દિલ કી આવાઝ સુનો: દર્દ મોતનું, દવા જિંદગીની (પ્રકરણ ૪)

20 November, 2025 01:22 PM IST  |  Mumbai | Lalit Lad

વિદિશાની આંખો ભરાઈ આવી. પત્રમાં અક્ષરો ઉર્વીના હતા પણ શબ્દો અભિજાતના જ હતા.

ઇલસ્ટ્રેશન

વિદિશાના હાથમાં અભિજાતના પપ્પાએ આપેલું એક કવર હતું. શું હતું એ કવરમાં?

વિદિશાએ ધ્રૂજતા હાથે એ કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો.

‘વિદિશા, હું જાણું છું કે મારી પાસે હવે સમય બચ્યો નથી. આ પત્ર જ્યારે તારા હાથમાં આવશે ત્યારે તારો જન્મદિવસ હશે અને જો બધું મારા પ્લાનિંગ મુજબ થયું હશે તો તારો આ સૌથી યાદગાર બર્થ-ડે હશે...’

વિદિશાની આંખો ભરાઈ આવી. પત્રમાં અક્ષરો ઉર્વીના હતા પણ શબ્દો અભિજાતના જ હતા.

‘વિદિ, આપણો જે બે મહિનાનો સંગ રહ્યો એ મારી જિંદગીના સૌથી બેસ્ટ દિવસો હતા. જો કોઈ આત્મા નામની ચીજ હોય અને માણસના શરીરમાંથી નીકળીને ફરી ક્યાંક અવકાશમાં જતી રહેતી હશે તો એ આત્માને પણ તારી સાથે વિતાવેલી ક્ષણો વારંવાર પાછી ધરતી તરફ ખેંચતી રહેશે. પણ ના... આત્મા તો અમર છે, એ તો માત્ર ખોળિયાં જ બદલે છે. એ હિસાબે હું પણ કોઈ બીજા ખોળિયામાં જઈને મારી નવી ઇનિંગ શરૂ કરીશ.. નવી ગિલ્લી... નવો દાવ...’

વિદિશાની આંખો છલકાઈ રહી હતી. આ અભિજાત મોતની પીડા વચ્ચે પણ શી રીતે આવું લખાવી શક્યો હશે? આંખો લૂછતાં વિદિશાએ આગળ વાંચ્યું:

‘વિદિશા, મારા તરફથી તને હૅપી બર્થ-ડે... હું તને પહેલી અને છેલ્લી વાર બર્થ-ડેની વિશ કરી રહ્યો છું. હવે હું જાઉં છું પણ મને એક પ્રૉમિસ આપ. તારા દિલનો કોઇ ખૂણો ખાલી રહેવા દઈશ નહીં. બસ, લિસન ટુ યૉર દિલ! તારા દિલની એ ખાલી જગ્યા પૂરનારો જો કોઈ બીજો સામે મળી જાય તો તેને અપનાવી લેજે. ભલે એને ગોળધાણા ‘વાનગીની જેમ’ ખાવાની કેઝી આદત ન પણ હોય...’

વિદિશા ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. અભિજાતે જતાં-જતાં પણ તેની સેન્સ ઑફ હ્યુમર છોડી નહોતી.

lll

પાર્ટી પતી ગઈ હતી. રાત હજી પતી નહોતી. મોડી રાત્રે જ્યારે સૌ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે વિદિશા અપાર્ટમેન્ટની બારીએ આવીને ઊભી રહી. બારીમાંથી આ રંગીલું મોજીલું સુરત શહેર દેખાતું હતું.

વિદિશાને વારંવાર અભિજાતનું વાક્ય સંભળાયા કરતું હતું : ‘લિસન ટુ યૉર દિલ...’

પણ યાર, દિલ શું કહેતું હતું?

વધુ એક ગીત જે અભિજાત ગાયા કરતો હતો એ વિદિશાના મનમાં ગુંજી રહ્યું હતું...

યે દિલ હૈ મુહોબ્બત કા પ્યાસા,

ઇસ દિલ કા તડપના ક્યા કહિએ

માયૂસ હૈં હમ, મજબૂર હો તુમ,

ઔર તુમ પે હી મિટના ક્યા કહિએ?

અહીં જ્યારે ખુદ અભિજાત પોતાની હસ્તી મિટાવીને અલવિદા કરી ગયો હતો ત્યારે વિદિશાને જતાં-જતાં કોઈ નવા પાત્રને અપનાવવાની સલાહ આપી ગયો હતો...

કોણ હશે તે? દિલ તો કહેતું હતું કે તે મેહુલ જ છે...

lll

કૉલેજમાં દિવસો વીતી રહ્યા હતા. કૉલેજની યંગ જનરેશન વચ્ચે વિદિશાએ પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી હતી. કૉલેજની તમામ ઍક્ટિવિટી, ફેસ્ટિવલ અને સ્પોર્ટ્‍સને લગતી તમામ કામગીરી વિદિશાએ પોતાના હાથમાં લઈ લીધી હતી.

આ તમામ ધમાલમસ્તીમાં મેહુલ સતત તેની સાથે ને સાથે જ હતો. વિદિશાનું દિલ તો હવે મેહુલને જ ચાહી રહ્યું હતું. પણ...

આખરે તે તેનો સ્ટુડન્ટ હતો. શું કૉલેજમાં જ પ્રેમનો એકરાર કરી શકાય? શું કહેતું હતું દિલ?

એમ કરતાં-કરતાં સેમેસ્ટર પૂરું થયું...

lll

વેકેશન પછી આ પહેલો દિવસ હતો.

હજી તે સ્ટાફ-રૂમમાં જરા ઠરીઠામ થઈ ત્યાં તો તેને બહારથી મેહુલની ચીસ સંભળાઈ.

‘મૅડમ! જુઓને વિદિશા મૅડમ! આને કંઈ કહોને!’

વિદિશાએ જે દૃશ્ય જોયું એનાથી તે આખેઆખી હલબલી ગઈ. ટી-શર્ટ ને જીન્સ પહેરેલી એક છોકરી મેહુલનો કૉલર પકડીને તેને ખેંચી રહી હતી! મેહુલ ખડખડાટ હસી રહ્યો હતો. પેલી છોકરીના ચહેરા પર ગુસ્સો હતો.

‘બોલ, ક્યાં છે તારાં મૅડમ? યાર, સવારથી મૅડમ... મૅડમ... સાંભળીને મારા તો કાન પાકી ગયા છે!’

‘અરે! શું છે આ બધું?’ વિદિશાએ બહાર આવીને પૂછ્યું.

મેહુલ કંઈ જવાબ આપે એ પહેલાં પેલી છોકરીએ મેહુલનો કૉલર પકડીને આગળ હડસેલી દીધો.

‘આ મેહુલિયો છોકરો છે તો શું થયું? હવે છોકરાઓની દાદાગીરી નહીં ચાલે આ કૉલેજમાં! જુઓ મૅડમ, હું ઝરણા છું. સ્ટેટ લેવલની બાસ્કેટબૉલ ચૅમ્પિયન છું. સ્કૂલમાં હતી ત્યાં સુધી એકેય ટુર્નામેન્ટ હારી નથી. નૅશનલ ટીમમાં કૅપ્ટન હતી અને હવે યુનિવર્સિટી ચૅમ્પિયન પણ થઈને બતાડીશ! પણ આ ગધેડાઓ અમને બાસ્કેટબૉલની પ્રૅક્ટિસ કરવાની જગ્યા જ નથી આપતા!’

‘પણ ઝરણા, જરા સમજ, આપણી કૉલેજમાં બાસ્કેટબૉલની ટીમ જ નથી.’

‘ટીમ? મેં બનાવી લીધી છે! હવે અમારે પ્રૅક્ટિસ કરવી છે.’

‘હા, પણ કૉલેજમાં બાસ્કેટબૉલની કોર્ટ પણ ક્યાં છે?’

‘એ બને ત્યાં સુધી અમારે બેસી રહેવાનું? આ મેહુલ કહે છે કે સ્પોર્ટ્‍સનું બધું વિદિશા મૅડમ સંભાળે છે. તે કહે તો માનું. હવે તમે મેહુલને મનાવો છો કે પછી..?’

વિદિશા હસી પડી. ‘ઓ છોકરી! તું જબરી છે હોં? ચાલ, મેહુલ તમને ગ્રાઉન્ડ ખાલી કરી આપશે. અને હું પણ પ્રૉમિસ કરું છું કે કૉલેજમાં બાસ્કેટબૉલની કોર્ટ તૈયાર કરવા માટે ટ્રસ્ટીઓ આગળ રજૂઆત કરીશ, બસ?’

‘ઓ.. મૅડમ, મૅડમ, મૅડમ. આઇ લઓઓવ યુ!’ કરીને ઝરણાએ વિદિશાનો ચહેરો પકડીને તેના ગાલ પર જોરથી એક બકી કરી દીધી!

વિદિશા તો ડઘાઈ જ ગઈ!

‘એક મિનિટ!’ વિદિશાએ તેને પૂછ્યું, ‘આ લોઓઓઓવ યુ... શું છે?’

‘એ મારી લાઇફસ્ટાઇલ છે! હું આખી દુનિયાને લોઓઓઓવ કરું છું!’

હજી વિદિશા કંઈ કહે એ પહેલાં તો ઝરણા કોઈ વાવાઝોડાની જેમ દોડીને જતી રહી.

‘કોણ છે આ છોકરી?’ વિદિશાએ પૂછ્યું. મેહુલ હસીને કહે, ‘છોકરી, મૅડમ, છોકરો છે છોકરો! જોયું નહીં, મને કેવો ઘેંઘલો કરી નાખ્યો? ચાલો, પછી મળું છું. નહીંતર એ વાવાઝોડું અમારા બૅડ્‍મિન્ટનની નેટના લીરેલીરા ઉડાડી મૂકશે.’

વિદિશા તો દંગ થઈ ગઈ! કમાલની છોકરી છે! મેહુલ સાચું જ કહેતો હતો, છોકરી નહીં આ તો છોકરો છે. હા, માથે વાંકડિયા લાંબા-સરખા વાળ ખરા, એમ તો ફિગર પણ ભરાવદાર પરંતુ આખો ઍટિટ્યુડ જુઓ તો બસ, છોકરો જ જોઈ લો.

lll

સમય સરકી રહ્યો હતો. ચોમાસું બેસી ગયું. એક દિવસ કૉલેજ છૂટવાના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

લગભગ બધા જતા રહ્યા પછી તે નીકળી. છત્રી ખોલીને વિદિશા તેની પાર્ક થયેલી કાર તરફ જતી હતી ત્યાં તેને ઝરણાનો અવાજ સંભળાયો:

‘લુક ઇનટુ માય આઇઝ ઍન્ડ ટેલ મી ધૅટ યુ લોઓઓઓવ મી!’

ઝરણાએ મેહુલનું ટી-શર્ટ મુઠ્ઠીમાં પકડ્યું હતું. બન્ને વરસાદમાં પૂરેપૂરા પલળી ગયાં હતાં. મેહુલ હસી રહ્યો હતો.

‘જવાબ આપે છે કે નહીં? કમ ઑન, મારી આંખોમાં જોઈને બોલે છે કે નહીં... કે યુ લોઓઓવ મી?’

ઝરણાના એક ઝાટકા સાથે જ મેહુલનું બૅલૅન્સ ગયું. તે ઝરણા પર પડ્યો. બન્ને ખડખડાટ હસી રહ્યાં હતાં...

વિદિશા કારમાં બેઠાં-બેઠાં આ બધું જોઈ રહી હતી. તેના હાથપગ અચાનક ઠંડા પડી રહ્યા હતા.

વિદિશાને લાગ્યું કે વરસાદ ભલે બહાર પડી રહ્યો હોય, પણ તેના દિલમાં ક્યાંક બહુ મોટું ધોવાણ શરૂ થઈ ગયું છે....

lll

એમ તો ઝરણા પણ વિદિશાની લાડકી બની ગઈ હતી. એક દિવસ તે પગ પછાડતી આવી પહોંચી.

‘વિદિ દીદી... પેલો મેહુલ છેને, તે માત્ર ને માત્ર તમારું જ કહ્યું માને એવો છે. તમે તેને મળીને પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ, એક વાર સમજાવોને કે હું તેને સખ્ખત સખ્ખત સખ્ખત પ્રેમ કરું છું!’

આ સાંભળતાં જ વિદિશાનો ચહેરો ફીકો પડી ગયો. હૃદય બે ધબકારા ચૂકી ગયું. વિદિશાના દિલમાં ચીરા પડી રહ્યા હતા છતાં તેણે માંડ-માંડ સ્વસ્થ ચહેરો રાખતાં કહ્યું, ‘ઝરણા, તેં તો તેને કીધું જ છેને કે યુ લવ હિમ? એ દિવસે અહીં વરસાદ પડતો હતો ત્યારે જ તો તેં...’

‘બસ, એ જ પ્રૉબ્લેમ છે! એ ડોબો સમજતો જ નથી. મને કહે છે કે એવું તો તું બધાને કહેતી ફરે છે. પણ યાર, એ લવ અને આ લવમાં ફેર છે! તમે તેને સમજાવજોને? તે તમારું કહ્યું જરૂર માનશે.’

વિદિશા ઝરણાના ચહેરા સામે જોતી જ રહી ગઈ. કેવી પતંગિયા જેવી છોકરી છે! એ બિચારીને તો સહેજે અંદાજ પણ ક્યાંથી હોય કે પોતે જ મેહુલ માટે શુંનું શું વિચારીને બેઠી છે?

આખરે પોતાના દિલ પર પથ્થર મૂકીને તેણે હળવેથી ઝરણાના ગાલે હાથ ફેરવતાં સ્માઇલ આપ્યું.

‘તું ચિંતા ન કરીશ હોં? હું જરૂર મેહુલને સમજાવીશ...’

‘દીદી, આઇ લવ યુ, લવ યુ, લવ યુ... લઓઓઓવ યુ!’ કરતી ઝરણા તેને બાઝી પડી.

lll

સાંજે તે ઘરે આવી ત્યારે ઉર્વી એક ચમકતા સ્માઇલ સાથે તેની રાહ જોતી બારણે ઊભી હતી. તેના હાથમાં એક કવર હતું.

‘શું છે આ?’ વિદિશાએ પૂછ્યું.

‘ભૂલી ગઈ?’ ઉર્વીએ કહ્યું ‘આજે અભિજાતનો બર્થ-ડે છે. ખાસ આજના દિવસે તને મળે એ રીતે અભિજાતે એક પત્ર લખીને તેનાં મમ્મી-પપ્પાને આપી રાખ્યો હતો.’

વિદિશાના આખા શરીરમાંથી અભિજાતની યાદોની ઝણઝણાટી પસાર થઈ ગઈ.

‘શું લખ્યું છે એમાં?’

‘તું જાતે જ ખોલીને જોઈ લેને!’

એમાં અભિજાતના પોતાના, કદાચ અંતિમ ક્ષણો વખતે લખાયેલા, ધ્રૂજતા અને થોડા વાંકાચૂકા અક્ષરે લખાયેલો એક નાનકડો મેસેજ હતો:

‘વિદિશા, તેં તારા દિલમાં કોઈને સ્થાન આપ્યું છે કે નહીં એની મને ખબર નથી પણ મારી બીજી એક વાત સમજવાની કોશિશ કરજે. લિસન ટુ સમવન એલ્સિસ દિલ ઑલ્સો...’

વિદિશાએ કવરમાં પત્ર પાછો મૂકતાં ઊંડો શ્વાસ લીધો. મનોમન તેણે એક નિર્ણય લઈ લીધો હતો. એ પણ ઉદાસ મનથી નહીં, પૂરેપૂરા ખુશ મનથી...

 

(ક્રમશઃ)

columnists exclusive gujarati mid day