છળ-કપટ : અમારે ત્યાં ગરમાગરમ ષડ્‌યંત્ર મળશે (પ્રકરણ ૪)

13 November, 2025 12:11 PM IST  |  Mumbai | Rashmin Shah

પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાંથી પણ આ પ્રકારનાં કામ તેમને સોંપવામાં આવ્યાં ત્યારે પણ આટલી કાળજી લેવી નહોતી પડી; જ્યારે આજે, અત્યારે એ રીતે વર્તવું પડતું હતું જાણે કે દેશનું કોઈ બહુ મોટું સસ્પેન્સ ખૂલવાનું હોય.

ઇલસ્ટ્રેશન

‘સર, આપણે મળીએ?’

૪૮ કલાક પછી સોમચંદ શાહે મનસુખ સંઘવીને વૉટ્સઍપ કૉલ

કર્યો હતો.

‘ક્યારે?’

‘તમને અનુકૂળ હોય ત્યારે...’ સોમચંદ શાહે કહ્યું, ‘આ વખતે મારી ઇચ્છા છે કે જો શક્ય હોય તો તમે તમારા મોટા દીકરા, શું નામ તેનું...’

‘રાહુલ...’

‘હા, તમે રાહુલને પણ સાથે રાખશો તો મને ગમશે.’ સોમચંદે કહ્યું, ‘કારણ એટલું જ કે કાલે સવારે એવું ન બને કે મેં માત્ર તમને વાત કરી. મારી પાસે પણ પ્રૂફ હોવું જોઈએ કે મેં કોની હાજરીમાં બધી વાત કરી છે...’

‘રાહુલ તો અત્યારે નથી... તે આવતી કાલે આવશે.’ મનસુખ સંઘવીએ ચોખવટ કરી, ‘રાહુલ અત્યારે જપાન ગયો છે, કાલે સાંજે આવી જશે.’

‘ઓકે... પરમ દિવસે મળીએ.’

સોમચંદે ફોન કટ કર્યો. તેમના ફેસ પર ખુશી હતી. આમ પણ તેમને એકાદ દિવસ વધારે જોઈતો હતો, પણ ૪૮ કલાકની જે કન્ડિશન હતી એ કન્ડિશન ફૉલો કરવી જરૂરી હતી અને ખાસ તો એવા સમયે જ્યારે સોમચંદ પાસે નવી ઇન્ફર્મેશન હતી.

lll

‘રાજીવ સાથે જે ફરે છે તેની મને તમામેતમામ વિગત જોઈએ.’ સોમચંદે સૂચના આપી, ‘કોઈ નાનીસરખી વાત પણ બાકી ન રહેવી જોઈએ.’

‘શ્યૉર સર... તમને પહેલાંની જેમ જ બધું મળશે. હું જ આ કામ પર રહીશ.’ 

‘ના, તું નહીં. મને આ કામ પર માત્ર ને માત્ર ગર્લ્સ જોઈએ છે.’ સોમચંદે તાકીદ કરી, ‘છોકરી સિવાય બીજું કોઈ તે મૅડમ પર નજર નહીં રાખે. જરૂર પડે તો નવી છોકરીઓ લાવો, ન મળે તો મને કહો; પણ છોકરી સિવાય તે મૅડમની આંખ સામે કોઈ ન આવવું જોઈએ.’

‘ઠીક છે સર...’

lll

‘સર, દોઢ દિવસ થઈ ગયો, તે લેડી અહીં આવી જ નથી...’ હોટેલમાં સિક્યૉરિટી ઑફિસર તરીકે ગોઠવવામાં આવેલા ડિટેક્ટિવ સોમચંદના રાઇટ હૅન્ડે તેને માહિતી આપી, ‘તે આવે નહીં ત્યાં સુધી તો કોઈ કામ આગળ વધશે નહીં. સિવાય કે તમે કહો કે આપણે અહીંથી ઍડ્રેસ મેળવવાની ટ્રાય કરીએ... જેના ચાન્સિસ ઓછા છે.’

‘હં... હોટેલ પરથી તો ઍડ્રેસ નહીં જ મળે.’ સોમચંદે અનુમાન લગાવ્યું, ‘રાહ જોવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઑપ્શન નથી. રાહ જોઈએ.’

સોમચંદે ફોન મૂક્યો ત્યારે તેમને ખબર નહોતી કે તેમનું નસીબ જોર કરે છે.

માત્ર અઢી કલાકમાં, સાંજે ૪ વાગ્યે ફરી ફોન આવ્યો...

‘રાજીવ સંઘવી આવી ગયા... મૅડમ આવવાં જોઈએ.’

‘ટીમને કામે લગાડી દો...’

lll

‘છોકરી નીકળે છે...’

‘પાછળ કોણ જાય છે?’

‘સ્વાતિ... અને સ્વાતિને ફૉલો

કરશે પલ્લવી.’ સંતોષે રિપોર્ટિંગ આપતાં સોમચંદને કહ્યું, ‘પલ્લવી સાથે હું

સપનાને મોકલું છું, જેથી જરૂર પડે તો બન્ને છૂટા પડીને પણ પેલાં મૅડમની પાછળ લાગેલી રહે.’

‘પર્ફેક્ટ...’ સોમચંદે કહ્યું, ‘ત્રણેત્રણને કહી દે, તેમનાં લાઇવ લોકેશન મારી સાથે શૅર કરી દે.’

‘ડન સર...’

lll

કમ્પ્યુટર પર લાઇવ લોકેશન ટ્રૅક કરતી વખતે સોમચંદના ફેસ પર સ્માઇલ હતું અને મન ખડખડાટ હસતું હતું.

પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાંથી પણ આ પ્રકારનાં કામ તેમને સોંપવામાં આવ્યાં ત્યારે પણ આટલી કાળજી લેવી નહોતી પડી; જ્યારે આજે, અત્યારે એ રીતે વર્તવું પડતું હતું જાણે કે દેશનું કોઈ બહુ મોટું સસ્પેન્સ ખૂલવાનું હોય.

‘સર, આવું શું કામ?’

સંતોષે સોમચંદને સ્વાભાવિક રીતે જ સવાલ કર્યો અને સોમચંદે તેની સામે જોયું.

‘બીજું કોઈ ખાસ કારણ હોત તો સંતોષ મેં કદાચ એ કોઈ રૂલ ફૉલો ન કર્યા હોત અને મારી રીતે જ કામ કર્યું હોત, પણ અહીં વાત ફૅમિલીની છે. એક એવી ફૅમિલીની જેની દેશમાં બહુ રેપ્યુટેશન છે અને હું જે જોઈ રહ્યો છું એ જોતાં કહીશ કે આપણી આખી ઇન્ક્વાયરી સંઘવી ઍન્ડ સન્સમાં બહુ મોટી કટોકટી ઊભી કરી દેશે. બને કે એ બહાર ન આવે પણ... એવું થઈ શકે છે.’

સોમચંદે ફરીથી સ્ક્રીન પર નજર કરી.

પોતાની ત્રણ સાથીઓનાં લાઇવ લોકેશન સ્ક્રીન પર હતાં. તે ત્રણેત્રણ જે દિશામાં આગળ વધતી હતી એ જોઈને સોમચંદને થોડી નવાઈ તો લાગતી હતી, પણ અત્યારે એ નવાઈને દબાવવાની હતી.

lll

‘સર, ડન...’ સૌથી પહેલો ફોન સ્વાતિનો આવ્યો અને સ્વાતિએ સોમચંદને કહ્યું, ‘કાંદિવલી ઠાકુર કૉમ્પ્લેક્સ... મૅડમ અહીં આવીને અટકી ગયાં છે. ગાડી અપાર્ટમેન્ટમાં અંદર જે રીતે દાખલ થઈ એ જોતાં હું કહીશ કે તે કદાચ આ અપાર્ટમેન્ટમાં રહે છે અને કાં તો તેમનો ફ્લૅટ આ સોસાયટીમાં છે.’

‘લિસ્ટ, સોસાયટીનું આખું લિસ્ટ મને જોઈએ છે.’

‘મળી જશે સર...’

‘તું અંદર એન્ટર નહીં થાય, પણ તારી પાછળ સપના અને પલ્લવી આવે છે.’ સોમચંદે તરત જ નિર્ણય લીધો, ‘તું સપનાને કહી દે, તે અંદર જાય. કોઈ પણ રીતે તેણે અંદર જવાનું છે અને મૅડમનો ફ્લૅટ જોઈને પાછા આવવાનું છે.’

‘જી સર...’ સ્વાતિએ કહ્યું, ‘જો તમે કહો તો હું...’

‘ના, તારે કદાચ હજી એક વાર આ મૅડમની પાછળ જવું પડશે. એટલે તારે રિસ્ક નથી લેવાનું. સપનાને મોકલ, તે જ બેસ્ટ છે.’ સોમચંદે તરત જ ચેતવણી પણ આપી દીધી, ‘સ્વાતિ, સોસાયટી આખી CCTV કૅમેરાથી કનેક્ટ હશે એટલે સપનાને કહી દે ધ્યાન રાખીને આગળ વધે, પણ મને ઇન્ફર્મેશન જોઈએ છે એ નક્કી છે...’

‘જી સર... કામ થઈ જશે.’

lll

‘સર, C ટાવર... ઇલેવન્થ ફ્લોર...’ સ્વાતિએ કહ્યું, ‘ફ્લૅટ-નંબર ૧૧૦૨.’

‘હં...’

‘ફ્લૅટના મેઇન ડોરનો ફોટોગ્રાફ લઈ લીધો છે, તમને મોકલી દીધો છે.’ સ્વાતિએ આગળ કહ્યું, ‘મૅડમનું નામ હશે કે કેમ એ તો ખબર નથી, પણ આ ફ્લૅટ ભાવના રૈયાણીના નામે રજિસ્ટર્ડ છે.’

‘ફૅમિલીમાં...’

‘અત્યારે તો ઘરની બહાર બે જ પેર શૂઝની હતી, જેમાંથી એક આ મૅડમનાં હતાં એટલે કહી શકાય કે અત્યારે બે જ લોકો ઘરમાં છે, પણ શૂ-રૅક ભરેલી હતી એટલે વધુ લોકો રહેતા હોય એવું ધારી શકાય.’ સ્વાતિએ આગળ કહ્યું, ‘સોસાયટીમાં કુલ ૪ વ્યક્તિ આ ઘરમાં રહે છે એવું રજિસ્ટર થયું છે.’

‘ઓકે, ગુડ વર્ક સ્વાતિ...’ ફોન મૂકતાં પહેલાં સોમચંદે કહી દીધું, ‘સ્વાતિ, હવે તું ઘરે જઈને આરામ કરજે. એક વીક માટે... આ કેસમાં હવે તારી મને કોઈ જરૂર નથી.’

‘સર...’

‘સ્વાતિ, તું એક્સપોઝ થઈ હોવાની શક્યતા છે. મેં તને સોસાયટીમાં જવાની ના પાડી હતી એ પછી પણ તું ત્યાં ગઈ...’ સોમચંદે વાત ટૂંકાવી, ‘તારી ને મારી વચ્ચે વાત વધે એના કરતાં બેટર છે કે તું દલીલ નહીં કર અને થોડો રેસ્ટ કરી લે. આમ પણ તને વેકેશન જોઈતું જ હતું તો માન, તને વેકેશન મળી ગયું.’

‘જી સર...’

સ્વાતિને કહેવું હતું કે તેણે આવું સ્ટેપ શું કામ લેવું પડ્યું, પણ તેને ખબર હતી કે સોમચંદ હવે તેની વાત સાંભળવાના નથી એટલે દલીલ કર્યા વિના જ તેણે ફોન મૂકી દીધો.

lll

‘મિસ્ટર સંઘવી, કામ આગળ વધી રહ્યું છે... બસ, મને થોડો સમય જોઈએ છે.’

‘સમય જોઈતો હતો તો પછી અમને આજે બોલાવવાનું કોઈ કારણ...’ રાહુલના સ્વરમાં થોડું ઇરિટેશન હતું, ‘ખોટો ટાઇમ બગાડ્યો...’

‘ના, એવું નથી. તમને મળવું જરૂરી હતું.’ સોમચંદે મનસુખ સંઘવી સામે જોયું, ‘મારે એ જાણવું છે કે મુંબઈમાં આપણી કેટલી પ્રૉપર્ટી હશે?’

‘સેંકડો... એની ગણતરી કરી નથી.’ જવાબ રાહુલે જ આપ્યો, ‘તમારે એનું શું કામ હતું?’

‘મારે આંકડો નથી જાણવો કે તમારી પાસે કેટલા ફ્લૅટ, કેટલાં ફાર્મહાઉસ... મારે માત્ર એટલું જાણવું છે કે તમે ક્યારેય પ્રૉપર્ટી બીજા કોઈના નામે લો છો કે નહીં?’

‘ના, ક્યારેય નહીં...’ જવાબ મનસુખ સંઘવીએ આપ્યો, ‘અમારી તમામ સંપત્તિમાં અમારા ફૅમિલી-મેમ્બરનું નામ હોય જ. આજ સુધી કોઈ થર્ડ પાર્ટીના નામે અમે કોઈ પ્રૉપર્ટી નથી લીધી.’

‘થૅન્ક યુ સર...’

‘પેલી છોકરી વિશે કંઈ ખબર પડી?’

‘તપાસ ચાલુ છે... જોઈએ શું થાય છે...’ સોમચંદે ઊભા થઈને મનસુખ સંઘવી સામે હાથ લંબાવ્યો, ‘સર, હું નીકળું, મને બહુ અર્જન્ટ એક કામ યાદ આવ્યું છે ને મારે પહોંચવું પડશે... આપણે પછી મળીએ.’

મનસુખ સંઘવી કે રાહુલ સંઘવી કંઈ સમજે કે રીઍક્ટ કરે એ પહેલાં

જ ડિટેક્ટિવ સોમચંદ રૂમની બહાર નીકળી ગયા.

અનાયાસ જ કામનો પહેલો પડાવ તેમણે પાર કરી લીધો હતો અને એ પણ અજાણતાં જ રાહુલે કરેલી મદદને કારણે.

lll

‘સર, આપણે મળવું પડશે, પણ એકાંતમાં... પહેલી વાર પ્રાઇવસી સાથે અને એ પછી આપણે તમારા મોટા સનની હાજરીમાં મળીએ.’

‘સોમચંદ, મને લાગે છે કે તમે ટાઇમ પસાર કરો છો.’

‘હા, સાચું છે... હું ટાઇમ પસાર કરું છું, પણ એ ટાઇમપાસ માટે નથી કરતો. હું કન્ફર્મ થવા માગું છું અને એ પહેલાં એક પણ એવી વાત કહેવા નથી માગતો જેને લીધે તમારી લાઇફમાં કોઈ સાઇક્લોન આવે.’ ડિટેક્ટિવ સોમચંદે મનસુખ સંઘવીને રિક્વેસ્ટ કરી, ‘સર, છેલ્લી બે મીટિંગ પ્લીઝ... પહેલી તમારી સાથે. તમે કહેશો ત્યાં હું આવવા તૈયાર છું, પણ એક વાર મળીએ.’

‘એક કામ કરો, હું વાપી મારા ફાર્મ પર છું, ત્યાં આવી જાઓ.’

‘ત્યાં આપણે મળીશું પ્રાઇવસી સાથે... પ્લીઝ...’

‘હં...’ સહેજ વિચારીને મિસ્ટર સંઘવીએ જવાબ આપ્યો, ‘ઠીક છે...’

lll

‘મિસ્ટર સંઘવી, તમારા સનનું અફેર ચાલે છે, જે મેં તમને અગાઉ કહ્યું હતું.’

સોમચંદ શબ્દો શોધતા હતા જેનો અનુભવ ખુદ મનસુખ સંઘવીને પણ થતો હતો.

‘રાજીવને અફેર છે એની ૯૯ ટકા મોટા ભાઈ રાહુલને ખબર છે...’ સોમચંદે તરત જ કહ્યું, ’૯૯ ટકા એટલા માટે કહું છું કે આ તમારા ઘરની વાત છે. બાકી હું મારી સાઇડથી શ્યૉર છું કે રાહુલને બધી ખબર છે...’

‘કઈ વાત પરથી તમને એવું લાગ્યું કે રાહુલને ખબર છે.’

‘યાદ કરો, બે દિવસ પહેલાંની આપણી તાજ લૅન્ડ્સ એન્ડવાળી મીટિંગ...’ સોમચંદે કહ્યું, ‘એ મીટિંગમાં મેં ક્યાંય કોઈ છોકરીની વાત તેને નહોતી કરી અને એ પછી પણ રાહુલે મને સવાલ કર્યો કે પેલી છોકરીની કંઈ ખબર પડી... તમે તેને વાત કરી હોય એવું હું માનતો નથી...’

‘ના, મેં તેની સાથે આપણી કોઈ વાત શૅર કરી નથી.’

‘તો પછી એવું કેમ બને કે રાહુલને ખબર હોય કે અમે એક છોકરીને ટ્રૅક કરીએ છીએ?’

‘રાજીવે તેને કહ્યું હોય...’

‘રાજીવે અફેરની વાત કરી હોય; અમે તે છોકરીનો પીછો કરીએ છીએ, તેની ઇન્ક્વાયરી કાઢીએ છીએ એ વાત રાજીવ પણ કઈ રીતે કરી શકે?!’

‘હં... તમને લાગે છે શું?’

‘એ જ કે તમારો મોટો દીકરો આ આખા કેસમાં ક્યાંક ને ક્યાંક ઇન્વૉલ્વ છે.’

‘જો એવું હોય તો શું કામ આપણે ટાઇમપાસ કરીએ છીએ. તેને બોલાવીએ, વાત કરીએ એટલે ક્લિયર થાય...’

‘ક્લિયર થયેલી વાત સહન કરવાની તમારી ક્ષમતા છેને?’

ડિટેક્ટિવ સોમચંદે મનસુખ

સંઘવી સામે જોયું. સોમચંદની આંખોમાં તાપ હતો.

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah