10 July, 2026 11:15 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
મલાડની સવાર સામાન્ય દિવસો જેવી જ ધમધમતી શરૂ થઈ, પણ ડિટેક્ટિવ સોમચંદ અને શ્રુતિ માટે આ સવાર જિંદગીની સૌથી મોટી પરીક્ષા લઈને આવી હતી. આગલી રાતે માલવણીમાં જગ્ગુ કાણાની લાશ પાસેથી ભાગ્યા પછી સોમચંદની આખી રાત ઑફિસમાં જાગરણ કરવામાં પસાર થયું હતું. તેની નજર સામે ટેબલ પર મનસુખલાલ શાહે તેની દોહિત્રી શ્રુતિને આપેલો લોહીવાળો ચાવીઓનો ઝૂડો, જગ્ગુના ખિસ્સામાંથી મળેલી વૉઇસ રેકૉર્ડર પેન અને ચારકોપથી મળેલો બ્લૅક કલરનો લેડીઝ રૂમાલ હતાં.
‘સર, પોલીસ આપણને શોધતી હશે...’ શ્રુતિના ચહેરા પર ટેન્શન હતું, ‘પેલા ગૅરેજની બહારથી CCTV કૅમેરાનાં ફુટેજ એ લોકોને મળી ગયાં હશે, જેમાં આપણે દેખાતાં હોઈશું. હું તો કહું છું સર, આપણે પોલીસ પાસે જઈએ. પોલીસ હવે બધું શોધી લેશે...’
લવિંગ મિશ્રિત સાકરનો ટુકડો મોંમાં સરકાવતાં સોમચંદે શ્રુતિ સામે જોયું.
‘શ્રુતિ, પોલીસ એ જ કરશે જે ખૂની ઇચ્છે છે. જો આપણે એ લોકો પાસે જઈશું તો આપણે જ અટવાઈશું અને અસલી ગુનેગાર બહુ દૂર ભાગી જશે.’
‘સર, પણ હવે આપણે કરવાનું શું?
‘પ્રૂફ મેળવવાનું... અને પ્રૂફ ક્યાં છે એ આપણને ખબર છે, મનસુખલાલની સાઇકલમાં...’ સોમચંદ શાહ ઊભા થયા, ‘તારા નાનાની સાઇકલ પોલીસ-સ્ટેશને ભંગારમાંથી આવી ગઈ છે. આપણે એ ચેક કરવાની છે... ચાલ જલદી...’
lll
સવારે ૧૧ વાગ્યે મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કની મલાડ બ્રાન્ચમાં રોજિંદી ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. બ્રાન્ચ-મૅનેજર નમ્રતા તેની ચેમ્બરમાં હતી. તેના ફેસ પર ટેન્શન હતું અને આંખો કમ્પ્યુટરની સ્ક્રીન પર હતી. જગ્ગુ કાણાના સુસાઇડના સમાચારે તેને હચમચાવી નાખી હતી.
ધડામ...
એ જ સમયે કૅબિનનો દરવાજો ઝાટકા સાથે ખૂલ્યો અને ડિટેક્ટિવ સોમચંદ તથા શ્રુતિ એન્ટર થયાં. તેની પાછળ મલાડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા પણ હતા.
આ કાફલાને જોઈને નમ્રતા ઊભી થઈ ગઈ.
‘શ્રુતિ... ઇન્સ્પેક્ટર... તમે અહીં?’
‘હું પણ આવ્યો છું મૅડમ... સામે તો જુઓ.’ સોમચંદે ખિસ્સામાંથી વૉઇસ રેકૉર્ડર પેન કાઢીને ટેબલ પર મૂકી, ‘આ સાંભળો...’
સ્પીકરમાંથી જગ્ગુ અને પેલી લેડીનો અવાજ ગુંજવા લાગ્યો અને દરેક શબ્દે નમ્રતાના ચહેરા પર વધારે ને વધારે ટેન્શન પ્રસરવા માંડ્યું. મનથી તો તે ધ્રૂજેલી હતી જ, હવે તે સાચા અર્થમાં ધ્રૂજવા લાગી.
‘સર, હું નિર્દોષ છું. મને ખબર નહોતી કે આ બધામાં અંકલનું મર્ડર થશે. મને તો બસ ઉપરથી ઑર્ડર હતો કે તેમની સહી સાથેનાં પેપર્સ આવે એટલે લોન પાસ કરી નાખવી.’ નમ્રતાએ સોમચંદ સામે જોયું, ‘સર, મેં કોઈ ઉચાપત નથી કરી.’
‘કોનો ઑર્ડર હતો?’ સોમચંદનો અવાજ મોટો થયો, ‘નામ આપ, નહીં તો આખી જિંદગી જેલમાં જશે.’
નમ્રતાની આંખમાં આંસુ આવી ગયાં.
‘તેમનો... હેડ ઑફિસના સિનિયર ડિરેક્ટર વિનોદ કાપડિયાનો. તેમણે જ મને કીધું કે અંકલના અકાઉન્ટમાંથી જે લોન ઊપડે છે એ શ્રુતિનાં મમ્મીના જૂના બિઝનેસ પાર્ટનરના કહેવાથી ઊપડે છે. કાપડિયાસાહેબ જ લોનની ફાઇલ હેડ ઑફિસથી ક્લિયર કરતા હતા.’
વિનોદ કાપડિયા બૅન્કિંગજગતનું બહુ મોટું નામ હતું. તેનું નામ પડતાં જ શ્રુતિ અને વાઘેલા ચોંકી ગયાં, પણ સોમચંદના ચહેરા પર કોઈ ફરક નહોતો આવ્યો. તેના ચહેરા પર પહેલાં જેવી જ શાંતિ હતી.
lll
‘મિસ્ટર વાઘેલા, આર યુ મૅડ...’ બૅન્કમાં એન્ટર થતાં જ વિનોદ કાપડિયાએ ઑલમોસ્ટ બૂમ પાડી, ‘તમે મને હેડ ઑફિસથી અહીં મલાડ ઇન્ક્વાયરી માટે બોલાવ્યો? તમને ભાન છે કે મારાં કનેક્શન્સ ક્યાં સુધીનાં છે?’
‘કાપડિયા, તમારાં કનેક્શન તો સારાં છે, પણ તમારી સુગંધ બહુ ખરાબ છે.’ સોમચંદ શાહે ટેબલ પર બ્લૅક કલરનો લેડીઝ રૂમાલ મૂક્યો, ‘ચારકોપમાં દીપક મહેતાના ઘરે ઝપાઝપી થઈ ત્યારે આ રૂમાલ ત્યાં હતો. આના પર લેડીઝ પરફ્યુમની સુગંધ છે અને જગ્ગુ કાણાના ઑડિયોમાં પણ લેડીનો અવાજ છે. હવે કહેશો કે તમે કોના વતી આ કૌભાંડ છુપાવો છો?’
કાપડિયાનો ચહેરો ક્ષણવાર માટે બદલાયો, પણ તરત જ તેણે બાજી સંભાળી લીધી.
‘સોમચંદ શાહ, આપણે અહીં મનસુખલાલ શાહના મર્ડરની ઇન્ક્વાયરી માટે મળ્યા છીએ અને મારો જવાબ એટલો જ છે કે મારે એ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.’ કાપડિયા સોમચંદની લગોલગ ગયા, ‘પ્રૂફ વિના કોઈ વાત કરવી નહીં.’
‘તમને પ્રૂફ જોઈએ છેને... જુઓ ત્યાં....’
સોમચંદે બારીની બહાર ઇશારો કર્યો જ્યાં મનસુખલાલની ઍક્સિડન્ટવાળી જૂની હરક્યુલસ સાઇકલ ઊભી હતી. સોમચંદે શ્રુતિ તરફ જોયું.
‘શ્રુતિ, નાનાએ મરતી વખતે તને જે ચાવીઓ આપી હતી એમાં ૩ ચાવી હતી. એક ઘરની, બીજી તિજોરીની... ત્રીજી ચાવી શેની હતી?’
‘મને નથી ખબર સર, પણ આ ત્રીજી નાની ચાવી લૉકરની તો નથી.’
‘એ ચાવી સાઇકલના પાછળના વ્હીલના લૉકની પણ નથી.’ સોમચંદે હસીને કહ્યું. ‘એ ચાવી સાઇકલ પર લગાડેલી જૂની પિત્તળની ઘંટડીની છે. મનસુખલાલ કસ્ટમ્સ ઑફિસર હતા, સ્મગલિંગ પકડવામાં માસ્ટર. જ્યારે તેમને ખબર પડી કે બૅન્કમાં તેમના નામે ફ્રૉડ થયો છે ત્યારે કોઈને ખબર ન પડે એમ તેમણે હેડ ઑફિસના કમ્પ્યુટરમાંથી બધો ડેટા કૉપી કરીને માઇક્રો SD ચિપમાં લઈ લીધો અને એ ચિપ તેમણે પોતાની સાઇકલની ઘંટડીની અંદર સ્ક્રૂ ખોલીને ફિટ કરી દીધી, ઘંટડીને ચાવીથી લૉક કરી દીધી...’
સોમચંદે પ્યુન તરફ ઇશારો કર્યો.
lll
પ્યુને સાઇકલની ઘંટડી ટેબલ પર મૂકી અને સોમચંદે શ્રુતિ પાસેથી ચાવી લઈને ઘંટડીનું લૉક ખોલ્યું. ઘંટડીમાંથી એક નાની સોના જેવી ચમકતી માઇક્રોચિપ બહાર આવી.
ચિપ જોઈને કૅબિનની અંદર હાજર રહેલા બધામાંથી એકના શ્વાસ અટકી ગયા. તે વિનોદ કાપડિયા નહીં પરંતુ તેની પાછળ ઊભેલી વ્યક્તિ હતી.
‘ઇન્સ્પેક્ટર વાઘેલા, આ ચિપમાં કરોડોના ફ્રૉડનાં અકાઉન્ટ્સની ડીટેલ્સ તો છે જ, સાથોસાથ એ વ્યક્તિનું નામ પણ છે જેના ઇશારે આ કામ ચાલતું હતું. તે વ્યક્તિ એટલે.... ઇન્ટર્નલ ઑડિટ કરવાનો સરકારી ઑર્ડર જેની પાસે હતો તે મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કનાં ચીફ ઑડિટર સ્મિતા પટેલ.’
‘નૉનસેન્સ...’ સ્મિતા મૅડમે ગભરાટ છુપાવવા રાડ પાડી, ‘સોમચંદ! તારું મગજ ચસકી ગયું છે. ડૂ યુ નો હુ આઇ ઍમ? હું ચીફ ઑડિટર છું. હું શું કામ આવું કરું?’
સોમચંદે જગ્ગુ કાણાની પેન ડ્રાઇવ કમ્પ્યુટરમાં ભરાવી અને સ્પીકર લાઉડ કર્યું.
‘મૅડમ, એ તો તમારે કહેવાનું હોયને કે તમે આવું શું કામ કર્યું?’ સોમચંદ શાહે તેના તરફ રૂમાલ લંબાવ્યો, ‘આ રૂમાલમાં જે ફ્રૅગ્રન્સ છે એ તમારા અત્યારના પરફ્યુમની સુગંધ સાથે પણ મેળ ખાય છે. બીજી વાત, જગ્ગુની ઑડિયો ફાઇલમાં જે અવાજ છે એ અવાજનું ક્લૅરિફિકેશન ફૉરેન્સિક લૅબમાંથી વાઘેલા મેળવી લેશે. હવે આગળની વાત સાંભળો...’
સોમચંદ શાહ ઊભા થઈને સ્મિતા પટેલની સામે આવ્યા.
‘મૅડમ, તમે નમ્રતા શિરોડકર અને દીપક મહેતાના યુઝર IDનો ઉપયોગ કરીને મનસુખલાલ શાહના અકાઉન્ટમાંથી લોન લીધી, જેની તેમને ખબર પડી ગઈ. તેમણે પોતે જ ઇન્ક્વાયરી કરી અને ખબર પડી ગઈ એટલે મનસુખલાલે હેડ ઑફિસમાં લેખિતમાં ફરિયાદ કરી. ચીફ ઑડિટર તરીકે એ લેટર સીધો તમારા હાથમાં મુકાયો અને તમને ડર લાગ્યો કે આવી તમે જે ખોટી લોન લીધી છે એ બધી લોનનો ભાંડો ફૂટશે એટલે તમે એ લેટર ફાડી નાખ્યો, પણ પછી ટેન્શન વધવા માંડ્યું એટલે તમે જગ્ગુને સોપારી આપીને મનસુખલાલને રસ્તામાંથી હટાવ્યા...’
સ્મિતા મૅડમે જોયું કે હવે તે ઘેરાઈ ચૂકી છે અને ઘેરાયેલો માણસ
હાંફળો-ફાંફળો થઈને ઍક્શન લે. સ્મિતાએ ઝાટકા સાથે પોતાના પર્સમાંથી એક નાની પિસ્તોલ કાઢી અને શ્રુતિના ગળા પર મૂકી દીધી!
‘કોઈ આગળ ન વધતા! નહીંતર હું આ છોકરીને મારી નાખીશ.’
‘પછી તમે બચશો?’
સોમચંદ સહેજ આગળ વધ્યો કે તરત સ્મિતાએ ત્રાડ પાડી...
‘એય, ત્યાં જ ઊભો રહે...’ સ્મિતાએ શ્રુતિને વધારે નજીક ખેંચી, ‘આને મારીને હું પણ મરી જઈશ... તારા હાથમાં કંઈ નહીં આવે, એના કરતાં... સોમચંદ, એ ચિપ મને આપી દે.’
કૅબિનમાં સન્નાટો પ્રસરી ગયો. શ્રુતિની આંખોમાં આંસુ આવી ગયાં.
‘સાચું સોમચંદ, તે કંજૂસ બુઢ્ઢાને મેં જ મરાવ્યો... કરોડો રૂપિયા બૅન્કમાં સડતા હતા અને તે સાઇકલ પર ફરતો હતો.’ સ્મિતા ખડખડાટ હસી પડી, ‘હરામખોર બુઢ્ઢાઓ... આખી જિંદગી કરકસર કરે અને પછી મરે પણ તે કરકસરમાં. મારું ધ્યાન આવા બુઢ્ઢાઓ પર જ હોય છે જે મરતી વખતે પણ મન ભરીને પૈસો વાપરી નથી શકતા.’
‘દીપકને શું કામ માર્યો?’
‘મારા રસ્તામાં આવતો હતો. તેને બધી ખબર પડી ગઈ હતી પણ ફટ્ટુ કોઈનો શોલ્ડર શોધતો હતો. તેને એમ કે શ્રુતિને ફાઇલ પહોંચાડી દેશે એટલે આ... આ છોકરડી મારી સામે લડી લેશે... પણ મેં હટાવી દીધો અને પછી જગ્ગુને પણ સુસાઇડના નામે હટાવી દીધો. સોમચંદ, ચિપ મને આપ...’ સ્મિતાએ કહ્યું, ‘યાદ રાખજે, દરેક બૅન્કમાં આ જ ચાલે છે. કેટલાય બુઢ્ઢા એવા મર્યા જેમણે ઘરમાં કીધું પણ નથી હોતું કે તેમના અકાઉન્ટમાં લાખો રૂપિયા પડ્યા છે. અત્યારે... અત્યારે... મારી પાસે મુંબઈનાં એવાં ચાર હજારથી વધુ બૅન્ક-અકાઉન્ટ છે જે બુઢ્ઢાઓ મરી ગયા છે અને તેમના ઘરનાઓને ખબર નથી કે તેમની મરણમૂડી બૅન્કમાં પડી છે. તું... તું ચિપ લાવ...’
સોમચંદે શાંતિથી ચિપ સ્મિતા તરફ લંબાવી.
‘આ ચિપ તમારી જ છે, પણ પહેલાં એક વાત કહું... હું બહાર પાન ખાવા ઊભો રહ્યો ત્યારે આ છોકરીએ સવાલ કર્યો કે અત્યારે પાન ખાવું છે? એ સમયે તો મેં જવાબ આપ્યો નહોતો પણ હવે જવાબ આપી દઉં, તમે તેને મારી નાખો એ પહેલાં...’ સોમચંદે શ્રુતિ સામે જોયું, ‘મેં આ પાન એટલે ખાધું જેથી હું એની પિચકારી...’
વાક્ય પૂરું કરતાં પહેલાં સોમચંદે મોંમાંથી પાનની પિચકારીનો આખો કોગળો સ્મિતાની આંખો પર જોરથી કર્યો.
સ્મિતાની આંખો બંધ થઈ, શ્રુતિની ગરદન પરથી હાથ હટ્યો અને બીજી જ સેકન્ડે સોમચંદે શ્રુતિને આગળ ખેંચી લીધી.
સટાક...
સ્મિતાના ગાલ પર સોમચંદની કરારી થપ્પડની છાપ પડી અને તેણે શ્રુતિ સામે જોયું.
‘જોયું, પાન ખાવાનો આ ફાયદો.’
lll
‘જો સર, તમે ન હોત તો મારા નાનાને અને મને ક્યારેય ન્યાય મળ્યો ન હોત...’
૩ જ દિવસમાં શ્રુતિને બૅન્ક દ્વારા લેટર આપી દેવામાં આવ્યો કે તેને મનસુખલાલ શાહના અકાઉન્ટમાંથી ઉચાપત થયેલું બધું ફન્ડ વ્યાજ સહિત ૩૦ દિવસમાં મળી જશે. બૅન્ક-મૅનેજમેન્ટે શ્રુતિને બાંયધરી પણ આપી કે ફ્રૉડને બહાર લાવવા માટે મનસુખલાલ શાહે જહેમત લીધી, જેને કારણે તેમનું મોત થયું. આ માટે બૅન્ક જવાબદાર છે અને બૅન્ક મનસુખલાલ શાહના એકમાત્ર વારસદાર તરીકે શ્રુતિને અઢી કરોડ રૂપિયા આપશે.
એ લેટર સાથે શ્રુતિ સીધી સોમચંદ શાહને મળવા માટે પહોંચી હતી.
‘સર, પૈસા તો બહુ મહત્ત્વના નથી પણ ન્યાય મળવો બહુ મહત્ત્વનો છે. પ્લેન-ક્રૅશમાં હજી મને ન્યાય નથી મળ્યો પણ નાનાના કેસમાં તમે મને ન્યાય અપાવ્યો.’
‘એક મિનિટ...’ સોમચંદ શાહના હાથમાં ‘મિડ-ડે’ હતું, ‘આજે શુક્રવાર છે, વાર્તાનો ક્લાઇમૅક્સ વાંચી લઉં... બહુ ઇન્ટરેસ્ટિંગ ટર્ન આવ્યો છે.’
સોમચંદે શ્રુતિને ઇશારો કર્યો.
‘બેસ, પછી વાત કરીએ...’
(સંપૂર્ણ)