જીવનધારા...મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૨)

04 November, 2025 07:26 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

વાસ્તવિકતા ભોંકાઈ હોય એમ ઝરણા આર્જવથી અળગી થઈ : મા સતત મને અમીર પતિ પસંદ કરવાનું ગોખાવતી રહી છે એ તો સાચું... આર્જવના કાને એ પડ્યા વગર રહે!

ઇલસ્ટ્રેશન

આર્જવ!

ઝરણા વાગોળી રહી:

આર્જવ સાથે બાળપણની નિર્દોષ મૈત્રી જુવાનીના પહેલા પડાવે પ્રણયમાં પલટાવી સહજ હતી, પણ એની કબૂલાતની પહેલ આર્જવે નહોતી કરી.

એનું કારણ હતું. કૉલેજ આવતા સુધીમાં દેવયાનીમાએ પિછોડી તાણતાં આર્જવ સંસારમાં એકલો પડ્યો. ટ્યુશન્સ કરીને તે પોતાના જોગ કમાઈ લેતો. ભણવામાં હોશિયાર, પણ શિક્ષક બનવાના આદર્શવાદ સાથે જમનામાસીની દીકરીને અમીર ઘરે પરણાવવાની અબળખાનો મેળ પડે એમ નથી એની સમજ આર્જવને પ્રેમની કબૂલાત કરતાં રોકતી.

‘તને ખબર છે આર્જવ, તું કેટલો હૅન્ડસમ છે!’

કૉલેજમાં ડગ મૂકતાં ઝરણાના યૌવનને વૃત્તિની પાંખો ફૂટી. આર્જવને તાકતી, તેને હૅન્ડસમ કહેવાના બહાને પણ તેને વળગી પડતી. આર્જવ સંયમથી લપસણી થઈ શકતી પળો સાચવવા મથતો.

તે વારતો એટલી જ ઝરણાની કામના ઊછળતી, ‘કેમ મને દૂર રાખવા મથે છે? હું તને નથી ગમતી? તું મને નથી ચાહતો?’

બોલતાં બોલાઈ ગયું હોય એમ બોલ્યા પછી ઝરણા પણ પૂતળા જેવી બનેલી. ધારદાર સ્તબ્ધતામાં ચાર નયન એક થયાં, બે હૈયાં જોરશોરથી ધડકી રહ્યાં.

છેવટે હળવો નિ:શ્વાસ નાખીને આર્જવે પીઠ ફેરવી કે ઝરણા તેની પીઠે ચંપાઈ, ‘શા માટે મારાથી નજર ફેરવે છે! ચાહું છું હું તને એટલીયે ગતાગમ નથી?’

‘બધું સમજું છું ઝરણા, મારા રોમેરોમથી તને ચાહું છું; પણ આપણો મેળ શક્ય નથી, કેમ કે જમનામાસી તારા માટે જેવું શ્રીમંત ખોરડું ઝંખે છે એમાં મારો મેળ પડે એમ નથી...’

 વાસ્તવિકતા ભોંકાઈ હોય એમ ઝરણા આર્જવથી અળગી થઈ : મા સતત મને અમીર પતિ પસંદ કરવાનું ગોખાવતી રહી છે એ તો સાચું... આર્જવના કાને એ પડ્યા વગર રહે!

‘હું સિમ્પલ લિવિંગમાં માનનારો છું. મારે મન માણસના વિચારો, તેનું ચારિત્ર્ય ઉચ્ચ હોવું જોઈએ; જરૂરથી વધારે પૈસો શું કામનો!’

ઝરણાએ આસપાસ નજર નાખી : એટલે તું આખું જીવન આવા આ ઘરમાં જ વિતાવવા માગે છે?

‘આ જ ઘર, પણ થોડી વધુ સુવિધાવાળું... ઉપર એક માળ લઈશ, આંગણે નાનકડી કાર, ભવિષ્ય માટે અમુકતમુક વીમા... સ્વમાનભેર જીવવા આટલું તો બહુ થયું.’

‘આટલું મને પૂરતું છે....’

પ્રીતનો કૉલ પાકો થયો. ઝરણાની ચંચળ વૃત્તિ પછી તોફાની નદીની જેમ માઝા મૂકતી, પણ આર્જવ એકાંતને અભડાવવા દેતો નહીં.

‘કઈ માટીના બન્યા છો! તમારે તો સંત કે સંન્યાસી થવું હતું.’ ઝરણા છણકો કરતી.

‘થઈ પણ જાઉં! તું તો જાણે છે કે મને હરિદ્વારનો કેવો લગાવ છે...’

માની વિદાય બાદ શ્રાદ્ધ પક્ષમાં આર્જવ પહેલી વાર હરિદ્વાર ગયેલો ને ગંગામૈયાનું વહેણ જોઈને અભિભૂત થઈ જવાયું. ડૂબકી મારીને પાવન થયાની અનુભૂતિ થઈ. પછી તો દર વરસે બે-ત્રણ દિવસ માટે હરિદ્વાર જવાનું નિયમિત થતું ગયું.

‘તમારા લગાવની ઐસી કી તૈસી. એક વાર મને પરણો, પછી શૈયામાંથી ઊતરવાનું મન થાય તો મને કહેજો!’

આર્જવ હસી પડતો, વાતનો સઢ ફેરવી તોળતો.

‘શું! તારે આર્જવને પરણવું છે!’

છેવટે એ ઘડી પણ આવી પહોંચી. ગ્રૅજ્યુએટ થયેલી દીકરી માટે માએ સમાજમાં મુરતિયા તરાશવા માંડ્યા ત્યારે એક તબક્કે ઝરણાએ જ હૈયું ખોલવું પડ્યું.

જમનામા આઘાત પામ્યાં : તને આટઆટલું ગોખાવતી રહી તોય તેં મુફલિસને જ પસંદ કર્યો?

‘મા! આર્જવ BEd થઈને તાલુકાની સ્કૂલમાં સહાયક તરીકે નોકરીએ લાગ્યા છે. એક-બે વરસમાં કાયમી થઈ જશે એટલે ઘરમાં એક માળ લેવાના છે...’ ઝરણાએ ફૂલગુલાબી સપનું ઉમંગભેર ખોલી દીધું.

‘એક માળ ને એક નાનકડી કાર - બસ, આટલામાં તારું સુખ સમેટાઈ ગયું?’ જમનામાએ સાડલાથી આંખ લૂછી, ‘તને ઉછેરવા માએ પેટે કેટલા પાટા બાંધ્યા એની તું સાક્ષી છે. એ દોજખ તારે ઝેલવાનું ન થાય એ માટે તને વારું છું. બાકી આર્જવના ગુણ-સંસ્કારમાં કહેવાપણું નથી એ શું હું ન જાણું! પણ એ સહાયકમાંથી કાયમી ક્યારે થશે કોણે જાણ્યું!’

ઝરણા વિચારમાં પડી.

‘હું તારી દુશ્મન નથી દીકરી, મારું એટલું વેણ રાખ...’ જમનામાએ અવાજમાં ઉત્સાહ ભેળવ્યો, ‘મુંબઈના ઝવેરી કુટુંબમાંથી તારા માટે કહેણ આવ્યું છે. હું એની વાત માંડતી હતી ત્યાં તેં તારું પ્રેમપ્રકરણ ઉખેળ્યું તો ભલે, પણ આર્જવ સાથે વિધિવત્ પાકું કરતાં પહેલાં બસ એક વાર... મારું મન રાખવા એક વાર તું મુંબઈનું ઘર જોઈ આવ. ત્યાં તારું મન ન માને તો હું રાજીખુશી તને આર્જવ જોડે પરણાવીશ, રાજી?’

ઝરણાને આમાં કંઈ ખોટું ન જણાયું : મારી મા બિચારી મારા સુખ માટે આટલું મથતી હોય તો તેનું મન રાખવા મુરતિયો જોવા જેટલું તો હું કરી જ શકું... બાકી એમ કાંઈ કોઈનો વૈભવ જોઈને હું મારી પ્રીત ઓછી ભૂલવાની હતી!

-પણ મુંબઈની એક મુલાકાતમાં ચિત્ર બદલાઈ ગયું, હું બદલાઈ ગઈ...

અત્યારે નિસાસો નાખીને ઝરણાએ કડી સાંધી:

છોકરો જોવા મા-દીકરી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઊતર્યાં ત્યારે ઝવેરી શેઠનો મૅનેજર તેમને લેવા હાજર હતો. શૉફર-ડ્રિવન ચાર બંગડીવાળી ગાડીમાં વાલકેશ્વરની વિલામાં પહોંચતાં મોં પહોળું થઈ જાય એવી જાહોજલાલી ભાળી. સત્કાર માટે ભાનુભાઈ ઝવેરી ખુદ હાજર હતા. મમતા શેઠાણીએ ચાંદીના પ્યાલામાં ઠંડા પીણાથી સ્વાગત કર્યું.

આરસમઢ્યો મહેલ, છતનાં સોનેરી ઝુમ્મરો, ઉપલા માળે જવા લિફ્ટ, યુનિફૉર્મમાં અદબથી કામે વળગેલો નોકરવર્ગ...

‘તું આ બધાની મહારાણી બની શકીશ...’ મા કાનોમાં ગણગણી, ‘માની લે કે રાજપાટનું સુખ તારા એક હકાર જેટલું જ દૂર છે! આ ભલા માણસોને વતન બાજુની સંસ્કારી કન્યા જોઈએ છે. એમાં તારું રૂપ સોનામાં સુગંધ જેવું લાગ્યું તેમને. મધ્યસ્થી કરનાર આપણા ગામના નંદુ ગોર સાથે ખાસ કહેવડાવ્યું છે કે અમને કંકુ-કન્યા સિવાય કશાનો ખપ નથી...’

એ બધું ખરું, પણ મુરતિયો ક્યાં? તેનામાં કોઈ ખોટ હોય એવું તો નથીને...

ત્યાં લિફ્ટમાંથી નીકળતો તે દેખાયો ને ઝરણા પાંપણનો પલકારો મારવાનું ભૂલી ગઈ.

આવો સોહામણો જુવાન! બેશક આર્જવ જેટલો નહીં, પણ એમ તો આર્જવ પાસે આવો વૈભવ પણ નહીંને!

એકાંતમેળમાં વાતચીત પણ ચિરંતને અદબભેર કરી, રસરુચિની વાત સાથે રૂપની પ્રશસ્તિ કરી ત્યારે ઝરણા શરમાઈ પણ ખરી.

સાંજે વળતી વેળા ટ્રેનના જનરલ ડબ્બાની ભીડ જોઈને એવું લાગ્યું જાણે સ્વર્ગમાંથી નર્કમાં આવી ગયા!

‘તું જ નક્કી કર. આર્જવને પરણીશ તો પરિસ્થિતિ આ નર્કની જ રહેવાની છે... એના કરતાં પેલું સ્વર્ગ નહીં સારું?’

 અને ઝરણાથી બોલી પડાયું : ‘પણ આર્જવને શું કહીશ હું?’

-મતલબ, દીકરી અમીર ખોરડા માટે તૈયાર ખરી!

‘એમાં શું, કહી દેજે કે આપણાં લગ્ન માટે મા માનતી નથી, ઝેર ખાવાની ધમકી આપે છે. મારા સુખ ખાતર માની ચિતાની કિંમત ચૂકવવાની મારી તૈયારી નથી. પત્યું!’ જમનામાએ સપાટ સ્વરે કહી દીધું.

માની સમજાવટ છતાં ઝરણાની જીભ ઊપડતી નહીં.

‘મા, હું તેને કેમ કહું કે સિદ્ધિવિનાયકનાં દર્શનના બહાને ખરેખર તો હું મુંબઈ મુરતિયો જોવા ગઈ હતી અને મારી મરજીથી તે ઉમરાવને મેં હા ભણી દીધી છે!’

ખણ...ણ...ણ.

વાડાના દરવાજેથી કાચ તૂટવાનો અવાજ આવતાં રસોડામાં વાત કરતાં મા-દીકરી ચોંક્યાં.

જોયું તો આર્જવ. ઝરણાને તેના હાથની બહુ ભાવતી આમલીની ચટણી આપવા આવેલો તે સત્ય સાંભળી ગયો ને બરણી વચકી પડી!

‘આમાં દુખી થવાની જરૂર નથી આર્જવ, તારી સાથે સાત ભવમાં જે સુખ સંભવ નથી એ ઝરણાની ઝોળીમાં સામેથી આવ્યું છે એના પર નજર ન બગાડીશ!’ જમનામાએ આકરા થઈને કહી દીધું.

‘પણ...’ આર્જવના શબ્દો ફૂટ્યા, ‘ઝરણા, તું તો મને પ્રેમ કરે છેને?’

એક પ્રશ્નમાં સાત આસમાન ફાટી પડે એવું દર્દ હતું.

‘કરતી હતી આર્જવ!’ ઝરણાએ ટટ્ટાર ગરદને પસ્તાવાના લેશમાત્ર ભાવ વિના કહી દીધું. હાસ્તો, હવે ભેદ ખૂલી જ ગયો ત્યાં બચાવ કે બહાનાં શું કામ!

‘મારા થનારા પતિ પાસે મને આપવા માટે પ્યાર ઉપરાંત પણ ઘણુંબધું છે આર્જવ. તો હું તેની થવા માગું એમાં ખોટું શું છે?’

આર્જવ ફિક્કું હસ્યો, ‘તારી પ્રેમની પરિભાષા બદલાઈ ઝરણા તો ભલે. બીજાના સુખમાં બાધારૂપ બનવાના મારા સંસ્કાર નથી. ખુશ રહેજે.’

આંખનાં આંસુ છુપાવતો તે નીકળી ગયો એથી ઝરણાએ ઓછપ નહોતી અનુભવી. અરે, ત્રીજા મહિને પોતાનાં લગ્ન લેવાયાં એના ચાર દિવસ પહેલાં ઘરબાર વેચીને આર્જવ અજાણવાટે ચાલી નીકળ્યો એનીયે અરેરાટી નહોતી થઈ : ગયો તો ભલે ગયો! જેવું જેનું તકદીર, બીજું તો શું!

-કહેવાતા સુખની ઘેલછામાં હું કેવી સ્વાર્થી બની ગઈ હતી!

હળવો નિ:શ્વાસ નાખીને ઝરણાએ ગતખંડની કડી સાંધી:

ભારે અરમાનભેર પરણીને ઝરણાએ સાસરામાં કંકુપગલાં પાડ્યાં. સુહાગરાતે કુંવારા યૌવનના ઓરતા પૂરા કરવા મન તલપાપડ હતું, પણ....

રૂપાળો, ઠીક-ઠીક કસરતી દેહ ધરાવતો ચિરંતન શૈયામાં ન ગરજી શક્યો, ન વરસી શક્યો.

મે બી, કદાચ પહેલી વારની નર્વસનેસ હશે એમ માનીને ત્યારે તો ઝરણા ગમ ખાઈ ગઈ, પણ લગ્નના છ મહિને પણ ચિરંતનમાં કોઈ બદલાવ ન થતાં ઝરણાએ માનવું પડ્યું : આનો અર્થ એ જ કે ચિરંતન પુરુષમાં જ નથી!

‘હાઉ ડેર યુ!’ એક વાર ઝરણાએ મેડિકલ ચેકઅપનું કહેતાં ચિરંતને લાફો વીંઝ્યો : મૂંગી મરજે! નહીં તો જીવથી જશે...

સાસુ-સસરા પણ દીકરાની ઊણપ જાણતાં હોય એમ વહુથી અતડા રહેવા લાગ્યાં : ખબરદાર જો આનો ઢંઢેરો પીટ્યો તો!

‘તારે વાપરવી હોય એટલી લક્ષ્મી લૂંટાવ... તને પૂછનારું કોઈ નહીં હોય. સામે બસ, બી લૉયલ ઍન્ડ કીપ મમ.’

પતિના આદેશે સમસમી જવાયેલું. પૈસાથી મારું મોં ભરીને તમે શું મને એટલી ગરજવાન, બિકાઉ સમજો છો?

આવું પુછાયું નહોતું. પતિથી છૂટા થવાય, પણ આવા પામતા-પહોંચેલા લોકો ડિવૉર્સનો કેસ ચલાવવા જ ન દે તો મારે તો બાવાના બેઉ બગડે! આર્જવ પણ અજાણવાટે નીકળી ચૂકેલો... એના કરતાં પતિની ઊણપ સામે આંખમીંચામણાં કરીને ધનનું સુખ માણવામાં જ શાણપણ છે!

ઝરણાએ પોતાનો સ્વાર્થ સાચવી લીધો. બાદમાં ખૂલેલી પતિની વિકૃતિ પણ સાંખી લીધી. લગ્નનાં પાંચ-પાંચ વરસથી આ ભેદ ભીતર ભંડારીને જાણે સંસારની સૌથી સુખી સ્ત્રી હોય એમ સમાજમાં મહાલે છે....

વિચારમેળો સમેટતી ઝરણાની આંખના ખૂણા ભીંજાયા : ગયા વરસે મારી જમનામા પાછી થઈ તેને અંત સુધી ભનક નહોતી કે પરણીનેય તેની દીકરી કુંવારી છે!

તનની તડપ અને મનના અગ્નિમાં ભડભડ સળગવાનું જ મારા નસીબમાં લખ્યું છે?

lll

‘તહેવારના દહાડા પૂરા થયા, હવે ભીડ પણ ઓછી હશે... હું શું કહું છું, આપણે દિલ્હી-આગરા ફરી આવીએ?’

બ્રેકફાસ્ટ ટેબલ પર મમતા શેઠાણીએ વાત મૂકી, ‘ભેળા હરિદ્વાર પણ જતાં આવીશું...’

હરિદ્વાર! સામે બેઠેલી ઝરણાના હૈયે મીઠો કંપ પ્રસરી ગયો : ગામ-ઘર છોડીને આર્જવ ત્યાં જ વસ્યા હશેને! એક વાર તેને મળવાનું બને તો...

તો? તો શું?

અતૃપ્ત રહેલી ભૂખ જાણે વળ ખાઈને ઉત્સુકતાથી પૂછતી હતી, ઉશ્કેરતી હતી.

ત્યાં ચિરંતન કહેતો સંભળાયો : મા, હું આવીશ ખરો, પણ લાંબું રોકાવાનું નહીં ફાવે. તમે ત્રણ આરામથી ફરજો.

‘પ્રોગ્રામ નક્કી થઈ ગયો....’ વહુ કિચનમાં ગઈ એટલે દબાતા સાદે શેઠાણીએ પતિ-પુત્રને કહ્યું, ‘હવે બાકીનું કામ પણ પાર પાડવું રહ્યું...’

પિતા-પુત્રની નજર મળી, છૂટી પડી.

‘ભલે...’ ભાનુશેઠે રણકો ઊપસાવ્યો : આ પ્રવાસ આપણા ધાર્યા મુજબનો જ રહેવાનો!

કહેતી વેળા શેઠ ભૂલ્યા કે ધાર્યું તો ઉપરવાળા ધણીનું જ થતું હોય છે!

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff