06 July, 2026 01:43 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
મલાડ-ઈસ્ટની એ સડક પર રાતે ૯ વાગ્યા પછી અંધારું અને સન્નાટો બન્ને પગપેસારો કરી લેતાં. જ્યાં લિન્ક રોડ અને સ્ટેશન રોડ ૨૪ કલાક ધમધમતા હોય ત્યાં મલાડ-ઈસ્ટનો આ વિસ્તાર અપવાદરૂપ હતો. રસ્તાની બન્ને બાજુએ ઘટાદાર વૃક્ષો અને જૂની સોસાયટીઓની ઊંચી દીવાલો હતાં જેને લીધે સ્ટ્રીટલાઇટ્સનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચતો નહીં. જો એકલદોકલ નીકળે તો તે ચોક્કસપણે આ રસ્તા પર સહેજ ડરે, પણ મનસુખભાઈ માટે તો આ રોજનો રસ્તો હતો એટલે અહીંથી નીકળતી વખતે તેમના પેટનું પાણી પણ હલે નહીં.
ઘરે જવા માટેનો શૉર્ટકટ એટલે એમ પણ મનસુખભાઈને આ રસ્તા માટે થોડી વધારે પ્રીતિ.
મનસુખલાલ શાહ. ઉંમર ૭૫ વર્ષ. વર્ષોથી મલાડમાં રહે. જૈન અગ્રણી ખરા, પણ એવા અગ્રણી જેને આખો જૈન સમાજ કરોડપતિ કંજૂસ તરીકે વધારે ઓળખે. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાંથી ક્લાસ-વન ઑફિસર તરીકે નિવૃત્ત થયેલા મનસુખલાલ પાસે મલાડ અને કાંદિવલીમાં કરોડોની જમીનો અને બૅન્કમાં પણ કરોડોની ફિક્સ્ડ ડિપોઝિટ્સ. એમ છતાં શરીર પર હંમેશાં સાદો
લેંઘો-ઝભ્ભો હોય અને પગમાં ૨૦૦ રૂપિયાનાં રબરનાં ચંપલ. આખા મલાડમાં ગમે ત્યાં જવું હોય, મનસુખલાલ પોતાની સાઇકલ જ વાપરે. પૈસા બચાવવા એ તેમનો સ્વભાવ નહીં, ધર્મ હતો.
એ રાતે પણ મનસુખલાલ પોતાની અડધી સદી જૂની લીલા રંગની હર્ક્યુલસ સાઇકલ લઈને નીકળ્યા. ચોવિહાર કરીને દેરાસરે જ સમય પસાર કરીને હવે તે જવાહરનગરથી રવાના થયા હતા અને ઘરે જતા હતા.
‘મનસુખભાઈ, હવે તો સાઇકલ વાપરવાનું છોડો...’ દેરાસરથી રવાના થયા ત્યારે એક વડીલે ટકોર કરી હતી, ‘તમારી આ સાઇકલ પણ હવે રજા લેવા માગે છે.’
‘મારું ચાલે તો સ્વર્ગમાં પણ આ સાઇકલ પર જ જઈશ ભાઈ...’ મનસુખલાલે સ્માઇલ કરતાં જવાબ આપ્યો હતો, ‘આટલાં વર્ષ મને સાથ આપ્યો છે. હવે જો એનો સાથ છોડી દઉં તો-તો નગુણો કહેવાઉં...’
મનસુખલાલ સાઇકલને પૅડલ મારતાં-મારતાં આગળ વધ્યા. સડક સૂમસામ હતી. મનસુખલાલના મનમાં નવકારનો જાપ અકબંધ ચાલુ હતો અને અચાનક પાછળથી ઘેરો અવાજ આવ્યો. મનસુખભાઈનું ધ્યાન અવાજની દિશામાં ખેંચાયું, પણ તેમણે નજર રસ્તા પર જ માંડેલી રાખી.
સડકના વળાંક પર પાર્ક થયેલી બ્લુ કલરની વૅગનઆર કાર અચાનક ચાલુ થઈ. એની હેડલાઇટ્સ બંધ હતી, માત્ર પાર્કિંગ લાઇટ્સ ચાલુ હતી. સ્ટાર્ટ થયેલી કારે સીધી જ એકઝાટકે ગતિ પકડી અને અવાજ મનસુખલાલની દિશામાં આગળ વધ્યો. અવાજની તીવ્રતા કે પછી મનમાં જન્મેલા અંદેશા વચ્ચે મનસુખલાલે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ પાછળ જુએ એ પહેલાં જ કાર તેમની સાઇકલ સાથે ધડાકાભેર ભટકાઈ.
ધડામ...
મનસુખલાલ હવામાં ઊછળ્યા અને રોડની બીજી તરફ ફંગોળાયા.
સાઇકલનો કચ્ચરઘાણ વળી ગયો, આગળનું વ્હીલ શૂન્યમાંથી આઠડો બની ગયું.
સ્વાભાવિક છે કે ઍક્સિડન્ટ પછી ડ્રાઇવર કાર રોકી દે અને જો ડ્રાઇવર ગભરાઈ જાય તો તે કાર સીધી ભગાવી મૂકે અને હિટ-ઍન્ડ-રન કેસ બને. અહીં પણ એવું જ બન્યું. ડ્રાઇવર સહેજ ગભરાયો. તેણે કાર ઊભી રાખી દીધી. કારનો દરવાજો ખૂલ્યો અને એમાંથી ડ્રાઇવર બહાર આવ્યો. પોતાની જગ્યાએથી જ તેણે મનસુખલાલ તરફ જોયું. જમીન પર લોહીના ખાબોચિયામાં મનસુખલાલ તરફડતા હતા. તેમનો હાથ હવામાં અધ્ધર થયો, જાણે કે તે મદદ માટે કોઈને બોલાવતા હોય એમ તેમના ગળામાંથી સહેજ અવાજ નીકળ્યો અને ડ્રાઇવર મનોમન કંઈક વિચારીને ફરી કારમાં બેસી ગયો.
કારમાં ફરી મૂવમેન્ટ આવી અને ડ્રાઇવરે ગાડી રિવર્સ લીધી. કાર સહેજ પાછળ ગઈ અને પછી એના પર પૂરી તાકાતથી ઍક્સેલરેટરનું દબાણ આવ્યું અને કારનાં વ્હીલ્સ મનસુખલાલના દૂબળા દેહ પર ફરી વળ્યાં. થોડી સેકન્ડ્સમાં કાર અંધારામાં ઓગળી ગઈ.
lll
કાંદિવલીની સરકારી હૉસ્પિટલના ICUની બહાર બાવીસ વર્ષની શ્રુતિની આંખોમાં આંસુ હતાં. નાનાના ઍક્સિડન્ટની ખબર પડ્યા પછી તે વહેલી સવારે મુંબઈ આવી ગઈ હતી. મનસુખલાલની એકમાત્ર દીકરીની દીકરી શ્રુતિનાં મમ્મી-પપ્પા હજી એક વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલા ઇન્ડિયન ઍરલાઇન્સ ફ્લાઇટ ક્રૅશમાં ગુજરી ગયાં હતાં. એ સમયે સરકાર અને કંપની દ્વારા મળેલું તમામ વળતર શ્રુતિએ નાનાને સાચવવા માટે આપી દીધું હતું. શ્રુતિ અમદાવાદમાં બાયો-ટેક્નૉલૉજીમાં સ્ટડી કરતી હતી.
ઍક્સિડન્ટને કારણે મનસુખલાલના શરીરમાં મલ્ટિપલ ફ્રૅક્ચર્સ હતાં અને ઇન્ટર્નલ બ્લીડિંગને કારણે લન્ગ્સ ભરાઈ ગયાં હતાં. ડૉક્ટરોએ મનસુખલાલનું આયુષ્ય ગણતરીના કલાકોનું કહી દીધું હતું.
‘તમારા નાનાની પલ્સ ઘટતી જાય છે. તમે જલદી અંદર જાઓ...’
શ્રુતિ દોડતી ICUમાં ગઈ. મનસુખલાલના ચહેરા પર ઑક્સિજન માસ્ક હતો. તેમની આંખોમાં અસહ્ય વેદના હતી, પણ એ વેદના કરતાં વધુ કોઈ મોટો છૂપો ડર અને આક્રોશ દેખાતો હતો. શ્રુતિએ નાનાનો ધ્રૂજતો હાથ પોતાના હાથમાં લીધો.
‘નાના... હું અહીં જ છું. તમે ચિંતા ન કરો. તમે જલદી સાજા થઈ જશો.’
મનસુખલાલે સહેજ માથું ધુણાવ્યું. તેમને ખબર હતી કે જવાનો સમય આવી ગયો છે. તેમણે મહામહેનતે આખા શરીરની તાકાત ભેગી કરીને પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો. તેમની મુઠ્ઠી ભીંસેલી હતી. તેમણે એ મુઠ્ઠી શ્રુતિની હથેળી પર ખોલી અને શ્રુતિની હથેળીમાં લોહીના સુકાઈ ગયેલા ડાઘવાળો એક નાનો લોખંડનો જૂનો ચાવીઓનો ઝૂડો પડ્યો જેમાં ૩ ચાવીઓ હતી.
મનસુખલાલે ઑક્સિજન માસ્ક હટાવ્યો.
‘શ્રુતિ... બૅન્ક... હિસાબ... તે લોકો...’
‘કોણ નાના...’ શ્રુતિએ રડતાં-રડતાં પૂછ્યું, ‘અત્યારે તમે કંઈ ન બોલો... માસ્ક પહેરી લો...’
શ્રુતિ માસ્ક પહેરાવવા ગઈ, પણ તેનો પ્રયાસ વ્યર્થ રહ્યો. મનસુખલાલ સાથે લાગેલા મશીનનો અવાજ લાંબો થઈ ગયો.
બીપીપીપીપી...
મનસુખલાલની આંખો સ્થિર થઈ ગઈ. શ્રુતિની સાથે હવે કોઈ નહોતું. સિવાય કે લોહીવાળો ચાવીઓનો ઝૂડો અને નાનાના છેલ્લા, અર્થવિહીન શબ્દો.
lll
સિનિયર ઇન્સ્પેક્ટર વાઘેલા માટે આ કોઈ મોટો કેસ નહોતો. મુંબઈમાં રોજ બે-ચાર હિટ ઍન્ડ રન થાય જ છે અને હવે CCTV કૅમેરાના જમાનામાં આવા કાંડ કરીને ભાગી જતા એના આરોપીઓને પકડવાનું અઘરું પણ નહોતું.
૨૪ કલાકમાં જ વાઘેલાની ટીમે પોતાનું કામ કરી લીધું.
સડકના વળાંકથી અડધો કિલોમીટર દૂર આવેલી દુકાનના CCTV કૅમેરામાં એ બ્લુ વૅગનઆર કાર દેખાઈ ગઈ જેની નંબરપ્લેટ વરસાદને લીધે ઊડેલા કાદવથી ખરડાયેલી હોવા છતાં પોલીસે એ નંબર સરળતાથી ટ્રેસ કરી લીધો.
એ ગાડીનો માલિક માલવણીનો નાનો રિક્ષા-ડ્રાઇવર જગ્ગુ કાણા હતો. પોલીસ રાત્રે જ માલવણી પહોંચી ગઈ. જગ્ગુ સ્ટેશન પાસે આવેલા એક સસ્તા બિઅર-બારમાં દારૂ પીને પડ્યો હતો, પોલીસે એ જ અવસ્થામાં જગ્ગુને ઉપાડી લીધો.
lll
‘સર, મારા નાનાનો ઍક્સિડન્ટ કરનારો પકડાઈ ગયો...’ શ્રુતિએ ઉત્સાહ સાથે કહ્યું, ‘મને સવારના ફોન આવ્યો કે તે માણસ...’
‘હા, પકડાઈ ગયો. જુઓ લૉકઅપમાં છે. તેનું નામ જગ્ગુ કાણા છે...’
વાઘેલાએ લૉકઅપ તરફ આંગળી ચીંધી, લૉકઅપમાં એક આંખે કાણો અને મારામારીને કારણે ચહેરા પર વિચિત્ર રીતે લેવાયેલા ટાંકાની નિશાની ધરાવતો જગ્ગુ હતો.
‘રાત્રે ફુલ ટલ્લી થઈને ગાડી ચલાવતો હતો. સ્પીડમાં ગાડી કન્ટ્રોલમાંથી નીકળી ગઈ અને તેણે તમારા નાનાની સાઇકલ ઉડાડી દીધી. જગ્ગુએ ગુનો કબૂલ કરી લીધો છે. હવે તમારે ટેન્શન કરવાની જરૂર નથી. તમારા નાનાને ન્યાય મળશે...’ ઇન્સ્પેક્ટરે કહી પણ દીધું, ‘તમારા નાનાના ઇન્શ્યૉરન્સ ક્લેમમાં પણ વાંધો નહીં આવે. જગ્ગુને કોર્ટમાં રજૂ કરીને અમે તમને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપી દઈશું...’
‘સર, નાનાએ જીવ છોડતાં પહેલાં મને બૅન્ક અને હિસાબનું કંઈક કહ્યું જે મને એક્ઝૅક્ટ સમજાયું નહીં...’
‘માણસનો જીવ જતો હોય ત્યારે તે ઘણી વાર ભળતી-સળતી લવારી કરતો હોય છે.’ ઇન્સ્પેક્ટર વાઘેલાએ ચાનો કપ હાથમાં લીધો, ‘તમે તમારી રીતે તપાસ કરી લેજો. જરૂર પડે તો મને કહેજો, પણ મને લાગતું નથી કે એ વાતમાં કંઈ દમ હોય...’
‘ના સર, મને લાગે છે કે આ કોઈ નૉર્મલ ઍક્સિડન્ટ નહીં હોય. નાના એમ જ મને આવું બધું કહે નહીં.’ શ્રુતિએ કહ્યું, ‘આઇ થિન્ક, આ ઍક્સિડન્ટ નહીં, કોઈએ મારા નાનાનો જીવ લેવાની ટ્રાય કરી હોઈ શકે છે...’
વાઘેલા હસ્યા, જાણે કોઈ બચ્ચાની વાત સાંભળતા હોય.
‘બહેન, તમે વેબ-સિરીઝ બહુ જોતાં લાગો છો. એ જોવાનું ઓછું કરો. બાકી મેં તમને કહ્યુંને, મરતી વખતે માણસનું મગજ ઇલ્યુઝનમાં હોય. તે કંઈ પણ લવારી કરે...’ ઇન્સ્પેક્ટર વાઘેલા ઊભા થયા, ‘બહેન, આ પ્યૉર અને ક્લિયર હિટ ઍન્ડ રન અને ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવનો કેસ છે. સેક્શન 304-A મુજબ ગુનો નોંધી લીધો છે.’
‘તો તેને સજા ક્યારે થશે?’
ઇન્સ્પેક્ટર વાઘેલા જવાબ આપે એ પહેલાં જ એક વકીલ પોલીસ-સ્ટેશનમાં દાખલ થયો. તેના હાથમાં કોર્ટનાં પેપર્સ હતાં. વાઘેલાની ચેમ્બરમાં આવીને તેણે ટેબલ પર પેપર્સ મૂક્યાં.
વાઘેલાએ વકીલ સામે સ્માઇલ કર્યું, ટેબલ પર પડેલાં પેપર્સ હાથમાં લઈને એના પર નજર કરી અને એ નજર અકબંધ રાખીને જ કૉન્સ્ટેબલને રાડ પાડી...
‘જાદવ, જગ્ગુના જામીન આવી ગયા. તેને બહાર કાઢો.’
શ્રુતિ સ્તબ્ધ થઈ ગઈ.
‘વૉટ... જે માણસે મારા નાનાનો જીવ લીધો તે જામીન પર છૂટી ગયો?’
‘બહેન, તમે કાયદો નથી જાણતાં એટલે કંઈ વધારે બોલો નહીં.’ પેપર્સ પર સહી કરતાં વાઘેલાએ જવાબ આપ્યો, ‘આ સેક્શનમાં જામીન મળી જાય. હવે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે જોયું જશે. તમે અત્યારે ઘરે જાઓ અને શાંતિ રાખો...’
lll
‘બૅન્ક... હિસાબ...’
નાનાના શબ્દો હજી પણ શ્રુતિના કાનમાં ઘૂમરાતા હતા તો સાથોસાથ તેને ઇન્સ્પેક્ટર વાઘેલાએ જે કહ્યું એ વાત પણ યાદ હતી કે માણસ મરતો હોય ત્યારે તે ઇલ્યુઝનમાં હોય, તે કંઈ પણ લવારી કરે.
‘કરવું શું?’
શ્રુતિએ એક દિવસ એમ જ પસાર કર્યો અને પછી નક્કી કર્યું કે તે નાનાના બૅન્ક-અકાઉન્ટની તપાસ કરવા માટે જશે. ઘરમાં નાનાના રૂમમાં રહેલા લૉકરમાંથી શ્રુતિએ બૅન્કની પાસબુક અને પેપર્સ કાઢ્યાં. મનસુખલાલનાં અલગ-અલગ ૩ બૅન્કમાં અકાઉન્ટ હતાં. શ્રુતિએ બધું ધ્યાનથી જોયું અને તેની નજર પડી કે મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કનું જે અકાઉન્ટ હતું એ નાનાએ હમણાં જ ખોલાવ્યું છે. આ બૅન્કમાં તેણે પહેલાં જવું જોઈએ એવા વિચાર સાથે શ્રુતિ મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કનું ઍડ્રેસ લઈને બૅન્ક પર ગઈ.
‘હાય...’
શ્રુતિ બ્રાન્ચ-મૅનેજર નમ્રતા શિરોડકરને મળી.
ચાલીસેક વર્ષની નમ્રતા બૅન્ક સાથે છેલ્લાં આઠેક વર્ષથી હતી.
‘ઓહ ગૉડ... અંકલ બહુ ભલા માણસ હતા...’ નમ્રતાની આંખ સહેજ ભીની થઈ, ‘અમને કોઈને ખબર જ નહીં કે અંકલ સાથે આવું થયું છે...’
‘પેપર્સમાં પણ આ ન્યુઝ આવ્યા છે.’
‘ઑબ્વિયશલી, પણ સાચું કહું તો બૅન્કમાં એટલું કામ હોય છે કે પેપર જોવાનો ટાઇમ પણ નથી મળતો...’ નમ્રતાએ આંખો લૂછી, ‘મને કહો, હું તમને શું હેલ્પ કરું...’
‘મૅડમ, મારે નાનાનું લૉકર ઑપરેટ કરવું છે અને મને તેમના અકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઈએ છે.’
‘શ્યૉર...’
નમ્રતાએ કમ્પ્યુટર પર મનસુખલાલનો અકાઉન્ટ-નંબર એન્ટર કર્યો. બે સેકન્ડ સ્ક્રીન તરફ જોયા પછી નમ્રતાના હાવભાવ બદલાયા, જે શ્રુતિએ નોટિસ કર્યા.
(ક્રમશ:)