હૈયાનો હાર (પ્રકરણ 3)

29 June, 2022 08:17 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘મામાસાહેબની યોજનામાં દમ છે, પણ...’ અજિંક્યને ખટકો જાગ્યો, ‘મામા, તાનિયા સાથેના અફેરની વાતથી આકારનો સંસાર નહી ભાંગે? આમાં બિચારી રિયાનો શું વાંક!’

હૈયાનો હાર

‘બહુ અફલાતૂન આઇડિયા સૂઝ્‍યો છે.’
અશરફે કહેતાં રિયા તંગ બની. 
‘આકાર મુંબઈ બહાર હોય ત્યારે મારા નિમંત્રણે ઘણી વાર અશરફ અહીં આવી ચૂક્યો છે. અમારી ‘વૃંદાવન’ સોસાયટીમાં એક માળે બે ફ્લૅટ છે અને અમારી સામેનો ફ્લૅટ બંધ હોવાથી અમને મનફાવતું એકાંત મળી રહે છે. અફકોર્સ, સોસાયટીના સીસીટીવી કૅમેરામાં ઝડપાયા વિના પ્રવેશવાની ચોકસાઈ અશરફે પાળી છે એટલે અમારા બેડરૂમમાં જ હું મારા પ્રેમી સાથે બેફામ થઈ જાઉં છું એની આકાર બિચારાને તો કલ્પના પણ નહીં હોય! સુરતની સરખામણીએ મુંબઈમાં છૂટથી ફરી શકાય છે. અહીં ઓળખીતા-પાળખીતા ભટકાઈ જવાની દહેશત તો નહીં! હા, બોરીવલીમાં શેઠજીનો પરિવાર ખરો, આકાર બહાર હોય ત્યારે સાધનાભાભી બે-ચાર વાર ફોન કરી લે એટલે જ તો ફરવા સાઉથ મુંબઈ ઊપડી જઈએ છીએ.’
આજે પણ આકાર ચાલ્યો જતાં અશરફ આવી પહોંચ્યો, બપોરની વેળા શરીરસુખથી તૃપ્ત થયા પછી અશરફે મૂળ વાત છેડતાં રિયા એકાગ્ર થઈ. 
‘તેં એમ કહેલું રિયા કે આકાર ઘણી વાર હીરા-ઝવેરાત ઘરે લાવે છે.’ 
‘યા, સોદા માટે આવવા-જવાનું હોય ત્યારે આવું બને, પણ એનું શું છે?’ 
‘એમાં જ આપણી આબાદી છે, મહોતરમા! ખબર નહીં, અગાઉ કેમ મને આ વિચાર નહોતો આવ્યો, પણ દેર આયે દુરુસ્ત આયે. મને કહે કે આકાર ફરી ક્યારે ઝવેરાત ઘરે લાવવાનો છે?’ 
‘આ જ ટ્રિપમાં. આ વખતે દિલ્હીથી આવશે ત્યારે પચીસેક કરોડના હીરા પણ સાથે હશે.’
‘પચ્ચીસ કરોડ!’ અશરફનું મોઢું ખુલ્લું રહી ગયું અને નસોમાં લોહીની ગતિ વધી ગઈ.
‘ગૅરેજ પર બેસતો ત્યારથી કોઈક માલદાર બુલબુલ ફસાવવાની ચળ ઊપડેલી. એમાં આ રિયા બહુ સરળતાથી જાળમાં આવી પડી. તેના રૂપાળા બદનને મન ભરીને માણ્યું અને જેવી તે નિકાહની રઢ લઈને બેઠી ત્યારે જુદી રીતે સમજાવવી પડી - પૈસો હોય તો પરણવાનો અર્થ છે... મૂરખે મારા છટકવામાંય પ્લાન જોયો! આકારને પરણ્યા પછી મને હતું કે તે મને ભૂલી જશે, સારું મારોય પીછો છૂટે. એકની એક વાનગીથી મોં બેસ્વાદ બની જાય છે, પણ ના, રિયાનું તો આકાર જેવા આકારમાંય મન ન લાગ્યું! બલકે તે સુરત આવે ત્યારે મોંઘી ગિફ્ટ્સ લઈને આવે, હોટેલરૂમમાં એવી તો બહાવરી બની જાય! મુંબઈમાં પણ કેટલી લહેર કરાવે! આનો પોરસ જરૂર થયેલો. તેણે છૂટાછેડા લઈને મારી થવું છે, પણ પચાસેક લાખની લગડીથી શું વળે! એટલે પોતે મુદત પાડતો જતો, પણ હવે લાગે છે કે તેની ધીરજ ખૂટી છે. મારા પર આટલું મરતી બાઈ ધન લઈને આવતી હોય તો સ્વીકારી લેવી જોઈએ, એમ વિચારીને પોતે મુંબઈ આવતા સુધીમાં પ્લાન ઘડી રાખેલો, પણ એમાં પચીસ કરોડનો લાભ થશે એવી ધારણા નહોતી!
‘ધ્યાનથી સાંભળ...’ અશરફે કહેવા માંડ્યું.
એને સાંભળતી ગઈ એમાં રિયાના ચહેરા પર ખિલાવટ આવતી ગઈ : ‘આ તો કેટલું સરળ!’
‘શુક્રની રાતે આકાર પચીસ કરોડના હીરા સાથે પાછો આવશે. બીજી સવારે જોખમી પૅકેટ રાબેતા મુજબ તેમની ઑફિસ-બૅગમાં મૂકીને આકાર નાહવા-ધોવા જશે એ દરમ્યાન અશરફે આપી રાખેલા નકલી હીરાના પૅકેટ સાથે અસલી હીરાની હું અદલાબદલી કરી લઈશ... આકારે ફરી બૅગ ચેક કરવાનું કારણ નહીં હોય, શોરૂમ પહોંચીને તે હીરા જમા કરાવશે ત્યારે ભાંડો ફૂટશે કે આ તો નકલી હીરા છે! ૨૫ કરોડના અસલી હીરા ક્યાં ગયા એ આકાર સમજી નહીં શકે. તે નુકસાનભરપાઈ નહીં કરી શકે, ઊલટો તે જ દાનતખોર ઠરતાં મને છૂટાછેડાનું કારણ મળી જશે - હું આવા ફ્રૉડ સાથે જીવન નહીં વિતાવી શકું... અરે, તેની પાસે ભરણપોષણ પણ નહીં માગીને હું સમાજમાં ઉદાહરણરૂપ ઠરી જઈશ!’
‘બીજી બાજુ પચીસ કરોડના હીરાનો માલિક બન્યા પછી અશરફના સિતારા બદલાઈ જશે. મર્સિડીઝ લઈને મારું માગું નાખવા આવશે તો મા-બાપથી ઇનકાર નહીં થાય, હું ગાંઠીશ જ નહીં!
બસ, પછી મનચાહ્યો મેહબૂબ, અખૂટ દોલતથી તરબતર હશે મારો સંસાર!’
રિયા શમણું પંપાળતી હતી ત્યારે અશરફ જુદો જ મનસૂબો ઘડતો હતો - ‘૨૫ કરોડ રૂપિયાના હીરા હાથ આવ્યા પછી ગલ્ફમાં જતો રહીશ, શેખસાહેબની જિંદગી જીવીશ, રિયાથી ક્યાંય ચડિયાતી ઔરતો મારા જનાનખાનામાં હશે... સૉરી, રિયા, ૨૫ કરોડના હીરા હાથમાં આવ્યા પછી આપણા રસ્તા જુદા થઈ જવાના!’
બન્ને પોતપોતાનું સુખ વાગોળતાં હતાં, પણ શું બનવાનું છે એની ક્યાં ખબર હતી?
lll
‘શનિવારનું મુરત આપણે ચૂકવાનું નથી.’
રવિની એ જ બપોરે કૉટેજના બારમાં ગોઠવાઈ મામા યોજનાનાં પત્તાં ખોલવા માંડ્યા.
‘મેં બધું વિચારી રાખ્યું છે. શનિવારે ઑફિસ-બૅગમાં દિલ્હીથી લાવેલા ૨૫ કરોડના હીરાનું પૅકેટ મૂકી આકાર ઘરેથી નીકળશે. લિફ્ટમાંથી નીકળી તે પાર્કિંગમાં મૂકેલી પોતાની કાર તરફ વળશે ત્યારે બુકાની બાંધેલો એક માણસ ધક્કો દઈ બૅગ ખૂંચવીને ભાગી જશે!’
અજિંક્ય ટટ્ટાર થયો, ‘પછી?’
‘પછી...’ જામમાં આઇસ-ક્યુબ નાખતા મામાસાહેબ મલક્યા, ‘દિવસભર આની હો-હા ચાલશે. સોસાયટીના સીસીટીવી કૅમેરા થકી કોઈએ ધક્કો મારી બૅગ ચોર્યાના આકારના બનાવને પુષ્ટિ મળશે. પોલીસ એ બુકાનીધારીની તલાશમાં જોતરાશે...’ મામાસાહેબે ચુસ્કી લઈને ઉમેર્યું, ‘અને રાતે સ્ટોરમાંથી નીકળતી વેળા હીરાનું એ પૅકેટ સિક્યૉરિટી ચેકિંગ દરમ્યાન તાનિયાની સ્કૂટીની ડિકીમાંથી મળી આવે તો?’
‘તો!’ અજિંક્ય ડઘાયો.  
‘તો તાનિયા-આકારના સંબંધને ઉઘાડા પાડીને આપણે કહી શકીએ કે કંપની સાથે છળ કરવા આકારે જ બૅગ ચોરાયાનું નાટક કર્યું અને હીરા પ્રેયસીને પહોંચાડી દીધા! આકાર-તાનિયા બન્ને પાસે આનો કોઈ ખુલાસો નહીં હોય!’
‘મામાસાહેબની યોજનામાં દમ છે, પણ...’ અજિંક્યને ખટકો જાગ્યો, ‘મામા, તાનિયા સાથેના અફેરની વાતથી આકારનો સંસાર નહી ભાંગે? આમાં બિચારી રિયાનો શું વાંક!’ 
અજિંક્ય ઉમેરવા જતો હતો કે ‘કંઈક બીજું વિચારો...’ પણ મામાસાહેબે મોકો ન આપ્યો, ‘ભાણા, આપણા પગમા કાંટો વાગ્યો હોય ત્યારે પગનું વિચારાય, કાંટાનું નહીં. આ એક ઘટનાથી સિદ્ધાર્થનો આકાર પરનો વિશ્વાસ ૧૦૦ ટકા તૂટવાનો.’ મામાસાહેબે એક ઘૂંટમાં જામ ખાલી કર્યો, ‘ચંદનહાર’ સાથે આકારનાં અન્નજળ પૂરાં થયાં, ભાણા, લખી રાખ!’
lll
 હૅપી સન-ડે! 
આજે રવિવારની છુટ્ટીના દિવસે, આકાર જવાથી ઉદાસ મન પ્રણયની ચાડી ખાય એના કરતાં એને વ્યસ્ત કરવાના ઇરાદે તાનિયા સવારથી મમ્મી-પપ્પાને લઈ ફરવા નીકળી પડેલી. સિદ્ધિવિનાયક ગયાં, પાલવા-ચોપાટી ફરી ઢળતી સાંજે વરલીના મૉલમાં આવ્યાં. મમ્મી-પપ્પાને વિન્ડો શૉપિંગમાં રસ નહોતો એટલે તેમને સૅન્ડવિચ-આઇસક્રીમ થમાવી તાનિયા લટાર મારવા નીકળી પડી. 
‘શીશ, અશરફ!’
- અને બીજા માળે ઇનરવેઅર્સના સેક્શન આગળથી પસાર થતી તાનિયા ચમકી. અહીં ભીડ નથી એનો લાભ કે ગેરલાભ લઈ થોડે દૂર ઊભું યુગલ મસ્તીના મૂડમાં લાગ્યું. તાનિયા તરફ તેમની પીઠ હતી. તેની શ્રવણમર્યાદામાં ઊભેલી માનુની સિસકારાભેર કહી રહી છે, 
‘મેં તને એવું જ પૂછ્યું કે લવન્ડર રંગની બ્રેસિયર કેવી લાગશે એમાં તું આમ છેડશે તો...’
‘પણ મેં તને કહ્યુંને કે તું સ્કિન રંગમાં જ બેસ્ટ લાગે છે...’
‘ખરા છે લોકો પણ! પબ્લિક પ્લેસ પર ઊભા રહી પ્રાઇવેટ ટૉક કરે છે!’
અને આગળ વધતી તાનિયા ચોથા ડગલે અટકી. યુગલમાંની યુવતીએ ચહેરો ઘુમાવ્યો હતો અને મને કેમ તે જાણીતો...
સહેજ ડોક ઘુમાવી નજર ફેંકતી તાનિયા ચોંકી : ‘આ તો રિયા! આકારની પત્ની! તેને આ... આ... સાવ સાધારણ દેખાતા અશરફ સાથે આડો સંબંધ છે?’
મન મનાવવા ખાતર પણ મેં જોયેલા દૃશ્યનો, સાંભળેલાં વાક્યોનો બીજો અર્થ નીકળે એમ નથી! આકારના સંસારનું કદાચ તેમનાથીય છાનું પાસું મારી નજરે ચડી ચૂક્યું છે... સવાલ છે, હવે શું?
lll
અને શુક્રની રાતે આઠ વાગ્યે દિલ્હી-મુંબઈની ડોમેસ્ટિક ફ્લાઇટ લૅન્ડ થઈ. કસ્ટમ્સ ક્લિયરન્સ પતાવી આકાર બહાર નીકળ્યો ત્યારે તેની બૅગમાં ૨૫ કરોડના હીરા હતા.
lll
‘નો, આકુ...’ પતિને દૂર કરી રિયા પડખું ફરી ગઈ, ‘આજે બહુ થાકી ગઈ છું...’
આકારે માઠું ન લગાડ્યું. શું સંબંધ કે સમાગમ, પરાણે ન હોય. મોટા ભાગે આવું જ થતું. રિયા સુરતથી આવે કે પોતે ટૂર પરથી આવે ત્યારે કોરા દિવસોનું સાટું વાળવાનો થનગનાટ હોય, પણ ઘણી વાર બે-ચાર દિવસ રિયા તનમેળથી આઘેરી જ રહે.
‘તેને અંદેશો પણ નહીં કે આમાં રિયાની મરજી નહીં, ચોકસાઈ હતી. અશરફ સાથેની કામક્રીડાનાં ચકામાં પતિને બેવફાઈની ચાડી ખાઈ જાય એવું શું કામ થવા દેવું? અને તોય વરજીને વહેમ નથી જાગતો, ડફોળ!’ 
- અને સવારે હીરાનું પૅકેટ ઑફિસ-બૅગમાં મૂકી આકાર નાહવા ગયો કે રિયાએ પૅકેટની અદલાબદલી કરી અશરફને મેસેજ ડ્રૉપ કરી દીધો : ‘ડન.’
ત્રીજી મિનિટે ડોરબેલ રણકી. આ ટાઇમે દૂધવાળો, કચરાવાળો આવતા હોય એટલે બેલની નવાઈ ન હોય. રિયાએ પણ કચરાની થેલીમાં પૅકેટ છુપાવી દરવાજે આવેલા અશરફને થેલી થમાવી દીધી. 
‘હવે આવતા અઠવાડિયે સુરતમાં મળીશું.’
‘યા...’ અશરફ ઉતાવળે નીકળી ગયો. દરવાજો બંધ કરતી રિયાને થયું, ‘કાવતરાનો પહેલો પડાવ તો સુખરૂપ પાર પડ્યો! હવે ઑફિસમાં નકલી હીરા નીકળે, આકારની આબરૂનું ધોવાણ થાય, પછી ડિવૉર્સની માગ અને...’
ત્યાં બાથરૂમનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો અને રિયા ડાહી પત્નીની જેમ રસોઈમાં સરકી ગઈ.
lll
‘ફિંગર ક્રૉસ્ડ!’
જૉગિંગની એક્સરસાઇઝ પતાવીને કૉટેજના ઓટલે ભાણાની બાજુમાં ગોઠવાતા મામાસાહેબ ગણગણ્યા, ‘બિહારીને કામ સોંપ્યું છે, એટલે ફેલ થવાના ચાન્સ નહીં.’ 
‘બિહારી કોણ?’ પૂછતાં અજિંક્યને ઝબકારો થયો, ‘પેલો વૉચમૅન, જેને દોઢ-બે વર્ષ અગાઉ આકારે નોકરીમાંથી હાંકી કાઢેલો?’
‘ખરેખર તો ત્રીસેક વર્ષનો બિહારી ચેન્જરૂમમાં અશ્લીલ હરકતો કરતો હોવાની ફરિયાદમાં તથ્ય જણાતાં આકારે તેને તત્કાળ નોકરીએથી છૂટો કર્યો હતો. તેને આકાર પ્રત્યે ખાર હોવાનો જ. મામાશ્રીએ તેની ભાળ કાઢી કમાલ કરી!
‘મામાસાહેબ, તમે ૧૦,૦૦૦ રૂપિયામાં બિહારીને તૈયાર કર્યો, પણ આકારની બૅગ લઈ તે રફુચક્કર થઈ ગયો તો...’
‘તેને ક્યાં ખબર છે કે બૅગમાં કરોડોના હીરા છે!’ મામાસાહેબે મુત્સદ્દીપણું દાખવ્યું, ‘બૅગ લઈ તેણે દૂર જવાનું પણ નથી. ગલીના નાકે હું કાર લઈને ઊભો હોઈશ... બિહારી મને બૅગ દઈ દે એટલે તેનો રોલ પૂરો. હીરાનું પૅકેટ લઈ, બૅગ દરિયામાં ફગાવીને હું ઑફિસ આવીશ ત્યાં સુધીમાં બૅગની ચોરીના ખબર પહોંચી ચૂક્યા હશે... યાદ રહે, એ સમયે આપણે આકાર પ્રત્યે સહાનુભૂતિ જ દાખવવાની છે. હા, તાનિયાની સ્કૂટીની ડિકીમાં પૅકેટ આપણે પહોંચાડવું પડશે.’
‘એ હું કરી દઈશ’ અજિંક્યને હજી મામાના પ્લાનમાં ખોટું કરતા હોવાની ગિલ્ટ હતી. આકારનો સંસાર ભાંગવાની યોજના અમારી હતી એની પિતાશ્રીને જાણ થઈ તો તો આવી જ બને, પણ મામાસાહેબને ઇનકાર કરવાનું પણ યોગ્ય ન લાગતું, આખરે મામા મારા સુખ ખાતર જ તો મથે છે! એટલે પણ અત્યારે તેણે આત્મવિશ્વાસ દાખવ્યો, ‘સિક્યૉરિટી ગાર્ડને આઘોપાછો કરી ડિકીમાં પાર્સલ મૂકતાં વાર નહીં લાગે... પણ કોઈને એવો ખ્યાલ નહીં જાય કે જો આખો પ્લાન આકાર-તાનિયાની મિલીભગતરૂપે હોય તો હીરાનું પૅકેટ ડિકીમાં શું કામ રાખે, જે સિક્યૉરિટી પર ચેક થવાની જ હોય?’
‘ભાણા! ભાણા! એ જવાબ તો આકાર-તાનિયા જ આપી શકેને!’ મામાસાહેબે મીંઢાગીરી દાખવી, ‘શક્ય છે તેઓ ચાન્સ લેવા માગતા હોય... સંભવ છે બીજું કંઈ વિચાર્યું હોય, પણ એનો અમલ થઈ ન શક્યો હોય... ગુનેગારના મનમાં શું ગણતરી ચાલતી હોય એ આપણને કેમ ખબર પડે, ભાણા?’
ત્યારે અજિંક્યએ સાચે જ ફિંગર ક્રૉસ કરી : ‘લેટસ હૉપ, બધું સમુંસૂતરું પાર પડે અને આકારનો સંસાર પણ સચવાઈ જાય!’ 
lll
અને ઑફિસ માટેની બ્રાઉન બૅગ લઈ આકાર ઘરેથી નીકળ્યો. લિફ્ટમાંથી નીકળી, પૉર્ચ વટાવી પાર્કિંગ તરફ વળે છે કે પાછળથી કોઈનો ધક્કો લાગ્યો.
‘અરે!’ મોંભેર ભોંયભેગા થતા આકારને પાટુ મારીને બૅગ ખૂંચવી બુકાનીધારી બિહારીએ પ્રવેશદ્વાર તરફ દોટ મૂકી.
ચીલઝડપે આ બની ગયું. આકારને કળ વળે, બૂમાબૂમ કરી તે ગેટના વૉચમૅનને ચેતવે એ પહેલાં તો બિહારી ગલીની બહાર પહોંચી ગયો.
નાકે જ મામાસાહેબની કાર ઊભી હતી. બિહારી પાસેથી બૅગ લઈને તેને તેનું કવર થમાવ્યું, ‘અભી દિખના મત.’
અને કાર રવાના થઈ.

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff