છળ-કપટ : અમારે ત્યાં ગરમાગરમ ષડ્‌યંત્ર મળશે (પ્રકરણ ૫)

14 November, 2025 01:37 PM IST  |  Mumbai | Rashmin Shah

ડિટેક્ટિવ સોમચંદે મનસુખ સંઘવી અને રાહુલ સંઘવી સામે જોઈને વાત આગળ વધારી, ‘સિમ્પલ જવાબ આપી દઉં. રાજીવ માટે તમે મનસુખભાઈ જે ચિંતા કરો છો એ ગેરવાજબી છે

ઇલસ્ટ્રેશન

‘મારે સૌથી પહેલાં તો તમને એ કહેવું છે કે ક્યાંય કોઈ જાતની દલીલ કોઈ નહીં કરે. હવે હું જે કહીશ, જેટલું કહીશ એ બધાના મારી પાસે પૂરતા પુરાવા છે અને એ પછી જ હું તમારી સામે આ વાત મૂકવાનો છું.’

રાહુલના ફેસ પર સહેજ

અકળામણ હતી, જેને તે છુપાવવાની કોશિશ કરતો હતો.

‘બીજી ચોખવટ, હું અત્યાર સુધી તમારી જગ્યાએ તમને મળવા માટે આવ્યો, પણ આજે મેં તમને મળવા માટે અહીં બોલાવ્યા છે જેનું મેઇન કારણ એ કે વાત કર્યા પછી કદાચ મારા માટે ત્યાંથી નીકળવું ભારે થઈ ગયું હોત... જે મારે નહોતું કરવું.’

ડિટેક્ટિવ સોમચંદે મનસુખ સંઘવી અને રાહુલ સંઘવી સામે જોઈને વાત આગળ વધારી, ‘સિમ્પલ જવાબ આપી દઉં. રાજીવ માટે તમે મનસુખભાઈ જે ચિંતા કરો છો એ ગેરવાજબી છે. રાજીવને કોઈ ફિઝિકલ કે મેન્ટલ ઇશ્યુ નથી. રાજીવ સંપૂર્ણપણે પુરુષ છે અને એના આપણી પાસે પૂરતા પુરાવા છે.’

‘તે મૅરેજ માટે તૈયાર કેમ નથી થતો?’

‘કારણ કે તે પ્રેમમાં છે, ગળાડૂબ પ્રેમમાં...’

‘આપણે તે છોકરીને અપનાવવા પણ તૈયાર છીએ તો...’ મનસુખભાઈએ વાજબી સવાલ કર્યો, ‘પછી છોકરાને ક્યાં પ્રૉબ્લેમ હોઈ શકે?’

‘તે છોકરીને મળ્યા વિના તમે આ વાત કરો છો; પણ તમે છોકરીને, છોકરીના બૅકગ્રાઉન્ડને જાણશો તો... આઇ ઍમ શ્યૉર, તમે તેને નહીં સ્વીકારો.’

‘અચ્છા...’ મનસુખ સંઘવીએ સવાલ કર્યો, ‘શું છે તેનું બૅકગ્રાઉન્ડ...’

‘તે છોકરી મૅરિડ છે... છોકરીને બે બાળકો પણ છે.’ સોમચંદે રાહુલ સામે જોયું, ‘રાહુલ મારી વાત બરાબર છેને?’

‘હોઈ શકે, મને નથી ખબર...’ રાહુલના ચહેરા પર હવે બેફિકરાઈ આવી ગઈ હતી, ‘તમે તપાસ કરી હોય તો તમને ખબર હોયને...’

એક બંધ કવર રાહુલ તરફ લંબાવતાં સોમચંદે મનસુખ સંઘવી સાથે વાત આગળ વધારી અને કહ્યું, ‘સર, આ સિવાય પણ કારણ છે જેને લીધે તમે છોકરીને નહીં સ્વીકારો.’

‘સોમચંદ, ગોળ-ગોળ વાત કરવાને બદલે તમે સીધી વાત કરશો તો મને ગમશે. એમાં તમારો પણ સમય બચશે ને મારો પણ...’

‘રાઇટ... અને મને એમાં વાંધો પણ નથી.’ સોમચંદે રાહુલ સામે જોયું, ‘જો રાહુલે આ ફોટોગ્રાફ્સ જોઈ લીધા હોય તો હું આગળ બધી વાત સીધી ને સટ કરું...’

‘આપણે બે મિનિટ પર્સનલી વાત કરી શકીએ... ઇફ યુ ડોન્ટ માઇન્ડ.’

રાહુલ ઊભો થયો અને રાહુલની સાથે સોમચંદ પણ ઊભા થયા.

સંઘવી ઍન્ડ સન્સના ચૅરમૅન મનસુખ સંઘવીને સોમચંદ પોતાના ડ્રૉઇંગ-રૂમમાં એકલા મૂકી બેડરૂમમાં ગયા.

lll

‘તમે જે માગો એ કિંમત... બસ, મારી વાત એટલી છે કે હવે પછીની વાત તમે તમારી રીતે ફેરવી નાખો.’ રાહુલના ચહેરા પર પરસેવો હતો, ‘હું બીજા કોઈ કારણસર નથી કહેતો, હું પપ્પાની હેલ્થને ધ્યાનમાં રાખીને કહું છું. તમે જે માગો એ કિંમત...’

‘સત્ય અમૂલ્ય છે, એની કિંમત કોઈ આંકી ન શકે...’ સોમચંદે શરત મૂકી, ‘કિંમત વિશે પછી ક્યારેક વિચારીશું. પહેલાં મારે સત્ય જાણવું છે. એ સત્ય જે હું ઑલરેડી જાણી ચૂક્યો છું. બસ, મને એ જોઈએ છે કે તું તારા મોઢે એ વાત કરે.’

‘તમને બધી ખબર જ છે તો પછી વાતનો અર્થ શું?’

‘તું સત્ય કહેવાની હિંમત કેળવી

શકે એ...’

‘મને ખબર છે, સંજના અને રાજીવ વચ્ચે અફેર...’

‘રાહુલ, મને ચોખવટ સાથે વાત જોઈએ છે...’

સોમચંદે પેગ બનાવીને રાહુલ સામે મૂક્યો. ઘણી વાર દારૂ માણસને ઉછીની હિંમત આપવાનું કામ કરે છે.

‘સંજના કોણ છે એ તું કહીશ કે હું કહું કે...’ સોમચંદે વાક્ય પૂરું કર્યું, ‘તે તારી વાઇફ છે...’

‘તમને ખબર છે તો પછી શું કામ મને પૂછો છો?’

‘તેં આ રિલેશન આગળ કેમ વધવા દીધા એ જાણવા માટે...’

‘હું નહોતો ઇચ્છતો કે ફૅમિલીની વાત બહાર આવે, હું નહોતો ઇચ્છતો કે ફૅમિલીની બદનામી થાય, હું નહોતો ઇચ્છતો કે...’

‘તારે બે બચ્ચાં છેને?’

રાહુલને અટકાવતાં સોમચંદે પૂછ્યું અને રાહુલે તરત જવાબ આપ્યો.

‘હા...’

‘બન્ને બાળકો તારાં જ છે?’

‘મિસ્ટર સોમચંદ, હવે તમે લિમિટ ક્રૉસ કરો છો... મર્યાદામાં રહેજો, તમને ખબર નથી સંઘવી ઍન્ડ સન્સની શું તાકાત છે?!’

‘એટલી કે ભાભી સાથે દિયર બે બાળકો પેદા કરે...’

દિલ્હીના લાલ કિલ્લા સામે થયેલા બ્લાસ્ટ કરતાં પણ ભયાનક બ્લાસ્ટ એ રૂમમાં થયો અને રાહુલ સંઘવીના કાનમાં ધાક પડી ગઈ.

‘જો આ વાતને તું ચૅલેન્જ કરવા તૈયાર હોય તો હું પણ તૈયાર છું. બહાર જઈને તારા પપ્પાને તેમના બન્ને પૌત્રની DNA ટેસ્ટ માટે કહું છું. ૭ દિવસમાં આખી વાત સામે આવી જશે, પણ એ વાત સામે આવશે ત્યારે રાહુલ જે વિસ્ફોટ થશે એમાં તમારું આખું બિઝનેસ એમ્પાયર ખતરનાક તો તૂટશે, પણ સાથોસાથ તમારા પરિવારની આબરૂ પણ ધરાશાયી થઈ જશે. હજી પણ સમય છે, સાથે બેસીને વાતનો ઉકેલ લાવી શકાશે.’

‘તમને શું જોઈએ છે?’

‘સત્ય... હકીકત...’ ડિટેક્ટિવ સોમચંદે દૃઢતા સાથે કહ્યું, ‘તને કહેવામાં પ્રૉબ્લેમ હોય તો મને પ્રૂવ કરવામાં વાંધો નહીં આવે.’

‘આમાં એવું કંઈ છે જ નહીં જે કહેવું પડે...’

‘ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ હોટેલ ટેકઓવર કર્યાને કેટલાં વર્ષ થયાં?’ સવાલે રાહુલને વધુ એક ઝાટકો આપ્યો, ‘હોટેલ રાહુલ સંઘવીની છે એટલે જ રાજીવ કે તેની ગર્લફ્રેન્ડની કોઈ પૂછપરછ કરવામાં આવતી નથી. હોટેલ રાહુલ સંઘવીની છે એટલે જ રાહુલ સંઘવી હોટેલમાં પોતાના મેલ-પાર્ટનર સાથે આવે તો પણ પૂછપરછ નથી થતી.’

‘તમને... તમને કોણે કહ્યું...’

‘પ્રૉપર્ટી તું ખરીદી શકે તો હું ત્યાંનો સ્ટાફ ન ખરીદી શકું.’

‘ઓહ ગૉડ...’

રાહુલ સોફા પરથી ઊભો થઈ ગયો. તેની આંખ સામે અજાણ્યો તે સિક્યૉરિટી ગાર્ડ આવી ગયો જેના સિક્સ-પૅક બૉડીએ રાહુલને ખુશ કરી દીધો હતો.

lll

‘તે છોકરો આજથી ડ્યુટી પર આવ્યો?’

‘ના, ગઈ કાલથી...’ મૅનેજરે જવાબ આપ્યો, ‘અહીં જે ઑફિસર હતો તે ઑફિસરને ઇમર્જન્સીમાં તેના ગામ મેરઠ જવું પડ્યું એટલે આપણી એજન્સીએ આને ડ્યુટી આપી છે.’

‘હં... એજન્સીને કહેજો, આપણને આ પ્રકારનો યંગ અને ફિટ સ્ટાફ જોઈએ છે.’ રાહુલે કાચમાંથી ફરી એક વાર સિક્યૉટિરી ઑફિસરને જોયો, ‘સિક્યૉરિટીમાં એવો સ્ટાફ મોકલી દે છે કે ઇમર્જન્સીમાં સૌથી પહેલાં તે જ ફાટી પડે...’

‘જી સર... મેસેજ આપી દઈશ.’

‘અત્યારે આ જે આવ્યો છે તેને પણ પૂછો કે પર્મનન્ટ અહીં રહેશે? જો રહેવા તૈયાર હોય તો આપણે સારું પૅકેજ આપીશું...’

હકારમાં નૉડ કરીને મૅનેજર બહાર નીકળી ગયો અને રાહુલ પણ રૂમમાં ચાલ્યો ગયો. થોડી વાર પછી આવનારા નીગ્રો પાર્ટનર સાથે આજની રાત તે હોટેલમાં જ રોકાવાનો હતો. અલબત્ત, આવનારા તે નીગ્રો પાર્ટનરના નામે રાહુલના ફ્લોર પર જ ઑલરેડી બીજો રૂમ બુક હતો, જેથી કોઈને અણસાર પણ ન આવે.

lll

‘કહેવાની જરૂર ખરી, મેરઠ જવા માટે તારા તે ઑફિસરને સૂચના મેં

આપી હતી?’

‘તમને જોઈએ છે શું?’

‘મારે પહેલેથી વાત સાંભળવી છે, આ બધું થયું શું?’

‘એનાથી તમને શું ફરક પડવાનો?’

‘નરાધમ માનસિકતાની ચરમસીમા જોઈ શકાશે...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી કઈ વાત ને કેટલી વાત મનસુખ સંઘવીને કરવી એ પણ તારે નક્કી કરવાનું છે. હું તો ઇચ્છીશ કે તું બધી વાત કરી દે. રાહુલ, જે થઈ ગયું એ થઈ ગયું. તેં જે સચ્ચાઈ ફૅમિલી સામે મૂકી નહીં એને લીધે આ આખી ગરબડ થઈ અને ગરબડ પણ એવી કે કોઈ ઉકેલી ન શકે.’

‘આના ઉકેલનો કોઈ રસ્તો તમારી પાસે છે?’

‘હા, એક રસ્તો છે... પણ તને કહીશ તો એ તને ગમશે નહીં.’ સોમચંદે કહ્યું, ‘એ રસ્તો સૂચવું એ પહેલાં તું મને કહે, આપણે હવે તારા પપ્પાને કેવી રીતે વાત કરીશું?’

‘વાત કરવી જરૂરી છે...’

‘હા અને એ વાત તું કરે એ જ તારા હિતમાં છે.’

‘મને પાંચ મિનિટ જોઈએ છે.’

‘આપી...’ ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા, ‘હું બહાર વેઇટ કરું છું, પાંચ મિનિટ પછી તું જ બહાર આવીને વાત કહી દે... જ્યાં તું વાત છુપાવશે કે ખોટું બોલશે ત્યાં હું સાચું કહીશ એ યાદ રાખજે...’

સોમચંદ રૂમની બહાર નીકળી ગયા.

તેમને ખબર નહોતી કે આવનારી એ મિનિટો સંઘવી ઍન્ડ સન્સને નેસ્તનાબૂદ કરવાની દિશામાં આગળ વધનારી છે.

lll

‘તમે તો વાત કરો, થયું છે શું?’

દોઢ-બે મિનિટ વાતાવરણમાં રહેલી ચુપકીદી તોડતાં મનસુખ સંઘવીએ ડિટેક્ટિવ સોમચંદ સામે જોયું.

‘વાત કરશો તો રસ્તો નીકળશે, ઉપાય શોધી શકાશે.’

‘સંબંધોમાં જે ગૂંચવણ ઊભી થઈ છે એનો કોઈ ઉપાય મને નથી દેખાતો.’ સોમચંદના સ્વરમાં નરમાશ હતી, ‘સાંભળ્યા પછી તમે પણ એ જ કહેશો...’

‘સાંભળવાનું શું સોમચંદ... હું બધું જાણું જ છું.’

મનસુખ સંઘવીના શબ્દો સોમચંદને ઝાટકો આપી ગયા. તે કંઈ કહે કે રીઍક્ટ કરે એ પહેલાં જ રૂમમાંથી અવાજ આવ્યો.

ધડામ...

પિસ્ટલ ફાયરિંગના એ અવાજે મનસુખ સંઘવીની સાથોસાથ સોમચંદને પણ ઝાટકો આપ્યો.

lll

‘રાહુલ ગે હતો, પણ તેણે એ વાત બધાથી છુપાવી. છુપાવવા પાછળ બે કારણો હતાં. એક તો સંઘવી ઍન્ડ સન્સની પ્રેસ્ટિજ અને બીજું કારણ, શરમ. મૅરેજના સમયે પણ રાહુલ કોઈને કશું કહી શક્યો નહીં અને તેણે મૅરેજ કરી લીધાં, પણ ફર્સ્ટ નાઇટે જ તેની વાઇફને ખબર પડી. પહેલી રાત શૉક્ડ અવસ્થામાં સંજનાએ પસાર કરી અને એ પછી સંજનાએ પણ મન મનાવી લીધું કે આ જ જીવન છે. સંજનાના મન મનાવવા પાછળનું કોઈ ખાસ કારણ હોય તો એ જ કે સંજના મિડલ ક્લાસ ફૅમિલીમાંથી આવતી હતી, સંઘવી ઍન્ડ સન્સની સુખસાહ્યબી તેને જોઈતી હતી.’

સોમચંદે ધીમેકથી સામે બેઠેલાં વર્ષા સંઘવી સામે જોયું. વર્ષા સંઘવીનો ચહેરો થીજી ગયો હતો.

‘મૅરેજના આઠેક મહિના પછી રાજીવ અમેરિકાથી રિટર્ન થયો અને અનાયાસ જ રાજીવ અને સંજના એકબીજાની નજીક આવ્યાં. ઇચ્છાઓથી અધૂરી થતી જતી સંજના કન્ટ્રોલ કરી શકી નહીં અને રાજીવ પણ... સંજનાનાં બન્ને બાળકો રાજીવનાં જ છે. પહેલી પ્રેગ્નન્સી સમયે પહેલી વાર સંજનાએ રાજીવને રાહુલનું સત્ય કહ્યું. કેટલીક વાતો ગુસ્સો આપે તો કેટલીક વાર ગુસ્સાની સાથોસાથ દયા પણ આપી જાય. રાજીવને રાહુલની દયા આવી અને તેણે મનોમન નક્કી કરી લીધું કે તે આ જ લાઇફને આખી જિંદગી આગળ વધારશે, પણ ઘરેથી આવતા મૅરેજના પ્રેશર વચ્ચે વિખવાદ વધવાનો શરૂ થયો.’

‘આ જ વાત હતી કે પછી આમાં બીજી કોઈ વાત પણ...’

‘તમને બધી ખબર હતી તો તમે કેમ એ વિશે વાત કરી નહીં?’

‘પહેલાં તમે વાત કરો... હું મારી પછી કહું.’

‘ગે હોવા છતાં રાહુલે વાઇફ સાથે રહેવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નના ભાગરૂપે જ તેને એક બાળક થયું.’ વર્ષાની આંખમાં શંકા જોઈને સોમચંદે વાત આગળ ધપાવી, ‘હા, પહેલા બાળક માટે ભલે રાહુલ અને સંજના કહે કે તે બાળક રાજીવનું છે, પણ એવું નથી. તે બાળક રાહુલનું જ છે. બસ, રાજીવ સામે એવું દર્શાવવામાં આવ્યું કે એ બાળક તેનું છે.’

‘એવું કરવાનું કારણ...’

‘એવું કરવાનું કારણ, ઘરમાં એવું કોઈ પાત્ર ન આવે જેનાથી ભવિષ્યમાં ભાગલા થાય ત્યારે સંઘવી ઍન્ડ સન્સની પ્રૉપર્ટીનો પચાસ ટકા હિસ્સો રાજીવને મળે.’ જવાબ મનસુખ સંઘવીએ આપ્યો, ‘રાહુલ ઇચ્છતો હતો કે રાજીવ મૅરેજ કરે જ નહીં. જો તે મૅરેજ કરે તો પ્રૉપર્ટીમાં હિસ્સો માગે. રાજીવને સંજનાના નામે આજીવન બ્લૅકમેઇલ કરવામાં આવે અને પોતાને ઑફિશ્યલ બાળકો પણ ન હોય તો રાજીવ સંપત્તિમાં ભાગ પણ ન માગે એવું તેના મનમાં હતું અને હું એ ઇચ્છતો નહોતો...’

‘થયું પણ એવું જને! રાહુલે જે સ્ટેપ લીધું એમાં હવે સંઘવી ઍન્ડ સન્સમાં ક્યારેય બે ભાગ નહીં પડે...’

મનસુખ સંઘવી જવાબ આપે એ પહેલાં સોમચંદ ઘર છોડીને નીકળી ગયા હતા.

(સમાપ્ત)

columnists exclusive gujarati mid day Rashmin Shah