23 February, 2026 01:41 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
રિમઝિમ ગિરે સાવન...
મોબાઇલની રિંગટોનમાં લતાનું ગીત ગુંજતા તેના હોઠ મલકી પડ્યા. મોબાઇલની રિંગટોન તમારું વ્યક્તિત્વ છતું કરતી હોય તો ઔચિત્ય કેટલા રોમૅન્ટિક છે એ કોઈ મને પૂછે.
લજ્જાના વદન પર પ્રણયની સુરખી પ્રસરી ગઈ.
ક્યારે ધારેલું કે હું પ્રેમમાં પડીશ! પણ અમીર કન્યા ગરીબના પ્રેમમાં પડે એ વિધાતાની ફેવરિટ સ્ક્રિપ્ટ હોવી જોઈએ.
લજ્જા વાગોળી રહી:
ના, લજ્જામાં અમીરીનો અહમ્ નહોતો. ઉદ્યોગપતિ પિતા કિશોરભાઈ અને માતા દેવયાનીબહેનના સમતોલ ઉછેરે એકની એક દીકરીનું સંસ્કાર-બંધારણ ઘડ્યું હતું. રૂપાળી તો એવી કે સ્વપ્નસુંદરીથી ઓછી ઉપમા જચે નહીં. અને પાછી બુદ્ધિમંત.
કૉલેજમાં તેના નામની માળા જપનારા ઓછા નહીં હોય, પણ તેના હૈયે દસ્તક પડી પહેલા વરસની મ્યુઝિકલ ઈવનિંગમાં.
‘મેરે સપનો કી રાની કબ આએગી તૂ...’
સિક્સ્ટીઝના આ એવરગ્રીન ગીતે લજ્જાને જ નહીં, આખા સભાગૃહને સંમોહિત કરી મૂક્યું.
અત્યંત સોહામણો જુવાન ગીત ગાતા-ગાતા સંગીતના તાલે ઝૂમે છે ત્યારે જાણે દિલ પર છરી જેવી ચાલે છે, ‘ચલી આ તૂ ચલી આ...’ ગાતા ફીમેલ ઑડિયન્સ તરફ હાથ લંબાવે છે ત્યારે તો દસ-બાર છોકરીઓ રીતસર સ્ટેજ પર દોડી ગઈ એ જોઈને લજ્જાએ એટલા જોરથી હોઠ કરડ્યો કે ટશિયો ફૂટી નીકળ્યો.
ના, ના... એમ કોઈ છોકરો સારો દેખાતો હોય, સારું ગાતો હોય કેવળ એટલે મારે કંઈ આમ વ્યાકુળ થવાનું ન હોય.
જાતને સમજાવતી લજ્જાએ જોકે સખીવૃંદમાંથી જાણી લીધું કે ગીતનો ગાનારો પચીસેક વરસનો ઔચિત્ય રસાયણશાસ્ત્રમાં માસ્ટર્સ કરીને વરસેકથી PhD કરી રહ્યો છે, જેમાં તેણે ફીલ્ડવર્ક પણ કરવાનું રહેતું હોવાથી હમણાંનો કૉલેજમાં રેગ્યુલર જોવા નથી મળતો.
‘તેના એક જ માઇનસ પૉઇન્ટથી છોકરીઓ મોહિત થઈને પણ દૂર રહે છે - ગરીબી! ભાયખલાની ચાલમાં રહે છે. ભાડાની ખોલી, પાછાં માબાપ પણ ખરાં!’
કહીને દિવ્યાએ દાખલો આપ્યો, ‘વચમાં તેને એકાદ અમીર ઘરેથી ઘરજમાઈ બનવાની પણ ઑફર
હતી, છોકરી પાછી રૂપાળી પણ
ખરી; પણ જનાબે ઇનકાર ફરમાવી દીધો : ઘરજમાઈ બનવાને બદલે હું આપબળે પોતાનો મહેલ રચવામાં માનું છું... બોલ.
વાહ! સ્વમાનનો આવો રણકો આજકાલ જવલ્લે જ સંભળાય છે.
‘તમે સરસ ગાયું.’ લજ્જા ખુદને રોકી ન શકી. ઇવેન્ટ પત્યા પછી પાર્કિંગ તરફ જતા ઔચિત્યની સાથે થઈને તેને અભિનંદન આપ્યાં.
‘થૅન્ક્સ.’ તે હળવું મલક્યો.
‘મને કોઈએ એમ પણ કહ્યું કે તમે ઘરજમાઈ બનવા મના કરેલી...’ તેણે ઉતાવળે ઉમેર્યું, ‘મારે એટલું જ કહેવું છે કે સ્વમાનના એ સ્પાર્કને બૂઝવા દેશો નહીં.’
પળ-બે પળ ૪ આંખો એક રહી. કીકીમાં રમતી છબિ એકમેકના હૈયે જડાતી હોય એમ પાંપણ પલકારો મારવાનું ભૂલી ગઈ.
કારના હૉર્ને તેમની સમાધિ છૂટી.
- પણ સંપર્ક છૂટ્યો નહીં. ઔચિત્ય કૉલેજ ઓછું આવતો, પણ આવે ત્યારે કૅન્ટીન કે લાઇબ્રેરીમાં ભટકાઈ જાય ખરો. મોટા ભાગે ગ્રુપમાં મળવાનું થાય, પણ તેમની નજરો ટકરાતી રહે. તેના નીકળવાના ટાઇમે લજ્જા મોકો ઝડપે : મારે થોડું કાર્બન ક્રેડિટ વિશે જાણવું છે... કૉમર્સ-સાયન્સના મેળ જેવી કોઈ ટર્મ ઊભી કરીને તે ઔચિત્યનો સંગાથ મેળવી લે. ખુલ્લા મેદાનમાં બેઉ ગોઠવાય અને પછી તો અલકમલકની વાતોમાં જુદો જ ઔચિત્ય ઊઘડે. એ પચીસ-ત્રીસ મિનિટની મુલાકાતની અસર ઠેઠ બીજી મુલાકાત સુધી રહે. લજ્જા માટે આ સ્પંદનો નવાં હતાં અને બહુ ગમતીલાં હતાં!
અને એ પરખાતું હોય એમ ઔચિત્ય ગંભીરભાવે વારે-વારે કહેતો : તારી ઉંમર બહુ નાજુક છે લજ્જા. ભણતર પર ફોકસ કર. નથિંગ એલ્સ.’
પણ એથી તો ઔચિત્ય માટે માન બેવડાતું. પ્રણયના પૂરમાં વાસ્તવિકતા વિસરાઈ જતી હોય છે. મહેલ છોડીને એક રૂમની ઓરડીમાં સાચે જ વસવાનું થાય ત્યારે પ્યારનો પરપોટો ઘડીકમાં ફૂટી જાય એવું બનવું સાવ સંભવ છે. એટલે પહેલાં તો મારે મારી જાતને એરણે ચડાવવી પડશે.
કૉલેજના બીજા-ત્રીજા વરસમાં લજ્જા ભણતર સાથે પિતાની કંપની દ્વારા થતી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ઍક્ટિવિટીઝ જોતી થઈ. લજ્જા પ્રયત્નપૂર્વક એવાં અંતરિયાળ લોકેશન્સ ખોળતી જ્યાં પાયાની સુવિધા મળવી પણ મુશ્કેલ હોય...
‘આ બે વરસમાં હું એટલું સમજી ઔચિત્ય કે અમીરી દૂષણ નથી અને ગરીબી અભિશાપ નથી...’
ત્રીજા વરસે ફરી ટૉપર બનેલી લજ્જા ઔચિત્યને ટ્રીટ માટે ખેંચી ગઈ હતી. વીત્યા બે વરસ તે ઔચિત્યથી દૂર રહી સાવ એવું નહીં, પણ ઔચિત્ય અનુભવી શકે એટલું અંતર તો જરૂર રાખ્યું. એથી લજ્જા સાનમાં સમજીને દૂરી રાખતી થઈ ગઈ એવું ઔચિત્યએ ધારી લીધું હોય તો એ ધારણા અત્યારે કડડડભૂસ થતી લાગી.
‘મારે એટલું જ કહેવું છે ઔચિત્ય કે...’ લજ્જાએ વિના સંકોચ તેની હથેળી પકડી, ‘કાલ ઊઠીને મારે મહેલ જેવડા ઘરમાંથી કોઈની એક રૂમની ઓરડીમાં રહેવાનું થયું તો હું મૂરઝાઈશ નહીં.’
‘આ મારી ઓરડીની વાત થઈ રહી છે લજ્જા એ હું અને તું બન્ને સમજીએ છીએ...’ ઔચિત્યએ ગળું ખંખેર્યું, ‘તારો સાથ, તારો સ્નેહ મારું સદ્ભાગ્ય ગણાય...’ કહેતાં ઔચિત્યએ લજ્જાની પકડમાંથી હથેળી સેરવી, ‘પણ તું કદાચ જાણતી હો તો પાછલા મહિનાઓમાં મારી સ્થિતિ વધુ પેચીદી બની છે. PhDના મારા ગાઇડ વિશ્વેશ્વરસાહેબનું નામ પરીક્ષાનાં પેપર ફોડવાના કેસમાં ઊછળતા ૩ મહિનાથી તે સસ્પેન્ડ છે એમાં મારું રિસર્ચવર્ક ખોરંભે ચડી ગયું છે. મારાં મધરને વિઝનની તકલીફ છે, ફાધર અસ્થમાથી લાચાર છે... બે છેડા ભેગા કરવા હું....’
એવી જ લજ્જાએ તેના હોઠો પર આંગળી મૂકી દીધી : શીશ... તમે એટલું જ યાદ રાખજો, તમારા સંઘર્ષમાં હું તમારી સાથી છું....’
જોકે તેના સંઘર્ષનો સાક્ષાત્કાર અઠવાડિયામાં જ થઈ જશે એની ક્યાં ખબર હતી?
લજ્જાએ કડી સાંધી:
હજી ચારેક મહિના અગાઉની જ વાત.
ઘરે અચાનક ગામથી મહેમાન આવી ચડ્યા. રાતનો સમય. બધા પાછા જમવાના. લજ્જા પાસે આનો સરળ ઉપાય હતો. તેણે ATO (ઍની ટાઇમ ઑર્ડર) ઍપ પર ઑનલાઇન ઑર્ડર આપી દીધો.
ATO બહુ ફેમસ ફૂડ ડિલિવરી સર્વિસ હતી. અન્ય પ્લૅટફૉર્મની સરખામણીએ આના રિવૉર્ડ પૉઇન્ટ્સ ફાયદેમંદ હતા. હોટેલના ઑપ્શન્સ પણ વધુ અને ડિલિવરી ફાસ્ટેસ્ટ.
લજ્જાએ ઑર્ડર નોંધાવ્યાની આઠમી મિનિટે આંગણામાં બાઇક પ્રવેશી અને ડોરબેલ રણકી.
‘પાર્સલ આવી ગયું!’ ઉત્સાહભેર દરવાજો ખોલતી લજ્જા પળ પૂરતી ડઘાઈ.
ડિલિવરી બૉયના વેશમાં
ઔચિત્ય હતો!
‘યૉર ઑર્ડર મૅમ...’ ઔચિત્યએ સ્મિત ફરકાવ્યું. તેના મૅમ કહેવામાં કટાક્ષ નહોતો, પણ સ્મિતમાં વિષાદ જરૂર વર્તાયો.
‘આ છે મારો સંઘર્ષ લજ્જા. હું મલ્ટિપલ જૉબ કરું છું. ટ્યુશનની આવકથી મારો ઘરખર્ચ નીકળે છે, બે કલાક કેમિકલ ડીલરને ત્યાં સ્ટૉકનું કામકાજ જોઉં છું એમાંથી મમ્મી-પપ્પાની દવાનો બંદોબસ્ત થઈ જાય છે અને વરસ-દોઢ વરસથી ડિલિવરી બૉય તરીકે રાતપાળી કરું છું એ રિસર્ચના એક્સ્પેન્સિસ માટે.’
લજ્જા તેને તાકી રહી. ત્યાં અંદરથી પપ્પાનો સાદ આવ્યો : બેટા, તેને ટીપ આપજે.
આ છે આપણી વચ્ચેનો ભેદ! એવું દર્શાવતું હસીને ઔચિત્યએ પીઠ ફેરવી કે...
‘લજ્જા, આર યુ ધેર?’
બે-ચાર વાર સવાલ કાને અફળાતાં લજ્જાની વિચારસમાધિ તૂટી. ગતખંડના પ્રવાહમાંથી વર્તમાનમાં આવી જવું પડ્યું : ઓહ, પોતે ઔચિત્યને ફોન જોડીને તેના જ વિચારોમાં ખોવાઈ ગઈ!
‘હાય
ઔચિત્ય, રેડી?’
ઔચિત્ય ગિગ વર્કર તરીકે પણ કામ કરતો હોવાનું જાણીને પણ લજ્જાએ પ્રણયમાં પીછેહઠ નહોતી કરી. પછી તો રોજ રાતે ઔચિત્યએ અગિયારથી ૬ની ડ્યુટી માટે નીકળતી વેળા કૉલ કરવાનો શિરસ્તો બની ગયો.
મુંબઈ રાતે પણ જંપતું નથી એ ઔચિત્યના દાખલા પરથી સમજાઈ જાય. અહીં રાતે બે વાગ્યે ડિનર અને ચાર વાગ્યે પીત્ઝા ઑર્ડર કરનારા છે એટલે અમુક-તમુક રેસ્ટોરાં પણ ચાલુ હોય અને નાઇટ અવર્સમાં ATOવાળા ડિલિવરી બૉયને એરિયા પણ વાઇડ આપે એટલે ઔચિત્ય વાલકેશ્વરથી વર્લી સુધીમાં ફરતો જ હોય.
આમાં કેવા-કેવા અનુભવો થાય.
એક વાર બાઇકમાં પંચર પડ્યું ત્યારે ઔચિત્યએ પૅટ્રોલિંગ કરતા પોલીસોને વિનંતી કરી તેમની જીપમાં લિફ્ટ લઈ પાર્સલની ડિલિવરી કરી હતી! કોઈ વાર પેમેન્ટ ઑન ડિલિવરીનો વિકલ્પ લેનાર ગ્રાહક દરવાજે પહોંચ્યા પછી ઑર્ડર કૅન્સલ કરી દે : આજે અગિયારસ છે એ હમણાં યાદ આવ્યું! આવાં બહાનાંની તેમની પાસે કમી નથી હોતી. ઔચિત્ય જોકે કોઈ જોડે જીભાજોડીમાં ઊતરે નહીં. કેટલાક વળી એવા જનરસ પણ હોય કે ચા વિના જવા ન દે : રાતે જાગીને કામ કરો છો તો ચાના ઘૂંટથી તાજગી રહેશે!
‘યુ નો ઔચિત્ય, તમારા અનુભવો પર એક પુસ્તક લખી શકાય... અને તમે તો સારું લખો છો.’
અત્યારે પણ આ ભલામણ રિપીટ કરીને લજ્જાએ ‘ટેક કૅર’ કહીને કૉલ પતાવ્યો અને આ બાજુ ઔચિત્યએ બાઇકને કિક મારી.
આજની રાતે ડિલિવરીમાં જુદો જ અનુભવ થવાનો હતો એની ત્યારે ક્યાં ખબર હતી?
lll
આ...હ!
તેનાથી ચીસ સરી ગઈ. બેરહેમપણે યૌવનનો આસવ માણતા પતિને એ વિક્ષેપ જેવું લાગ્યું હોય એમ પીડાથી ચીખતી પત્નીના ગાલે થપ્પડ ઠોકી અને મોં પર હાથ ભીંસ્યો : ચીસાડા શાની નાખે છે? આખા દમણને જાણ કરવી છે?
નકારમાં ડોક ધુણાવતી પત્નીના અંતરમાં તો જુદો જ પોકાર ઊઠતો હતો : મારું ચાલે તો વિલાની અગાસીમાં લાઉડસ્પીકર મૂકીને તારી વિકૃત હરકતોનું ગામગજવણું કરું... વહેશી આદમી!
પણ ઉગ્ર સ્વભાવના પતિને વહેશી કહેવામાં શાણપણ નહોતું... ઊલટો તે વધુ બેફામ બને તો મારે જ રહેંસાવાનું થાય!
શર્વરી કણસતા જીવે સાંભરી રહી:
બોરડીના દરિયા વિસ્તારના ગામમાં છોકરાઓ-છોકરીઓને ભણાવવાનું ખાસ ચલણ નહીં. મચ્છીમારીને કારણે ઘરો સ્થિતિપાત્ર. રિવાજ મુજબ દીકરી એકવીસની થતાં જ ભાગવંતીબહેને મુરતિયા ખોળવા માંડ્યા. શર્વરીમાં દરિયા જેવું અસીમ રૂપ હતું એટલે સામેથી કહેણ આવતાં.
‘મને દમણવાળો વૈભવ ગમ્યો. નાની ઉંમરે પિતાનું છત્ર હટ્યા પછી વૈભવ સંજોગોના તાપમાં બહુ તપ્યો છે. માછીમારીમાં તેનો જીવ ન લાગ્યો. કશુંક અલગ કરવાની ધૂનમાં તેણે અહીંની ડિસ્ટિલરીમાં નોકરી લીધી... બે વરસમાં બધું કામકાજ એવું શીખી લીધું કે ઘર ગિરવી મૂકીને ડિસ્ટિલરીનું નાનકડું યુનિટ નાખી શરૂઆત કરી એના ચોથા વરસે ઘર છોડાવીને દરિયાકિનારે આલીશાન વિલા બનાવડાવી. આજે લિકરના ધંધામાં વૈભવનું નામ દમણમાં પ્રથમ નંબરે આવે છે!’
પિતાએ કહેણ સાથે આવેલો મુરતિયાનો ફોટો પણ દેખાડ્યો : જો, કેવો હીરો જેવો લાગે છે!
તસવીર જોઈને સાચે જ શર્વરીનું હૈયું ધડકી ગયેલું.
કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે દમણમાં દારૂ વેચવાની સાથે બનાવવાની પણ છૂટ છે. નાના-મોટા ઘણા ડિસ્ટિલરી એકમો અહીં છે, જાણીતી બ્રૅન્ડ્સનાં બિયર-વ્હિસ્કી અહીં બને છે. આમાં અગ્રેસર વૈભવની સિદ્ધિ જોઈને મમ્મી-પપ્પાએ અમારી વચ્ચેનો આઠ-નવ વરસનો વયભેદ પણ જતો કર્યો છે. મને અમીરીનો એવો ચાવ નથી, પણ આપબળે આગળ આવેલો જુવાન દેખાવડો પણ છે. પછી ઇનકારનું કોઈ કારણ જ ક્યાં રહે છે?
વૈભવને મળ્યા-જાણ્યા વિના જ મેં લગ્નનું મન બનાવી લીધેલું... કદાચ એટલે પણ મને સ્વર્ગની છાયામાં છુપાયેલું દોજખ ન દેખાયું, જે હું લગ્નનાં આઠ-આઠ વરસથી ઝેલી રહી છું!
પણ હવે વધુ નહીં... શર્વરીની ભીતર ચીસ ઊઠી : હવે આ માણસ મરવો જોઈએ!
પત્નીના અંતરમનની આ ચીસ સાંભળવા વૈભવ અસમર્થ હતો!
lll
ડેમ ઇટ!
પુણે-મુંબઈ વચ્ચે એક ટૅન્કરના અકસ્માતને કારણે રોડ જૅમમાં ફસાયેલો શેખર કંટાળ્યો : એક તો રસ્તો જૅમ, પાછાં મોબાઇલનાં સિગ્નલ પણ નથી મળતાં... રિયાને કેમ કહેવું કે આજની રાત હું નહીં પહોંચી શકું?
(ક્રમશ:)