ગોહિલ ટેલર્સ - બચેગા નહીં સાલ્લા (પ્રકરણ ૧)

08 December, 2025 02:28 PM IST  |  Mumbai | Rashmin Shah

બૅગમાંથી દીપ્તિનું ટિફિન, ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની બુક્સ અને બીજી નોટબુક મળ્યાં હતાં તો સાથોસાથ બીજો પણ સામાન મળ્યો હતો. દીપ્તિનો મોબાઇલ એ બૅગમાં નહોતો

ઇલસ્ટ્રેશન

‘સાહેબ, તેના ફોનની રિંગ વાગતી હતી પણ પછી તો એ વાગતી પણ બંધ થઈ ગઈ. ચાર કલાકથી અમે તેને શોધીએ છીએ. ક્યાંય પત્તો નથી.’ ગોરધન જોષી રીતસર રડી પડ્યા હતા, ‘સમાજમાં જો ખબર પડે કે રાતે બાર વાગ્યા સુધી દીકરી ઘરે નથી આવી તો અમારે તો ડૂબવા જેવું થાય.’

‘તમારી વાત બરાબર છે વડીલ પણ તમારી ડૉટર વીસ વર્ષની છે. અમે ચોવીસ કલાક પહેલાં તપાસ ન કરી શકીએ.’

‘તમે ના પાડો તો અમારે કરવાનું શું?’

‘કહું છુંને, ચોવીસ કલાક પછી તમે આવીને ફરિયાદ લખાવો, એ પછી જ અમે તપાસ કરી શકીએ.’ કૉન્સ્ટેબલે ફરી એક વાર સમજાવ્યું, ‘બાળક હોય તો જ તાત્કાલિક તપાસ કરવાની હોય. પુખ્ત વયના પોતાની મરજી મુજબ ઘર છોડીને પણ જતા રહ્યા હોય. એમાં અમે કશું ન કરી શકીએ. તમે...’

‘જાદવ...’ ચેમ્બરની બહાર આવેલા ઇન્સ્પેક્ટરનો અવાજ સાંભળીને કૉન્સ્ટેબલ ઊભો થઈ ગયો, ‘શું થયું છે?’

‘સાહેબ, વડીલની દીકરી સાડાઆઠ સુધીમાં ઘરે આવવાની હતી પણ હજી પહોંચી નથી એટલે તપાસ કરવા માટે કહે છે.’

‘સાહેબ...’ ગોરધન જોષી ઊભા થઈ ગયા, ‘તમારા પગે પડું. મારી એકની એક દીકરી છે. મહેરબાની કરીને તેને શોધો. અમારું અહીં બીજું કોઈ નથી જેની અમે મદદ માગીએ. મહેરબાની કરો સાહેબ... કહો તો તમારા પગે...’

ગોરધનભાઈ સાચે જ ઇન્સ્પેક્ટરના પગ પાસે ઝૂકવા ગયા અને ઇન્સ્પેક્ટરે તેમને વચ્ચે જ રોકી લીધા.

‘અરે વડીલ. રહેવા દો...’ ઇન્સ્પેક્ટર જાદવ સામે જોયું, ‘ગાડી કાઢ. આપણે જઈ આવીએ.’

ગોરધનભાઈની આંખમાં આંસુ આવી ગયાં. વારંવાર તે ઇન્સ્પેક્ટરનો આભાર માનવા માંડ્યા. જોકે ઇન્સ્પેક્ટરે શબ્દોને બદલે સંશોધનના વિષય પર ફોકસ કર્યું.

‘છેલ્લે તમારે દીકરી સાથે ક્યારે વાત થઈ?’

lll

‘કેટલી વાર કીધું તને કે આટલું મોડું નહીં કરવાનું. જો ઘડિયાળમાં...’ પપ્પાએ છણકો કર્યો, ‘સાડાઆઠ થઈ ગયા. કીધું છેને, સાત વાગ્યા પહેલાં ઘરે આવી જવાનું.’

‘હા પણ પપ્પા એક્સ્ટ્રા ક્લાસ હતા એટલે વાર લાગી.’

દીપ્તિએ પગમાં તાકાત વધારવાની કોશિશ કરી પણ ત્રણ વર્ષ પહેલાં થયેલા ઍક્સિડન્ટના કારણે પગમાં રહી ગયેલી ખામીએ ગતિ આપવાનું કામ કર્યું નહીં.

‘ચિંતા નહીં કરો પપ્પા. નીકળી ગઈ છું, હમણાં આવું જ છું.’

‘એવું હોય તો એક કામ કર, ફોન ચાલુ રાખ. ક્યાંક કોઈ આવી ગયું તો...’

‘પપ્પા, ટેન્શન નહીં કરોને. પ્લીઝ.’ દીપ્તિએ સમજાવવાની કોશિશ કરી, ‘રેલવે-સ્ટેશન પહોંચી ગઈ છું. બસ, ટ્રૅક ક્રૉસ કરીને પછી પહોંચું જ છું.’

‘ઠીક છે, જલદી આવ.’ ફોન મૂકતી વખતે પણ પપ્પાએ બીજા દિવસ માટે સૂચના આપી દીધી, ‘આવતી કાલે મોડું ન થવું જોઈએ.’

પપ્પાને ક્યાં ખબર હતી કે તેમની વહાલસોયી દીકરીની જિંદગીમાં આવતી કાલ આવવાની જ નથી.

 

‘એ ફોનમાં તેણે એવું કહ્યું’તું કે દસ મિનિટમાં તે પહોંચી જશે. સ્ટેશન પર ઊતરી પણ ગઈ હતી. દસની પંદર ને પંદરની વીસ મિનિટ થઈ પણ તે આવી નહીં એટલે મેં ફરીથી ફોન કર્યો પણ પછી તેના ફોનની રિંગ વાગતી રહી. તેણે ફોન ઉપાડ્યા નહીં. અડધા કલાક આવું જ ચાલ્યું ને પછી તેનો ફોન બંધ થઈ ગયો તે આ મિનિટ સુધી...’

‘ઠીક છે.’ ઇન્સ્પેક્ટરે તરત જ જાદવને સુચના આપી, ‘મોબાઇલનું છેલ્લું લોકેશન ચેક કરવાનો ઑર્ડર આપી દેજો.’

‘જી સાહેબ.’

જાદવ પોતાના કામે લાગ્યો એટલે ઇન્સ્પેક્ટરે ગોરધનભાઈ સામે જોયું.

‘દીપ્તિની ફ્રેન્ડ્સ કે તેના ક્લાસ પર તમે ફોન કર્યો?’

‘એમાં તો મને વધારે ખબર પડે નહીં. પણ હા, તેની મમ્મીએ દીપ્તિની બેત્રણ બેનપણીને ફોન કરી લીધા. એ બધી તો આગળ વિરાર ને ભાઈંદર રહે છે. તેણે એવું જ કહ્યું કે દીપ્તિ બોરીવલી સ્ટેશને ઊતરી પછી એ લોકોને કોઈ વાત થઈ નથી.’

ગાડીમાં બેસતાં ઇન્સ્પેક્ટરે ડ્રાઇવરને સૂચના આપી.

‘બોરીવલી સ્ટેશન...’

‘સાહેબ, ઈસ્ટ.’

ગોરધનભાઈએ કરેલી સ્પષ્ટતા ડ્રાઇવરે પણ સાંભળી લીધી એટલે તેણે ઇન્સ્પેક્ટર સામે જોયું. ઇન્સ્પેક્ટરે ઇશારાથી જ એ દિશામાં આગળ વધવાનું સૂચન કર્યું અને પોલીસ જીપ સ્ટેશનની બહાર નીકળી.

lll

‘દીકરીની જાત માટે ગુજરાતીઓ થોડા વધારે પડતા પઝેસિવ હોય છે. ડરપોક પણ ખરા.’ ઇન્સ્પેક્ટર ખાંડેકર રેલવે પોલીસ ચેમ્બરમાં બેઠા હતા, ‘આમ જોઈએ તો સારું જ છે. માબાપની આ પ્રકારની માનસિકતા જરૂરી પણ છે. બાકી તમે જુઓને, આપણા છોકરાઓ ક્યાં ફરે છે અને કોની સાથે ફરે છે એ પણ આપણને ક્યાં ખબર હોય છે.’

ટક. ટક.

ચેમ્બરના ડોર પર ટકોરા પડ્યા અને ખાંડેકરે જ ઑર્ડર કર્યો.

‘કમ ઇન.’

કૉન્સ્ટેબલ અંદર આવ્યો અને કડક સૅલ્યુટ આપી તે ખાંડેકર સામે ઊભો રહ્યો. તેના ચહેરાનાં એક્સપ્રેશન જ કહેતાં હતાં કે દીપ્તિ જોષીનો કોઈ પત્તો મળ્યો નથી.

‘ડૉગ-સ્ક્વૉડથી પણ ફરક નથી પડ્યો?’

‘ના સર.’ કૉન્સ્ટેબલે કહ્યું, ‘એ આજુબાજુના બે કિલોમીટરના એરિયા સુધી ફરે છે અને પછી એ જ એરિયામાં બેસી જાય છે.’

‘હંમ... એ એરિયાની આજુબાજુમાં ચેક કર્યું?’

‘હા સર. એક ટીમ હજી ત્યાં જ છે.’

‘ઠીક છે.’ ઇન્સ્પેક્ટર ખાંડેકર ઊભા થયા, ‘ચાલો, હું પણ ત્યાં આવું છું.’

ખાંડેકર જેવા બહાર નીકળ્યા કે બહાર વેઇટિંગમાં બેઠેલા ગોરધનભાઈ ઊભા થયા. ગોરધનભાઈના હાથ જોડાયેલા હતા.

‘સાહેબ, ખબર પડી?’

‘જોઈએ છીએ.’ ઇન્સ્પેક્ટરે ગોરધનભાઈ સામે જોયું સુધ્ધાં નહીં, ‘તમે અહીં બેસો, હું હમણાં આવું.’

જવાબ નથી હોતો ત્યારે જ માણસ નજર મિલાવવાનું ટાળે છે.

lll

‘મજનૂ.’ ગોરધનભાઈ દેખાતા બંધ થયા એટલે ખાંડેકરે ખબરીને ફોન કર્યો, ‘લડકી ગાયબ હુઈ હૈ... બોરીવલી સ્ટેશને ઊતરી ઈસ્ટમાં તેના ઘરે જતી હતી.’

‘દસ મિનિટ આપો સાહેબ.’

અને આઠમી મિનિટે ખાંડેકરને મજનૂનો ફોન આવી ગયો.

‘ભાઈંદર ટ્રૅક પર કૂતરાઓ લાશના ટુકડા લઈને સ્ટેશન પાસે ફરે છે સાહેબ, બને તમે જેને શોધો છો એ હોય...’

‘મજનૂ, આવું નેટવર્ક તો અમારું પણ નથી. તને કેવી રીતે ખબર પડી ગઈ?’

‘સાહેબ, શું કામ નાના માણસની મસ્તી કરો છો?’ મજનૂના અવાજમાં નમ્રતા હતી, ‘તમારી પહોંચ તો છેક દિલ્હી સુધી છે.’

‘જવાબ મજનૂ, ફિલોસૉફી નહીં.’

‘નાના માણસ સાહેબ. નાનો માણસ જાણતો બધું હોય પણ તે લપમાં પડવાથી ડરે છે.’ મજનૂએ સ્પષ્ટ જવાબ આપ્યો, ‘કૂલી નેટવર્કમાં ફોન કર્યો તો બે કૂલીએ રિપોર્ટ આપ્યો. કૂલીઓએ તો ત્યાં સુધી કહ્યું કે કદાચ કોઈ છોકરીનું શરીર છે.’

‘ફાસ્ટ.’ ફોન કટ કરી ખાંડેકરે કૉન્સ્ટેબલ સામે જોયું, ‘ભાઈંદર ટ્રૅક પર જવાનું છે.’

‘સર, રેલવે ટ્રૉલી જ બેસ્ટ રહેશે.’

‘હંમ... જાઓ જઈને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને કહો. ક્વિક.’

lll

બાર મિનિટની રેલવે ટ્રૉલીની સફર પછી એક જગ્યાએ અંધારામાં કૂતરાઓની હરકત દેખાઈ અને ઇન્સ્પેક્ટર ખાંડેકરે ઇશારો કરી ટ્રૉલી રોકવાનો આદેશ આપ્યો.

ઘટનાસ્થળ અને ટ્રૉલી વચ્ચે હવે દસેક ફીટનું અંતર હતું

રેલવે ટ્રૅકની વચ્ચે બૉડી પડી હોય એવું અનુમાન બાંધી શકાતું હતું જે બૉડીની ચારથી પાંચ સ્ટ્રે ડૉગીની જ્યાફત ચાલતી હતી. આખો દિવસ ઉકરડો પીંખ્યા પછી માંડ તાજું માંસ ખાવા મળ્યું હોય અને એ ભોજનમાં પણ કોઈ આવીને કનડગત કરે અને ભસ્યા વિના રહે તો એ કૂતરાં શાનાં?

પહેલાં એક ડૉગીએ ઘુરકિયું કર્યું કે તરત ધીમે-ધીમે આખી જમાતે રેલવે ટ્રૉલીની દિશામાં ભસવાનું શરૂ કર્યું અને કૉન્સ્ટેબલ બીજી જ ક્ષણે હાથમાં દંડા સાથે એની તરફ આગળ વધ્યો. જોકે ડૉગી પણ ગાંજ્યા જાય એવા નહોતા. આગળ વધેલા કૉન્સ્ટેબલ તરફ એમણે પણ પગ ઉપાડ્યા. ડૉગીઓ એકસાથે કૉન્સ્ટેબલ પર હુમલો કરશે એવું લાગતાં જ ઇન્સ્પેક્ટર ખાંડેકરે કમર પર લટકતી સર્વિસ રિવૉલ્વર કાઢી અને ચપળતા સાથે ડૉગી પર ફાયરિંગ કર્યું. આ પ્રકારે ફાયરિંગ કરવાથી બે લમણાઝીક ઊભી થવાની હતી.

એક, સ્ટ્રે ડૉગી લવર્સ સુધી જો સમાચાર પહોંચે તો એ પ્રાણીપ્રેમીઓ ઘોંસ બોલાવે અને બીજી, સર્વિસ રિવૉલ્વરમાંથી વપરાયેલી કારતૂસનો હિસાબ. જોકે સમય અને સંજોગો એવા હતા કે એ બધા પર વિચાર કરવાને બદલે ‘હાથમાં આવ્યું એ હથિયાર’ની નીતિ રાખીને આગળ વધવાનું હતું.

ધાંય...

પહેલાં ફાયરિંગ સાથે કૂતરાઓ અટક્યા પણ પાછા પગે ભાગવાની માનસિકતા એમના ચહેરા પર દેખાતી નહોતી એટલે ખાંડેકરે આગળ વધતાં બીજું ફાયરિંગ કર્યું.

ધાંય...

કૂતરાઓ બે ડગલાં પાછળ ગયા અને સામા પક્ષે ખાંડેકર ચાર ડગલાં આગળ વધ્યા. હવે તેમની આંખો રેલવે ટ્રૅક પર રહેલી લાશ પર પડી અને તેમના પગ જમીન પર ચોંટી ગયા. અંધકાર વચ્ચે પણ તે પારખી ગયા હતા કે લાશ યુવતીની છે.

ધાંય...

ત્રીજા ફાયરિંગ સાથે કૂતરાઓ સમજી ગયા કે સામેની વ્યક્તિ પાછા પગ કરવાની નથી અને પાછળના પગ વચ્ચે પૂંછડી દબાવી એ વેરવિખેર થઈ ગયા.

કૉન્સ્ટેબલ રેલવે ટ્રોલી લઈને દોડતો ખાંડેકરની પાછળ આવ્યો.

રેલવે ટ્રૉલી પર લાગેલા હેલોજને આખો ટ્રૅક રોશનીથી ભરી તો દીધો પણ એ રોશનીમાં ઓલવાયેલી દીપ્તિ દેખાતી હતી.

જગ્યા તાત્કાલિક કૉર્ડન કરવામાં આવી અને રેલવેનો એ ટ્રૅક પણ બંધ કરી એ ટ્રૅક પરથી પસાર થતી તમામ ટ્રેનોને અન્ય ટ્રૅક પર શિફ્ટ કરવામાં આવી.

lll

દીપ્તિની લાશ પર એક પણ કપડું નહોતું. કૂતરાઓએ શરીરની અનેક જગ્યાએથી માંસના લોચા કાઢી લીધા હતા. ચહેરા પર પણ બટકાં ભરાયાં હોવાથી ચહેરો પણ વિકૃત થઈ ગયો હતો. જે અવસ્થામાં લાશ મળી હતી એ જોતાં અનુમાન લગાવી શકાતું હતું કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો છે. દીપ્તિનાં કપડાં શોધવામાં આવ્યાં પણ સો મીટરના પરિઘમાં ક્યાંય કપડાં મળ્યાં નહીં પણ હા, લાશ પાસેથી બે ચીજ મળી હતી.

એક તો બૅકપૅક અને કપડાં ભરેલો એક થેલો.

lll

‘આ મારી દીકરીની જ બૅગ છે.’ બૅકપૅક ઓળખી જતાં ગોરધનભાઈએ કહ્યું, ‘નોકરી અને CAની તૈયારી સાથે કરતી એટલે સવારે જ બધું લઈને તે નીકળી જતી.’

બૅગમાંથી દીપ્તિનું ટિફિન, ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની બુક્સ અને બીજી નોટબુક મળ્યાં હતાં તો સાથોસાથ બીજો પણ સામાન મળ્યો હતો. દીપ્તિનો મોબાઇલ એ બૅગમાં નહોતો.

lll

‘મોબાઇલનું લાસ્ટ લોકેશન.’

ઇન્સ્પેક્ટર ખાંડેકરે કૉન્સ્ટેબલની સામે જોયું અને કૉન્સ્ટેબલે લોકેશન ચાર્ટ ટેબલ પર મૂક્યો.

‘સર, રેલવે-સ્ટેશનથી ચારસો મીટર સુધી ટ્રૅક પર મોબાઇલનું લોકેશન આવ્યું છે પણ એ પછી મોબાઇલ સ્વિચ્ડ-ઑફ થઈ ગયો હશે એટલે લોકેશન આગળ વધ્યું નથી.’

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah