12 December, 2025 11:27 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘ઓહ નો...’
વાપી અને વસઈનાં વિઝ્યુઅલ્સ જોયા પછી ડિટેક્ટિવ સોમચંદ સામે ક્ષણના છઠ્ઠા ભાગમાં આખી ઘટના ક્લિયર થઈ ગઈ હતી. બોરીવલીમાં CCTVનાં વિઝ્યુઅલ્સ જોયા પછી સોમચંદ બોરીવલીથી સીધા વસઈ ગયા હતા. વસઈમાં તેમને પ્રૉબ્લેમ સર્વર રૂમમાં આવ્યો હતો.
સર્વર ધીમું હોવાના કારણે CCTVનાં જૂનાં ફુટેજ ઓપન નહોતાં થતાં. સમય બગાડવાને બદલે સોમચંદ સીધા વાપી પહોંચી ગયા અને વાપીમાં બનેલી નવેમ્બર મહિનાની ઘટનાનાં વિઝ્યુઅલ્સ ચેક કરવાનું શરૂ કર્યું. વિઝ્યુઅલ્સ જોતાં એક જગ્યા પર સોમચંદની આંખો ચોંટી ગઈ. તેમણે તરત ઑપરેટરને કહ્યું, ‘મને આ એક છોકરાનાં જ વિઝ્યુલ્સ જોઈએ છે... ઝડપથી હાથ ચલાવશો તો મને ગમશે.’
એ પછી પણ ઑપરેટરના હાથ પ્રેમથી ફરતા હતા. એ હાથના ફરવા પર સોમચંદને જબરદસ્ત અકળામણ થતી હતી પણ સમય અને સંજોગોને માન આપવાનું હોય અને સોમચંદ એ જ કરતા રહ્યા.
દોઢ કલાકની કડાકૂટ પછી પેલા ઑપરેટરે એ છોકરાનાં વિઝ્યુઅલ્સ એકઠાં કરી એક લાઇનમાં ગોઠવ્યાં.
‘જોઈ લ્યો...’ મૉનિટર સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ દેખાવાનું શરૂ થયું અને સોમચંદે ફાટેલી આંખે પેલાને સૂચના આપી, ‘ફાસ્ટ ફૉર્વર્ડમાં દેખાડો.’
સોળ મિનિટનાં એ વિઝ્યુઅલ્સ ફાસ્ટ ફૉર્વર્ડમાં પૂરાં થવામાં સાડાચાર મિનિટ લાગી હતી અને સાડાચાર મિનિટમાં સોમચંદની સામે કેસ ખુલ્લો પડી ગયો હતો.
‘મને આ વિઝ્યુઅલ્સ તાત્કાલિક વૉટ્સઍપ પર મોકલો...’ સોમચંદે વૉલેટ ખોલ્યું અને એમાંથી પાંચસોની આઠ-દસ નોટ કાઢીને ઑપરેટરના ટેબલ પર મૂકી, ‘થૅન્કસ ફૉર કો-ઑપરેશન...’
‘આવું હતું તો પહેલાં કહેવાયને સાહેબ, ફટાફટ કામ પૂરું કરી દેત.’
‘હજી એક કામ બાકી છે, મને વૉટ્સઍપ કરવાનું. એ ફટાફટ કરી આપો તો પણ ઘણું... પ્લીઝ...’
પાંચમી મિનિટે સોમચંદ ગાડીમાં હતા અને વિઝ્યુઅલ્સ પણ તેમના મોબાઇલમાં આવી ગયાં હતાં.
‘સીધા વસઈ... ફાસ્ટ.’
lll
‘સા’બ, વસઈ આ ગયા. કહાં લેના હૈ?’ સવારથી સાથે રહેલા ટૅક્સી-ડ્રાઇવરે પૂછ્યું, ‘સ્ટેશન.’
‘હંમ.’
ડિટેક્ટિવ સોમચંદ વિચારમાં પડ્યા. શિકાર હાથમાં હતો અને હવે સ્પષ્ટ હતો. સ્ટેશન પર જઈને બીજાં પ્રૂફ એકઠાં કરવાનું જ કામ થવાનું હતું, જેના માટે શિકારને બહાર ખુલ્લો મૂકી રાખવો જરૂરી નહોતું એટલે સોમચંદે નિર્ણય લીધો.
‘ના, શારદા વૃદ્ધાશ્રમ પહેલાં લઈ લે. ત્યાંથી સ્ટ્રેટ જતાં એક બંધ સોસાયટી આવે છે, આપણે ત્યાં જવાનું છે.’
ડ્રાઇવરે એક્સલરેટર પર પગ દબાવ્યો અને ગાડી સડસડાટ આગળ વધી.
lll
‘કલ્પેશને મળવું છે.’
ઘરનો માહોલ ભારે હતો. હજી અડતાલીસ કલાક પહેલાં જ આ ઘરમાં મોત થયું હતું એટલે સ્વભાવિક રીતે વાતાવરણમાં માયૂસી હતી. બેઠા ઘાટના એ મકાનનું બાંધકામ ટિપિકલ હતું. આગળના ભાગમાં ડ્રૉઇંગ રૂમ હતો. ડ્રૉઇંગ રૂમની મધ્યમાં રાખવામાં આવતા સોફાસેટને અત્યારે ભીંતસરસા કરી નાખવામાં આવ્યા હતા અને વચ્ચે મોટી શેતરંજી પાથરી દેવામાં આવી હતી જેના પર સફેદ કપડાંમાં કુટુંબીજનો બેઠા હતા.
‘આપ કોણ?’ એક વડીલ ઊભા થઈ સોમચંદ પાસે આવ્યા, ‘આપનું નામ...’
‘પોલીસમાંથી આવું છું. તમે કલ્પેશના શું થાઓ?’
‘હું તેનો કાકા છું. કલ્પેશ મારા મોટા ભાઈ રમેશનો દીકરો છે.’ કાકાની આંખો સહેજ ભીની થઈ, ‘આપને કદાચ ખબર નહીં હોય પણ...’
‘મને ખ્યાલ છે. ગઈ કાલે રમેશભાઈનું મર્ડર...’
‘હું આજના બનાવનું કહું છું. ’કાકાનો અવાજ દબાયેલો હતો, ‘મારા ભત્રીજાએ સુસાઇડ કર્યું. આજે બપોરે ટ્રેન નીચે પડતું મૂક્યું.’
ડિટેક્ટિવ સોમચંદના પગ નીચેથી ધરતી સરકવા માંડી.
કાકાના શબ્દો તેના કાનમાં
ઝિલાતા હતા.
‘છેલ્લા કેટલાય સમયથી તેની ડિપ્રેશનની દવા ચાલુ હતી. હમણાં ખબર પડી કે તે દવા જ નહોતો લેતો અને આજે તેણે...’ આંસુ પર કાકા કન્ટ્રોલ કરતા હતા, ‘પપ્પાના મોતને તે સહન કરી શક્યો નહીં અને તેણે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.’
‘ઓહ...’
‘આપને શું કામ હતું? હું તમને
કંઈ મદદ...’
હાથના ઇશારે જ ના પાડતાં સોમચંદ ઘરની બહાર નીકળ્યા અને ફરી ગાડીમાં ગોઠવાયા કે તરત ડ્રાઇવરે તેને પૂછ્યું, ‘અબ કહાં સર... સ્ટેશન?’
‘નહીં, વાપસ લે લો, બોરીવલી પોલીસ સ્ટેશન...’
lll
‘એક મિનિટ રુકો...’ ગાડી વસઈ ક્રૉસ કરવાની તૈયારીમાં હતી ત્યાં જ સોમચંદે ડ્રાઇવરને કહ્યું, ‘રેલવે-સ્ટેશન લઈ લેને, થોડું કામ છે.’
ગાડી વસઈ રેલવે-સ્ટેશન તરફ ટર્ન થઈ અને કલ્પેશના સુસાઇડનું કારણ પણ સોમચંદના હાથમાં આવી ગયું.
lll
‘ખાંડેકર, કલ્પેશ ગોહિલને માનસિક પ્રૉબ્લેમ હતો જેણે તેને સાયકો-કિલર બનાવ્યો. બોરીવલીમાં દીપ્તિને મારીને તેનો રેપ કલ્પેશે કર્યો હતો તો વાપીમાં થયેલાં રેપ અને મર્ડર પણ કલ્પેશે જ કર્યાં હતાં.’ ખાંડેકર સામે બેઠેલા ડિટેક્ટિવ સોમચંદે આખી ઘટના ક્લિયર કરવાનું શરૂ કર્યું, ‘કલ્પેશની મોડસ ઑપરેન્ડી ક્લિયર હતી. બને કે તેના ભૂતકાળના અનુભવના કારણે જ કલ્પેશની એ પૅટર્ન બની ગઈ હોય. કલ્પેશે જે બે મર્ડર અને બે રેપ કર્યાં એ બન્ને છોકરીઓના પગમાં ખોડ હતી. કલ્પેશને પોતાને પોલિયો હતો. પોલિયોના કારણે નાનપણમાં તેની બહુ અવગણના થઈ હશે એટલે નાની ઉંમરે જ તે ડિસ્ટર્બ થયો હશે પણ મોટા ભાગની ફૅમિલી આ ડિપ્રેશનને તો કંઈ ગણતી જ નથી. તેમને મન તો એ બધી વાતો માત્ર છે એટલે કલ્પેશના મનમાં પોતાની શારીરિક અક્ષમતા એવી તે ઘર કરી ગઈ કે એ વિકૃતિની ચરમસીમા બની ગઈ.’
‘કલ્પેશે આ બે જ ક્રાઇમ કર્યા છે?’
‘રેપ અને મર્ડરના બે ક્રાઇમ અને એ સિવાય આપણી પાસે બીજાં પ્રૂફ નથી પણ મને લાગે છે કે કલ્પેશે આ બે સિવાય બીજા પણ આ જ પ્રકારના ક્રાઇમ કર્યા હશે.’ પાણીનો ઘૂંટડો ગળે ઉતારી સોમચંદે વાત આગળ વધારી, ‘માણસ પકડાય નહીં એટલે તેની હિંમત ખૂલે. કલ્પેશની હિંમત ખૂલવા માંડી હતી. એક જ મહિનામાં તેણે એક જ પ્રકારે બે મર્ડર અને રેપ કર્યાં. બને કે આ બે ઘટના પહેલાં પણ તેણે આવું કરી લીધું હોય અને કોઈના ધ્યાન પર ન આવ્યું હોય.’
‘બોરીવલીમાં કલ્પેશ બૅગ મૂકીને શું કામ ભાગી ગયો?’
‘બને કે એ સમયે કોઈ આવતું તેને દેખાયું હશે. આવ્યું જ હશે અને તેને જોઈને કલ્પેશ ભાગ્યો હોય.’ સોમચંદે કહ્યું, ‘ખાંડેકર, કલ્પેશને એટલી ખબર હતી કે પગની તકલીફના કારણે તે સ્ફૂર્તિથી ભાગી શકે એમ નથી એટલે અમુક બાબતમાં તે વધારે ચીવટ રાખતો હતો. તેણે રેપ-મર્ડર પણ એવી જગ્યાએ કર્યાં જ્યાં તેને શોધવાનું કામ અઘરું થઈ જાય. બોરીવલીથી ભાઈંદર વચ્ચેનો જે આખો ટ્રૅક છે એ ટ્રૅક પર મોટા ભાગના ચરસી લોકો બેઠા હોય છે એટલે ચાન્સ છે કે એમાંથી એકાદ ભટકતા આત્માને કલ્પેશે જોયો હોય અને ઉતાવળમાં તે બૅગ ત્યાં મૂકીને જ ભાગી ગયો હોય. કોઈ એ સમયે લાશ પાસે પહોંચ્યું પણ હોય, પણ મર્ડર અને એ બધામાં પડવા ન માગતા ચરસીએ પોલીસમાં ઇન્ફૉર્મ કરવાને બદલે નીકળી જવાનું વાજબી માન્યું હોય.’
ખાંડેકરના મનમાં પ્રશ્ન આવ્યો અને સોમચંદ પણ એ પામી ગયા.
‘હવે તમને સમજાતું હશે કે તમારી ડૉગ સ્ક્વૉડ પણ આ જ કારણે એ વિસ્તારમાં જ ફરતી રહી. ત્યાં પરફ્યુમની પણ ખુશ્બૂ નહોતી. ચરસ-ગાંજો એવી વસ્તુ છે જે નાકનાં સ્મેલ-બડ્સને મંદ પાડી દે. બને કે કદાચ કલ્પેશ પણ એવું કંઈ સેવન કરતો હોય અને એને લીધે જ તેને ઝનૂન ચડતું હોય.’
‘આ બે મર્ડર સિવાય કલ્પેશે બીજા કોઈ ક્રાઇમ કર્યા હોય એ આપણને નથી ખબરને?’
‘ખબર છેને.’ સોમચંદે મોબાઇલમાં વસઈના CCTV કૅમેરાનાં ફુટેજ સ્ટાર્ટ કર્યાં, ‘કલ્પેશે તેના બાપનું પણ મર્ડર કર્યું છે.’
ખાંડેકર વિઝ્યુઅલ્સ જોતા હતા અને સોમચંદ પોતાની વાત કરતા હતા.
‘ખાંડેકર, ત્રણેત્રણ સ્ટેશન પર તું જો, એક જ વ્યક્તિ છે જેના પગમાં ખોડ છે. ખોડંગાતો તે ચાલે છે. વસઈમાં પણ આ જ છોકરો છે જે સ્ટેશન પર આવ્યો છે. બીજા બન્નેમાં તેની પાસે સામાન છે પણ વસઈમાં તેની પાસે સામાન પણ નથી અને ટ્રેન આવ્યા પછી સ્ટેશન પૂરું થાય એ દિશામાં તે આગળ જાય છે.’ સોમચંદે ચોખવટ કરી, ‘બોરીવલી અને વાપીમાં કલ્પેશ ઘટના પૂરી કરી ફરી સ્ટેશન પર આવે છે અને ટ્રેનમાં રવાના થઈ જાય છે પણ વસઈમાં તો તેણે ક્યાંય જવાનું જ નહોતું એટલે તે રેલવે ટ્રૅક પર આવે છે. રમેશભાઈની કમનસીબી કે તે પણ દીકરાની જેમ જ રેલવે ટ્રૅક ક્રૉસ કરીને ટૂંકા રસ્તે ઘરે પહોંચવા માગે છે અને દીકરો તેમના પર હુમલો કરે છે.’
ખાંડેકરનું ધ્યાન હવે વસઈ સ્ટેશન પર કોઈને શોધતા કલ્પેશ પર સ્થિર થઈ ગઈ છે.
‘હૉરિબલ સોમચંદ. આ, આવું કરવાનું કારણ શું?’
આખું ફુટેજ જોયા પછી ખાંડેકરની આંખો ફાટી ગઈ હતી.
‘સગા બાપને તેણે શું કામ મારવો પડ્યો...’
‘મારા ને તમારા લીધે...’ સોમચંદે જવાબ આપ્યો, ‘આપણે કલ્પેશ સુધી પહોંચી ગયા. કલ્પેશે ધાર્યું નહીં હોય કે ગોહિલ ટેલર્સને કોઈ આવી રીતે શોધી લેશે. આપણે ગોહિલ ટેલર્સ સુધી પહોંચ્યા અને આપણે રમેશભાઈને મળવાની ઇચ્છા દર્શાવી. કલ્પેશે એ જ શર્ટ જોયાં જે શર્ટ દીપ્તિના મર્ડર પછી તે અહીં ભૂલીને ગયો હતો. તેને સમજાઈ ગયું કે પોલીસ દુકાન સુધી પહોંચી ગઈ છે.’
‘પણ એટલે બાપને મારી નાખવો...’
‘બાપ પ્રામાણિક હોય તો તેને રસ્તામાંથી કેવી રીતે હટાવવો ખાંડેકર? આ એકમાત્ર રસ્તો કલ્પેશને દેખાયો અને તેણે અમલમાં મૂકી દીધો.’ સોમચંદે વાતને સરળ કરતાં કહ્યું, ‘કલ્પેશ તેના બાપને બહુ સારી રીતે ઓળખતો હતો. આખા વસઈમાં જીવદયા માટે રમેશભાઈ બહુ પૉપ્યુલર હતા. જો રમેશભાઈ સામે આપણે કલ્પેશનાં કપડાં લઈને બેસી જઈએ તો સ્વાભાવિક રીતે કલ્પેશનાં કપડાં તે ઓળખી જાય અને કહી દે કે આ કપડાં તો કલ્પેશનાં છે. બાપનું આટલું સ્ટેટમેન્ટ કલ્પેશની અરેસ્ટ માટે પૂરતું હતું એટલું જ નહીં, બાપનું આ સ્ટેટમેન્ટ બધાની સામે બેઆબરૂ થવા માટે પણ પૂરતું હતું.’
‘કલ્પેશે તેના બાપને મારી નાખ્યો પણ પછી... પછી તેણે સુસાઇડ શું કામ કર્યું?’
‘સિમ્પલ, તેને ખબર હતી કે પોલીસ પાસે એટલું તો ખુલ્લું પડી ગયું છે કે આ પ્રકારની ઘટનાઓ સર્જતો કિલર વસઈના ગોહિલ ટેલર્સ સાથે કનેક્ટેડ છે. પછી એ કનેક્શન ગ્રાહક તરીકેનું હોય કે માલિક તરીકેનું... પણ પોલીસ ગોહિલ ટેલર્સ પાસે આવી શકે છે એ સ્પષ્ટ હતું. આંખ સામે બીજો કોઈ રસ્તો નહોતો અને સગા બાપને માર્યા પછી હવે સ્થાનિક પોલીસ પણ એ કેસની ઇન્ક્વાયરી કરવાની હતી એટલે બને કે પોતાની પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી એ કલ્પેશને સમજાઈ ગયું હોય અને કલ્પેશે એ જ ટ્રેનના ટ્રૅક પર સુસાઇડ કર્યું જે ટ્રેનના ટ્રૅક પર તે અધમ કૃત્ય કરતો હતો.’
lll
‘મારો ભત્રીજો નાનો હતો ત્યારથી તેને ટ્રેન બહુ ગમતી. કોઈ પણ ભોગે તે રેલવેમાં નોકરી કરવા માગતો હતો. ટિકિટ-ચેકર તરીકેની લેખિત એક્ઝામમાં તે પાસ પણ થઈ ગયો પણ પછી તેના પગના કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યો અને પછી તે નાછૂટકે દુકાને બેસી ગયો.’ કાકાએ કહ્યું, ‘તે જેવો ફ્રી પડતો કે બે શર્ટ અને એક પૅન્ટ લઈને ટ્રેનમાં ફરવા નીકળી જાય. બે-ત્રણ દિવસ ટ્રેનમાં ફરે અને પછી પાછો આવી જાય. પાછો આવી ગયા પછી તે રાજા જેવો ખુશ હોય.’
સોમચંદ અવઢવમાં હતા.
જે ઘરે ચોવીસ કલાકમાં બાપ અને દીકરો બન્ને ગુમાવ્યા, જે ઘરમાં હવે માત્ર એક દીકરી બચી છે એ ઘરના લોકોને કલ્પેશ ગોહિલનાં અધમ કૃત્યો વિશે વાત કરવી કે નહીં?
સંપૂર્ણ