સાઇકલ, સહી અને સસ્પેન્સ… ડિટેક્ટિવ સોમચંદ ઇઝ બૅક (પ્રકરણ ૪)

09 July, 2026 01:04 PM IST  |  Mumbai | Rashmin Shah

દીપક મહેતાના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો, જાણે કોઈએ બહુ ઉતાવળમાં ઘર ચેક કર્યું હોય એવું લાગતું હતું. કબાટો ખુલ્લાં હતાં અને કપડાં જમીન પર પડ્યાં હતાં. સોમચંદે ઘરની તલાશી શરૂ કરી અને એ જ સમયે શ્રુતિની નજર ડસ્ટબિન પર પડી.

ઇલસ્ટ્રેશન

નરીમાન પૉઇન્ટ પર આવેલી મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કની હેડ ઑફિસની બહાર આવીને ગાડી ઊભી રહી અને એમાંથી સોમચંદ શાહ અને શ્રુતિ ઊતર્યાં. સામાન્ય રીતે બૅન્કના ઑડિટ અને IT ડિપાર્ટમેન્ટમાં દાખલ થવું સહેલું નથી હોતું, પણ સોમચંદ અને શ્રુતિને મુંબઈના ખ્યાતનામ ટૅક્સ-કન્સલ્ટન્ટના રેફરન્સથી એ ડિપાર્ટમેન્ટમાં દાખલ થવાની પરમિશન મળી ગઈ હતી. સોમચંદ પોતાના રોજિંદા દેખાવથી વિપરીત હતા.

સોમચંદ શાહના માથા પર આજે ટિપિકલ ગુજરાતી ટોપી હતી તો હાથમાં એક જૂની ફાઇલ હતી. દેખાવે તો તે સીધા-સાદા, સરળ સહકારી શૅરહોલ્ડર જેવા લાગતા હતા અને શ્રુતિ દેખાવે તેમની સેક્રેટરી જેવી લાગતી હતી.

બન્ને ઑડિટ-રૂમની બહાર પહોંચ્યાં. ઑડિટ-રૂમની કૅબિનમાં હારબંધ કમ્પ્યુટર્સ હતાં. સોમચંદ ત્યાં બેઠેલા એક જુનિયર ક્લર્ક પાસે પહોંચ્યા અને હથેળીમાં લખેલો કોડ વાંચ્યો.

‘ભાઈ, આ AUDIT_HO_09 કોડ કયા સાહેબનો છે?’

‘શું કામ હતું?’

‘અમારે એક જૂના ઑડિટ રિપોર્ટની સહી બાકી છે એ બાબતે મળવું હતું.’ અવાજમાં પીઢતા અકબંધ રાખતાં સોમચંદ શાહે કહ્યું, ‘આ બધું છોકરાઓ સંભાળવા માંડ્યા એમાં લપ થાય છે.’

સોમચંદે ધીમેકથી ખિસ્સામાંથી પાંચસોની થપ્પી કાઢી. એમાંથી થોડી નોટ કાઢીને ક્લર્ક તરફ સરકાવી દીધી.

ક્લર્કના ફેસ પર સ્માઇલ આવ્યું અને તેની આંગળીઓમાં ઝડપ ઉમેરાઈ. તેણે તરત જ કમ્પ્યુટર પર સર્ચ કરવાનું શરૂ કરી દીધું.

‘શેઠ, આ જે કોડ છે એ અમારા સિનિયર ઑડિટર દીપક મહેતાનો છે...’ ક્લર્કના ચહેરા પર થોડું ટેન્શન આવી ગયું, ‘શેઠ, તમે મોડા પડ્યા. દીપકસર અત્યારે સિક લીવ પર છે. છેલ્લા ૪ દિવસથી તે ઑફિસ આવતા નથી.’

શ્રુતિ અને સોમચંદે એકબીજા સામે જોયું.

૪ દિવસ પહેલાં જ મનસુખલાલ શાહનું મોત થયું હતું.

સોમચંદે મનોમન તરત જ પ્લાન B અમલમાં મૂક્યો અને ક્લર્કની

સામે જોયું.

‘ઓહ, શું થયું સાહેબને?’ ફરી સોમચંદે ખિસ્સામાંથી પાંચસોની બે-ત્રણ નોટ કાઢીને ક્લર્ક તરફ સરકાવી, ‘ભાઈ, મારું કામ બહુ મહત્ત્વનું છે. તમે જો તેમનું ઘર કહી દો તો અમારા પર ઉપકાર થશે...’

ક્લર્કના ચહેરા પર ખચકાટ જોઈને સોમચંદ તેની સહેજ નજીક ગયા.

‘કામ થયું તો આપ્યા એના કરતાં ડબલ આપીશ... પણ કામ થવું જોઈએ.’

‘શેઠ, એક કામ કરો... દીપકસર કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહે છે.’ આજુબાજુમાં જોઈને તેણે ધીમેકથી કહ્યું, ‘હું ઍડ્રેસ તમને ન આપી શકું એટલે એના માટે મને શરમાવશો નહીં...’

ક્લર્ક જાણે કે પોતાની વાતમાં ફર્મ હોય એમ ફરી ગયો અને તેણે કમ્પ્યુટર પર પોતાનું કામ શરૂ કરી દીધું.

સોમચંદ અને શ્રુતિ માટે આ કટોકટીની પળ હતી.

હવે શું કરવું?

સવાલનો જવાબ મળે એ પહેલાં જ ત્યાંથી ઑડિટ ડિપાર્ટમેન્ટના ચીફ ડિરેક્ટર પસાર થયા. તેમની સાથે મલાડ બ્રાન્ચની મૅનેજર નમ્રતા શિરોડકર પણ હતી.

નમ્રતા હેડ ઑફિસમાં મીટિંગ માટે આવી હતી. શ્રુતિને જોતાં નમ્રતાના પગ અટકી ગયા, ચહેરો સહેજ ફિક્કો પડ્યો; પણ તેણે તરત જાત પર કાબૂ મેળવી લીધો.

‘શ્રુતિ, તું અહીં...’ નમ્રતા સામેથી શ્રુતિ પાસે આવી, ‘કંઈ કામ હતું?’

શ્રુતિ કંઈ કહે એ પહેલાં જ સોમચંદે બાજી પોતાના હાથમાં લઈ લીધી.

‘મૅડમ, એ તો અમે તેના નાનાના પેન્શનના કામ માટે આવ્યા છીએ. હું... હું મનસુખલાલ શાહના કાકાનો દીકરો.’ સોમચંદે એક કાઉન્ટર તરફ નજર કરી, ‘અહીં તો વાર લાગે એવું લાગે છે... હેંને શ્રુતિ, ચાલ નીકળીએ.’

સોમચંદે વાત વાળી તો લીધી અને નમ્રતા શંકાસ્પદ નજરે બન્નેને જોતી ચીફ ડિરેક્ટરની કૅબિનમાં દાખલ થઈ.

‘શ્રુતિ, નીકળ જલદી...’ સોમચંદે શ્રુતિનો હાથ પકડીને રીતસર ખેંચી, ‘આ બાઈ અહીં છે એનો અર્થ સીધો એવો નીકળે છે કે કંઈક તો તેને ગંધ આવી ગઈ છે... ચાલ જલદી બહાર.’

lll

‘આ જો...’

કારમાં બેઠા પછી સોમચંદે શ્રુતિના હાથમાં કાર્ડ મૂક્યું.

શ્રુતિએ કાર્ડ પર નજર કરી. એ દીપક મહેતાનું વિઝિટિંગ કાર્ડ હતું જેના પર ચારકોપના ઘરનું ઍડ્રેસ પણ હતું.

‘આ ક્યાંથી આવ્યું?’

સોમચંદના ફેસ પર સ્માઇલ આવ્યું અને આંખોમાં ચમક.

lll

‘શેઠ, દીપકસર કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહે છે...’ આજુબાજુમાં જોઈને ક્લર્કે ધીમેકથી કહ્યું, ‘હું ઍડ્રેસ તમને ન આપી શકું એટલે મને શરમાવશો નહીં...’

ક્લર્ક જાણે કે પોતાની વાતમાં ફર્મ હોય એમ ફરી ગયો અને તેણે કમ્પ્યુટર પર પોતાનું કામ શરૂ કરી દીધું, પણ એ જ વખતે કમ્પ્યુટરના કી-બોર્ડ પરથી તેનો હાથ હટ્યો અને તેણે પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને સોમચંદના પૅન્ટના ખિસ્સામાં સરકાવ્યું. અચાનક પૅન્ટ પાસે હાથ આવતાં સોમચંદ સહેજ ધ્રૂજ્યા, પણ ક્લર્કનો હાથ જોતાં તે સમજી ગયા અને તેમણે આંખો શ્રુતિ પર અકબંધ રાખી.

‘એ જ વખતે પેલી નમ્રતા આવી એટલે તારું ધ્યાન નમ્રતા પર ગયું અને હું પણ કાર્ડ સાથે ત્યાં આવી ગયો...’ સોમચંદે કહ્યું, ‘મને ખાતરી હતી કે ઍડ્રેસ જેવી વાતમાં તે માણસ પોતાની સાઇડ-ઇન્કમ જતી નહીં કરે અને એવું જ થયું. તેણે કાર્ડ આપી દીધું, ઍડ્રેસ મળી ગયું...’

શ્રુતિએ ફરી કાર્ડ પર નજર કરી અને તેની આંખોમાં ચમક આવી.

‘સર, આ શું લખ્યું છે...’

સોમચંદે શ્રુતિના હાથમાંથી કાર્ડ લીધું. કાર્ડની પાછળ લખ્યું હતું : ૫૦,૦૦૦ બૉન્ડ પેઇડ – જેકે.

‘શ્રુતિ, જેકેનો એક જ અર્થ થાય...’

‘જગ્યુ કાણા?’

‘યસ...’ સોમચંદની આંખોમાં ચમક આવી, ‘જો દીપક મહેતા તને સામે ચાલીને હેલ્પ કરવા ઘર સુધી આવતા હોય, ઑડિટેડ સીક્રેટ રિપોર્ટ મોકલાવતા હોય તો એ જ દીપક મહેતા જગ્ગુ કાણાને છોડાવવા માટે પચાસ હજારનું જામીન બૉન્ડ શું કામ આપે?’

‘શું કામ?’

‘એનો જવાબ તને કલાક પછી આપીશ...’ સોમચંદે ઘડિયાળમાં જોયું, ‘ચારકોપ પહોંચીને...’

lll

‘આ દીપકભાઈ ક્યાંય બહારગામ ગયા છે?’

ફ્લૅટના મેઇન ડોર પર રહેલાં ૩ દિવસનાં પેપર્સના આધારે સોમચંદે અનુમાન લગાવી લીધું હતું કે દીપક મહેતા ૩ દિવસથી ઘરમાં નથી.

‘હા સાહેબ... વતનમાં જવાનું કહીને ગયા...’

અહીં સોમચંદને અંધેરી પોલીસ-સ્ટેશનનું ડુપ્લિકેટ આઇ-કાર્ડ કામ લાગ્યું.

‘જે પણ ખબર હોય એ બધું

કહી દેજો... નહીં તો પછી તમારે પોલીસ-સ્ટેશને ચક્કર મારવાં પડશે...’

‘સાહેબ, સાચું કહું છું... ત્રણેક દિવસ પહેલાં તે ગયા...’ પાડોશીએ સહેજ યાદ કરીને કહ્યું, ‘સોમવાર... હા, તે સોમવારે ગયા. રાતના સમયે કોઈ તેમને લેવા આવ્યું હતું અને તે ઉતાવળમાં નીકળી ગયા.’

‘વતનમાં કયા ગામ ગયા?’

‘સાહેબ, એ ખબર નથી... ઍક્ચ્યુઅલી, તે ક્યારેય વતન ગયા હોવાનું પણ મને તો યાદ નથી.’ પાડોશી પર પોલીસના આઇ-કાર્ડનો પ્રભાવ પડ્યો હતો, ‘છેલ્લાં ૧૫ વર્ષમાં તો અમે તેમના મોઢે એવું નથી સાંભળ્યું કે ગામ જાય છે...’

lll

પાડોશી જેવો ઘરમાં પાછો ગયો કે સોમચંદે શ્રુતિ સામે જોયું.

‘શ્રુતિ, એક, કાં તો દીપક મહેતા ભાગી ગયા છે અને બીજું, કાં તેમને ગાયબ કરી દેવામાં આવ્યા છે...’ સોમચંદે પોતાના ખિસ્સામાંથી એક નાની પિન કાઢી, ‘હવે ઘરમાં જઈને ચેક કરીએ, થયું છે શું?’

માત્ર ૩૦ સેકન્ડમાં સોમચંદ શાહે દીપક મહેતાના ઘરનું લૉક ખોલી નાખ્યું અને તે ફ્લૅટમાં દાખલ થયા.

દીપક મહેતાના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો, જાણે કોઈએ બહુ ઉતાવળમાં ઘર ચેક કર્યું હોય એવું લાગતું હતું. કબાટો ખુલ્લાં હતાં અને કપડાં જમીન પર પડ્યાં હતાં. સોમચંદે ઘરની તલાશી શરૂ કરી અને એ જ સમયે શ્રુતિની નજર ડસ્ટબિન પર પડી.

ડસ્ટબિનમાં કેટલાક ફાટેલા કાગળો અને દવાની ખાલી સ્ટ્રિપ હતી. શ્રુતિએ ફાટેલા કાગળો ભેગા કરીને ટેબલ પર ગોઠવ્યા. એ ફ્લાઇટની ટિકિટની પ્રિન્ટ હતી.

ટિકિટ મુંબઈથી ગોવાની હતી અને એ ટિકિટ દીપક મહેતાના નામે હતી.

ટિકિટ પાંચમી જુલાઈની એટલે કે જે દિવસે મનસુખલાલ શાહનું મોત થયું એ રાતની હતી. એ જ સમયે સોમચંદને બેડરૂમના ડ્રેસિંગ-ટેબલના અરીસા પર લોહીના આછા છાંટા દેખાયા અને જમીન પર લેડીઝ પરફ્યુમની સુગંધ ધરાવતો કાળો રૂમાલ મળ્યો.

‘શ્રુતિ, દીપક મહેતા ગોવા ન જાય એ માટે તેમની સાથે જબરદસ્તી થઈ છે...’ સોમચંદના અવાજમાં ઉતાવળ આવી ગઈ હતી, ‘હવે આપણી પાસે બહુ સમય નથી. આરોપી પોતાના જ સાથીઓને એક પછી એક હટાવતો જાય છે. દીપક મહેતા જો જીવતા હશે તો તે ખૂનીની કેદમાં છે અને કાં તો ડેડબૉડી બની ગયા છે.’

સોમચંદે શ્રુતિનો હાથ પકડ્યો.

‘ચાલ જલદી... માલવણી જવું પડશે...’

lll

બન્ને માલવણી પહોંચ્યાં ત્યારે રાતના ૯ વાગી ગયા હતા. જગ્ગુ જ્યાં બેસી રહેતો એ ગૅરેજનું અડધું શટર ખુલ્લું હતું, પણ અંદર લાઇટ ઑફ હતી.

શ્રુતિને બહાર ઊભી રાખીને સોમચંદ ગૅરેજમાં એન્ટર થયા.

‘જગ્ગુ... એ જગ્ગુ...’

અંદરથી કોઈ જવાબ ન આવ્યો.

સોમચંદે ગૅરેજનું સ્વિચ-બોર્ડ શોધીને લાઇટ ચાલુ કરી અને તેમની આંખો ફાટી ગઈ.

ગૅરેજની વચ્ચે આવેલા પંખાના હુક સાથે દોરડું લટકતું હતું જેની નીચે એક માણસની લાશ ઝૂલતી હતી. તે જગ્ગુ કાણા હતો, જગ્ગુની આંખો ફાટી ગઈ હતી અને જીભ બહાર હતી.

શ્રુતિએ બહારથી આ જોયું અને તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સોમચંદે ઝડપથી લાશની નજીક જઈને જોયું. જગ્ગુના પગ નીચે એક તૂટેલી ખુરસી પડી હતી જે આત્મહત્યા દેખાડવા માટે ગોઠવવામાં આવી હતી. સોમચંદે તરત જ ગ્લવ્ઝ પહેરીને જગ્ગુનાં ખિસ્સાં ચેક કરવાનું શરૂ કર્યું અને જગ્ગુના ખિસ્સામાંથી ડિજિટલ વૉઇસ રેકૉર્ડર પેન મળી. જગ્ગુની લાશ સામે ઊભા રહીને સોમચંદે પેનનું પ્લે બટન દબાવ્યું અને સ્પીકરમાંથી જગ્ગુ અને મૅડમનો અવાજ આવ્યો.

lll

‘જગ્ગુ, દીપક મહેતાનો હિસાબ પતી ગયો છે. હવે જો પેલો ડિટેક્ટિવ સોમચંદ કે મનસુખલાલની છોકરી તારી પાસે આવે તો તારે તેમને હૅન્ડલ કરવાનાં છે, નહીંતર...’

‘મૅડમ, હવે બધાં ગભરાઈ ગયાં છે. નમ્રતા મૅડમને પણ મેં કહી દીધું છે કે હું વધારે ખોટું નહીં બોલી શકું...’

‘નમ્રતા માત્ર એક મહોરું છે જગ્ગુ. આખી રમત હું રમી રહી છું. મનસુખલાલની એ જૂની સાઇકલમાં જે ચિપ છે એ મને ગમે તે ભોગે જોઈએ...’

lll

‘સર, આ અવાજ... નાનાની સાઇકલમાં ચિપ...’ શ્રુતિ ધ્રૂજતી હતી, ‘આ શું છે?’

સોમચંદે વૉઇસ રેકૉર્ડર પેન પોતાના ખિસ્સામાં મૂકી.

‘શ્રુતિ, આ અવાજ કોનો છે એ મને ખબર છે. આ એક એવી માછલી છે જેણે આખા મલાડને પોતાની જાળમાં લીધું છે.

‘પણ સાઇકલમાં ચિપ... એ શું છે?’

સોમચંદ કંઈ બોલે એ પહેલાં જ બહાર પોલીસની સાયરનનો અવાજ આવ્યો અને સોમચંદ આખી ગેમ સમજી ગયા.

‘શ્રુતિ, આપણે અહીંથી નીકળવું પડશે. એ લેડીનો પ્લાન છે કે જગ્ગુના મર્ડરમાં આપણે ફસાઈએ... ભાગ જલદી...’

શ્રુતિનો હાથ પકડી સોમચંદ ગૅરેજની પાછળનો દરવાજા તરફ ભાગ્યા.

 

(આવતી કાલે સમાપ્ત)

columnists exclusive gujarati mid day Rashmin Shah