ખૂનકેસની જશરેખા રૂપ ગુલાબી, વરદી ખાખી (પ્રકરણ ૫)

27 June, 2025 12:44 PM IST  |  Mumbai | Lalit Lad

ગુસ્સામાં આઈને રોહિણીને જ પતાવી દેવાનું નક્કી કર્યું, તે છરો લઈને રોહિણીને મારી જ નોંખત પણ...

ઇલસ્ટ્રેશન

અમદાવાદથી થોડે દૂર આવેલા મટોડા નામના નાનકડા ગામમાં હલચલ મચી ગઈ હતી.

એક તો થોડા દિવસ પહેલાં મટોડા રેલવે-સ્ટેશન પર પાર્સલમાં એક પેટી આવી હતી. એમાં આ જ ગામના રણવીર નામના માણસની અતિશય વિકૃત થયેલી લાશ આવી હતી.

બિચારી રણવીરની પત્ની રોહિણી તો લાશને જોઈને બેહોશ જ થઈ ગયેલી.

એ પછી મટોડા રેલવે-સ્ટેશનના વિનોદ સેદાણીને કોઈએ ખોપડી મોકલી હતી! એની ઉપર સેદાણીનું જ નામ લખેલું હતું!

એ જ રાત્રે સેદાણીના રેલવે ક્વૉર્ટરમાં બારીના કાચ ફૂટ્યા... અંદર સળગતા કાકડા ફેંકાયા! ફફડી ગયેલા સેદાણી તાત્કાલિક રજા મૂકીને પોતાના વતન જતા રહ્યા...  પણ તે પોતાના ગામડે પહોંચે એ પહેલાં કોઈએ અંધારા રસ્તામાં તેનો ટોટો પીસી નાખ્યો હતો.

અને જોવા જેવી વાત એ હતી કે આ ખૂનકેસ ડાભીસાહેબ જેવા એવા એક ઇન્સ્પેક્ટરના હાથમાં આવી પડ્યો હતો કે જેમના હાથમાં જશરેખા જ નહોતી!

lll

ડાભીસાહેબે ફક્ત એક હવાલદારને બાવળા પોલીસ-સ્ટેશન બેસાડી રાખીને બાકીના તમામ સ્ટાફને અહીં મટોડા ગામનાં અમુક ચોક્કસ ઘરોની બહાર પહેરા પર ગોઠવી દીધા હતા.

પોલીસો પણ વિચારે ચડ્યા હતા કે ડાભીસાહેબ આખરે કરવા શું માગે છે?

lll

રોહિણીના ફળિયાથી ખાસ્સા દૂર એક જગ્યાએ ડાભીસાહેબે જીપ ઊભી રખાવી. પછી ડ્રાઇવરને પૂછ્યું, ‘સાડલો પહેરાવતાં આવડે છે?’

lll

રાતનો અંધકાર ઊતર્યો ત્યારે ધોળો સાડલો પહેરેલા એક ભારે શરીરવાળાં ડોશીમા ફળિયામાં જરા લંઘાતી ચાલે દાખલ થયાં...

થોડી વારે ચાલતાં-ચાલતાં તે રોહિણીના ઘર પાસે પહોંચ્યાં. આટલું ચાલવામાં તો ખાસ્સાં થાકી ગયાં હોય એમ દરવાજે ઊભા રહીને શ્વાસ ખાવા લાગ્યા. શ્વાસ જરા હેઠો બેઠો એટલે દરવાજે ટકોરા માર્યા.

‘કોણ?’ કહેતાં રોહિણીએ દરવાજો ખોલ્યો.

દરવાજે ઊભેલાં ડોશીમાએ છેક માથે ઓઢેલો છેડો જરા ખસેડ્યો કે તરત રોહિણીની આંખો પહોળી થઈ ગઈ, ‘ડાભીસાહેબ, તમે?’

‘શી...શ!’ ડાભીસાહેબ બોલ્યા, ‘આજની રાત મારે અહીં રોકાવું પડશે!’

lll

રાત બરાબરની ઘેરાઈ ચૂકી હતી.

એક તો ઇન્સ્પેક્ટર ડાભી ઘરમાં આ રીતે ધોળો સાડલો પહેરીને આવી ગયા અને હવે બરાબર પોતાના ઓરડાની બહાર જ ખાટલો ઢાળીને ડોશીમાની જેમ ઊંઘી રહ્યા છે એ વાતથી રોહિણીને સરખી ઊંઘ જ નહોતી આવતી.

તો પેલી તરફ બિચારા ડાભીસાહેબ આ ઢીલા ખાટલા અને પોચા-પોચા ગોદડામાં સૂતા પછી ક્યાંક ખરેખર ઊંઘ ન આવે એ ટેન્શનમાં પડી રહ્યા હતા. થોડી-થોડી વારે કમર પાસે સાડલામાં ખોસેલી રિવૉલ્વર પર હાથ ફેરવી લેતા હતા. ડાભીસાહેબને હતું કે નક્કી આજની રાતે કંઈક થવું જોઈએ.

પણ આખી રાત વીતી ગઈ, કંઈ થયું જ નહીં.

lll

જોકે ડાભીસાહેબ આ વખતે ટસથી મસ થવા તૈયાર નહોતા. તેમણે આખા સ્ટાફને કહ્યું, ‘આજની રાત પણ અહીં જ ડ્યુટી કરવાની છે!’

એ રાત્રે પણ કંઈ ના થયું...

lll

ત્રીજી રાત્રે ઇન્સ્પેક્ટર ડાભીની જે શંકા હતી એ સાચી પડી...

રાતના ત્રણ-સાડાત્રણના સુમારે વંડાની દીવાલ કૂદીને એક ઓળો ઊતર્યો. સહેજ પગરવ થતાં જ ડાભી ચેતી ગયા. તેમણે જોયું કે આખા શરીરે ધાબળો ઓઢેલી કોઈ વ્યક્તિ આ તરફ આવી રહી હતી. ડાભીસાહેબે શ્વાસ રોકી રાખ્યો અને ચૂપચાપ પડી રહ્યા.

પેલો ઓળો ધીમે પગલે ખાટલા આગળથી પસાર થઈને રોહિણીના ઓરડા તરફ આગળ વધ્યો. જેવો તે અંદર ગયો કે તરત જ ડાભીસાહેબે કમરે ખોસેલી રિવૉલ્વર સંભાળી અને દબાતા પગલે દરવાજાની પાસે પહોંચીને આડશમાં ઊભા રહી ગયા. તેમણે જોયું કે પેલો ઓળો ઘસઘસાટ ઊંઘી રહેલી રોહિણી પાસે પહોંચી ગયો હતો. બરાબર તેની નજીક જઈને તેણે શરીર ફરતેનો ધાબળો અલગ કર્યો. અને પછી ક્યાંકથી એક લાંબો છરો બહાર કાઢ્યો!

હવામાં હાથ ઉગામીને તે રોહિણી પર વાર કરવા જાય ત્યાં જ ઇન્સ્પેક્ટર ડાભીએ હાથમાંની રિવૉલ્વર ઊંચી કરીને ત્રાડ પાડી : ‘ખબરદાર! સહેજ પણ હલ્યો છે તો જાનથી જઈશ!’

પેલો ઓળો થીજી ગયો.

હવે કંઈ પણ બની શકે એમ હતું. એક જ ક્ષણમાં તે છરો વીંઝે તો રોહિણીની છાતીમાં ભોંકાઈ જાય એમ હતું. અથવા તો ઝડપથી હાથ ઘુમાવીને તે ડાભીસાહેબ તરફ છરો છુટ્ટો ફેંકે તો અંધારામાં નિશાન ચૂકવવું મુશ્કેલ થઈ જાય એમ હતું...

અને જો તે આ બેમાંથી કંઈ ન કરે અને કૂદકો મારીને ભાગી છૂટે તો કણસતા ઘૂંટણે ડાભીસાહેબ તેની પાછળ દોડી શકે એવી હાલતમાં નહોતા...

રોહિણી પણ ઝબકીને જાગી ગઈ હતી. ચાર-પાંચ ક્ષણ માટે ત્રણે જણ પૂતળાની જેમ સ્થિર થઈ ગયાં હતાં...

અચાનક ડાભીસાહેબે હવામાં
ફાયર કર્યો અને બીજી જ પળે બાજુમાં હાથ ઘુમાવીને લાઇટની સ્વિચ ઑન કરી દીધી.

પેલાના ચહેરા પર પ્રકાશ થતાં જ રોહિણી ચીસ પાડી ઊઠી, ‘રણવીર! રણવીર તમે જીવતા છો?’

બીજી જ પળે રોહિણી બેહોશ
થઈ ગઈ.

પણ ડાભીસાહેબની સમયસૂચકતા કામ કરી ગઈ હતી. ફાયરિંગનો અવાજ સંભળાયો કે તરત જ આજુબાજુ ડ્યુટી બજાવી રહેલા કૉન્સ્ટેબલો ધસી આવ્યા. બીજી જ ક્ષણે છરા સાથે આવેલો એ માણસ ઝડપાઈ ગયો હતો.

lll

 આમ તો સામાન્ય રીતે
પ્રેસ-કૉન્ફરન્સ માટે પત્રકારો આવતા હોય છે અને જે તે પોલીસ ઓફિસર ચહેરો ઠાવકો રાખીને આખા કેસની વિગત આપતા હોય છે. પણ આજે તો ડાભીસાહેબની જશરેખા ફળી હતી!

બાવળા પોલીસ-સ્ટેશને મટોડા ગામના લોકો ભેગા થયા હતા. સૌની ઉત્સુકતા વચ્ચે ડાભીસાહેબે હાથકડી પહેરાવેલા રણવીરને રજૂ કરતાં કહ્યું :

 ‘રોહિણી, આ તારો ધણી રણવીર જ આખા કાંડનો ગુનેગાર છે. અને તેનું કદી ખૂન થયું જ નહોતું.’

‘તો પછી પેલી લાશ જે રેલવેના પાર્સલમાં આવી એ કોની હતી?’

‘એ લાશ કૌશિકની હતી. રણવીરના ભાઈબંધની.’ ડાભીસાહેબે તેમના કણસતા ઘૂંટણને પસવારતાં આખી વાતની પહેલેથી માંડણી કરી...

રોહિણી, તારો પતિ મામૂલી ચોકીદારીની નોકરી કરીને માંડ આઠ હજાર રૂપિયા કમાઈ શકતો હતો પણ તે નમાલો હતો અને ઉપરથી શંકાશીલ હતો. એક તો પોતાની રાતની ડ્યુટી અને પણ ગામથી દૂર છેક અમદાવાદની ફૅક્ટરીમાં. બીજી તરફ ભોળી કબૂતરી જેવું તારું રૂપ... ભલે તું ઘર ચલાવવા ખાતર લોકોને ટિફિન રોંધીને ખવરાવતી હતી પરંતુ રણવીરને જરાય નહોતું ગમતું.

રણવીરને સતત એવા લોકો પર શંકા પડ્યા કરતી હતી જેઓ પોતે એકલા હોય અને જુવાન હોય.

કૌશિક પણ આવો એક જુવાન હતો. ભલે તે સુરતમાં રહેતોતો પણ મહિને બે-મહિને અહીં ગામડે પોતાના ઘરમાં આવીને ચાર-પાંચ દહાડા રહી જતો હતો. દરમ્યાન તે રોહિણીનું ટિફિન જમતો.

રણવીરને શંકા પડી કે કૌશિક કેમ વારેઘડીએ અંઈ આઈને પડ્યો રેછે? જરૂર તે મારી બૈરીને...

ડાભીસાહેબે ખુરશીમાં બેઠાં-બેઠાં પગ આમતેમ હલાવ્યા. પછી વાત આગળ વધારી...

એટલે તે એક દહાડો જ્યારે કૌશિકની જોડે-જોડે ટ્રેનમોં જવા નીકળ્યો ત્યારે અમદાવાદમાં પોતાની ડ્યુટી પર જવાને બદલે કૌશિક હંગાથે સુરત જવા નીકળી ગયો. રસ્તામાં કોઈ બહાનું કરીને તેણે કૌશિકને વડોદરામાં ઉતારી પાડ્યો.

અને વડોદરામાં કોઈ એકાંત સ્થળે કૌશિકને મારી નોંખ્યો એટલું નહીં, મારી નોંખ્યા પછી તેના ચહેરા પર ઍસિડ રેડીને એટલી હદે વિકૃત કરી નોંખ્યો કે ઓળખાય પણ નહીં... ત્યાર પછી પોતાનાં કપડાં તેને પહેરાવીને પોતાનુંઆરલખેલું લૉકેટ તથાઆરલખેલી વીંટી પણ પહેરાઈ દીધી.

હવે રણવીરનોં નસીબ જુઓ. પેટીમાં કૌશિકની લાશ પૅક કરીને તે વડોદરાના પાર્સલ રૂમમાં પહોંચ્યો ત્યારે કોઈ કારણસર એનું ચેકિંગ ના થ્યું... અને પાર્સલ અહીં મટોડા સ્ટેશને આઈ પહોંચ્યું. તૈણ દહાડા લગી કોઈ પાર્સલ છોડાવવા ના આયું એમોં લાશ સડી ગઈ અને ગંધાવા લાગી.

આખરે સ્ટેશન-માસ્તર સેદાણીએ જ્યારે રોહિણીને બોલાઈને પેટી ખોલાવરાઈ ત્યારે ગંધાતી સડેલી લાશ જોઈને રોહિણીએ માની લીધું કે રણવીર મરી ગયો છે. પણ રણવીર હવે બીજો શિકાર કરવાની ફિરાકમોં હતો...

રાજકોટમાં ફૅમિલીને રાખીને અંઈ એકલો નોકરી કરતો વિનોદ સેદાણીયે જવાન હતો અને તે પણ રોહિણીનું ટિફિન ખાઈને દહાડા કાઢતો હતો.

રણવીરે સેદાણીને ગભરાવવા હારુ એક ખોપડી મોકલી. એના પર લોહી વડે તેનું નોંમ લખ્યું... સેદાણી જોઈને હબકી ગયેલો.. રાત્રે રણવીરે તેના ઘરના કાચ ફોડ્યા. ઘરમાં સળગતા કાકડા ફેંક્યા...

સેદાણી ડરીને ગોંમ છોડીને ભાગ્યો... પરંતુ પોતાના વતનની વાટે વચમાં આવતા સૂમસામ વિસ્તારમોં તેને આંતરીને રણવીરે તેનોય ટોટો પીસી નોંખ્યો... બધી કબૂલાત રણવીર કરી ચૂક્યો છે.

પોલીસ-સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. ખુદ રોહિણીનો પતિ ફક્ત શંકાનો માર્યો આવાં કામ કરી રહ્યો હતો?

‘પણ સાહેબ, આ બધું ખુદ રણવીર જ કરી રહ્યો છે એવી શંકા તમને ક્યારે પડી?’

ડ્રાઇવર-કમ-હવાલદાર વજુ ચાવડાએ આ સવાલ કર્યો ત્યારે ડાભીસાહેબ સહેજ હસી પડ્યા.

‘બસ, ત્યોં જ મારી જશરેખા ફળી! કેમ કે ફાફડાની લારીએ બેઠેલો પેલો પાતળિયો ચોર પકડાયો ત્યારે તેની પાસેથી જે ચોરેલો મોબાઇલ હાથ લાગ્યો.. એ રણવીરનો હતો! એ ચોરે ખાલી સિમ-કાર્ડ બદલેલું. અંદર ફોટા ડિલીટ નહોતા કરેલા!’

‘ઓહો... એટલે જ તમે રંગમાં આઇ ગયેલા!’

‘હાસ્તો! એમાંય જ્યારે મેં સુરત ફોન કર્યો તો જાણવા મળ્યું કે કૌશિક તો ત્યાં પહોંચ્યો જ નથી! ત્યારે જ મને શંકા પડેલી કે રણવીરે કૌશિકનું કાટલું કાઢી નોંખ્યું હશે... અને એટલે જ મેં ફળિયામોં એવાં ઘરોની બહાર વૉચ રખાવડાવી જેમોં જુવાન છોકરા રહેતા હોય! શંકાશીલ રણવીર એમાંથી એકાદને તેનો નવો શિકાર બનાવવાનો હતો. પણ પોલીસની ઘોંસ જોઈને તે અકળાયો... અને ગુસ્સામાં આઈને રોહિણીને જ પતાવી દેવાનું નક્કી કર્યું. કાલે રાતે તે છરો લઈને રોહિણીને મારી જ નોંખત પણ...’

‘પણ એક ધોળા સાડલાવાળાં ડોશીમા તેને નડી ગયાં!’ વજુ ચાવડાએ જોક માર્યો. બધા હસી પડ્યા.

ડાભીસાહેબને પણ આ જોક ગમ્યો કેમ કે તેમની જશરેખા ફળી હતી...

 

(સમાપ્ત)

columnists gujarati mid day exclusive