29 December, 2025 10:45 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘અનિકેત.’
‘યસ, તર્જની. ઍની અપડેટ ઑન મલ્હોત્રા મર્ડરકેસ?’
‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’માં કામનું ભારણ ઘટતું નથી. સવારે અનિકેત કૅબિનમાં ગોઠવાય કે તર્જની કેસને લગતી અપડેટ્સ ચર્ચવા આવી જ સમજો.
શાર્પ મેમરી ધરાવતી તર્જનીને દરેક કેસની વિગતો કંઠસ્થ રહેતી અને મલ્હોત્રા મર્ડરકેસ અપવાદ નહોતો.
થાણેના મલ્ટિમિલ્યનેર બિલ્ડર દિવાકર મલ્હોત્રાનું બે મહિના અગાઉ મર્ડર થયું હતું.
ના, ખરેખર તો ખંડાલાના ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું, તે ઓવરડ્રન્ક હોવાનું પોસ્ટમૉર્ટમમાં પુરવાર થતાં તેનું મૃત્યુ આકસ્મિક હોવાનું સ્વીકારી લેવાયું : શનિ-રવિનો વીક-એન્ડ ગાળવા પતિ-પત્ની શનિવારની બપોરે ફાર્મહાઉસ આવ્યાં. રાબેતા મુજબ બધી વ્યવસ્થા કરી સ્ટાફ મોડી સાંજે નીકળી ગયો. ઊઘડતા શિયાળાની સાંજે પુલ સાઇડ પર કપલ કૅમ્પફાયર કરી રંગીનિયતમાં મશગૂલ બન્યું...
‘દિવાકર ખડતલ આદમી હતો. કામક્રીડામાં ક્રેઝી થિંગ્સ કરતો. શરૂમાં હું થોડી ગભરાતી, પણ પછીથી આઇ યુઝ્ડ ટુ એન્જૉય ઇટ. એ રાતે પણ અમે ખૂબ મસ્તી કરી. લગભગ બે-ત્રણ વાગ્યે હું થાકીને બેડરૂમમાં આવી. મને હજી તેના શબ્દો પડઘાય છે, હું થોડું સ્વિમ કરીને તને જગાડવા રૂમમાં આવું છું. બટ હી નેવર કેમ. રવિવારની મોડી બપોરે મારી આંખ ઊઘડી, માથું હજી ભમતું હતું. દિવાકર બેડમાં નહોતો. કદાચ વહેલો ઊઠી જિમ કરવા ગયો હશે માની હું કૉફી બનાવવા કિચન તરફ વળું છું કે નજર સ્વિમિંગ-પૂલ પર જાય છે. દિવાકર ઊંધા માથે પાણી પર પથરાયો છે. હું તેને બૂમો પાડું છું, તે ઊઠતો નથી. ક્યાંથી ઊઠે? હી વૉઝ ડેડ!’
મિસિસ દિવાકરે આપેલા બયાનમાં પોલીસને કોઈ વિસંગતિ નહોતી મળી.
પાંત્રીસેક વર્ષના દિવાકરનાં કામિની સાથે લવ મૅરેજ હતાં. પોતાની ફર્મમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયેલી કામિની એવી રૂપવતી હતી કે દિવાકર તેની પાછળ લટ્ટુ બન્યો હતો ને છ જ માસમાં બેઉ પરણી ગયાં હતાં. આમ જુઓ તો બેઉનાં માબાપ રહ્યાં નહોતાં, પણ તેમનાં દૂરનાં સગાં-મિત્રોની સાક્ષી મુજબ બેઉની છ વર્ષની મૅરિડ લાઇફ હૅપી-હૅપનિંગ હતી. દિવાકરનો બિઝનેસ સરસ ચાલતો હતો અને બધું બરાબર હોય ત્યારે અચાનકનું અવસાન આકસ્મિક જ ગણાવું જોઈએ.
કેવળ વીમા કંપનીને આમાં શંકા હતી અને તેમણે બે વીક અગાઉ કેતુને અપ્રોચ કર્યો હતો: દિવાકરની કરોડો રૂપિયાની પૉલિસી હતી અને ઍક્સિડેન્ટલ ડેથના બદલામાં અમારે અનેકગણું વળતર તેમનાં વિધવા કામિનીદેવીને ચૂકવવાનું થાય છે. બિફોર ધૅટ, વી વૉન્ટ યૉર વર્ડિક્ટ ઇન ધિસ કેસ.
તર્જની સાથે ચર્ચા કરી
ચિરંતન-ચેતાલીએ નૈનાને કામિનીદેવીને ત્યાં મેઇડ તરીકે પ્લેસ કરી હતી.
‘સો ફાર નથિંગ સસ્પિશિયસ.’
અત્યારે તર્જનીએ કેતુને અપડેટ આપી, ‘નૈનાએ કામિનીનો ફોન પણ સ્કૅન કરી નાખ્યો છે, પણ વાંધાજનક કશું નથી. થાણેના ઘરે કામિની આજે પણ પતિની યાદમાં આંસુ વહાવતી હોય છે, પતિની ઑફિસ તેણે રિઝ્યુમ કરી છે, બટ નો ક્લુ.’
કહેતી તર્જનીનું ધ્યાન ગયું. કેતુનું ધ્યાન મારી વાતોમાં નથી, મારા ગાલે રમતી વાળની લટને નીરખી કેવું મંદ મલકી રહ્યો છે!
તર્જની સહેજ રતુંબડી થઈ.
મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી એ બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખી બેઠાં હોય!
લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈ પરત થયેલા કેતુએ મુંબઈમાં ‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’નો પાયો નાખ્યો અને તર્જની તેની મદદનીશ તરીકે જોડાઈ. એજન્સી ખોલ્યાનાં આ બે વર્ષમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે. ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે, ચિત્તરંજન-ચૈતાલી તેમનાં મુખ્ય સહાયક. જોકે સ્ટાફમાં પણ કેતુ-તર્જનીમાં કોણ કોનું બૉસ એની રસપ્રદ ચર્ચા થતી રહેતી ખરી!
પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત સૌંદર્યમૂર્તિ. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.
‘તને શું લાગે છે તર્જની?’
કેતુના સાદે તે ઝબકી.
‘આજકાલ હું જરા એક્સ્ટ્રા હૅન્ડસમ નથી દેખાતો?’
તર્જનીએ હોઠ કરડ્યો. આવું કંઈક કહી કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!
અત્યારે જોકે કેતુ હરકતમાં આવે એ પહેલાં ચૈતાલીએ દેખા દીધી, ‘મલ્હોત્રાના કેસમાં કશું શંકાસ્પદ લાગતું નથી. નૈનાને તેડાવી લઉં?’
‘નો.’ કેતુએ ઇનકાર જતાવ્યો.
‘જાસૂસને કશું મળે નહીં ત્યારે કશું છે નહીં એમ માનવાને બદલે એવું માનવું કે ગોતાખોરે થોડી વધુ ઊંડે ડૂબકી મારવાની જરૂર છે. ગૉટ ઇટ?’
ચૈતાલી થોડામાં ઘણાની જેમ સમજી ગઈ : ગૉટ ઇટ, બૉસ! નૈનાને પણ સમજાવી દઉં છું.
lll
ડાઇવ ડિપ.
થાણેના ઘરે હાઉસમેડ તરીકે ગોઠવાયેલી નૈના ભેજું કસે છે. ચૈતાલીએ ઊંડાણમાં જવા સમજાવ્યું, પણ ઇન્વેસ્ટિગેશનમાં હજી બાકી શું રહે છે? દિવાકરની હત્યા થઈ હોય તો તેની બેનિફિશિયરી એકમાત્ર કામિની છે. અને તેની ગતિવિધિમાં કશું શંકાસ્પદ જણાતું નથી. તેના વહેવારમાં, તેના ફોનમાં, તેના કબાટમાં...
અને નૈના ટટાર થઈ.
તેના કબાટનું ચોરખાનું તો મેં તપાસ્યું, પણ વુડન કપબર્ડમાં લોખંડની મોટી તિજોરી છે એ જોવાની બાકી છે એ કેમ ભુલાઈ ગયું? લાગ જોઈને એ ખોલવી રહી.
કબાટની તિજોરી ખૂલવાની સાથે મોટો ભેદ ખૂલી શકે એમ છે એની ત્યારે ક્યાં જાણ હતી?
lll
‘મહારાણીમા, તમે નાહક પક્ષપાતી થાઓ છો. મને એ મંજૂર નથી.’
વિજયસિંહની દૃઢતાએ હમીરગઢનાં રાણીમા મોહિનીદેવી ગદ્ગદ થયાં. નજર સામી દીવાલે લટકતી પતિ મહારાજા ભવાનીસિંહની તસવીર પર ગઈ. તેમના પડખે તેમનાં પ્રથમ પત્ની અનસૂયાદેવીની તસવીર હતી. કેવું જાજરમાન વ્યક્તિત્વ!
હાસ્તો. વિજય જેવો કુળવાન દીકરો જેમની કૂખે જન્મે એ સ્ત્રી સાધારણ ઓછી હોય!
સાધારણ તો હું.... ભવાનીસિંહ જેવા ભડવીરનું પડખું તો મેંય સેવ્યું, પણ મારી કૂખે અવતરેલો કુળદીપક કુલંગાર ગણાય એવો પાક્યો!
હળવો નિસાસો સરી ગયો મોહિનીદેવીથી.
વિજયને સાત વર્ષનો મૂકી અનસૂયાદેવીએ પિછોડી તાણી. એનાં ત્રણ વર્ષ પછી કુટુંબીઓના આગ્રહથી ભવાનીસિંહ ફરી પરણવા રાજી થયા પણ આ વખતે રાજઘરાનાની કન્યાનો બાધ નહોતો: મને સામાન્ય ઘરની સીધીસાદી યુવતી ચાલશે. બસ, મારા વિજયને માની ખોટ નહીં સાલવા દે એટલો એક ગુણ તેનામાં હોવો જોઈએ.
મોહિનીદેવી સંભારી રહ્યાં :
મોહિનીના પિતાને રાજપુરોહિત સાથે ઊઠબેસનો સંબંધ. મહારાજની દુલ્હન માટેની અપેક્ષા જાણી કાશીનાથને એકની એક દીકરી મોહિનીનો ભવ સુધારવાની કામના જાગી: મારી લાડલીમાં રૂપ-ગુણ તો છે જ, નમાયા છોકરાને માતૃભાવે અપનાવાની ઋજુતા પણ છે...
‘એટલે દીકરીને ઉંમરમાં મોટા બીજવર સાથે પરણાવવાની!’ પત્નીએ છણકો કરેલો.
‘એ બીજવર રૈયતનો રાજા હોય તો કેમ નહીં/ અને ભવાનીસિંહ કંઈ ઐયાશ કે વહેશી રાજવી નથી, પ્રજાપાલક છે. આપણી મોહિનીને દુખી નહીં કરે, રાજરાણીનું સુખ ઝોળીમાં પડતું હોય તો એને ઝીલવાનું જ હોયને!’
મોહિનીને પિતાના વિચાર-વહેવારમાં શ્રદ્ધા હતી. તેના હકારે કાશીનાથે રાજપુરોહિતને દબાણ કર્યું અને તેમની ભલામણે મહારાજે મોહિનીને મળવાનું ગોઠવ્યું.
અહીં, આ જ પૅલેસના વરંડાની બેઠકે અમારી પહેલી મુલાકાત થઈ હતી. વરંડો શાનો, વિવિધરંગી પુષ્પોથી શોભતો બાગ જ કહોને. ચારેકોર હરિયાળી, નીચે કુમળું ઘાસ, ગુલાબ-મોગરાના ક્યારા, મધુમાલતીના વેલા, વચ્ચે આરસ મઢ્યો ફુવારો.
મોહિનીદેવીએ કડી સાંધી :
એ પહેલાં તો મહેલના ગુંબજને કેવળ દૂરથી નિહાળેલો. માતાપિતા સાથે નાનકડા શામિયાણાની બેઠકે ગોઠવાતી મોહિની થોડું સંકોચાતી પણ હતી: અહીંનાં દાસ-દાસીનો પહેરવેશ પણ અમારાથી રુડો છે!
‘પિતાજી, આ કોણ છે?’
ભવાનીસિંહની પડખે બેઠેલા બાળકે પૂછ્યું અને બીજું બધું ભૂલી મોહિની તેને નિહાળી રહી: પરાણે વહાલો લાગે એવો એ કુંવર વિજય જ હોય! પિતાની જેમ તેણેય રેશમી શેરવાની પહેરી છે, ગળામાં હીરા-પન્નાનો નેકલેસ છે. કપાળે નાનકડા મુગટમાં ખોસેલા મોરપિચ્છને કારણે કલૈયા કુંવર જેવો મીઠડો લાગે છે રાજકુમાર! છે હજી દસ વર્ષનો, પણ બાર-તેર વર્ષના કિશોર જેવો એનો બાંધો થઈ ગયો છે. આખરે રાજવંશી લોહી, વર્તાયા વિના ઓછું રહે!
તેના સવાલે ભવાનીસિંહ થોડા મૂંઝાયા, પણ મોહિની મલકી પડી, ‘તું જે માને એ – દાસી તો દાસી, સખી તો સખી અને મા તો મા.’
‘મા!’ કુંવરનું મોં પહોળું થયું. એમાં અચરજ હતું કે આઘાત એ મોહિની કળી ન શકી. પોતાની જાતને તેણે કોચલામાં પૂરી દીધી હોય એમ મૂંગો થઈ ગયો.
મા વિનાના બાળકની પ્રતિક્રિયા બહુ સ્વાભાવિક લાગી મોહિનીને.
તીરછી નજરે પોતાને જોઈ લેતા વિજયની હરકત પર મનોમન હસવું આવતું હતું ને વહાલ પણ એટલું જ ઊભરાતું હતું.
અને ચા-નાસ્તા દરમ્યાન એક નાનકડી ઘટના ઘટી ગઈ.
ચાનો પ્યાલો લેતી મોહિનીએ કુમળા ઘાસમાં કશીક હલચલ નોંધી. નજર કસી તો ચોંકી જવાયું. એક લાંબો સાપ વિજયના પગ તરફ સરકતો હતો. એવો જ ચાનો કપ બાજુએ ફેંકી તે છાતીભેર લોન પર પડી ને હાથ લંબાવી સાપને મુઠ્ઠીમાં જકડી લીધો!
હો-હા મચી ગઈ.
સર્પ ઝેરી હતો ને મોહિનીને ડંખી ચૂક્યો, છતાં મોહિનીએ એને મુઠ્ઠીમાંથી ચસકવા નહોતો દીધો. મહેલના ચાકરોએ સાણસામાં દબોચી સાપને ટોકરીમાં પૂર્યો ત્યાં સુધીમાં મોહિની બેહોશ થઈ ગયેલી.
હોશ આવ્યા ત્યારે પૅલેસના મહેમાનખંડની શૈયા પર હતી.
‘ચિંતા ન કરો, હવે કોઈ જોખમ નથી.’ સ્વયં ભવાનીસિંહે તેને ધરપત આપી ગણ માન્યો, ‘તમે કુંવરનો જીવ બચાવવા પોતાનો જીવ હોડમાં નાખ્યો!’
મોહિનીએ જોયું તો કક્ષના પડદા પાછળ ડોકાઈ વિજય પોતાને નિહાળી રહ્યો હતો. આછું સ્મિત વેરી મોહિનીએ હાથના ઇશારાથી તેને નજીક આવવા કહ્યું અને એવા જ કોઈ ઇજનની રાહ જોતો હોય એમ તે દોડીને તેને વળગી પડ્યો : મા!
અત્યારે પણ એ પોકારમાં રહેલું ઊંડાણ મોહિનીદેવીના માતૃહૃદયને પુલકિત કરી ગયું.
ભવાનીસિંહની બીજી વારની પત્ની, રિયાસતની રાણી હું પછી બની, વિજય માટેનું માતૃત્વ મારા ઉરમાં પહેલાં છલકાયું... રાણી થવા કરતાં મા બનવામાં વધુ ખુશી છે એ તો એક સ્ત્રી જ કહી-સમજી શકે. વિજય મારો હેવાયો થઈ ગયો. તેની સવાર મારા સાદે પડે ને હું હાલરડું ગાઉં પછી જ તેને નીંદર આવે.
‘ત્રણ-ત્રણ વર્ષથી મા વિહોણા રહેલા દીકરાને માતૃપ્રેમનો મહાસાગર સાંપડ્યો છે, પછી તે કેમ તરબોળ ન રહે!’ મહારાજા સંતોષ દાખવતા.
અત્યારે એ સંભારી મોહિનીદેવીએ મન મક્કમ કર્યું : વળતરમાં વિજયે તો સદા પુત્રધર્મ નિભાવી જાણ્યો પણ હવે મહારાજાના અવસાનના વરસદિવસ બાદ થનારી તેમની મિલ્કતની વહેંચણી માટે તે અડી ગયો છે : ઉદય મારો નાનો ભાઈ છે, રાજના હિસ્સામાં તેનો પણ સરખો ભાગ હોવો જોઈએ.
પણ આની સાથે હું સંમત નથી. ઉદય મારો ખુદનો જણ્યો, પણ આડા માર્ગે ફંટાઈ ગયેલા દિશાહીન દીકરાને અડધો ભાગ આપી મારે પૂર્વજોના પ્રતાપને ઝાંખપ નથી લગાવવી. ભવાનીસિંહજીના પુત્રો ભલે બે હોય, તેમના રાજવારસાનો અધિકારી તો લાયક સુપુત્ર તરીકે વિજય જ હોય!
મારા કહેવા છતાં વિજય ન માનતો હોય તો એક વ્યક્તિ છે જેનો રાજપુતાનામાં કોઈ અનાદર ન કરી શકે, જેમનો બોલ વિજય પણ ઉથાપી નહીં શકે, હિંમતગઢનાં રાજમાતા મીનળદેવી!
(ક્રમશ:)