આઇ લવ યુ 2 ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પ્રકરણ ૨)

20 January, 2026 11:51 AM IST  |  Mumbai | Rashmin Shah

આંખમાં આવી ગયેલાં આંસુ છુપાવવા તમે ગાડીની બહાર નજર કરી લીધી. જોકે અવાજમાં ભળેલાં આંસુઓએ સૂરમાં ચાડી ખાઈ લીધી હતી.

ઇલસ્ટ્રેશન

નરીમાન પૉઇન્ટ પર આજે પવનની ગતિ વધુ તેજ હતી. અરબી સમુદ્રનાં મોજાં કિનારે અથડાઈને એવાં ફીણ પેદા કરતાં હતાં જાણે એણે આજે ઝેર પીધું હોય.

એન્જલની નજર ગાડીની વિન્ડોમાંથી બહાર રસ્તા પર હતી પણ હકીકત જુદી હતી. એન્જલની આંખો શૂન્યાવકાશમાં વિખરાયેલી હતી. હજી આજે સવારે જ બૉલીવુડ ટાઇમ્સના ફ્રન્ટ પેજ પર તેણે તમારો અને સાનિયા મલ્હોત્રાનો ફોટો જોયો હતો. બન્ને વચ્ચે હૉટ રિલેશન કુક થતાં હોવાના ન્યુઝ હતા અને બન્નેમાંથી કોઈએ એ વાતને રદિયો નહોતો આપ્યો. એ ઇન્ટરવ્યુમાં તમે બૉલીવુડ ટાઇમ્સની રિપોર્ટરને જવાબ આપ્યો હતો, ‘પ્રેમ અભિવ્યક્ત કરવાનું એક જ વાક્ય છે, ‘આઇ લવ યુ’ અને આ વાક્યમાં માત્ર વર્તમાનકાળ છે... સો, તમને મારો જવાબ મળી ગયો હશે.’

lll

‘એવું કેમ?’

આ જ વાત તમે અગાઉ એન્જલને કરી હતી અને એન્જલે એ સમયે તમને પૂછ્યું હતું, ‘એવું કેમ? વર્તમાન જ ભવિષ્ય હોવું જોઈએ.’

‘ના એન્જલ, લાગણીઓને માત્ર વર્તમાન હોવો જોઈએ. તમે જેને આજે પ્રેમ કરો છો તેને આવતી કાલે પ્રેમ ન પણ કરતા હો. આજે જે ટેબલ છે, જે ચૅર છે એ આવતી કાલે પણ ટેબલ અને ચૅર જ રહેવાનાં પણ ઇમોશન ચેન્જ થઈ શકે અને એ થવાં જ જોઈએ.’

‘એ હેલો મિસ્ટર રાઇટર, તું એમ કહેવા માગે છે કે ભવિષ્યમાં તું પણ ચેન્જ થશે?’

‘હંમ...’ સહેજ વિચારીને તમે કહ્યું, ‘હા, બની શકે. આજે હું તને એન્જલ તરીકે પ્રેમ કરું છું તો ભવિષ્યમાં તને હું વાઇફ તરીકે, પછી તને મારા બચ્ચાની મા તરીકે...’

‘ઉહું...’ એન્જલે મોઢું બગાડ્યું, ‘ડાયલૉગ...’

lll

તમારા અને એન્જલના બ્રેકઅપને ત્રણ મહિના થઈ ગયા હતા. આ નેવું દિવસ એન્જલ માટે નેવું દશક સમાન હતા. જે ક્યારેય ઊંચા અવાજે બોલી નહોતી, જેનું હાસ્ય આખા ઘરને ગુંજતું રાખતું તે હવે એક જીવતી લાશ હતી. તેણે પોતાની જાતને એટલી કામમાં પરોવી દીધી હતી કે હવે તેને વિચારવાનો કે એકાંતમાં રડવાનો સમય પણ ન મળે.

પાર્ટીમાં બનેલી ઘટનાના બીજા જ દિવસે વિક્રમ શાહ અને તેની બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં વાત પ્રસરી ગઈ. વિક્રમ શાહને કળ વળે એ પહેલાં જ એક અનાઉન્સમેન્ટે તેમનું બ્લડપ્રેશર વધારી દીધું. ‘ન્યુ બિઝનેસ ટાઇમ્સ’ના ફ્રન્ટ પેજ પર હેડલાઇન આવી...

જુમાની ઇન્ડસ્ટ્રી લૉન્ચ કરશે ઈ-રિક્ષા...

lll

‘એન્જલ, આ કેવી રીતે શક્ય બને?’ વિક્રમ શાહનો અવાજ તરડાઈ ગયો હતો, ‘આ, આ પ્રોજેક્ટની મને અને તને, આપણા બે સિવાય કોઈને ખબર નહોતી. આપણે જે કંપની સાથે ટાઇઅપ કરવાનાં હતાં, મુંદ્રામાં જ્યાં જગ્યા લેવાનાં હતાં એ બધેબધું જુમાની ઇન્ડસ્ટ્રીઝે કરી લીધું... ઇમ્પૉસિબલ.’

વિક્રમ શાહનું બ્લડપ્રેશર હાઈ હતું. શાહ ગ્રુપનું આખું એમ્પાયર તેમણે ઊભું કર્યું હતું. પોતાની આખી જિંદગી તેમણે એમાં ખર્ચી નાખી હતી. આજ સુધી બન્યું નહોતું કે તેમના કોઈ પ્રોજેક્ટ ક્યાંય લીક થયા હોય અને આ વખતે પહેલી વાર, પહેલી વાર એવું બન્યું કે તેમનો આખેઆખો પ્રોજેક્ટ હરીફ કંપનીએ ઉપાડી લીધો. આ પ્રોજેક્ટ વિક્રમ શાહનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, તેમણે કરોડો ઇન્વેસ્ટ કરી દીધા હતા પણ...

lll

‘તેં કોઈને પ્રોજેક્ટની વાત કરી હતી?’

સાંજે ઑફિસથી પાછા આવ્યા પછી પપ્પાએ પહેલો સવાલ કર્યો. પપ્પાના ચહેરા પર નૂર નહોતું, જે એન્જલ સ્પષ્ટ જોઈ શકતી હતી.

‘કોઈને મીન્સ...’

‘કોઈને મીન્સ... તારા પેલા...’

એન્જલે જોયું કે પપ્પાએ તમારું નામ બોલવાનું ટાળ્યું હતું.

‘હા, પણ પપ્પા એમાં તેનો કોઈ હાથ...’

‘આ જો...’ પપ્પાએ ન્યુઝપેપરનો ઘા કર્યો, ‘વાંચ.’

એન્જલે ન્યુઝપેપર હાથમાં લીધું. પેપરના ફ્રન્ટ પેજ પર તમારો ફોટો હતો, તમારી સાથે જુમાની ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન ઈશ્વર જુમાની હતા અને કાનમાં પપ્પાના શબ્દો રેડાતા જતા હતા.

‘આ જ માણસે ગદ્દારી કરી છે. તેણે જ જઈને જુમાની ગ્રુપને આખો પ્રોજેક્ટ આપી દીધો, વેચી નાખ્યો મારો પ્રોજેક્ટ...’

પપ્પાનો અવાજ ફાટવા માંડ્યો, શ્વાસ ચડવા લાગ્યો અને પપ્પાને ખાંસી ચડી.

એ રાત પપ્પાએ સેવન હિલ્સ હૉસ્પિટલમાં પસાર કરવી પડી.

પપ્પાને હાર્ટ-અટૅક આવ્યો હતો.

થૅન્ક ગૉડ કે અટૅક શરૂ થયો ત્યાં જ ટ્રીટમેન્ટ શરૂ થઈ અને વધારે ડૅમેજ અટકી ગયું.

lll

તૂ હૈ તો દિલ ધડકતા હૈ

તૂ હૈ તો સાંસ આતી હૈ

તૂ ના તો ઘર ઘર નહીં લગતા

તૂ હૈ તો ડર નહીં લગતા

તૂ હૈ તો ગમ ના આતે હૈં

તૂ હૈ તો મુસ્કુરાતે હૈં...

‘લવ ઇઝ બુલશિટ...’ આછાસરખા બબડાટ સાથે એન્જલે હાથ લંબાવીને મ્યુઝિક ઑફ કર્યું. ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’નું આ સૉન્ગ તમારું અને એન્જલનું ફેવરિટ સૉન્ગ હતું. અનેક વખત સિલ્વર બીચ પર બેસીને તમે બન્નેએ આ સૉન્ગ સાંભળ્યું હતું, પણ એ જ સૉન્ગ અત્યારે તમારા અને એન્જલ માટે નાસૂર બની ગયું હતું.

‘બસ, યહીં પે રખો...’ ડ્રાઇવરે ગાડી ઊભી રાખી કે તરત જ એન્જલ બહાર નીકળી, ‘તમે ઘરે જાઓ, હું મારી રીતે પહોંચી જઈશ.’

ડ્રાઇવર સામે જોયા વિના જ એન્જલ અંધેરીના લોટસ પેટ્રોલ-પમ્પ પાસેથી ટર્ન લઈને અપના બજાર તરફ વળી ગઈ. એન્જલને ખબર નહોતી કે થોડી જ સેકન્ડમાં તેનો સામનો તેની સાથે થવાનો છે જેની યાદોથી તે ભાગતી ફરે છે.

lll

એવું નહોતું કે તમારા અને એન્જલ વચ્ચે ઝઘડા ન થયા હોય. ઝઘડા પણ થયા હતા અને બ્રેકઅપ પણ થયાં હતાં. અલબત્ત, એ ઝઘડા અને એ બ્રેકઅપ્સમાંથી કેટલાંક અઠવાડિયાં સુધી ચાલ્યાં હતાં તો કેટલાંક તો કલાકોની આવરદા સાથે પૂરાં થઈ ગયાં હતાં.

‘તને મારી સાથે ફાઇટ કરીને શું મળે છે?’

ચાર કલાક પહેલાં જો કોઈએ તમારો અને એન્જલનો ફોન પરનો ઝઘડો સાંભળ્યો હોય તો તે શરત લગાવી દે કે આ બન્ને હવે એકબીજાના ચહેરા નહીં જુએ અને એને બદલે અત્યારે તમે સાથે હતાં, તમારા ફ્લૅટના બેડરૂમમાં.

‘સાચું કહું?’ એન્જલે ઑલમોસ્ટ તમારા પર જમ્પ માર્યો હતો, ‘શેર લોહી ચડે. મજા આવી જાય...’

‘હદ છે... ઝઘડવામાં તને મજા આવે?’

‘હા, તારી સાથે... શું છે, મારી મમ્મી હંમેશાં કહે કે આપણી વ્યક્તિ સાથે જેટલું લડો એટલો પ્રેમ વધે.’ એન્જલે તમને ટાઇટ હગ આપી, ‘લુક, વધી ગયોને આપણો પ્રેમ. જો હું ઝઘડી ન હોત તો તું અત્યારે અહીં હોત?’

સવાલ પછી તરત જવાબ પણ એન્જલે જ આપી દીધો હતો.

‘ના, તું તારા કામમાં મસ્ત રીતે વ્યસ્ત હોત ને હું તને મિસ કરતી હોત.’ એન્જલનો ગરમ શ્વાસ હવે તમે ફીલ કરી શકતા હતા, ‘આ તને ચાન્સ મળી ગયો, વધુ એક ચાન્સ... મારામાં ખોવાઈ જવાનો...’

‘એક મિનિટ. મોબાઇલ લઈ લઉં.’ એન્જલના ટચ થતા હોઠને સહેજ દૂર ધકેલતાં તમે કહ્યું, ‘શું છે, ખોવાઈ જાઉં તો ગૂગલ મૅપની હેલ્પ લઈને પાછા આવી શકાયને.’

‘સ્ટુપિડ.’ એન્જલે તમને ધક્કો માર્યો, ‘આખો મૂડ ખરાબ કરી નાખ્યો...’

‘ડોન્ટ વરી. મૂડ હું બનાવી આપું.’

એન્જલની નજીક જઈને તમે તમારી બિઅર્ડ તેના ગાલ પર ઘસી અને એન્જલની આંખો બંધ થવા લાગી.

lll

હેય, આ તો...

અપના બજાર પાસે પહોંચ્યા પછી અનાયાસ જ એન્જલની નજર અપના બજારની બરાબર સામે આવેલી રૉક ઍન રોલ ક્લબ પર પડી. ક્લબમાંથી તમે બહાર આવતા હતા. તમારો હાથ જેના ખભા પર હતો એ છોકરીએ ઑલમોસ્ટ અડધો મીટરના કપડાથી આખું શરીર ઢાંક્યું હતું. તમારા હોઠ પર સિગારેટ ઝૂલતી હતી અને આંખો પેલી કન્યાની વિશાળ ઍસેટ પર ફરતી હતી. મનમાં ચાલતી વિકૃતિ તમારા ચહેરા પર ઝળહળતી હતી.

હજી તો સાંજના સાડાછ માંડ વાગ્યા હતા પણ જમીન પર મંડાયેલા તમારા પગ સ્થિર નહોતા રહી શકતા. જે કંઈ ખોટું કરીશું એ સાથે કરીશું એવું કહેનારા તમે, અત્યારે જે કંઈ કરીને બહાર આવ્યા હતા એમાં ક્યાંય અફસોસનો ભાવ દેખાતો નહોતો.

તમે સિક્યૉરિટીને ગાડીની ચાવી આપી અને વૅલે-પાર્કિંગમાં પાર્ક થયેલી કાર લેવા માટે તે રવાના થઈ ગયો.

હવે તમે તમારી સાથે આવેલી પેલી રૂપસુંદરી તરફ ફર્યા અને તમારા બન્ને હાથ તેના ખભા પર ગોઠવ્યા. તમારા અને તેના ચહેરા વચ્ચેનું અંતર હવે ઑલમોસ્ટ અડધા ફુટનું રહ્યું હતું. દબાયેલા અવાજે વાત કરતી વખતે પણ તમારી નજર પેલી કન્યાની આંખોમાં ડૂબેલી હતી અને અચાનક જ તમે ગરદન લેફ્ટ સાઇડ પર ઝુકાવી.

તમારી બિલકુલ સામે, પેલી કન્યાની પાછળ એન્જલ ઊભી હતી.

એન્જલની આંખમાં આંસુ હતાં.

‘હેય એન્જલ...’

તમે એન્જલની નજીક જવા માટે પગ ઉપાડ્યો પણ તમારા પગમાંથી તાકાત ઓસરી ગઈ હતી, જેનું કારણ શરાબ હતું કે આંખ સામે આવી ગયેલી એન્જલ એ કોઈ નક્કી કરી શકે એમ નહોતું.

‘મીટ... સાનિયા...’

સટાક...

તમે કંઈ સમજો એ પહેલાં

એન્જલના હાથની છાપ તમારા ગાલ પર ચીપકી ગઈ.

‘આઇ હેટ યુ...’

‘આઇ ડોન્ટ માઇન્ડ બેબી.’ તમારા ચહેરા પર નફ્ફટાઈ સાથેનું સ્મિત પ્રસરી ગયું હતું, ‘તું તારું જાણે. મારી વાત તો એટલી છે, જો... જોઈ લે. તારા વિનાનો હું ને મારા વિનાની તું... હું અત્યારે, તારા ચોવિહારના ટાઇમે... હું મારી લાઇફ જીવું છું ને તું, તું અહીં ફુટપાથ પર ઊભી રડે છે. પુઅર ગર્લ...’

‘પપ્પાનો પ્રોજેક્ટ તેં જ...’

‘વાહ, ડિટેક્ટવ સોમચંદ બની ગઈ તું તો...’

તમે એન્જલની નજીક આવ્યા, મોઢામાંથી આવતી દારૂની સ્ટ્રૉન્ગ વાસ એન્જલથી સહન નહોતી થતી. તેણે મોઢું ફેરવી લીધું.

‘જે રાતે આપણે તારા માટે બેબી પ્લાન કરવાનું વિચારતાં હતાં એ રાતે તું એ પ્રોજેક્ટની ફાઇલ ઘરે લાવી હતી અને પછી તું એ ભૂલી ગઈ. તારી ભૂલવાની આદત મને કરોડપતિ બનાવી ગઈ બેબી...’

‘પહેલી વાર મને આપણા રિલેશન પર શરમ આવે છે. ઍટ લીસ્ટ મારા પ્રેમની તો વૅલ્યુ કરવી હતી?’

‘કરી, વૅલ્યુ કરી પણ બધાએ મને કહ્યું કે આ પ્રેમના પાંચ રૂપિયા પણ નહીં આવે તો પછી મેં પ્રેમ છોડી દીધો. અને વાત રહી તારી શરમાવાની તો શરમાવાની છૂટ છે... આઇ ડોન્ટ માઇન્ડ. અને જો તારે રડવું હોય તો તને અહીં બેસવા માટે ચૅર પણ મગાવી દઉં...’ તમે એન્જલની વધારે નજીક ગયા, ‘અહીં બેસીને રડવાનું શરૂ કર ને સામે છેને, વાટકો રાખજે. થોડી ભીખ પણ મળી જશે. ઓકે?’

‘બેબી...’

પીઠ પાછળથી સાનિયાનો અવાજ આવ્યો અને તમે પાછળ ફર્યા, ‘કમિંગ લવ...’

એન્જલના બૅકડ્રૉપમાં ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’નું ગીત મૂકી તમે નીકળી ગયા.

તુઝસે મેરા જીના મરના

જાન તેરે હાથ મેં

સૌ જનમ ભી કમ ક્યોં લાગે

લાગે તેરે સાથ મેં

મૈં મુસાફિર તૂ મુસાફિર

ઇસ મોહબ્બત કે સફર મેં

દો અકેલે રોએં મિલકે

મિલકે દોનોં રબ કે ઘર મેં

સાથ તેરે ના સફર

વો સફર નહીં લગતા

તૂ હૈ તો દિલ ધડકતા હૈ...

lll

‘થૅન્ક્સ... સાનિયા.’

આંખમાં આવી ગયેલાં આંસુ છુપાવવા તમે ગાડીની બહાર નજર કરી લીધી. જોકે અવાજમાં ભળેલાં આંસુઓએ સૂરમાં ચાડી ખાઈ લીધી હતી.

‘શું કામ, શું કામ આ બધું કરે છે યશ...’

‘એન્જલની નફરત જ મારી જીત છે. જો એન્જલ મને પ્રેમ કરશે તો તે જીવી નહીં શકે અને મારે તેને જીવતી જોવી છે. ભલે મારા વગર... પણ જીવતી, ખડખડાટ હસતી. એવી જેને લાંબો સમય દુખી રહેતાં નથી આવડતું.’ તમે સાનિયા સામે જોયું, ‘બસ, એમ માન, આ તેની લાઇફની છેલ્લી ટેસ્ટ છે.’

વધુ આવતી કાલે

columnists exclusive gujarati mid day Rashmin Shah