લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ ૪)

07 May, 2026 02:38 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

વાર્તાનું આખું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

સીમા હવે સજાગ હતી.

‘એક બાજુ તું તારાં લગ્ન પહેલાં નણંદ પરણી ચૂકેલી એમ કહે છે અને બીજી બાજુ તેના પ્રેમપ્રકરણનું કહે છે.’

‘તે કેમ, પરણેલી બાઈને પ્રેમ ન થાય!’ વ્યંગમાં મલકીને રક્ષાએ ઉમેર્યું, ‘નણંદે છિનાળું કર્યું એમ તો મારાથી ન કહેવાયને!’

પછી ઇડલીનો ટુકડો સાંભારમાં ઝબોળતાં તે બોલી ગઈ, ‘શોભાબહેનના સાસરે આમ તો બધું સારું જ હતું, પણ બંધ ઓરડામાં પતિ-પત્ની વચ્ચે કેવાં સુખ-સંતોષ રહે છે એ ત્રીજું તો કેમ કહી શકે? શોભાનો દાવો છે કે બનેવીલાલમાં કસ નહોતો એટલે પોતાની તૃપ્તિ માટે તેની નજર કાકાસસરાના અપરિણીત દિયર પર પડી. કસરતી સ્વભાવના હિંમત સાથે દિલ્લગી કરતા રહીને તેણે ધરી રચી, જુવાન લોહીને ઉશ્કેરીને શોભાએ તેને પરવશ કર્યો ને પછી તો દિયર-ભોજાઈ લીલા કરવાના મોકા ખોજતાં રહેતાં. આમ ને આમ વરસ-બે વરસ વીત્યાં અને એક દિવસ ન બનવાનું બની ગયું...’

સીમા ટટ્ટાર થઈ : આડા સંબંધની કથાનો અંત ભાગ્યે જ સીધો હોવાનો!

‘ખુદ બનેવીલાલે શોભા-હિંમતને કઢંગી અવસ્થામાં ઝડપી પાડ્યાં. સ્વાભાવિકપણે પુરુષ માણસનો પિત્તો ગયો, રૂમમાં પડેલું ધારિયું ઉઠાવીને તે પલંગ તરફ ધસ્યા ને સિંહને જોઈને હરણું કૂદીને ભાગે એમ હિંમત કપડાં સમેટી બારી કુદાવીને ભાગ્યો... તે ગભરાઈ ગયો હતો. બની શકે કે ભાઈએ શોભાને મારી નાખી હોય, ઘરમાં અમારું અફેર કહી દીધું તો હું શું મોં બતાવીશ? આવા ધંધા કરતો હતો એટલે લગ્ન માટે ઇનકાર કરતો રહ્યો એમ કહીને બાપુ કાન પકડશે તો હું શું કહીશ? આવું-આવું વિચારીને તેણે કાવેરીમાં પડતું મૂકી દીધું!’

હેં!

‘આ એ જ સમયગાળો જ્યારે પોલીસ ગુમશુદા અમરની તલાશ કરતી હતી...’

‘તેમને મગરે ફાડી ખાધેલું ક્ષતવિક્ષત બૉડી મળ્યું અને બ્લડ-રિપોર્ટના આધારે માની લેવાયું કે તે અ...મ...ર...’ સીમાના કંઠે ડૂમો બાઝ્યો.

‘તે અમર નહોતો સીમા, તે હિંમત હતો!’

ધડાકો કરીને રક્ષાએ કાંડાઘડિયાળમાં જોયું : પોતે અહીં જેઠ-જેઠાણી ભેગી સોશ્યલ ફંક્શનમાં આવી છે, વહેવાર માટે એક-બે વસ્તુ લેવા બજાર નીકળી’તી એ સીમાને જોતાં ભૂલી જવાયું... પણ હવે મારે નીકળવું જોઈએ, નહીં તો જેઠાણીને મહેણું મારવાનો મોકો મળી જશે!

‘બનેવીલાલે શોભાને મારી જરૂર, પણ શોભાએ પણ પતિને મર્દાનગીનું મહેણું મારતાં પતિ-પત્નીએ સમાધાનભરી ચુપકી સાધી લીધી. જોકે હિંમતની ગેરહાજરી ઘરના માટે પ્રશ્નાર્થ બની ગઈ. શોધખોળ ચાલી. કોઈએ તેને નદી તરફ જતાં જોયો હશે એટલે એ દિશામાં માણસો દોડ્યા. ત્યાં અમરવાળા ખબર મળ્યા. તે અમર હોવાની ખાતરી કેવળ બ્લડ-ગ્રુપથી થઈ. એ બ્લડ-ગ્રુપ તો હિંમતનું પણ હતું! ક્યાંક પોલીસ હિંમતને તો અમર નથી સમજીને! આવા સંદિગ્ધ કેસમાં મરનારનાં સૅમ્પલ વર્ષ સુધી સાચવી રાખવાનો નિયમ છે એના આધારે મારા સસરાજીએ વગ વાપરીને DNA ટેસ્ટ કરાવી અને કન્ફર્મ થયું કે એ અવશેષ હિંમતના હતા!’

‘ઓહ... DNA ટેસ્ટ તો ત્યારે અમને સૂઝી પણ નહી’ઃ સીમા સ્તબ્ધ હતી, ‘પછી તારી નણંદનું શું થયું?’

‘શોભાના સાસરે કોઈને છાનગપતિયાની જાણ ન થઈ, પણ હિંમતની વરસી પછી શોભાને લઈને અમારે ત્યાં આવેલા જીજાજીએ બહુ ખરાબ શબ્દોમાં તેની કામલીલા કહીને ભાઈના કમોતનો અફસોસ જતાવ્યો હતો : ભાઈના જવાથી ભાંગી પડેલા મારા પરિવારને સત્ય કેમ કહું! પણ તમારી લાડલીને શરીરસુખની એટલી જ ચળ હોય તો રાખો એ શંખિણીને તમારા ઘેર...’ બિલ ચૂકવીને રક્ષાએ ઉમેર્યું, ‘મારાં સાસુએ ધીબેડીને ધરાર દીકરીને સાસરે મોકલી... પછી તો તેમને છોકરા પણ થયા. અલબત્ત, હિંમતના અંજામનો અફસોસ શોભાના હૈયે આજે પણ હોય ખરો, સ્ત્રીના ભીતરને કોણ પામી શક્યું છે!’

રક્ષા ઊભી થતાં અટકી, ‘લાશ હિંમતની હોવાનો ખુલાસો થયો એ પહેલાં તમે ગામ છોડી ચૂકેલાં અને કોઈ સંપર્ક રાખ્યો નહોતો એટલે જાણ પણ કેમ કરવી? જોકે ગામમાં ઘણા માને છે એમ મને પણ હતું કે અમર તમને મળ્યો હશે અને જીવાકાકાએ દીકરીને તે પરપ્રાંતીય સાથે પરણાવી પણ હશે...’ કહીને નિ:શ્વાસ નાખ્યો, ‘પણ એવું થયું નથી એનો બીજો અર્થ એ જ સીમા કે તે ખરેખર નદીમાં ડૂબી કે તણાઈ ચૂકેલો. બિચારાની લાશ પણ ન મળી!’

સીમાને એટલું વસમું લાગ્યું કે બહેનપણીને બિલ ન ચૂકવવાનો કે આવજે કહેવાનો વહેવાર પણ ચૂકી જવાયો.

આ કેવું! અમરના જીવિત હોવાની ઉમ્મીદ જાગી, પણ એવું હોય તો તે બબ્બે દાયકાથી ગાયબ શું કામ રહે એ સવાલે તેના મૃત્યુની જ સંભાવના ઉજાગર કરી દીધીને!

-પણ સંભાવના જ માનવી હોય તો મૃત્યુની શું કામ માનવી! શક્ય છે નદીમાં તણાતો તે બેહોશીમાં કોઈ અજાણ કાંઠે પહોંચ્યો હોય અને હજી પણ કોમામાં હોય! કે પછી યાદદાસ્ત ગુમાવી બેઠો હોય... કે પછી ગામ ગયો પણ હોય ને અમારી ભાળ ન મળતાં તે પણ ક્યાંક આવી જ ગુમનામ જિંદગી વિતાવતો હોય!

ઓહ, અમર હયાત હોય તો મારે તેને ક્યાં શોધવો!

lll

‘આજે તમે બહુ ખુશમાં લાગો છો સીમાબહેન.’

બીજી બપોરે મેંદી માટે નીરવભાઈના બંગલે પહોંચતાં સ્નેહા સામે જ મળી. છોકરીએ મારી ખુશી કેવી પારખી! અમર જીવિત હોવાની સંભાવના સ્વીકાર્યા પછી ઘરે જઈને સીમાએ પહેલું કામ અમરની તસવીર પરથી સુખડનો હાર ઉતારવાનું કર્યું હતું. અમરને કેમ શોધવો એ સમજાતું નહોતું, પણ જેમ અમરના મૃત હોવાની ભ્રમણા ભાંગી એમ જીવિત એવો અનાયાસ સદેહે સામે આવી જશે એ આશાએ બે દાયકા પહેલાંની સીમાને જાણે સજીવન કરી દીધી હતી. વરસો પછી શણગાર પણ મન મૂકીને સજ્યા એટલે પણ જાણે ઉંમર પાંચ-દસ વરસ ઘટી ગઈ હોય એવું ખુદને લાગતું હતું.

સ્નેહાએ એનો જ પડઘો પાડ્યો હોય એમ સીમા મલકી, ‘કાલે મને એક લેસન મળ્યું સ્નેહા. જિંદગીમાં ચમત્કાર કોઈ પણ ક્ષણે થઈ શકે છે એટલે કદી આશ ન છોડવી.’

સીમાના શબ્દોમાં ભેદ લાગ્યો સ્નેહાને કે પછી દીદી મને દેવવ્રતને પામવાની આશ ન છોડવાની સમજ આપી ગયાં!

lll

‘અરે...અરે!’

મેંદી માટેના શામિયાણામાં હોહા થઈ ગઈ. સ્નેહાની દૂરની કઝિન મેંદી મુકાવતી હતી એનો લાભ લઈને પૂલ આગળ રમતો તેનો ૪ વર્ષનો દીકરો પાણીમાં ખાબક્યો હતો.

બીજા હાંફળા-ફાંફળા થતા હતા ત્યારે સીમાએ દોટ મૂકીને પૂલમાં ઝંપલાવ્યું. છોકરાને તો તેણે કેડમાંથી પકડીને હવામાં અધ્ધર રાખ્યો, પણ તેને ખુદને તરતાં ક્યાં આવડતું હતું?

અને...

સીમાએ કમર ફરતે કોઈના મજબૂત હાથની પકડ અનુભવી. કોઈ જાણે કાનોમાં બોલ્યું : તરતાં નથી આવડતું તો પાણીમાં ખાબકો છો શું કામ!

ફરી એ જ સ્પર્શ, ફરી એવા જ શબ્દો.

સીમાને સમાધિ લાગી ગઈ. વરસો અગાઉ મેળામાં જતી વેળા નાવડીમાંથી આમ જ બાળકને બચાવવા પોતે કાવેરીમાં ઝંપલાવ્યું હતું અને અમરે આમ જ મને ઉગારી હતી...

અ...મ...ર!

સીમાની આંખો ખૂલી ગઈ.

‘હાશ, તમને હોશ આવ્યા!’ મંદિરાબહેને હાશકારો જતાવ્યો. સ્નેહાએ કાઢો ધર્યો : પી જાઓ, ગરમાટો આવશે.

સીમાએ આમતેમ જોયું. બધી મહિલાઓ જ હતી. શરીર પર ભીનાં વસ્ત્રોને બદલે રેશમી ગાઉન હતો. મતલબ હું ખાસ્સો સમય બેહોશ રહી એમાં અમર સરકી ગયો!

‘તમે હિંમત કરી બેન અને તમને બચાવવા સ્નેહાના સાસરેથી આવેલો સેવક કૂદી પડ્યો!’

ખરેખર તો મેંદી નિમિત્તે સ્નેહાની સાસુએ શૉફર સાથે મીઠાઈ-ફ્રૂટ્સના કરંડિયા મોકલ્યા હતા. મંદિરાબહેનને પૂછતો તે શામિયાણામાં કદમ મૂકે છે કે સ્વિમિંગ-પૂલનું દૃશ્ય જોઈને પાણીમાં ખાબક્યો.

‘બિચારો ભીંજાયેલો હતો, જનાનામાં ઊભા રહેતાં જગતને સંકોચ પણ થયો હશે એટલે સડસડાટ નીકળી ગયો...’

જગત. અજાણ્યું નામ કાને પડતાં સીમાએ નિ:શ્વાસ નાખ્યો : હાસ્તો, મારો અમરો હોત તો તે આમ સરકી ઓછો જાત!

lll

‘આ વળી નવું!’

કાંતાબહેને ફોન મૂકીને પતિને નિહાળ્યા, ‘મંદિરા વેવાણનો ફોન હતો. કહે તમે શૉફર સાથે મેંદી નિમિત્તે મીઠાઈ-ફ્રૂટ્સ મોકલાવ્યાં એ બદલ આભાર... મેં પણ મભમ રાખીને સાંભળી લીધું, પણ મેં જગતને ત્યાં મોકલ્યો નથી. મારા નામે આવો વહેવાર કોણે કર્યો?

‘કોઈએ નહી.’ બળવંતરાયે કુશળ વેપારીની સૂઝથી કોયડો ઉકેલી નાખ્યો, ‘વેવાણે તેમના ગેસ્ટ્સમાં પ્રભાવ પાથરવા મોટાઈ મારી, બીજું શું!’

‘ઓ...હ.’ કાંતાબહેનને ગડ બેઠી, ‘વેવાણ ભારે ચતુર.’

‘છોકરી પણ ડાહી છે.’ બળવંતરાયે અણગમો દાખવ્યો, ‘હવે તમારા કુંવરને પણ કહેજો કે ચૂપચાપ તેની લગામ વહુને સોંપી દે. છુટ્ટા ઘોડાની જેમ બહુ ફરી લીધું, સમજ્યાને!’

હકારમાં ડોકું ધુણાવીને કાંતાબહેને પતિને ટાઢા રાખ્યા.

એકનો એક દીકરો લાડકોડમાં ઊછર્યો. એમાં ચડતી જવાનીમાં શરાબ-શબાબનો સંગ માણતો થઈ ગયો એ બહુ મોટી વાત ન ગણાય... પણ પતિને એ બધું નથી ગમતું. બાપ-દીકરા વચ્ચે મારે બૅલૅન્સ જાળવી રાખવું પડે છે એમ જરૂર પડે તો વહુ-દીકરા વચ્ચે પણ રાખીશ, કંઈ મારા લાલને રોકતી-ટોકતી હોઈશ!

lll

‘સીમાબહેન, આ તમારા માટે છે.’

બંગલેથી નીકળતી વેળા ગેટમૅને સીમાને રોકીને લેધરનું પાઉચ પકડાવ્યું, ‘પેલો શૉફર આપી ગયો.’

સ્નેહાના સસરાનો ડ્રાઇવર મારા માટે આ શું છોડી ગયો?

સીમાએ પાઉચ ખોલ્યું તો પેનડ્રાઇવ સાથે નાનકડી ચિઠ્ઠી હતી:

મીઠાઈનું તો બહાનું હતું, ખરેખર તો સ્નેહાના માવતરને મળીને આ પેનડ્રાઇવ આપવા કર્જતથી અહીંનો ધક્કો ખાધો, પણ પૂલની ઘટના પછી રોકાવાય એમ નહોતું... આમાં સ્નેહાના મંગેતર નિર્વાણની બદચલનીનો પુરાવો છે. અબ આપકે હવાલે!

ડાબી હથેળીમાં પેનડ્રાઇવ ભીંસીને જમણા હાથમાં પકડેલો કાગળ ફરી-ફરીને વાંચતી સીમાની આંખોમાં ગંગા-જમના વહેવા લાગી.

આટલાં વરસે પણ અમરના અક્ષર ઓળખવામાં હું થાપ ખાઉં!

તે અમર જ હતો... ફરી મને ડૂબતી બચાવનારો અમર જ હતો!

‘સીમાબહેન, શું થયું?’ પૉર્ચમાં ઊભી સ્નેહા પૂછતી હતી.

‘સ્નેહા...’ સીમાએ તેના તરફ દોટ મૂકી, ‘મારે તત્કાળ કર્જત જવું પડે એમ છે...’

‘કર્જત!’ સ્નેહાને નવાઈ લાગી, ‘ત્યાં કોને ત્યાં? આઇ મીન, મારા મંગેતરનું ફાર્મહાઉસ પણ ત્યાં છે.’

સીમાને ક્લુ મળી ગઈ, ‘બસ, તો માની લો ત્યાં જ જવું છે.’

‘પણ નિર્વાણ ત્યાં નહીં હોય... તે તો બૅચલર પાર્ટી માટે સવારે જ ગોવા જવા નીકળ્યો.’

‘મારે નિર્વાણનું કામ પણ નથી. તમે એક કાર અરેન્જ કરાવી શકશો, પ્લીઝ?’

સ્નેહાને અર્જન્સી સમજાઈ નહીં, પણ આજે પૂલની ઘટના પછી સીમાને ઇનકાર હોય જ નહીં.

- અને ત્રીજી મિનિટે સીમાને લઈને કાર નીકળી.

lll

મ્યુઝિકલ ઈવનિંગ.

નિમંત્રણપત્રિકા પર હાથ ફેરવીને દેવવ્રતે ઇન્વાઇટ બાજુ પર મૂક્યું. જુહુની ક્લબમાં થનારી ઇવેન્ટમાં નિમંત્રિતોને જ પ્રવેશ હશે એટલે તો પોતે ઇવેન્ટ-પ્લાનર થ્રૂ આ એક કાર્ડનો બંદોબસ્ત કરી રાખ્યો. તેને જુદું બહાનું આપેલું : મારા ફ્રેન્ડને ત્યાં મૅરેજ આવે છે, તેણે મને પ્લાનર રેકમન્ડ કરવા કહ્યું છે, તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હો એનું ઇન્વાઇટ મળે તો મે બી મારો સ્ટાફ તમારી સર્વિસ એક્ઝામિન પણ કરી શકે...

તેમણે આપેલાં ચારેક ઇન્વાઇટમાં મારા કામનું તો આ એક જ! અલબત્ત, પોતે દેવવ્રત તરીકે જાય તો-તો ફૅન્સ ઓળખી કાઢે એટલે સરદારજીનો વેશ લઈને જવાનું નક્કી ઠેરવ્યું છે... મારી મેહબૂબાનાં લગ્નની દરેક વિધિમાં હું હાજર રહેવાનો, તેના સુખ માટે દુવા કરવાનો, એ પણ મહોબ્બત જને!

lll

સીમાની કારે કર્જતના ફાર્મહાઉસનો આખરી વળાંક લીધો ત્યારે આભમાં અંધારું પ્રસરી ચૂક્યું હતું. ચારે તરફ ડરામણો સન્નાટો હતો.

(આવતી કાલે સમાપ્ત)

columnists Sameet Purvesh Shroff gujarati mid day exclusive