાન્સ ઊભો કરી આપીશ, તું રેડી રહેજે... તારે લૉગ-ઇન ID મેળવી લેવાનો અને એ પછી ઇમિજિયેટ તું સુદીપને એ ID પાસ કરીશ.’

lll

‘બુકિંગ છે...’ હોટેલમાં આવનારા કપલે સિક્યૉરિટી ઑફિસર સામે જોયું, ‘ફ્લાઇટ લેટ હતી એટલે મોડું થયું...’

સિક્યૉરિટી ઑફિસરે રિસેપ્શન એરિયામાં દીવાલ પર રહેલી ઘડિયાળ પર નજર કરતાં કહ્યું, ‘સર, વેઇટ કરવી પડશે... સ્ટાફ લંચમાં ગયો છે. આપ બેસો...’

‘અરે, શું બેસો... મૅડમને ફ્રેશ થવા જવું છે.’ ગેસ્ટ ગુસ્સે થયા, ‘રજિસ્ટ્રેશન પછી કરી લેજો, મને અત્યારે રૂમની કી આપો.’

‘સર, એમ ન આપી શકાય...’ સિક્યૉરિટી ઑફિસરે કહ્યું, ‘રજિસ્ટ્રેશન પહેલાં કરવું પડે.’

‘તો એ કરો... પણ વેઇટ શું કામ કરવાની...’ ગેસ્ટનો અવાજ મોટો થયો, ‘ઑલરેડી છેલ્લા છ મહિનાથી અમે અહીં રહીએ છીએ. દર મહિને મારી વિઝિટ હોય છે. એ પછી પણ તમે આવી રીતે ટાઇમપાસ કરો...’

‘ડિયર, જરા જલદી કરાવને...’

ગેસ્ટ સાથે આવેલી ફીમેલે જે પ્રકારે પગની આંટી ચડાવી હતી એ જોતાં કોઈને પણ સમજાતું હતું કે તેને વૉશરૂમ જવું છે, પણ તે કન્ટ્રોલ કરી રહી છે.

‘પ્લીઝ...’

વાઇફની રિક્વેસ્ટ હસબન્ડની કમાન છટકાવી ગઈ.

‘એય, તું રજિસ્ટ્રેશન કર... નહીં તો મને કી આપ...’

‘સર, એવું ન થઈ શકે...’

‘ક્યાં છે તમારો સ્ટાફ... કૉલ ઑપરેટર...’ અવાજ ઇરાદાપૂર્વક મોટો થયો, ‘ઍનીબડી ઇઝ ધેર...’

ગેસ્ટને દેકારા કરતા જોઈને સિક્યૉરિટી ઑફિસર ગભરાયો અને તેણે તરત રિક્વેસ્ટ કરતાં કહ્યું, ‘તમે બે મિનિટ વેઇટ કરો... પ્લીઝ... હું... હું અંદર વાત કરું છું.’

lll

‘અરે મૅડમ, તમે ટેન્શન ન કરો. તમે શાંતિથી જમો.’ લંચ કરતી ઝિન્નત મુસાને સિક્યૉરિટી ઑફિસરે કહ્યું, ‘મને ફક્ત લૉગ-ઇન આપો. હું પ્રોસેસ કરતો થઉં.’

‘એવું હોય તો ફૉર્મ ભરાવવાનું શરૂ કર...’ ખડૂસ ઑફિસરે ટિફિન પૅક કરવાનું શરૂ કર્યું, ‘હું આવું છું...’

‘અરે ના સર... તમે બેસો. લંચ શું કામ અટકાવો છો...’ સિક્યૉરિટી ઑફિસરે ઝિન્નત સામે ફરી જોયું, ‘મૅડમ, હું કરું લૉગ-ઇન?’

‘મારો ID-પાસવર્ડ તને મેસેજ કરું છું...’ મોબાઇલ પર આંગળીઓ ફેરવતાં ઝિન્નતે પોતાના સિનિયરને કહ્યું, ‘સર, પ્રોસેસ ઑન થાય એટલી વારમાં હું જઉં છું, તમે લંચ લઈ લો...’

સિક્યૉરિટી ઑફિસરના મોબાઇલમાં મેસેજ ટોન વાગ્યો કે તરત ઑફિસરે બહારની તરફ પગ ઉપાડ્યા. નક્કી થયા મુજબ હવે તેની પાસે માત્ર ૧૨૦ સેકન્ડ હતી. સમયનો વેડફાટ અટકાવવા તેણે લૉગ-ઇન અને પાસવર્ડ આગળ ફૉર્વર્ડ પણ કરી દીધા.

lll

‘ઓકે...’

ડિટેક્ટિવ સોમચંદની આંખોમાં તાજુબ હતું, પણ તેની નજર હજી પણ હાથમાં રહેલા પેપર પર હતી.

રાજીવ સંઘવી નિયમિત હોટેલ ઍરપોર્ટ ઇન્ટરનૅશનલમાં જતો હતો. છેલ્લા છ મહિનાનો ડેટા હવે તેમના હાથમાં આવી ગયો હતો, જે મુજબ રાજીવ સંઘવી પ૧ વખત હોટેલમાં ઊતર્યો હતો. અલબત્ત, તે હોટેલમાં રહેતો બેથી ૩ કલાક અને વધીને ૪ કલાક અને પછી નીકળી જતો હતો. મોટા ભાગે રાજીવ પહોંચે એ પછીના અડધો કલાકમાં એક છોકરી તેને મળવા આવતી અને રાજીવ નીકળે એના અડધો-પોણો કલાકમાં તે છોકરી હોટેલ પરથી નીકળી જતી.

ખાસ વાત, રાજીવ સંઘવી કે પેલી છોકરી પાસેથી કોઈ પ્રકારનું ID હોટેલ-સ્ટાફ દ્વારા લેવામાં નહોતું આવતું, જેના બે અર્થ નીકળતા હતા. એક, કાં તો રાજીવ સંઘવીએ હોટેલના સ્ટાફને ફોડી રાખ્યો હતો અને બીજો અર્થ, રાજીવનું બુકિંગ ઉપરથી એટલે કે હોટેલના માલિક દ્વારા થતું હતું. આવું તો જ શક્ય બને જો માલિક રાજીવને ઓળખતો હોય, પણ એ રિસ્ક રાજીવ સંઘવી લે એવું માની શકાય નહીં.

રાજીવ સંઘવી જો પોતાની ઓળખ જાહેર થાય એવું ઇચ્છતો હોય તો તે આ હોટેલમાં આવે જ નહીં. ઍરપોર્ટ ઇન્ટરનૅશલના ફ્રન્ટ ભાગમાં, માંડ ૫૦ મીટરના અંતર પર સહારા ઇન્ટરનૅશનલ હતી, જે અમુક અંશે તો રાજીવ સંઘવીના સ્ટૅન્ડર્ડને મૅચ કરે એવી પણ હતી અને એ પછી પણ રાજીવ સંઘવી થ્રી-સ્ટાર કૅટેગરીની હોટેલમાં રહે!

સોમચંદને વાત ક્લિયર નહોતી થઈ રહી અને એટલે જ તેણે નેક્સ્ટ સ્ટેપની તપાસ કરવાનું નક્કી કર્યું.

lll

‘કંઈ જાણવા મળ્યું?’

‘હા, તમારા સનને એક છોકરી સાથે અફેર છે...’ બે દિવસની અપડેટ આપતાં સોમચંદે મનસુખ સંઘવીને કહ્યું, ‘તે એ છોકરીને નિયમિત મળે છે. વીકમાં બેથી ત્રણ વારની ઍવરેજથી.’

‘અમે તો બધી રીતે મૅરેજ માટે ઓપન છીએ તો પછી રાજીવ તે છોકરી વિશે ઘરમાં કેમ વાત કરતો નહીં હોય?’

‘તમારા પ્રશ્નના જવાબ માટે તમારે મને બે દિવસ આપવા પડશે...’ મનસુખ સંઘવીની આંખમાં જોતાં સોમચંદે પૂછ્યું, ‘ઊંડા ઊતરવું છેને આપણે?’

આંખોથી સંમતિ આપવા સિવાય મનસુખ સંઘવી પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો.

(ક્રમશ:)

columnists gujarati mid day exclusive Rashmin Shah