હૈયાનો હાર (પ્રકરણ ૪)

30 June, 2022 08:10 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

માસાહેબ-અજિંક્યનું કાવતરું જાણ્યા પછી બૅગ ચોરનાર ગૌણ હતો, ખરેખર તો હીરા બૅગ ચોરાઈ એ પહેલાંના બદલાઈ ગયેલા એ જાણ્યા પછી તાનિયાના દિમાગમાં રિયાની બેવફાઈ ટિકટિક થવા લાગી હતી

હૈયાનો હાર

આકાર ક્ષુબ્ધ હતો ઃ ‘કોઈ મારી બૅગ તફડાવી ગયું, જેમાં પચીસ કરોડના હીરા હતા!’ કળ વળતાં તેણે ‘ચોર... ચોર!’ની બૂમાબૂમ કરી મૂકી, પણ ચોરટો એમ હાથ થોડો આવે!
હોહા વધતાં નીચે આવેલી રિયા ખબર જાણીને આકારને આશ્વસ્ત કરે છે, ‘ચિંતા ન કરો, સૌ સારાં વાનાં થશે...’
આવું બોલનારીને અંદરખાને ચોર પર દાઝ છૂટે છે : ‘તે પણ આજે જ બૅગ ચોરવાનો થયો! શેઠજી આમાં આકારનો વાંક નહીં જુએ અને એ ફ્રૉડ પુરવાર નહીં થાય તો મારે ડિવૉર્સનું કારણ શું ધરવું! અમારા સરળ જણાતા પ્લાનમાં આ કેવો ટ્વિસ્ટ સર્જાયો! આઇ મસ્ટ ઇન્ફૉર્મ અશરફ.’
અને તેણે મેસેજ ટાઇપ કરી દીધો : ‘મોટી ગરબડ થઈ છે...’
તેનો મેસેજ જોકે અશરફ સુધી પહોંચવાનો જ નહોતો, કેમ કે તેણે રિયાનો નંબર બ્લૉક કરી દીધો હતો!
આ બાજુ આકારે ધ્રૂજતા હાથે સિદ્ધાર્થ શેઠને ફોન જોડ્યો, હીરા ચોરાયાના ખબર દેતાં તેનો સ્વર તૂટ્યો. 
‘ડોન્ટ વરી, આકુ’ સિદ્ધાર્થભાઈએ જરાય સ્વસ્થતા ગુમાવી નહીં, ‘તું ઑફિસ આવ. હું કમિશનરશ્રીને વાત કરું છું. તું એટલું યાદ રાખ કે આવી કોઈ ઘટનાથી તારા પરનો અમારો વિશ્વાસ તૂટશે નહીં.’
અને આકારની આંખોમાં કૃતાર્થતાની ભીનાશ છવાઈ ગઈ. 
lll
‘હું આકાર સરને કઈ રીતે ફેસ કરીશ?’
સ્કૂટી લઈને કામે જવા નીકળેલી તાનિયાના હૈયામાં કંપન છે.
ગયા રવિવારે રિયાનું અફેર આંખે ચડ્યા પછી આખું અઠવાડિયું આ જ ગડમથલમાં વીત્યું ઃ ‘આકારની વાઇફનું લફરું જાણ્યા પછી મારે કરવું શું? હું આકાર સરને કહું તો ક્યાંક તેઓ એવું ન ધારે કે હું વર-બૈરીમાં દરાર પાડીને મારો સ્વાર્થ સાધવા માગું છું - તેમને પામવાનો સ્વાર્થ! તો શું સાધનાભાભીને વાત કરું? તેઓ સૂઝવાળાં છે... ના, ના, ત્રીજા કોઈને કહેવું આકારને ગમે-ન ગમે!’
- ‘અને આજથી આકાર સર ઑફિસમાં હાજર થવાના...’ 
-‘પણ આ શું?’ 
‘સ્ટોરનું શટર હજી અડધું બંધ છે. બહાર પોલીસ-જીપ છે!’ ગેટમાં પ્રવેશતી તાનિયાને નવા-જૂનીનાં એંધાણ વર્તાયાં. ફટાફટ ચેન્જ કરીને કાઉન્ટર પર પહોંચી કે મિતાલીએ ખબર આપ્યા, ‘તાનિયા, તેં કંઈ જાણ્યું? એક ચોરટો આકાર સરની બૅગ ખૂંચવીને ભાગ્યો... સાંભળ્યું છે કે એમાં પચીસ કરોડના હીરા હતા!’
‘હેં...!’
lll
શેઠજીના સધિયારાએ આકારનો આત્મવિશ્વાસ બંધાયો. તે શોરૂમ પર આવ્યો, પાછળ જ પોલીસ આવી. મોડા-મોડા મામાશ્રી પણ જૉઇન થયા છે. શેઠ પરિવારના ત્રણેય સભ્યોનો એક જ સૂર છે ઃ ‘વી ટ્રસ્ટ આકાર, તમે પેલા બુકાનીધારીને ઝડપો!’
આધેડ વયના ઇન્સ્પેક્ટર રામમૂર્તિ કુશાગ્ર હતા. આકારના બયાનમાં ક્યાંય વિસંગતતા નહોતી. હીરાનો ઇન્શ્યૉરન્સ નથી છતાં શેઠજી ખડા પગે મૅનેજરના પડખે ઊભા છે એટલી આત્મીયતા આજે ક્યાં જોવા મળે છે?
અને વધુ તપાસ માટે આકારની સોસાયટીમાં જતા ઇન્સ્પેક્ટર અને આકાર સાથે શેઠજી પણ જોડાયા. ત્રણેય બહાર નીકળ્યા એટલે તાનિયાથી ન રહેવાયું. આકારને જોતાં જ તે દોડી ગઈ, ‘વી આર વિથ યુ આકાર... સર.’
અને ‘ચંદનહાર’ના ત્રણે માળથી ડોકિયાં કરતો સ્ટાફ એક સૂરમાં બોલી ઊઠ્યો, ‘યસ સર.’
‘થૅન્ક યુ એવરીવન...’ બધા તરફ હાથ હલાવી, તાનિયાને થમ્બ અપ કરી આકાર ટટ્ટાર ગરદને બહાર નીકળ્યો. હૈયે એવો ખુમાર છલકતો હતો જાણે અગ્નિપરીક્ષા પાર કરી લીધી હોય!
lll
પોલીસ ગયા બાદ સ્ટોર ગ્રાહકો માટે ખુલ્લો મુકાયો.
કૅબિનમાં જોકે અજિંક્ય હજી થોડી વાર પહેલાંના દૃશ્યની અસરમાં જ હતો.
‘તમે જોયું, મામાશ્રી! પચીસ કરોડ મામૂલી રકમ નથી છતાં પપ્પા તો ઠીક, આખો સ્ટાફ આકારના સમર્થનમાં છે... તેની નિયતમાં સૌને શ્રદ્ધા છે એ તાનિયાની ડિકીમાં હીરા મળવાથી નહીં તૂટે.’ અજિંક્યએ ડોક ધુણાવી, ‘મને નથી લાગતું મામાસાહેબ કે આપણો પ્લાન સક્સેસ જાય...’
‘પ્લાન આમ પણ અમલમાં મુકાવાના સંજોગ નથી ભાણા...’ મામાસાહેબ ક્યારની ભીતર ઘૂંટાતી ગૂંચ ઉલેચતાં હાંફી ગયા. 
‘એટલે?’ અજિંક્ય ચમક્યો. મામાસાહેબના શબ્દો પરથી મામલો જુદો લાગ્યો. 
‘બહુ મોટી ગરબડ થઈ ગઈ. ધાર્યું ન હોય એવું બની ગયું.’
બિહારી પાસેથી બૅગ મેળવીને મામાશ્રી ખુશ હતા, હીરાનું પૅકેટ કાઢીને ફટાફટ ખાડીના પાણીમાં બૅગ ફગાવીને થયું કે એક નજર હીરાને જોઈ તો લઉં... પૅકેટ ખોલતાં જ છાતીમાં શૂળ ભોંકાઈ.
‘ભાણા, એ તમામ હીરા નકલી છે!’ 
એ જ પળે વાઉચર પર સહી લેવા આવેલી તાનિયા દરવાજો હડસેલતી મામાજીના વાક્યએ થંભી ગઈ.
મામાસાહેબના ઘટસ્ફોટે અજિંક્ય ડઘાયો. તેમણે બતાવેલા કાચના ટુકડા જોઈને કપાળેથી પસીનો છલક્યો. ‘આકાર સામેનું કાવતરું આમ પણ ટાળવું હતું અને હવે નકલી હીરા તાનિયાની ડિકીમાં મૂકવાનો તો સવાલ જ નથી.’
‘પણ આવું કેમ બને? શું બિહારીએ દગો કર્યો?’
‘અસંભવ. બિહારી હીરા બાબતે કશું જાણતો નહોતો. જાણતો હોત તો પણ બૅગમાંથી પૅકેટ બદલવાનો તેની પાસે સમય નહોતો... પળવાર તો મને લાગ્યું કે આકારને કોઈ રીતે આપણા પ્લાનની ગંધ આવી ગઈ હોયને તેણે અસલી હીરા પોતાની પાસે રાખીને જાણીજોઈને બૅગ લૂંટાવા દીધી હોય! પણ એવું હોત તો તેણે અસલી હીરા અહીં ધરી દીધા હોત... એ પણ બન્યું નથી.’ 
‘આનો મતલબ એ કે આપણે તાનિયાને સાંકળીને આકાર વિરુદ્ધ કંઈ કરીએ એવું કુદરત પણ નથી ઇચ્છતી...’ અજિંક્યએ ડોક ધુણાવી, ‘મામાસાહેબ, તમે ને હું બન્ને જાણીએ છીએ કે આકાર નખશિખ પ્રામાણિક છે. આ ઘટનાનો અર્થ તો એટલો જ થાય કે બૅગમાં નકલી હીરા હતા એની આકારને જાણ જ નથી.’
‘કરેક્ટ...’ મામાસાહેબે સંમતિ ભણી, ‘મામલો ઊંડો છે, ભાણા. લાગે છે એવું કે આપણા પ્લાન સાથે કોઈ બીજાનો પ્લાન ક્લૅશ થઈ ગયો છે. સમવન, હૂ પ્લેસ્ડ ધ રૉન્ગ પાર્સલ ઇન ધ બૅગ! કોઈ તો છે જે આપણી જેમ જ આકારને ફસાવવા માગે છે.’
તાનિયાના ચિત્તમાં પડઘો પડ્યો : ‘હું જાણું છું એ કોણ છે!’ 
અને ચૂપકેથી તે પાછી વળી.
lll
‘મારે તમને કંઈક કહેવું છે, આકાર...’ 
આકાર માટે આજનો આખો દિવસ ત્રસ્ત વીત્યો હતો. સાંજ સુધી પોલીસ-તપાસમાં વ્યસ્ત રહેવાયું. બુકાનીધારીની કોઈ ક્લુ હજી મળી નહોતી. આજ પૂરતી તપાસમાંથી પરવારી શેઠજીને ઘરે ડ્રૉપ કરી શોરૂમ પર આવી પોતે કામકાજમાં ચિત્ત પરોવવાનો વિચાર કરતો હતો ત્યાં તાનિયાએ કૅબિનમાં આવી જાણે શું કહેવું છે? 
તાનિયા પણ દિવસભર શોષવાતી રહેલી. મામાસાહેબ-અજિંક્યનું કાવતરું જાણ્યા પછી બૅગ ચોરનાર ગૌણ હતો, ખરેખર તો હીરા બૅગ ચોરાઈ એ પહેલાંના બદલાઈ ગયેલા એ જાણ્યા પછી તાનિયાના દિમાગમાં રિયાની બેવફાઈ ટિકટિક થવા લાગી હતી ઃ ‘જે સ્ત્રી પતિને છેતરી શકે, તે બીજું કંઈ પણ કરી શકે! હીરાની અદલાબદલીનો અવકાશ તેને મહત્તમ હતો. પચીસ કરોડના હીરા લઈને તેણે યાર સાથે પલાયન થવાનું વિચાર્યું હોય...’ આ સંભાવનાને સત્ય માનીને તેણે નક્કી કરી લીધું, ‘હવે આકારને સઘળું કહી દેવું છે!’
‘હું તમારા ભાવવિશ્વ પર વજ્રાઘાત કરવા જઈ રહી છું, આકાર...’ તાનિયાનો સ્વર ધ્રૂજ્યો, ‘એની ક્ષમા યાચીને કહું છું કે...’
lll
રાતના સાડાનવ.
હૉલમાં આંટા મારતી રિયાને આકાર હજી ન આવ્યો એની પરવાહ નહોતી, પણ અશરફને ફોન નહોતો લાગતો, સવારનો તેનો મેસેજ હજી તેણે નથી જોયો એની ચિંતા હતી. ‘તે હજી સુરત પહોંચ્યો નહીં હોય!’
ત્યાં ડોરબેલ રણકી. દરવાજો ખોલતાં જ આકાર ઊછળતા સાદે ધસી આવ્યો, ‘રિયા, રિયા, ડાયમન્ડ-ચોરનો પત્તો મળી ગયો!’
(ઓહ, ડાયમન્ડ-ચોર એટલે કે બૅગ-ચોર, જેમાં નકલી ડાયમન્ડ હતા, જે હું જ જાણું છું!)
‘ખરેખર તો પોલીસને પાલઘર આગળ હાઇવે પર એક લાશ મળી. ટ્રકની ટક્કરે છૂંદાઈ ગયેલી લાશ. તેના પૅન્ટના અન્ડર પૉકેટમાંથી આપણા પચીસ કરોડના અસલી હીરા મળી આવ્યા!’
‘અસલી હીરા... લાશ...’ રિયાનું હૈયું ફફડવા લાગ્યું.
‘ચોરની ઓળખ પણ મળી, સુરતનો જ નીકળ્યો... અશરફ.’
નામ કહેતાં જ રિયાનો હૈયાબંધ તૂટ્યો,
‘નો!’ ચીસ નાખતી રિયાએ આકારનો કૉલર પકડ્યો, ‘બોલ, બોલ કે આ જૂઠ છે! મારો અશરફ મને છોડીને જઈ ન શકે! તે મરી ન શકે...’ એ લવારે ચડી ગઈ, ‘લઈ લે તારા હીરા, મને મારો અશરફ દઈ દે...’
ચિલ્લાતી તે થોથવાઈ ગઈ. દરવાજે તાનિયા સાથે પોલીસ પણ હતી!
મૉલમાં અમને જોઈ ગયેલી તાનિયાએ આજની ચોરીમાં અમારો હાથ જોયો, આ જ તર્ક તેણે આકારને કહ્યો... આકાર માટે એ લગ્નજીવન ધ્વસ્ત થવાની ક્ષણ હતી. તાનિયાએ તેને સાંભળ્યો, અરે, અશરફના મોતનો ડ્રામા કરવાનો પ્લાન પણ તેણે સુઝાડ્યો... તેના ટ્રૅપમાં હું ક્યાં ફસાઈ!’
‘બટ નાવ ઇટ્સ ઑલ ઓવર!’
lll
પોલીસ સમક્ષ રિયાએ વટાણા વેર્યા પછી મુંબઈ પોલીસે સુરત જાણ કરતાં અશરફને ઍરપોર્ટ પર ઝડપી લેવાયો. પોતાનો પ્રેમી મુલ્ક છોડીને જવાનો હતો એ જાણી રિયાએ છાતી કૂટી, પણ હવે શું! 
રિયાની બેવફાઈ સિદ્ધાર્થભાઈને ડઘાવી ગઈ, સાધના-અજિંક્ય-મામાસાહેબને પણ આઘાત લાગ્યો ઃ ‘રિયાએ આકારને છેહ દીધો? અને તાનિયા પણ મારી બેટી 
જબરી નીકળી!’
તાનિયાએ આકારને તૂટવા નહોતો દીધો. ઘરે ખબર આપી પોતે આકારને ત્યાં રોકાયેલી. એકાંતની ક્ષણોમાં હૈયાના હારને છાતીએ ચાંપી એની વેદના અશ્રુ વાટે વહાવા દીધેલી - ‘તમે તો મુક્ત થયા આકાર, છળ ભરેલા બંધનમાંથી. ગુમાવ્યું તો રિયાએ છે... અજિંક્ય-સાધના ટિફિન લઈને આવ્યાં, રાત અહીં જ રોકાવાનાં હતાં.   
... અને વહેલી સવારે અજિંક્ય ઊઠતાં જ તાનિયાએ મોકો જોયો. સાધના, આકુ ઊંઘતાં હતાં એ દરમ્યાન બાકી રહેલું એક કામ પતાવી દેવું ઘટે.  
‘તમારા તરફથી આવી અપેક્ષા નહોતી સર.’
‘મતલબ?’ અજિંક્ય ચમક્યો. ‘તાનિયા મામાશ્રી સાથેની મારી વાત સાંભળીને અમારા કાવતરાનો ભેદ પામી ગઈ છે એ જાણી હળવુ કંપન પ્રસરી ગયું બદનમાંથી.’  
‘શેઠજી આકારને પુત્રવત્ માને છે, આકાર તમને મોટા ભાઈનું માન આપે છે, અને તમે?’
તાનિયાના પ્રશ્નમાં વેદના હતી, અજિંક્યની ગરદન ઝૂકી ગઈ. 
‘આકારથી દાઝેલા બિહારી તો મામાશ્રીની ધાકે ફરી નહીં દેખાય...’ તાનિયા હાંફી ગઈ, ‘પણ જાણો છો, સર? આકાર પત્નીની બેવફાઈ તો સહન કરી ગયો, તમારું આ માનસદર્શન તે નહીં ખમી શકે.’ 
 ‘તાનિયા, આમાં મામાસાહેબનો વાંક ન જોતી, એ તો મારા પ્રત્યેના હેતને કારણે આકારની લીટી નાની કરવાના થયા, જેમાં મારી સંમતિ હતી, કેમ કે આકારની કાબેલિયતની પજવણી ક્યાંક મને પણ હતી. પિતાશ્રીનું આકુને વધાવવાનું વલણ ખટકતું.’ 
કહેતો અજિંક્ય આંખો મીંચી ગયો, ખૂલી ત્યારે દ્વિધા ન રહી,
‘પણ આજે એમાં બદલાવ આવેલો જાણ. પચીસ કરોડના હીરા જવા છતાં મારાથી સુધ્ધાં તેની નિયતમાં શક ન સેવાયો, રિયાની બેવફાઈનું સાંભળીને દુઃખ થયું. આકુ પરત્વેની એ જ લાગણી સાચી. બસ, એક વાર હું આકારની માફી માગી લઉં.’ 
‘તમારું આટલું કહેવું જ પૂરતું છે, નાના શેઠ. હવે આ વાત મારા-તમારા-મામાશ્રી સિવાય બહાર ક્યાંય જાય નહીં!’
અજિંક્ય તાનિયાને નિહાળી રહ્યો. ‘આકારની પત્નીની બેવફાઈ ખોલનારી અમારો અપરાધ ઢાંકે છે, કેમ કે લાગણીમાં, સંબંધમાં ક્યાં ખૂલવું ને ક્યાં મુઠ્ઠી બંધ રાખવી એની તેને સમજ છે!’ 
અનાયાસ તેણે તાનિયાના માથે હાથ મૂક્યો, ‘ખુશ રહો.. તમે બેઉ!’
ઘરે આવીને મામાસાહેબને કહેતાં તે એટલું જ બોલ્યા, ‘આકાર બાબત તારું સમાધાન થયું હોય ભાણા તો હું તો તારી ખુશીમાં જ રાજી!’
કહે છેને સૌ સારું, જેનું છેવટ સારું. રિયાની ધરપકડ, તેની બેવફાઈના ખબર સિદ્ધાર્થભાઈએ જ સુરત-નવસારી આપતાં મા-બાપે દીકરીના નામનું નાહી નાખ્યું, નવસારીથી મુંબઈ દોડી આવેલાં માવતર તાનિયાને મળીને સંતોષ પામ્યાં. 
હા, બૅગ ચોરનારો કદી ઝડપાયો નહીં, પણ એમ તો રિયાએ એમાં નકલી હીરા મૂકેલા એ જાણ્યા પછી અને અસલી હીરા મળ્યા પછી એના મૂળમાં જવાનો રસ પણ કોને હોય! આનું સત્ય આકાર કદી પામી શક્યો નહીં. 
રિયા-અશરફને ઘટતી સજા થઈ. કોર્ટમાં બેઉ એવાં તો બાખડેલાં. રિયાથી છૂટો પડેલો આકુ તાનિયાના પ્રણયપાશમાં જકડાતો ગયો. ઑફિસમાં અજિંક્યને હવે આકારનાં વખાણની અણખટ નથી, બલકે તે જ તેને વધુ વખાણે છે અને મામાશ્રી તો ભાણાના સૂરમાં સૂર પુરાવવાનાં જ! 
શુભ મુરતમાં આકાર-તાનિયાનાં રંગેચંગે લગ્ન લેવાયાં. નવસારીના ઘરની મેડીની રૂમમાં સુહાગરાત ઊજવાઈ ને પરિતૃપ્ત થયેલા તનમનને હવે કોઈ વિપદા કનડવાની નહોતી!

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff