19 January, 2026 02:21 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
જાન્યુઆરીમાં વરસાદી વાતાવરણ ઊભું થાય એવું ભાગ્યે જ જોવા મળતું પણ આજે મુંબઈનું આકાશ સવારથી જ ઘેરાયેલું હતું. ઘેરાયેલા આકાશને લીધે વાતાવરણમાં ગજબનાક ઉદાસીનતા હતી. અરબ સાગર પરથી આવતો ઠંડો પવન પોતાની સાથે દરિયાનાં મોજાંને પણ લઈ આવતો, જે મોજાં બૅન્ડ સ્ટૅન્ડ પર અથડાઈને વાતાવરણની ઉદાસીમાં ઉમેરો કરતાં હતાં તો તમારી ઑફિસમાં વાગતું ગીત એ ઉદાસીને વદી આપવાનું કામ કરતું હતું.
ના હોકે ભી કરીબ તૂ
હમેશા પાસ થા,
કે સો જનમ ભી દેખતા મૈં તેરા રાસ્તા
જો ભી હૈ સબ મેરા,
તેરે હવાલે કર દિયા...
જિસ્મ કા હર રુંઆ
તેરે હવાલે કર દિયા...
ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું ગીત અત્યારે તમારા માટે વધારે આક્રમક હતું. ઑફિસની બારીમાંથી દેખાતા રસ્તાઓ પર ભાગતા લોકોની આજે તમને ઈર્ષ્યા આવતી હતી. દોડતો-ભાગતો એ દરેક માણસ કોઈ ને કોઈ સપના પાછળ દોડતો હતો, સપનાંઓ પૂરાં કરવાની આશા સાથે દોડતો હતો; પણ તમારાં સપનાંઓની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ હતી. પહેલાં વાંસજાળિયા, પછી રાજકોટ, પછી અમદાવાદ અને હવે મુંબઈ. ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં ક્રીએટિવ રાઇટર તરીકે જૉઇન કર્યું પણ અલ્ટિમેટ્લી તમારી ઇચ્છા તો રાઇટર બનવાની હતી અને છેલ્લાં દસ વર્ષમાં તમે એ હાંસલ પણ કરી લીધું હતું. ટીવી-સિરિયલના સ્ટાર રાઇટર ગણાવા લાગ્યા પછી હવે તમારી કરીઅર સેટ હતી. કરીઅર પણ અને લાઇફ પણ. પૈસો હતો, નામ હતું અને જીવવાની આશા સમાન એન્જલ પણ હતી.
એન્જલ, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ વિક્રમ શાહની એકની એક દીકરી. આજે એન્જલનો ૨૪મો જન્મદિવસ હતો. મહિનાઓ પહેલાં આજના આ દિવસ માટે તમે અને એન્જલે એક નિર્ણય કર્યો હતો, પણ એ નિર્ણયને અવગણીને આજે તમે બીજો નિર્ણય લઈ લીધો હતો અને એ નિર્ણયને વળગી રહેવા માટે તમારે સવારથી જ મક્કમ રહેવાનું હતું.
તમે યેગરમાયસ્ટરની બૉટલ ખોલી.
ઑફિસમાં પહેલી વાર અને એન્જલની ગેરહાજરીમાં પણ
પહેલી વાર.
પહેલો પેગ તમે એક જ ઘૂંટડામાં ખાલી કરી નાખ્યો. માઇનસ દસ ડિગ્રીમાં પણ ન થીજતું ગરમાગરમ યેગરમાયસ્ટર તમારા ગળામાં બળતરા કરાવી ગયું. જો બીજો કોઈ દિવસ હોત તો તમારા ચહેરાના હાવભાવ અને નકશો બન્ને બદલાઈ ગયા હોત પણ મનમાં ચાલતા ઉકળાટ વચ્ચે એ બળતરા આજે તમને રાહત આપતી હતી.
યેગરમાયસ્ટરનો બીજો ગ્લાસ ભરાયો પણ એ હોઠ સુધી પહોંચે એ પહેલાં જ મોબાઇલની રિંગ વાગી. ટ્યુનના કારણે તમે સમજી ગયા કે કોનો ફોન છે. ગ્લાસ હાથમાં રાખીને જ તમે મોબાઇલ સ્ક્રીન જોઈ. વિડિયો કૉલ હતો. તમે વિડિયો ઑફ કરી ફોન રિસીવ કર્યો કે તરત સામેથી અવાજ આવ્યો.
‘વિડિયો ઑન કર...’
‘મૂડ નથી. ફોન શું કર્યો એ કહે?’
‘એય ઇડિયટ, રોજ હું તને આ ટાઇમે ફોન કરું છું.’ ફોન લંડનથી સિસ્ટર રુત્વીનો હતો, ‘ક્યાં છે?’
‘ઑફિસમાં...’
‘તેં જે નક્કી કર્યું છે એ ફાઇનલ છે?’ રુત્વીના અવાજમાં ઉદાસી ઉમેરાઈ, ‘જો મારી વાત માન, શક્ય હોય તો એક વાર વિચાર કરી લે...’
‘શું વિચાર કરું? શેનો વિચાર કરું...’ ભારે થતો અવાજ પરખાઈ ન જાય એ માટે તમે ગળું ખંખેર્યું, ‘રુતુ, બીજી વાત કરીએ. ના, પછી વાત કરીએ. પ્લીઝ...’
‘આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ...’ રુત્વીએ પણ વાત ટૂંકાવતાં કહ્યું, ‘હું કહું છું, તું અહીં આવી જા. અહીં તને વધારે સારી...’
‘પછી વિચારીએ. બાય.’
તમે ફોન પૂરો કર્યો અને આંખ ભરાય એ પહેલાં ગ્લાસ મોઢે માંડી દીધો. લૅપટૉપના સ્પીકરમાંથી આવતા શબ્દો તમારા દિલદિમાગ પર પથરાવા માંડ્યા.
ઝરા કભી મેરી નઝર સે
ખુદ કો દેખ ભી,
હૈ ચાંદ મેં ભી દાગ
પર ના તુઝમેં એક ભી...
ખુદ પે હક મેરા
તેરે હવાલે કર દિયા,
જિસ્મ કા હર રુઆં
તેરે હવાલે કર દિયા...
‘હેય, ક્યાં છો?’ એન્જલના અવાજમાં ઉત્સાહ હતો અને
ઉતાવળ પણ, ‘જલદી આવ, બધા રાહ જુએ છે...’
‘હા, ટ્રાફિક બહુ છે.’ નિરુત્સાહ તમે કહ્યું, ‘થોડી વાર તો લાગશે.’
‘આવું થોડું હોય બાબુ, આજે તો વહેલું નીકળવું જોઈએને.’
‘ટ્રાફિકની ખબર થોડી હોય?’ તમે વાત ટૂંકાવી, ‘આવું છું...’
‘સાંભળ...’
તમારામાં સાંભળવાની કોઈ ક્ષમતા નહોતી અને તમે ફોન કટ કરી નાખ્યો. જો બીજો કોઈ દિવસ હોત તો તરત જ ફરી ફોન આવ્યો હોત પણ આજે ફોન ન આવ્યો અને એનું કારણ ગેસ્ટ હતા.
લૅન્ડ્સ એન્ડમાં રાખવામાં આવેલી દીકરીની બર્થ-ડે પાર્ટીમાં આજે વિક્રમ શાહ તરફથી બીજી પણ એક સરપ્રાઇઝ હતી અને એટલે જ ધારણા કરતાં પણ વધારે ગેસ્ટ ઇન્વાઇટ થયા હતા. ગેસ્ટ પણ અને રિલેટિવ્સ પણ.
lll
‘બેટા, હજી કેટલી વાર... બધા આવી ગયા.’
‘હા પપ્પા, નીકળી ગયો છે. ટ્રાફિકમાં અટવાયો છે.’ એન્જલે ધીમેકથી કહ્યું, ‘હમણાં જ પહોંચશે.’
‘હા પણ તું જો તો ખરી, આઠ વાગ્યાનો ટાઇમ હતો અને અત્યારે પોણાનવ થયા.’ વિક્રમ શાહે કહ્યું, ‘ફોન લગાડ, હું વાત કરું છું.’
‘તેના ફોનની બૅટરી લો હતી એટલે કદાચ...’
‘બેટા, તે પોતાની કારમાં આવે છે અને કારમાં મોબાઇલ ચાર્જિંગની ફૅસિલિટી હોય. તું ફોન લગાડ...’
એન્જલે ફોન લગાડ્યો પણ તેનું અનુમાન સાચું પડ્યું.
છેલ્લા અડધા કલાકથી તમારો મોબાઇલ સ્વિચ્ડ ઑફ આવતો હતો. અગાઉ આવું ક્યારેય બન્યું નહોતું અને એટલે જ એન્જલને ખાસ ગુસ્સો આવતો નહોતો.
lll
‘અરે, તારે તો છ વાગ્યે મીટિંગ હતીને?’
‘હા, પણ હતી...’ તમે સ્માઇલ સાથે કહ્યું, ‘તને છ વાગ્યે મળવાની ના પાડી અને તેં ફોન કટ કરી નાખ્યો એટલે મેં મીટિંગના ફોન કટ કરી નાખ્યા. મીટિંગ કૅન્સલ.’
‘સ્ટુપિડ... એવું ન કરાય. કામ ઇમ્પોર્ટન્ટ છે.’
‘યસ... અને એ કામ પહેલાં તું ઇમ્પોર્ટન્ટ છો.’
‘ઍક્ચ્યુઅલી, તારી આવી વાતો જ મને તારા પર ગુસ્સો નથી આવવા દેતી.’
‘મૅડમ, વિચારો, આવી વાતો લખવાના ચૅનલવાળાઓ પૈસા આપે છે ને હું એ તમારા માટે એમ ને એમ જ વાપરું છું...’
‘ઍક્ચ્યુઅલી તારી આવી વાતોની હું ઇન્સ્પિરેશન છું.’ તમારા માથા પર હાથ ફેરવતાં એન્જલે કહ્યું, ‘તું અહીં બધું યુઝ કરી લે અને જોઈ લે કે કઈ વાતનું કેવું રીઍક્શન છે અને એ પછી તું એ બધું લખે છે...’
‘રાઇટ. અને એટલે જ હું તને છોડીને જવાનો નથી કે તું મને છોડે એવું થવા નથી દેતો.’ તમે આજુબાજુમાં જોયું, ‘હવે જલદી કંઈ ખાઈએ. બહુ ભૂખ લાગી છે.’
lll
‘હાય...’
તમે લૅન્ડ્સ એન્ડના બૉલરૂમમાં દાખલ થયા. તમારી નજર એક જ વ્યક્તિને શોધતી હતી અને ત્યાં હાજર રહેલી તમામ નજર તમને. જોકે તમને અત્યારે એ કોઈ આંખોમાં રહેલા આવકારમાં ઇન્ટરેસ્ટ નહોતો.
‘એન્જલ ક્યાં?’
એન્જલની કઝિન ઈશાને જોઈને તમે સીધા તેની પાસે ગયા.
‘ક્યારની તારી રાહ જુએ છે.’ ઈશાએ એક કૉર્નર તરફ હાથ કર્યો, ‘આજે તું મર્યો, કન્ફર્મ.’
ઈશાના ફેસ પર સિનેમાસ્કોપ સ્માઇલ હતું પણ તમારો ચહેરો ભાવવિહીન હતો.
સપાટ ચહેરા સાથે તમે ઈશાએ દેખાડેલી દિશામાં આગળ વધ્યા અને એક ક્ષણે તમારા પગ અટકી ગયા.
વાઇન કલરના ગાઉનમાં એન્જલ સાચે જ પરી લાગતી હતી. જો રિયલ લાઇફમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોત તો અત્યારે તમારા બૅકગ્રાઉન્ડમાં એક જ ગીત વાગતું હોત...
એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે ખિલતા ગુલાબ,
જૈસે શાયર કા ખ્વાબ
જૈસે ઉજલી કિરન,
જૈસે બન મેં હિરન,
જૈસે ચાંદની રાત,
જૈસે નર્મી કી બાત,
જૈસે મંદિર મેં હો
એક જલતા દિયા...
અહીં સુધી પહોંચવામાં તમારા પગ અનેક વખત લથડ્યા હતા. સવારથી અત્યાર સુધીમાં તમે એક આખી, પોણો લીટરની યેગરમાયસ્ટર ખાલી કરી ગયા હતા. પણ એ આખી બૉટલનો નશો ક્ષણવારમાં ઓસરવા માંડ્યો હતો, જેને તમારે ઓસરવા નહોતો દેવાનો. હવેની થોડી મિનિટો તમારા માટે સૌથી મહત્ત્વની હતી.
‘તું આટલો મોડો? ચાલ જલદી, પપ્પા તારી જ રાહ જુએ છે.’
એન્જલે હાથ લંબાવ્યો પણ તમે હાથ પકડવા દીધો નહીં અને ઠંડા અવાજે કહ્યું,
‘મારે તારી સાથે થોડી વાત કરવી છે.’
‘અત્યાર સુધીમાં તું મને પ્રાઇવેટ્લી ચાર વખત પ્રપોઝ કરી ચૂક્યો છો.’ એન્જલના ચહેરા પર સ્માઇલ અને આંખોમાં ચમક હતી, ‘હજી એક વાર કરવું છે?’
‘આપણે વાત કરીએ, પ્લીઝ.’
તમારા અવાજની ઠંડક જાણે કે પરખાઈ ગઈ હોય એમ એન્જલે આજુબાજુમાં જોયું અને પછી તમને ઇશારો કરી બૉલરૂમની ગૅલરીમાં આવવા કહ્યું.
lll
‘યસ... સે...’
એન્જલનું ધ્યાન તમારી પાછળ
હતું, તમારી પાછળ આખો બૉલરૂમ દેખાતો હતો.
‘થોડું ફાસ્ટ, ઍક્ચ્યુઅલી આજે પપ્પા ઈગરલી તારી રાહ જુએ છે.’ એન્જલના અવાજમાં ખુશી હતી, ‘યુ નો, દીકરીનો હાથ કોઈને સોંપતી વખતે પપ્પાની ફીલિંગ કેવી હોતી હશે એ આજે મને પહેલી વાર થોડું સમજાય છે.’
‘... ...’
‘બોલ, શું કહેવું છે તારે?’ એન્જલે સહેજ ઊંચા થઈને તમારી પીઠ પાછળ જોઈ લીધું, ‘જલદી, આ લોકોનું ધ્યાન ગયું એટલી વાર... એ લોકો આપણને બોલાવી લેશે.’
તમે ઊંડો શ્વાસ લીધો અને હાથમાં રહેલો એન્જલનો હાથ છોડ્યો.
‘આપણે હવે સાથે નહીં રહી શકીએ. આ સંબંધ અહીં જ પૂરો થાય છે.’
‘વૉટ?!’ એન્જલના પગ નીચેથી જમીન સરકવા માંડી હતી, ‘આવી, આવી મજાક હોય... ડોન્ટ બી સ્ટુપિડ. બર્થ-ડેમાં ગિફ્ટ આપવાની હોય, હાર્ટ-અટૅક નહીં.’
‘આ મજાક નથી. સહેજ પણ નહીં. એન્જલ, પ્રૉમિસ.’ સિગારેટ સળગાવતાં તમે શબ્દો પણ સુધાર્યા, ‘ભગવાનના સમ... તું જે ભગવાનમાં બહુ માનતી હો એ ભગવાનના સમ, આ મજાક નથી. આઇ ડોન્ટ વૉન્ટ ટુ મૅરી યુ.’
‘અરે, પપ્પાએ બધાને કહી દીધું છે.’
‘ના, કોઈને કહ્યું નથી એટલી મને ખબર છે.’ તમારી આંખોમાં તાપ હતો, ‘બધાને એટલું જ કહ્યું છે કે આ બર્થ-ડે પાર્ટીમાં તમારા માટે એક બીજી પણ સરપ્રાઇઝ છે. સો ટેક ઇટ ધૅટ વે... આ સરપ્રાઇઝ હતી.’
‘તું, તું... શું બોલે છે એનું તને ભાન છે?’
‘હા. પૂરેપૂરું.’ પહેલી વાર પીધેલી સિગારેટથી ખાંસી ન આવી જાય એનું ધ્યાન રાખતાં તમે કહ્યું, ‘લુક એન્જલ, તારા બાપ પાસે નામ મોટું છે પણ એ અંદરથી ખતમ થઈ ગયો છે અને મુંબઈની મારી આજ સુધીની લાઇફમાં મને એટલું સમજાયું છે કે તારા આ સિટીમાં રહેવું હોય તો સક્સેસ સાથે રહી શકાય ને સક્સેસફુલ સાથે રહી શકાય. સો મેં નક્કી કર્યુ છે કે આપણે સાથે નહીં રહીએ. હું તારે લાયક છું પણ તું ને તારી ફૅમિલી મારે લાયક નથી... બાય.’
તમે ગૅલરીમાંથી ટર્ન લઈ બૉલરૂમમાં આવ્યા. તમારી પીઠ પાછળ કોઈ આંસુ સારતું હતું અને તમે તમારી મુસ્તાકીમાં મસ્ત હતા.
‘મિસ્ટર શાહ...’ વિક્રમ શાહને તમે દૂરથી જ બોલાવ્યા, ‘તમારી આ દીકરીને કહી દેજો, આજ પછી મને કૉન્ટૅક્ટ ન કરે. હું મારા લેવલના લોકો સાથે રહેવા માગું છું.’
(ક્રમશ:)