હડતાળ (પ્રકરણ 3)

22 June, 2022 08:38 PM IST  |  Mumbai | Rashmin Shah

‘હું તમારી વાત નથી માનતી...’ મંજુલાએ ના પાડવાનો પ્રયાસ કર્યો, પણ તેના નકારમાં વજન નહોતું. ‘જો તમે સાચા હો તો બીજલ કેમ કંઈ કહેવા નથી આવતી.’

હડતાળ

ઘડિયાળે ચાર ડંકા વગાડીને ચાર વાગ્યાની જાણકારી આપી. 
‘થોડી વારમાં પ્રભાત થશે, પણ મારા ઘરમાં સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે એનું શું?’ 
મનસુખભાઈની આંખો છલકાઈ અને છલકાતી એ આંખો વચ્ચે શરીર પણ તપવાનું શરૂ થઈ ગયું. મનસુખભાઈએ પંખા સામે જોયું. ફરતો પંખો તેમના પર હસતો હતો. હસતો નહીં, અટ્ટહાસ્ય કરતો હતો. હા, કારણ કે આ પંખો 
તેમનો નહોતો.
એક સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમણે રૂમની છત પર નવોનક્કોર પંખો ફરતો જોયો અને એ હવા અચાનક જ ગરમી પકડવા માંડી.
‘પંખો કેમ બદલાવ્યો?’ 
આ વખતે મનસુખભાઈના અવાજમાં ઘડિયાળ બદલાઈ એ સમયે હતો એવો ગુસ્સો નહોતો. એ ઘડિયાળ તો બાપુજીની યાદગીરી હતી. પંખા સાથે એવી કોઈ ખાસ યાદ જોડાયેલી નહોતી. હા, લગ્ન પછી મંજુલા સાથે જઈને પહેલી જે 
ખરીદી કરી હતી એ આ પંખાની હતી, પણ એ વાત તો હવે ખુદ મંજુલાને પણ યાદ નહોતી. 
‘કેમ એટલે શું, અમારે બધું તમને પૂછી-પૂછીને કરવાનું?’ 
મનસુખભાઈએ સવાલ તો બધાને ઉદ્દેશીને પૂછ્યો હતો, પણ જવાબ આપવાની જવાબદારી મંજુલાએ 
નિભાવી હતી.
‘ના રે ના, તમારે કોઈ વાત પૂછવાની જરૂર જ ક્યાં છે?!’ 
મનસુખભાઈએ જાળવીને ચંપલ કાઢ્યાં. ઘરે પાછા આવતાં રસ્તામાં ઠેસ વાગી એમાં ચંપલનું તળિયું અડધું નીકળી ગયું હતું. 
‘હવેથી હું તમને બધાને પૂછીને ચાલીશ.’ કોઈ કશું બોલ્યું નહીં એટલે મનસુખભાઈએ કહ્યું, ‘મેં આ ટ્યુબ લીધી છે, વાંધો નથીને.’ 
મનસુખભાઈએ ચંપલ સાંધવા માટે રસ્તામાંથી લીધેલી ફેવિક્વિકની ટ્યુબ ખિસ્સામાંથી કાઢીને સૌને દેખાડી. 
‘પાંચ રૂપિયાની આવી છે, ચંપલ સાંધવા માટે લીધી છે. વાંધો હોય તો કહી દો, હજી ખોલી નથી એટલે દામલે પ્રોવિઝનવાળો પાછી લઈ લેશે.’ 
‘તારા બાપાને તો કોઈ વાતે ન પહોંચાય.’ 
મંજુલા ઊભી થઈને રસોડામાં જવા માંડી એટલે મનસુખભાઈએ કહ્યું, 
‘અરે, એમાં પહોંચવાની વાત ક્યાં આવે છે.’ 
મનસુખભાઈએ તંગ થતા વાતાવરણને પારખીને હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં.
‘દર વખતે શું છોકરાંવની હાજરીમાં તમને કજિયો કરવાનું જોર ચડે છે?!’
‘અરે મેં ફક્ત એટલું પૂછ્યું કે ‘આ પંખો નવો કેમ લીધો?’ તો સરખી રીતે કહેવાનું હોયને કે ફલાણા કે ઢીકણા કારણથી પંખો બદલાવી નાખ્યો.’ 
‘તમને તો એય ભાન નથી કે આજે તમારી દીકરીનો પહેલો પગાર આવ્યો છે.’ 
મંજુલાના હાથમાંથી સાણસી 
છટકી ગઈ. 
‘ઓહ... એમ વાત છે.’ મનસુખભાઈએ સોફા પર બેઠેલી પૂજાના માથે હાથ ફેરવ્યો, ‘એટલે ઘરને નવા પંખાની ગિફટ આપી.’ 
કોશિશ તો નૉર્મલ થઈને રહેવાની કરી, પણ એમ છતાં મનસુખભાઈના મોઢામાંથી સલાહ તો નીકળી જ ગઈ, 
‘બેટા, પગાર તારો છે, પણ પૈસા બચાવજો. તને જ કામ લાગશે...’ 
‘ના, હું તો બધા પૈસા વાપરવાની છું...’
‘હા ભાઈ, તારા પૈસા તું જ વાપરજે...’ 
lll
એ દિવસે જે જવાબ આપ્યો હતો એ જવાબ આજે, આટલા દિવસ પછી મનસુખભાઈએ પૂરો કર્યો હતો.
‘તારા પૈસા તું જ વાપરજે, એમાંથી મારો નિહારનો સામાન પણ ન લાવતી...’ 
‘એવા પૈસાને શું કરવાનું જે તમને તમારી જ જાત સામે જોવામાં શરમ આપે. જો પૈસા જ કમાવા હોત તો હજારો તક એવી મળી હતી જેને ઝડપીને મનસુખભાઈએ પૂજા-પ્રતીક અને મંજુલાને સોને મઢી દીધાં હોત પણ એવું કર્યું હોત તો ખમીર તૂટ્યું હોત અને ઝમીર વેરાન થયું હોત.’
મનસુખભાઈના વિચાર ફરી એક વખત શરૂ થઈ ગયા હતા. 
- ‘કૉલ સેન્ટરના નામે દીકરી પ્રાઇવેટ પાર્ટીમાં જતી બારગર્લની સાથે છાતી ઉછાળીને નાચે. એ છાતી ઊછળે એટલે હવસખોરો પૈસા ઉડાડે અને એ ઊડેલા પૈસામાંથી દીકરી ઘરમાં પંખો લાવે અને બાપ એની ઠંડક માણે.’ 
મનસુખભાઈને પોતાની જાત માટે ઘૃણા થવા માંડી.
‘પંખો જ નહીં, દીકરી તો ઘરમાં નવું ટીવી લાવી અને એ પછી ફ્રિજ પણ બદલાઈ ગયું, ઘરનું તાપમાન દેખાડે એવું. હમણાં એ જ તાપમાન દેખાડીને મંજુલા મોબાઇલમાં કોઈકને કહેતી હતી કે હવે તો મુંબઈમાં ચાલીસ ને બેતાલીસ ડિગ્રી તાપ થવા માંડ્યો એ તો આ ફ્રિજ આવ્યા પછી ખબર પડી.’ 
ફોન પર તેની લવારી એકધારી 
ચાલુ હતી.
‘પૂજા તો એસી લેવાનું કહે છે, પણ મેં જ કીધું કે ઑફ સીઝનમાં લઈએ તો થોડો ફાયદો થાય. શું છે, બે લેવાઈ જાયને...’
‘અરે ભલામાણસ, આજ સુધી તાપમાન નહોતું જોયું એટલે ગરમી નહોતી લાગતી અને હવે તાપમાન માપવાનું સાધન શું ઘરમાં આવી ગયું કે ગરમી લાગવા માંડી, એસીની જરૂર 
પડવા માંડી.’ 
-  ‘સુવિધાની લાલસા કેવી ખરાબ હોય છે એ કોણ સમજાવશે આ લોકોને?’ 
lll
ઘરે આવીને મનસુખભાઈએ 
પ્રતીકની ઊલટતપાસ શરૂ કરી ત્યારે મંજુલાએ જવાબ આપ્યો હતો, પ્રતીકની વકીલાત કરતાં.
‘પ્રતીક, તું સવારે ક્યાં હતો?’ બીજી વાર પુછાયેલા સવાલનો જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં એટલે મનસુખભાઈ અકળાયા, ‘તને પૂછું છું, તું ક્યાં હતો?’
‘કૉલેજ...’ 
‘અને પછી...’ 
પ્રતીકે યાદ કરવાનો ડોળ કરીને જવાબ આપ્યો,
‘બીજલ સાથે તેના ઘરે ગયો...’ દસેક સેકન્ડ પછી પ્રતીકે કહ્યું, ‘માસીને દવાખાને લઈ જવાનાં હતાં એટલે...’ 
‘તારી સાથે બીજલ નહોતી.’ 
‘શું?!’ 
પ્રતીકના અવાજમાં આવેલો આછેરો થડકાર મનસુખભાઈથી છાનો રહ્યો નહીં.
‘હા, તેં બરાબર સાંભળ્યું...’ મનસુખભાઈના શબ્દોમાં વજન હતું, ‘તારી સાથે બીજલ નહોતી.’ 
‘બીજલ જ હતી...’
‘નહોતી...’ દાંત ભીંસીને મનસુખભાઈએ કહ્યું, ‘બીજલ નહોતી એટલે નહોતી...’
‘તો કોણ હતું?’ 
‘એ જ મારે જાણવું છે.’ 
‘હશે, હવે તેની કોઈ બહેનપણી.’ મંજુલા કચરો વાળીને રૂમમાં આવી, ‘તમેય શું આવી રીતે છોકરાની ઊલટતપાસ કરો છે.’ 
‘તો મોઢામાંથી ફાટેને કે મારી બહેનપણી હતી...’ મનસુખભાઈનો પિત્તો ગયો, ‘ખોટું શું કામ બોલે છે?!’ 
‘ના, સાચું જ કહું છું મમ્મી, એ બીજલ જ હતી.’ પ્રતીકે પોતાનો કક્કો ઘૂંટવાનું ચાલુ જ રાખ્યું, ‘મારે શું કામ ખોટું બોલવું પડે?!’
‘હા રે, તું શું કામ ખોટું બોલે...’ મંજુલાબહેને દીકરાને સપોર્ટ કરતાં કહ્યું, ‘તારી ફ્રેન્ડ હોય તો કહી દેવાનું, તારી તો ઉંમર છે ફ્રેન્ડ રાખવાની... તારા પપ્પાને પણ ઘણી ફ્રેન્ડ હતી... કાં?’ 
મંજુલાએ પ્રશ્નાર્થ સાથે પતિની સામે જોયું. જોકે અત્યારે મનસુખભાઈને પત્નીના સવાલમાં કે પોતાના પર મૂકવામાં આવેલા વગર કારણના આક્ષેપના ખુલાસામાં રસ નહોતો. તેનું ધ્યાન પ્રતીક પર જ હતું. 
‘કોણ હતું, તારી બહેનપણી કે પછી બીજલ?’ 
‘તમારે માનવું હોય તો માનો, નહીં તો કાંઈ નહીં.’ 
પ્રતીક ઊભો થઈ ગયો, પણ મનસુખભાઈએ વાત છોડી નહીં.
‘હું માનવા તૈયાર જ છું.’ શર્ટ ખીંટી પર ટીંગાડતાં મનસુખભાઈએ ફરી પૂછ્યું, ‘કોણ હતું એ?’  
‘બીજલ...’ પ્રતીકે જૂઠાણું ચાલુ રાખ્યું, ‘માસીને દવા લેવા જવાનું હતું એટલે બીજલને કૉલેજથી લઈને હું તેના ઘરે ગયો હતો.’
‘પ્રતીક, તારી બે વાત સાચી; એક, તારી સાથે હતી એ બીજલ હતી અને બીજી એ કે તું માસીના ઘરે ગયો હતો. બાકીનું બધું ખોટું છે.’ 
હવે મંજુલાબહેનની કમાન પણ છટકી.
‘પ્રતીકને હડધૂત કરવામાં તમને શું મજા આવે છે, ક્યારની એક ને એક વાત. કહી તો દીધુંને તમને. ખોટેખોટી વાત ખેંચ્યા કરો છો...’
મનસુખભાઈએ મંજુલાની સામે જોયું સુધ્ધાં નહીં.
‘પ્રતીક, મને તારો જવાબ જોઈએ છે.’ બે-ચાર ક્ષણ પસાર થઈ અને મનસુખભાઈનો પિત્તો ગયો. ‘બે ફડાકા મૂકી દઈશ પક્યા... જવાબ દે.’
પ્રતીક રીતસર ધ્રૂજી ગયો. પ્રતીકની જેમ મંજુલાબહેન પણ ખળભળી ઊઠ્યાં. 
‘શું થયું છે એ તો કહો તમે.’ 
‘મારું છોડ, આ તારા કપાતરને જો, મોઢામાંથી બોલી શકતો નથી... જો...’
‘આવા જંગલી જેવા દેકારા કરતો તો કોઈ આપે નહીં...’
‘તારા લાડે તેને માથે રહીને ચડાવી માર્યો છે.’ પ્રતીકની નીચી મૂંડીએ મનસુખભાઈને બધું સમજાવી દીધું હતું, ‘હરામખોર...’
‘બહુ થ્યું હવે, સીધેસીધી વાત કરો...’ મંજુલાએ કહ્યું, ‘ને હા, ગાળું બોલો માં...’
‘તારા છોકરાના ભવાડા સાંભળીશ તો તું પણ તેને બે-ચાર ચોપડાવવા બહાર જઈને શીખી આવીશ.’ 
‘ગોળ-ગોળ વાત કરવાનું બંધ કરો, કહેવું હોય એ મોઢામોઢ કહી દો એટલે વાત પૂરી થાય.’
‘કહું, બધું કહું તને, પણ...’  મનસુખભાઈએ પ્રતીક સામે જોયું, 
‘તું નીકળ...’
મનસુખભાઈને પ્રતીકની હાજરી ખૂંચતી હતી. પ્રતીક પણ દલીલ કર્યા વિના ફટાક દઈને બહાર નીકળી ગયો. બહાર નીકળતી વખતે માએ દીકરાને આંખથી આશ્વાસન આપી દીધું, ‘હું બેઠી છું, તું ચિંતા ન કરતો.’ 
જો એ ઇશારો મનસુખભાઈએ જોયો હોત તો ઘર કુરુક્ષેત્ર બની ગયું હોત.
‘હવે ક્યો, શું થ્યું છે?’
‘કાલથી બીજલ અને પ્રતીક વચ્ચે મારે કોઈ વ્યવહાર જોઈએ નહીં.’ 
મનસુખભાઈએ ધાર્યું હતું કે હવે મંજુલા બધું સમજી જશે, પણ એવું 
બન્યું નહીં.
‘કેમ, શું કામ?’ મંજુલાએ દલીલ કરી, ‘માસિયાઈ ભાઈ-બહેન છે. એ બેયના વ્યવહાર તમને ક્યાં નડે છે. તમે શું કામ પડો છો આ બધામાં...’ 
‘એ મૂર્ખી, તારા છોકરાને પેલી સાથે ભાઈ-બહેન જેવા સંબંધ નથી.’ 
‘શું તમેય ગાંડા જેવી વાત કરો છો.’ શરીરમાંથી પસાર થઈ ગયેલી ધ્રુજારી મંજુલાએ પતિને દેખાવા નહોતી દીધી, ‘આવું બોલતાં પહેલાં જરાક વિચાર તો કરો કે તમારા વિચાર કેવા વિકૃત થતા જાય છે.’
‘ચોર કોટવાલ કો ડાંટે’ જેવો ઘાટ મનસુખભાઈ માટે સર્જાયો હતો. જોકે 
એ પછી પણ મનસુખભાઈએ પ્રયાસ 
ચાલુ રાખ્યા.
‘તું તારું ભોળપણ છોડ ને હું કહું એનો અર્થ સમજ ડોબી...’
મનસુખભાઈને કહેવાનું મન થઈ આવ્યું કે ‘તારી સાથે જેમ તારા કાકાના દીકરાઓ છૂટછાટ લેતા એવી જ રીતે તારો દીકરો તારી બહેનની દીકરી સાથે છૂટછાટ લે છે.’
‘હું તમારી વાત નથી માનતી...’ મંજુલાએ ના પાડવાનો પ્રયાસ કર્યો, 
પણ તેના નકારમાં વજન નહોતું. 
‘જો તમે સાચા હો તો બીજલ કેમ કંઈ કહેવા નથી આવતી.’
‘એલી ક્યાંથી કહે તને, ચોરના ભાઈ ઘંટીચોર છે બેઉ જણા...’
મનસુખભાઈના શબ્દો સાંભળીને મંજુલાને જરાક રાહત થઈ. 
- ‘હાશ... મારો પ્રતીક એકલો 
વાંકમાં નથી.’ 
‘બેઉ જણની વાતો બહાર 
આવશે ત્યારે કોઈને મોઢું દેખાડવા જેવા નહીં રહીએ...’
મનસુખભાઈનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.
‘મને એ નથી સમજાતું કે તમે કેમ આમ પૂરેપૂરી ખાતરી સાથે કહો છો!’
‘અરે, સવારે બેઉ જણ ગયાં હતાં... હોટેલમાં... ત્યાં આ જ ધંધો ચાલે છે... કલાક ને બે કલાક રૂમ આપે. કરવું હોય એ કરી લે, આ બધા બની બેઠેલા અંગ્રેજો... દહિસરમાં જ હોટેલ છે.’
‘દહિસર?!’ મંજુલાના કાન ચમક્યા, ‘તમે દહિસર શું કરવા ગ્યા’તા?’ 
મંજુલાની આંખો પણ પહોળી થઈ ગઈ હતી.
‘નાનાની વહુને છોકરો આવ્યો છે તો મળવા ગયો હતો. હોટેલની બહાર રસ્તા પર તમારા આ વંઠેલાનું બાઇક હતું એટલે તપાસ કરી, તો તપાસમાં ખબર પડી કે ભાઈસાહેબ ઉપર હોટેલની રૂમમાં છે. થોડી વાર રાહ જોઈ તો બેઉ જણ એકબીજાની સાથે બહાર નીકળ્યાં... નફ્ફટ.’ 
‘દેરાણી ગામમાં આવી છે એની અમને તો ખબર પણ નથી.’
મંજુલાનો પેટનો દુખાવો બહાર આવ્યો.
અને પછી રાબેતા મુજબ મંજુલાએ આખી વાતને અવળા પાટે ચડાવી દીધી. 
માસિયાઈ ભાઈ-બહેનના એનૈતિક સંબંધોની વાત હવામાં ઓગળી ગઈ અને એકાએક તારા સગા ને મારા સગા પર વાત શરૂ થઈ જે શરમજનક મોડ પર આવી ગઈ.
‘બીજું બધું મૂકો, પહેલાં મને એ કહો કે તમારે તમારા ભાઈની ઘરવાળીને મળવા જાવું પડે એવું તે શું છે...’ મંજુલાની જીભે કાબૂ ગુમાવ્યો, ‘એવું નથીને કે તમે બેય એ હોટેલમાં હો ને મારો દીકરો તમને બેયને જોઈ ગ્યો હોય...’
lll
ગરોળીએ હવે જગ્યા બદલાવી 
નાખી હતી. 
- ‘ક્યાં ગઈ ગરોળી?’ 
મનસુખભાઈએ આંખ ફેરવીને ગરોળી શોધવા માંડી. ગરોળી સાથે પણ હવે એક સંબંધ હતો. છેલ્લા ચાર કલાકથી એકબીજાની સામે તાકવાનો. 
‘ઓહ...’ 
ગરોળી ભીંતને બદલે હવે છત પર હતી. 
એક્ઝૅક્ટ મનસુખભાઈના માથા પર...

વધુ આવતી કાલે

columnists Rashmin Shah