18 November, 2025 12:57 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘દિલ જો ભી કહેગા, માનેંગે...
દુનિયા મેં હમારા દિલ હી તો હૈ...’
અભિજાત આ ગીત પણ વારંવાર ગાયા કરતો હતો. વિદિશા કહેતી:
‘આ શું માંડ્યું છે અભિજાત? જ્યાં ને ત્યાં બસ, દિલ? દિમાગની પણ કોઈ જવાબદારી હોય કે નહીં?’
ત્યારે અભિજાત કહેતો, ‘મૅડમ, દિમાગ બહુ ગણતરીઓ કરતું હોય છે. અને જ્યારે ગણતરી ખોટી પડે ત્યારે દિમાગ જ આપણું દિમાગ ખાય છે. જ્યારે દિલ? એ ગણિતમાં ઑલ્વેઝ ફેલ જ થતું હોય છે એટલે દિલ કદી દિલનું દિલ ખાતું નથી! સમજી?’
આજે વિદિશાને અભિજાતની
એ જ વાત યાદ આવી ગઈ. કૉલેજમાં જોડાવાનો નિર્ણય હવે સહેલો થઈ ગયો.
વિદિશાએ પેલો ચાંદલો કપાળે લગાવી દીધો...
lll
વર્ગખંડમાં દાખલ થતાં જ આખો ક્લાસ ઊભો થઈને ફુલ સ્માઇલ સાથે બોલી ઊઠ્યો,
‘ગુડ મૉર્નિંગ વિદિશા મૅડમ!
ગુડ મૉર્નિંગ!’
વિદિશાને નવાઈ લાગી. ઇંગ્લિશ લિટરેચરના પહેલા જ લેક્ચરમાં આખો ક્લાસ ફુલ? કોઈ બંક નહીં? કોઇ ઍબ્સન્ટ નહીં?
જોકે વિદિશા માટે હજી બીજાં સરપ્રાઇઝિસ બાકી હતાં. ‘ગુડ મૉર્નિંગ ક્લાસ...’ કહીને તેણે સૌને બેસવા ઇશારો કર્યો.
ત્યાં એક છોકરાએ કહ્યુંઃ
‘મૅડમ, તમારી ઉપરનો પંખો બંધ છે, સ્ટાર્ટ કરું?’
‘વાય નૉટ?’ વિદિશાએ કહ્યું.
પેલો છોકરો સ્વિચ બોર્ડ પાસે ગયો. પંખાની સ્વિચ પાડી. પંખો સ્ટાર્ટ થાય એ પહેલાં તેણે જોયું કે એક જ ક્ષણમાં આખા ક્લાસે પોતપોતાના ચહેરા પર રૂમાલ અથવા દુપટ્ટો બાંધી દીધા હતા!
વિદિશા હજી એનું કારણ વિચારે ત્યાં તો પંખાનાં પાંખિયાંમાંથી કંઈ વિચિત્ર પ્રકારનો પાઉડર ખરી રહ્યો
હોય એમ લાગ્યું! વિદિશા કંઈ
વિચારે એ પહેલાં તેને ધડાધડ છીંકો આવવા લાગી!
સામટી એક ડઝન છીંકો આવી ગયા પછી પણ એ બંધ થતી નહોતી. આખો ક્લાસ, ‘બુકાનીધારી ક્લાસ’ ખડખડાટ હસી રહ્યો હતો કારણ કે પંખાનાં પાંખિયાં ઉપર તેમણે ખાસ્સી એવી ક્વૉન્ટિટીમાં છીંકણી પાથરી રાખી હતી.
વિદિશાનું નાક તો લાલચોળ! ગળામાંથી એકાદ શબ્દ નીકળી શકે એટલા પણ તેના હોશ નહોતા. એ જ વખતે બારણાની બહારથી મિસિસ પંડ્યાનો કડક અવાજ સંભળાયોઃ
‘વૉટ ઇઝ ધિસ નૉન્સેન્સ
ગોઇંગ ઑન?’
બીજી જ ક્ષણે આખો ક્લાસ પાછલે બારણેથી તથા ખુલ્લી બારીઓમાંથી કૂદકા મારતો ગાયબ થઈ ગયો!
વિદિશા હજી હાંફી રહી હતી. મિસિસ પંડ્યાએ તાત્કાલિક પટાવાળાને બોલાવીને વિદિશાને વૉશરૂમમાં
મોકલી આપી.
પાણીની અનેક છાલકો માર્યા પછી વિદિશા કંઈક હોશમાં આવી. નૅપ્કિન વડે મોં લૂછતાં તે બહાર આવી ત્યારે મિસિસ પંડ્યા સહિત તમામ લેક્ચરરો તથા પ્રોફેસરોનો સ્ટાફ તેની સામે
ઊભો હતો.
મિસિસ પંડ્યાએ કહ્યુંઃ ‘આઇ ઍમ સૉરી, પણ મારે તમને કહેવું જોઈતું હતું કે નવા ફેકલ્ટી મેમ્બરનું તોફાની રીતે સ્વાગત કરવાનો અહીંના સ્ટુડન્ટ્સનો રિવાજ છે. વી આર રિયલી વેરી વેરી સૉરી...’
ખબર નહીં કેમ, એ જ ક્ષણે તેના મનમાં વિચાર ઝબકી ગયો કે અભિજાત જો આ કૉલેજમાં હોત તો તેણે પણ કંઇક આવું જ તોફાન કર્યું હોતને?
વિદિશા હસી પડી. તેણે કહ્યું, ‘વૉટ સૉરી? ઇન ફૅક્ટ, આઇ લાઇક્ડ ઇટ!’
વિદિશાને લાગ્યું કે હા, તેણે પોતાના દિલનો અવાજ તો સાંભળ્યો હતો.
lll
કૉલેજમાં છેલ્લો પિરિયડ પતવા આવ્યો હતો. મોટા ભાગના ફેકલ્ટી મેમ્બરો વિદાય લઈ ચૂક્યા હતા. મિસિસ પંડ્યા પણ ‘બાય, ઑલ ધ બેસ્ટ, વેલકમ ટુ અવર કૉલેજ’ વગેરે કહીને જતાં રહ્યાં હતાં. ત્યાં સ્ટાફ-રૂમની બહાર થોડી હલચલ સંભળાઈ.
વિદિશા બહાર આવીને જુએ છે તો આખેઆખો ક્લાસ ડાહ્યોડમરો થઈને બહાર ઊભો છે.
‘શું વાત છે?’ વિદિશાએ પૂછ્યું.
‘મૅડમ, વી આર રિયલી વેરી સૉરી.’ વાંકડિયા વાળવાળો એક માસૂમ લાગતો છોકરો બોલ્યો. ‘મૅડમ, અમારા તોફાનથી તમારી તબિયત બગડી જશે એવો અમને કોઈ અંદાજ નહોતો.’
‘ઇટ્સ ઓકે,’ વિદિશા હસી, ‘ઇન ફૅક્ટ, મને આ તોફાન ગમ્યું!’
આ સાંભળતાં જ આખો ક્લાસ આનંદ અને નવાઈ સાથે કલબલાટ કરવા લાગ્યો.
‘શું વાત કરો છો?’ ‘રિયલી?’ ‘ઓ વાઉ!’ ‘મૅડમ આપણાં જેવાં જ છે નહીં?’ ‘ધૅટ મીન્સ કે તમે પ્રિન્સિપાલને કોઈ કમ્પ્લેઇન્ટ નહીં કરોને?’
કાબરોના ટોળાને શાંત કરતી હોય એમ વિદિશાએ કહ્યું, ‘હોતું હશે? હું પણ તમારા જેવી જ છુંને? થોડી મસ્તી ન હોય તો કૉલેજ લાઇફનો મતલબ શું છે?’
‘થૅન્ક યુ સો મચ મૅડમ!’ વાંકડિયા વાળવાળા છોકરાએ કહ્યું, ‘મૅડમ, જો એમ જ હોય તો બીજી એક રિક્વેસ્ટ છે.’
‘બોલોને!’ વિદિશાએ ખુલ્લા દિલનું સ્માઇલ આપ્યું.
તરત જ બધા સ્ટુડન્ટોએ પોતાની પીઠ પાછળ રાખેલા ફૂલોના બુકે કાઢતાં કહ્યું, ‘મૅડમ, અમે તમને વેલકમ કરવા માટે આ ગુલદસ્તાઓ આપવા માગીએ છીએ! ઍન્ડ પ્લીઝ ફરગિવ અસ? પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ...’
‘ઓકે...’ વિદિશા હસવા લાગી, ‘તુમ્હીં ને દર્દ દિયા હૈ, તુમ્હીં દવા દેના!’ વિદિશાની શાયરીથી બધા સ્ટુડન્ટો ખુશ થઈ ગયા. વિદિશાએ કહ્યું, ‘આમ બહાર શું ઊભા છો? અંદર સ્ટાફ-રૂમમાં આવોને!’
સ્ટુડન્ટોનું ઝુંડ અંદર આવ્યું. સૌએ વારાફરતી વિદિશાને બુકે આપી-આપીને સેલ્ફીઓ લીધા. અમુક સ્ટુડન્ટોએ મીઠાઈનાં બૉક્સ ખોલીને આગ્રહ કરતાં-કરતાં વિદિશાને પેંડા ખવડાવવા માંડ્યા. એક, બે, ત્રણ એમ કરતાં વિદિશા સ્ટુડન્ટોના આગ્રહને વશ થઈને પૂરા સાત પેંડા ખાઈ ગઈ.
બધા સ્ટુડન્ટો ‘થૅન્ક યુ મૅડમ...’ કરતાં બહાર જતા રહ્યા. બસ, પેલો વાંકડિયા વાળવાળો માસૂમ લાગતો છોકરો હજી ઊભો હતો.
વિદિશાએ પૂછ્યું, ‘કેમ, તારે
નથી જવાનું?’
‘મૅડમ, આઇ ઍમ સૉરી, પણ તમે બહુ જ ભોળાં છો.’
‘કેમ? સ્ટુડન્ટોના બુકે લેવા, પેંડા ખાવા, એમાં કંઈ ખોટું થોડું છે?’
‘જુઓ મૅડમ, મારું નામ મેહુલ છે. આખા ક્લાસમાં હું જ એક સીધો
છોકરો છું. બાકીના તમામ સ્ટુડન્ટો શયતાનોની આખી ફોજ છે. તમે હજી કેમ સમજતાં નથી?’
‘એમાં સમજવાનું શું છે? ઇન
ફૅક્ટ, મને તો બધા બહુ વૉર્મ અને હસમુખા લાગ્યા.’
‘ત્યાં જ તમારી ભૂલ થાય છે, તમને શું લાગે છે, આ બધા તમને વેલકમ કરવા આવ્યા હતા? સૉરી કહેવા આવ્યા હતા? અરે, તમને આગ્રહ કરી કરીને જે પેંડા ખવડાવ્યા ને એમાં...’
વિદિશા બોલી ઊઠી, ‘શું હતું
એ પેંડામાં?’
‘ઘેનની દવા! જો તમે દસ-પંદર મિનિટમાં ઘરભેગાં નહીં થઈ શકો તો તમે તમારી કારમાં બેઠાં-બેઠાં ઘસઘસાટ ઊંઘતાં થઈ જશો! એ પણ બે-ત્રણ કલાક સુધી!’
‘માય ગૉડ!’ વિદિશા ગભરાઇ ગઇ.‘તમે લોકો બધા બહુ ડેન્જરસ છો.’
‘બધા નહીં.’ મેહુલે કહ્યું. ‘બધામાં હું એક જ સીધો છું એટલે જ તો તમને આ બધું કહેવા માટે ઊભો રહ્યો..’’
‘ઓહ મેહુલ... હવે શું થશે? મને ઊંઘ આવી જશે તો? તું.. તમે મને મારા ઘરે મૂકી જશો?’
‘મૅડમ, હજી તમને ઘેન ચડતાં દસ-પંદર મિનિટ તો થશે. ત્યાં સુધીમાં તમે જાતે ડ્રાઇવ કરીને...’
‘ના ના! એવું રિસ્ક ન લેવાય!’
‘તો ટૅક્સી કરાવી દઉં?’
વિદિશાએ તરત જ ના પાડી. ‘ટૅક્સીવાળો મને ભર ઊંઘમાં જોઈને ક્યાંક આડે અવળે પહોંચાડી દે તો? હું મારી એક ફ્રેન્ડ ઉર્વીના ઘરે ઊતરી છું. મારી પાસે ઍડ્રેસ તો છે પણ મેં તો બરાબર રસ્તો પણ નથી જોયો.’
‘તો એક જ ઑપ્શન છે.’ મેહુલે ‘જરા ખચકાતાં કહ્યું, ‘તમારે મારી બાઇક પર બેસવું પડશે, પણ...’
‘પણ શું?’ વિદિશાએ પૂછ્યું.
મેહુલે વધુ શરમાતાં, વધુ ખચકાતાં, માથું નીચું રાખીને પગના નખ વડે ભોંય ખોતરતો હોય એમ ખૂબ જ નર્વસ થતાં ધીમા અવાજે કહ્યું:
‘મેડમ, બસ એક જ ધ્યાન રાખવું પડશે, તમારે મારી કમરને, બરાબર પકડીને બેસવું પડશે. યુ સી, નહીંતર...’
બિચારો બોલતાં બોલતાં એટલું શરમાઇ રહ્યો તો કે તેના ગાલ લાલચોળ થઈ ગયા. વિદિશાએ
જોયું કે શરમથી મેહુલના કાનથી બૂટ પણ ગુલાબી થઈ ગઈ હતી. કેટલો ભોળો હતો?
બન્ને બહાર આવ્યાં. મેહુલ ફટાફટ પોતાની બાઇક લઈને આવી ગયો.
‘બરાબર પકડીને બેસજો હોં? આઇ ઍમ સો સૉરી, મને આ બધું બહુ અક્વર્ડ લાગે છે પણ શું કરું? મૅડમ, મને ખરેખર બહુ શરમ આવી રહી છે.’
‘તને ભલે શરમ આવતી હોય, મને નથી આવતી. સમજ્યો? નાઓ, જસ્ટ સ્ટાર્ટ ધ બાઇક!’
મેહુલે બાઇક સ્ટાર્ટ કરી. વિદિશાને પોતાની પૂરેપૂરી સલામતીનું ધ્યાન રાખવાનું હતું એટલે આજુબાજુના
લોકો જોશે તો શું વિચારશે એની પરવા કર્યા વિના તેણે મેહુલની કમર ફરતે પોતાનો હાથ વીંટાળીને બરાબર ગ્રિપ જમાવી લીધી.
રસ્તામાં ટ્રાફિક ખાસ્સો હતો. રોડ પણ કંઈ સ્મૂધ નહોતો. વારવાર મેહુલે બ્રેક મારવી પડતી હતી. દરેક વખતે વિદિશાનું શરીર મેહુલની પીઠ પર ચંપાઈ જતું હતું.
આમ કરતાં કરતાં લગભગ
અડધો કલાક વીતી ગયો. વિદિશાને હવે શંકા પડી.
‘મેહુલ, મને કેમ ઊંઘ નથી
આવી રહી?’
‘કદાચ તમે બે પેંડા ઓછા
ખાધા હશે!
‘નો, વેઇટ.’ વિદિશા અચાનક બોલી ઊઠી. ‘મેહુલ, સ્ટૉપ ધ બાઇક.’
મેહુલે ઝટકા સાથે બાઇક રોકી દીધી. આસપાસ સોસાયટી અને એપાર્ટમેન્ટોનો ખુલ્લો વિસ્તાર હતો. વિદિશાએ ઘડિયાળમાં જોયું.
‘મેહુલ, તું તો દસ પંદર મિનિટનું કહેતો હતો. આ તો ખાસ્સી ૪૦ મિનિટ થઈ ગઈ... મેહુલ, મામલો શું છે?’
મેહુલના માસૂમ ચહેરા પર સ્માઇલ આવ્યું. ‘મૅડમ, મામલો એમ છે કે કૉલેજનો તમારો ફર્સ્ટ ડે હજી પૂરો નથી થયો. ત્યાં જુઓ...’
મેહુલે જે દિશામાં ઓગળી ચીંધી હતી ત્યાં ગલીના છેડે બાઇકો અને સ્કૂટરો પર કૉલેજના સ્ટુડન્ટોનું ઝુંડ ખડખડાટ હસતું ઊભું હતું.
બે ક્ષણ માટે વિદિશા અકળાઈ ગઈ. પછી તરત જ વિચાર આવ્યો...
અભિજાત અહીં હોય તો તે શું કરે?
(ક્રમશ:)