31 December, 2025 12:12 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘ઉદયસિંહ, તમે તો કંઈ કહો. આજકાલ શું પ્રવૃત્તિ ચાલે છે?’
રાત્રિનો સમય છે. ડાઇનિંગ હૉલના રજવાડી ટેબલ પર શાહી ભોજન પિરસાઈ રહ્યું છે. રાજમાતાની ડાબે-જમણે
વિજય-ઉદય બેઠા છે, જ્યારે સામે મોહિનીદેવી બિરાજ્યાં છે.
સવારે અહીં આવ્યા બાદ રાજમાતાએ પૅલેસ કૉમ્પલેક્સનો રાઉન્ડ લીધો હતો. લંચ પછી થોડો વિશ્રામ કરી મિલકતની વિગતો મેળવી હતી. પછી આખી સાંજ બંધ કક્ષમાં રાજવી પરિવાર જોડે ચર્ચાવિચારણા યોજી હતી.
વિજયસિંહ સ્પષ્ટ હતો: મહારાજસાહેબના બે દીકરા હોય તો ભાગ પણ બે જ થવા જોઈએ. હું ઉદયને મારો હક આપવાય તૈયાર, લેવા નહીં.
‘તમારી ભાવના પ્રશંસનીય છે વિજયસિંહ, પણ વહેવારુ છે ખરી? ઉદયસિંહ, તમે શું માનો છો?’
જવાબમાં તે સહેજ ગલવાયેલો: મને શું ખબર, મોટા ભાઈ જે કહે-કરે એ ખરું જ.
બેઉ ભાઈઓનાં લાગણી-સંપ દેખીતાં છે એના આનંદ છતાં કશુંક હતું જે રાજમાતાને ખટકવા લાગેલું.
‘ઉદયસિંહ, તમારાં માતાજીને ભીતિ છે કે તમને વારસો મળશે તો તમે બધું
જુગાર-શરાબમાં ઉડાવી દેશો.’
ત્યારે તે ઘડીક માને તો ઘડીક ભાઈને જોઈ રાજમાતાને હસેલો : ખોટું. હું તો બધું મોટા ભાઈને જ આપી દઈશ, પછી ઉડાવવાનો સવાલ જ ક્યાં આવ્યો?’
‘લો, આપણે હતાં ત્યાંના ત્યાં આવી ગયાં!’ મોહિનીદેવી અકળાયેલાં.
‘તું આમ પરેશાન ન થા, મા. તેં રાજમાતાને તેડ્યાં છેને, તેમનો ફેંસલો હું વિના દલીલ માનીશ, બસ?’
જોકે રાજમાતાને નિર્ણય સંભળાવાની ઉતાવળ નહોતી.
અત્યારે પણ મિલકતની વહેંચણી બાબત ફોડ પાડવાને બદલે તેમણે ઉદયસિંહને પૂછ્યું એનું કારણ હતું. સવારની પૅલેસ ડ્રાઇવમાં બન્ને ભાઈઓ જોડે હતા પણ ઉદય પાસે ભાગ્યે જ કશું બોલવા કે દેખાડવાનું હતું. રાજમાતાની આમન્યા પૂરતો મોટા ભાઈ જોડે આવ્યો હોય એવી અદબમાં જ રહ્યો.
‘તમારો પરિવાર લોકકલ્યાણનાં કેટલાં કામો કરે છે. તમને કોઈમાં દેખરેખ રાખવાનું નહીં ગમે? ભણવાનું ગમે? આખો દિવસ શું કરો છો?’
‘ખાસ કંઈ નહીં.’ ઉદયસિંહને
સવાલ-જવાબમાં રસ નહોતો. તે સતત પગ હલાવતો હતો, હાથ કાંપી જતા હતા, દિવસભરની પરેજી પછી આંખોમાં વ્યસનની તલબ લબકારા મારતી હતી. વારે-વારે પરમિશન માગતો હોય એમ વિજયસિંહને જોઈ લેતો હતો એ પણ રાજમાતાથી છૂપું નહોતું.
‘ઉદય, તારું લૅપટૉપ છેને એના પર પ્રવૃત્તિઓની યાદી બનાવ, આપણે કાલે રાજમાતાને દેખાડીશું... જા!’
એવો જ જાણે જીવનદાન મળ્યું હોય એમ તે ગુડ નાઇટ કહી ભાગ્યો!
મોહિનીદેવીએ નિસાસો નાખ્યો. વિજયસિંહે દિલગીરી દાખવી : સૉરી, રાજમાતા.
‘સૉરી શાના માટે, વિજયસિંહ?’ રાજમાતાનો ખટકો ઊઘડી આવ્યો, ‘સવારથી જોઉં છું, નાનો ભાઈ તમને ભગવાન માને છે ને તમે શું કરો છો?’
‘હું?’ વિજયસિંહના હાથમાંથી
છરી-કાંટો વચકી પડ્યાં.
તેની પ્રતિક્રિયા પણ રાજમાતાને વધારે પડતી લાગી. મેં એવું તે શું કહ્યું કે વિજયે આટલા ડઘાઈ જવું પડે?
‘તમે નાસમજ નથી, વિજયસિંહ. પૅલેસ દ્વારા થતાં સોશ્યલ રીફૉર્મ્સનાં કામો તમે મને હોંશથી બતાવ્યાં, પણ નાના ભાઈને સુધારવાનું તમને કેમ સૂઝતું નથી?’
‘જી, હું... અમે તેને ગુરુકુળમાં તો મૂક્યો હતો.’
રાજમાતાએ ડોક ધુણાવી, ‘હું તો એ પગલા સાથે પણ સંમત નથી. પારકી મા કાન વીંધી જાણે, પણ ઉછેર તો સગી માએ જ કરવાનો હોય. પૅલેસમાં ઉદયસિંહ સુધી શરાબ-ચરસ કઈ રીતે પહોંચે છે, કોણ પહોંચાડે છે એ તમારાથી છાનું હોય એ હું માનતી નથી અને સોર્સ જાણવા છતાં તમે મૂળિયું કાપવા નથી માગતા એનો શું અર્થ?’
વિજયસિંહના કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. મા સામે જોવાની હામ થતી નથી.
‘ઉદય પાસે ઐયાશીના, જુગારના પૈસા ક્યાંથી આવે છે? તમારાથી એ ફાઇનૅન્સ કેમ બંધ થતું નથી?’
રાજમાતાના સવાલ ડંખે એવા હતા.
‘એનું કારણ હું જાણું છું.’
રાજમાતાનાં વેણ છાતીએ વાગ્યાં હોય એમ વિજયસિંહ હેબતાયેલી આંખે તેમને તાકી રહ્યો.
‘કારણ કે તમે તેના મોટા ભાઈ જ નહીં, મા-બાપ-સર્વસ્વ છો.’
ઓ..હ! વિજયસિંહના જીવમાં જાણે જીવ આવ્યો.
‘તમારો મોહ એવો છે વિજયસિંહ કે તમે ઉદય પ્રત્યે આકરા થઈ શકતા નથી, પણ તમે ભૂલો છો કે છોડને વિકસવા માટે તડકો પણ આપવો જ પડે.’
રાજમાતાએ મોહિનીદેવીને નિહાળ્યાં, ‘રાજગાદી વરસથી વધારે ખાલી રાખવી અપશુકન ગણાય છે એટલે આવતા મહિને વિજયસિંહનો રાજ્યાભિષેક કરી દો, પણ મિલકતનો ચાર્જ હાલપૂરતો આપ જ રાખો, મોહિની. ભાઈના ઉછેરની કસોટીમાં વિજયસિંહને પાસ થવા દો, પછી વારસાની વહેંચણીનું જોઈશું.’
મા-દીકરાની નજરો મળી.
‘ભલે રાજમાતા, જેવો આપનો આદેશ.’ વિજયસિંહે સંમતિ દર્શાવી.
lll
અડધી રાતે ઍસિડિટી જેવું લાગતાં કક્ષમાં આંટાફેરા કરતાં રાજમાતા બહાર કશા ખખડાટે ચમક્યાં. આમ તો કોઈને તકલીફ આપવાની ઇચ્છા નહોતી, પણ કોઈ દાસી નજરે ચડે તો ઠંડું દૂધ ઍસિડિટીમાં રાહત આપશે
આમ વિચારી રાજમાતાએ લૉબીમાં જઈ નજર ફેરવી એવું જ ચમકી જવાયું.
એક દાસી વિજયના કક્ષમાં સરકતી દેખાઈ. રાતનું અંધારું ઓઢી દાસી યુવરાજના રૂમમાં જાય એનો શું અર્થ?
અનાયાસ તેમનાં કદમ વિજયસિંહના કક્ષ તરફ વળ્યાં. પગલે-પગલે પોતે ભેદનું પગેરું દબાવી રહ્યાં છે એની રાજમાતાને ભનક સુધ્ધાં નહોતી.
lll
મેં આ શું સાંભળ્યું!
રાજમાતા થોડાં સ્તબ્ધ હતાં.
ત્યાં દાસી બહાર આવતી જણાતાં રાજમાતાએ સજાગ થઈ થાંભલાની આડશ લેવા જતાં થોડો ખખડાટ થયો. પોતાની ધૂનમાં નીકળતી દાસીને તો ધ્યાન ન રહ્યું પણ અવાજથી ચમકેલા વિજયસિંહે નજર કસી અને પિલર આડેથી રાજમાતાનો પાલવ ઝડપાઈ ગયો.
ઓહ નો. કોઈ નહીંને રાજમાતા જ મારો ભેદ જાણી ગયાં? હવે?
lll
‘તમે આવ્યાં તો મારી ઉલઝનનો અંત આવ્યો, રાજમાતા!’
બીજી બપોરે લંચ પછી મીનળદેવીને વિદાય આપતાં મોહિનીદેવી ભાવુક બન્યાં.
રાજમાતાએ તેમનો પહોંચો પસવાર્યો. ઉદયસિંહના માથે હાથ ફેરવી કારમાં ગોઠવાતાં વિજયસિંહ સાથે નજર ટકરાઈ.
હું તારો ભેદ પામી ગઈ છું એવું વિજયને કહી દેવું જોઈએ? મોહિનીને એ વિશે માહિતગાર કરવી જોઈએ?
રાજમાતા રાતભર વિચારવશ રહેલાં. છેવટે એવું જ ઠીક લાગ્યું કે ઘરે પહોંચી
કેતુ-તર્જની જોડે નિરાંતે વાત કરીશ, તેમની સલાહ મુજબ આગળ વધવામાં જ શાણપણ છે.
અને વિજયસિંહ સામે સ્મિત ફરકાવી રાજમાતા કારમાં ગોઠવાઈ ગયાં.
તેમની કાર રવાના થઈ અને વિજયસિંહે દમ ભીડ્યો: તમારે પાછાં જ આવવાનું છે રાજમાતા, પણ આ વખતની મહેમાનગતિ જરા જુદી હશે!
lll
‘રાજમાતા, પ્રણામ!’
રાજમાતાના ફોને તર્જનીનો ઉત્સાહ છલકાયો.
‘તમે બેઉ નાતાલ પર હિંમતગઢ આવો છોને?’ રાજમાતાના સ્વરમાં ગંભીરતા ઘૂંટાઈ, ‘તમારી સાથે એક કેસ પણ ચર્ચવો છે.’
‘કેસ! શું વાત છે, રાજમાતા? હલો-હલો.’
કનેક્શન કપાયું હોય એમ તર્જની હલો-હલો કરતી રહી અને એક પળે બ્રેકનો અવાજ તર્જનીના કાન સુધી પહોંચ્યો. સાથે જ રાજમાતા પૂછતાં સંભળાયા, ‘શું થયું, રણમલ?’
‘આગળ ઝાડ પડ્યું લાગે છે રાજમાતા, હું જરા તપાસ કરી આવું.’
રણમલ તો રાજમાતાનો વફાદાર ડ્રાઇવર. મતલબ, રાજમાતા કારમાં છે.
‘તમે ક્યાંક બહાર છો, રાજમાતા?’
‘હા, તર્જની.’ રાજમાતાએ જવાબ વાળ્યો, ‘હમીરગઢથી પરત થઈ રહી છું. આ જંગલ રસ્તો છે એમાં મોબાઇલ સિગ્નલના ઇશ્યુ છે. ખરેખર તો હમીરગઢના હાઇનેસ ભવાનીસિંહજીના દેહાંત બાદ બે પુત્રોમાં મિલકતની વહેંચણી બાબત ભવાનીસિંહનાં વિધવા મોહિનીદેવીએ મને તેડાવી હતી.’
ચાર-છ વાક્યમાં રાજકુટુંબનું બૅકગ્રાઉન્ડ સમજાવી રાજમાતા મુદ્દે આવ્યાં, ‘આમાં અડધી રાતે થયું એવું કે...’
રાજમાતા એકાએક અટક્યાં.
‘તર્જની, હું તને પછી ફોન કરું છું...’
કહી તેમણે કૉલ કટ કર્યો.
એકાએક શું થયું?
આમ તો એક કૉલ કટ થતાં અથરા બની જવાનો તર્જનીનો સ્વભાવ નહોતો, પણ કલાકના ચાર કલાક થવા છતાં ફરી રાજમાતાનો કૉલ આવ્યો નહીં, તેમનો ફોન લાગતો નથી એટલે સીધો પૅલેસમાં લાવણ્યાભાભીને ફોન જોડયો ને સામેથી ધરપતના ખબર જ મળ્યા: ‘યા, રાજમાતા હમીરગઢથી બપોરે નીકળેલાં. હમીરગઢથી હિંમતગઢનો રસ્તો વિરાટનગર રિયાસતના જંગલમાંથી પસાર થાય છે ઇફ યુ નો, પરંતુ જંગલના રસ્તે ઝાડ પડતાં રોડ બ્લૉક હતો એટલે પાછા વળી વિરાટનગરના હાઇવેની કોઈ હોટેલમાં રોકાયાનો સંદેશો હમણાં જ આવ્યો. મે બી, એ બાજુ નેટના ઇશ્યુઝ છે એટલે કદાચ તારો ફોન નહીં લાગતો હોય, બટ ડોન્ટ વરી, ઑલ ગુડ!’
હાશ!
lll
ગુરુવારની બીજી સવારે રાજમાતાના મોટા દીકરા સમીરસિંહના નંબર પર રાજમાતાનો રેકૉર્ડેડ સંદેશ હતો:
દીકરા સમીર, હું હાઇવેની રૉયલ પૅલેસ હોટેલમાં રોકાયાની કોઈક રીતે વિરાટનગરના રાજવી ભીમાજીસિંહજીને જાણ થઈ અને પરોઢની વેળા તેઓ મહારાણી સાથે મને લેવા આવી ગયાં : તમને વિરાટનગરની મહેમાનગતિ માણ્યા વિના જવા જ કેમ દેવાય! તેમણે અહીંની બહુ વખણાતી જંગલ સફારીનો પ્રોગ્રામ ઘડ્યો છે એટલે બે દિવસ જંગલમાં તેમના ટાઇગર પૅલેસમાં રહેવાનું થશે. ત્યાં ફોન નહીં લાગે. ચિંતા કરશો નહીં, રણમલ મારી સાથે જ છે. પરોઢિયે ફોન કરી તમને ડિસ્ટર્બ નહોતા કરવા એટલે મેસેજ મૂકું છું... ઘરના સૌને મારી યાદ!
lll
‘ગુરુવારનો આજે શનિવાર થયો કેતુ, રાજમાતાનો કોઈ પત્તો નથી!’
નિશ્વાસ નાખતાં સમીરસિંહે કહ્યું ને હિંમતગઢ દોડી આવેલાં કેતુ-તર્જની સમસમી ગયાં : આખરે રાજમાતા જાય ક્યાં?
‘ગુરુ-શુક્ર તો રાજમાતા સફારીમાં હશે અને ત્યાં નેટ નહીં હોય એમ માની લીધું, પણ આજે સવારે પણ તેમનો ફોન નૉટ રીચેબલ આવતાં મેં ભીમાજીને કૉલ જોડતાં તેમણે અચરજ જતાવ્યું : રાજમાતા અહીં રોકાયાની અમને જાણ જ નથી, પછી સફારીમાં જવાનો સવાલ જ ક્યાં છે?’
આ ટ્િવસ્ટે હિંમતગઢના રાજવી પરિવારમાં સોપો સર્જાયો. અર્જુનસિંહે કેતુ-તર્જનીને જાણ કરી ને બેઉ સ્ટાફ સાથે દોડી આવ્યાં. મહેલના મીટિંગરૂમમાં તેમણે ઑફિસ ઊભી કરી દીધી.
‘સદ્ભાગ્યે કોઈ માર્ગ-અકસ્માતના ખબર નથી. વિરાટનગરના જંગલમાં સર્ચ ચાલુ કરાવી દીધી છે.’
‘હું નથી માનતી રાજમાતાના ગુમ થવા સાથે વિરાટનગરનું કોઈ કનેક્શન હોય.’ તર્જનીના દિમાગમાં ફટાફટ ગણતરી ચાલતી હતી, ‘બટ વી કૅન નૉટ એલિમિનેટ ઍની પૉસિબિલિટી, સો કેતુ તું ત્યાંનો મોરચો સંભાળ, હું હમીરગઢ જાઉં છું.’
‘હમીરગઢ!’ બાકીના સૌ સાથે બોલી ઊઠ્યાં.
‘યા, રાજમાતાએ ત્યાં અડધી રાતે કોઈ ભેદ પકડ્યો.’ રાજમાતા સાથેની વાતચીતનો હવાલો આપી તર્જનીએ ઉમેર્યું, ‘ક્રાઇમ થિયરી મુજબ રાજમાતાના ગાયબ થવા પાછળ એ ભેદ જ કારણભૂત હોય એ શક્યતા સૌથી પ્રબળ છે.’
એ જ વખતે સમીર અને અર્જુન બેઉના ફોનમાં વૉટ્સઍપનું સિગ્નલ આવ્યું.
‘આ તો રાજમાતાનો જ મેસેજ! તેમના નંબર પરથી તેમણે વિડિયો મોકલ્યો છે.’
આટલું સાંભળતાં જ કેતુની ટીમ લોકેશન ટ્રેસ કરવા લાગી ગઈ.
અને અર્જુનસિંહે મોબાઇલ ટીવી સાથે કનેક્ટ કરતાં સ્ક્રીન પર રાજમાતા દેખાયાં.
પણ કેવાં રાજમાતા? હંમેશાં સાડીમાં શોભતાં મીનળદેવીએ સ્લીવલેસ ગાઉન પહેર્યો હતો ને તેમના હાથમાં જલતી સિગાર હતી!
‘સમીર-અર્જુન, આઘાત ન પામશો.’ સિગારેટનો કશ લઈ રાજમાતા વક્તવ્ય ચાલુ રાખે છે, ‘એક જ ઘરેડમાં જીવવાનો માણસમાત્રને થાક લાગતો હોય છે. મારું તપ, મારી સિદ્ધાંતપ્રિયતા દંભ હતો એવું નહીં કહું, પણ બહુ થઈ એ જિંદગી. હવે એમાંથી મુક્તિ જોઈએ છે. મારે નિર્બંધ જીવવું છે. એટલે મને ગાયબ જ રહેવા દેજો. રણમલ મારી સેવામાં રહેશે, કાર તમને વિરાટનગરના જંગલમાંથી મળી આવશે. આ સત્ય આપણા ત્રણ વચ્ચે જ રહેશે એટલી અપેક્ષા તો રાખુંને?’
કહી રાજમાતા હાથ લંબાવે છે ને રેકૉર્ડિંગ બંધ થતાં પડદો બ્લૅન્ક થઈ જાય છે.
‘વૉટ ધ હેલ!’ સમીરસિંહ બરાડ્યા. અર્જુને મુઠ્ઠી અફાળી.
‘માને કોઈએ હિપ્નોટાઇઝ કર્યાં કે શું!’ ઉર્વશીને સૂઝ્યું.
કેતુ-તર્જનીની નજર મળી-છૂટી પડી, સાથે જ બેઉના ચિત્તમાં દિવાકર મર્ડરકેસ ઝબકી ગયો.
(વધુ આવતી કાલે)