જીવદયા

20 May, 2022 04:50 PM IST  |  Mumbai | Rashmin Shah

‘રામ, આ તારી પરીક્ષા હતી. એમાં તું પાસ થયો.’ બકરી ધીમે-ધીમે ઓગળવા માંડી, ‘તું ચિંતા ન કર. હું હંમેશાં તારી સાથે રહીશ અને તને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું આવી જઈશ.... બાય’

જીવદયા

ઇસ્માઇલશેઠ એક બકરી લાવ્યા. એ બકરીની બકરી ઈદના દિવસે કુરબાની આપી દેવાની હતી. જોકે સંજોગો એવા ઊભા થયા કે રામ એ બકરીને લઈને જંગલમાં ચરાવવા ગયો અને ત્યાંથી એ ભાગી ગઈ. હવે શેઠ રામ પર ગુસ્સે થયા; પણ મનમાં ને મનમાં એવો ભાવ પણ આવી ગયો કે વાંધો નહીં, બકરી ગઈ તો આપણે રામ પાસેથી એ પૈસા વસૂલ કરીશું.
શેઠે એવું જ કર્યું અને તેમણે રામને છ મહિના સુધી વગર પગારે નોકરીએ રાખી લીધો. એ જે પગાર હતો એ પગાર શેઠ બકરીના અકાઉન્ટમાં જમા કરતા ગયા. શેઠમાં લાલચ એટલી હદે ભરી હતી કે રામની પાસેથી પૈસા વસૂલ કરવા માટે તેમણે ઘરના બીજા બે નોકરને પણ રજા આપી દીધી. એ નોકરનાં પણ હવે બધાં કામ રામે કરવાં પડતાં. રામે એકાદ-બે વાર શેઠને સમજાવ્યું; પણ કોઈ ફરિયાદ કર્યા વિના, રોકકળ કર્યા વિના તે પોતાનું કામ કરતો રહ્યો. એમ મહિનાઓ પણ આગળ વધતા ગયા. જોકે શેઠને ચેન પડે નહીં એટલે તેમણે પોતાના એક માણસને રામની પાછળ લગાડ્યો. 
શેઠનો એ માણસ રિપોર્ટિંગ કરીને આવ્યો અને તેણે શેઠને કહ્યું કે ‘એવું બિલકુલ નહીં માનતા કે રામ ગરીબ છે. તેના ઘરમાં બીજી કોઈ આવક છે અને એ લોકો મજાથી રહે છે.’
lll
બીજી સવારે રામ જેવો ઘરમાં આવ્યો કે તરત જ શેઠે તેને બોલાવ્યો...
‘મેં બધો હિસાબ કર્યો, પણ તારો હિસાબ જોતાં મને નથી લાગતું કે તું આમ બકરીના પૈસા વસૂલ કરી શકે.’
‘હું કામ તો બધાં કરું છું શેઠ...’ રામે શેઠને ગણાવ્યું, ‘મારા પગાર ઉપરાંત તમે બીજા બે માણસોને કાઢી મૂક્યા એટલે એ બધાં કામ પણ હું જ કરું છું. તમે એની જગ્યાએ બીજા કોઈને લાવ્યા પણ નથી તો શેઠ, એમ તો હું ત્રણ માણસનાં કામ કરું છું અને તમે દર મહિને ત્રણ માણસના પૈસા વસૂલ કરો છો મારી પાસે...’
‘એય, બહુ જીભાજોડી નહીં કરવાની...’ શેઠ ગુસ્સે થયા, ‘મારી બકરી કેટલી મોંઘી હતી ખબર છે તને? એના કાનમાં સોનાનાં ઇયર-રિંગ્સ હતાં. એના પૈસા પણ તારે આપવા પડેને?’
‘શેઠ, એવું કંઈ નહોતું. એણે કાનમાં કંઈ પહેર્યું નહોતું.’
‘એટલે હું ખોટું બોલું છું?!’
‘હા કહીશ તો માઠું નહીં લગાડોને?’ રામે તરત સુધાર્યું, ‘હા, એટલે તમે સાચા જ છો, પણ શેઠ હું બધાં કામ તો કરું છુંને?!’
‘ના, બીજા છ મહિના આ બધાં કામ કરીશ તો મારા પૈસા વસૂલ થશે...’
lll
રામ તો ચૂપચાપ લાગી ગયો કામે. બીજા છ મહિનાની પણ તેની તૈયારી હતી. થોડો સમય તો શેઠને લાગ્યું કે રામ મૂર્ખ છે કે તે આવી રીતે ગધ્ધામજૂરી કરે છે, પણ થોડા જ વખતમાં શેઠને લાગ્યું કે ક્યાંક પોતે મૂરખ પુરવાર થઈ રહ્યા છે. 
‘રામમાં મને કોઈ જાતનો ફરક નથી દેખાતો. તે તો દિવસે ને દિવસે મસ્તમજાનો તગડો થતો જાય છે અને ઘરમાં આવક તો રામના પગારની એક જ હતી...’ શેઠે તેમના માણસને કહ્યું, ‘તારી વાત સાચી લાગે છે. રામની બીજી કોઈ ઇન્કમ હશે અને કાં તો તેનો બાપ પૈસા મૂકતો ગયો હશે. એના પર એ લોકોનું ગુજરાન સરસ ચાલે છે.’
‘શેઠ, એક કામ કરો...’ માણસે આઇડિયા આપ્યો, ‘રામને કહી દો કે તારે દસ હજાર રૂપિયા બકરીના આપવા પડશે. એ આપી ન શકે તો તમારે સીધું તેને કહી દેવાનું કે હવે તારે બે વર્ષ પગાર વિના નોકરી કરવી પડશે.’
‘હં...’ શેઠે વિચાર કર્યો, ‘વાત તો અમલમાં મૂકવા જેવી છે હં...’
lll
એ રાતે જ શેઠે રામને આ વાત કહી દીધી, પણ આ વખતે રામની આંખમાં આંસુ આવી ગયાં. રામે શેઠને હાથ જોડ્યા...
‘આવું ન કરો શેઠ, હું નાનો માણસ છું. મારે મારી માનું પણ પૂરું કરવાનું હોય. હું ક્યાંથી દસ હજાર રૂપિયા લઈ આવીશ...’
‘મને એ બધી ખબર ન પડે. તારે જે કરવું હોય એ કર, પણ મને દસ હજાર જોઈએ...’ શેઠે ધીમેકથી ઑપ્શન પણ આપી દીધો, ‘બાકી બીજો રસ્તો પણ છે. બે વર્ષ મારે ત્યાં ફ્રીમાં કમ કર અને દસ હજાર વસૂલ કરાવી દે.’
lll
‘બહુ ખરાબ શેઠ કહેવાય આ તો કાં?’ મમ્મીના ખોળામાં માથું રાખીને સૂતેલા ઢબ્બુએ પપ્પાની સામે જોયું, ‘આવા શેઠ હોય તો-તો તેની જૉબ જ ન કરાય.’
‘હા, પણ રામ પાસે બીજો કોઈ ઑપ્શન જ નહોતો.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘રામ પણ હવે ત્રાસી ગયો હતો. એ રાતે રામ ઘરે ગયો અને જેવો ઘરમાં દાખલ થયો કે તરત જ જે તેની રાહ જોતી હતી એ સામે આવી...’
‘તેની મમ્મી...’ 
ઢબ્બુએ બાંધેલા અનુમાનને પપ્પાએ તોડ્યું...
‘ના, બકરી...’
‘હેં?!’
ઢબ્બુ બેઠો થઈ ગયો.
‘હેં નહીં હા...’ પપ્પાએ સમજાવ્યું, ‘બકરી ભાગી જ નહોતી. રામ નહોતો ઇચ્છતો કે એની કુરબાની આપીને એને મારી નાખવામાં આવે. એટલે રામે નાટક કર્યું અને નાટકના ભાગરૂપે એ બકરીને પોતાના ઘરે મૂકી આવ્યો.’
‘ઓહ... ઇન્ટેલિજન્ટ.’
lll
બેં... બેં... બેં...
રામ ઘરમાં દાખલ થયો કે તરત બકરી દોડતી બહાર આવી અને રામની પાસે આવીને ઊભી રહી ગઈ. રામે એના માથા પર હાથ ફેરવ્યો અને પછી એને સરસ રીતે ભેટ્યો. જોકે આજે રામનો મૂડ નહોતો, જે તેની મમ્મીએ જોઈ લીધું...
‘શું થયું, કેમ આજે થાકેલો છે?’
‘હા, બહુ કામ હતું એટલે...’ 
રામે વધારે વાત કરવાને બદલે કપડાં ચેન્જ કર્યાં અને પછી જમી લીધું.
‘જા, જઈને શાંતિથી સૂઈ જા...’
મમ્મીએ રામને કહ્યું અને રામ રૂમમાં ચાલ્યો ગયો. બકરી પણ ચૂપચાપ એની પાછળ ગઈ. એ દરરોજ રામ સાથે રૂમમાં જ સૂતી, પણ એ રાતે રામ સૂઈ જ શક્યો નહીં અને એ બકરીએ પણ નોટિસ કર્યું.
થોડી વાર સુધી એમ જ બેસી રહેલી બકરી ધીમેકથી સૂતેલા રામ પાસે આવી અને એની બાજુમાં બેસી રામને જોવા માંડી.
‘હવે મારે શેઠને દસ હજાર આપવાના છે...’ રામના અવાજમાં માયૂસી હતી, ‘ખબર નથી પડતી કે હું ક્યાંથી એ કાઢીશ? આજ સુધી મારી પાસે મફતમાં કામ કરાવ્યું, પણ તું દૂધ આપતી એટલે ઘરનો ખર્ચો નીકળી જતો. જોકે હવે તો શેઠ દસ હજાર માગે છે...’
રામનો અવાજ સાવ ઢીલો થઈ ગયો હતો...
‘બહુ રડવું આવે છે.’
બકરીને રામની બોલી નહીં પણ રામની લાગણી સમજાતી હતી. એણે સરસ રીતે રામની છાતી પર માથું ઢાળી દીધું. જાણે કે કહેતી હોય કે તું ચિંતા નહીં કર... હું છું.
બકરી એમ જ સૂતી રહી અને રામનું ટેન્શન પણ જાણે કે હળવું થઈ ગયું હોય એમ એ પણ મસ્ત રીતે સૂઈ ગયો. 
lll
સવાર પડી અને રામની આંખો ખૂલી. આંખો ખોલતાંની સાથે જ રામ એકઝાટકે બેઠો થઈ ગયો. રામને પેલા દસ હજાર યાદ આવી ગયા એટલે તે જાગતાંની સાથે જ વિચારમાં પડી ગયો કે હવે કરવાનું છે શું?
શું થાય? બે વર્ષ મફતમાં નોકરી કરી લઈશ.
આવું વિચારીને રામે ઊંડો શ્વાસ લીધો, આંખો બંધ કરી અને ભગવાનનું નામ લીધું. જોકે ભગવાનનું નામ લેતાં-લેતાં જ તેને યાદ આવ્યું કે તેની ફેવરિટ બકરી તો દેખાઈ નહીં કે એનો અવાજ સાંભળવા મળ્યો નહીં. 
નવકાર મંત્ર પૂરા કરીને રામે આંખ ખોલી અને પોતાની લેફ્ટ સાઇડ જોયું. બકરી નહોતી એટલે રામે રાઇટ સાઇડ જોયું અને રામની આંખો ફાટી ગઈ.
lll
‘શું હતું ત્યાં?’ ઢબ્બુએ આશંકા વ્યક્ત કરી, ‘બકરીને કંઈ થયું?’
‘ના... એવું નહોતું.’
‘તો?’
‘રામની રાઇટ સાઇડ પર મોટો બધો સોનાનો ઢગલો હતો અને એ ઢગલાની બાજુમાં બકરી બેઠી હતી.’
ઢબ્બુની આંખો મોટી થઈ ગઈ. તેની આંખોમાં રહેલા પ્રશ્નને ઓળખીને પપ્પાએ સ્ટોરી આગળ વધારી.
lll
‘તારે જે પૈસા ચૂકવવાના છે એ ચૂકવી દે, ચિંતા નહીં કર...’
બકરીમાંથી માણસ જેવો અવાજ આવ્યો અને રામની આંખોમાં અચરજ અંજાયું. જોકે તે કંઈ બોલે કે કરે એ પહેલાં જ બકરીમાંથી ફરી અવાજ આવ્યો...
‘ચિંતા નહીં કર. આ તારું વળતર છે અને મેં જ તને આ બધા સોનાના સિક્કા આપ્યા છે. આ સિક્કા તારા છે, મારો જીવ બચાવવા બદલ...’ બકરીએ કહ્યું, ‘આ સિક્કાઓ વેચીને તું એમાંથી પેલા શેઠને પૈસા ચૂકવી દે અને કાયમ માટે તારો છુટકારો કરાવી લે. તારો ખૂબ-ખૂબ આભાર રામ. આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમને અમારા જેવાં મૂંગાં પશુઓની વેદના સમજાય છે, દેખાય છે અને તેઓ એ વેદના દૂર કરવાની કોશિશ કરે છે. થૅન્ક યુ વેરી મચ રામ. તેં જો એ દિવસે મને બચાવી ન હોત તો મને માણસજાત પરથી વિશ્વાસ ઊઠી ગયો હોત. તારે લીધે આજે પણ હું અહીં છું. બાકી મને ખબર છે કે મારો જીવ ક્યારનો નીકળી ગયો હોત અને હું અત્યાર સુધીમાં કોઈની કુરબાની બની ગઈ હોત.’
રામ બકરીની સામે જ જોતો રહ્યો. બકરીની આંખોમાં આંસુ હતાં.
‘તારા જેવા પ્રેમાળ લોકોને કારણે જ અમારા જેવાં મૂંગાં પશુઓને અને પ્રાણીઓને જીવવાનો હક મળ્યો છે. બાકી લોકો આજે અમારા વિશે કશું વિચારતા સુધ્ધાં નથી. અમારી લાગણી સાથે તેમને કોઈ નિસબત નથી. મને તો એ લોકોને પૂછવાનું મન થાય છે જેઓ નૉન-વેજ ખાતા હોય છે કે તેઓ એક વખત, માત્ર એક વખત વિચાર કરજો કે તમે શું એ સ્વીકારી શકો ખરા કે અમે તમારાં બાળકોને ખાઈ જઈએ? અમે તેમને ખાતા હોઈએ ત્યારે તમે ખુશ રહી શકો ખરા?!’
બકરી ઊભી થઈ અને રામ પાસે આવી...
‘છેલ્લી વાર ભેટી લઈએ?’
રામની આંખોમાં આંસુ હતાં. આંસુ સાથે રામે બે હાથ પહોળા કર્યા અને બકરીએ પોતાના આગળના બે પગ ઊંચા કરીને રામને હગ કર્યું.
રામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. તે સમજી ગયો હતો કે બકરી તેને છોડીને જવાની છે.
‘હવે તું ક્યાં જશે?’ રામે પૂછ્યું અને કહ્યું પણ ખરું, ‘તું પ્લીઝ મને છોડીને નહીં જાને...’
બકરીની આંખોમાં પણ આંસુ આવી ગયાં. એ રામથી થોડે દૂર ગઈ અને પછી ફરીથી એનામાંથી અવાજ આવ્યો...
‘રામ, આ તારી પરીક્ષા હતી. એમાં તું પાસ થયો.’ બકરી ધીમે-ધીમે ઓગળવા માંડી, ‘તું ચિંતા ન કર. હું હંમેશાં તારી સાથે રહીશ અને તને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું આવી જઈશ.... બાય.’
રામે હાથ ઊંચો કરીને બાય કર્યું, પણ તેનું બાય હજી તો હવામાં હતું ત્યાં જ બકરી હવામાં ઓગળી ગઈ અને ગાયબ થઈ ગઈ.
lll
‘એ કોણ હતું?’ ઢબ્બુએ પપ્પાને પૂછ્યું, ‘ગૉડ?’
‘મે બી...’ પપ્પાએ ઢબ્બુને સમજાવ્યું, ‘અને ગૉડ તો બધામાં છે તો પછી આપણે કેવી રીતે બીજા ગૉડને મારીને આપણું ફૂડ બનાવી શકીએ?!’
‘હા, સાવ સાચું. એવું ફૂડ ખવાતું થોડું હશે?’
‘પ્રૉમિસ?’
પપ્પા અને મમ્મીએ સાથે હાથ લંબાવ્યો એટલે ઢબ્બુએ તે બન્નેના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું...
‘એન્જલ પ્રૉમિસ...’
ગૉડ પ્રૉમિસને બદલે બોલાયેલા એન્જલ પ્રૉમિસ પર મમ્મી હસી પડી.
‘આ ક્યારે છૂટવાની છે તારી એન્જલ?’
‘ક્યારેય નહીં...’ ઢબ્બુએ પપ્પા સામે જોયું, ‘એ તો લાઇફટાઇમ સાથે રહેશે, હેંને પપ્પા...’

સંપૂર્ણ

columnists Rashmin Shah