દોષ-નિર્દોષ (પ્રકરણ - ૪)

16 June, 2022 08:10 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

છેવાડેથી અવાજ આવ્યો. ‘આ તો અતુલ્ય!’ બન્ને હાથના દોરડા છોડીને નીમા ઊભી થઈ ગઈ. એવી જ ટોળામાં ચીસ ફૂટી, વૃંદા-નિકામ ચીખી-રડી ઊઠ્યાં. છટકેલું ત્રિશૂલ સીધું બાળકમાં ખૂંપી ગયું હતું!

દોષ-નિર્દોષ

‘હવે એ બનવાનું છે જે તમે ધાર્યું ન હોય, નિકામ-વૃંદા!’
નીમા ઇરાદો ઘૂંટે છે. ‘નિકામને ત્યાં ધામા નાખવાનો મારો નિર્ણય ફળ્યો. મહિના અગાઉ અતુલ્યના ‘અપરાધ’ પાછળની ગાથા ખૂલી ગઈ. નિકામને જોઈતી સીટ માટે અતુલ્યનું પત્તું સાફ કરી છોગામાં વૃંદાએ નિકામને પોતાનો કરી લીધો! અરે, ‘આપઘાત’ની થિયરી સાચી લાગે એ માટે વૃંદાએ ઉર્વી જેવાની આગળ વિયર્ડ રીતે વર્તીને હવા પણ ઊભી કરેલી!’
‘અતુલ્ય તો આજે પણ એમ જ માનતા હશે કે પોતે ચૂપ રહીને વૃંદાની આબરૂ બચાવી! અરે, ફૅમિલીના સોગંદ ખાનારા આદમીએ અમને સુધ્ધાં ભેદ ન કહ્યો, વૃંદા, તને એનોય ગણ નહીં?’
‘નહીં, નિકામ-વૃંદાનો પર્દાફાશ કરીને મારે અતુલ્યના દોષને નિર્દોષ પુરવાર કરવો રહ્યો!’
પોતે તેમનો ભેદ જાણી ગઈ એ જતાવ્યા વિના નીમા વિચારતી રહી - ‘મારે શું કરવું જોઈએ? મારા કહેવામાત્રથી પોલીસ, કાયદો કંઈ નહીં માને. સાડાચાર વર્ષ જૂની ઘટનાના પુરાવા જેવી કેવળ બે વ્યક્તિ છે - ખુદ નિકામ અને વૃંદા! એ લોકો પોતાનું પાપ કબૂલે એવું કંઈક થવું જોઈએ...’
અને એ એક જ રીતે લાગ્યું 
નીમાને : નિનાદ થકી!
૬ મહિનાના બાળકમાં મા-બાપનો જીવ વસે છે... અને લોરી ગાઈ નિનાદને ઘોડિયામાં હીંચકાવતી નીમાના ચિત્તમાં સળવળાટ થતો : ‘આને લઈને ભાગી જાઉં, તો બાળકને પાછું પામવા નિકામ-વૃંદા હું કહું એ કરવાનાં! તો તો એક દહાડો ઘોડિયામાં બાળક નહીં હોય, ને ઘરમાં નીમા!’ 
- ‘એ વેળા હવે ઢૂંકડી છે, પરમ દહાડે રવિવારે નિકામ-વૃંદાની બીજી ઍનિવર્સરી. તેમના સેન્ટરનું ઉદ્ઘાટન. એ જ ટાણું મારા અતુલ્યની મુક્તિનું હોવું ઘટે, યસ!’ 
lll
એકાંતનો મોકો જોઈ નીમાએ વલસાડ વાત કરીને વડીલોને વિશ્વાસમાં લીધા. પછી ધડકતા હૈયે સિતાંશુભાઈનો નંબર જોડ્યો.
‘ડૉક્ટરસાહેબ, હું નીમા, 
અતુલ્યની નીમા.’
મુંબઈ આવ્યા પછી તેનું મન તો આર્થર રોડ જેલ જોવા ઉછાળા મારતું. ‘પણ એક તો અત્તુને જણાવવાનું નહોતું અને અતુલ્યએ પણ ચોખ્ખી મનાઈ ફરમાવેલી કે તમે કોઈ જેલમાં આવો એ મને નહીં ગમે!’ હા, જેલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટસાહેબનો નંબર પોતે મેળવી રાખેલો એ કામ લાગ્યો!  
‘તમારી મદદની જરૂર છે સાહેબ, અતુલ્યને લઈને પરમ દહાડે એક દિવસ પૂરતા અમારા ગામ આવી શકો, તો જીવનભર તમારી ઋણી રહીશ.’
‘પરમ દિવસે! ગામ!’ સિતાંશુભાઈ કહેવા ગયા કે ‘એમ કેદીને છુટ્ટી ન મળે, શહેર છોડવાની પરવાનગી તો અપવાદરૂપ જ મળતી હોય છે...’
‘ઇનકાર ન કરતા સાહેબ, એક સ્ત્રીની આબરૂનાં રખોપાં કરવા ચૂપ રહેનારા, સજા ઓઢનારા આદર્શ દુનિયામાં હયાત રહે, એટલા માટે પણ ઇનકાર ન કરતા!’
તે વધુ બોલી ન શકી. આંસુને કારણે શબ્દો ગળામાં જ ગંઠાઈ ગયા.
સામે છેડે નાણાવટીસાહેબ પણ અવાક્ હતા. ‘અતુલ્યની પ્રેમિકા 
આ શું બોલી ગઈ! કે પછી કોઈ ભેદ ખોલી ગઈ?’
lll
- અને રવિવારે પરોઢિયે, ઘરનાની ઊંઘમાં ખલેલ પાડ્યા વિના ઘોડિયામાં સૂતેલા નિનાદને ઉઠાવી નીમા નીકળી ગઈ. ગલીના નાકેથી ટૅક્સી પકડી : ‘વલસાડ લે લો.’
lll
સવારે ઘરમાં ધમાધમ થઈ ગઈ. બાથરૂમના પ્રેશરને કારણે વહેલાં ઊઠેલાં નયનાબહેને બાળક-આયા બન્નેને ન ભાળીને બૂમાબૂમ કરી મૂકી. પહેલાં તો નિકામ-વૃંદા અકળાયાં. એક તો બીજી ઍનિવર્સરીની લેટ નાઇટ ઉજવણીને કારણે સૂતાં મોડું થયું, એમાં મમ્મીએ સવાર-સવારમાં શું હોંકાર આદર્યો! અફકોર્સ, આજે બપોરે ૧૨.૩૯ના વિજય-મુહૂર્તમાં સેન્ટરનું ઉદ્ઘાટન છે, પણ એ કાર્યભાર ઇવેન્ટ કંપનીએ સંભાળવાનો છે. પાણીના પ્યાલાથી મહેમાનોના ઉતારા સુધીની જવાબદારી એને સોંપી છે. આપણે તો કેવળ સજીધજીને સમયસર પહોંચવાનું છે, તોય મમ્મી ક્યાં અધીરાં થઈને દેકારો માંડવા બેઠાં!
‘અરે, આપણો નિનાદ નથી મળતો!’
‘હેં.’ બાળક સાથે આયા પણ ગુમ છે જાણીને વર-બૈરીની છાતીમાં ચિરાડ પડી.
ત્યાં તો વૃંદાનો મોબાઇલ રણક્યો : ‘ઓહ, આ તો નીમાનો જ ફોન!’
‘ક્યાં છે તું? મારો નિનાદ ક્યાં છે? તે ઠીક તો છેને?’
‘નિનાદ મારી પાસે છે અને હજી સુધી તો બધું ઠીક છે.’
સાંભળતાં જ ઘરનાનો શ્વાસ 
હેઠે બેઠો.
‘અને તે ઠીક રહેશે કે નહીં એ તમારા હાથમાં છે.’
‘નીમા, નીમા, તું માગે એટલા પૈસા આપીશ, પણ મારા દીકરાને કંઈ ન કરીશ.’ બાપ બોલી ઊઠ્યો.
‘દીકરાની કિંમત પણ તમે રૂપિયા-પૈસામાં લગાવશો, શેઠ!’
તેના શબ્દો હાડોહાડ લાગ્યા.
‘એને માટે તો મારા પ્રાણ દઈ દઉં.’
નીમા જોકે એનાથી અંજાઈ નહીં,
‘એમ! તો આવી પહોંચો વલસાડથી અંતરિયાળ આવેલા રેવતી ગામના પાદરે, મહાદેવના મંદિરે!’
‘ઠેઠ વલસાડ!’ નિકામ ચિલ્લાયો, ‘પણ નીમા, આજે બપોરે તો ફંક્શન છે, હેલ્થ મિનિસ્ટર...’
‘તમારે મિનિસ્ટરને મોં બતાવવું હોય તો બાળકનું મોં જોવાની આશાય ન રાખશો!’
અને કૉલ કટ થયો. 
નિકામની નસો ફાટતી હતી, ‘માંડ હેલ્થ મિનિસ્ટરની ડેટ મળી હોય, 
હવે પ્રોગ્રામ કૅન્સલ કરવાનું કારણ 
શું આપવું?’
‘મિનિસ્ટરને જ ફોન કરીને પોલીસ કમિશનરને દોડાવીએ તો...’
‘નો!’ સસરાના સુઝાવ સામે વહુ ચીખી, ‘પોલીસને જાણ કરવામાં નીમા ક્યાંક મારા નિનાદને...’
વૃંદા ફસડાઈ પડી, નિકામ ધબ દઈને બેસી પડ્યો.
નો, ધેર ઇઝ નો અધર ઑપ્શન!
lll
- અને બપોરે સાડાબારના સુમારે મંદિરના એકધારા ઘંટારવથી ગામની સીમ ગાજી ઊઠી.
‘અત્યારે કોણે મહાદેવને જગાડ્યા!’ કુતૂહલથી ડોકિયું કરનારા અંદરનું દૃશ્ય જોઈને આભા બનતા અને બીજાને કહેવા દોડી જતા. ૧૦-૧૫ મિનિટમાં તો ગામમાં વાત પ્રસરી ગઈ અને મંદિરના પ્રાંગણમાં લોકો ભેગા થવા લાગ્યા. મહાજન દોડી આવ્યું, ન્યાતનું પંચ ભેગું થઈ ગયું.
પણ વાળ છૂટા કરીને જોગમાયાની જેમ મંદિરના ઓટલે બેઠેલી નીમાની નજીક જવાની કોઈની હિંમત નથી. જમણા હાથે નીમા માથે લટકતા ઘંટની સાથે બાંધેલી દોરી હલાવી ઘંટ વગાડી રહી છે. ડાબા હાથમાં ગાંઠ વાળેલું બીજું દોરડું છે, જેમાં ઘંટના હૂકમાંથી પસાર થઈને મંદિરના દરવાજા પરની સળિયાવાળી બારીમાંથી સરકી ગર્ભદ્વારની છતના હૂકમાંથી લટકતા બીજા છેડા સાથે શિવજીનું ત્રિશૂલ બાંધ્યું છે. ને બરાબર એની નીચે સફેદ કપડામાં વીંટાળેલું એ શિશુ સિવાય તો કોણ હોય! નીમાના હાથમાંથી ત્રિશૂલ છટક્યું તો સીધું બાળકની છાતીમાં ભોંકાય એની કલ્પનાએ જ બે-ત્રણ બૈરાંને તમ્મર 
આવી ગયાં.
‘નીમા, આ શું માંડ્યું છે!’ છેવટે બોલવાની પહેલ કરતા સરંપચશ્રીના ધ્યાનમાં આવ્યું કે પ્રાંગણની દીવાલ આગળ વિઠ્ઠલભાઈ-નરોત્તમભાઈ પણ ઊભા છે એટલે જોશ ચડ્યું, ‘સમજાવો તમારી લાડલીને, એક તો તમે ન્યાત બહારનાં તોય મંદિરમાં પધારી...’
‘ખબરદાર!’ નીમાની ત્રાડે થોથવાતા સરપંચ બે ડગલાં પાછળ હટી ગયા, ‘બાળહત્યાનું પાપ વહોરવું હોય તો જ વચ્ચે પડજો. થોડી ધીરજ ધરો, આજે મારો મહાદેવ તમને સત્યનાં પારખાં કરાવવાનો છે!’
ત્યારે સૌને નીમાના અગાઉના બોલ સાંભરી ગયા.
થોડી જ વારમાં એક ગાડી 
આંગણે ઊભી રહી ને બીજી ઘડીએ નિકામ-વૃંદા, નવીનભાઈ-નયનાબહેન દોડી આવ્યાં. પ્રાંગણની ભીડે, નીમાના દીદારે હાંફી જવાયું, દૂર ગર્ભદ્વારમાં 
સફેદ કપડામાં વીંટાળેલું બાળક નિનાદ જ હોય ને એના પર લટકતા ત્રિશૂલે માવતરનાં હૈયાં કાંપવા લાગ્યાં.
‘આવી ગયાં તમે સૌ!’ નીમાની નજર પ્રવેશદ્વારે ફરી વળી, નાણાવટીસાહેબ અતુલ્યને લઈને ન પહોંચ્યા! હશે, તેમને કાયદાનું બંધન મુબારક, પણ અતુલ્યને નિર્દોષ પુરવાર કરવામાં મારે મોડું નથી કરવું!
‘અમે આવી ગયાં છીએ નીમા. નિનાદને ઉગારવાની કિંમત બોલ.’
‘સત્ય...’ કહીને નીમા એટલું જ બોલી, ‘તમને કહી દઉં આ અતુલ્યનું ગામ છે.’
‘અતુલ્ય...!’ નિકામ-વૃંદા ધોળાંધબ. નવીનભાઈ-નયનાબહેનને આ નામ સાંભળેલું લાગ્યું, પછી ઝબકારો થયો : ‘આ તો પેલો આપણા ઘરે ધાડ પાડતાં રંગેહાથ પકડાયેલો તે!’
‘બોલો નિકામ, અતુલ્ય તમારે 
ત્યાં શું લેવા આવેલો? વૃંદા, તેને 
કોણે મોકલેલો?’
નિકામ-વૃંદા શું બોલે! ‘સાચું કહીએ તો અમે જ કાયદાની ગિરફ્તમાં આવી જઈએ. ના, ના, નિનાદને બચાવતો કોઈ બીજો રસ્તો વિચારો...’
‘ઠીક છે, તમારે ચૂપ જ રહેવું હોય તો નિનાદને હું...’ નીમાએ ડાબો હાથ ઊંચો કરતાં ત્રિશૂલ સડસડાટ કરતું નીચે ધસ્યું એ જોઈને માની ચીસ સરી ગઈ, ‘નહીં!’
અને નીમાનો હાથ થંભી ગયો. જોનારાઓએ જોયું તો ત્રિશૂલ બાળકથી ચાર ઇંચ ઉપર અટકી ગયું હતું! ‘હા..શ!’ 
‘અતુલ્યને ફસાવવાની રમત અમારી હતી...’ ઘૂંટણિયે બેસીને વૃંદાએ ભેદ ખોલવાની શરૂઆત કરી એ જ વખતે પોલીસ-જીપ દ્વારે આવી. પોતાની ગુડવિલ પર અતુલ્યને લઈ નાણાવટીસાહેબ સમયસર આવી પહોંચ્યા હતા!
lll
‘ધિક્કાર! ધિક્કાર!’
નિકામ-વૃંદાના એકરારે ગામલોકો પોકારી ઊઠ્યા : ‘તમારા પાપની સજા અમે અમારા ગામના રતનને આપી!’ 
‘આવું છળ, દીકરા?’ નવીનભાઈ-નયનાબહેન રડી પડ્યાં, ‘એ પણ મેડિકલની એક સીટ ખાતર!’ 
‘સબૂર!’ નીમાના ઘાંટાએ ગણગણાટ બંધ થઈ ગયો, ‘અત્યારે સત્ય કહેનારાં કોર્ટમાં ફરી જશે કે અમે તો દીકરાનો જીવ બચાવવા જૂઠ બોલેલાં!’ તેણે દોરડું હલાવ્યું, ‘વૃંદા, તારી પાસે તમારા કાવતરાનો કોઈક તો પુરાવો હશે.’
વૃંદાની નજર હલતા ત્રિશૂલ પર હતી. નિકામ લાચાર નજરે એને નિહાળી રહ્યો. તે વૃંદાને રોકે કે કોઈ બીજો રસ્તો વિચારે એ પહેલાં માના જીવે આખરી પત્તું પણ ખોલી દીધું, 
‘આ અંગે અમારી વૉટ્સઍપ-ચૅટ થઈ હતી..’ વૃંદાએ પર્સમાંથી મોબાઇલ કાઢીને નીમાના પગ આગળ મૂક્યો, ‘તું એ ડેટા કઢાવી શકે છે.’
‘શાબ્બાશ, નીમા!’
છેવાડેથી અવાજ આવ્યો. ‘આ તો અતુલ્ય!’ બન્ને હાથના દોરડા છોડીને નીમા ઊભી થઈ ગઈ. એવી જ ટોળામાં ચીસ ફૂટી, વૃંદા-નિકામ ચીખી-રડી ઊઠ્યાં. છટકેલું ત્રિશૂલ સીધું બાળકમાં ખૂંપી ગયું હતું!
અતુલ્ય તરફ દોડી જવા માગતી નીમાને શું થયું એ સમજાયું.
‘શાંત!’ તેણે ઘાંટો પાડ્યો, વૃંદાનો મોબાઇલ ઉઠાવી સાદ પાડ્યો : ‘મમ્મી!’
અને ગર્ભદ્વારમાં છુપાયેલાં સવિતાબહેન-દેવકીબહેને દેખા દીધી, તેમના હાથમાં પણ બાળક હતું.
અને ત્યારે સમજાયું કે સાચુકલો નિનાદ તેમની પાસે હતો. ત્રિશૂલની નીચે તો ખરેખર ગાભામાં ઢીંગલો વીંટાળીને મૂક્યો હતો!
નિકામ-વૃંદા એવાં તો ભોંઠાં પડ્યાં, પણ હવે શું! નિનાદ પાછો મળ્યો એ ઘણું! 
અને નીમાએ અતુલ્ય તરફ દોટ મૂકી - ‘તમે આવી ગયા!’ સંકોચ, લાજના વિચાર વિના તે પિયુને વળગી પડી.
એ જ પળે મંદિરમાં ઘંટારવ થયો. ઘંટ વગાડનાર આ ગામના મુખિયા પોતે.
‘નીમાએ બોલેલું પાળી બતાવ્યું, બેટા અતુલ્ય, પંચ-મહાજન વતી હું તારી, તારા-નીમાના માવતરની શિશ ઝુકાવીને માફી માગું છું અને ગામમાં-ન્યાતમાં પાછાં ફરવા વિનવણી કરું છું.’
વિઠ્ઠલભાઈ-સવિતાબહેન, નરોત્તમભાઈ-દેવકીબહેનને થયું, આખરે દેવ રીઝ્‍યા!
નીમાનો હાથ પકડીને અતુલ્ય વૃંદા-નિકામ તરફ આગળ વધ્યો. એનું તેજ જીરવાતું ન હોય એમ બન્ને આંખો નમાવી ગયાં.
‘શું મળ્યું નિકામ, તને? એક સીટ, જે મને કદી જોઈતી જ નહોતી?’
નિકામે હોઠ કરડ્યો, ‘અતુલ્ય ત્યારે પણ સાચું જ કહેતો હતો, અત્યારે પણ સાચું જ કહી રહ્યો છે. એ તો મારા માર્ગમાં હતો જ નહીં!’
‘અને વૃંદા, તું! તારા જેવી દરેક સ્ત્રીને મારી એટલી જ વિનંતી કે એવું પાપ ન કરો કે ભાઈનો બહેન પરથી વિશ્વાસ ઊતરી જાય.’
વૃંદા શું બોલે! 
‘ખેર, માબાપ તરીકે તમે ઊણાં ન ઊતર્યાં એય ઘણું. તમે શાણા માણસો એક જ વાત ભૂલ્યાં - ક્રાઇમ નેવર પેજ!’
છેવટે એ જ બન્યું જે બનવું ઘટે. સેન્ટરનું ઉદ્ઘાટન રખડી પડ્યું. ‘તમે રીઢા ગુનેગાર છો એની જાણ નહોતી’ એવો ઠપકો મિનિસ્ટર તરફથી મળ્યો. કોર્ટે વૃંદા-નિકામને જેલભેગા કર્યા. નિનાદને દાદા-દાદીએ સંભાળ્યો છે.
અતુલ્ય નિર્દોષ છૂટ્યો, વિધિવત્ ડૉક્ટર પણ બન્યો. ગામમાં દવાખાનું ખોલ્યું.
રંગેચંગે નીમા સાથે લગ્ન લેવાયાં. એમાં જેલર-નાણાવટીસાહેબનો પરિવાર ઉપસ્થિત રહેલો.
‘નીમા, તેં આ કર્યું કેમ! તને 
સૂઝ્‍યું કેમ!’ અતુલ્ય નીમાને વખાણતાં થાકતો નથી.
‘અને તમે જે કર્યું એ? કુંવારી યુવતીની આબરૂનું વિચારીને સજા ઓઢનારો દેવપુરુષ મારા ભાગ્યમાં! ઈશ્વર પાસે બીજું મને શું જોઈએ!’
‘મને તો જોઈએ હો નીમા, એક નાનકડી નીમા, એક નાનકડો અતુલ્ય! અને એ માટે...’
અતુલ્ય તેના કાનમાં ગણગણ્યો.
‘હાયહાય સાવ નફ્ફટ...’ બાકીના શબ્દો નીમાના ગળામાં ગૂંગળાઈ ગયા, કેમ કે તેના અધરો પર અતુલ્યના અધરો ચંપાઈ ચૂક્યા હતા! અતુલ્ય-નીમાનું સુખ હવે શાશ્વત રહેવાનું એટલું વિશેષ.

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff