લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ ૨)

05 May, 2026 11:14 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આજે જ્યાં જવાનું છે તે નીરવભાઈ પણ જાણીતા ગુજરાતી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ છે. જુહુમાં તેમનો પ્રાઇવેટ સ્વિમિંગ-પૂલવાળો વિશાળ બંગલો છે.

ઇલસ્ટ્રેશન

મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...

મેંદીના ફંક્શનમાં જવા તૈયાર થતી વેળા સીમાના હોઠે અનાયાસ લતાજીનું ગીત આવી ગયું.

મેંદીનો મને કેટલો શોખ. પાનને વાટીને પાઉડર બરણીમાં ભરી રાખું. મૂકવાની આગલી રાતે વાટકામાં પલાળી બીજે દહાડે સાવરણીની સળીથી હથેળી પર એવી ડિઝાઇન બનાવું કે જોનારા જોતા રહે! પાછું ડાબા-જમણા બન્ને હાથથી મેંદી મૂકવાની ફાવટ. ગામમાં ક્યાંય પણ વિવાહ-લગ્નનો શુભ પ્રસંગ હોય ત્યારે મેંદી મૂકવા મને જ તેડાવે...

મેંદી મૂકવાનો પણ બિઝનેસ છે એ તો વીસની ઉંમરે મુંબઈમાં થાળે પડી ત્યારે જાણ્યું. ગામડાગામમાં તો સખીભાવે કે દીકરીભાવે કરવાનું રહેતું, એમાં ન પૈસા અપાય કે લેવાય. અહીં વસ્યાના ત્રીજા મહિને બાજુની વિંગમાં રહેતી છોકરીને તેના સીમંત નિમિત્તે મેંદી મૂકી આપી એના બદલામાં તેની મધરે કવર આપ્યું ત્યારે પોતે ઇનકાર કરેલો : આના કંઈ પૈસા હોય!

‘અરે, કેમ નહીં? મેં પાર્લરવાળીને બોલાવેલી તે બે હાથના ૨૦૦૦ લેત, તમને તો ૧૦૦૦ જ આપું છું!’

બસ, પછી તો મેંદી મૂકવાનું કામ જ આજીવિકા બની ગયું... બ્યુટીપાર્લરવાળા સાથે કૉન્ટૅક્ટ કેળવીને આજે તો મુંબઈની સેલિબ્રિટી ગણાતા મેંદી આર્ટિસ્ટ્સની ટીમમાં પોતે જાય છે. ફિલ્મી નટીથી અંબાણી જેવા બિઝનેસ હાઉસનાં ફૅમિલી ફંક્શન્સમાં જવાનું બન્યું છે.

આજે જ્યાં જવાનું છે તે નીરવભાઈ પણ જાણીતા ગુજરાતી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ છે. જુહુમાં તેમનો પ્રાઇવેટ સ્વિમિંગ-પૂલવાળો વિશાળ બંગલો છે. તેમની એકની એક દીકરી સ્નેહાનાં આવતા અઠવાડિયે લગ્ન છે. આજે ત્યાં મેંદીનું ફંક્શન રાખ્યું છે. ખરેખર તો ૪ દિવસનો પ્રોગ્રામ છે. આજે અને કાલે સગાંઓને અને ફૅમિલી ફ્રેન્ડ્સને મેંદી મૂકવાની છે. પછી દુલ્હનની માતા નંદિનીબહેન, માસી, મામી, ફોઈનો વારો અને છેલ્લે દુલ્હનની મેંદી જે સેલિબ્રિટી આર્ટિસ્ટ નયનાબહેન પોતે મૂકશે.

મેંદી મૂકનારી મારા જેવીના પોતાના હાથમાં લગ્નની મેંદી મુકાય એ તો બન્યું નહીં.

હળવા નિ:શ્વાસભેર તેણે ગતખંડની કડી સાંધી:

ગામમાં પંચાતિયા જીવોની અછત નથી. કોતરમાં જતાં અમને કોઈ જોઈ ગયું ને અમારી પ્રીત વગોવાઈ ગઈ. બાપુએ પહેલાં તો માન્યું જ નહીં, મારી પૂછપરછ પણ ન કરી એટલો વિશ્વાસ દાખવનાર પિતાને અંધારામાં કેમ રાખવા!

એ રાતે વાળુ કરતાં મેં હામ ભીડી : તું રૂઠે નહીં તો એક વાત કહું બાપુ? હું કોતરમાં અમરા હારે જાઉં ઈ હાચું છે.

હેં! બાપુના હાથમાંથી કોળિયો વચકી પડ્યો. ખિજાણા તો તે ત્યારેય નહીં. બસ, છાતીએ હાથ ભીંસતા એટલું જ બોલ્યા : અરેરેરે... છોરી તેં આ શું કર્યું!

‘તારા ઉછેરને મેણું રહી જાય એવું મેં કાંઈ નથી કર્યું બાપુ. અમરો એવો છે જ નહીં બાપુ કે મને ડગલું ચૂકવા દે.’ કહેતાં મારી પાંપણ છલકાઈ, ‘આજ સુધી તેં માગ્યા વિના મને બધું જ આપ્યું બાપુ, આજે પહેલી વાર કંઈક માગું છું... અમરા સાથે મારો હથેવાળો કરી દે બાપુ, તેના વિના હું નહીં જીવી શકું!’

- ત્યારે બાપ તો માની ગયો, પણ પંચ ન માન્યું...

સીમાએ પરાકાષ્ઠા વાગોળી:

અમરને મળી-જાણીને જીવણભાઈને સંતોષ થયો. દીકરીનાં પ્રેમલગ્નમાં તેમનો રાજીપો ભળ્યો, પણ ન્યાતની કન્યા પરપ્રાંતીય જુવાનને પરણે એ બિરાદરીના મોવડીઓથી સહ્યું ન ગયું. સીમા જેવી રૂપાળી વહુ લાવવાના ઓરતા સેવતી બાઈઓ અને જુવાનિયાઓએ એમાં પેટ્રોલ છાંટ્યું : ન્યાતની સારી-સારી છોકરીઓ આમ પરપ્રાંતીયોને વરતી થઈ તો જ્ઞાતિના છોકરાનો ભાવ કોણ પૂછશે? આજે એકને છૂટ આપશો તો કાલે એ પ્રથા બની જવાની... નહીં, કોઈ પણ હિસાબે આ લગ્ન રોકો!

ન્યાતબહાર મૂકવાની ચીમકીને પણ જીવણભાઈ ઘોળીને પી ગયા ત્યારે મોવડીમંડળ ધાકધમકી પર ઊતરી આવ્યું : આનો અંજામ સારો નહીં હોય જીવણ! આપણે છોકરીઓને બીજી ન્યાતમાં જવા દેતા નથી. એવું કરનારા કેટલાયનાં લોહી કાવેરીમાં ભળ્યાં છે. એમાં તારે ઉમેરો કરવો હોય તો જ લગ્ન લેજે!

અરે, સીમાના મામાઓએ લગ્નનો વિરોધ કર્યો, પણ જીવણભાઈ તોય ન ગાંઠ્યા. આંગણામાં મંડપ બંધાયો. બાજુના ગામથી પંડિત તેડાવ્યા.

- પણ સવારના ૧૦ વાગ્યાનું મુરત વીત્યાનેય બે કલાક થયા તોય અમર ન દેખાયો! જીવણભાઈએ તાલુકે ફોન કરતાં ધ્રાસકાના ખબર મળ્યા : અમરભાઈનું ઘર ખુલ્લું છે, ઝપાઝપી થઈ હોય એમ બધું વેરવિખેર છે, પણ અમરભાઈનો પત્તો નથી!

હેં!

બાપ-દીકરી અમરના ઘરે દોડી ગયાં. ફળિયાથી સહેજ અલાયદું બેઠા ઘાટનું રળિયામણું મકાન હતું. આગળ આંગણું, પાછળ વાડો. લગ્નના ઘરની સજાવટ વેરણછેરણ હતી. ફૂલોનાં હાર-તોરણ વીંખાઈ ગયાં હતાં, ઘરમંદિર ઊંધું પડી ગયેલું, અમરનાં માતા-પિતાની છબિ ફર્શ પર તૂટીને પડી હતી. અરે, અંગત કક્ષના પલંગ પર પણ કુહાડીના ઘા દેખાયા.

‘અડધી રાતે એક જીપ આવી. એમાંથી બુકાની બાંધેલા ચાર-છ જુવાનિયા હથિયાર સહિત ઊતર્યા... અમર બહાદુરીથી લડ્યો, પણ પછી તેના માથામાં ડાંગનો ઘા કરીને બેહોશ બનેલા અમરને ટીંગાટોળી કરીને એ લોકો જીપમાં લઈ ગયા...’

બાજુના ફળિયામાં રહેતાં માજીએ દબાતા સાદે જાણકારી આપી, ‘શેરીમાં બધાને ખબર છે, પણ કોઈ કહેશે નહીં. અમરનાં લગ્નમાં તમારી બિરાદરીના વિરોધ વિશે સૌ જાણે છે, અમે અમરને બચાવવા પડીએ તો બે ગામ વચ્ચે વેર થઈ જાય...’

એટલે નપુંસકની જેમ અહીંના મરદો એક નિર્દોષ જુવાનનું હરણ થતું જોઈ રહ્યા? આક્રોશભેર સીમાએ હાથની ચૂડીઓ કાઢીને ફળિયામાં ફેંકી : ભીમગઢની દાવડી શેરીના પાવૈયાઓ, હાથમાં બંગડી પહેરજો, તમે એને જ લાયક છો!

ત્યાં રોષ ફેંકનારી સીમા ગામ આવીને મોવડીઓને કરગરી હતી : હું અમરને પરણવાની જીદ મૂકું છું; બસ, તેને હેમખેમ છોડી દો...

‘ગાંડી થઈ છે છોરી?’ પેટનું પાણી ન હાલતું હોય એમ મુખિયા નંદનલાલે હુક્કો ગગડાવ્યો, ‘દુશ્મનને તે જીવતો છોડાય! તેને તો છોકરાઓએ બેહોશ કરી હાથ-પગ બાંધી અડધી રાતનો કાવેરીના ઉપરવાસમાં વહાવી દીધો! ભલું હશે તો મગરો તેને પેટમાં પધરાવી પણ ચૂક્યા હશે...’

ન...હીં! સીમાની ચીસ ગળામાં જ રૂંધાઈ ગઈ. મેંદીવાળા અડવા હાથને ફાટી આંખે તાકી રહી : સાસરીના ફળિયામાં મેં મારા હાથે ચૂડીઓ ઉતારી એ અમંગળ ભાવિનો સંકેત હતો?

ના... ના... મારે નકારાત્મક વિચારવું જ નથી. અમર કુશળ તરવૈયો છે, તેને કંઈ નહીં થાય....

બાપ-દીકરી ઉપરવાસથી કાંઠે-કાંઠે ફરી વળ્યાં, પણ ક્યાંયથી કોઈ સગડ ન સાંપડ્યા. બારમાસી નદીમાં પુરજોશ વહેણ હોય છે, અમરને એ છેક અરબી સમુદ્રમાં તાણી ગયું હોય તોય નવાઈ નહીં.

મોવડીમંડળ વિરુદ્ધ ફરિયાદ પોલીસ લેશે પણ નહીં, પણ અમરના મિસિંગની ફરિયાદ જીવણભાઈએ લખાવી અને થાણાએ નોંધી પણ ખરી. ચોથા દિવસે જમાદાર ઘરે આવ્યો : તાલુકાની હૉસ્પિટલમાં જવાનું છે, એક લાશ મળી છે!

સીમાએ માંડ-માંડ જાતને સંભાળી.

જોકે હૉસ્પિટલમાં પહોંચીને નિરાશ થવું પડ્યું. એ લાશ પણ ક્યાં હતી? ખરેખર તો મગરે ફાડી ખાધેલા શરીરના ક્ષતવિક્ષત ટુકડા હતા. ચહેરાની કે અંગની કોઈ ઓળખ સલામત નહોતી.

‘બ્લડ-ગ્રુપ અમરના તાલુકાના ઑફિસ-રેકૉર્ડ સાથે મૅચ થાય છે... વી આર સૉરી.’

સાંભળીને સીમા મૂર્છા ખાઈને ઢળી પડી.

ભાંગી પડેલી દીકરીને બાપે સાચવી : અમરની પાછળ તને મરવાનું મન થતું હશે; પણ તારા આ લાચાર બાપને જોઈને જીવજે દીકરી, હાથ જોડીને એટલું જ માગું છું!

lll

- અને હું જીવી ગઈ... જોકે ગામમાં અમરની યાદો હતી, પ્રીતમના રહેંસાયાનું દર્દ હતું એટલે પિતાએ ખેતી-ઘર વેચીને મુંબઈની વાટ પકડી લીધી.

સીમા સાંભરી રહી:

ન કોઈએ તેમને વાર્યા, ન કોઈએ સહાનુભૂતિના બે બોલ સુધ્ધાં કહ્યા. ગામની દીકરી પરન્યાતના જુવાનને ચાહે અને એ જો બધાં લક્ષણે લાયક હોય તો તેમનાં પ્રેમલગ્નમાં કયું આભ તૂટી પડવાનું કે એનો આવો હિંસાત્મક વિરોધ કરવો પડે? માવતરને ન્યાતબહાર મૂકવાં પડે? વરસોના સંબંધ, મિત્રતા બધુંય આ એક ફેંસલામાં ધોવાઈ જાય?

ટાંગામાં સ્ટેશન જતાં જોયું તો વડલાના ચોતરે પંચ બેઠું છે. ઘોડાગાડી અટકાવીને સીમા તેમના તરફ ગઈ.

‘હું ગામની દીકરી આજે દુભાઈને જાઉં છું. જો અમર સાથેની મારી પ્રીત સાચી હોય, મારા બાપનાં હેત સાચાં હોય તો મારી આટલી વાત ફળજો : આ ગામમાં હવે પછી કોઈ દીકરી નહીં જન્મે!’

lll

સીમાએ નિ:શ્વાસ ખાળ્યો. બોલતાં બોલાઈ ગયું, પણ પછી ગામની દિશામાં જોયું પણ કોણે!

નવા વાતાવરણમાં જીવ ગોઠવાતો ગયો. વ્યાજની આવકને કારણે આજીવિકાનો પ્રશ્ન નહોતો, પણ મેંદી મૂકવાની પ્રવૃત્તિ વ્યસ્ત રાખતી એનો પિતાજીને પણ આનંદ.

આખરી દિવસોમાં તેમને મારી ચિંતા હતી : દીકરી, હું પણ જવાનો, પણ તું જીવન માણજે. ઉદાસ, દુખી રહીશ તો મને અને અમરને પણ નહીં ગમે!

અત્યારે સીમાએ દીવાનખંડમાં શોભતી પિતા અને અમરની તસવીર તરફ નજર નાખી : જુઓ, હું જિંદગી માણું છુંને! સારું પહેરું-ઓઢું છું, હરું-ફરું છું, ગમતું કામ કરું છું... તમે એથી ખુશ હશો, મને એનો સંતોષ છે!

***

‘આ...હ!’

સ્વિમિંગ-પૂલની પાળીએ હાથ મૂકીને રેવતી-કામિની હાંફી રહી. બબ્બે છોકરીઓ સાથે જુવાને પૂલમાં આદરેલી મસ્તી હવે આક્રમક વળાંકે પહોંચી ચૂકી હતી. કર્જતના ફાર્મહાઉસમાં અમને બેને તેડાવનાર નિર્વાણનું જોમ નિરાળું છે.

આ ફાર્મહાઉસ સુપરરિચ ને એવા જ હૅન્ડસમ નિર્વાણનું છે. એક ડેટમાં બે એસ્કોર્ટને તેડાવનારો નિર્વાણ આજે સાંજે અમે બેઉ સાથે જ અહીં આવ્યા ત્યારે પૂલસાઇડની બેઠકે અડધો ઉઘાડો થઈને બિઅર પી રહ્યો હતો... ના, અમારી ડેટ એક જ જુવાન સાથે છે એ તો અમે બન્ને જાણતાં હતાં, અમારા ધંધામાં એનો છોછ રાખવો પરવડે પણ કેમ!

‘હાય સ્વીટીઝ! ડાઉન યૉર ક્લોથ્સ ઍન્ડ કમ હિયર!’

થોડો સંકોચ થયો, પણ ક્લાયન્ટને પ્લીઝ કરવાનો તો અમારો ધંધો છે... આમ એરિયા ખુલ્લો ગણાય, પણ આસપાસની ગાઢ વનરાજીમાં કોઈથી ડોકિયું થાય એમ પણ ક્યાં છે? અને ફાર્મહાઉસમાં વૉચમૅન સિવાય સ્ટાફમાં બીજું કોઈ છે નહીં. માલિકની પ્રાઇવસીમાં દખલ ન દેવા જેટલી સેન્સ તો તેને પણ હશે.

પછી અમે ત્રણેએ મજા જ કરી. નૉનવેજ જોક્સ, શારીરિક અડપલાં, શરાબના જામ... એ પણ જાણ્યું કે નિર્વાણ આવતા અઠવાડિયે પરણી રહ્યો છે. ૪ દિવસ પછી ગોવામાં હૉટ બૅચલર પાર્ટી પ્લાન કરી છે, પાંચમા દિવસે જુહુની ક્લબમાં વર-કન્યા પક્ષની સહિયારી સંગીત સેરેમની છે. અને પછીના દિવસે લગ્ન...

‘સુહાગરાત અહીં પૂલમાં જ મનાવશો?’ નિર્વાણના ઉઘાડા બદન પર હાથ પસવારતાં રેવતી હસેલી.

‘હોતું હોય!’ નિર્વાણ હસ્યો, ‘આ તો મારો રંગમહેલ છે પ્યારી, અહીં તો તારા જેવી બાઈઓને બોલાવીને મજા કરતો હોઉં છું... અને એ મોજ લગ્ન પછી પણ આમ જ ચાલુ રહેવાની છે!’

- અને ધારો કે તમારી સ્ત્રી

કોઈ એસ્કોર્ટને તેડાવીને મજા માણવા માગે તો?

આવું પૂછવાનો જોકે અર્થ નહોતો. પુરુષ ગમે એટલો વ્યભિચાર આદરે, પત્ની તો તેને સતી સાવિત્રી જેવી જ જોઈએ... હિપોક્રેટ!

જોકે અમે અહીં ઉપદેશ આપવા નથી આવ્યા... અને મજાની પરાકાષ્ઠા ઢૂંકડી હોય એમ જુવાનની હરકતો ઉગ્ર બનવા માંડી. ઉન્માદક ચિત્કારોથી રેવતી-કામિની તેને ઉશ્કેરતી રહી. ત્યારે ત્રણેને જાણ નહોતી કે કોઈની નજર તેમની ઐયાશી પર છે અને એ વિડિયોમાં કેદ થઈ રહી છે!

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff