07 November, 2025 02:34 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘કેમ છો ઓમ?’ ઝરણાએ નામ પર ભાર મૂક્યો.
‘આવ ઝરણા...’ તેને આવકારતાં ઓમ મલક્યો, ‘તું મને આર્જવ કહી શકે છે....’ પછી પત્નીને સાદ પાડ્યો, ‘આસિ, ઝરણા આવી છે.’
ન ભૂતકાળનો ભેટો થવાનો થડકો, ન પત્નીથી છુપાવવાની ચેષ્ટા. પાછા જેણે ઘા આપ્યો તેને પણ આવકારી શકવાની સમતા.
‘તમે તો તમે જ આર્જવ!’ ઝરણા બબડી.
ત્યાં આસિતા ડોકાઈ. એવી જ ઝરણા દોડીને તેને ભેટી પડી : નસીબદાર છે બહેન! આર્જવને ગુમાવીને મેં શું ગુમાવ્યું એ તું જ સમજી શકે અને ઓમને પામીને તું શું પામી એ મારા સિવાય કોણ કહી શકે!
ઓમ સહેજસાજ અચરજભેર બે સ્ત્રીઓનું મિલન નિહાળી રહ્યો.
lll
અરેરેરે.
ઝરણાની વીતકમાં કેવળ પસ્તાવો વહેંચવાની ચેષ્ટા હતી. ઓમ-આસિતાને એ સ્પર્શી.
‘જોકે જે થયું એ સારા માટે.’ તેણે આછું સ્મિત ફરકાવ્યું, ‘મારા દગાએ તમને હરિદ્વાર આવવા પ્રેર્યા અને તો આસિતા જેવી સર્વગુણસંપન્ન ભાર્યાને પામ્યા...’
‘એમાં મને કોઈ શક નથી...’ ઓમે સ્મિત ફરકાવ્યું.
‘બસ, તમારો સંસાર આમ જ મહેકતો રહે એવી કામના કરું છું....’
lll
ઝરણા ગઈ!
ઓમે ઊંડો શ્વાસ લીધો : અચાનક આવી, પોતાનો પસ્તાવો જતાવી, અમારા સુખની કામના કરીને જતી રહી! કેટલી બદલાઈ ગઈ ઝરણા! પણ સારાને માટે બદલાઈ એનો આનંદ, બીજું તો શું?
જોકે ઝરણાને મળ્યા-જાણ્યા પછી આસિતાના ચિત્તમાં જુદો જ વિચાર ઘૂમરાવા લાગ્યો હતો!
lll
હૃષીકેશથી પરત થઈને બે દિવસ ઝરણા થોડી વ્યસ્ત રહી. સાસુ નીકળ્યાની રાતે સૂતાં પહેલાં જરૂરી ફોન કર્યો અને...
lll
‘પપ્પાજી, આ શું કરો છો!’
ઝરણા ગરજી. રાત્રિવેળા માથું દુખતું હોવાના બહાને વહુની રૂમમાં આવીને ભાનુશેઠે તેને જકડી લીધી. તેના ગરજવાથી તે ડર્યા કે લજવાયા નહીં : મારા તાબે થઈ જા વહુ, મારો દીકરો પુરુષમાં નથી અને તારી આ તપતી કાયા કોરીકટ છે... મને ઝવેરી કુટુંબનો વારસ જોઈએ છે અને તને શરીરસુખ... આપણા એક થવામાં બેઉની કામના પૂરી થઈ જશે!’
‘એક મિનિટ...’ ભાગમભાગમાં ટાઇમ પ્લીઝ કહેતી હોય એમ શ્વશુરને થોભવાનો ઇશારો કરીને ઝરણાએ પોતાનો મોબાઇલ દેખાડ્યો : તમે અત્યારે લાઇવ છો પપ્પાજી...
કહીને કૅમેરા પોતાના તરફ કરીને તેણે આવેશ ઉછાળ્યો : ઝવેરી કુટુંબની વરવી બાજુ તમે જોઈ... બાપે જ કહ્યું કે તેમનો દીકરો નપુંસક છે! એવા પુરુષ સાથે પાંચ-પાંચ વરસનું મારું લગ્નજીવન કેવું દોજખ જેવું રહ્યું હશે એ તમે સૌ કલ્પી શકો છો...
તેની હરકતે ભાનુશેઠની છાતીમાં કળતર થવા લાગ્યું : આણે તો સાચે જ ધજાગરો કર્યો!
‘હું તમારા તાબે નહીં થાઉં ભાનુશેઠ! બલ્કે વહુ પર નજર બગાડનારા સસરાની મર્દાનગી વાઢી ન દેખાડું તો કહેજે!’
‘એમ!’ મર્દાનગીના મહેણાએ કોઈ પણ પુરુષ ઉશ્કેરાઈ જાય એમ ભાનુશેઠે ગંદી ગાળ બોલતાં ઝરણાને જકડીને મોબાઇલ ખૂંચવીને ફગાવ્યો : હવે જો તારી કેવી વલે કરું છું!
પળ પૂરતી ઝરણા આંખો મીંચી ગઈ. આંખો ખૂલી ત્યારે તેનો ભાવ પારખવાનું શેઠનું ગજું નહોતું.
તેમણે ઝરણાને પલંગ તરફ ફંગોળી.
.... આની બીજી મિનિટે ઝરણાની કાળી ચીસ ગુંજી અને એ સાથે જ દરવાજે ટકોરા પડ્યા : ઓપન ધ ડોર! નીચે ઍમ્બ્યુલન્સ તમે મગાવી છે?
ભાનુશેઠ ફાટી આંખે ઝરણાને તાકી રહ્યા. હાથીદાંતની અણી તેમના માથામાં ખૂંપી ગઈ હતી અને એમાંથી નીકળતો લોહીનો રેલો આઇવરી રંગને ડહોળતો દીવાલ પરથી લસરી રહ્યો હતો!
lll
આના અડધો કલાકમાં ઓમનો મોબાઇલ રણક્યો.
‘આસિ...’ કૉલ પતાવીને તેણે સાદ નાખ્યો, ‘હૉસ્પિટલમાંથી ફોન હતો... ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટની વ્યવસ્થા થઈ ગઈ છે!’
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ!
હૃદયનું પ્રત્યારોપણ મેડિકલ જગતનું વરદાન છે. ૧૯૬૭માં વિશ્વના પહેલવહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ અંકાઈ અને હવે તો આ ઑપરેશન દિલ્હી જેવા મોટા શહેરની એઇમ્સ જેવી વિખ્યાત હૉસ્પિટલમાં પણ થાય છે.
આસિતાના કિસ્સામાં આ વિકલ્પ ડૉક્ટર સિસોદિયાએ ઓમને આપ્યો, પણ દરેક સર્જરીમાં જીવનું જોખમ રહેતું જ હોય છે એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સંમત થતાં જીવ કેમ ચાલે? સ્વામીજીની સલાહ લેવાનો વિચાર ઓમને આવેલો, પણ એમાં પોતાનો સંયમ ચળી રહ્યો છે એવું સ્વામીજી ધારી લે એનો સંકોચ ઓમને રોકતો. અને હવે આસિતા ઑપરેશનની જીદે ચડી ત્યારે સ્વામીજી અજ્ઞાતવાસમાં હોય એ કેવો જોગ! બધું સમુંસૂતરું પાર ઊતરે એવી કામના જરૂર રાખીએ, પણ ન કરે નારાયણ ને...
‘મને કંઈ થઈ ગયું ઓમ તો વચન આપો કે તમે ઝરણાને અપનાવી લેશો.’
આખરે નીકળતી વેળા આસિતાએ મનમાં ઘોળાતું માગી લીધું.
‘ભલે ઠોકર ખાઈને પણ તે તમારા પ્રેમનું મૂલ્ય સમજી છે, મારા ગયા બાદ...’
એવો જ ઓમે તેના હોઠો પર હાથ મૂકી દીધો ને એ જ વેળા તેનો મોબાઇલ રણક્યો. નંબર આશ્રમનો હતો. સ્વામીજી આવી ગયા કે શું!
‘હું સેવકરામ.’ સામેથી આશ્રમના પ્રબંધકે શુદ્ધ હિન્દીમાં કહ્યું, ‘અખાડાના નિત્યાનંદ મહારાજને હિમાલય-યાત્રા દરમ્યાન સ્વામીજીનો ભેટો થયો હશે... તેમની સાથે તેમણે ખાસ કહેવડાવ્યું છે કે ઓમને કહેજો નિશ્ચિંત મને આગળ વધે, એમાં કલ્યાણ જ છે!’
હા...શ!
‘તને કંઈ થવાનું નથી આસિતા. અમંગળ તારી પાસે પણ નહીં ફરકે.’
ઓમે કહ્યું અને તેની શ્રદ્ધા પર આસિતા ઓવારી ગઈ.
lll
તમને આર્જવ કહું કે ઓમ?
ના, હું તો તમને આસિતા ઓમ તરીકે જ સંબોધવાની!
તમારો સુખી સંસાર જોઈને સાચે જ હું રાજી થઈ.
-બાકી દિલ્હીમાં તમારી ભાળ મળી ત્યારે તો નબળા હૃદયની આસિતાને મારી સાથેના તમારા ભળતા-સળતા ફોટો ઊપજાવી આપણા અફેરના જૂઠના કુઠારાઘાતથી તેનું હૃદય ધબકતું બંધ કરવાનો ઘાતકી વિચાર જ આવેલો... આખરે મારી સ્વાર્થઅંધતાને ક્યાં કોઈ સીમા હતી?
પણ કહે છેને, વાવો એવું લણો. હું બીજે આગ ચાંપું ત્યાં મારા સંસારની જ્વાળા મને જ ચંપાઈ. મારો પતિ નપુંસક છે એટલે વંશના વારસના બહાને સસરો મારો ભોગવટો કરવા ધારે છે અને મારાં સાસુ-પતિની આમાં સંમતિ છે - સગા કાને આ સાંભળ્યા પછી મારાં અંતરચક્ષુ ખૂલી ગયાં, સ્વાર્થનો અંચળો સરી ગયો.
પરિણામે તમને મળી ત્યારે હૈયે કપટ નહોતું અને મળ્યા પછી સંકલ્પ વધુ ઘૂંટાયો : મારું હૃદય આસિતાને અર્પવાનો!
હું તમારા પર કોઈ ઉપકાર કરી રહી છું એવું ન માનશો. ખરું કારણ એ છે ઓમ કે મને જીવનનો મોહ જ નથી રહ્યો. સંબંધનાં બધાં સમીકરણો ખોટાં પડે ત્યારે બાજી નાખીને અલવિદા જ કહી દેવાનું હોય. મારી જિંદગી તો કોઈ કામની રહી નથી, પણ મર્યા પછીયે હું તે વ્યક્તિમાં ધબકતી રહીશ જેને તમે ચાહો છો. એ લાગણી કેવી હોય એ સમજે તો આસિતા જ સમજી શકે!
મરતાં પહેલાં મારાં સાસરિયાંને ખુલ્લાં પાડતી જઈશ. બધું વિચારી રાખ્યું છે, મારા હૃદય પર વાર ન થાય એની તકેદારી ધ્યાનમાં છે, અંગદાનની કન્સેન્ટ પણ નોંધાવી દીધી છે. અરે, મારા રિપોર્ટ્સ કઢાવીને મારું હાર્ટ આસિતાને અનુકૂળ રહેશે ત્યાં સુધીની ખાતરી કર્યા પછી હવે બસ, વિચારેલું અમલમાં મૂકવાનું રહે છે. જાણું છું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે બહુ શૉર્ટ નોટિસમાં ઘાયલ કે બ્રેઇન-ડેડ મૃત વ્યક્તિએ હૉસ્પિટલમાં પહોંચવું જરૂરી છે અને એ મારા કન્ટ્રોલમાં નહીં હોય, પરંતુ વિશ્વાસ છે કે મારી નીયતમાં નેકી હશે તો ઈશ્વર જરૂર સારાં વાનાં કરવાનો.
તમારા સરનામે આ પત્ર પહોંચશે ત્યાં સુધીમાં તો જે નિર્મિત હશે એ થઈ ચૂક્યું હશે... કોઈ કારણસર મારું હાર્ટ કામ ન આવે તો એ મારાં કર્મોની જ સજા, બીજું શું!
પણ જો ઈશ્વર મને સાથ આપે તો આસિતાનું ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા પછી તેને મારા વતી એટલું જ કહેજો કે તારું હૃદય ભલે બદલાયું, હૃદયમાં રહેનારો તો તે જ છે!
તમે બેઉ સુખનો સંસાર માણો, એમાં હું ક્યાંક ધબકતી, ધડકતી રહીશ એ સુખ માટે ૭ ભવ ન્યોછાવર; એક વારના મોતની શું વિસાત!
-તમારી, અને આસિતા – બેઉની,
ઝરણા!
-પત્ર વાંચીને ઓમ-આસિતા બેઉની આંખો સજળ બની.
ખરેખર તો એઇમ્સમાંથી તાકીદનો કૉલ આવ્યા બાદ ફટાફટ પહોંચ્યાં. આસિતાને ઍડ્મિટ કરાવાથી ઑપરેશન થિયેટરનો દરવાજો ખોલીને ડૉક્ટરે ‘વી સક્સીડ’ કહ્યું ત્યાં સુધી ઓમને બીજું કંઈ જ ભાન નહોતું. ડોનરની પૂછપરછ કરવાનું આસિતા ભાનમાં આવ્યા બાદ સૂઝ્યું...
‘બહુ ગજબ કિસ્સો બની ગયો તેમની સાથે... ‘ સિસોદિયાસાહેબની હેડ નર્સે માહિતી આપેલી : મર્યાના બે દિવસ અગાઉ ઝરણાબહેન બધી તપાસ કરી ગયાં, મારું અંગ કોને ફિટ થશે એ પણ રસપૂર્વક જાણ્યું, અંગદાનના ડેક્લેરેશન સાથે પોતાનું હાર્ટ તમને આપવાની ભલામણ પણ કરતાં ગયેલાં. હું તેમને હસેલી પણ : તમારો ઉપર જવાનો વારો આવશે એ પહેલાં તો આસિતાબહેન કોઈ બીજાના હાર્ટથી માઉન્ટ એવરેસ્ટ પણ ચડી આવ્યાં હશે! હાસ્તો, આવી હેલ્ધી-હૅપી વ્યક્તિ આમ જતી રહેશે એવું કોણ ધારે? પણ તેમના માટે તો ઘરના જ ઘાતકી બન્યા...’
ત્યારે જાણ્યું કે શ્વશુરની વાસનાનો સામનો કરતાં ઝરણા મોતને ભેટી!
‘છોકરી એટલી બહાદુર કે સસરાની હરકત લાઇવ થઈને આખા જગતને દેખાડી... પણ એટલે જ કદાચ સસરાનું મગજ ગયું ને બિચારીને એવો ધક્કો માર્યો કે તેનું માથું સીધું દીવાલમાં અફળાયું ને...’
-આજે આ પત્ર વાંચીને સમજાય છે કે એ ખરેખર તો ઝરણાનું પ્લાનિંગ હતું! પોતાનું આ દુખ ઝરણાએ પહેલાં ક્યાં કહ્યું હતું? પોતાનાં સાસરિયાંને ઉઘાડાં પાડવાના દાવમાં તે પોતાની બાજી રમી ગઈ! કદાચ એક એવી આત્મહત્યા જે હંમેશાં હત્યા જ ગણાવાની!
આસિતા-ઓમની નજરો મળી.
હજી ગઈ કાલે જ આસિતાને ડિસ્ચાર્જ મળતાં હૃષીકેશ આવ્યાં. તેની બૉડીએ નવું હાર્ટ સ્વીકારી લીધું હતું. હવે હરવા-ફરવાની પણ છૂટ હતી. અત્યારે અગાસીની બેઠકે આટલા દિવસોની ટપાલ ચેક કરતાં ઝરણાનો પત્ર સાંપડ્યો... તો સમજાય છે કે તેના દાનમાં બલિદાન પણ હતું!
આસિતાએ ઓમનો હાથ હાથમાં લીધો, છાતી પર મૂકી એના પર પોતાનો હાથ મૂક્યો અને બેઉ સાથે જ બોલ્યા : થૅન્ક્સ, ઍન્ડ વેલકમ ઝરણા!
એ ઘડી ઝરણાના આત્મા માટે મોક્ષની જ રહી હોયને!
lll
ઑનલાઇન ધજાગરા પછી ચિરંતન મુંબઈ છોડીને થાઇલૅન્ડ વસી ગયો છે. ત્યાંના ટ્રાન્સજેડરના શોમાં પર્ફોર્મ કરતો જોવા મળ્યો છે. મમતાબહેનના હૈયે બળાપો જ રહ્યો.
જનમટીપની સજા કાપતા ભાનુશેઠ જેલની કાળમીંઢ દીવાલોને તાકી રહે છે. પછી અચાનક એકદમ તાડૂકે : મેં તેને નથી મારી... તે જાતે દીવાલમાં ઠોકાઈ...
સાંભળીને બીજા કેદીઓ હસે છે : બુઢ્ઢાએ વાયેગ્રા લઈને વહુને ભોગવવી હતી, પણ લાઇવ દર્શન પછી જોર ખોટી જગ્યાએ વપરાયું એમાં વહુ મરી ને બિચારાની ડાગળી જ ચસકી ગઈ!
જેવી જેની કરણી, બીજું શું!
lll
આસિતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. શરીર ભરાયું છે, ચહેરા પર નવયૌવનની લાલી ફૂટી છે, સલોણી રાતના મીઠા ઉજાગરા મનભરીને માણે છે. સ્વામીજીએ ભાખ્યું છે એમ તેમના ઘરે બહુ જલદી પારણું બંધાવાના યોગ છે અને તેમની જીવનધારામાં સુખની ક્યારેય ઓટ આવવાની નહીં!
(સમાપ્ત)